ભારત માતા કી જય
ભારત માતા કી જય
મુંબઈતીલ માઝ્યાસર્વ બંધુ આણિ ભગિનીના,
માઝા નમસ્કાર
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન ભગત સિંહ કોશિયારીજી, મુખ્યમંત્રી શ્રીમાન એકનાથ શિંદેજી, ઉપ મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગીગણ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાહુલ નાર્વેકરજી, મહારાષ્ટ્ર સરકારના તમામ અન્ય મંત્રીગણ, સાંસદ તથા વિધાયકગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા પ્રિય બહેનો તથા ભાઈઓ.
આજે મુંબઈમાં વિકાસ સાથે સંકળાયેલા 40 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. મુંબઈ માટે અત્યંત જરૂરી મેટ્રો હોય, છત્રપતિ શિવાજી ટર્મિનસના આધુનિકીકરણનું કાર્ય હોય, રસ્તાઓમાં સુધારાના મોટા પ્રોજેક્ટ હોય અને બાળા સાહેબ ઠાકરે જીના નામથી આપલા દવાખાનેનો પ્રારંભ હોય આ તમામ બાબતો મુંબઈ શહેરને બહેતર બનાવવામાં મોટી ભૂમિકા ભજવનારા છે. થોડી વાર અગાઉ મુંબઈના સ્ટ્રીટ વેન્ડર્સને પણ પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેંકના ખાતાઓમાં રૂપિયા પહોંચ્યા છે. આવા તમામ લાભાર્થીઓને અને તમામ મુંબઈગરાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
ભાઈઓ અને બહેનો,
આઝાદી બાદ પહેલી વાર આજે ભારત મોટા સ્વપ્નો નિહાળવા તથા તે સ્વપ્નોને પૂર્ણ કરવાનું સાહસ કરી રહ્યો છે. નહિંતર આપણે ત્યાં અગાઉની સદીનો એક લાંબો કાળખંડ માત્ર અને માત્ર ગરીબીની ચર્ચા કરવા, દુનિયા પાસેથી મદદ માગવા, જેમ તેમ કરીને ગુજરાન ચલાવી લેવામાં જ પસાર થઈ ગયો. આ પણ આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે જ્યારે દુનિયાને પણ ભારતના મોટા મોટા સંકલ્પો પર ભરોસો છે. તેથી આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણની જેટલી ઉત્સુકતા ભારતીયોને છે તેટલો જ આશાવાદ દુનિયામાં પણ જોવા મળી રહ્યો છે. અને, હમણા શિંદે જી દાવોસનો પોતાનો અનુભવ વર્ણવી રહ્યા હતા. એ તમામ સ્થાનોએ આ જ અનુભવ આવી રહ્યો છે. ભારતને લઈને દુનિયામાં આટવી હકારાત્મકતા એટલા માટે છે કારણ કે આજે સૌને લાગે છે કે ભારત પોતાના સામર્થ્યનો અત્યંત ઉમદા રીતે સદુપયોગ કરી રહ્યું છે. આજે પ્રત્યેક વ્યક્તિને લાગી રહ્યું છે કે ભારત એ કરી રહ્યું છે જે ઝડપી વિકાસ માટે, સમૃદ્ધિ માટે જરૂરી છે. આજે ભારત અભૂતપૂર્વ આત્મવિશ્વાસથી છલકાય છે. છત્રપતિ શિવાજી મહારાજની પ્રેરણાથી સ્વરાજ તથા સુરાજની ભાવના આજના હિન્દુસ્તાનમાં, ડબલ એન્જિન સરકારમાં પ્રબળ રીતે પ્રગટ થઈ રહી છે.
ભાઈઓ અને બહેનો,
આપણે એ સમય પણ જોયો છે જ્યારે ગરીબના કલ્યાણ માટેના રૂપિયા કૌભાંડોની ભેટ ચડી જતા હતા. કરદાતાઓ પાસેથી મળેલા કરને લઇને સંવેદનશીલતાનું નામોનિશાન ન હતું. તેનું નુકસાન કરોડો કરોડો ભારતવાસીઓને ભોગવવું પડ્યું હતું. છેલ્લા આઠ વર્ષમાં અમે આ વલણને બદલ્યું છે. આજે ભારત ભવિષ્યલક્ષી વિચારધારા અને આધુનિક વલણની સાથે પોતાના ફિઝિકલ તથા સોશિયલ માળખા પર નાણા ખર્ચ કરી રહ્યું છે. આજે દેશમાં એક તરફ ઘર, ટોયલેટ, વિજળી, પાણી, રાંધણ ગેસ, વિના મૂલ્યે સારવાર, મેડિકલ કોલેજ, એઇમ્સ, આઇઆઇટી, આઇઆઇએમ જેવી સુવિધાઓનું ઝડપી ગતિએ નિર્માણ થઈ રહ્યું છે, તો સાથે સાતે બીજી તરફ આધુનિક કનેક્ટિવિટી પર પણ એટલો જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે રીતે આધુનિક માળખાની ક્યારેક માત્ર કલ્પના જ થતી હતી આજે તેવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં બની રહ્યું છે. એટલે કે દેશમાં આજની જરૂરિયાત અને ભવિષ્યની સમૃદ્ધિની સંભાવનાઓ, બંને પર એક સાથે કામ ચાલી રહ્યું છે. દુનિયાના મોટા મોટા અર્થતંત્ર આજે બેહાલ છે પરંતુ આવા કપરા સમયમાં પણ ભારત 80 કરોડથી વધુ દેશવાસીઓને વિના મૂલ્યે રાશન આપીને ક્યારેય પણ તેમના ઘરમાં ચુલો બુઝવા દેતું નથી. આવા માહોલમાં પણ ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે. આ બાબત આજના ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિકસિત ભારતના અમારા સંકલ્પોનું પ્રતિબિંબ છે.
ભાઈઓ અને બહનો,
વિકસિત ભારતના નિર્માણમાં આપણા શહેરોની ભૂમિકા સૌથી અગત્યની છે. તેમાં ય જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો આવનારા 25 વર્ષમાં રાજ્યના અનેક શહેર ભારતના વિકાસને ગતિ આપનારા છે. તેથી જ મુંબઈને ભવિષ્ય માટે તૈયાર કરવું, સજ્જ કરવું તે ડબલ એન્જિન સરકારની પ્રાથમિકતા છે. અમારી આ પ્રતિબદ્ધતા મુંબઈના મેટ્રો નેટવર્કના વિસ્તારમાં પણ જોવા મળે છે. 2014 સુધી મુંબઈમાં માત્ર 10 થી 11 કિલોમીટર સુધી મેટ્રો ચાલતી હતી. જેવી તમે ડબલ એન્જિન સરકાર રચી તે સાથે જ તેનો ઝડપથી વિસ્તાર થયો. થોડા સમય માટે કાર્ય ધીમું ચોક્કસ થયું હતું પરંતુ શિંદે જી તથા દેવેન્દ્ર જીની જોડી આવતાની સાથે જ હવે ફરીથી ઝડપથી કામ થઈ રહ્યું છે. મુંબઈમાં 300 કિલોમીટરના મેટ્રો નેટવર્ક તરફ અમે ઝડપી ગતિથી આગળ ધપી રહ્યા છીએ.
સાથીઓ,
આજે દેશભરમાં રેલવેને આધુનિક બનાવવા માટે મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. મુંબઈ લોકલ તથા મહારાષ્ટ્રની રેલવે કનેક્ટિવિટીને પણ તેનો લાભ થયો છે. ડબલ એન્જિન સરકાર સામાન્ય માનવીને પણ એ જ આધુનિક સવલત, એ જ સાફ સફાઈ, એ જ ઝડપી રફતારનો અનુભવ આપવા માગે છે જે એક જમાનામાં માત્ર સાધન સંપન્ન લોકોને જ મળતી હતી. તેથી જ આજે રેલવે સ્ટેશનોને પણ એરપોર્ટની માફક જ વિકસિત કરવામાં આવી રહ્યા છે. હવે દેશના સૌથી જૂના રેલવે સ્ટેશન પૈકીના એક એવા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની પણ કાયાકલ્પ થવા જઈ રહી છે. આપણો આ વારસો હવે 21મી સદીના ભારતની શાનના રૂપમાં વિકસિત થવા જઈ રહ્યો છે. લક્ષ્યાક એ જ છે કે સામાન્ય પ્રવાસીઓને બહેતર સવલત મળે, કામ માટે આવન જાવન આસાન બની જાય. આ સ્ટેશન માત્ર રેલવેની સુવિધા પૂરતું જ સિમિત નહીં રહે પરંતુ તે મલ્ટિ મડલ કનેક્ટિવિટીનું પણ હબ હશે. એટલે કે બસ હોય, મેટ્રો હોય, ટેક્સી હોય, ઓટો રિક્શા હોય, પરિવહનના પ્રત્યેક મોડને અહીં એક છત નીચે આવરી લેવામાં આવશે. તેનાથી પ્રવાસીઓને એક સીમલેસ કનેક્ટિવિટી મળશે. આ જ મલ્ટિ મોડલ કનેક્ટિવિટી છે જેને અમે દેશના તમામ શહેરમાં વિકસિત કરવા જઈ રહ્યા છીએ.
સાથીઓ,
આધુનિક બની રહેલી મુંબઈ લોકલ, મેટ્રોનું વ્યાપક નેટવર્ક, અન્ય શહેરોથી વંદે ભારત તથા બુલેટ ટ્રેનથી ઝડપી આધુનિક કનેક્ટિવિટી, આવનરા કેટલાક વર્ષમાં મુંબઈની કાયાકલ્પ કરવા જઈ રહ્યા છે. ગરીબ મજૂરથી લઈન કર્મચારી, દુકાનદાર તથા મોટા મોટા વેપાર સંભાળનારા તમામ માટે અહીં રહેવું સુવિધાજનક હશે. એટલે સુધી કે આસપાસના જિલ્લામાંથી પણ મુંબઈ આવવું જવું સરળ બની જનારું છે. કોસ્ટલ રોડ હોય, ઇન્દુ મિલ સ્મારક હોય, નવી મુંબઈનું એરપોર્ટ હોય, ટ્રાન્સ હાર્બર લિંક હોય, આવા અનેક પ્રોજેક્ટ મુંબઈને નવી શક્તિ પ્રદાન કરી રહ્યા છે. ધારાવી પુનઃવિકાસ, જૂની ચાલીઓનો વિકાસ બધું જ હવે પાટા પર ચડી રહ્યું છે. અને હું તેના માટે શિંદે જી તથા દેવેન્દ્ર જીને અભિનંદન પાઠવું છું. મુંબઈના રસ્તાઓને સુધારવા માટે પણ આજે ઘણા મોટા સ્તરે કામ થઈ રહ્યું છે. તે પણ ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ભાઈઓ અને બહેનો,
આજે અમે દેશના શહેરોના સંપૂર્ણ પરિવર્તન માટે કામ કરી રહ્યા છીએ. પ્રદૂષણથી લઇને સ્વચ્છતા સુધી, શહેરોની દરેક સમસ્યાનું સમાધાન શોધવામાં આવી રહ્યું છે. તેથી જ અમે ઇલેક્ટ્રિક મોબિલિટી પર જોર આપી રહ્યા છીએ. તેના માટે માળખું તૈયાર કરી રહ્યા છીએ. બાયોફ્યુઅલ આધારિત પરિવહન સિસ્ટમ અમે ઝડપથી લાવવા માગીએ છીએ. હાઇડ્રોજન ફ્યુઅલ સાથે સંકળાયેલી પરિવહન સિસ્ટમ માટે પણ દેશમાં મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. એટલું જ નહીં આપણા શહેરોમાં કચરાની, બગાડની જે સમસ્યા છે તેને પણ અમે નવી ટેકનોલોજીથી દૂર કરવા માટે એક પછી એક પગલાં ભરી રહ્યા છીએ. વેસ્ટને વેલ્થમાં પરિવર્તિત કરવાનું એક મોટું અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. નદીઓમાં ગંદુ પાણી મળે નહીં તેના માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે.
સાથીઓ,
શહેરોના વિકાસ માટે દેશ પાસે સામર્થ્યની કે રાજકીય ઇચ્છાશક્તિની કોઇ પણ ચીજની કમી નથી. પરંતુ આપણે એક વાત ચોક્કસ સમજવી પડશે. મુંબઈ જેવા શહેરમાં પ્રોજેક્ટને ત્યાં સુધી અમલમાં મૂકી શકાય નહીં જ્યાં સુધી સ્થાનિક એકમોની પ્રાથમિકતા પણ ઝડપી વિકાસની ના હોય. જ્યારે ભારતમાં વિકાસને સમર્પિત સરકાર હોય છે ત્યારે શહેરોમાં સુશાસન માટે સમર્પિત શાસન હોય ત્યારે આ કાર્યો ઝડપથી જમીન પર ઉતારી શકાય છે. તેથી જ મુંબઈના વિકાસમાં સ્થાનિક સરકારની ભૂમિકા ઘણી મોટી હોય છે. મુંબઈના વિકાસ માટે બજેટની કોઈ કમી નથી. બસ, મુંબઈના હક્કનો પૈસો યોગ્ય સ્થાને ખર્ચાવો જોઇએ. જો તે ભ્રષ્ટાચારમાં લાગશે, પૈસા બેંકોની તિજોરીમાં બંધ પડેલા હશે, વિકાસના કાર્યોને રોકવાની પ્રવૃત્તિ થશે તો પછી મુંબઈનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનશે ? મુંબઈના લોકો, અહીંના સામાન્ય નાગરિકો પરેશાનીઓ સહન કરતા રહે, આ શહેર વિકાસ માટે તરસતું રહે, તે સ્થિતિ 21મી સદીના ભારતમાં ક્યારેય સ્વિકાર્ય હોઈ શકે નહીં અને શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં તો ક્યારેય બની શકે નહીં. હું મુંબઈના લોકોની દરેક પરેશાની સમજીને ઘણી જવાબદારી સાથે આ વાત કરી રહ્યો છું. ભાજપની સરકાર હોય, એનડીએની સરકારો ક્યારેય વિકાસના કાર્યો પર બ્રેક લગાવતી નથી. પરંતુ અમે અગાઉના સમયમાં મુંબઈમાં આમ થતું વારંવાર જોયું છે. પીએમ સ્વનિધિ યોજના પણ તેનું એક ઉદાહરણ છે. આપણા શહેરોમાં લારી વાળા, ગલ્લા વાળા, ખુમચા વાળા જેઓ શહેરની અર્થવ્યસ્થાનો મહત્વનો હિસ્સો છે તેમના માટે અમે પહેલી વાર યોજના ઘડી છે. અમે આ નાના નાના વેપારીઓ માટે બેંકોમાં સસ્તા તથા ગેરન્ટી વિનાના વ્યાજને નિશ્ચિત કર્યું છે. દેશભરમાં લગભગ 35 લાખ લારી-ગલ્લાવાળાને તેનો લાભ મળી ચૂક્યો છે. તેના અંતર્ગત મહારાષ્ટ્રમાં પણ પાંચ લાખ સાથીઓના ઋણને મંજૂરી આપવામાં આવી છે. આજે પણ એક લાખથી વધારે સાથીઓના બેંક ખાતામાં સીધા જ રૂપિયા જમા થઈ રહ્યા છે. આ કામ ઘણું પહેલાં થવું જોઇતું હતું. પરંતુ વચ્ચે થોડા સમય માટે ડબલ એન્જિન સરકાર ન હતી તેને કારણે કામમાં અડચણ નાખવામાં આવી અને વિલંબ લાવવામાં આવ્યો હતો. જેનું નુકસાન આ તમામ લાભાર્થીઓને ઉઠાવવું પડ્યું હતું. આવું ફરી બને નહીં તે માટે જરૂરી છે કે દિલ્હીથી લઈને મહારાષ્ટ્ર તથા મુંબઈ સુધી તમામનો પ્રયાસ હોય, બહેતર તાલમેલન વ્યવસ્થા પેદા થાય.
સાથીઓ,
આપણે યાદ રાખવું જોઇએ કે સ્વનિધિ યોજના માત્ર લોન આપવાની યોજના નથી પરંતુ તે લારી ગલ્લાવાળા તથા ખુમચા વાળા આપણા સાથીઓના આર્થિક સામર્થ્યને વેગ આપવાનું અભિયાન છે. આ સ્વનિધિ સ્વાભિમાનની જડી-બૂટી છે. મને કહેવામાં આવ્યું છે કે સ્વનિધિના લાભાર્થીઓને ડિજિટલ લેવડ—ેવડની તાલીમ માટે મુંબઈમાં સવા ત્રણસો કેમ્પ લગાડવામાં આવ્યા છે. જેને કારણે આપણા લારી-ગલ્લા વાળા હજારો સાથીઓ ડિજિટલ લેવડ-દેવડ શરૂ કરી ચૂક્યા છે. આ સાંભળીને અનેક લોકો ચોંકી ઉઠશે કે આટલા ટૂંકા ગાળામાં દેશભરમાં સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ લગભગ લગભગ 50 હજાર કરોડ રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યું છે. જેમને આપણે અભણ માનીએ છીએ જેમને આપણે લોકો કોઇ પણ ભાષામાં અપમાનિત કરતા હતા તે મારા નાના નાના સાથીઓ આજે મારી સામે બેઠા છે. આ લારી ગલ્લા વાળાઓએ આજે ઓનલાઇન મોબાઇલથી 50 હજાર કરોડ રૂપિયાનું કામ કર્યું છે. અને તેમનું આ પરાક્રમ, તેમના પરિવર્તનનો આ માર્ગ નિરાશાવાદીઓ માટે ઘણો મોટો જવાબ છે. જે કહેતા હતા કે લારી ગલ્લાઓ પર ડિજિટલ પેમેન્ટ કેવી રીતે થશે. ડિજિટલ ઇન્ડિયાની સફળતા એ વાતનું ઉદાહરણ છે કે જ્યારે સૌનો પ્રયાસ થાય છે તો કોઇ વાત અશક્ય હોતી નથી. સૌના પ્રયાસની આ જ ભાવનાથી આપણે સાથે મળીને મુંબઈને વિકાસની નવી ઉંચાઇ પર લઈ જઇશું. અને હું મારા લારી ગલ્લા વાળા ભાઈઓને કહેવા માગું છું કે આજે મારી સાથે ચાલો, આપ દસ ડગલાં ચાલશો તો હું 11 ડગલાં ચાલીશ તમારા માટે. હું આમ એટલા માટે કહી રહ્યો છું કે આપણા લારી ગલ્લા વાળા ભાઈ-બહેનો શાહુકાર પાસે વ્યાજથી નાણા લેવા જતા હતા. દિવસભર વેપાર કરવા માટે તેને એક હજાર રૂપિયાની જરૂર છે અને તે આપતા પહેલાં જ 100 રૂપિયા કાપી લેતો હતો અન 900 રૂપિયા જ આપતો હતો. અને સાંજે જઇને જો તે એક હજાર પરત ન કરે તો તેને બીજે દિવસે રૂપિયા મળતા ન હતા. અને ક્યારેક જો પોતાનો માલ વેચાયો નહીં તો હજાર રૂપિયા પરત કરી શક્યો નહીં તો વ્યાજ વધી જતું હતું, રાત્રે બાળકો ભૂખ્યાં સૂઇ જતા હતા. આ તમામ મુશ્કેલીઓમાંથી આપને બચાવવા માટે સ્વનિધિ યોજના છે.
અને સાથીઓ,
આપ જેટલો વધુ ડિજિટલ ઉપયોગ કરશો, જથ્થાબંધ લેવા જાઓ તો તેમને પણ ડિજિટલ પેમેન્ટ કરો, જ્યાં માલ વેચો છો ત્યાં પણ લોકોને કહો કે ડિજિટલ પેમેન્ટ કરો તો પરિસ્થિતિ એ આવશે કે વ્યાજનો એક પૈસો પણ લાગશે નહીં. તમે કલ્પના કરી શકો છો કે આપના કેટલા રૂપિયા બચશે, આપના બાળકોના શિક્ષણ માટે, આપના બાળકોના ભવિષ્ય માટે કેવડું મોટું કામ થનારું છે. તેથી જ હું કહું છું કે સાથીઓ હું આપની સાથે ઉભો છું આપ દસ ડગલાં ચાલશો તો હું 11 ડગલાં ચાલવા તૈયાર છું. વચન આપીને આવ્યો છું. આપના ઉજ્જવળ ભવિષ્ય માટે હું આજે આપની સમક્ષ આંખમાં આંખ મિલાવીને એ વચન આપું છું કે મુંબઈની ધરતી પર આવ્યો છું સાથીઓ. અને મને ભરોસો છે કે આ નાના નાના લોકોનો પુરુષાર્થ અને પરિશ્રમ થકી દેશ નવી ઉંચાઈઓ પાર કરીને જ ઝંપશે. આ જ વિશ્વાસને લઇને જ્યારે હું આજે ફરી એક વાર આપની સમક્ષ આવ્યો છું. હું તમામ લાભાર્થીઓને, તમામ મુંબઈગરાઓને, સમગ્ર મહારાષ્ટ્રને અને મુંબઈ તો દેશની ધડકન છે. સમગ્ર દેશવાસીઓને પણ હું આ વિકાસકાર્યો માટે શુભેચ્છા પાઠવું છું. શિંદે જી તથા દેવેન્દ્ર જીની જોડી આપના સ્વપ્નો સાકાર કરશે, તે મારો સંપૂર્ણ વિશ્વાસ છે.
બોલો – ભારત માતા કી જય. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ.