જામનગરના મહારાજા દિગ્વિજય સિંહના પ્રયાસોને કારણે જ ભારતના પોલેન્ડ સાથે સારા સંબંધો છેઃ જામનગરમાં પીએમ મોદી

ભારત માતા કી જય

તમને બધાને થતું હશે કે આ નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આયા? અને મુખ્યમંત્રી પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહ્યું કે તમે આના ઉપર જ મુકો મારથી આ પાઘડી ઉતારાય એવું નથી. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો અને મારુ સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો અનન્ય પ્રેમ રહેલો છે, સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહેલો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ અને એટલે મેં કહ્યું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી આ મોટો પ્રસાદ છે અને જામનગર સાથેના મારા નાતાની અનેક વિશેષતાઓ રહેલી છે. ગયા 2 દિવસથી હું ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું. આમ તો કંઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોઈ. મને ઘણા કહેતા હતા સાહેબ તમારે ક્યાં પ્રચારમાં આવવાની જરૂર છે? મેં કહ્યું ભાઈ પ્રચારમાં ને પ્રેમમાં બઉ ફરક હોઈ. હું પ્રચાર માટે નથી આવ્યો હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવ્યો છું.

ગુજરાતની ધરતીએ જે પ્રેમ આપ્યો છે જે આશીર્વાદ આપ્યા છે, એ તો મોટી મૂડી છે અને જયારે આજે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થાય. જયારે સંગઠનનનું કામ કરતો ત્યારે પણ આવતો, પરંતુ એક વખત ખુબ મહત્વની ઘટના બની. ભૂચર મોરીની યુદ્ધની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈએ કાનમાં કહ્યું "સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહિ આવો, અમારું કર્તવ્ય છે એટલે અમે અન્ય છીએ" મેં કહ્યું કેમ નઈ આવો? તો કહ્યું કોઈ મુખ્યમંત્રી ના આવે. મેં કહ્યું કેમ ના આવે? કે અમે બધા મુખ્યમંત્રીમાં try કર્યો છે,તો થયું શું? તો કહે કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ, શહીદ થયા, જેમના પાળિયા ત્યાં દેખાતા હોય,પૂજાતા હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈકે ભેરવી દીધું છે કે તમે આ ભૂચર મોરીના એમાં જાવ તો તમે તમારું મુખ્યમંત્રી પેડ જતું રહે અને એટલા માટે એકેય મુખ્યમંત્રી આવતા નોહતા.

મેં કહયું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી, હું આવીશ અને હું આવ્યો અને ખુબ ઠાઠથી એ કાર્યક્રમને મેં વધાવ્યો પણ ખરો અને એને વધાર્યો પણ ખરો. એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે આજે ફરી જયારે જામનગર આવ્યો છું ત્યારે અનેક વાતો કરવાનો મૂડ છે. જ્યાં જ્યાં હું ગયો છું, અપાર આશીર્વાદ, અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગનાં મેં દર્શન કર્યા છે અને આ વખતે હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં ગયો, 2014 ની ચૂંટણીમાં પણ ગયો હતો, ભાઈ આ જે ફોટો લઈને ઉભા છે ને એ કૃપા કરીને બેસી જાવ, તમે જે લાવ્યા એ મેં દર્શન કરી લીધા, please તમારા લીધે તમારી પાછળ બેઠેલાને પરેશાની થશે. Please તમે બેસી જાવ. તમે જે લાવ્યા છો એ લઈને બેસો તમે જ્યાં બેઠા છો ત્યાં, બધું થઇ ગયું. બેસી જાવ તમે. તમારો પ્રેમ મારા મસ્તક ઉપર અને ગુજરાત હોય, તામિલનાડુ હોય, કાશ્મીર હોય કે કન્યાકુમારી હોય કે પછી આસામ હોય, જ્યાં જ્યાં ગયો મેં આવો ઉત્સાહ, આવો ઉમંગ અને આટલો બધો ઉત્સાહ અને commitment, ના 2014 માં જોયું છે, ન 2019 માં જોયું છે, જે હું 2024 માં જોઈ રહ્યો છું.

કારણકે 2014 માં ગયો ત્યારે બધાના મનમાં હતું કે આ ભાઈ કરશે શું? ગુજરાત વાળા ઓળખે પણ બહાર બધા ને એટલી ખબર ના હોય, 2019 માં ગયો તો કહે માણસ કામનો છે અને 2024 માં હું જોઉં છું કે ભાઈ હવે તો આપણા દેશનો ભાઈ વિશ્વમાં ડંકો છે, મોદી સાહેબ આગળ વધો અને જ્યાં જઈએ ત્યાં એકજ સ્વર,"ફિર એકબાર મોદી સરકાર

મિત્રો,

ગુજરાતે વર્તમાનમાં જેટલું યોગદાન આપ્યું છે તેટલું યોગદાન ભૂતકાળમાં પણ દેશને આપ્યું જ છે. અને આજે પણ જ્યારે પોલેન્ડની સંસદનું સત્ર શરૂ થાય છે ત્યારે સૌ પ્રથમ યાદ આવે છે જામનગર, દિગ્વિજયજી મહારાજ સાહેબનું અને બાદમાં સંસદ શરૂ થાય છે. અને તેઓએ જે બીજ વાવ્યા હતા તેના કારણે આજે પણ પોલેન્ડ સાથે આપણા સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે અને મેં કહ્યું તેમ જામ સાહેબના પરિવાર સાથે મારો સંબંધ રહ્યો છે, તેમના આશીર્વાદ રહ્યા છે તો આજે હું અહીં આવવાના સમયે તેમના આશીર્વાદ લેવા ગયો હતો અને તેમણે મને પ્રેમથી પાઘડી પહેરાવી, મને આશીર્વાદ આપ્યા અને જ્યારે જામ સાહેબ 'વિજય ભવ' કહે, ત્યારે તે વિજય નિશ્ચિત થઇ જાય છે. આપણા દેશના રાજાઓ,સમ્રાટોએ અખંડ ભારત બનાવવા માટે પેઢીઓ સુધી પોતાનું રાજપાઠ આપી ન્યોછાવર કરી દીધું હતું. આ દેશ તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. પરંતુ આઝાદીના 75 વર્ષ પછી પણ ઇતિહાસની એક મહત્વપૂર્ણ ઘટનાને પણ નકારી કાઢવામાં આવી. આજે પણ આ દેશ શાહજાદો જે ભાષા બોલે છે તેને સ્વીકારી શકતો નથી. પરંતુ મેં ભારતની એકતામા સરદાર વલ્લભભાઈ પટેલ નું જે યોગદાન રહ્યું છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનાનું નિર્માણ કરાવ્યું છે અને ત્યાં હું દેશની એકતામાં યોગદાન આપનાર રાજવી પરિવારોનું મ્યુઝિયમ બનાવી રહ્યો છું. આઝાદીના આટલા વર્ષો પછી પણ કોઈ સરકારને આ માન- સન્માન આપવાનો વિચાર આવ્યો નહિ પણ આ મેં શક્ય કર્યું છે કારણકે હું ઈતિહાસની મહાનતાને પૂજનાર વ્યક્તિ છું અને અને હું જાણું છું કે જે ઈતિહાસને ભૂલી જાય છે તે ક્યારેય ઇતિહાસ બનાવી શકતા નથી.

મિત્રો,

કોંગ્રેસની શરૂઆત કુ-પ્રચારથી થઈ અને તેના કારણે કોંગ્રેસની રાજનીતિ આજે નિરાશામાં સરી પડી છે. ગુજરાતને લઈને કોંગ્રેસને અગાઉ જે હતાશા હતી આજે દેશની પ્રગતિ પ્રત્યે એ જ નિરાશા અને નફરત કોંગ્રેસમાં પ્રવર્તે છે. આજે વિશ્વમાં ભારતનું કદ પણ વધી રહ્યું છે અને ભારતનું સન્માન પણ વધી રહ્યું છે. ત્યારે તો કોંગ્રેસ અને તેના રાજકુમાર વિદેશોમાં જઈને ભારતને બદનામ કરે એવા લાંબા ભાષણો આપે છે. જ્યારે તેઓએ 2014માં સત્તા છોડી હતી,તે સમયે આપણા દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં 11મા નંબર પર હતી. અને તમને જાણીને આનંદ થશે કે જ્યારે દેશને આઝાદી મળી ત્યારે આપણે વિશ્વમાં છઠ્ઠા નંબર પર હતા અને તેઓ તેને 11માં નંબર પર લઈ ગયા અને પછી ચા વેચનાર આવ્યો, ત્યાં ખૂબ જ બુદ્ધિશાળી લોકો બેઠા હતા પણ આની નસોમાં ગુજરાતી લોહી હતું અને વિશ્વમાં 11માં નંબરનું અર્થતંત્ર હતું તે પાંચમાં નંબરે પહોંચાડી દીધું અને મારે સત્તા કે આનંદ ખાતર તમારા આશીર્વાદ નથી જોઈતા, પદ કે પ્રતિષ્ઠા ખાતર નથી જોઈતા. 2014માં વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ મોદીનું નામ ઈતિહાસમાં નોંધાઈ ગયું છે પણ મોદી આના માટે ન જીવે છે અને તેના માટે પોતાના સપનાને વળગી રહે છે. મોદી તમારા આશીર્વાદ માંગી રહ્યા છે, મારા મનમાં એક સંકલ્પ છે કે હું ત્રીજી ટર્મમાં એ સંકલ્પ પૂરો કરીશ.અને મારો સંકલ્પ છે ભારત ને વિશ્વની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થામાં લાવીને રહીશ. અને તમે કલ્પના કરી શકો છો કે જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ત્યારે વિશ્વનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ કેટલો બદલાશે. ભારત પાસે ભારતની જરૂરિયાતોને પૂર્ણ કરવાની અને ભારતની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની અને તેના યુવાનોના સપનાને સાકાર કરવાની ક્ષમતા ભારતની પોતાની હશે. ભારત આત્મનિર્ભર બનશે, હિંદુસ્તાને વિશ્વમાં દુનિયામાં ક્યારેય પણ કોઈની પણ સામે હાથ ફેલાવવાની જરૂરિયાત પડશે નહીં અને એવું ભારત બનાવવા માટે મને આશીર્વાદ જોઈએ છે.

મિત્રો,

કોંગ્રેસના મોટા વિદ્વાનો, દેશની પ્રગતિને ઓછી આંકવા માટે કહે છે કે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવવાની શું જરૂરત છે? ભાઈ ઊંઘતા રહો. જે લોકો દરેક બાબતના સોલ્યૂશન માટે ખટાખટ ખટાખટ દ્વારા ગરીબી દૂર કરવાનું કહેતા હોય, કે જે એક ઝાટકા માં ગરીબી દૂર કરવાનું કહેતા હોય, જે ખટાકર અને ફટાકમાંજ ફસાયેલા પડેલા હોય, તેઓ સમસ્યાઓ અને પડકારોથી કેવી રીતે બચવું, કેવી રીતે મુકાબલો કરવો, સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવું, પડકારોનો સામનો કેવી રીતે કરવો એ બાબતે કદાચ ક્યારેય વિચાર્યું પણ ના હોય. સાથિયો, નીતિ શું હોય છે, નિર્ણય શું હોય છે અને જયારે નિયત સાફ હોય છે ને ત્યારે એનું પરિણામ પણ શાનદાર આવે છે.

મિત્રો,

કોંગ્રેસનું ઝેર એટલું વધી ગયું છે, એટલું વધી ગયું છે કે મને ખબર નથી કે ચોથી જૂન સુધીમાં આ ઝેર ક્યાં ક્યાં ફેલાય જશે. જયારે કોંગ્રેસનું મેનીફેસ્ટો આવ્યું ત્યારે, મેં દેશને ચેતવણી આપી હતી ખાસ કરીને દેશનો જે વૈચારિક વર્ગ છે, એમને મેં ઈશારો કર્યો હતો કે કોંગ્રેસનો મેનિફેસ્ટો ખતરાની ચેતવણી છે અને મેં સ્પષ્ટ કહ્યું હતું કે હું કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ જોઈ રહ્યો છું. તો કોઈક લોકો ને લાગ્યું હશે કે આ તો પોલિટિકલ સ્ટેટમેન્ટ છે. પણ જયારે એની બારીકીઓને લોકો જાણવા લાગ્યા તો દેશ બેચેન બનવા લાગ્યો. જે ભાષા મુસ્લિમ લીગ બોલતી હતી દેશની આઝાદીના પહેલા, ભારતના વિભાજનની ભાષા કે જે નરેટિવ બેસાડવામાં આવ્યા હતા, દુર્ભાગ્યથી આજે કોંગ્રેસનો મેનિફેસ્ટો એજ વાતો ને લઈને આજે દેશવાસિઓ સમક્ષ વોટ માંગી રહ્યા છે. ઇન્ડી અલાયન્સની રેલીઓમાં ઇન્ડી અલાયન્સના નેતા મુસ્લિમ વોટર્સને વોટ જેહાદની અપીલ કરી રહ્યા છે! અને એ પણ કોઈ મદ્રેસામાંથી નીકળેલો કોઈ બાળક નથી બોલી રહ્યો, કોંગ્રેસના ટોપ લીડરશીપમાં ઉઠવા બેસવાવાળા, ભણેલાગણેલા પરિવારના કોંગ્રેસના નેતા વોટ જેહાદની વાત કરે છે. હવે કોંગ્રેસનો અને વોટ જેહાદનો શું સંબંધ ગણાય છે એ તમને કોંગ્રેસના ઇતિહાસથી ખબર પડી જશે. તમે યાદ કરો જયારે દેશમાં જેહાદના નામ ઉપર આતંકી હુમલાઓ થતા હતા, ત્યારે એ આતંકીઓની વકાલત માટે સૌપ્રથમ કોંગ્રેસના લોકો આવતા હતા. કાશ્મીરમાં અલગાવવાદીઓની મેજબાની તે સમયના પ્રધાનમંત્રી કરતા હતા જેની છબીઓ હાજર છે. મુંબઈમાં અટકી હુમલો થયો 26/11 નો એમાં કસાબ અને અન્ય આતંકીઓને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ આગળ આવ્યા હતા. મુંબઈના આતંકી હુમલાના જેહાદીઓને બચાવવા માટે પુસ્તકો લખવામાં આવ્યા, કોંગ્રેસના નેતાઓએ તેને પ્રકાશિત કરી. દિલ્લીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં જિહાદી આતંકવાદી માર્યા ગયા, તો કોંગ્રેસની મેડમના આંખોમાંથી આંસુ નીકળતા હતા, આંસુ વહી રહ્યા હતા એવું કોંગ્રેસના નેતા કહી રહ્યા હતા. અફઝલ ગુરુને ફાંસી થઇ અને તેને માફી મળે એ માટે આજ ઇકોસિસ્ટમના લોકો સુપ્રીમ કોર્ટ થી લઇ રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયા હતા અને આ લોકો હવે દેશમાં વોટ જેહાદનો નારો લગાવી રહ્યા છે.

સાથિયો,

કોંગ્રેસ પાર્ટી આ સમયે બે રણનીતિઓ ઉપર ચૂંટણી લડી રહી છે. પહેલો મુદ્દો જાતિના નામે સમાજને તોડવું અને બીજો મુદ્દો કે તુષ્ટિકરણ દ્વારા પોતાની વોટબેંકને એકજુટ કરવી. આથી કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ દલિત, આદિવાસી અને પછાત વર્ગના આરક્ષણ ને લઈને સો એ સો ટકા ખોટી અફવાઓ ફેલાવવા ચારેય તરફ ચુ ચુ ચુ ચુ ફેલાવવાનું શરુ કરી દીધું. આ મુદ્દાને ચૂંટણીનો એજંડો બનાવવાની કોશિશ કરી અને હવે કોંગ્રેસ આરક્ષણ પ્રત્યેના પોતાના ખરેખરા મકસદ(લક્ષ્ય,ધ્યેય) માં લાગી પડી છે. કોંગ્રેસ પાર્ટી sc,st, obc નું આરક્ષણ એમની પાસેથી આંચકી લેવા માંગે છે અને એમના આરક્ષણ માંથી ભાગ છીનવી લઇ, sc,st, obc સમુદાયને અન્યાય કરીને ધર્મના આધાર પર આરક્ષણ માટે સંવિધાન ને પરિવર્તિત કરવું અને મુસલમાનોને આરક્ષણ આપવું આ માટેની તૈયારીઓ કરી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસે શું કર્યું? રાતો રાત એક ફતવો જાહેર કર્યો, એક હુકમ કાઢ્યો અને કર્ણાટકના જેટલા મુસ્લિમ સમુદાયના લોકો છે એમને રાતો રાત OBC ઘોષિત કરી દીધા. બધા જ મુસલમાન OBC. કર્ણાટકમાં, સંવિધાન થકી OBC સમાજને જે 27 ટાકા આરક્ષણ પ્રાપ્ત થાય છે તેમાં રાતોરાત ધાડ પાડી અને OBC સમાજનો જે હિસ્સો હતો એને લૂંટી લીધો અને એ પણ ધર્મના આધાર પાર આરક્ષણ આપીને.

દેશનું સંવિધાન જયારે બનેલું ત્યારે મહિનાઓ સુધી ચર્ચાઓ ચાલી હતી, દેશના એ જમાનાના કોંગ્રેસના, આઝાદીના આંદોલનના દિગ્ગજ નેતાઓએ સંવિધાન બનાવ્યું, વિચાર વિમર્શ કરવામાં આવ્યા, એમાં કોઈ RSS કે BJP વાળા ન હતા, દેશના ગણમાન્ય વિદ્વાન હતા, બાબા સાહેબ આંબેડકર હતા અને તેમણે ચર્ચા કરીને નક્કી કર્યું કે ભારત જેવા દેશમાં ધર્મના આધાર ઉપર આરક્ષણ ન આપી શકાય. બાબા સાહેબ આંબેડકરે વિસ્તાર પૂર્વક કહ્યું કે ધર્મના નામ ઉપર આરક્ષણ દેશમાં કેટલી મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.આ બાબત બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ રીતે ના પડી દીધી હતી અને દેશનું જે બંધારણ તૈયાર થયું એ દેશમાં ધર્મના નામે આરક્ષણ માટે મનાઈ ફરમાવે છે. દલિત, આદિવાસી , OBC સંવિધાન એના માટે પરમિશન આપે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી ધર્મના નામે આરક્ષણની વાતને લઈને પોતાની વોટબેન્ક મજબૂત કરવા માંગે છે અને જયારે મેં આ કોંગ્રેસના પાપોને ઉઘાડા પાડ્યા અને પાછલા 9 દિવસોથી હું એક માંગણી કરી રહ્યો છું કે કોંગ્રેસ પાર્ટી જવાબ આપે, મેં એમને એક ચુનૌતી આપી છે. 9 દિવસ થઇ ગયા, કુલ ત્રણ ચુનૌતીઓ છે પણ એના ઉપર કોઈ જવાબ આપ્યો નથી.હું સતત કહું છું, હું એકવાર ફરી મીડિયાને પણ જગાડવા માંગુ છું, દેશવાસીઓ ને પણ જગાડવા માંગુ છું, એક ભયંકર મુશ્કેલી તરફ આ લોકો લઇ જઈ રહ્યા છે એના માટે હું જગાડવા માંગુ છું અને મારી ત્રણ ચેલેંજ કઈ છે?

મારી પ્રથમ ચેલેંજ છે "શું કોંગ્રેસ લેખિત બાંહેધરી આપશે કે તે સંવિધાન બદલીને આરક્ષણ મુસલમાનોને નઈ આપશે"! આ લેખિતમાં આપો.

બીજું " ધર્મના આધારે આરક્ષણ આપીને દલિત,આદિવાસી,બક્ષીપંચ OBC ના હકોને રદ કરવામાં આવશે નહીં" શું કોંગ્રેસ આ લેખિતમાં આપી શકશે?

ત્રીજી ચેલેંજ " શું આ કોંગ્રેસ લેખિતમાં આપી શકે છે કે એમની જે રાજ્યની સરકારો છે, એમના સાગરીતોની સરકારો છે તેઓ OBC કોટામાં ધાડ પાડીને મુસલમાનોને સંમિલિત કરીને પોતાનો ગુપ્ત એજંડો નહિ ચલાવશે એની ગેરંટી આપે છે એ લોકો? એ લોકો ચૂપ છે એનો મતલબ જ એ છે કે એમના મનમાં, એમના વિચારમાં કંઈક ખોટ છે.

મને જામનગરના લોકો કહો જોઈએ કે દેશ ઉપર આટલો મોટો ખતરો મંડરાય રહ્યો હોય ત્યારે મોદી ચૂપ રહી શકે? શું મોદી દેશને ફરીવાર વિભજીત થવા દેશે?

સાથિયો,

હું આજે જામનગરની ધરતી ઉપરથી દેશવાસીઓને વિશ્વાસ આપું છું અને કોંગ્રેસના સાગરીતોને કહેવા માંગુ છું કે જ્યાં સુધી મોદી જીવિત છે, જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી આ દેશને ફરી ધર્મના અઢાર ઉપર તોડવા નહિ દઉં. ધર્મના આધારે દલિત, આદિવાસી, બક્ષીપંચના હકોને છીનવા નહીં દઉં, જ્યાં સુધી જીવિત ચુ ત્યાં સુધી લડતો રહીશ અને કોંગ્રેસ જવાબ આપવાની જગ્યાએ મોઢું છુપાવીને દેશવાસીઓના આંખોમાં ધૂળ ઝિંખી રહી છે.

સાથિયો,

કોંગ્રેસના લોકો, એનો શાહજાદો અને એમની ઇકોસિસ્ટીમ આપણી આસ્થા ઉપર પ્રહાર કરવા માટેનો કોઈ મોકો નથી છોડતી. તમને યાદ હશે થોડા સમય પહેલા હું વિકાસ કાર્યોના કામ માટે દ્વારકા આવ્યો હતો. દ્વારિકાધીશના દર્શન પછી હું સમુદ્રના તળિયે એ દ્વારિકાના દર્શન કરવા ગયો કે જેનું વર્ણન આપણા ધર્મગ્રંથોમાં આવે છે.મેં સમુદ્રના અંદર થોડી વાર ધ્યાન અને પૂજન પણ કર્યું. કોંગ્રેસના શાહજાદાને એનાથી પણ તકલીફ છે અને હું તો હેરાન છું, ઉત્તરપ્રદેશ, બિહારમાં પોતાને જે યદુવંશી કહેવડાવે છે એ એમની સાથે બેઠા છે જે શ્રીકૃષ્ણની દ્વારિકાને નકારી દે છે અને એ શાહજાદો જે શ્રીકૃષ્ણની દ્વારિકામાં પૂજા થાય તો એની મજાકલ ઉડાવતો હોય. એમણે કહ્યું કે સમુદ્રના અંદર પૂજા માટે કઈ જ નથી. અરે જેને સામાન્ય જ્ઞાન પણ નથી એવા લોકોનું શું કરવું? તમે મને કહો કે આ લોકોની હિમ્મત છે કે બીજા ધર્મો માટે આવી વાત કરી શકે? આ લોકો બીજા ધર્મની વાતો ને ખોટી ઠરાવી અને એની મજાક ઉડાવી શકે છે? આ રામમંદિરનો બહિષ્કાર કરે છે, દ્વારિકાને ખોટી બતાવે છે. હિન્દૂ ધર્મની શક્તિ, એક જાહેરાત કરી દીધી કે હિન્દૂ ધર્મમાં જે શક્તિની કલ્પના છે એનો હું વિનાશ કરી દઈશ. શું આ દેશમાં કોઈ શક્તિના વિનાશની કલ્પના કરી શકે છે? આપણે તો શક્તિના ઉપાસક છીએ.

આ કોંગ્રેસનું ચરિત્ર જ છે, એ લોકો એ તો હમણાં કહી દીધું કે શિવ અને રામનો ઝગડો કરાવી દઈશું અને એમણે તો એ પણ કહી દીધું કે અમે તો રામને પરાજિત કરીશું. શું થઇ ગયું છે કોંગ્રેસને? એટલે જ હું કહું છું કે બધાએ કોંગ્રેસથી સાવધાન રહેવાની જરૂર છે. હવે મને એ કહો કે કોઈના પણ મનમાં કોઈના પણ માટે રાજીપણું કે નારાજગી હોઈ શકે છે, પરંતુ એના માટે કોંગ્રેસને વોટ આપવાની ચર્ચા કોઈ કરે તો એમને હું જરા પૂછવા માંગુ છું કે ભાઈ કોઈએ ભારતમાં સરકાર બનાવવી છે તો એ પાર્ટીએ ઓછામાં ઓછી 272 સીટો જીતવી પડે કે નઈ જીતવી પડે? જરા બતાવો એમને 272 સીટો, હવે ભાજપ સિવાય આ દેશની કોઈ પણ પાર્ટી 270 સીટો ઉપર ચૂંટણી લડી જ રહી નથી. હવે ચૂંટણી જ નથી લડી રહ્યા અને પ્રધાનમંત્રી બનવું, હવે મને તમને પૂછવું છે કે જે 272 સીટો ઉપ્પર ચૂંટણી જ નથી લડી રહ્યા તો એમને વોટ આપીને શું કામ તમારો વોટ બરબાદ કરી રહ્યા છો? કઈ લોજીક છે એમાં? અરે તમને બધાને શું પડી છે કે વોટ આપવાનું તમે વિચારી રહ્યા છો, અરે ખુદ કોંગ્રેસનું શાહી પરિવાર કે જે દિલ્લીમાં રહે છે એ ખુદ કોંગ્રેસને વોટ આપવાનો નથી. તમને હવે આ વાતનું આશ્ચર્ય થશે પણ આ સત્ય હકીકત છે.જ્યાં તેઓ રહે છે, જ્યાં તેમણે વોટ આપવાનો છે ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. અહીંયા આપણા અહેમદ ભાઈનો પરિવાર, અહેમદ ભાઈ કોંગ્રેસના એક મોટા ગજના નેતા હતા, એ પરિવાર પણ આ વખતે કોંગ્રેસને વોટ નહિ આપી શકે. ત્યાં ભરૂચમાં પણ કોંગ્રેસનો ઉમેદવાર નથી. અહીં ભાવનગરમાં પણ એમના એક મોટા નેતા રહે છે, વોટ એમનો ભાવનગરમાં છે તો એ પણ કોંગ્રેસને વોટ આપી શકશે નહીં. જે કોંગ્રેસના નેતા કોંગ્રેસને વોટ આપી શકવાના નથી તો દેશવાસીઓને શું જરૂર છે કોંગ્રેસને વોટ આપીને પોતાના વોટ બગાડવાની?

અને એટલાજ માટે મારા ભાઈઓ બહેનો આજે હું જયારે જામનગરની ધરતી ઉપર આશીર્વાદ લેવા આવ્યો છું ત્યારે, આ સમયગાળો તમે જુઓ, હું જયારે ગુજરાતમાં હતો ત્યારે પાણી તરફ અપને ખુબ મોટી શક્તિ લગાડી. આજે સમગ્ર ક્ષેત્ર માટે કનેક્ટિવિટી માટે અભુતપુર્વ વિકાસ કરી રહ્યા છીએ. અમૃતસર- ભટિંડા - જામનગર કોરિડોર, 80 હાજર કરોડ રૂપિયા, આપ વિચાર કરો કેટલી મોટી તાકાત ઉભી થવાની છે. ધોરાજી - જામકંડોરણા - કાલાવાડ સેક્શનનું ચોડીકરણ એટલે રસ્તો પહોળો થઇ રહ્યો છે. અહીંયા દ્વારકામાં સુદર્શન સેતુ, હવે સુદર્શન સેતુ જોવા માટે ટુરિસ્ટો આવવા મંડ્યા અલગ થી,નહીં તો પહેલા બેટદ્વારકા જવું હોય તો તકલીફ પડતી હતી ભાઈ, રાહ જોવી પડતી હતી અને દરિયો ગાંડો થયો હોય તો પાછું બે દાડા રોકાય જવું પડે. આજે સુદર્શન સેતુ એક નજરાણું બની ગયું છે. જામનગર - અમદાવાદ વંદે ભારત ટ્રેન બાબા, પ્રવાસ ના કરવો હોય તો પણ સ્ટેશન પાર લોકો ટ્રેન જોવા જાય છે, ટ્રેન જોડે ફોટો પડાવે છે. આઝાદીના 75 વર્ષ પછી લાલ ડબ્બા માંથી સુંદર ટ્રેન જોવા મળી ભાઈઓ. અમૃત યોજના હેઠળ જામનગર રેલવે સ્ટેશનનું આધુનિકરણ થઇ રહ્યું છે અને આધુનિકરણ એટલે તમે એરપોર્ટને ભૂલી જાવ એવા રેલવેસ્ટેશન બનાવવાના છે મારે. આપણા જામનગરમાં ઔદ્યોગિક વિકાસ મને યાદ છે મેં જયારે નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો, જામનગરમાં ચૂંટણી લડતો હતો, મારી જિંદગીની પ્રથમ શરૂઆત સૌરાષ્ટ્ર માંથી થઇ. પહેલી વખત જનપ્રતિનિધિ બનવાની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતીએ મને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી આ યાત્રા શરુ થઇ , એ વખતે મેં કહ્યું હતું કે રાજકોટ,મોરબી ને જામનગર એવો ત્રિકોણ છે કે જેનામાં મીની જાપાન તરીકે ડેવલોપ થવાની તાકાત છે અને એ વખતે મારી બોવ ઠેકડી ઉડાવવામાં આવી હતી. મીડિયા વાળા પણ મારા વાળ પીંખી નાખતા હતા અને આજે તમે જોઈ રહ્યા છો જે રીતે, એક જમાનામાં ગુજરાત આપણું એગ્રિકલચરમાં હાલત ખુબ ખરાબ હતી કેમ કે 10 વર્ષમાં 7 વર્ષ તો દુકાળ રહેતો હતો કે નઈ ! આજે એગ્રિકલચરમાં અપને 8 થી 10 ટકાના ગ્રોથ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ, કારણ આપણે પાણી પાર ધ્યાન કેન્દ્રિત કર્યું . આપણા ગુજરાતની ઓળખ શું હતી? દલાલી કરવાની એટલે એક જગ્યાએ થી માલ લેવાનો અને બીજી જગ્યાએ વેચવાનો અને વચ્ચે જે બે પાંચ મળે એમાં ગુજારો કરવાનો. નાના મોટા વેપાર કરીને ગુજરાન કરતા હતા કેમ કે આપણી પાસે કોઈ મિનરલ નહીં. મોટામાં મોટું જે મિનરલ કહો તો એ મીઠું. એનાથી આગળ કાંઈ નહીં અને એમાંથી આજે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય બની ગયું અને દોસ્તો આવનારા દિવસો સ્વર્ણ અક્ષરે લખી રાખજો, તમે જુઓ કેવું આમ લાઈન બંધ પડ્યું છે, આ બ્રાસ પાટ તો વગેરે તો પડ્યું જ છે. પરંતુ વિમાન ગુજરાતમાં બનવાના છે, ઇલેક્ટ્રિક વેહિકલ ગુજરાતમાં બનવાના, દુનિયાના 4 કે 5 જ દેશો છે કે જ્યાં સેમિકન્ડક્ટર બને છે આ સેમિકન્ડકટર ભારતમાં ગુજરાતમાં બનવાના છે ભાઈ. એનો અર્થ એ થયો કે એક જમાનો આવશે કે ભારતમાં જે ઇલેક્ટ્રિક વેહિકલ ચાલતા હશેને એની ચિપ ગુજરાતમાં બની હશે દોસ્તો. આ ક્રાંતિકારી ચીજો થઇ રહી છે.

ગુજરાત ગ્રીન હાઇડ્રોજન, સમગ્ર દુનિયાનું એનેર્જીનું મોટું ક્ષેત્ર ગ્રીન હાઇડ્રોજન કે જેમાં ગુજરાત વિશ્વનું સૌથી મોટું હબ બનવા જઈ રહ્યું છે. આવી અનેક ક્ષેત્રે હરણફાળ આ ગુજરાત ભરવાનું છે અને મારુ એક બીજું સ્વપ્ન છે, આ મધ્યમવર્ગ,ઉચ્ચ મધ્યમવર્ગ ના પરિવારના લોકો છે એમને, બાકી બધાને માટે પણ તમારું વીજળી બિલ એ મારે ઝીરો કરી દેવું છે. હવે તમે વિચાર કરો કે વીજળી બિલ ઝીરો થાય એટલે તમારા જીવનમાં નવી દિશામાં આગળ વધવા માટે કેટલો મોટો અવસર મળે. એના માટે PM સૂર્યઘર યોજના આપણે બનાવી છે. સરકાર તરફથી સોલાર પેનલ માટે પૈસા મળશે. તમે તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરો, તમારી જેટલી જરૂરી વીજળી છે એ મફતમાં વાપરો અને વધારાની વીજળી સરકાર ખરીદશે અને તમને પૈસા આપશે.પહેલા તમે પૈસા આપતા હતા હવે સરકાર તમને પૈસા દેશે. એટલું જ નહીં તમારો ટ્રાન્સપોર્ટેશનનો ખરચો, તમારી સ્કૂટી હોય, સ્કૂટર હોય,મોટરસાયકલ હોય, કાર હોય, હવે પેટ્રોલનો ફ્યુઅલનું બિલ જેમ વીજળી બિલ ઝીરો એમ ફ્યુઅલનું બિલ ઝીરો. મફતમાં કાના માત્રા વગર મફત. PM સૂર્યઘર યોજના એ જે વીજળી તમારા ઘરમાં પેદા થાય એનાથી હવે જે ઇલેક્ટ્રિક વેહિકલ આવવાના છે, એનોજ જમાનો છે, એનાથી તમારા ઘરમાં બેટરી ચાર્જ થાય અને પછી લઈને નીકળો રોડ પર એટલે માજા આવી જાય બાપુ, ખર્ચો નઈ અને જુવાનિયાઓને બાપા પાસે હાથ લાંબોના કરવો પડે અને મસ્તીથી ગાડી ચલાવે. આ દિશામાં જવું છે ભાઈઓ.

ગ્લોબલ મેપ પર જામનગર સ્વાસ્થની બાબતમાં દુનિયાનું WHO નું મહત્વનું સેન્ટર, ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિનનું સેન્ટર આ જામનગરમાં બની રહ્યું છે. આખી દુનિયા આયુર્વેદ તરફ વળી રહી છે, જામનગરની આયુર્વેદ યુનિવર્સીટી એના માટે એક પ્રેરણાનું કેન્દ્ર બની ગઈ છે. આજે દુનિયામાં ભારતના આયુર્વેદની ઓળખાણ થઇ છે. આપણે 2023 ને મિલેટ વર્ષ તરીકે મનાવ્યું,આપણો નાનો ખેડૂત, જ્યાં પાણીની અવાક ઓછી હોય, ત્યાં આપણું મોટું અનાજ પાકે જુવાર,બાજરો ને એ બધું. એનું કોઈ પૂછતું નોહ્તું. ઘરમાં છોકરાઓને લાગે કે આ બધું તો ઓઉટડેટેડ છે. આજે પુરવાર થઇ ગયું કે આપણા પૂર્વજો જે ખાતા હતા ને એ સુપર ફૂડ છે સુપર ફૂડ અને મિલેટ યર આપણે મનાવ્યું એનું નામ આપણે નક્કી કર્યું "શ્રી અન્ન". કારણે કે ભારતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ છે. હવે આ શ્રી અન્ન દુનિયામાં અને આ મારુ સ્વપ્ન છે કે દુનિયાના ડાયનિંગ ટેબલ પર આ નાના નાના ખેડૂતોએ ઉગાડેલું શ્રી અન્ન ખવાય અને હું છેલ્લે જયારે અમેરિકા ગયો હતો, અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર ભારતના પ્રધાનમંત્રીને એટલું બધું સન્માન આપ્યું હતું. ભારતના એકપણ પ્રધાનમંત્રીને એ સન્માન નોહ્તું મળ્યું અને વિશાલ ભોજન સમારંભ ગોઠવ્યો હતો. એ ભોજન સમારોહની વિશેષતા એ હતી કે દરેકના ભોજનની ડીશમાં વેજિટેરિયન ખાવાનું હતું એટલું જ નહીં આ આપણું જુવાર,બાજરી મિલેટ હતું, શ્રી અન્ન નું ભોજન હતું. white house માં પણ સુપર ફૂડનું મહત્વ વધતું જાય છે.

સાથિયો

સૌની યોજના, એને તો જયારે મને યાદ છે મેં રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સૌની યોજનાની જાહેરાત કરી હતી તો છાપ વાળાએ હેડલાઈને બનાવી હતી કે મોદીએ ચૂંટણીનું નવું ગતકડું કાઢ્યું કેમકે ચૂંટણીના થોડા દહાડા પહેલા જ કર્યું હતું. આજે ધમધમાટ પાણી પહોંચે છે કે નઈ, તળાવ ભરાઈ છે કે નઈ. ભાઈઓ બહેનો કચ્છના ખાવડા સુધી પાણી પહોંચાડયુ, સૌની યોજનાએ નવું જીવત દાન આપ્યું છે. જામનગર જિલ્લાના 400થી વધારે ગામ, એમાં નળ થી જળ, મારી માતાઓ બહેનો પહેલા એક એક બે બે કિલોમીટર માથે ગઢુલા લઈને જતી હતી, આ મોદીએ તમારા ગઢુલા ઉતારી દીધા અને નળ થી જળ. અત્યારે બાટલામાં ગેસ આવે છે ને હવે પાઇપ લાઈનથી ગેસ આવશે. આ મોદીએ સાફ સાફ બધું ગોઠવેલું છે, નક્કી કરેલું છે. ડિફેન્સના બાબતમાં અહીંયા આપણો એક મોટો બેઝ છે, ડિફેન્સના ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભર થઇ રહ્યા છીએ. અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છીએ.

મારુ કહેવાનું તાત્પર્ય એ છે ભાઈઓ કે ખુબ મોટી સંખ્યામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે મારી તમારી પાસે અપેક્ષા છે, તમારા આશીર્વાદ મારી પાસે છે, તમે 26 એ 26 સીટો જીતાડવાના છો એ પણ મને ખબર છે. તમને પણ ખબર છે કે મોદી તો આપણા ઘરનું છોકરું છે એની જોડે તો આપણે ઉભા જ રહેવું પડે, તમને પણ ખબર છે.

7મી મેં મારી અપેક્ષા છે ગરમી ગમે તેટલી હોય, કામધામ ગમે તેટલું હોય પણ આપણા ગુજરાતે આખા ભારતમાં સૌથી વધારે મતદાનનો રેકોર્ડ કરવો પડે. આપણા ગુજરાતે અત્યાર સુધીના મતદાનના બધા રેકોર્ડ તોડવા પડે. તોડશો? પ્રત્યેક પોલિંગ બૂથમાં જોર લગાવશો? ગમે તેટલી ગરમી હોય, પહેલા મતદાન પછી જલપાન.

બીજી મારી અપેક્ષા, વધુમાં વધુ પોલિંગ બુથ જીતવા છે. લોકસભા કે વિધાનસભાની પેટાચૂંટણી જીતવું છે એટલું નહીં, મારે બધા પોલિંગ બુથ જીવ છે, તમારી મદદ વગર જીતાય? મદદ કરશો? આશીર્વાદ આપશો?

જામનગરથી બેન પૂનમ બેન ચૂંટણી લડી રહ્યાં છે, એમને આપના આશીર્વાદ મળે અને પોરબંદરથી અમારા સાથી અર્જુનભાઈ મોઢવાડીયા એ ચૂંટણી લડી રહ્યા છે. અમારા બંને સાથીઓને ભારી બહુમતથી વિજય બનાવો.

અહીંયાથી મારે કલકત્તા માટે વિદાય લેવી છે, આવતીકાલે બંગાળમાં ગુજરાતના ઉત્સાહ ઉમંગની વાત કરીશ.

ફરી એકવાર મારી સાથે બોલો ભારત માતા કી,

ફિર એકબાર,

અબકી બાર...

ભારત માતા કી...

ખુબ ખુબ ધન્યવાદ

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi