નમસ્કાર.
દેશના જળ મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય પરિષદ પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારત જળ સુરક્ષા પર અભૂતપૂર્વ કામ કરી રહ્યું છે, અભૂતપૂર્વ રોકાણ પણ કરી રહ્યું છે. આપણી બંધારણીય વ્યવસ્થામાં પાણીનો વિષય રાજ્યોનાં નિયંત્રણમાં આવે છે. જળ સંરક્ષણ માટે રાજ્યોના પ્રયાસો દેશનાં સામૂહિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ખૂબ મદદરૂપ થશે. આવી સ્થિતિમાં 'વૉટર વિઝન એટ 2047' આગામી 25 વર્ષની અમૃત યાત્રાનું એક મહત્વનું પરિમાણ છે.
સાથીઓ,
આ પરિષદમાં 'સમગ્ર સરકાર' અને 'સમગ્ર દેશ' એનાં વિઝનને ધ્યાનમાં રાખીને ચર્ચા થવી ખૂબ જ સ્વાભાવિક છે અને જરૂરી પણ છે. 'આખી સરકાર'નું એક પાસું એ પણ છે કે બધી સરકારો એક સિસ્ટમની જેમ એક ઓર્ગેનિક એન્ટિટી (સેન્દ્રિય અસ્તિત્વ)ની જેમ કામ કરે. રાજ્યોમાં પણ વિવિધ મંત્રાલયો જેમ કે જળ મંત્રાલય હોય, સિંચાઈ મંત્રાલય હોય, કૃષિ મંત્રાલય હોય, ગ્રામીણ વિકાસ મંત્રાલય હોય, પશુપાલનનો વિભાગ હોય. તે જ રીતે, શહેરી વિકાસ મંત્રાલય, એ જ રીતે આપત્તિ વ્યવસ્થાપન. એટલે કે, સૌની વચ્ચે સતત સંપર્ક અને સંવાદ અને એક સ્પષ્ટતા, વિઝન એ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો વિભાગો પાસે એકબીજા સાથે જોડાયેલી માહિતી હશે, તેમની પાસે સંપૂર્ણ ડેટા હશે, તો તેમને તેમનાં આયોજનમાં પણ મદદ મળશે.
સાથીઓ,
આપણે એ પણ સમજવું પડશે કે સફળતા માત્ર સરકારના એકલ પ્રયત્નોથી નથી મળતી. જે લોકો સરકારમાં છે તેમણે એ વિચારમાંથી બહાર આવવું પડશે કે તેમના એકલાના પ્રયત્નોથી જ ઈચ્છિત પરિણામ મળી જશે. માટે જળ સંરક્ષણ સાથે જોડાયેલાં અભિયાનોમાં જાહેર જનતા, સામાજિક સંગઠનો, નાગરિક સમાજને પણ આપણી સાથે વધુને વધુ જોડવાં પડશે, સાથે લેવાં પડશે. જનભાગીદારીનું એક બીજું પાસું પણ છે અને તે પણ સમજવું ખૂબ જરૂરી છે. કેટલાક લોકો માને છે કે જનભાગીદારી એટલે બધી જવાબદારી લોકો પર થોપવી. જનભાગીદારીને પ્રોત્સાહન આપવાથી સરકારની જવાબદારી ઓછી થઈ જાય છે. વાસ્તવિકતા એવી નથી. જવાબદારી ઓછી થતી નથી. જનભાગીદારીનો સૌથી મોટો ફાયદો એ છે કે આ અભિયાનમાં કેટલી મહેનત કરવામાં આવી રહી છે, કેટલા રૂપિયા ખર્ચાઈ રહ્યા છે તેની ખબર જનતા જનાર્દનને પણ પડી જાય છે. તેનાં કેટલાં પાસાં હોય છે. જ્યારે કોઈ અભિયાન સાથે જનતા સંકળાયેલી હોય છે, ત્યારે તેને કામની ગંભીરતાનો અહેસાસ થાય છે. તેનાં સામર્થ્યની ખબર પડે છે, તેના વ્યાપની ખબર પડે છે, સંસાધનો કેટલા લગાવવામાં આવે છે એની ખબર પડે છે. આનાથી જ્યારે જનતા આ બધું જુએ છે, સંકળાય છે ત્યારે પછી તે આ પ્રકારની યોજના હોય કે અભિયાન હોય, લોકો વચ્ચે માલિકીની ભાવના આવે છે. અને માલિકીની ભાવના એ સફળતાની સૌથી મોટી મૂડી હોય છે. હવે તમે જુઓ છો કે સ્વચ્છ ભારત અભિયાન કેટલું મોટું ઉદાહરણ છે. જ્યારે લોકો સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયા ત્યારે લોકોમાં પણ ચેતના અને જાગૃતિ આવી. ગંદકી દૂર કરવા માટે જે સંસાધનો ઊભાં કરવાનાં હતાં, જે વિવિધ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના હતા, શૌચાલય બનાવવાનાં હતાં, આવાં અનેક કામો સરકાર દ્વારા કરવામાં આવ્યાં. પરંતુ આ અભિયાનની સફળતા ત્યારે પાક્કી થઈ જ્યારે જનતાએ, દરેક નાગરિકે વિચાર્યું કે ગંદકી ન કરવી જોઈએ, ગંદકી ન થવી જોઈએ. નાગરિકોમાં ગંદકી પ્રત્યે નફરતની ભાવના આવવા લાગી. જળ સંરક્ષણ માટે જનભાગીદારીની આ જ વિચારસરણીને હવે આપણે જન-જનમાનસમાં જગાડવાની છે. આ માટે, આપણે જાહેર જનતાને જેટલી વધુ જાગૃત કરીશું, તેટલી જ વધુ અસર ઊભી થશે. જેમ કે આપણે 'જળ જાગૃતિ મહોત્સવો'નું આયોજન કરી શકીએ છીએ. સ્થાનિક કક્ષાના મેળાઓમાં પાણી અંગેની જાગૃતિના ઘણા કાર્યક્રમો ઉમેરી શકાય છે. ખાસ કરીને, નવી પેઢી આ વિષયથી વાકેફ થાય, એ માટે આપણે શાળાઓમાં અભ્યાસક્રમથી લઈને પ્રવૃત્તિઓ સુધીની નવીન રીતો વિશે વિચારવું પડશે. તમે જાણો છો કે દેશ દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણ કરી રહ્યો છે. તમે પણ તમારાં રાજ્યમાં તેમાં ઘણું કામ કર્યું છે. આટલા ઓછા સમયમાં 25 હજાર અમૃત સરોવરો બની પણ ગયાં છે. જળ સંરક્ષણની દિશામાં સમગ્ર વિશ્વમાં આ પ્રકારનું આ એક અનોખું અભિયાન છે. અને આ જનભાગીદારી તેની સાથે જોડાયેલી છે. લોકો પહેલ કરી રહ્યા છે, લોકો એમાં આગળ આવી રહ્યા છે. તેનું સંરક્ષણ થાય, લોકો એમાં જોડાય, આપણે આ દિશામાં સતત પ્રયત્નો વધારવાના છે.
સાથીઓ,
આપણે નીતિનાં સ્તરે પણ પાણીને લગતી સમસ્યાઓના ઉકેલ માટે સરકારી નીતિઓ અને નોકરશાહી પ્રક્રિયાઓમાંથી બહાર આવવું પડશે. આપણે ટેકનોલોજી, ઉદ્યોગો અને ખાસ કરીને સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવવા પડશે, જેથી સમસ્યાઓને ઓળખી શકાય અને તેનું સમાધાન શોધી શકાય. જીઓ-સેન્સિંગ અને જીઓ-મૅપિંગ જેવી ટેકનોલોજીથી આપણને આ દિશામાં ઘણી મદદ મળી શકે છે.
સાથીઓ,
જલ જીવન મિશન' એ દરેક ઘરને પાણી પૂરું પાડવાં માટે તમારાં રાજ્યનો એક મોટો વિકાસ માપદંડ છે. ઘણાં રાજ્યોએ આમાં સારું કામ કર્યું છે, ઘણાં રાજ્યો આ દિશામાં આગળ વધી રહ્યાં છે. હવે આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે એકવાર આ સિસ્ટમ બની ગઈ, તો પછી તેની દેખરેખ પણ એટલી જ સારી રીતે ચાલે છે. ગ્રામ પંચાયતોએ જલ જીવન મિશનનું નેતૃત્વ કરવું જોઈએ, અને કામ પૂર્ણ થયા પછી, તેઓ એ પ્રમાણિત પણ કરે કે પૂરતું અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ થઈ ગયું છે. દરેક ગ્રામ પંચાયત તેનાં ગામનાં કેટલાં ઘરોમાં નળનું પાણી મળી રહ્યું છે તેનો માસિક અથવા ત્રિમાસિક અહેવાલ પણ ઓનલાઇન સબમિટ કરી શકે છે. પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે પાણી પરીક્ષણની સિસ્ટમ પણ વિકસાવવી જોઈએ.
સાથીઓ,
આપણે બધા જાણીએ છીએ કે ઉદ્યોગ અને કૃષિ એ બે ક્ષેત્ર એવાં છે જેમાં સ્વાભાવિક રીતે પાણીની જરૂરિયાત બહુ રહે છે. આપણે આ બંને ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો સાથે એક વિશેષ અભિયાન ચલાવીને તેમને જળ સુરક્ષા પ્રત્યે જાગૃત કરવા જોઈએ. પાણીની ઉપલબ્ધતાના આધારે જ પાક વૈવિધ્યકરણ હોય, કુદરતી ખેતી હોય, કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે. અનેક જગ્યાએ એવું જોવા મળ્યું છે કે જ્યાં પ્રાકૃતિક ખેતી થાય છે, નેચરલ ફાર્મિંગ કરવામાં આવે છે, ત્યાં જળ સંરક્ષણ પર પણ સકારાત્મક અસર જોવા મળી છે.
સાથીઓ,
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ તમામ રાજ્યોમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત પર ડ્રોપ મોર ક્રોપ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 70 લાખ હૅક્ટરથી વધુ જમીનને સૂક્ષ્મ સિંચાઈના દાયરામાં લાવવામાં આવી છે. તમામ રાજ્યોએ સૂક્ષ્મ સિંચાઈને સતત પ્રોત્સાહન આપવું જોઈએ. જળ સંરક્ષણ માટે આ એક ખૂબ જ જરૂરી યોજના છે. હવે સીધી નહેરોની જગ્યાએ નવી પાઇપલાઇન આધારિત યોજનાઓ લાવવામાં આવી રહી છે. તેને હજુ આગળ લઈ જવાની જરૂર છે.
સાથીઓ,
જળ સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે અટલ ભૂજલ સંરક્ષણ યોજના શરૂ કરી છે. આ એક સંવેદનશીલ અભિયાન છે, અને તેને એટલી જ સંવેદનશીલતા સાથે આગળ વધારવાની જરૂર છે. ભૂગર્ભ જળનાં વ્યવસ્થાપન માટે બનાવવામાં આવેલાં સત્તામંડળો આ દિશામાં કડક હાથે કામ કરે તે પણ જરૂરી છે. ભૂગર્ભ જળના રિચાર્જ માટે તમામ જિલ્લાઓમાં મોટા પાયે વૉટર-શેડનું કામ થવું જરૂરી છે. અને હું તો ઈચ્છીશ કે મનરેગામાં સૌથી વધારે કામ પાણી માટે કરવું જોઇએ. પર્વતીય વિસ્તારોમાં સ્પ્રિંગ શેડને પુનર્જીવિત કરવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે, તેના પર ઝડપથી કામગીરી કરવી પડશે. જળ સંરક્ષણ માટે તમારાં રાજ્યમાં જંગલ વિસ્તાર વધારવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આ માટે પર્યાવરણ મંત્રાલય અને જળ મંત્રાલયે સાથે મળીને કામ કરે. સતત પાણી પહોંચાડવા માટે પાણીના તમામ સ્થાનિક સ્ત્રોતોનાં સંરક્ષણ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ગ્રામ પંચાયતો પોતાના માટે આગામી 5 વર્ષનો એકશન પ્લાન પણ બનાવે, પાણીને કેન્દ્રમાં રાખીને બનાવે. જેમાં પાણી પુરવઠાથી લઈને સ્વચ્છતા અને વેસ્ટ મેનેજમેન્ટ સુધીનો રોડમેપ હોવો જોઈએ. કયાં ગામમાં કેટલું પાણી જોઈએ અને તેના માટે શું કામ થઈ શકે તેના આધારે કેટલાંક રાજ્યોમાં પંચાયત સ્તરે પાણીનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. તેને પણ અન્ય રાજ્યો અપનાવી શકે છે. તાજેતરનાં વર્ષોમાં, આપણે જોયું છે કે કેચ ધ રેન અભિયાને એક આકર્ષણ તો ઊભું કર્યું જ છે. પરંતુ સફળતા માટે હજી ઘણું બધું કરવાની જરૂર છે. આવાં અભિયાનો રાજ્ય સરકારની રોજિંદી પ્રવૃત્તિનો સહજ સ્વભાવ બની રહે તે ખૂબ જ જરૂરી છે. તે રાજ્ય સરકારનાં વાર્ષિક અભિયાનનો આવશ્યક ભાગ બનવાં જોઈએ. અને આવાં અભિયાન માટે વરસાદની રાહ જોવાને બદલે વરસાદ પહેલા જ તમામ આયોજન કરી લેવું ખૂબ જ જરૂરી છે.
સાથીઓ,
આ બજેટમાં સરકારે સર્ક્યુલર ઇકોનોમી પર ખૂબ ભાર મૂક્યો છે. જળ સંરક્ષણનાં ક્ષેત્રમાં પણ સર્ક્યુલર ઇકોનોમીની મોટી ભૂમિકા છે. જ્યારે ટ્રીટેડ પાણીનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે, તાજાં પાણીને સંરક્ષિત કરવામાં આવે છે, ત્યારે તેનાથી સમગ્ર ઇકો-સિસ્ટમને મોટો લાભ થાય છે. તેથી, વૉટર ટ્રીટમેન્ટ, પાણીનું રિ-સાયકલિંગ, જરૂરી છે. રાજ્યો દ્વારા વિવિધ કામોમાં 'ટ્રીટેડ વૉટર'નો ઉપયોગ વધારવાની યોજના અને તેમાં કચરામાંથી શ્રેષ્ઠ આવક પણ થાય છે. તમારે સ્થાનિક જરૂરિયાતોનું મૅપિંગ કરવું પડશે, તે મુજબ યોજનાઓ બનાવવી પડશે. આપણે વધુ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. આપણી નદીઓ, આપણાં જળાશયો સમગ્ર જળ પ્રણાલીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. આપણે દરેક રાજ્યમાં કચરાનાં વ્યવસ્થાપન અને સુએઝ ટ્રીટમેન્ટનું એક નેટવર્ક ઊભું કરવું પડશે, જેથી આપણી કોઈ પણ નદી કે જળાશયો બાહ્ય પરિબળો દ્વારા પ્રદૂષિત ન થાય. ટ્રિટેડ પાણીનો ફરીથી ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે આપણે અસરકારક વ્યવસ્થા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નમામિ ગંગે મિશનને એક નમૂનો બનાવીને, અન્ય રાજ્યો પણ પોતાને ત્યાં નદીઓનાં સંરક્ષણ અને પુનર્જીવન માટે આવાં જ અભિયાન શરૂ કરી શકે છે.
સાથીઓ,
જળ એ સહયોગ અને સંકલનનો વિષય બને, રાજ્યો વચ્ચે સહકારનો વિષય બને. તે આપણા બધાની જવાબદારી છે. અને તમે જોઇ રહ્યા છો એક બીજો મુદ્દો, શહેરીકરણ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. ખૂબ જ ઝડપથી આપણી વસ્તી શહેરીકરણ તરફ આગળ વધવા જઈ રહી છે. જો શહેરી વિકાસ આટલો ઝડપથી થાય છે તો આપણે અત્યારથી જ પાણી વિશે વિચારવું પડશે. ગટર વ્યવસ્થાને અત્યારથી જ વિચારવી પડશે. સુએઝ ટ્રીટમેન્ટની વ્યવસ્થા પર અત્યારથી વિચાર કરવો પડશે. શહેરો વધવાની જે ગતિ છે એ ગતિથી વધારે ગતિ આપણે વધારવી પડશે. હું આશા રાખું છું કે આ સમિટમાં આપણે દરેકના અનુભવો શેર કરીશું, ખૂબ જ સાર્થક ચર્ચા થશે. એક નિશ્ચિત કાર્ય યોજના બનશે અને એક સંકલ્પ બનીને, તમે તેને પ્રાપ્ત કરવા માટે આગળ વધશો. દરેક રાજ્ય પોતાનાં રાજ્યના નાગરિકોની સુખ સુવિધા માટે, નાગરિકોનાં કર્તવ્ય પર પણ ભાર આપતા અને સરકારનું પાણી પ્રત્યે પ્રાથમિકતાવાળું કામ જો આપણે કરીશું તો હું વિશ્વાસ સાથે કહી શકું છું કે, આ જળ પરિષદ માટે આપણે ઘણી આશા સાથે આગળ વધીશું.
મારી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે.
ધન્યવાદ.