જય જય ગિરનારી
જય જય ગિરનારી
મારું સૌભાગ્ય છે કે ગિરનારની ધરતી પર આવું ને આટલા બધા સંતોના દર્શન થાય એ મુક્તાનંદજી બાપુ નજરે પડે છે મારા મહેશ ગીરી દેખાય છે. આપ સૌ સંતોને વડીલોને મારા ખુબ ખુબ પ્રણામ. ગયા બે દિવસથી ગુજરાતની જનતા જનાર્દનના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે અને જે ઉત્સાહ અને ઉમંગ હું ગુજરાતમાં જોઈ રહ્યો છું.
આમ તો ઘરનો છોકરો હોય એટલે આશીર્વાદનું તો મન હોય જ બધાને, પણ જે ઉત્સાહ અને ઉમંગ હું જોઈ રહ્યો છું. આ પ્રેમ આ આશીર્વાદ એ ખૂબ મોટી મૂડી છે મારી બાપા અને મને ગર્વ થાય કે જે જમીન પર બેસીને મેં આપ સૌના ચરણોમાં શિક્ષા દીક્ષા લીધી એ આજે દુનિયાની કસોટીએ પાર ઉતરી રહી છે. આપ સૌએ વડીલોએ મને આપેલી શિક્ષા, મને આપેલી દીક્ષા, મને આપેલા સંસ્કાર આજે હું એને સલામ કરું છું. કે તમારા એ સંસ્કારને કારણે આજે દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે,મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે અને મહેનત કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે અને એના કારણે ગયા દસ વર્ષમાં આપે મને મોકલ્યા પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી અને હૃદયમાં એક જ ભાવ બસ મારું ભારત. મેરા ભારત મેરા પરિવાર.એ જ ભાવ સાથે અનેક મોટો સંકલ્પ લઈને કામ કરું છું અને 2024 માં એક બહુ જ મોટા સંકલ્પ સાથે દેશના ચરણોમાં મારો આવનારો સમય, ઈશ્વરે આપેલી ઉંમર, પલ પલ દેશ માટે ખપાવી દેવી છે. પલ પલ તમારા માટે. પલ પલ દેશના માટે. 24 / 7 ફોર 2047...અને સપનું છે વિકસિત ભારતનું.2047 માં દેશ આઝાદીના 100 વર્ષ મનાવે ત્યારે વિશ્વ આખું એક અવાજે કહે કે ભારત દુનિયાનું વિકસિત રાષ્ટ્ર બની ગયું છે, ને ભારત વિકસિત ત્યારે જ બને એ પાંચ વર્ષ પહેલા મારું ગુજરાત વિકસિત બને.
અને આ સંકલ્પને પૂરો કરવા માટે આ ચૂંટણી, ભાઈઓ બહેનો આ ચૂંટણી સામાન્ય ચુનાવ નથી, દેશના માટે મહત્વપૂર્ણ તો છે જ, ભારતમાં મજબૂત અને સ્થિર સરકાર એ દુનિયા માટે પણ મહત્વનું છે.
અને મારા માટે વ્યક્તિગત રૂપે આ ચૂંટણી એમ્બિશનના માટે નથી. એ એમ્બિશન તો 2014માં દેશની જનતાએ પૂરું કરી દીધું.
2024 ની ચૂંટણી એ મોદીના એમ્બિશનના માટે નહીં પરંતુ મોદીના મિશન માટે છે.
અને મારું મિશન છે દેશના ઉજ્જવળ ભવિષ્યનું, મારું મિશન છે દેશને આગળ લઈ જવાનું.
પરંતુ કોંગ્રેસનો એજન્ડો શું છે? કોંગ્રેસ કહી રહી છે કે તે કશ્મીરમાં જે મેં અનુચ્છેદ 370 નાબૂદ કરી દીધી હતી તે ફરીથી કશ્મીરમાં લાગુ કરશે. ભાઈઓ બહેનો જે આ દેશમાં સંવિધાનને માથા પર લઈને નાચી રહ્યા છે, એમની સર્વસત્તા હતી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી, કશ્મીરમાં પણ એમની સરકાર હતી પરંતુ તેઓ ક્યારે દેશનું સંવિધાન બધી જગ્યા ઉપર લાગુ ન કરી શક્યા. મોદીના આવવા સુધી દેશમાં બે સંવિધાન હતા. એક સંવિધાનથી દેશ ચાલતો હતો અને બીજા સંવિધાનથી જમ્મુ કાશ્મીર ચાલતું હતું. શું આ બાબાસાહેબ આંબેડકરનું અપમાન ન હતું? શું આ ભારતના સંવિધાનનું અપમાન ન હતું? શું ભારતના કોટી કોટી જનનું આ અપમાન ન હતું? હું સરદાર પટેલની ભૂમિથી આવું છું, જો સરદાર પટેલ હતે તો દેશનું સંવિધાન જમ્મુ કાશ્મીરમાં શાનથી લાગુ થયું હતે. પરંતુ જે કામ સરદાર સાહેબનું અધૂરું રહી ગયું, પરંતુ આ ધરતીનો સંતાન, તમારો પુત્ર, તમારો સેવક એને પૂરું કરી શક્યો. 370 નાબૂદ થઈ, 370 ને જમીનમાં દાટી ચુક્યો છું અને હું કોંગ્રેસના શાહી પરિવારને, કોંગ્રેસના શાહજાદા ને ખુલ્લી ચેતવણી આપું છું. જો એમનો કોઈ હીડન એજન્ડો છે તો દેશની સામે આવીને હિંમત હોય તો કહે કે અનુચ્છેદ 370 ફરીથી લાગુ કરશે અને હું પણ જોઉં છું કે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાની એમની હિંમત કેટલી છે!
આપણે ત્યાં તો કહે છે ને કે ખેલ ખેલાડીના અને ઘોડા હસબારોના. અને એટલા માટે જ એમનો જે એજન્ડો છે તે સમજવા જેવો છે. કોંગ્રેસનો બીજો એજન્ડો CAA. આપણા પાડોશી દેશોમાં જે હિન્દુઓ છે, જે ભારત માતાના સંતાનો છે, એમનો એક જ ગુનો છે કે તેઓ હિન્દુ ધર્મનું પાલન કરે છે, જૈન ધર્મનું પાલન કરે છે ,બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, ઈસાઈ ધર્મનું પાલન કરે છે, પારસી ધર્મનું પાલન કરે છે અને એના કારણે ત્યાં એમના ઉપર જુલમ થાય છે. ત્યાંથી એમને ભગાડી દેવામાં આવે છે. એમના માટે એકજ સહારો છે માં ભારતીનો ખોળો. ક્યાં જશે એ લોકો? એમને નાગરિકતા આપવાનો કાયદો બનાવ્યો to કહે કે એને પણ એ ખતમ કરશે! ફરીથી રદ કરશે. હું કોંગ્રેસને ચુનોતી આપું છું એના ચટ્ટાપટ્ટાઓને પણ ચૂનોતી આપું છું કે ન તો તમે દેશમાં ફરીથી 370 લાવી શકશો કે CAA હટાવી શકશો. મે ત્રીપલ તલાક ઉપર કાનૂની કાયદા દ્વારા રોક લગાવી દીધી. જેથી દેશની મુસલમાન બહેનોને સન્માનથી જીવવાનો હક મળે. કોઈ ગાંડો ત્રણ વાર તલાક બોલી દે અને પેલી દીકરીની જિંદગી ખરાબ થઈ જાય, એ દીકરી જ નહીં પરંતુ એના મા બાપ ભાઈ બહેન, જે લગ્ન કરીને ગઈ હતી અને દીકરી ફરીથી ઘરે આવે તો એ પરિવારની શું હાલત થાય? એવા પરિવારોની હું રક્ષા કરવા માંગતો હતો તેથી ત્રીપલ તલાક ઉપર કાયદો બનાવીને રોક લગાવી દીધો. હું કોંગ્રેસને ચેલેન્જ આપું છું,શાહજાદાને ચેલેન્જ આપું છું, ખુલીને કહે કે ત્રીપલ તલાકથી મુક્તિ આપીશું અને વોટ માટે ત્રીપલ તલાકને લાગુ કરીશું. આ મોદી છે એની સાથે તમે મુકાબલો નહીં કરી શકો. કોંગ્રેસના એક સાંસદ દક્ષિણ ભારતને અલગ કરવાની માંગ કરી રહ્યા છે. દેશના એટલા ભાગલા પડ્યા છે,હજુ કેટલા કરશો? રાજનીતિ આટલા નીચલા સ્તરની થઈ ગઈ છે? ઈન્ડી એલાયન્સ ની પાર્ટનર પાર્ટી છે તે વિભાજનની વાતો કરે છે.
સાથીઓ,
કોંગ્રેસના લોકોને વિભાજનની માનસિકતા વારસામાં મળેલ છે.આ કોંગ્રેસજ છે કે જેણે સત્તા માટે દેશના વિભાજનને સ્વીકાર કરી લીધું હતું. તમિલનાડુની પાસે એક કચાદ્વીપુ દ્વીપ, એક આખો દ્વીપ, કોંગ્રેસ સરકારે આઝાદીના 30 વર્ષ પછી, પાડોશીને આપી દીધું અને એ પણ એમ જ. એમની પોતાની અંગત વારસો હોય એ રીતે કે લઈ જાઓ,મોજ કરો અને આ હકીકત હજી હમણાં સામે આવી છે કે કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે એ ટાપુ પર કઈ જ નથી, ત્યાં શું થાય છે? ભલે લઈ જતા. તમે કલ્પના કરી શકો છો કે આવી વિચારધારા વાળા લોકો હોય? હું તો આવો વિચાર કરીને પણ કંપી ઉઠું છું અને જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોતે તો મારા ગુજરાતના ગૌરવની ચિંતા એ લોકો ન કરતે અને મારું જુનાગઢ પણ પાકિસ્તાન પાસે પહોંચી ગયું હોત. આ મારા ગીરના સિંહો જ્યારે દુનિયાની સામે ગર્જના કરે છે ને તે આપણી પાસે ના હોત.
સાથીઓ,
આ સરદાર પટેલનું યોગદાન છે કે ભાઈઓ આજે આપણે અહીં બેસીને ભારતના ભાગ્ય માટે ચર્ચા કરી શકીએ છીએ. સાથીઓ કોંગ્રેસ પાર્ટી જેવી ખતરનાક માનસિકતા, ગુજરાતને લઈને કોંગ્રેસના મનમાં જે ખીજ અને નફરત છે, કોંગ્રેસ જો સત્તામાં આવી તો ગુજરાતના માટે, દેશના માટે ખતરનાક હાલત પેદા કરી શકે છે. આ લોકો તો એવું પણ કહી દે કે કચ્છના રણમાં કંઈ જ નથી, ઘાસ કે વનસ્પતિ નથી તો આપી દો એને પણ. એમને વાર નહીં લાગે એમને કંઈ પડેલી જ નથી. એનો પણ સોદો કરી શકે છે. અહીં પણ ગુજરાતના જે તટિય ક્ષેત્રો છે, ત્યાં પણ ઘણા દ્વિપો છે કે જ્યાં કોઈ જ નથી રહેતું કોંગ્રેસ આવા દ્વીપોનો પણ સોદો કરી શકે છે. અને આ મોદી છે, પ્રધાનમંત્રી બન્યા બાદ, અરે આ મિડિયાના લોકો રિસર્ચ કરતે, ભારત સરકાર પાસે એવી કોઈ જ માહિતી નહોતી કે ભારત પાસે કેટલા દ્વીપો છે. મારા આવ્યા બાદ સેટેલાઈટ દ્વારા મેં સર્વે કરાવ્યો, તો ભારતની આસપાસ આપણા સમુદ્રમાં લગભગ 1300 જેટલા દ્વીપો છે અને કેટલાક દ્વિપો તો સિંગાપુર કરતાં પણ મોટા છે અને મેં એ પણ નક્કી કરી દીધું છે કે એમાંથી કેટલાક દ્વિપોનો વિકાસ કરીશ. આ પ્રવાસીઓએ આમતેમ જવાની જરૂર નઈ ઉભી થાય,પ્રવાસીઓ માટે અહીંયા જ જગ્યા ઊભી થશે. આ સંભાવનાઓ છે અને આ આપણા સમુદ્ર તટના કિનારાઓ ઉપર પણ છે. આ બધાનો જ વિકાસ થવાનો છે.
સાથીઓ,
જો કોંગ્રેસનું બસ ચાલે તો હિમાલયનો પણ સોદો કરી શકે છે. કારણ કે ત્યાં પણ કોઈ રહેતું નથી. કોંગ્રેસના આવા ખતરનાક વિચારોથી દેશે સાવધાન રહેવાનું છે.
કોંગ્રેસ જ્યાં સુધી સત્તામાં રહી ત્યાં સુધી દેશની સુરક્ષાને દાવ પર લગાડેલી હતી. ક્યારે ક્યાં બોમ્બ ધડકો થઈ જાય એ ખબર જ નહોતી. અહીંયા જે નવ જુવાનીયાઓ છે ને જે 20 22 25 વર્ષના છે જે પહેલીવાર વોટ આપવા જવાના છે, દસ વર્ષ પહેલા દેશની શું હાલત હતી એ એમને નઈ ખબર હોય કારણકે ત્યારે એમની ઉમર 8 10 વર્ષ હશે. તમને યાદ હશે કે તમે વિમાન દ્વારા મુસાફરી કરતા હોવ,રેલ્વે દ્વારા મુસાફરી કરતા હોવ તો ત્યારે સતત માઇક પરથી સૂચના અપાતી રહેતી, 24 કલાક કે તમને કોઈ પણ લાવારીશ વસ્તુ દેખાય તો એને હાથ ન લગાડવો. ક્યાંય પણ લાવારીશ બેગ પડી હોય તો એને હાથ ના લગાડવો, પોલીસને જાણકારી આપવી. ક્યાંય ટિફિન પડયું હોય, રમકડું પડયું હોય તો ડર રહેતો હતો કે એમાં બોમ્બ હોઈ શકે છે ધડાકો થઈ શકે છે. આવી સૂચનાઓ 2013 2014 સુધી ચાલતી રહેતી હતી. ગુજરાતના આ દીકરાને તમે પદ ઉપર બેસાડ્યોને, આવી ખબરો બંધ થઈ ગઈ કે નહીં થઈ? ક્યારેય પણ સાંભળ્યું લાવારીશ લાવારીશ લાવારીશ એવું? એ લોકો જ લાવારીશ થઈ ગયા જે લાવારીશની કથાઓ કરતા હતા. સાથીઓ સીમા પારથી ગોળીઓની વર્ષા થતી હતી, આપણા જવાનોને જવાબી ફાયરિંગ માટે દિલ્હીના જવાબની રાહ જોવી પડતી હતી. જવાન શહીદ થતા હતા પરંતુ દિલ્લી કાર્યવાહી માટે કોઈ જ પરમિશન આપતી નહોતી. કોંગ્રેસ પહેલા પાકિસ્તાનને કોઈ અલગ નજરથી જોતી હતી, એમના ઇશારાઓ ઉપર નિર્ણયો લેવાતા હતા. આજ ઇકો સિસ્ટમ આજે એક મોકા ની તલાશમાં છે કે કોંગ્રેસ આવે અને એમના જીવનમાં ફરીથી એકવાર ખુશાલી આવી જાય.
શું દેશ ફરીથી આવા દિવસો આવવા દેશે?
શું દેશ ફરીથી આવા દિવસો જોવા માંગે છે?
શું આવા લોકોને ફરીથી એન્ટ્રી મળશે?
આથી સોશિયલ મીડિયા ઉપર એમની બેચેની જુઓ, પૂરેપૂરી તાકાત લગાડીને ફરજી અને ફેક પ્રોપોગેંડા, પોતાનો ખુદનો ચહેરો નથી ચાલતો એથી મોદીનો ચહેરો લગાડીને એમાં AI દ્વારા, બીજેપીના નેતાઓના ચહેરા અને એમના દ્વારા ખોટું ફેલાવવું. દેશભરમાં આજ રમત રમી રહ્યા છે. દુકાન મહોબતની ખોલી રહ્યા છે પણ માલ ફરજી વેચી રહ્યા છે.
સાથીઓ,
કોંગ્રેસ એનું મહોરું ઉતારીને હવે એના ખરા રંગમાં આવી રહી છે. પહેલા કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામનું મંદિર બની રહ્યું હતું, આઝાદીના 75 વર્ષ બાદ પણ એમણે અટકાવવાની કોશિશ કરી અને અદાલત દ્વારા પણ કોશિશ કરી અને આ મારું સૌભાગ્ય છે અને તમારા આશીર્વાદ છે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની ગયું. પરંતુ જ્યારે એની પ્રાણપ્રતિષ્ઠા માટે નિમંત્રણ આપવામાં આવ્યું તો એમણે એ નકારી કાઢ્યું, આ ક્યાં ના સંસ્કાર છે? મેં મંચ ઉપર આવ્યા બાદ પહેલા જ્યારે સંતોને જોયા તો એમને મસ્તક નમાવીને નમન કર્યું. આ આપણા સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા છે.
સાથીઓ,
કોંગ્રેસે આ નિમંત્રણ કેમ નકારી કાઢ્યું એનું કારણ પણ કહી દીધું છે. કોંગ્રેસે કહ્યું છે, એમના અધ્યક્ષ કહ્યું છે કે એમનો ધ્યેય ભગવાન રામને હરાવવાનો છે. તને સાંભળ્યું હશે, અને આ વાત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કીધી છે. અને શિવ રામને હરાવશે એવી વાતોને જોડી દે છે. સમાજના પણ ભાગલા પાડવાની વાતો કરે છે. કોંગ્રેસ પાર્ટી લોકતંત્ર માટે આ ચૂંટણી નથી લડી રહી, કોંગ્રેસ આ ચુંટણી ભગવાન શ્રી રામની વિરુદ્ધ લડી રહી છે, બનાવી દીધી છે. હું આમને પૂછવા માંગુ છું કે ભગવાન રામને હરાવીને એ કોને જીતાડવા માંગે છે? કોઈ મને કહે કે ભગવાન રામને હરાવવા એટલે કોણ જીતશે? શું વિચારે છે આ લોકો અને આ જ વિચારોના કારણે મુઘલોએ 500 વર્ષ પહેલાં રામ મંદિરને જમીનદોસ્ત કર્યું હતું. અને આ જ વિચારોને લઈને આપણા સોમનાથના મંદિરને પણ ધ્વસ્ત કર્યું હતું અને આપણાં દેશના વીરો 17 17 વાર સોમનાથની અંદર કેવી લડાઈઓ લડી હતી, બલિદાન આપ્યાં હતાં. આ કોંગ્રેસ પાર્ટી, આને હરાવી દઈશું, આને તોડી દઈશું, શું ભાષા બોલે છે.
સાથીઓ,
કોંગ્રેસ માટે ચૂંટણી જીતવી નહીં પરંતુ પોતાના અસ્તિત્વ બચાવવા માટેની ચૂંટણી છે. આ કારણે કોંગ્રેસ ધર્મના નામની વોટ બેંકની રાજનીતિ કરવા મેદાનમાં ઉતરી છે.અને અમારી અને કોંગ્રેસની વચ્ચે ફર્ક સાફ છે.એમના માટે તુષ્ટીકરણ છે અને અમારા માટે સંતુષ્ટીકરણ છે.અમે દેશવાસીઓના સંતુષ્ટીકરણ માટે કામ કરીએ છીએ.અહીંયા સુધી કોંગ્રેસનો મેનિફેસ્ટો પણ મુસ્લિમ લીગની ભાષામાં લખવામાં આવ્યો છે. આપણા અહીંયા કહેવત છે ને કે હથેળીમાં ચાંદ બતાવે છે. હવે એમનો હાથ જોઈએ ને તો ચાંદ જ ચાંદ દેખાય છે બીજું કાંઈ જ દેખાતું નથી. કર્ણાટકમાં કોંગ્રેસે OBC સમાજનું આરક્ષણ ધર્મના નામે મુસલમાનોને આપી દીધું. જ્યારે દેશનું સંવિધાન બન્યુ હતું, મહિનાઓ સુધી ચર્ચા ચાલી હતી અને દેશના સંવિધાનના નિર્માતા અને એ સમયે એમાં RSS કે BJP વાળા ન હતા. કોંગ્રેસના મૂળ નેતાઓ હતા, બાબા સાહેબ આંબેડકર હતા અને મહિનાઓ સુધી ચર્ચા કરીને નક્કી કરવામાં આવ્યું હતું કે ભારતમાં ધર્મના નામે આરક્ષણ આપવામાં નહીં આવે. દલિતો,આદિવાસીઓ, પછાત વર્ગને સામાજિક કારણોસર આરક્ષણ આપવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસે શું કર્યું કર્ણાટકમાં રાતોરાત એક ફતવો જાહેર કર્યો. એક ઓર્ડર નીકળ્યો. કર્ણાટકમાં જેટલા પણ મુસલમાન છે એમને ઓબીસી ઘોષિત કરી દીધા. ઓબીસીને ત્યાં 27% આરક્ષણ મળ્યું હતું એનો મોટો હિસ્સો એમણે લૂંટી લીધો.શા માટે? એમના મગજમાં એમની વોટ બેંક ભરી હતી. આ કોશિશ કોંગ્રેસે આંધ્રમાં પણ કરી હતી. અને હવે કોંગ્રેસ સંવિધાન બદલીને સમગ્ર દેશમાં દલિતો,આદિવાસીઓ, પછાત વર્ગના આરક્ષણને છીનવીને ઓછું કરવાના મનસૂબા સાથે નીકળી છે.
પરંતુ મોદીએ ખુલ્લા મંચ ઉપર, જનતાની વચ્ચે કોંગ્રેસના મનસુબાને દેશની સમક્ષ લાવી દીધો છે. મેં ગેરંટી આપી છે કે ST,SC, OBC ને મળેલ આરક્ષણને, સામાન્ય સમાજના ગરીબોને મળેલ આરક્ષણને હવે કોઈ પણ હાથ ન લગાવી શકશે અને જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી ધર્મના નામે આરક્ષણ નઈ કરવા દે.
ભાઈઓ બહેનો,
હું પાછલા નવ દિવસોથી કોંગ્રેસને ત્રણ પડકારો આપી રહ્યો છું ,
મારો પહેલો પડકાર છે કોંગ્રેસ લખીને આપે કે કોંગ્રેસ સંવિધાન બદલીને ધર્મનાં આધારે આરક્ષણ નહીં આપે.
મારો બીજો પડકાર છે કોંગ્રેસ લખીને આપે કે ST,SC, OBC અને સામાન્ય વર્ગને જે 10% આરક્ષણ મળે છે એ નહીં છીનવી લે.
મારો ત્રીજો પડકાર છે કોંગ્રેસ લખીને આપે કે જે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં કર્ણાટકની જેમ ઓબીસી સમાજનું આરક્ષણ કાપીને અન્ય રાજ્યોમાં આવું પાપ નહીં કરે.
આ દેશને લખીને આપે, હું સતત આ વાત કહું છું છતાં એ લોકો કઈ કહેતા નથી તેથી આ કોંગ્રેસનો ખાનગી એજન્ડા છે. આનો અર્થ છે એમની વિચારધારામાં ખોટ છે અને હું તમને ચેતવણી આપવા આવ્યો છું કે આપણે આ પાપ એમને નહીં કરવા દઈએ. કોંગ્રેસ મારા પડકારોથી ભાગી રહી છે અને કોંગ્રેસ કઈ પણ બોલશે તો એનો છૂપો એજન્ડા સામે આવી જશે.
સાથીઓ,
જુનાગઢ સહિત આ સંપૂર્ણ વિસ્તાર આપણાં સમુદ્ર તટનો છે. હું સમજુ છું કે દેશના વિકાસમાં કોસ્ટલ ઇકોનોમીની ખૂબ જરૂરિયાત છે, એટલા જ માટે હું બ્લૂ ઈકોનોમિ ઉપર ભાર આપું છું. કોંગ્રેસ જ્યાં સુધી અહીંયા હતી ત્યાં સુધી ગુજરાતના તટ વિસ્તારોના વિકાસને બેધ્યાન કર્યો. અમારી સરકારે પહેલીવાર ગુજરાતની કોસ્ટલ ઇકોનોમીને સમૃદ્ધ બનાવવા માટે કામ કર્યું છે. આ અમારી ભાજપા સરકાર છે કે જેણે પહેલી વાર ખેડૂતોની જેમ માછીમારોને પણ કિસાન કાર્ડોની ઉપલબ્ધિ કરાવી. અમે સતત તટીય ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કરી રહ્યા છે.સુત્રાપાડા, નવલબંદર અને વેરાવળ પોર્ટ એનો અમે વિકાસ કરી રહ્યા છીએ. 22 હેકટરમાં 7000 થી વધુ હોડીને સમાવી શકે એવો ફિશીંગ હાર્બર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આવા પ્રયાસોના કારણે જ ગુજરાતનો માછલીનો નિકાસ 8% કરતા વધી ગયો છે. આજે ગુજરાત જાપાનમાં મોકલાતી સૂરીમીનો પ્રમુખ ઉત્પાદક છે. બીજેપીએ એના સંકલ્પ પત્રમાં માછીમારોના આર્થિક વિકાસ માટેની ગેરેંટી આપી છે. અમારો સંકલ્પ છે કે PM મત્સ્ય સંપદા યોજનાનો વિસ્તાર કરીશું. અમારો સંકલ્પ છે કે માછીમાર ભાઈ બહેનો માટે વીમા કવરેજ આપીશું અને અમે એને વધારશું પણ ખરા અને અમે પ્રોસેસિંગ યુનિટ પણ બનાવીશું અને દરિયાઈ ઊપજ ખેતી માટે પ્રોત્સાહન પણ કરીશું. દેશની આઝાદી બાદ?આપણા આટલા વિશાળ સમુદ્ર કિનારાઓ હોવા છતાં અલગ મંત્રાલય નહોતું. પહેલીવાર બીજેપીએ માછીમારો માટે એક અલગ મંત્રાલય બનાવ્યું છે કારણકે અમે બ્લૂ ઈકોનોમીને, માછીમારોના જીવનને, દરિયાકિનારા ના ક્ષેત્રોમાં સંપૂર્ણ બદલાવ લાવવા માંગીએ છીએ.
સાથીઓ ગુજરાતની ધરતી, મને યાદ છે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો અને બહાર જઈને વાત કરતો હતો કે અમારું બજેટ મોટું પાણીમાં જાય છે અને ગુજરાતમાં 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે, પાણી વિના આપણે વલખાં મારતા હોઈએ એવા દિવસો હતા. આજે ગુજરાત, જે 20 વર્ષ આપણે પાણી માટે મહેનત કરી, આંદોલનો ચલાવ્યા,અમૃત સરોવરો બનાવ્યા, ચેકડેમો બનાવ્યા, સુજલામ સુફલામ યોજના ચલાવી. આ બધા પ્રયત્નોનું પરિણામ છે કે આજે આપણે પીવાનું પાણી આપણને અને ખેતરોને પહોંચાડી શકીએ છીએ. નર્મદા નદીનો લાભ સૌને પહોંચાડવા માટે સૌની યોજના ચાલી છે. જળ જીવન મિશન, નળ થી જળ મળે દરેક ઘરે, મારી માતાઓ બહેનોને 2 2 કિલોમીટર બેડલા ઊંચકીને જાવું પડતું હતું એ બંધ કરાવી દીધું બધું. મોદીએ બેડલા ઉતરાવી દીધા. નળ થી ઘરમાં જળ મળે. જુનાગઢ, અમરેલી હવે બધા જ ગામોમાં પાણી પહોંચાડવા માટે મોટી પાઈપ લાઈનો લાગે, હું જ્યારે ગુજરાત બહાર જઈને કહેતો કે મારુતિ ગાડી જાય એટલી મોટી પાઇપલાઇનનો લાગે છે તો એમને આશ્ચર્ય થતું. ગુજરાત વાળાઓએ તો જોઈ છે અંદર ઘર બનાવીને રહેવાય એટલી મોટી પાઇપો છે, જે જમીનમાં મેં નખાવી છે. અમરેલીમાં સૌની યોજનાથી 30000 હેક્ટરની ભૂમિને સિંચાઈનો લાભ મળ્યો છે. આદિવાસી ખેડૂત ત્રણ પાક લઈ શકે એની વ્યવસ્થા કરી છે. સતત વિકાસ માટે મેં ઈન્ફ્રાસ્ટ્રકચર પર વજન આપ્યું છે. સોમનાથ થી ભાવનગર નેશનલ હાઈવે એના ઉપર કામ ચાલી રહ્યું છે.જૂનાગઢમાં 300 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ, 4 લેન વાળો રોડ. સોમનાથ અને જુનાગઢ વચ્ચે મારે કેશોદના એરપોર્ટને ગાજતું કરવું છે.મારે દુનિયાના ટુરિસ્ટોને અહીંયા લાવવા છે. ગીર નો સિંહ જોય,મારું સોમનાથ જુએ દિવ દમણ જુએ એના માટે મારે મોટું કામ કરવું છે ભાઈઓ. જુનાગઢ જિલ્લામાં ટુરીઝમ માટે એટલી બધી તાકાત છે, હું જ્યારે બહાર કહું ને કે અન્ય 7 રાજ્યોમાં તમે જઈ આવો ને એટલા દિવસો મારા જૂનાગઢમાં જોઈએ એટલું બધું છે. ગીર સોમનાથ કોડીનાર મોટા પોર્ટ બનાવવાની કલ્પના છે અને દસ વર્ષની ઉપલબ્ધિઓ, 5 વરસનો સંકલ્પ અને 25 વરસનું વિઝન આની સાથે આજે અમે દેશ પાસે આવ્યા છીએ.
ભાઈઓ, PM સૂર્યઘર યોજના મારું સપનું છે તમારૂ વીજળીનું બિલ ઝીરો કરવાનું, મારું સપનું છે તમારી ગાડી,સ્કુટી, સ્કૂટર પેટ્રોલનું બિલ ઝીરો કરવાનું. તમને થાય કે આ મોદી સાહેબ શું કહે છે! હું તો પાકો ગુજરાતી છું. PM સૂર્યઘર યોજના સરકાર પૈસા આપે છે, તમારા ઘરમાં ઉપર સોલાર પેનલ લગાડો, વીજળી ઘરમાં મફત વાપરો અને વધારાની વીજળી સરકાર ખરીદશે અને તમને પૈસા આપશે. એટલું નહીં તમે જે વીજળી પેદા કરશો તો તમારૂ સ્કૂટર હવે ઈલેક્ટ્રીક વેહિકલ્સ આવવાના છે અને એ ચાર્જ થાય પછી અહીંયાંથી ભાવનગર, જામનગર, રાજકોટ, અમદાવાદ જાવ.
અરે લહેરે લહેર, એક રૂપિયાનો ખરચો નહીં. બધું કાનો માત્ર વગર મફત.
મેં એક બીજું કામ માથે લીધું છે મારે ત્રણ કરોડ દીકરીઓને લખપતિ દીદી બનાવવી છે. દેશમાં ગામડામાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવી છે એટલા માટે એક પ્રસંગ કહેવા માંગુ છું મધ્યપ્રદેશના શહેડોલ પાસે એક આદિવાસી ગામમાં ગયેલો હતો, કંઈ કાર્યક્રમ હતો નહીં તો થયું કે ગામમાં બધાને મળું. તો ત્યાં સ્વયં સહાયતા સમૂહ ચલાવનાર કેટલીક બહેનોને મળવાનો કાર્યક્રમ બનાવ્યો. એમની જોડે હું બેઠો અને બહેનોને પૂછ્યું કે શું ફરક પડ્યો છે તો એમાંથી એક બેને કહ્યું કે મારી આવક હું લખપતિ દીદીમાં આવી ગઈ છું અત્યાર સુધીમાં એક કરોડ લખપતિ દીદી બનાવી દીધી છે. મેં બહેનને પૂછ્યું કે તમે વર્ષે લાખ રૂપિયા કમાતા થઈ ગયા છો તો શું કરશો આનું, તો આદિવાસી બહેને કહ્યું કે સાહેબ થોડા ઘરેણા લાવવા છે સ્વાભાવિક છે ઈચ્છા થાય.થોડા સોનું ચાંદી ખરીદવા છે. મેં બીજી બહેનને પુછ્યું કે તમે શું કર્યું તો કહે કે મારા પતિ સાયકલ ઉપર મજુરી કરવા જતા હતા તો સ્કુટી લઈ આવી, પછી કહે મને ખબર પડી કે બેંક થી લોન મળે થોડા ભણેલા હતા, આથી ટ્રેક્ટરની લોન લીધી અને મારા પતિને જન્મદિવસે મેં ટ્રેક્ટર ભેટ આપ્યું.એક આદિવાસી દીકરી કહે છે મેં ટ્રેકટર ભેટ આપ્યું અને આ ટ્રેકટર થી કામ કરીએ છીએ અને હવે લગભગ એકાદ વર્ષમાં લોન પણ ચૂકતી થઈ જશે, એ લખપતિ દીદીની કમાલ છે, 1 કરોડ લખપતિ દીદી બનાવી દીધી છે, મોદી એની ત્રીજી ટર્મમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવા માંગે છે. ક્રાંતિ કઈ રીતે આવે છે અને સાહેબ કોંગ્રેસના હાલ કેવા છે?
મારા આંકડા છે ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાની, અને જ્યારે એ , હું તમને પુછું છું બોલો આટલો વિશાળ દેશ તમે કોઇ અજાણ્યા માણસને આપી શકો? અત્યારે અમારી સામે જે ચુંટણી લડે છે તો ભારતમાં બહુમતી વાળી સરકાર બનાવવી હોય તો ઓછામાં ઓછી 272 સીટ જીતવી પડે. 272 તમારી પાસે જોઈએ. ભાજપ સિવાય એકેય પાર્ટી 272 સીટજ નથી લડતી. બોલો એમનું શું થાય?અને PM બનવું છે! હવે તમે જેને જણ્યો હોય,પારખી લીધો હોય એને જ તમે PM બનાવશો ને, જેની પાસે રેકોર્ડ હોય એને જ બનાવશે ને, મેં એમને પુછ્યું તમે કોને PM બનાવશો? નામ તો આપો એક.
તેમણે એક ફોર્મૂલા કાઢી છે દર વર્ષે એક પ્રધાન મંત્રી એટલે પાંચ વર્ષના પાંચ. હવે આ લોકોને મારે કેમ સમજાવવા?
ભાઈઓ બહેનો મારી એક બીજી ઈચ્છા છે,આપણી જે જવાન પેઢી છે, મહેનત કરે છે, કમાય છે. 30 હોય- 35 હોય - 40 હોય એના ઘરમાં વડીલ બા બાપુજી,પિતા,માતા,કાકા,મામા,કાકી ,ફોઈ હોય છે જ. હવે એની સામે બે કામ હોય છે. એના સંતાનોને મોટા કરવાના, એના સપનાં પુરા કરવાના, રોજબરોજની પોતાની જરૂરિયાતો પુરી કરવાની અને પોતાના વડીલોને સાચવવાના. હવે વડીલોની રોજબરોજની વ્યવસ્થા કરવી એ એના માટે મુશ્કેલ નથી, દીકરો સમર્પિત હોય છે, દીકરી સમર્પિત હોય છે સાંભળી લે. પણ માંદગી આવી જાય, દીકરા માટે મુસીબત થઇ જાય, દીકરી માટે મુસીબત થઇ જાય કે માં બાપને બિમારીમાં શું કરું?મારા છોકરાને મોટા કરું? કે મારા માબાપની બિમારીની દવા કરું, કરું શું? આ એની ચિંતા દૂર કરવાનું કામ એના દીકરાએ નક્કી કર્યું છે, મેં નક્કી કર્યું છે 70 વર્ષથી ઉપરના ગમે તે વર્ગના, સમાજના, આર્થિક રીતે ગમે તે 70 વર્ષથી ઉપરના જે કોઈ હશે એના ઇલાજનો ખર્ચો દિલ્લીમાં આ દીકરો સંભાળશે. એટલે ભાઈઓ બહેનો હું તો ગુજરાત પાસે આજે આશીર્વાદ માંગવા આવ્યો છું, એવી મને તાકાત આપો, એટલા બધા આશીર્વાદ આપો અને આપણા બધા સંતો જયારે અહીંયા બેઠા હોય ત્યારે એ આશીર્વાદ ફળી નીકળે.
7મી મે, આપણે ત્યાં મતદાન છે, બહુ દહાડા બચ્યા નથી, આપણે વધુમાં વધુ મતદાન કરાવવું છે, બધા રેકોર્ડ તોડવા છે, મતદાન કરાવશો? તમારે બૂથમાં બેસવું પડે કે ગયા વખતે 600 વોટ પડ્યા હતા આ વખતે 700 વોટ પડાવવાના છે અને વોટ આપવા જાવ ત્યારે ગામમાં નાના નાના સરઘસો કાઢીને જાવ ભાઈ, એક ગામ હોય ને તો ગામમાં 25 25 જણના 10 સરઘસ નીકળે, થાળી વગાડતા વગાડતા શ્રી રામ શ્રી રામ કરતા જઈએ અને લોકતંત્રનો ઉત્સવ માનવીએ અને ધમાધમ વોટ કરીએ ભલા.
બીજી મારી માંગણી છે બધા બુથ જીતવા છે ભાઈ, 26 સીટો તો તમે મને આપવાના જ છો ભાઈ, તમે મને પારકો ના માનો તમારા ઘરનો છું, મને કોઈ દહાડો તમે નિરાશ ના કરો મને ખાતરી છે પણ આ વખતે મોટું કામ લઈને આવ્યો છું મારે બધા પોલિંગ બુથ જીતવા છે ભાઈ. મહેનત પોલિંગ બુથ પાર કરવી પડે અને 7મી તારીખે જોરદાર મતદાન કરીને જૂનાગઢથી અમારા સાથી ભાઈ રાજેશ ચુડાસમા એમને વિજય બનાવો. પોરબંદરથી અમારા મનસુખભાઇ માંડવીયા, અમરેલી થી અમારા ભરતભાઈ સુતરીયા અને માણાવદર વિધાનસભાના બાય ઈલેક્શનમાં અમારા ભાઈ અરવિંદ ભાઈ અમારા જુના સાથી એમને વિજયી બનાવો અને ભારે મતોથી વિજય બનાવો એ જ મારી અપેક્ષા.
બોલો ભારત માતા કી ....
ભારત માતા કી....
ભારત માતા કી