

નમસ્કાર
હું, સૌ પ્રથમ, મારા હૃદયથી તમને બધાને અભિનંદન આપું છું! હું ખૂબ જ ખુશ છું કે તમારામાંથી કેટલાકને આજે નિમણૂક પત્રો મળી રહ્યા છે. હું તમને આ માટે શુભેચ્છા પાઠવું છું!!
આજે દેશના યુવાનોને સરકારી વિભાગોમાં સામૂહિક રીતે નિમણૂક પત્ર આપવાના અભિયાનમાં મહારાષ્ટ્રનું નામ પણ જોડાઈ રહ્યું છે. ધનતેરસના દિવસે કેન્દ્ર સરકારે 10 લાખ નોકરીઓ આપવાનું અભિયાન શરૂ કર્યું હતું. ત્યારે જ મેં કહ્યું હતું કે આગામી દિવસોમાં વિવિધ રાજ્ય સરકારો પણ આવા જ જોબ ફેરનું આયોજન કરશે. આ શ્રેણીમાં આજે મહારાષ્ટ્રમાં સેંકડો યુવાનોને એક સાથે નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. આજે નિમણૂક પત્રો મેળવનાર યુવક-યુવતીઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી અને નાયબ મુખ્યમંત્રી ભાઈ દેવેન્દ્ર ફડણવીસજીને પણ અભિનંદન આપું છું. આટલા ઓછા સમયમાં રોજગાર મેળાના આયોજનથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્ર સરકાર યુવાનોને રોજગાર આપવા માટે મજબૂત સંકલ્પ સાથે આગળ વધી રહી છે. મને એ વાતનો પણ આનંદ છે કે આવનારા સમયમાં મહારાષ્ટ્રમાં આવા જોબ ફેરોનું વધુ વિસ્તરણ કરવામાં આવશે. મને કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના ગૃહ વિભાગમાં હજારો પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે અને ગ્રામીણ વિકાસ વિભાગમાં પણ ભરતી અભિયાન હાથ ધરવામાં આવશે.
સાથીઓ,
આ સમયે દેશ આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે. દેશ વિકસિત ભારતના લક્ષ્ય પર કામ કરી રહ્યો છે. આ ધ્યેયને હાંસલ કરવામાં આપણા યુવાનોની બહુ મોટી ભૂમિકા છે, તે તમારી છે. બદલાતા સમયમાં નોકરીનું સ્વરૂપ જે રીતે ઝડપથી બદલાઈ રહ્યું છે, સરકાર પણ વિવિધ પ્રકારની નોકરીઓ માટે સતત તકો ઊભી કરી રહી છે. સ્વરોજગાર માટે ગેરંટી વિના લોન આપતી મુદ્રા યોજના હેઠળ સરકારે યુવાનોને 20 લાખ કરોડ રૂપિયાથી વધુની મદદ કરી છે. મહારાષ્ટ્રના યુવાનોએ તેનો ભરપૂર લાભ લીધો છે. સરકાર સ્ટાર્ટ-અપ્સને, નાના પાયાના ઉદ્યોગો - MSME ને તમામ શક્ય નાણાકીય મદદ આપી રહી છે, જેથી યુવાનોને તેમની પ્રતિભા બતાવવાની સંપૂર્ણ તક મળે.
સાથીઓ,
સરકારના પ્રયાસોની સૌથી મહત્વની બાબત એ છે કે રોજગાર અને સ્વ-રોજગાર માટેની આ તકો દલિત-પછાત, આદિવાસી, સામાન્ય વર્ગ અને મહિલાઓ માટે સમાનરૂપે ઉપલબ્ધ થઈ રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોનો પણ ઘણો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં 8 કરોડ મહિલાઓ સ્વ-સહાય જૂથોમાં જોડાઈ છે. આ સ્વ-સહાય જૂથોને રૂ.5 લાખ કરોડની નાણાકીય સહાય આપવામાં આવી છે. હવે આ ગ્રૂપની મહિલાઓ માત્ર પોતાની પ્રોડક્ટ બનાવી રહી નથી પરંતુ અન્ય મહિલાઓને રોજગાર પણ આપી રહી છે.
સાથીઓ,
આજે દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સરકાર જે વિક્રમી રોકાણ કરી રહી છે તેનાથી રોજગારીની નવી તકો પણ સતત ઊભી થઈ રહી છે. જો આપણે માત્ર મહારાષ્ટ્રની જ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ કરોડથી વધુની કિંમતના લગભગ અઢીસો પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે અથવા તો ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે. તમે કલ્પના કરી શકો છો, મહારાષ્ટ્રમાં રેલવે માટે 75 હજાર કરોડ રૂપિયા અને આધુનિક રસ્તાઓ માટે 50 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. સરકાર જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આટલી મોટી રકમ ખર્ચે છે ત્યારે તેના કારણે લાખો નવી રોજગારીની તકો ઊભી થાય છે.
સાથીઓ,
મને ખાતરી છે કે ભવિષ્યમાં, મહારાષ્ટ્રમાં યુવાનો માટે અસંખ્ય રોજગારીની તકો ઊભી થતી રહેશે. ફરી એકવાર, હું એવા તમામ યુવક-યુવતીઓને મારી શુભેચ્છા પાઠવું છું જેમને આજે તેમના નિમણૂક પત્રો મળ્યા છે.
ખુબ ખુબ આભાર.