તુમકુરુ જિલ્લે, ગુબ્બી તાલુકિના, નિટ્ટર ગનરદા આત્મીય નાગરિક-અ બંધુ, ભાગિ-નિયરે, નિમગેલ્લા, નન્ના નમસ્કાર ગડુ.
કર્ણાટક સંતો તથા ઋષિમૂનિઓ-મનીષીઓની ભૂમિ છે. આધ્યાત્મ, જ્ઞાન-વિજ્ઞાનની મહાન ભારતીય પરંપરાને કર્ણાટકે હંમેશાં સશક્ત કરી છે. તેમાંય તુમકુરુનું વિશેષ સ્થાન છે. સિદ્ધગંગા મઠની તેમાં ઘણી મોટી ભૂમિકા છે. પૂજ્ય શિવકુમાર સ્વામી જીએ ‘ત્રિવિધ દસોહી’ એટલે ‘અન્ના’ ‘અક્ષરા’ અને ‘આસરે’નો જે વારસો મૂક્યો છે તેને આજે શ્રી સિદ્ધલિંગા મહાસ્વામીજી આગળ ધપાવી રહ્યા છે. હું પૂજ્ય સંતોને નમન કરું છું. ગુબ્બી સ્થિત શ્રી ચિદમ્બરા આશ્રમ તથા ભગવાન ચનબસવેશ્વરને પણ હું પ્રણામ કરું છું.
ભાઈઓ અને બહેનો,
સંતોના આશીર્વાદથી આજે કર્ણાટકમાં યુવાનોને રોજગાર આપનારા, ગ્રામીણ તથા મહિલાઓને સુવિધા આપનારા, દેશના સૈન્ય અને મેડ ઇન ઇન્ડિયાને તાકાત આપનારા સેંકડો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ તથા શિલાન્યાસ થયો છે. આજે દેશની એક ઘણી મોટી હેલિકોપ્ટર ફેકટરી તુમકુરુને મળી છે. આજે તુમકુર ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપનો પણ શિલાન્યાસ થયો છે અને તેની સાથે સાથે તુમકુરુ જિલ્લાના સેંકડો ગામોને પીવાના પાણીની યોજનાઓ પર પણ કાર્ય શરૂ થયું છે તથા હું આ તમામ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
કર્ણાટક યુવા પ્રતિભા, યુવા ઇનોવેશનની ધરતી છે. ડ્રોનના ઉત્પાદનથી લઈને તેજસ ફાઇટર વિમાન બનાવવા સુધી, કર્ણાટકના ઉત્પાદન ક્ષેત્રની તાકાત દુનિયા જોઈ રહી છે. ડબલ એન્જિન સરકારે કર્ણાટકને રોકાણકારોની પ્રથમ પસંદગી બનાવી દીધું છે. ડબલ એન્જિન સરકાર કેવી રીતે કામ કરે છે તેનું ઉદાહરણ આજે જે હેલિકોપ્ટર કારખાનાનું લોકાર્પણ થયું છે તે પણ છે. વર્ષ 2016માં એક સંકલ્પની સાથે મને તેના શિલાન્યાસની તક મળી હતી અને સંકલ્પ એ હતો કે આપણે પોતાની રક્ષણ જરૂરિયાતો માટે વિદેશ પરની નિર્ભરતાને ઓછામાં ઓછી કરી દેવાની છે. મને આનંદ છે કે આજે સેંકડો એવા હથિયાર અને સુરક્ષા ઉપકરણો છે જે ભારતમાં જ બની રહ્યા છે. જેનો આપણું લશ્કર ઉપયોગ કરી રહ્યું છે. આજે આધુનિક એસોલ્ટ રાઇફલથી લઈને ટેન્ક,તોપ, નૌકા સેના માટે એરક્રાફ્ટ કેરિયર, હેલિકોપ્ટર ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ તમામ ચીજો ભારતમાં જ બની રહી છે. ભારત જાતે જ તેનું ઉત્પાદન કરી રહ્યું છે. 2014 અગાઉના, આ આંકડા યાદ રાખજો, યાદ રાખશો ને... 2014ની અગાઉના 15 વર્ષોમાં જેટલું રોકાણ એરોસ્પેસ ક્ષેત્રમાં થયુ તેના કરતાં પાંચ ગણું રોકાણ છેલ્લા આઠથી નવ વર્ષમાં થઈ ચૂક્યું છે. આજે આપણે આપણા લશ્કરને ભારતમાં જ બનેલા હથિયાર તો આપી જ રહ્યા છીએ પરંતુ આપણી ડિફેન્સ નિકાસ પણ 2014ની સરખામણીએ કેટલાય ગણી વધી ગઈ છે. આવનારા સમયમાં અહીં તુમકુરુમાં જ સેંકડો, સેંકડો હેલિકોપ્ટર બનવાના છે અને તેનાથી લગભગ એક લાખ કરોડ રૂપિયાનો વેપાર પણ અહીં થશે. જ્યારે આ પ્રકારની ઉત્પાદનની ફેકટરીઓ સ્થપાય છે તો આપણા લશ્કરની તાકાત તો વધે જ છે પણ હજારો રોજગારી તથા સ્વરોજગારની તકો પણ પેદા થાય છે. તુમકુરુના હેલિકોપ્ટર કારખાનથી અહીં આસપાસ અનેક નાના નાના ઉદ્યોગોને, વેપાર કારોબારને પણ જોર મળશે.
સાથીઓ,
જયારે નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ આ ભાવનાથી કામ થતું હોય, તો સફળતાં પણ ચોક્કસ મળે છે. વીતેલા આઠ વર્ષોમાં આપણે એક તરફ સરકારી ફેકટરીઓ, સરકારી ડિફેન્સ કંપનીઓના કામકાજમાં સુધારો કર્યો, તેમને બળવાન બનાવ્યા, ત્યારે બીજી તરફ ખાનગી ક્ષેત્ર માટે પણ દરવાજા ખોલી નાખ્યા. તેનાથી કેટલો લાભ થયો, તે આપણે HAL - હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં પણ જોઇ રહ્યા છીએ. અને હું કેટલાક વર્ષો અગાઉની ચીજો આજે યાદ કરાવવા માંગું છું, મીડિયાવાળાઓનું ધ્યાન પણ જરૂર જશે, આ એ જ HAL છે તેને બહાનું બનાવીને અમારી સરકાર પર અલગ અલગ ખોટા આક્ષેપો કરવામાં આવ્યા. આ એ જ HAL છે જેનું નામ લઇને લોકોને ભડકાવવાના કાવતરા ઘડવામાં આવ્યા હતા અને લોકોને ઉશ્કેરવામાં આવ્યા, સંસદના કલાકોના કલાકો બરબાદ કરી દીધા પરંતુ મારા ભાઇઓ અને બહેનો, અસત્ય કેટલું પણ મોટું કેમ ન હોય, કેટલીય વખત બોલવામાં આવતું કેમ ન હોય, કેટલાય મોટા લોકો પાસે બોલાવવામાં આવતું કેમ ન હોય, પરંતુ એક દિવસ તે સત્યની સામે હારી જ જાય છે. આજે HALની આ હેલિકોપ્ટર ફેકટરી, HALની વધતી તાકાત, ઘણા બધા જૂના જુઠ્ઠાણાઓ અને ખોટા આરોપ લગાડનારાઓના પર્દાફાશ કરી રહી છે, વાસ્તવિકતા જાતે જ બોલી રહી છે. આ એ જ HAL ભારતના લશ્કરી દળો માટે આધુનિક તેજસ બનાવી રહી છે, જે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર છે. આજે HAL ડિફેન્સ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાને બળ આપી રહી છે.
સાથીઓ,
આજે અહીં તુમકુરુ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ માટે પણ કામ શરૂ થયું છે. ફૂડ પાર્ક, હેલિકોપ્ટર કારખાના પછી તુમકુરુને મળેલી એક મોટી ભેટ. જે આ નવું ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ થશે, તેનાથી તુમકુરુ કર્ણાટકનું જ નહીં, પણ ભારતના એક મોટા ઔધોગિક કેન્દ્રના રૂપમાં વિકસિત થશે. તે ચેન્નાઇ-બેંગ્લુરુ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનો ભાગ છે. આ સમયે ચેન્ન્નાઇ-બેંગ્લુરુ, બેંગ્લુરુ-મુંબઇ અને હૈદરાબાદ-બેંગ્લુરુ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે. આ તમામમાં કર્ણાટકનો એક મોટો વિસ્તાર આવે છે. મને એ વાતની પણ ખુશી છે કે તુમકુરુ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપનું નિર્માણ પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત થઇ રહ્યું છે. મુંબઇ-ચેન્નાઇ હાઇવે, બેંગ્લુરુ એરપોર્ટ, તુમકુરુ રેલવે સ્ટેશન, મેંગ્લુરુ પોર્ટ અને ગેસ કનેક્ટિવિટી, આવી મલ્ટી મૉડલ કનેક્ટિવિટીથી તેને જોડવામાં આવી રહ્યું છે. તેનાથી અહીં જંગી સંખ્યામાં રોજગાર અને સ્વરોજગાર ઊભા થવાના છે.
સાથીઓ,
ડબલ એન્જિન સરકારનું જેટલું ધ્યાન ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે, તેટલું જ ધ્યાન અમે સોશિયલ ઇન્ફાસ્ટ્રક્ચર પર પણ આપી રહ્યા છીએ. વીતેલા વર્ષોમાં અમે નિવાસક્કે નીરુ, ભૂમિગે નિરાવરી એટલે કે દરેક ઘર સુધી જળ, દરેક ખેતરને પાણીની પ્રાથમિક્તા આપી છે. આજે સમગ્ર દેશમાં પીવાના પાણીના નેટવર્કનો અભૂતપૂર્વ વ્યાપ વધી રહ્યો છે. આ વર્ષે જળ જીવન મિશન માટે બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. જયારે દરેક ઘર સુધી જળ પહોંચે છે, તો તેનો સૌથી મોટો લાભ ગરીબ મહિલાઓ અને નાની દિકરીઓને જ થાય છે. તેમને સ્વચ્છ પાણી મેળવવા માટે ઘરથી ખૂબ દૂર જવું પડતું નથી. છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં નળથી જળનો વિસ્તાર ત્રણ કરોડ ગ્રામીણ પરિવારોથી વધીને 11 કરોડ પરિવાર સુધી પહોંચ્યો છે. અમારી સરકાર નિવાસક્કે નીરુ ની સાથે ભૂમિગે નિરાવરી પર પણ સતત ભાર આપી રહી છે. બજેટમાં અપર ભદ્રા પ્રોજેક્ટ માટે લગભગ સાડા પાંચ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી તુમકુરુ, ચિકમંગલુર, ચિત્રદુર્ગ અને દાવણગેરે સહિત મધ્ય કર્ણાટકના એક મોટા દુકાળગ્રસ્ત વિસ્તારને લાભ થશે. આ બાબત ખેતર અને દરેક ઘર સુધી પાણી પહોંચાડવાની ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા પુરવાર કરે છે. તેનો ઘણો મોટો લાભ આપણા નાના ખેડૂતોને થશે, જે ખેતી માટે સિંચાઇના પાણી પર, વરસાદના પાણી પર આધાર રાખતા આવ્યા છે.
સાથીઓ,
આ વર્ષના ગરીબલક્ષી, મધ્યમવર્ગલક્ષી બજેટની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. વિકસિત ભારતના નિર્માણ માટે બધાં એક્ઠા થાય બધાં ભેગા થાય, તમામનો પ્રયાસ કેવો હોય, તેના માટે આ બજેટ ઘણી તાકાત આપનારું છે. જયારે ભારત પોતાની આઝાદીના 100 વર્ષ મનાવશે, તે સશક્ત ભારતનો પાયો, આ વખતના બજેટે વધારે મજબૂત કર્યો છે. આ બજેટ, સમર્થ ભારત, સંપન્ન ભારત, સ્વયંપૂર્ણ ભારત, શક્તિમાન ભારત, ગતિવાન ભારતની દિશામાં અત્યંત વિરાટ ડગલું છે. આઝાદીના આ અમૃતકાળમાં, કર્તવ્યો પર ચાલીને વિકસિત ભારતના સંકલ્પોને સિદ્ધ કરવામાં આ બજેટનું ઘણું મોટું યોગદાન છે. ગામડું, ગરીબ, ખેડૂત, વંચિત, આદિવાસી, મધ્યમ વર્ગ, મહિલા, યુવાન, વરિષ્ઠ નાગરિક, તમામ માટે મોટા મોટા નિર્ણયો આ બજેટમાં કરવામાં આવ્યા છે. આ સર્વપ્રિય બજેટ છે. સર્વહિતકારી બજેટ છે, સર્વસમાવેશી બજેટ છે. સર્વસુખકારી બજેટ છે, સર્વ-સ્પર્શી બજેટ છે. આ ભારતના યુવાનોને રોજગારની નવી તકો આપનારું બજેટ છે. આ ભારતની નારિશક્તિની ભાગીદારી વધારનારું બજેટ છે. આ ભારતની ખેતીને, ગામડાને આધુનિક બનાવનારું બજેટ છે. આ શ્રી અન્ન, શ્રી અન્નથી નાના ખેડૂતોને વૈશ્વિક તાકાત આપનારું બજેટ છે. આ ભારતમાં રોજગાર વધારનારું અને સ્વરોજગારને બળ આપનારું બજેટ છે. અમે ‘અવશ્યક્તે, આઘાસ મત્તુ આદાયા’ એટલે કે તમારી જરૂરિયાતો, તમને મળનારી સહાયતા અને તમારી આવક, ત્રણેયનું ધ્યાન રાખ્યું છે. કર્ણાટકના દરેક પરિવારને તેનાથી લાભ મળશે.
ભાઈઓ અને બહેનો,
2014 પછીથી સરકારનો પ્રયાસ સમાજના એ વર્ગને સશક્ત કરવાનો રહ્યો છે, જેને અગાઉ સરકારી સહાયતા મળવી અત્યંત કપરી બાબત હતી. આ વર્ગ સુધી સરકારી યોજનાઓ કાં તો પહોંચતી જ ન હતી, અથવા તો પછી વચેટિયાઓના હાથે તેઓ લુંટાતા હતા. તમે જૂઓ, વીતેલા વર્ષોમાં અમે આ વર્ગ સુધી સરકારી સહાયતા પહોંચાડી છે, જે અગાઉ તેનાથી વંચિત હતા. અમારી સરકારમાં, કાર્મિક-શ્રમિક એવા દરેક વર્ગને પહેલી વખત પેન્શન અને વીમાની સુવિધાઓ મળી છે. અમારી સરકારે નાના ખેડૂતોને મદદ કરવા માટે તેને પીએમ કિસાન સમ્માન નિધિની શક્તિ આપી છે. લારી, ગલ્લા, ફૂટપાથ પર કામ કરનારા ફેરિયા, ખુમચાવાળાને અમે પહેલી વાર બેંકોથી ગેરન્ટી વિના લોન અપાવી છે. આ વર્ષનું બજેટ આ જ ભાવનાઓને આગળ ધપાવે. પહેલી વાર, આપણા વિશ્વકર્મા બહેનો-ભાઇઓ માટે પણ દેશમાં એક યોજના બની છે. વિશ્વકર્મા એટલે, આપણા તે સાથીઓ કે તેઓ પોતાના હાથના કૌશલ્યથી, હાથથી ચાલનારા કોઇ પણ ઓજારની મદદથી કાંઇકને કાંઇક ચીજનું નિર્માણ કરે છે, સર્જન કરે છે, સ્વરોજગારને પ્રોત્સાહન આપે છે. જેવી રીતે આપણાં કુંભાર, કમ્માર, અક્કસાલિગા, શિલ્પી, ગારેકેલસદવા, બડગી વગેરે જેઓ આપણા બધા સાથી છે. પીએમ વિકાસ યોજનાથી હવે આવા લાખો પરિવારોને તેમની કળા, તેમના કૌશલને વધુ સમૃદ્ધ કરવામાં મદદ મળશે.
સાથીઓ,
આ વૈશ્વિક મહામારીના સમયમાં રાશન પર થનારા ખર્ચની ચિંતાથી પણ અમારી સરકારે ગરીબ પરિવારોને મુક્ત રાખ્યા છે. આ યોજના પર અમારી સરકાર ચાર લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરી ચૂકી છે. ગામડાઓમાં દરેક ગરીબ પરિવારને પાક્કા ઘર આપવા માટે બજેટમાં અભૂતપૂર્વ 70 હજાર કરોડ રૂપિયા રાખ્યા છે. તેનાથી કર્ણાટકના અનેક ગરીબ પરિવારોને પાક્કા ઘર મળશે, જીવન બદલાઈ જશે.
ભાઇઓ અને બહેનો,
આ બજેટમાં મધ્યમવર્ગના હિતમાં અભૂતપૂર્વ નિર્ણયો કરવામાં આવ્યા છે. સાત લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ ટેક્સ શૂન્ય થવાથી મધ્યમ વર્ગમાં ઘણો ઉત્સાહ છે. ખાસ કરીને 30 વર્ષથી નાની ઉંમરના યુવાન મિત્રો, જેમની નોકરી નવી છે, બિઝનેસ નવો છે, તેમના એકાઉન્ટમાં દર મહિને વધારે પૈસાની બચત થવાની છે. એટલું જ નહીં, જેઓ નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે, જે આપણા સિનિયર સિટીઝન છે, વરિષ્ઠ નાગરિક છે, તેમના માટે ડિપોઝીટની મર્યાદાને 15 લાખથી વધારીને 30 લાખ એટલે કે બમણી કરી દીધી છે. તેનાથી તેમને દર મહિને મળનારું વળતર વધી જશે. ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા સાથીઓ માટે લીવ એન્કેશમેન્ટ પર કરમુક્તિ લાંબા સમયથી માત્ર ત્રણ લાખ રૂપિયા હતી. હવે 25 લાખ રૂપિયા સુધી લીવ એન્કેશમેન્ટને કર મુક્ત કરી દેવામાં આવ્યા છે. તેનાથી તુમકુરુ, બેંગ્લુરુ સહિત કર્ણાટક અને દેશના લાખો પરિવારોની પાસે વધુ નાણા આવશે.
સાથીઓ,
આપણા દેશની મહિલાઓનો નાણાંકીય સમાવેશ, ભાજપ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ પૈકીની એક છે. મહિલાઓનો નાણાકીય સમાવેશ, ઘરોમાં તેમનો અવાજ મજબૂત કરે છે, ઘરના નિર્ણયોમાં તેમની ભાગીદારી વધારે છે. આપણી માતાઓ-બહેનો-દિકરીઓ વધુમાં વધુ બેંકો સાથે જોડાય, તેના માટે આ બજેટમાં અમે મોટા મોટા પગલાં ભર્યા છે. અમે મહિલા સમ્માન બચતપત્ર લઇને આવ્યા છીએ, તેમાં બહેનો બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે, જેની ઉપર સૌથી વધુ સાડા સાત ટકા વ્યાજ મળશે. જે પરિવાર અને સમાજમાં મહિલાઓની ભૂમિકાને વધારશે. સુકન્યા સમૃદ્ધિ, જન ધન બેંક ખાતાઓ, મુદ્રા ઋણ અને ઘર આપ્યા પછી આ મહિલા આર્થિક સશક્તિકરણ માટે સૌથી મોટું પગલું છે. ગામડાઓમાં મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સના સામર્થ્યને વધારવા માટે પણ બજેટમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યાં છે.
ભાઇઓ અને બહેનો,
ગ્રામીણ અર્થવ્યવસ્થા પર આ બજેટમાં સૌથી વધુ ફોકસ છે. ખેડૂતોને ઉત્તરોત્તર ડિજિટલ ટેકનોલોજીથી મદદ હોય કે સહકારિતાનો વિસ્તાર, તેના પર ઘણું ફોક્સ છે. તેનાથી ખેડૂતો, પશુપાલકો અને માછીમારો, તમામને લાભ થશે. આવનારા સમયમાં અનેક નવી સહકારી સમિતિઓ પણ બનશે અને અનાજના સ્ટોરેજ માટે દેશભરમાં મોટી સંખ્યામાં સ્ટોર બનશે. તેનાથી નાના ખેડૂતો પણ પોતાના અનાજ સ્ટોર (સંગ્રહ) કરી શકશે અને સારી કિંમત મળે ત્યારે વેચી શકશે. એટલું જ નહી પ્રાકૃત્તિક ખેતીથી નાના ખેડૂતોનો ખર્ચ ઓછો થાય, તેના માટે હજારો સહાયતા કેન્દ્ર પણ બનાવવામાં આવી રહ્યા છે.
સાથીઓ,
કર્ણાટકમાં આપ સૌ મિલેટ્સ - મોટા અનાજનું મહત્વ ઘણી સારી રીતે સમજો છો. એટલા માટે જ મોટા અનાજને તમે પહેલેથી જ ‘સિરિ ધાન્યા’ કહો છે. હવે કર્ણાટકના લોકોની આ જ ભાવનાને દેશ આગળ વધારી રહ્યો છે. હવે સમગ્ર દેશમાં, મોટા અનાજને શ્રી અન્ન તરીકેની ઓળખ આપવામાં આવી છે. શ્રી અન્ન એટલે ધાન્યમાં સર્વશ્રેષ્ઠ. કર્ણાટકમાં તો શ્રી અન્ન રાગી, શ્રી અન્ન નવણે, શ્રી અન્ન સામે, શ્રી અન્ન હરકા, શ્રી અન્ન કોરલે, શ્રી અન્ન ઉદલુ, શ્રી અન્ન બરગુ, શ્રી અન્ન સજ્જે, શ્રી અન્ન બિડીજોડા, ખેડૂત આવા અનેક શ્રી અન્ન પેદા કરે છે. કર્ણાટકના રાગી મુદ્દે, રાગી રોટી તે સ્વાદને કોણ ભુલાવી શકે ? આ વર્ષના બજેટમાં શ્રી અન્નના ઉત્પાદન પર પણ મોટો ભાર આપવામાં આવ્યો છે. તેનો લાભ કર્ણાટકના દુકાળ પ્રભાવિત વિસ્તારોના નાના-નાના ખેડૂતોને સૌથી વધુ થશે.
સાથીઓ,
ડબલ એન્જિન સરકારના પ્રામાણિક પ્રયાસોને કારણે આજે ભારતના નાગરિકોનો વિશ્વાસ બુલંદી પર છે, આત્મવિશ્વાસ બુલંદી પર છે. અમે દરેક દેશવાસીઓના જીવન સુરક્ષિત કરવા માટે, ભવિષ્ય સમૃદ્ધ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છીએ. તમારા સતત આર્શીવાદ જ અમારા બધા માટે ઊર્જા છે, અમારી પ્રેરણા છે. એક વખત ફરીથી તમને બધાને બજેટ અને આજે તુમકુરુમાં જે વિકાસના પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે, તેમના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમે આજે આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા છો, અમને આર્શીવાદ આપી રહ્યા છો, હું આપ સૌનો હ્વદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
ધન્યવાદ.