નમસ્કાર!
સાથીઓ,
વર્ષ 2023નો આ પ્રથમ રોજગાર મેળો છે. 2023ની શરૂઆત ઉજ્જવળ ભવિષ્યની નવી આશાઓ સાથે થઈ છે. તે એ 71 હજાર પરિવારો માટે ખુશીઓની એક સોગાત લઈને આવ્યો છે, જેમના સભ્યોને સરકારી સેવા કરવાની તક મળી છે. હું તમામ નવયુવાનોને, તેમના પરિવારોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
આજનું આ આયોજન સફળ ઉમેદવારો માટે જ નહીં પરંતુ કરોડો પરિવારો માટે પણ આશાનું નવું કિરણ લાવશે. આગામી દિવસોમાં હજુ વધુ લાખો પરિવારોને સરકારી નોકરીમાં નિમણૂક મળવાની છે.
કેન્દ્ર સરકારની સાથે જ એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોમાં પણ સતત રોજગાર મેળાનો ક્રમ ચાલી રહ્યો છે, આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે જ આસામ સરકારે રોજગાર મેળાનું આયોજન કર્યું હતું. મને જણાવવામાં આવ્યું છે કે આવનારા સમયમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ જેવાં અનેક રાજ્યોમાં રોજગાર મેળાનું આયોજન થવાનું છે. આ સતત થઈ રહેલા રોજગાર મેળાઓ હવે અમારી સરકારની ઓળખ બની ગયા છે. તે બતાવે છે કે અમારી સરકાર જે સંકલ્પ લે છે તેને સિદ્ધ કરીને બતાવે છે. તમને યાદ હશે, ગયાં વર્ષે ધનતેરસના પાવન અવસર પર પ્રથમ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે, મને રોજગાર મેળામાં સરકારી સેવા મેળવનારા કેટલાક યુવા સાથીઓ સાથે વાતચીત કરવાની પણ તક મળી છે. તેમના ચહેરા પર ખુશી અને સંતોષની અનુભૂતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમાંથી મોટાભાગના લોકો ખૂબ જ સામાન્ય પરિવારના સભ્યો છે. અને તેમાં અનેક યુવાનો એવા પણ છે, જેઓ આખા પરિવારમાં, છેલ્લી પાંચ પેઢીઓમાં સરકારી સેવા, સરકારી નોકરી મેળવનાર પરિવારના પ્રથમ સભ્ય છે. તેમને ખુશી માત્ર એટલી વાતની નથી કે સરકારી સેવા કરવાની, સરકારી નોકરી કરવાની તક મળી છે. તેમને એ વાતનો પણ સંતોષ છે કે પારદર્શી અને સ્પષ્ટ ભરતી પ્રક્રિયાને કારણે તેમની યોગ્યતાનું સન્માન થયું છે. તમે બધાએ પણ એ વાત અનુભવી જ હશે કે ભરતી પ્રક્રિયામાં ધરખમ પરિવર્તન આવ્યું છે. કેન્દ્રીય સેવાઓમાં ભરતી પ્રક્રિયા પહેલા કરતા વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ થઈ છે.
સાથીઓ,
આજે તમે ભરતી પ્રક્રિયામાં જે પારદર્શિતા અને જે ગતિ જોઈ રહ્યા છો તે સરકારનાં દરેક કામમાં દેખાય છે. એક સમય એવો હતો કે જ્યારે નિયમિત રીતે થતી બઢતીમાં પણ જુદાં જુદાં કારણોસર અવરોધો આવતા હતા. અમારી સરકારે વિવિધ વિવાદોનું સમાધાન કર્યું, કૉર્ટ-કચેરીના પણ ઘણા બધા કેસ હોય છે, લાંબા સમયથી અટકેલી બઢતીઓને પુન:સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી. પારદર્શક રીતે ભરતી અને બઢતી યુવાનોમાં વિશ્વાસ પેદા કરે છે. આ પારદર્શિતા તેમને વધુ સારી તૈયારી સાથે સ્પર્ધામાં ઉતરવા માટે પ્રેરિત કરે છે. અમારી સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે.
સાથીઓ,
જેમને આજે નિમણૂક પત્ર મળ્યા છે, તેમના માટે તે જીવનની એક નવી યાત્રા છે. સરકારના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે, વિકસિત ભારતની યાત્રામાં આપની સક્રિય ભાગીદારી રહેશે, વિશેષ જવાબદારી રહેશે. તમારામાંના મોટા ભાગના લોકો સરકારના પ્રતિનિધિઓ તરીકે લોકો સાથે સીધા જોડાશે. તમારામાંથી દરેક વ્યક્તિ તેની પોતાની રીતે લોકોનાં જીવનને અસર કરશે.
તમે સાંભળ્યું જ હશે, વેપાર-ધંધાની દુનિયામાં, એવું કહેવામાં આવે છે કે ઉપભોક્તા હંમેશાં સાચા હોય છે, કન્ઝ્યુમર ઈઝ ઑલવેઝ રાઇટ. તે જ રીતે, શાસન વ્યવસ્થામાં, આપણો મંત્ર હોવો જોઈએ - નાગરિક હંમેશા સાચો હોય છે-સિટિઝન ઈઝ ઑલવેઝ રાઇટ. આ જ ભાવના આપણી આંતરિક સેવા પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવે છે. તમારે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે જ્યારે તમે સરકારમાં નિયુક્ત થાઓ છો, ત્યારે તેને નોકરી નહીં પણ સરકારી સેવા કહેવામાં આવે છે. જો તમે ખાનગીમાં જાઓ છો, તો કહે છે કે નોકરી કરે છે. જ્યારે તેઓ સરકારમાં આવે છે, ત્યારે કહે છે કે તેઓ સેવા આપે છે. જો તમે સેવા ભાવને મનમાં રાખીને આ 140 કરોડ મારા દેશવાસીઓની સેવા કરવી, આટલું મોટું સૌભાગ્ય મળશે. જીવનમાં એક તક મળી છે અને જો આપણે તે ભાવના સાથે કામ કરીશું, તો તેની લોકો પર સકારાત્મક અસર પડશે અને તમને પણ તમારાં કામમાં આનંદ આવશે.
તમે હમણાં જ જોયું કે સરકારી સેવા મેળવનારા આપણા ઘણા કર્મચારી સાથીઓ, કર્મયોગી બંધુઓ ઓનલાઇન તાલીમ લઈ રહ્યા છે. ડિજિટલ તાલીમ પ્લેટફોર્મ આઇજીઓટી કર્મયોગીથી તેમને ભવિષ્યની તૈયારી માટે મદદ મળી રહી છે. સત્તાવાર તાલીમ કાર્યક્રમથી અલગ, આ પ્લેટફોર્મ પર ઘણા વધુ અભ્યાસક્રમો છે, જે તમારી વ્યક્તિગત ક્ષમતામાં વધારો કરે છે. તમારાં વ્યક્તિત્વના વિકાસમાં, તમારા વિચારનાં ઊંડાણમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે, લાભ થાય છે.
મને વિશ્વાસ છે કે ટેકનોલોજીનાં માધ્યમથી સેલ્ફ-લર્નિંગ એ આજની પેઢીને મળેલી તક છે, તેને જવા ન દો. જીવનમાં સતત શીખવાની ઇચ્છા જ આપણને બધાને આગળ વધારતી રહે છે. અને હું હંમેશાં કહું છું કે હું મારી અંદરના વિદ્યાર્થીને ક્યારેય મરવા દેતો નથી. તમે પણ, ક્યાંય પણ જાવ, તમે કંઈક ને કંઈક શીખવાનું ચાલુ રાખો. જેનાથી તમારી ક્ષમતા વધશે, તમે જે સંસ્થા સાથે જોડાયેલા છો તેની ક્ષમતામાં વધારો થશે અને આ બધાના પ્રયાસોથી જ ભારતની ક્ષમતામાં વધારો થશે.
બદલાતા ભારતમાં, ઝડપથી આગળ વધી રહેલા ભારતમાં, રોજગાર અને સ્વરોજગારની તકો સતત ઊભી થઈ રહી છે. અને જ્યારે વિકાસ વેગ પકડે છે, ત્યારે સ્વરોજગારની તકો અસંખ્ય માત્રામાં બનવા લાગે છે, જેનો ભારત આજે અનુભવ કરી રહ્યું છે. આજે સ્વરોજગારનું ક્ષેત્ર ખૂબ આગળ વધી રહ્યું છે. છેલ્લાં 8 વર્ષમાં મોટા પાયે માળખાગત સુવિધાઓના વિકાસથી રોજગારીની લાખો તકોનું સર્જન થયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ રોજગારની પુષ્કળ સંભાવનાઓના દરવાજા ખોલી રહ્યું છે.
તમે જાણો છો, જ્યારે એક નવો રસ્તો બને છે, ત્યારે તેની આસપાસ રોજગારના નવા માર્ગો પણ કેવી રીતે બનવાનું શરૂ થાય છે. એ જ સડકના કિનારે નવાં બજારો ઊભાં થઈ જાય છે, તમામ પ્રકારની દુકાનો ખુલી જાય છે. રસ્તાનાં કારણે ખેડૂતોની પેદાશો બજારમાં સરળતાથી પહોંચવા લાગે છે.
એ જ રીતે, જ્યારે કોઈ જગા, નવી રેલવે લાઇન સાથે જોડાય છે, ત્યારે ત્યાંનું બજાર સમૃદ્ધ થવાં લાગે છે. અવરજવરની સુવિધાને કારણે પર્યટન પણ વિસ્તૃત થવા લાગે છે. અને આવાં દરેક વિસ્તરણમાં રોજગારીની નવી તકો હાજર હોય છે.
આજે ભારતનેટ પ્રોજેક્ટ મારફતે દરેક ગામ સુધી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવામાં આવી રહી છે. જ્યારે આપણે ઈન્ટરનેટનાં માધ્યમથી ગામડાઓને બાકીની દુનિયા સાથે જોડી દઈએ છીએ, ત્યારે તેનાથી પણ રોજગારીની નવી તકો ઊભી થાય છે. ટેક્નોલોજીને ન સમજનાર વ્યક્તિ પણ એ જાણે છે કે પહેલાં જે કામો માટે ભાગદોડ કરવી પડતી હતી, તે હવે મોબાઇલ કે કમ્પ્યુટર પર એક ક્લિકમાં થઈ જાય છે.
આપણે જોઈએ છીએ કે આ સુવિધાનો લાભ લેવા માટે ઘણી વખત તે કોઈ ટેકનોલોજીના જાણકારની મદદ માગે છે. અને સામાન્ય માનવીની આ જ જરૂરિયાતથી રોજગારીની નવી નવી સંભાવનાઓ પેદા થઈ રહી છે. આજે આવા ઉદ્યોગ સાહસિકો ગામડા, કસ્બા કે શહેરોમાં પણ જોવા મળશે જે લોકોને ઓનલાઈન સેવાઓ આપવામાં પોતાનું એક નવું ક્ષેત્ર ખોલીને કામ આગળ વધી રહ્યા છે. આજે ભારતનાં નાનાં શહેરોમાં જે રીતે લોકો સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે, તે પોતાની રીતે નવી પેઢી માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે, આત્મવિશ્વાસનું કેન્દ્ર બની રહ્યા છે. સ્ટાર્ટઅપ્સની સફળતાએ યુવા શક્તિનાં સામર્થ્યની દુનિયાભરમાં એક ઓળખ ઊભી કરી છે.
સાથીઓ,
તમારામાંના મોટા ભાગના યુવાન દીકરા-દીકરીઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. તમે અહીં સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે. તમારાં માતા-પિતાએ પણ ઘણાં કષ્ટો વેઠ્યાં છે. આજે તમને 140 કરોડ દેશવાસીઓની કાયમી સેવા કરવાનો અવસર મળ્યો છે, પરંતુ પોતાની અંદર એ ભાવનાને હંમેશા જીવતી રાખો જેણે તમને અહીં સુધી પહોંચવા માટે પ્રેરિત કર્યા હતા. હંમેશાં શીખતા રહો, હંમેશાં તમારી કુશળતાને અપગ્રેડ કરતા રહો અને આગળ વધવાનો પ્રયત્ન કરતા રહો.
મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. તમે તો સફળ થાવ જ, પરંતુ આપણો દેશ પણ સફળ થવો જોઈએ. તમે આગળ વધો, પરંતુ આપણો દેશ પણ આગળ વધવો જોઈએ. અને દેશને આગળ વધારવા માટે તમારે પણ આગળ વધવાનું છે. દેશને આગળ લઈ જવા માટે તમારે પણ સમર્થ બનવું પડશે, સક્ષમ બનવું પડશે. નિરંતર આપ પોતાનો વિકાસ કરતા જાવ અને તમને આપવામાં આવેલી જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવતા રહો. એ જ મારી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે.
ખૂબ ખૂબ આભાર.