આણંદ
ભારત માતા કી જય
હું ગુજરાતમાં ઘણા વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે આપની સેવા કરતો રહ્યો. એ પહેલાં પણ પાર્ટીના સંગઠન કામ માટે ગુજરાતમાં અનેક વર્ષો સુધી કામ કરતો રહ્યો છું. મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી. સભાઓ પણ કરી અને રેલીઓ પણ કરી પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે 11-12 વાગ્યા પહેલાં જો કોઇ સભા કરવી હોય ને લોઢાના ચણા ચાવવા પડે. બધા એમ કહે સાંજે જરા ઠંડક થાય ત્યારે રાખજો ને... મારા માટે આજે અચરજ છે, આણંદનું આ વિરાટ કેસરિયા સાગર. મને લાગે છે, આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે. આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. 2014માં આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો અને તમે જે મને શિક્ષણ આપ્યું, તમે જે મારું ઘડતર કર્યું. સરદાર સાહેબની ભૂમિમાંથી હું જે શીખ્યો, એ બધું આજે મને દેશની સેવામાં લેખે લાગે છે.
સાથીયો
આપણે જ્યારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણાં ગુજરાતનો એક મંત્ર હતો. ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આપણે એવું ક્યારેય નહોતા કહેતા, દેશનું જે થવું હોય તે થાય, પહેલાં અમારા ગુજરાતનું થાય. આપણે હંમેશા કહેતા હતા, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે, 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઇએ અને આપણું ગુજરાત પણ વિકસિત ગુજરાત હોવું જોઇએ. વિકસિતનો મતલબ શું..? એ આણંદ-ખેડાવાળાને ના સમજાવું પડે કારણકે એમણે આખી દુનિયા જોઇ છે. સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે. પ્રગતિ કેવી હોય એમને જોઇ છે અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે. આપણે એવું સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનું છે. એના માટે મારી પળે પળ આપના માટે... મારી પળેપળ દેશના માટે... મેં દેશને ગેરંટી આપી છે, 24x7 ફોર 2047. આ મહાન કામ માટે... 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઇએ, મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને તો એને ચાર ચાંદ લાગી જાય.
એટલા માટે હું આજે ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માગવા માટે આવ્યું છે. અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યું, હવે પીએમ સાહેબ બોલશે. એવું આમ અતડું લાગે, આમ આપણાં કાનમાં શબ્દો જ ન જાય. આ તો આપણાં નરેન્દ્રભાઇ છે. એની જે મજા છેને ભાઇ, એ પીએમ સાહેબમાં ના હોય. જ્યારે ઘરે આવીએ અને ઘરના સ્વજનો “ઓ.. નરેન્દ્રભાઇ કેમ છો?” પૂછે એટલે મજા પડે. મને તો કોઇ ગુજરાતનો ભાઇ મળે એટલે સીધુ પૂછે.. ઓ નરેન્દ્રભાઇ કહે એટલે હું સમજા જઉં. દુનિયાના કોઇપણ દેશમાં જાવ એટલે એકાદ તો મળે જ.
ભાઇઓ-બહેનો
તમારો આ પ્રેમ, તમારા આશીર્વાદ એ મારા જીવનની મોટી મૂડી છે. દેશે 60 વર્ષ સુધી કોંગ્રેસનું રાજ જોયું છે અને દેશે 10 વર્ષનો ભાજપનો સેવાકાળ પણ જોયો છે. તે શાસનકાળ હતો આ સેવાકાળ છે.
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં લગભગ 60 ટકા ગ્રામીણ વસતી પાસે શૌચાલયની સુવિધા નહોતી. ભાજપા સરકારે 10 વર્ષમાં 100 ટકા શૌચાલયનું નિર્માણ કર્યું.
60 વર્ષમાં કોંગ્રેસ દેશમાં માત્ર 3 કરોડ ગ્રામીણ ઘરો સુધી જ નળથી જળની સુવિધા પહોંચાડી શકી. એટલે કે 20 ટકા પણ નહીં... 20 ટકાથી ઓછા ઘરોમાં નળથી જળ પહોંચાડી શકી. છેલ્લા 10 વર્ષમાં નળથી જળ પહોંચનારા ઘરની સંખ્યા 14 કરોડ થઇ ગઇ છે. એટલે કે 75 ટકા ઘરોમાં નળથી જળ પહોંચ્યું છે.
કોંગ્રેસના 60 વર્ષ સામે મારા 10 વર્ષમાં કેટલો મોટો ફરક છે...60 વર્ષમાં કોંગ્રેસે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, બેંકો પર કબજો કરી લીધો અને એવું કહ્યું, બેંક ગરીબો માટે હોવી જોઇએ એટલે રાષ્ટ્રીયકરણ જરૂરી છે. આજે સ્થિતિ એવી છે, ગરીબોના નામે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવા છતાં કોંગ્રેસ સરકાર 60 વર્ષમાં કરોડો ગરીબોના બેંક ખાતા ના ખોલી શકી. મોદીએ 10 વર્ષમાં ઝીરો બેલેન્સથી 50 કરોડથી વધુ જનધન બેંક ખાતા ખોલ્યા. જે બેંકના દરવાજા પણ ગરીબો જોઇ નહોતા શકતા તે બેંકમાં જઇને આજે કારોબાર કરી રહ્યા છે.
સાથીયો
2014માં આપે તમારા દીકરાને ગુજરાતથી દિલ્હી મોકલીને દેશની સેવા કરવાનો આદેશ આપ્યો. તે સમયે મોટા વિદ્વાન અર્થશાસ્ત્રી દેશના પ્રધાનમંત્રી હતા, તેમના પછી મને તક મળી. જ્યારે તેઓએ શાસન મૂક્યું ત્યારે ભારત દુનિયામાં 11મા નંબરની ઇકોનોમી હતી, 10 વર્ષમાં ગુજરાતીએ, એક ચાવાળાએ દેશની ઇકોનોમીને 11 નંબરથી 5મા નંબર પર પહોંચાડી દીધી. કોંગ્રેસના રાજમાં દેશના સંવિધાન સાથે વિવિધ પ્રકારના ખેલ થયા. તમે આશ્ચર્યચકિત થઇ જશો... સરદાર સાહેબ જલદી ચાલ્યા ગયા, તેના કારણે દેશને ખૂબ નુકસાન થયું છે. મારા મનમાં કસક છેકે, સરદાર સાહેબના સપનાં પણ પૂરા કરવાની કોશીશ કરું. આ કોંગ્રેસના શહેજાદા આજકાલ માથા પર સંવિધાન રાખીને નાચી રહ્યા છે, પરંતુ જરા કોંગ્રેસ મને જવાબ આપે. જે સંવિધાનને આજે માથા પર રાખીને નાચી રહ્યા છો. તે 75 વર્ષ સુધી હિન્દુસ્તાનના બધા ભાગો પર લાગુ કેમ નહોતું થતું. મોદીના આવ્યા પૂર્વે, આ દેશમાં બે સંવિધાન ચાલતા હતા, બે ઝંડા ચાલતા હતા, બે પ્રધાનમંત્રી હતા. આ સંવિધાન માથા પર લઇને નાચનારા શહેજાદા... તમારી પાર્ટી કોંગ્રેસે, તમારા પરિવારજનોએ દેશમાં સંવિધાન લાગુ થવા નહોતું દીધું. કાશ્મીરમાં હિન્દુસ્તાનનું સંવિધાન લાગુ નહોતું થતું. કલમ 370 દીવાલ બનીને ઉભી હતી. આ સરદાર પટેલની ભૂમિ પરથી આવેલા દીકરાએ કલમ 370ને જમીનદોસ્ત કરી સરદાર સાહેબને સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી છે. મેં દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યૂ એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવી સરદાર સાહેબને અંજલિ આપી છે એટલું જ નહીં કાશ્મીરમાં તિરંગો ફરકાવી, કાશ્મીરમાં સંવિધાન લાગુ કરી, કલમ 370 હટાવીને સરદાર સાહેબના સપનું પૂરુ કર્યું છે.
સાથીયો
કોંગ્રેસના રાજમાં આંતરે દિવસે પાકિસ્તાનનો હાઉ ઉભો થતો હતો.. આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું છે. જે દેશ ક્યારેક આતંકી એક્સપોર્ટ કરતું હતું, તે લોટ ઇમ્પોર્ટ કરવા માટે ઝોળી ફેલાવી ભીખ માગી રહ્યું છે. જેના હાથમાં ક્યારેક બોમ્બ હતા, તેના હાથમાં આજે ભીખનો કટોરો છે. કોંગ્રેસની નબળી સરકાર આતંકના આકાઓને ડોઝિયર આપતી હતી. મોદીની મજબૂત સરકાર ડોઝિયરમાં ટાઇમ ખરાબ કરતી નથી, આતંકીઓને ઘરમાં ઘૂસીને મારે છે.
સાથીયો
સંયોગ તો જુઓ, આજે ભારતમાં કોંગ્રેસ નબળી પડી રહી છે. સુક્ષ્મદર્શક યંત્રથી પણ કોંગ્રેસને શોધવી મુશ્કેલ બની રહ્યું છે. મજા એ વાતની છેકે, અહીં કોંગ્રેસ મરી રહી છે.. ત્યાં પાકિસ્તાન રડી રહ્યું છે. તમને ખબર પડી હશે, હવે કોંગ્રેસ માટે પાકિસ્તાની નેતા દુઆ કરી રહ્યા છે. શહેજાદાને પ્રધાનમંત્રી બનાવવા માટે પાકિસ્તાન ઉતાવળું છે. પાકિસ્તાન અને કોંગ્રેસની આ પાર્ટનરશીપ એક્સપોઝ થઇ ચૂકી છે. દેશના દુશ્મનોને ભારતમાં મજબૂત સરકાર જોઇતી નથી, તેઓને નબળી સરકાર જોઇએ છે. મુંબઇમાં 26/11 હુમલા જેવી અને આતંકીઓને ડોઝિયર આપે તેવી નબળી સરકાર જોઇએ છે.
દેશના દુશ્મનોને એવી ભ્રષ્ટ સરકાર જોઇએ છે, જે 2014 પહેલાં હતી.
દેશના દુશ્મનોને એવી અસ્થિર સરકાર જોઇએ છે, જે 2014 પહેલાં હતી.
મોદીની મજબૂત સરકાર ઝૂકતી નથી અને રોકાતી પણ નથી. એટલે જ આજે દુનિયા કહી રહી છેકે, દુનિયાને વિકાસને ભારત જ ગતિ આપી શકે તેમ છે. ભારત આખી દુનિયા માટે બ્રાઇટ સ્પોટ છે. દુનિયામાં ઝઘડો થાય છે ત્યારે ભારતને વિશ્વબંધુના રૂપમાં ઝઘડાનું નિરાકરણ લાવનાર દેશ તરીકે જોવામાં આવે છે. તમે જોયું હશે, રશિયા અને યૂક્રેન વચ્ચે લડાઇ ચાલી રહી હતી, ત્યારે વિશ્વભરના લોકો ત્યાં ફસાયા હતા. તેઓ ત્યાંથી બહાર નીકળવા માગતા હતા, ત્યારે ત્યાં એક જ પાસપોર્ટ ચાલતો હતો. દુનિયાના કોઇપણ દેશના નાગરિકને બોમ્બ ધડાકા વચ્ચેથી યૂક્રેનમાંથી નીકળવું હોય તો એક જ પાસપોર્ટ ચાલતો હતો, અને તે પાસપોર્ટ હતો... મારા દેશનો ઝંડો તિરંગો. પાકિસ્તાનના લોકો પણ તિરંગો દેખાડતા હતા તો ત્યાંની સેના જવા દેતી હતી. ભારતના તિરંગાની તાકાતને બધા વિદ્યાર્થીઓએ અનુભવી છે. તમારામાંથી ઘમાં લોકો આંતરે દિવસે વિદેશ જાય છે, તો તમે જોયું હશે કે ભારતના પાસપોર્ટની તાકાત શું છે. આવી હોય છે દેશની શાખ...
કોંગ્રેસ માત્ર રડી રહી છે અને મોદીને ગાળો આપી રહી છે. ડિક્સનરી ખોલીને રોજ નવી ગાળો શોધી રહી છે. મોદી સરદાર સાહેબના દેશને એક કરવાના સંકલ્પને સાકાર કરી રહ્યા છે, તો કોંગ્રેસ દેશના ભાગલા પાડવામાં લાગેલી છે.
કોંગ્રેસ સમાજમાં લડાઇ-ઝઘડા કરાવવા માગે છે. આજે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે, લોકો પૂછી રહ્યા છેકે, આખરે કોંગ્રેસ ઉશ્કેરાઇ કેમ રહી છે? કોંગ્રેસ સંતુલન કેમ ગુમાવી બેઠી છે? કોંગ્રેસ આજે ફેક ફેક્ટરી બની ગઇ છે. કોંગ્રેસ મોહબ્બતની દુકાનના નામે જૂઠનો સામાન કેમ વેચી રહી છે?
તમે જોયું હશે, કોંગ્રેસનું મેનિફેસ્ટો આવ્યું ત્યારે મેં પહેલાં જ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના મેનિફેસ્ટો પર મુસ્લીમ લીગની છાપ છે. કોંગ્રેસ એટલી હતાશ અને નિરાશ છે કે પોતાની સ્થિતિ બચાવવા માટે તેને ખુદને મુસ્લીમ લીગને સમર્પિત કરી દીધી છે.
સતત ગગડી રહેલો કોંગ્રેસનો જનાધાર તેનું મુખ્ય કારણ છે. 60 વર્ષ સુધી કોંગ્રેસે જેમની ચિંતા ન કરી, હવે તેઓ પણ કોંગ્રેસની ચિંતા કરતા નથી. એટલા માટે જ કોંગ્રેસીઓ પરેશાન થઇ ગયા છે. આંધી રોટી ખાયેંગે, ઇન્દીરા કો લાયેંગે કહેનારા ગરીબો પણ કોંગ્રેસને છોડી ચૂક્યા છે. કેમકે મોદીએ ઇમાનદારીથી ગરીબ કલ્યાણનું કાર્ય કર્યું છે. 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. ગરીબોને ઘર આપ્યું, ગરીબોને બેંક ખાતા ખોલાવી આપ્યા, ગરીબોને રોજગારીના અવસર આપ્યા. આઝાદી બાદ કોંગ્રેસે ગરીબોને ચૂંટણીનો એજન્ડો બનાવ્યો. નહેરૂના જમાનાથી મનમોહનસિંહની સરકાર સુધી દરેક ચૂંટણીમાં ગરીબોનો મંત્ર જપતા હતા. આ ખેલ રમી રહ્યા હતા. પરંતુ જ્યારથી મોદી ગરીબોને પૂજવા લાગ્યા, ગરીબોના પગ ધોઇને પાણી માથે ચઢાવવા લાગ્યા, ગરીબોના આંસુ લૂછવા લાગ્યા, ગરીબોના સપનાને સંકલ્પમાં પરિવર્તીત કરવા લાગ્યા, યુવાનો માટે અવસર ઉભા કરતા થયા ત્યારથી ગરીબો પણ કોંગ્રેસનું ચરિત્ર સમજી ગઇ અને કોંગ્રેસને છોડી દીધી. જેના કારણે કોંગ્રેસ નિરાશ્રિત થઇ ગઇ છે.
આજે જ્યારે ગરીબને પાક્કુ ઘર મળી રહ્યું છે. પાકા ઘરમાં માત્ર ચાર દીવાલો મળતી નથી...
મોદી જ્યારે ગરીબને પાક્કુ ઘર આપે છે ત્યારે નવજીવન આપે છે...
મોદી જ્યારે ગરીબને પાક્કુ ઘર આપે છે ત્યારે નવા સપના સજાવે છે...
મોદી જ્યારે ગરીબને પાક્કુ ઘર આપે છે ત્યારે સપનાને હકીકત બનાવે છે...
મોદી જ્યારે ગરીબને પાક્કુ ઘર આપે છે ત્યારે નવા અરમાન જગાવે છે...
મોદી જ્યારે ગરીબને પાક્કુ ઘર આપે છે ત્યારે તેઓના સપનાને નવું ઘર આપે છે..
મોદી જ્યારે ગરીબને પાક્કુ ઘર આપે છે ત્યારે તેઓના સપનાને નવી ઉડાન આપે છે..
તેમના અવસરો માટે નવી ઉંચાઇ પ્રદાન કરે છે... અને ત્યારે પેઢીઓ બાદ એક ગરીબ પોતાનું ઘર મેળવી શકે છે, ગરીબને પોતાનું સરનામું મળે છે. તે સરનામા પર ગરીબોએ મોદીનું નામ લખી દીધું છે.
સાથીયો
કોંગ્રેસે SC-ST-OBCને પણ અંધારામાં રાખ્યા, તેમની સાથે વિશ્વાસઘાત કર્યો. કોંગ્રેસે ક્યારેય SC-STની પરવાહ કરી નથી. 90ના દાયકા પહેલાથી કોંગ્રેસ OBC અનામત માટેના દરેક પ્રસ્તાવને નકારતી આવી છે. વર્ષોથી આપણો OBC સમાજ માગ કરતો આવ્યો છે કે, OBC કમિશનને સંવિધાનિક દરજ્જો મળે. કોંગ્રેસે તેમને સાંભળ્યા જ નહીં પરંતુ 2014 બાદ જ્યારે તમારો દીકરો દિલ્હી ગયો ત્યારથી OBC સમાજ માટેના એક પછી એક કામ શરૂ કર્યા. પરિણામ એ આવ્યું કે, OBC સમાજ કોંગ્રેસને પારખી ગયો અને કોંગ્રેસથી દૂર થઇ ગયો.
આજે SC-ST-OBC ભારતીય જનતા પાર્ટીની મોટી તાકાત બની ગયું છે. કોંગ્રેસ ક્યારેય સમજ્યું જ નહીં કે આપણાં દેશમાં આદિવાસી સમાજ પણ છે. કોંગ્રેસે આટલા વર્ષો સુધી આદિવાસીઓ માટે અલગ મંત્રાલય પણ ન બનાવ્યું. ભાજપા સરકારે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય, અલગ બજેટ બનાવ્યું. કોંગ્રેસે આદિવાસી સમૂહની ઘનઘોર ઉપેક્ષા કરી અને દાયકાઓ સુધી હાંસિયામાં ધકેલી દીધા. હવે આદિવાસીઓએ પણ કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી છે. આજે આદિવાસી બહુમૂલ્ય વિસ્તારમાંથી કોંગ્રેસ ગાયબ થઇ ગઇ છે અથવા બીજા-ત્રીજા સ્થાન માટે ઝઝૂમી રહી છે. ભાજપાના સૌથી વધારે SC-ST-OBC ધારાસભ્યો અને સાંસદો છે. આજે મારા મંત્રી પરિષદમાં 60 ટકાથી વધારે SC-ST-OBC સમાજના પ્રતિનિધિ છે. એટલે હવે કોંગ્રેસ લાગે છે બધુ લૂંટાઇ ગયું.
એટલે આજે કોંગ્રેસ ગરીબને નફરત કરવા લાગી છે. SC-ST-OBCને નફરત કરવા લાગી છે. તેમની વોટબેંક હાથમાંથી જતી રહી છે, એટલે તેઓ નારાજ છે. નવા કાવતરા રચી રહ્યું છે.
સાથીયો
તમે બધા જાણો છોકો, દાયકાઓથી કોંગ્રેસની વોટબેંક માઇનોરિટી રહી છે અને તેમાં પણ મુસલમાન. આ વોટબેંકનું ખૂબ જતન કર્યું છે. છેલ્લા દાયકાઓમાં પ્રાદેશિક પક્ષોએ પણ કોંગ્રેસના વોટબેંકમાં ગાબડું પાડવાનું કામ કર્યું છે.
પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસની માઇનોરિટીની મોનોપોલી પર પણ ધાડ પાડી છે. એટલે કોંગ્રેસ નવી રણનીતિ બનાવી રહ્યું છે. કોંગ્રેસ સત્તામાં હોય કે વિપક્ષમાં માઇનોરિટી વોટબેંકને સાથે રાખીને તૃષ્ટિકરણમાં તેજ ગતિ લાવી રહ્યું છે.
કોંગ્રેસે અલ્પસંખ્યકોને પોતાની સાથે રાખવા માટે OBC અને દલિતોનો ક્વોટા મુસલમાનોને આપવાનું નક્કી કર્યું છે. તેના માટે કોંગ્રેસ સંવિધાન બદલવા માગે છે. કોંગ્રેસ SC-ST-OBCના અનામતને પોતાના ખાસ વોટબેંકને આપવા માગે છે. કોંગ્રેસના આ કાવતરા વિશે તેમના નેતાઓ અને દરબારીઓ મગનું નામ મરી પાડતા નહોતા પરંતુ મોદીએ 2024ની ચૂંટણીમાં કોંગ્રેસનું કાવતરું દેશ સમક્ષ ખુલ્લુ પાડી દીધું છે. એટલા માટે કોંગ્રેસ અને તેમના દરબારી કોંગ્રેસથી ગુસ્સામાં છે. તેઓ ગમે તેટલો ગુસ્સો કરી લે, મોદી આજે આખા દેશને ગેરંટી આપી રહ્યા છેકે, SC-ST-OBC અને સામાન્ય વર્ગના ગરીબોને સંવિધાન હેઠળ મળેલ અનામત સુરક્ષિત રહેશે. ભાજપ સરકારની ગેરંટી છેકે, ધર્મ આધારે અનામત માટે SC-ST-OBC અને ગરીબોના અનામતને સહેજ પણ હાથ લગાવવા દેવાશે નહીં.
સરદાર સાહેબની ભૂમિ પરથી શાહી પરિવારને પડકાર આપું છું...
સરદાર સાહેબની ભૂમિ પરથી શાહી પરિવારના શહેજાદાને પડકાર આપું છું..
સરદાર સાહેબની ભૂમિ પરથી આખી કોંગ્રેસ અને તેમના ચેલાઓને પડકાર આપું છું..
હું તેમની આખી ઇકોસિસ્ટમને પડકાર આપું છું..
મારા ત્રણ પડકાર છે...
પહેલો પડકાર,
કોંગ્રેસ અને તેના ચેલાઓ દેશને લેખિતમાં ગેરંટી આપે કે તેઓ સંવિધાન બદલીને ધર્મના આધાર પર મુસલમાનોને અનામત નહીં આપે, દેશના ભાગલા પાડવાનું કામ નહીં કરે.
બીજો પડકાર,
કોંગ્રેસ લેખિતમાં દેશને આપે કે, તે SC-ST-OBCને મળનારા અનામતમાં ગાબડું નહીં પાડે. તેમના અધિકાર છીનવશે નહીં.
ત્રીજો પડકાર,
કોંગ્રેસ લેખિતમાં દેશને ગેરંટી આપે કે, જે જે રાજ્યમાં કોંગ્રેસ અને તેમના સાથીયોની સરકાર છે, ત્યાં વોટબેંકની ગંદી રાજનીતિ કરશે નહીં. તેઓ પાછલા દરવાજેથી OBCના ક્વોટામાં કાતર મારીને મુસલમાનોને અનામત નહીં આપે.
આ મારા ત્રણ પડકાર છે, શહેજાદા હિંમત હોય તો આવી જાવ... સંવિધાનને માથા પર લઇને નાચવાથી કંઇ ના થાય. સંવિધાન માટે કેવી રીતે જીવાય અને કેવી રીતી મરાય તે શીખવું હોય તો મોદીની પાસે આવો. હું જાણું છું, કોંગ્રેસ મારા પડકરા નહીં સ્વીકારે. કેમકે તેમની નિયતમાં ખોટ છે.
સાથીયો
ભારતીય જનતા પાર્ટીએ પહેલાં પણ કહ્યું છે અને આજે પણ કહે છે, દેશની એકતા અને અખંડિતતા માટે, દેશના સર્વાંગીણ વિકાસ માટે, આપણાં SC-ST-OBC સમુદાય, આપણાં જનરલ સમુદાયના ગરીબ વર્ગને જે અધિકાર મળ્યા છે, તેને ના કદી અમે હાથ લગાવીશું અને ના કોઇને હાથ લગાવવા દઇશું.
સાથીયો
ઇન્ડી ગઠબંધનની વધુ એક રણનીતિની પોલ તેમના નેતાએ દેશ સામે ખોલી દીધી છે. હવે ઇન્ડી ગઠબંધને મુસલમાનોને વોટ જેહાદ કરવા માટે કહ્યું છે. આપણે લવ જેહાદ અને લેન્ડ જેહાદ સાંભળ્યું હતું પરંતુ હવે વોટ જેહાદ. સામાન્ય મદરેસાથી નીકળેલા બાળકે નથી કહ્યું પરંતુ ભણેલા ગણેલા મુસલમાનના પરિવારમાંથી વાત આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ પદ પર બેઠેલા પરિવારે વોટ જેહાદ કરવાનો નારો આપ્યો છે.
તમે જાણો છો ને..? જેહાદનો મતલબ શું થાય છે. જેહાદ કોની સામે થાય છે. ઇન્ડી ગઠબંધનનું કહેવું છેકે, બધા મુસલમાનોએ એક જૂથ થઇને વોટ આપવો જોઇએ. લોકતંત્રના ઉત્સવમાં ઇન્ડ ગઠબંધને વોટ જેહાદની વાત કરીને લોકતંત્ર અને સંવિધાનનું અપમાન કર્યું છે. કોંગ્રેસના એકપણ નેતાએ તેનો હજુ સુધી વિરોધ કર્યો નથી, મૂક સંમતિ આપી દીધી છે. આ વોટ જેહાદની વાત પણ કોંગ્રેસની તૃષ્ટિકરણની નીતિને આગળ વધારી રહી છે. એકતરફ ઇન્ડી ગઠબંધન SC-ST-OBCમાં ભાગલા પડાવવાની કોશિશ કરી રહ્યું છે બીજીતરફ વોટ જેહાદના નારા લગાવી રહ્યું છે. તમે સમજી શકો છો કે ઇન્ડી ગઠબંધનના ઇરાદા કેટલા ખતરનાક છે.
આટલું પૂરતું છે ને..? હવે વિજય પાકો ને..? વધુમાં વધુ મતદાન થશે..? મતદાનના જૂના રેકોર્ડ તોડીશું. ગમે તેટલી ગરમી હોય તો પણ તોડીશું. 7મે હવે પાંચ જ દિવસ બાકી રહ્યા છે. ભાઇ હવે આ પાંચ દિવસ તો પૂરી તાકાત લગાવવી પડે હોં.. સમાજના બધા વર્ગોને જોડે લઇને આપણે ગુજરાતમાંથી લોકસભાની બધી સીટો તો મોકલવાની જ છે. મને ખાતરી છેકે તમારો દીકરો ત્યાં બેઠો હોય અને તમે કમળના ચઢાવો તેવું બને કંઇ. મને તો કોઇએ કહ્યું, ગુજરાતમાં સાહેબ પ્રચાર માટે ના આવો.. હું પ્રચાર કરવા તો આવ્યો જ નથી. હું તમારા દર્શન કરવા આવ્યો છું. તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તમારા બધાનો ઉત્સાહ જોવું એટલે મને ઉર્જા મળે એટલા માટે આવ્યો છું.
આપણે બધા પોલિંગ બૂથ જીતવા છે ભાઇ. જીતીશું..? અને મારો તો આગ્રહ છે કે સવારમાં દરેક પેજપ્રમુખ 25-25 30-30 વોટર સાથે થાળી વગાડતા, ગીત ગાતા લોકશાહીનો ઉત્સવ મનાવતા મનાવતા વોટ આપવા જાય. લોકશાહીનો ઉત્સવ હોવો જોઇએ. ખાલી પોલિંગ બૂથ પાસે ફુગ્ગા લાગે તેવું નહીં આખા પોલિંગ બૂથના બધા ઘરોમાં ઉત્સવનું વાતાવરણ હોવું જોઇએ. લોકશાહી છે અને દીકરો આપણો દિલ્હીમાં બેઠો છે ભાઇ.. તો ગુજરાતે તો જબરદસ્ત ઉત્સવ મનાવવો જોઇએ. ગમે તેટલી ગરમી હોય, રજાઓનો ઢગલો હોય તો પણ પહેલું કામ મતદાન પછી જલપાન.
આપણાં ત્યાં આણંદમાંથી આપણાં ભાઇ મિતેષભાઇ પટેલ અને ખેડાથી અમારા સાથી દેવુસિંહ ચૌહાણ. ખંભાત વિધાનસભામાં ચિરાગ પટેલ ઉભા છે ત્યારે અમારા ત્રણેય સાથીયોને આપ વિજયી બનાવો.
ભારત માતા કી જય
જય સરદાર