ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
મા ભારતના જયઘોષનો આ પડઘો, ભારતીય સેનાઓ અને સુરક્ષા બળોનાં પરાક્રમનો આ ઉદ્ઘોષ, આ ઐતિહાસિક ધરતી, અને દિવાળીનો આ પવિત્ર તહેવાર. આ એક અદ્ભૂત સંયોગ છે, આ એક અદ્ભૂત મેળાપ છે. સંતોષ અને આનંદથી ભરી દેનારી આ ક્ષણ મારા માટે પણ, તમારા માટે પણ અને દેશવાસીઓ માટે પણ દિવાળીમાં નવો પ્રકાશ લાવશે, એવો મને વિશ્વાસ છે. હું આપ સૌને, તમામ દેશવાસીઓને સીમા પરથી, છેવટનાં ગામેથી, જેને હવે હું પહેલું ગામ કહું છું, ત્યાં તહેનાત આપણા સુરક્ષા દળના સાથીઓ સાથે જ્યારે દિવાળી મનાવી રહ્યો છું, ત્યારે સૌ દેશવાસીઓને દિવાળીની આ શુભકામના પણ બહુ ખાસ બને જાય છે. દેશવાસીઓને મારા ખૂબ-ખૂબ અભિનંદન, દિવાળીની શુભકામનાઓ.
મારા પરિવારજનો,
હું હમણાં જ ઘણી ઊંચાઈએ લેપ્ચા સુધી જઈ આવ્યો છું. કહેવાય છે કે જ્યાં પરિવાર હોય ત્યાં જ પર્વ હોય છે. પર્વના દિવસે પોતાના પરિવારથી દૂર સરહદ પર તૈનાત થવું એ પોતે જ કર્તવ્યનિષ્ઠાની પરાકાષ્ઠા છે. દરેક વ્યક્તિને પોતાના પરિવારની યાદ આવે છે પરંતુ આ ખૂણામાં પણ તમારા ચહેરા પર કોઈ ઉદાસી દેખાતી નથી. તમારા ઉત્સાહમાં ઘટાડો થવાનું કોઇ નામોનિશાન નથી. ઉત્સાહથી ભરપૂર છો, ઊર્જાથી ભરપૂર છો. કારણ કે, તમે જાણો છો કે 140 કરોડ દેશવાસીઓનો આ મોટો પરિવાર પણ તમારો પોતાનો જ છે. અને તેથી દેશ તમારો આભારી અને ઋણી છે. તેથી દિવાળી પર દરેક ઘરમાં એક દીવો તમારી સલામતી માટે પણ પ્રગટાવવામાં આવે છે. તેથી જ દરેક પૂજામાં એક પ્રાર્થના આપ જેવા વીરો માટે પણ હોય છે. દર વખતે દિવાળી પર હું પણ આ જ ભાવના સાથે મારા સુરક્ષા દળોના જવાનોની વચ્ચે ચાલ્યો જાઉં છું. કહેવામાં પણ આવ્યું છે- અવધ તહાં જહં રામ નિવાસૂ! એટલે કે, જ્યાં રામ છે, ત્યાં અયોધ્યા છે. મારા માટે, જ્યાં મારી ભારતીય સેના છે, જ્યાં મારા દેશનાં સુરક્ષા દળોના જવાન તૈનાત છે, તે સ્થાન કોઈ પણ મંદિરથી ઓછું નથી. તમે જ્યાં છો ત્યાં જ મારો તહેવાર છે. અને આ કામ કદાચ 30-35 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો હશે. એવી કોઈ દિવાળી નથી કે મેં તમારા બધા વચ્ચે જઈને ઉજવી ન હોય, 30-35 વર્ષથી. જ્યારે પીએમ નહોતો, સીએમ નહોતો ત્યારે પણ ગર્વથી ભરેલા ભારતનાં સંતાન તરીકે હું દિવાળી પર કોઈને કોઈ સરહદે જરૂર જતો હતો. આપ લોકોની સાથે મિઠાઈઓનો દોર ત્યારે પણ ચાલતો હતો અને મેસનું ભોજન પણ ખાતો હતો અને આ જગ્યાનું નામ પણ તો સુગર પોઈન્ટ છે. તારી સાથે થોડી મીઠાઈઓ ખાઈને મારી દિવાળી paN વધુ મીઠી થઈ ગઈ છે.
મારા પરિવારજનો,
આ ધરતીને ઇતિહાસના પાનાઓ પર પરાક્રમની શાહીથી પોતાની ખ્યાતિ જાતે લખી છે. આપે અહીંની વીરતાની પરિપાટીને અટલ, અમર અને અક્ષુણ્ણ બનાવી છે. આપે સાબિત કર્યું છે કે- આસન્ન મૃત્યુ કે સીને પર, જો સિંહનાદ કરતે હૈ. મર જાતા હૈ કાલ સ્વયં, પર વે વીર નહીં મરતે હૈ. આપણા જવાનો પાસે હંમેશા આ વીર વસુંધરાનો વારસો રહ્યો છે, તેમની છાતીમાં તે આગ રહી છે જેણે હંમેશા પરાક્રમના વિક્રમો ઘડ્યા છે. પ્રાણોને હથેળીમાં લઈને હંમેશા આપણા જવાન સૌથી આગળ ચાલ્યા છે. આપણા જવાનોએ હંમેશા સાબિત કર્યું છે કે તેઓ સરહદ પર દેશની સૌથી સશક્ત દિવાલ છે.
મારા વીર સાથીઓ,
ભારતની સેનાઓ અને સુરક્ષા દળોનું રાષ્ટ્ર નિર્માણમાં સતત યોગદાન રહ્યું છે. આઝાદી પછી તરત જ આટલાં બધાં યુદ્ધોનો મુકાબલો કરનારા આપણા બહાદુર યોદ્ધાઓ, દરેક મુશ્કેલીમાં દેશનું દિલ જીતનાર આપણા યોદ્ધાઓ! પડકારોના જડબામાંથી વિજય છીનવી લાવનારા આપણા વીર દીકરા-દીકરીઓ! ધરતીકંપ જેવી આફતોમાં દરેક પડકાર સામે ટકરાતા જવાન! સુનામી જેવી પરિસ્થિતિમાં દરિયા સામે લડીને જીવ બચાવનાર જાબાંઝ! આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં ભારતનું વૈશ્વિક કદ વધારનારી સેનાઓ અને સુરક્ષા દળો! એવું કયું સંકટ છે જેનું નિરાકરણ આપણા વીરોએ ન કર્યું હોય! એવું કયું ક્ષેત્ર છે જ્યાં તેમણે દેશનું સન્માન ન વધાર્યું હોય. આ જ વર્ષે, મેં યુએનમાં પીસકીપર્સ માટે મેમોરિયલ હૉલનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, અને તે સર્વસંમતિથી પસાર થયો. આપણી સેનાઓનાં અને સૈનિકોનાં બલિદાનને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલું બહુ મોટું સન્માન છે. આ વૈશ્વિક શાંતિ માટે તેમનાં યોગદાનને અમર બનાવશે.
સાથીઓ,
સંકટના સમયમાં આપણી સેના અને સુરક્ષા દળો દેવદૂત બનીને માત્ર ભારતીયોને જ નહીં પરંતુ વિદેશી નાગરિકોને પણ બચાવે છે. મને યાદ છે, જ્યારે ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવાના હતા ત્યારે કેટલાં બધાં જોખમો હતાં. પરંતુ ભારતના જાંબાઝોએ તેમનું મિશન કોઈપણ નુકસાન વિના સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. તુર્કીના લોકોને આજે પણ યાદ છે કે જ્યારે ત્યાં ભયંકર ભૂકંપ આવ્યો ત્યારે આપણા સુરક્ષા દળોએ પોતાના જીવની પરવા કર્યા વિના કેવી રીતે બીજાના જીવ બચાવ્યા. જો ભારતીયો વિશ્વમાં ક્યાંય પણ મુશ્કેલીમાં હોય તો ભારતીય દળો, આપણા સુરક્ષા દળો, તેમને બચાવવા માટે હંમેશા તત્પર હોય છે. ભારતની સેનાઓ અને સુરક્ષા દળો સંગ્રામથી લઈને સેવા સુધીના દરેક સ્વરૂપમાં મોખરે રહે છે. અને તેથી જ, આપણને આપણી સેનાઓ પર ગર્વ છે. અમને ગર્વ છે, આપણા સુરક્ષા દળો પર, આપણા જવાનો પર. અમને તમારા બધા પર ગર્વ છે.
મારા પરિવારજનો,
આજે દુનિયામાં જે પ્રકારની સ્થિતિ છે, એમાં ભારત પાસેથી અપેક્ષાઓ સતત વધી રહી છે. આવા મહત્વપૂર્ણ સમયમાં ભારતની સરહદો સુરક્ષિત રહે અને દેશમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. અને આમાં તમારી બહુ મોટી ભૂમિકા છે. જ્યાં સુધી તમે, મારા જાબાંઝ સાથી, સરહદો પર હિમાલયની જેમ અટલ અને અડગ ઊભા છો ત્યાં સુધી ભારત સુરક્ષિત છે. તમારી સેવાના કારણે જ ભારત ભૂમિ સુરક્ષિત છે અને સમૃદ્ધિના માર્ગ પર પ્રશસ્ત પણ છે. છેલ્લી દિવાળીથી આ દિવાળી સુધીનો જે સમયગાળો રહ્યો છે, જે એક વર્ષ પસાર થયું છે, તે ખાસ કરીને ભારત માટે તો અભૂતપૂર્વ સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. અમૃત કાલનું એક વર્ષ ભારતની સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક વર્ષ બની ગયું છે. છેલ્લાં એક વર્ષમાં ભારતે તેનું યાન ચંદ્ર પર ઉતાર્યું છે જ્યાં અન્ય કોઈ દેશ પહોંચી શક્યું ન હતો. તેના થોડા જ દિવસો પછી, ભારતે સફળતાપૂર્વક આદિત્ય એલ વન પણ લૉન્ચ કર્યું. આપણે ગગનયાન સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ પરીક્ષણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ જ એક વર્ષમાં, ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ, INS વિક્રાંત નૌકાદળમાં સામેલ થયું. આ જ એક વર્ષમાં ભારતે તુમકુરુમાં એશિયાની સૌથી મોટી હૅલિકોપ્ટર ફૅક્ટરી શરૂ કરી છે. આ જ એક વર્ષમાં સરહદી વિસ્તારોના વિકાસ માટે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો શુભારંભ થયો. તમે જોયું હશે કે ભારતે રમતગમતની દુનિયામાં પણ પોતાનો ઝંડો ફરકાવ્યો છે. સેના અને સુરક્ષા દળોના કેટલાય જવાનોએ પણ મેડલ જીતીને લોકોનાં દિલ જીતી લીધાં છે. છેલ્લાં એક વર્ષમાં આપણા ખેલાડીઓએ એશિયન અને પેરા ગેમ્સમાં મેડલની સદી ફટકારી છે. આપણી મહિલા ખેલાડીઓએ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં વિશ્વ કપ જીત્યો છે. 40 વર્ષ બાદ ભારતે સફળતાપૂર્વક IOC બેઠકનું આયોજન કર્યું છે.
સાથીઓ,
ગત દિવાળીથી આ દિવાળી સુધીનો સમયગાળો ભારતીય લોકશાહી અને ભારતની વૈશ્વિક સિદ્ધિઓનું વર્ષ પણ રહ્યું. આ જ એક વર્ષમાં ભારતે સંસદની નવી ઇમારતમાં પ્રવેશ કર્યો. સંસદની નવી ઈમારતમાં પ્રથમ સત્રમાં જ નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ જ એક વર્ષમાં દિલ્હીમાં જી-20નું સૌથી સફળ આયોજન થયું. આપણે નવી દિલ્હી ઘોષણા અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ જેવા મહત્વના કરાર કર્યા છે. આ જ સમયગાળા દરમિયાન, ભારત વાસ્તવિક સમયની ચૂકવણીના સંદર્ભમાં વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બન્યો. આ જ સમયગાળા દરમિયાન ભારતની નિકાસ $400 બિલિયનને વટાવી ગઈ. આ જ સમયગાળા દરમિયાન ભારતે વૈશ્વિક જીડીપીમાં 5મું સ્થાન હાંસલ કર્યું. આ જ સમયમાં, આપણે 5G વપરાશકર્તા આધારના સંદર્ભમાં યુરોપથી પણ આગળ નીકળી ગયા.
સાથીઓ,
વીતેલું એક વર્ષ રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વપૂર્ણ વર્ષ રહ્યું છે. આ વર્ષે આપણે દેશના માળખાકીય વિકાસમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો રોડ નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે. આ સમયગાળા દરમિયાન જ આપણે વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ સેવાની શરૂઆત કરી. દેશને તેની પ્રથમ ઝડપી રેલ સેવા નમો ભારતની ભેટ મળી. વંદે ભારત ટ્રેનો ભારતમાં 34 નવા રૂટ પર ઝડપ મેળવવા લાગી છે. આપણે ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કૉરિડોરના શ્રીગણેશ કર્યા. દિલ્હીમાં બે વિશ્વ કક્ષાનાં સંમેલન કેન્દ્રો યશોભૂમિ અને ભારત મંડપમ્નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. QS વર્લ્ડ રૅન્કિંગમાં ભારત એશિયામાં સૌથી વધુ યુનિવર્સિટીઓ ધરાવતો દેશ બની ગયો છે. આ દરમિયાન જ કચ્છનાં ધોરડો સરહદી ગામ, રણનું નાનકડું ગામ ધોરડોને સંયુક્ત રાષ્ટ્ર તરફથી શ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ મળ્યો છે. આપણાં શાંતિનિકેતન અને હોયસાલા મંદિરોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યાં.
સાથીઓ,
જ્યાં સુધી તમે સરહદો પર સજાગ ઊભા છો ત્યાં સુધી દેશ સારાં ભવિષ્ય માટે પૂરાં દિલથી કામ કરી રહ્યો છે. આજે જો ભારત તેની સંપૂર્ણ તાકાતથી વિકાસની અનંત ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે તો તેનો શ્રેય પણ તમારી તાકાત, તમારા સંકલ્પોને અને તમારાં બલિદાનને પણ જાય છે.
મારા પરિવારજનો,
ભારતે સદીઓના સંઘર્ષો સહન કર્યા છે અને શૂન્યથી સંભાવનાઓનું સર્જન કર્યું છે. 21મી સદીનું આપણું ભારત હવે આત્મનિર્ભર ભારતના માર્ગ પર ડગ માંડી ચૂક્યું છે. હવે સંકલ્પો પણ આપણા હશે અને સંસાધનો પણ આપણા જ હશે. હવે હિંમત પણ આપણી હશે અને હથિયાર પણ આપણા જ હશે. દમ પણ આપણો અને કદમ પણ આપણાં જ હશે. દરેક શ્વાસમાં આપણો વિશ્વાસ પણ અપાર હશે. ખિલાડી હમારા ખેલ ભી હમારા જય વિજય ઓર અજેય હૈ પ્રણ હમારા, ઊંચે પર્વત હો યા રેગિસ્તાન સમંદર અપાર યા મેદાન વિશાલ, ગગન મેં લહરાતા યે તિરંગા સદા હમારા. અમૃતકાળની આ વેળાએ, સમય પણ આપણો હશે, સપનાં માત્ર સપનાં નહીં હોય, સિદ્ધિની એક ગાથા લખીશું, સંકલ્પ પર્વતથી પણ ઊંચો હશે. પરાક્રમ જ વિકલ્પ હશે, વિશ્વમાં ગતિ અને ગરિમાનું સન્માન થશે, પ્રચંડ સફળતાઓ સાથે, ભારતનું સર્વત્ર જયગાન થશે. કારણ કે, જે પોતાનાં બળ વિક્રમથી સંગ્રામ સમર લડે છે. સામર્થ્ય હાથમાં રાખનારા, ભાગ્ય જાતે ઘડે છે. ભારતની સેનાઓ અને સુરક્ષા બળોનું સામર્થ્ય સતત વધી રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારત એક મોટા વૈશ્વિક ખેલાડી તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. એક સમય હતો જ્યારે આપણે આપણી નાની નાની જરૂરિયાતો માટે બીજા પર નિર્ભર રહેતા હતા. પરંતુ, આજે આપણે આપણી સાથે સાથે આપણા મિત્ર દેશોની સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા તરફ પણ આગળ વધી રહ્યા છીએ. 2016માં જ્યારે હું આ જ વિસ્તારમાં દિવાળી ઉજવવા આવ્યો હતો ત્યારથી લઈને આજ સુધીમાં ભારતની સંરક્ષણ નિકાસ 8 ગણાથી વધુ વધી ચૂકી છે. દેશમાં આજે 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું સંરક્ષણ ઉત્પાદન થઈ રહ્યું છે અને આ પોતે એક રેકોર્ડ છે.
સાથીઓ,
આપણે ટૂંક સમયમાં એવા મુકામ પર ઊભા હોઈશું જ્યાં જરૂરિયાતના સમયે આપણે અન્ય દેશો તરફ જોવું નહીં પડે. આનાથી આપણી સેનાઓ અને સુરક્ષા દળોનું મનોબળ વધ્યું છે. આપણી સેના અને સુરક્ષા દળોની તાકાત વધી છે. હાઇટેક ટેક્નૉલોજીનું સંકલન હોય કે સીડીએસ જેવી મહત્વની વ્યવસ્થા હોય, ભારતીય સેના હવે ધીમે ધીમે આધુનિકતા તરફ આગળ વધી રહી છે. હા, ટેક્નૉલોજીના આ વધતા પ્રસાર વચ્ચે, હું તમને એ પણ કહીશ કે આપણે ટેક્નૉલોજીના ઉપયોગમાં માનવ સૂઝ-બૂઝને હંમેશા સર્વોપરી રાખવાની છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ટેક્નૉલોજી ક્યારેય માનવીય સંવેદનાઓ પર હાવી ન થાય.
સાથીઓ,
આજે સ્વદેશી સંસાધનો અને ટૉપ ક્લાસ બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણી તાકાત બની રહ્યા છે. અને મને ખુશી છે કે નારી શક્તિ પણ આમાં મોટી ભૂમિકા ભજવી રહી છે. વીતેલાં વર્ષોમાં, 500થી વધુ મહિલા અધિકારીઓને ભારતીય સેનામાં કાયમી કમિશન આપવામાં આવ્યું છે. આજે મહિલા પાયલોટ રાફેલ જેવાં ફાઈટર પ્લેન ઉડાવી રહી છે. મહિલા અધિકારીઓને પ્રથમ વખત યુદ્ધ જહાજો પર પણ તૈનાત કરવામાં આવી રહી છે. સશક્ત, સમર્થ અને સાધનસંપન્ન ભારતીય દળો વિશ્વમાં આધુનિકતાના નવા વિક્રમો સ્થાપિત કરશે.
સાથીઓ,
સરકાર તમારી જરૂરિયાતોનું પણ, તમારા પરિવારનું પણ સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. હવે આપણા સૈનિકો માટે આવા ડ્રેસ બનાવવામાં આવ્યા છે, જે અમાનવીય તાપમાનને પણ સહન કરી શકે છે. આજે દેશમાં એવા ડ્રોન બની રહ્યા છે, જે જવાનોની તાકાત બનશે અને તેમનો જીવ પણ બચાવશે. વન રૅન્ક વન પેન્શન-ઓઆરઓપી હેઠળ પણ અત્યાર સુધીમાં 90 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
સાથીઓ,
દેશ જાણે છે કે તમારું દરેક પગલું ઇતિહાસની દિશા નક્કી કરે છે. તમારા જેવા વીરો માટે જ કહેવાયું છે-
શૂરમા નહીં વિચલિત હોતે,
ક્ષણ એક નહીં ધીરજ ખોતે,
વિઘ્નોં કો ગલે લગાતે હૈ,
કાંટો મેં રાહ બનાતે હૈ.
મને વિશ્વાસ છે કે તમે આ જ રીતે ભારત માતાની સેવા કરતા રહેશો. તમારા સહયોગથી દેશ વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શતો રહેશે. આપણે સાથે મળીને દેશના દરેક સંકલ્પને પૂર્ણ કરીશું. આ જ શુભેચ્છા સાથે, ફરી એકવાર આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારી સાથે બોલો-
ભારત માતા કી – જય,
ભારત માતા કી – જય,
ભારત માતા કી – જય,
વંદે માતરમ્
વંદે માતરમ્
વંદે માતરમ્
વંદે માતરમ્
વંદે માતરમ્
વંદે માતરમ્
વંદે માતરમ્
વંદે માતરમ્
ભારત માતા કી – જય,
દિવાળીની ખૂબ-ખૂબ શુભકામના આપને!