નમસ્કાર.
હું આસામ સરકારમાં સરકારી નોકરી મેળવનાર તમામ યુવાનો અને તેમના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગયા મહિને હું બિહુ પર આસામ આવ્યો હતો. એ ભવ્ય પ્રસંગની સ્મૃતિ મારાં મનમાં હજુ તાજી છે. તે સમયે જે કાર્યક્રમ થયો તે આસામી સંસ્કૃતિના ગૌરવગાનનું પ્રતિક હતો. આજનો રોજગાર મેળો એ વાતનું પ્રતિક છે કે આસામની ભાજપ સરકાર યુવાનોનાં ભવિષ્ય માટે કેટલી ગંભીર છે. આ પહેલા પણ આસામમાં રોજગાર મેળા દ્વારા 40 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. આજે લગભગ 45 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. હું તમામ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું.
સાથીઓ,
આજે ભાજપ સરકાર હેઠળ આસામ શાંતિ અને વિકાસના નવા યુગનું સાક્ષી બની રહ્યું છે. વિકાસની આ ગતિએ આસામમાં સકારાત્મકતા અને પ્રેરણાનો સંચાર કર્યો છે. મને કહેવામાં આવ્યું છે કે આસામ સરકારે સરકારી ભરતીને વધુ પારદર્શક બનાવવા માટે ઘણાં પગલાં લીધાં છે. વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે 'આસામ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કમિશન'ની રચના કરવામાં આવી છે. અગાઉની પ્રક્રિયામાં દરેક વિભાગના અલગ-અલગ નિયમો હતા. જેનાં કારણે ઘણી વખત ભરતીઓ સમયસર પૂર્ણ થઈ શકતી ન હતી. ઉમેદવારોએ પણ અલગ-અલગ વિભાગોની જગ્યાઓ માટે અલગ-અલગ પરીક્ષાઓ આપવી પડી હતી. હવે આ બધી પ્રક્રિયાઓને ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે. આ માટે આસામ સરકાર ખરેખર અભિનંદનને પાત્ર છે.
સાથીઓ,
આઝાદીના અમૃતકાળમાં આપણે સૌએ આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે. અમૃત કાલનાં આ આગામી 25 વર્ષ તમારા સેવા કાલ માટે પણ એટલાં જ મહત્વપૂર્ણ છે. તમે જ હવે દરેક સામાન્ય નાગરિક માટે આસામ સરકારનો ચહેરો બનશો. તમારું વર્તન, તમારી વિચારસરણી, કામ પ્રત્યેનો તમારો અભિગમ, સામાન્ય જનતા પ્રત્યેની તમારી સેવાની ભાવના, જનતા પર તેની અસર હવે ખૂબ વધારે રહેશે. એટલા માટે તમારે કેટલીક બાબતોનું ખૂબ ધ્યાન રાખવું પડશે. આજે આપણો સમાજ ઝડપથી મહત્વાકાંક્ષી બની રહ્યો છે. એ દિવસો ગયા જ્યારે લોકો મૂળભૂત સુવિધાઓ માટે પણ દાયકાઓ સુધી રાહ જોતા હતા. આજકાલ કોઈ પણ નાગરિક વિકાસ માટે આટલી રાહ જોવા માગતો નથી. ટ્વેન્ટી-20 ક્રિકેટના આ યુગમાં દેશની જનતા ઝડપથી પરિણામ ઈચ્છે છે. અને તેથી સરકારી તંત્રોએ પણ તે મુજબ પોતાની જાતને બદલવી પડશે. દેશના નાગરિકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની સરકારી કર્મચારીઓની પણ મોટી જવાબદારી છે. જે મહેનત અને સમર્પણે તમને અહીં પહોંચાડ્યા છે, તમારે એ જ રસ્તે ચાલીને આગળ વધવાનું છે. તમારે હંમેશા શીખતા રહેવું જોઈએ. આનાથી, તમે સમાજ અને સિસ્ટમ બંનેને સુધારવામાં યોગદાન આપી શકશો.
સાથીઓ,
આજે ભારત તેનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબ જ ઝડપથી આધુનિક બનાવી રહ્યું છે. નવા હાઈવે અને એક્સપ્રેસ વેનું બાંધકામ હોય, નવી રેલવે લાઈનોનું નિર્માણ હોય, નવાં બંદરો-એરપોર્ટ અને જળમાર્ગોનું નિર્માણ હોય, આ પ્રોજેક્ટ્સ પર લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, સરકાર દ્વારા ખર્ચવામાં આવતી રકમ રોજગાર અને સ્વ-રોજગારમાં વધારો કરી રહી છે. ઉદાહરણ તરીકે, જો ક્યાંક કોઇ એરપોર્ટ બનાવવું હોય તો એન્જિનિયરો, ટેકનિશિયન, એકાઉન્ટન્ટ્સ, મજૂરો, વિવિધ પ્રકારનાં સાધનો, સ્ટીલ અને સિમેન્ટની જરૂર પડે છે. એટલે કે એક બાંધકામ સાથે અનેક ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ઊભી થવા લાગે છે. રેલવે લાઈનોનાં વિસ્તરણ કરવાથી અને તેનાં વિદ્યુતીકરણ દ્વારા પણ રોજગારીની તકો ઊભી થઈ રહી છે. ભારત આજે જે મૂળભૂત સુવિધાઓ પર ભાર મૂકે છે અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતામાં વધારો કરી રહ્યું છે તેનાથી પણ દેશના દરેક ખૂણે ખૂણે રોજગારની નવી શક્યતાઓ ઊભી થઈ છે. 2014થી અમારી સરકારે દેશમાં લગભગ 4 કરોડ પાકાં મકાનો બનાવીને ગરીબોને આપ્યાં છે. આ ઘરોમાં શૌચાલય, ગેસ કનેક્શન, નળનું પાણી અને વીજળીની સુવિધા આપવામાં આવી છે. મૅન્યુફેક્ચરિંગ સેક્ટર, લોજિસ્ટિક્સ, કુશળ કામદારો અને મજૂર ભાઈ-બહેનો દ્વારા આ મકાનો બનાવવામાં અને આ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં ઘણી મહેનત કરવામાં આવી છે. એટલે કે જુદા જુદા તબક્કામાં વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો ઊભી થતી ગઈ છે. આયુષ્માન ભારત યોજનાએ પણ રોજગાર નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી છે. આયુષ્માન ભારત યોજનાને કારણે દેશમાં ઘણી નવી હૉસ્પિટલો અને ક્લિનિક્સ બનાવવામાં આવ્યા છે. થોડાં અઠવાડિયાં પહેલાં, મને AIIMS ગુવાહાટી અને 3 મેડિકલ કૉલેજો સમર્પિત કરવાનો લહાવો મળ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આસામમાં ડેન્ટલ કૉલેજનું પણ વિસ્તરણ થયું છે. આ સાથે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનો માટે રોજગારનાં સાધન તૌયાર થયાં છે.
સાથીઓ,
આજે યુવાનો આવાં અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે, જેના વિશે દસ વર્ષ પહેલાં કોઈ વિચારી પણ શકતું ન હતું. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે દેશમાં લાખો પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે. કૃષિ, સામાજિક કાર્યક્રમો, સર્વેક્ષણ અને સંરક્ષણ ક્ષેત્રો માટે, ડ્રોનની વધતી માગે યુવાનો માટે નવી તકો ઊભી કરી છે. આજે દેશમાં જે આત્મનિર્ભર ભારત અભિયાન ચાલી રહ્યું છે તે પણ રોજગારીની ઘણી નવી તકો ઊભી કરી રહ્યું છે. આજે ભારતમાં કરોડો મોબાઈલ ફોન બની રહ્યા છે, દરેક ગામડામાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચી રહી છે, તેનાથી પણ મોટા પાયે રોજગાર અને સ્વરોજગારને પ્રોત્સાહન મળ્યું છે. સરકારમાં કામ કરતી વખતે, તમારે હંમેશા યાદ રાખવું પડશે કે એક યોજના, એક નિર્ણયની અસર લોકોનાં જીવનને કેવી રીતે બદલે છે.
સાથીઓ,
ભાજપ સરકારની નીતિઓને કારણે આજે ઉત્તર પૂર્વમાં મોટી સંખ્યામાં યુવાનો વિકાસની મુખ્ય ધારામાં આવી રહ્યા છે. ભાજપ સરકાર યુવાનોનાં સપના સાકાર કરવા પ્રતિબદ્ધ છે. રોજગાર અને સ્વ-રોજગારની નવી તકો આપીને, અમે નવા ભારતનાં નિર્માણની દિશામાં ઝડપી પગલાં પણ લઈ રહ્યા છીએ. ફરી એકવાર તમને અને તમારા પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન.
આભાર.