"હું વારંવાર સરકાર પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ભારતના દરેકે દરેક નાગરિકનો અપાર આભાર વ્યક્ત કરવા આવ્યો છું."
"ઘણા મુખ્ય વિધેયકો પર તેને લાયક ચર્ચા થઈ ન હતી કારણ કે વિપક્ષે રાજકારણને તેમનાથી ઉપર રાખ્યું હતું"
"21મી સદીનો આ સમયગાળો આગામી હજાર વર્ષ સુધી દેશને અસર કરશે. આપણે બધાએ એક જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ"
"અમે ભારતના યુવાનોને કૌભાંડોથી મુક્ત સરકાર આપી છે"
"આજે ગરીબોનાં સપનાંઓને પૂરાં કરવા માટે ગરીબોનાં હૃદયમાં એક વિશ્વાસ ઊભો થયો છે"
"વિપક્ષ લોકોનો વિશ્વાસ જોઈ શકતો નથી કારણ કે તેઓ અવિશ્વાસમાં ડૂબી ગયા છે"
"વર્ષ 2028માં જ્યારે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશો, ત્યારે દેશ ટોચના 3 દેશોમાં સામેલ હશે"
"વિપક્ષ નામ બદલવામાં માને છે પરંતુ તેઓ તેમની કાર્ય સંસ્કૃતિને બદલી શકતા નથી"
"સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના સ્થાપક પિતાઓએ હંમેશાં વંશવાદનાં રાજકારણનો વિરોધ કર્યો"
"મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અસ્વીકાર્ય છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દોષિતોને સજા થાય તે સુનિશ્ચિત કરવા માટે કામ કરશે"
"મણિપુરમાં શાંતિ સ્થપાશે અને તે વિકાસના પથ પર આગળ વધશે."
"હું મણિપુરનાં લોકોને, મણિપુરની માતાઓ અને દીકરીઓને ખાતરી આપું છું કે દેશ તેમની સાથે છે અને આ ગૃહ તેમની સાથે છે"
"મણિપુર વિકાસના પાટા પર પાછું ફરે તે માટે સરકાર કોઈ કસર છોડશે નહીં"
"આજનું ભારત દબાણ હેઠળ ભાંગી પડતું નથી. આજનું ભારત ઝૂકતું નથી, થાકતું નથી અને અટકતું નથી"
"અમારી સરકારે પૂર્વોત્તરના વિકાસને પ્રથમ અગ્રતા આપી છે"
"અમારા માટે સબકા સાથ સબકા વિશ્વાસ એક સૂત્ર નથી, પરંતુ વિશ્વાસનો લેખ છે, પ્રતિબદ્ધતા છે."
"સંસદ એ કોઈ પક્ષ માટેનો મંચ નથી. સંસદ એ દેશની આદરણીય સર્વોચ્ચ સંસ્થા છે. અહીંની દરેક સેકન્ડનો ઉપયોગ દેશ માટે થવો જોઈએ"

આદરણીય અધ્યક્ષજી,

છેલ્લા ત્રણ દિવસથી અનેક વરિષ્ઠ મહાનુભાવ આદરણીય સભ્યોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. લગભગ તમામ સભ્યોના વિચાર મારા સુધી વિગતવાર પહોંચ્યા પણ છે. મેં પોતે પણ કેટલાંક ભાષણો સાંભળ્યાં છે. આદરણીય અધ્યક્ષજી, દેશની જનતાએ અમારી સરકાર પ્રત્યે વારંવાર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ બદલ હું આજે દેશના કોટિ-કોટિ નાગરિકોનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત થયો છું. અને અધ્યક્ષજી કહે છે એમ ઈશ્વર બહુ દયાળુ છે અને જ્યારે ભગવાનની મરજી હોય છે ત્યારે એ કોઈને કોઈ માધ્યમથી પોતાની ઇચ્છા પૂર્ણ કરે છે, કોઈને કોઈને માધ્યમ બનાવે છે. હું આને ઈશ્વરનાં આશીર્વાદ માનું છું કે ઈશ્વરે વિપક્ષને સૂચન કર્યું અને તેમણે પ્રસ્તાવ રજૂ કર્યો. વર્ષ 2018માં પણ ઈશ્વરનો જ આદેશ હતો અને એ સમયે વિપક્ષમાં મારા સાથીદારોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે પણ મેં કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, મેં એ દિવસે કહ્યું હતું. પરંતુ આ તેમનો જ ફ્લોર ટેસ્ટ છે, એ પણ મેં એ દિવસે કહ્યું હતું. અને જ્યારે મતદાન થયું ત્યારે એવું જ થયું. એ સમયે વિપક્ષ પાસે જેટલા મત હતા એટલા પણ તેમને મળ્યાં નહોતાં. એટલું જ નહીં જ્યારે અમે બધા જનતા પાસે ગયા ત્યારે જનતાએ પણ પૂરી તાકાત સાથ તેમના માટે નો કોન્ફિડન્સ જાહેર કરી દીધો. અને ચૂંટણીમાં એનડીએને વધારે બેઠકો પણ મળી અને ભાજપને પણ. એટલે એક રીતે વિપક્ષનો અપ્રસ્તાવનો ઠરાવ અમારા માટે શુભ હોય છે અને હું આજે જોઈ રહ્યો છું કે તમે નક્કી કરી લીધું છે કે એનડીએ અને ભાજપ 2024ની ચૂંટણીમાં અગાઉનાં તમામ રેકોર્ડ તોડીને ભવ્ય વિજય સાથે જનતાનાં આશીર્વાદ સાથે પરત ફરશે.

આદરણીય અધ્યક્ષજી,

વિપક્ષનાં ઠરાવ પર અહીં ત્રણ દિવસથી અલગ-અલગ વિષયો પર ઘણી ચર્ચા થઈ છે. સારી બાબત એ હોત કે સત્રની શરૂઆત પછી તરત વિપક્ષે ગંભીરતાપૂર્વક સભાની કામગીરીમાં ભાગ લીધો હતો. સભાની કામગીરીના અગાઉના દિવસોમાં અને આપણી સંસદના બંને ગૃહોમાં જનવિશ્વાસ બિલ, મેડિએશન બિલ, ડેન્ટલ કમિશન બિલ, આદિવાસીઓ સાથે સંબંધિત બિલ, ડિજિટલ ડેટા સુરક્ષા બિલ, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ, કોસ્ટલ એક્વા કલ્ચર સાથે સંબંધિત બિલ – આ રીતે અનેક મહત્વપૂર્ણ બિલ અહીં પસાર થયા છે. અને આ એવા બિલ હતા, જે આપણા માછીમારોનાં અધિકારો માટે હતાં અને તેનો સૌથી વધુ લાભ કેરળને મળવાનો હતો તથા કેરળનાં સાંસદો પાસેથી વધારે અપેક્ષા હતી, કારણ કે તેઓ આ પ્રકારનાં બિલ પર વધારે સારી રીતે સામેલ થઈ શક્યાં હોત. પરંતુ તેમનાં પર રાજનીતિ એટલી હદે હાવી થઈ ગઈ છે કે તેમને માછીમારોની ચિંતા જ નથી.

અહીં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ રજૂ થયું હતું. આ બિલ દેશની યુવાશક્તિની આશા-આકાંક્ષાઓ પૂરી કરવા માટે એક નવી દિશા આપનારું હતું. હિંદુસ્તાનને વિજ્ઞાનનાં ક્ષેત્રમાં એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ભારત કેવી રીતે વિકસે, એવી દીર્ઘદ્રષ્ટિ સાથે વિચારીને રજૂ કરવામાં આવ્યું હતું, તેની સામે પણ તમારો વાંધો! ડિજિટલ ડેટા સુરક્ષા બિલ – આ બિલ દેશની યુવા પેઢીમાં જે ઉત્સાહ અને જુસ્સો અત્યારે જોવા મળે છે એની સાથે સંબંધિત હતું. આગામી સમય ટેકનોલોજીથી સંચાલિત છે. અત્યારે ડેટાને એક રીતે બીજા ઓઇલ સ્વરૂપે, બીજા સોના સ્વરૂપે ગણવામાં આવે છે. તેનાં પર કેટલી ગંભીર ચર્ચાની જરૂર હતી, પરંતુ તમારા માટે પ્રાથમિકતા રાજનીતિ હતી. એવા ઘણા બિલ હતાં, જે ગામડાંઓ માટે,  ગરીબો માટે, દલિતો માટે, પછાત વર્ગો માટે, આદિવાસીઓ માટે તેમના કલ્યાણની ચર્ચા કરવા માટે હતા. તેમનાં ભવિષ્ય સાથે જોડાયેલા હતા. પણ તમને તેમાં કોઈ રસ જ નથી. દેશની જનતાએ જે કામ માટે તમને અહીં મોકલ્યાં છે, એ જનતા સાથે પણ વિશ્વાસઘાત થયો છે. વિપક્ષમાં કેટલાંક રાજકીય પક્ષોએ તેમનાં આચરણ, તેમના વ્યવહાર પરથી સાબિત કરી દીધું છે કે તેમના માટે તેમનો રાજકીય પક્ષ દેશથી વધારે મહત્વપૂર્ણ છે. દેશથી વધારે મહત્વપૂર્ણ પક્ષ છે, દેશથી વધારે પ્રાથમિકતા તેમનાં પક્ષને આપવી જરૂરી છે. મારું માનવું છે કે, તમને ગરીબની ભૂખની ચિંતા નથી, સત્તાની ભૂખ જ તમારા મનમસ્તિષ્ક પર સવાર થઈ ગઈ છે. તમને દેશની યુવા પેઢીનાં ભવિષ્યની કોઈ પરવા જ નથી. તમને તો તમારાં રાજકીય ભવિષ્યની જ ચિંતા છે.

અને માનનીય અધ્યક્ષજી,

તેઓ એક થયા તો પણ સભાની કામગીરી એક દિવસ પણ કામ કામ માટે ચાલવા ન દેવા? તમે એક થયા તો અવિશ્વાસનો ઠરાવ રજૂ કરવા માટે? અને તમારા કટ્ટર ભ્રષ્ટ સાથીદારની શરત પર મજબૂર થઈને અને આ અવિશ્વાસના ઠરાવ પર પણ તમે કેવી ચર્ચા કરી? અને હું તો જોઈ રહ્યો છું કે, સોશિયલ મીડિયામાં તમારી બિરદારી પણ બહુ દુઃખી છે, આ તમારી હાલત છે.

અને અધ્યક્ષજી, આ ચર્ચાની મજા જુઓ કે વિપક્ષે ફિલ્ડિંગ ગોઠવી, પણ ચોક્કા-છક્કાં સરકારે જ માર્યા. અને વિપક્ષે અવિશ્વાસના પ્રસ્તાવ પર નો બોલ, નો બોલ પર જ આગળ વધી રહ્યો છે. અમે સદી ફટકારી રહ્યાં છીએ, પણ તેઓ નો બોલ ફેંક્યે જાય છે.

અધ્યક્ષજી,

હું આપણાં વિપક્ષનાં સાથીદારોને એટલું જ કહીશ કે તમે તૈયાર કરીને કેમ આવતાં નથી. થોડી મહેનત કરો અને મેં તમને મહેનત કરવા માટે 5 વર્ષ આપ્યાં. મેં  2018માં કહ્યું હતું કે, તમે 2023માં જરૂર આવજો, 5 વર્ષ પણ તમે લોકો મહેનત કરી ન શક્યાં. તમારા લોકોની શું હાલત છે, કેવી માનસિક દરિદ્રતા છે તમારી.

આદરણીય અધ્યક્ષજી,

વિપક્ષમાં આપણી સાથીદારો દેખાડો કરીને છવાઈ જવાની બહુ ઇચ્છા ધરાવે છે અને સ્વાભાવિક પણ છે. પરંતુ તમારે એ ભૂલવું ન જોઈએ કે દેશ પણ તમને જોઈ રહ્યો છે. તમારો એક-એક શબ્દ દેશવાસીઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યાં છે. પરંતુ દરેક સમયે દેશને તમે નિરાશા સિવાય કશું આપ્યું નથી. અને વિપક્ષનાં વલણ પર પણ હું કહીશ, જેની કામગીરીનો રેકોર્ડ જ ખરાબ છે, જેમની કામગીરી જ નબળી છે. તેઓ પણ અમારી પાસે અમારી કામગીરીનો હિસાબ માંગી રહ્યાં છે.

માનનીય અધ્યક્ષજી,

આ અવિશ્વાસના ઠરાવમાં કેટલીક બાબતો તો એવી વિચિત્ર છે, જે આપણે અગાઉ ક્યારેય સાંભળી પણ નથી, આપણે જોઈ પણ નથી, કે આપણે કલ્પના પણ કરી નથી. સૌથી મોટા વિપક્ષના નેતાનું નામ બોલવાની યાદીમાં સામેલ જ નહોતું. અને તમે અગાઉના ઉદાહરણ જુઓ. 1999માં વાજપેયી સરકાર સામે અવિશ્વાસનો ઠરાવ રજૂ થયો. શરદ પવારસાહેબ એ સમયે નેતૃત્વ કરી રહ્યાં હતાં. તેમણે ચર્ચાનું નેતૃત્વ કર્યું. 2003માં અટલજીની સરકાર હતી, સોનિયાજી વિપક્ષની નેતા હતી, તેમણે આગેવાની લીધી, તેમણે વિસ્તારપૂર્વક અવિશ્વાસનો ઠરાવ રજૂ કર્યો. 2018માં ખડગેજી વિપક્ષનાં નેતા હતા. તેમણે પણ વિસ્તારપૂર્વક વિષયને આગળ વધાર્યો હતો. પરંતુ આ વખતે અધીર બાબુની શું હાલત થઈ ગઈ, તેમના પક્ષે તેમને બોલવાની તક જ ન આપી. આ તો ગઈકાલે અમિતભાઈએ બહુ જવાબદારી સાથે કહ્યું કે, ભાઈ, સારું લાગતું નથી. અને તમારી ઉદારતા હતી કે તેમનો સમય પૂરો થઈ ગયો હતો, તો પણ તમે તેમને આજે તક આપી. પણ તેઓ ગોળનો ગોબર કેવી રીતે કરવો એમાં કુશળ છે. મને ખબર નથી કે છેવટે તેમની મજબૂરી શું છે? અધીરબાબુને કેમ હાંસિયામાં ધકેલા દેવાયા? ખબર નહીં કલકત્તાથી કોઈ ફોન આવ્યો હશે અને કોંગ્રેસ વારંવાર, કોંગ્રેસ વારંવાર તેમનું અપમાન કરે છે. ક્યારેક ચૂંટણીનાં નામે તેમને અસ્થાયી રીતે ફ્લોર લીડર તરીકે દૂર કરી દે છે. અમે અધીરબાબુ પ્રત્યે અમારી પૂરી સંવેદના વ્યક્ત કરીએ છીએ. સુરેશજી, જરા જોરથી હસો.

આદરણીય અધ્યક્ષજી,

કોઈ પણ દેશનાં જીવનમાં, ઇતિહાસમાં એક સમય એવો આવે છે, જ્યારે તે જૂનાં અવરોધો તોડીને એક નવી ઊર્જા સાથે, નવા ઉમંગ સાથે, નવા સ્વપ્નો સાથે, નવા સંકલ્પો સાથે આગેકૂચ કરવા પગલાં લે છે. 21મી સદીનો આ કાળ અને હું બહુ ગંભીરતા સાથે લોકશાહીના આ પવિત્ર મંદિરમાં બોલી રહ્યો છું, તથા લાંબા અનુભવ પછી બોલી રહ્યો છું કે આ કાળ સદીનો એવો કાળ છે, જે ભારત માટે દરેક સ્વપ્નો સાકાર કરવાની તક આપે છે, આપણી પાસે આપણાં સ્વપ્નો કરવાની તકો છે. અને આપણે બધા એવા સમયગાળામાં છીએ, અમે છીએ, તમે છો, દેશના કોટિ-કોટિ નાગરિકો છે. આ સમયગાળો બહુ મહત્વપૂર્ણ છે, બહુ અગત્યનો છે.

જગતમાં મોટાં પરિવર્તનો થઈ રહ્યાં છે. હું આ શબ્દો વિશ્વાસ સાથે કહેવા ઇચ્છું છું કે આ સમયગાળામાં જે કંઈ પણ થશે, તેની અસર આ દેશ પર આગામી એક હજાર વર્ષ સુધી થવાની છે. 140 કરોડ દેશવાસીઓનો પુરુષાર્થ આ સમયગાળામાં પોતાના પરાક્રમથી, પોતાના પુરુષાર્થથી, પોતાની શક્તિ સાથે, પોતાના સામર્થ્ય સાથે જે કરશે, એ આગામી એક હજાર વર્ષનો મજબૂત પાયો નાંખશે. અને એટલે આ સમયગાળામાં આપણા બધાની બહુ મોટી જવાબદારી છે અને આવા સમયમાં આપણા બધાનું ધ્યાન એક જ બાબત પર કેન્દ્રિત હોવું જોઈએ અને એ છે – દેશનો વિકાસ. દેશના લોકોનાં સ્વપ્નો સાકાર કરવાનો સંકલ્પ અ આ સંકલ્પને સાકાર કરવા માટે લાગી જવું આ જ સમયની માગ છે. 140 કરોડ દેશવાસીઓ, આ ભારતીય સમુદાયની સામૂહિક તાકાત, આપણને એ ઊંચાઈ પર પહોંચાડી શકે છે. આપણા દેશની યુવા પેઢીનાં સામર્થ્યને આજે વિશ્વ પણ સ્વીકારે છે. આપણે એના પર વિશ્વાસ કરવો જોઈએ. આપણી યુવા પેઢી જે સ્વપ્નો જોઈ રહી છે, તે સ્વપ્નોને સાકાર કરવાનું સામર્થ્ય ધરાવે છે. એટલે માનનીય અધ્યક્ષજી, 

વર્ષ 2014માં 30 વર્ષ પછી દેશની જનતાએ સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર બનાવી અને વર્ષ 2019માં પણ અમારી સરકારની કામગીરી જોઈને જ તેમના સ્વપ્નોને સાકાર કરવાનું સામર્થ્ય ક્યાં છે, તેમના સંકલ્પનોને સિદ્ધ કરવાની તાકાત ક્યાં છે, તેને દેશ બહુ સારી રીતે સમજી ગયો છે. અને એટલે જ 2019માં ફરી એકવાર અમને દેશવાસીઓની સેવા કરવાની તક આપી અને વધારે બહુમતી સાથે આપી.

આદરણીય અધ્યક્ષજી,

આ સભામં ઉપસ્થિત દરેક વ્યક્તિની જવાબદારી છે કે, તે ભારતનાં યુવાનોના સ્વપ્નોને, તેમની મહત્વાકાંક્ષાઓને, તેમની આશા-અપેક્ષાઓ મુજબ, તેઓ જે કામ કરવા ઇચ્છે છે, તેમના માટે આપણે તેમને તક આપીએ. સરકારમાં રહીને અમે પણ એ જવાબદારીને અદા કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. અમે ભારતના યુવાનોને કૌભાંડો વિનાની સરકાર આપી છે. અમે ભારતનાં યુવાનોને, આજનાં આપણાં વ્યવસાયિકોને ખુલ્લાં આકાશમાં ઉડવા માટે પાંખો આપી છે, તકો આપી છે. અમે દુનિયામાં ભારતની બગેડલી સાખને પણ સુધારી છે અને એને ફરી એકવાર નવી ઊંચાઈ પર લઈ ગયા છીએ. આજે પણ કેટલાંક લોકો પ્રયાસ કરી રહ્યાં છે કે દુનિયામાં આપણી પ્રતિષ્ઠાને કલંક લાગે, પરંતુ દુનિયા હવે દેશને જાણે છે, દુનિયાનાં ભવિષ્યમાં ભારત કઈ રીતે યોગદાન આપી શકે છે, એમાં દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે, આપણી ક્ષમતા પર દુનિયાનો ભરોસો સતત વધી રહ્યો છે.

આ દરમિયાન આપણા વિપક્ષના સાથીદારોએ શું કર્યું? જ્યારે આટલું સાનુકૂળ વાતાવરણ, ચોતરફ સંભાવનાઓ છે, ત્યારે તેમણે અવિશ્વાસના ઠરાવની આડમાં જનતાના આત્મવિશ્વાસને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. અત્યારે ભારતની યુવા પેઢી રેકોર્ડ સંખ્યામાં નવા સ્ટાર્ટઅપ સાથે દુનિયાને ચકિત કરી રહી છે. અત્યારે ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવી રહ્યું છે. અત્યારે ભારતની નિકાસ નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. અને વિપક્ષ ભારતની કોઈ પણ સારી વાત સાંભળી શકતો નથી...આ તેમની હાલત છે. અત્યારે ગરીબોના હૃદયમાં સ્વપ્નો સાકાર કરવાનો વિશ્વાસ પેદા થયો છે. અત્યારે દેશમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં સાડા 13 કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવી ગયા છે.

આદરણીય અધ્યક્ષજી,

આઈએમએફ પોતાના એક વર્કિંગ પેપરમાં લખે છે કે ભારતમાં અતિ ગરીબીનો લગભગ અંત આવી ગયો છે. આઈએમએફએ ભારતની ડીબીટી (સરકારી લાભને લાભાર્થીના ખાતામાં પ્રત્યક્ષ હસ્તાંતરણ કરવાની યોજના) અને અમારી અન્ય સામાજિક કલ્યાણકારક યોજનાઓ માટે કહ્યું છે કે, આ યોજનાઓ લોજિસ્ટિક્સનો ચમત્કાર છે.

આદરણીય અધ્યક્ષજી,

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે, જલ જીવન મિશન મારફતે ભારતમાં ચાર લાખ લોકોનો જીવ બચી રહ્યો છે. આ ચાર લાખ લોકો કોણ છે – મારાં ગરીબ, પીડિત, શોષિત, વંચિત પરિવારોનાં સ્વજનો છે. આપણા પરિવારના નીચલા તબક્કામાં જીવન પસાર કરવા માટે જે મજબૂત છે એવા લોકો છે, એવા ચાર લોકોનો જીવ બચવાની વાત ડબલ્યુએચઓ કહી રહ્યું છે. વિશ્લેષણ કરીને કહે છે કે, સ્વચ્છ ભારત અભિયાનથી ત્રણ લાખ લોકોને મૃત્યુનાં મુખમાંથી જતાં બચાવવામાં આવ્યાં છે.

આદરણીય અધ્યક્ષજી,

ભારત સ્વચ્છ થઈ રહ્યું છે, ત્રણ લાખ લોકોનું જીવન બચે છે, આ ત્રણ લાખ લોકો કોણ છે – ઝૂંપડપટ્ટીઓમાં જીવન પસાર કરવા માટે મજબૂત લોકો, જેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મારાં ગરીબ પરિવારના લોકો, શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં જીવન પસાર કરતાં લોકો, ગામડામાં જીવતાં લોકો અને વંચિત વર્ગનાં લોકો, જેમનો જીવ બચ્યો છે. યુનિસેફે કહ્યું છે કે – યુનિસેફે કહ્યું છે કે સ્વચ્છ ભારત અભિયાનને કારણે દર વર્ષે ગરીબોનાં 50 હજાર રૂપિયા બચી રહ્યાં છે. પરંતુ આ લોકો, કોંગ્રેસ સહિત વિપક્ષનાં કેટલાંક રાજકીય પક્ષોને ભારતની આ સફળતાઓમાં અવિશ્વાસ છે. જે સચ્ચાઈ દુનિયા દૂરથી દેખાઈ રહ્યાં છે, તે અહીં રહેતાં લોકોને દેખાતી નથી.

આદરણીય અધ્યક્ષજી,

અવિશ્વાસ અને અભિમાન તેમની રગોમાં ફેલાઈ ગયું છે. તેઓ જનતાના વિશ્વાસને ક્યારેય જોઈ શકતાં નથી. આ તો શાહમૃગવૃત્તિ છે, આ માટે દેશ શું કરી શકે.

આદરણીય અધ્યક્ષજી,

જેમની વિચારસરણી જૂની છે, તેમના વિચાર સાથે હું સંમત નથી. પરંતુ તેઓ કહે છે કે જુઓ ભાઈ, જ્યારે ક્યારેક સારું થાય છે, કશું મંગળ થાય છે, ઘરમાં પણ કશું સારું થાય છે, બાળકો પણ સારાં વસ્ત્રો પહેરે છે, ત્યારે કાળું ટપકું લગાવી દેવું. અત્યારે દેશમાં જે કંઈ સારું થઈ રહ્યું છે, ચોતરફ દેશની પ્રશંસા થઈ રહી છે, દેશનો જે જયજયકાર થઈ રહ્યો છે, એટલે હું તમારો આભાર માનું છું કે કાળાં ટપકાં સ્વરૂપે કાળાં વસ્ત્રો પહેરીને સભામાં આવીને તમે આ મંગળ કામને પણ સુરક્ષિત રાખવાનું જ કામ કર્યું છે. આ માટે હું તમારો આભાર માનું છું.

આદરણીય અધ્યક્ષજી,

છેલ્લાં ત્રણ દિવસથી અમારા વિપક્ષનાં સાથીદારોએ મન ભરીને, ડિક્શનરી ખોલી-ખોલીને જેટલાં અપશબ્દો મળે છે એ અહીં રજૂ કર્યા છે. તેઓ મોટી સંખ્યામાં અપશબ્દોનો ઉપયોગ કરે છે, ખબર નહીં ક્યાંથી લઈ આવે છે. સારું, આટલા અપશબ્દો બોલીને તેમનું મન હળવું થયું, તેમનો ભાર હળવો થયો. સામાન્ય રીતે, તેઓ રાતદિવસ મારી ટીકા કરતાં જ રહે છે. તેમની આ આદત છે. અને તેમનું સૌથી વધુ પસંદગીનું સૂત્ર છે – મોદી તેરી કબ્ર ખુદેગી, મોદી તેરી કબ્ર ખુદેગી. આ તેમનું પસંદગીનું સૂત્ર છે. પરંતુ મારા માટે તેમની ગાળો, આ અપશબ્દો, આ અલોકતાંત્રિક ભાષા – હું તો એનું પણ ટોનિક કે ઔષધ બનાવી લઉં છું. તેઓ આવું કેમ કરે છે અને આવું કેમ થાય છે. આજે હું ગૃહમાં એક રહસ્ય જણાવવા ઇચ્છું છું. મને પાકી ખાતરી છે કે વિપક્ષનાં લોકોને એક રહસ્યમય વરદાન મળ્યું છે, હા – રહસ્યમય વરદાન મળ્યું છે. આ વરદાન છે – આ લોકો જેનું પણ ખરાબ ઇચ્છશે, એનું ભલું જ થશે. એક ઉદાહરણ તો આપણી નજર સામે છે – તમને જણાવું. 20 વર્ષ થઈ ગયા, દેશમાં શું ન થયું, શું કરવામાં ન આવ્યું, પણ ભલું જ થતું ગયું. એટલે તમારું સૌથી મોટું રહસ્યમય વરદાન આ છે. વધુ ત્રણ ઉદાહરણ આપીને હું આ રહસ્યમય વરદારને સાબિત કરી શકું છું.

તમને ખબર હશે કે આ લોકોએ બેંકિંગ ક્ષેત્ર માટે કહ્યું હતું કે, બેંકિંગ ક્ષેત્ર ડૂબી જશે, બેંકિંગ ક્ષેત્ર બરબાદ થઈ જશે, દેશ પાયમાલ થઈ જશે, દેશ ખતમ થઈ જશે, ન જાણે શું-શું કહ્યું હતું. અને મોટાં મોટાં વિદ્વાનોને વિદેશોથી લઈ આવનતા હતા. તેમની પાસે બોલાવતાં હતાં, જેથી તેમની વાત કોઈ ન માને, તો આ વિદેશી મહાનુભાવોની વાત કો માને. તેમણે આપણી બેંકો વિશે વિવિધ પ્રકારની નિરાશા, અફવાઓ ફેલાવવાનું કામ ભરપૂર કર્યું. અને જ્યારે તેમણે ખરાબ ઇચ્છું, ત્યારે બેંકોની હાલત શું થઈ, આપણી સરકારી બેંકોનો ચોખ્ખો નફો બમણાથી વધારે થઈ ગયો. આ લોકોએ ફોન બેંકિંગ કૌભાંડની વાત કરી – એનાં કારણે દેશને એનપીએનાં ગંભીર સંકટનો સામનો કરવો પડ્યો હતો. 

જ્યારે તેઓ સરકારમાં હતાં એ દિવસોની વાત થઈ રહી છે, પરંતુ અત્યારે તેમણે જે એનપીઓનો ડુંગર ઊભો કર્યો હતો, તેનું પણ અમે સમાધાન કરીને એક નવી તાકાત સાથે દેશને સફળતાપૂર્વક બહાર કાઢ્યો છે. અને આજે શ્રીમતી નિર્મલાજીએ વિસ્તારપૂર્વક એની જાણકારી આપી છે કે કેટલો નફો થયો છે. બીજું ઉદાહરણ છે – આપણાં સંરક્ષણ ક્ષેત્ર માટે હેલિકોપ્ટર બનાવતી કંપની એચએએલ (હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ). આ જ એચએએલને લઈને તેમણે કેટલી ખરાબ વાતો કરી હતી, એચએએલ માટે શું કહ્યું નહોતું. એની દુનિયામાં કંપનીની સાખ પર બહુ નુકસાન થાય એવી ભાષાનો ઉપયોગ કર્યો હતો. એચએએલ બરબાદ થઈ ગઈ છે, એચએએલ ખતમ થઈ ગઈ છે, ભારતનો સંરક્ષણ ઉદ્યોગ ખતમ થઈ ગયો છે. આવું શું શું કહેવામાં આવ્યું હતું, એ જ એચએએલ માટે.

એટલું જ નહીં અત્યારે ખેતરોમાં વીડિયો શૂટ થાય છે, તમને ખબર છે ને. જેમ હાલ ખેતરોમાં જઈને વીડિયો શૂટ થાય છે, એવા જ વીડિયો એ સમયે એચએએલનાં કારખાનાની બહાર મજૂરોની સભા કરીને શૂટ કરાવ્યાં હતાં અને કંપનીનાં કામદારોને ઉશ્કેરવામાં આવ્યાં હતાં. તેમને કહેવામાં આવ્યું હતું કે, તમારું કોઈ ભવિષ્ય નથી, તમારાં બાળકો મરશે, ભૂખે મરશે, એચએએલ ડૂબી રહી છે. દેશની આટલી મહત્વપૂર્ણ સંસ્થાનું આટલું બધું અહિત ઇચ્છવું, આટલું બધું ખરાબ ઇચ્છવું, આટલું ખરાબ કહેવું, એ રહસ્યમય વરદાનને કારણે અત્યારે એચએએલ સફળતાની નવી ક્ષિતિજો સર કરી રહી છે. એચેએએલએ પોતાની અત્યાર સુધીની સૌથી વધુ આવક કરી છે. વિપક્ષે મન ભરીને ગંભીર આરોપો મૂક્યાં છતાં ત્યાંના કામદારોને, તેનાં કર્મચારીઓને ઉશ્કેરવાનો ભરપૂર પ્રયાસ કરવા છતાં આજે એચએએલ દેશની આન-બાન-શાન બનીને બહાર આવી છે.

આદરણીય અધ્યક્ષજી,

તેઓ જેનું ખરાબ ઇચ્છે છે, તેઓ કેવી રીતે આગળ વધે છે તેનું હું ત્રીજું ઉદાહરણ આપું છું. તમે જાણો છો કે, એલઆઈસી (ભારતીય જીવન વીમા નિગમ) માટે શું શું કહેવામાં આવ્યું હતું. એલઆઈસી બરબાદ થઈ ગઈ, ગરીબોનાં પૈસા ડૂબી રહ્યાં છે, ગરીબો ક્યાં જશે, બિચારાઓએ મહેનત કરીને એલઆઈસલીમાં નાણાંનું રોકાણ કર્યું હતું – તેમણે તેમની કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને, તેમના દરબારીઓને કાગળો પકડાવી દીધા હતા અને તેઓ બોલી જતાં હતાં. પરંતુ અત્યારે એલઆઈસી સતત મજબૂત થઈ રહી છે. શેરબજારમાં રસ ધરાવતા લોકોને પણ આ ગુરુ મંત્ર છે કે – તેઓ જે સરકારી કંપનીઓને ગાળો દે તેમાં રોકાણ કરો, તમને સારું વળતર મળશે.

આદરણીય અધ્યક્ષજી,

આ લોકો દેશની જે સંસ્થાઓનો મૃત્યુઘંટ વાગવાની જાહેરાત કરે છે, એ સંસ્થાઓનું નસીબ ચમકી જાય છે. અને મને ખાતરી છે કે, આ લોકો જે રીતે દેશની બુરાઈ કરી રહ્યાં છે, લોકશાહીને બદનામ કરી રહ્યાં છે, મારો પાકો વિશ્વાસ છે કે દેશ પણ એટલો જ મજબૂત થવાનો છે, લોકતંત્ર પણ મજબૂત થવાનું છે અને અમે તો મજબૂત થવાના જ છીએ.

આદરણીય અધ્યક્ષજી,

આ એ લોકો છે, જેમને દેશનાં સામર્થ્ય પર વિશ્વાસ નથી. આ લોકોને દેશના પરિશ્રમ પર વિશ્વાસ નથી, દેશના પરાક્રમ પર વિશ્વાસ નથી. થોડાં દિવસ અગાઉ મેં કહ્યું હતું કે, અમારી સરકારનાં આગામી કાર્યકાળમાં, ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.

આદરણીય અધ્યક્ષજી,

જો તેમને દેશનાં ભવિષ્ય પર થોડો પણ ભરોસો હોત, જ્યારે અમે દાવો કરીએ છીએ કે, આગામી પાંચ વર્ષમાં એટલે કે અમારી સરકારનાં ત્રીજા કાર્યકાળમાં આપણા દેશનું અર્થતંત્ર દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે, તો દેશના એક જવાબદાર વિપક્ષે શું કર્યુ હોત – તેણે સવાલ પૂછ્યો હોત કે અમને જણાવો, નિર્મલાજી, અમને જણાવો કે આ કેવી રીતે થશે. સારું મોદીજી જણાવો – આ કેવી રીતે થશે, તમારી પાસે રૂપરેખા શું છે – આવું કર્યું હોત. હવે આ પણ મારે શીખવવું પડે છે. તેઓ કશું સૂચન આપી શક્યાં હોત, તેઓ કોઈ ભલામણ કરી શક્યાં હોત. કે પછી કહ્યું હોત કે અમે ચૂંટણીમાં જનતા વચ્ચે જઈને જણાવીશું કે આ દેશનાં અર્થંતંત્રને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની વાત કરે છે, પણ અમે તો એને દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બનાવીશું અને અમે આ કામગીરીઓ કરીશું – તમે કશું તો કર્યું હોત. પરંતુ આપણા વિપક્ષની મુશ્કેલી એ છે કે એમની પાસે રચનાત્મક વાતો જ નથી અને તેમની રાજકીય ચર્ચા પર તો વિચારો કરો. કોંગ્રેસનાં લોકો શું કહી રહ્યાં છે, તમે જુઓ વૈચારિક દરિદ્રતા કેટલી છે. આટલાં વર્ષો સત્તામાં રહ્યાં પછી પણ તેઓ કેટલી અનુભવહીન વાતો કરી રહ્યાં છે, આપણને સાંભળવા મળે છે.

તેઓ કહે છે કે – આ લક્ષ્યાંક સુધી પહોંચવા કશું કરવાની જરૂર નથી. આવું થવાનું જ છે. આપણું અર્થતંત્ર દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનું જ છે. તમે મને જણાવો કે, આવી જ વિચારસરણીને કારણે તમે આટલાં વર્ષો સુધી કશું કર્યું જ નહીં, પોતાની રીતે થઈ જશે. તેઓ કહે છે કે, કશું કર્યા વિના આપણે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. કોંગ્રેસનું માનીએ તો આ એની મેળે થઈ જશે. એનો અર્થ એ છે કે, કોંગ્રેસ પાસે કોઈ નીતિ જ નથી, ન કશું કરવાનો ઇરાદો છે, ન વિઝન છે, ન વૈશ્વિક અર્થવ્યવસ્થાની સમજ છે અને તેની પાસે ભારતીય અર્થજગતને સમજવાની શક્તિ પણ નથી. એટલે કશું કર્યા વિના થઈ જશે, બસ આ એક જ વાત કરે છે.

આદરણીય અધ્યક્ષજી,

આ જ કારણ છે કે કોંગ્રેસનાં શાસનમાં ગરીબી વધતી ગઈ, ગરીબો વધતા ગયા. 1991માં દેશ દેવાળિયા થવાને આરે પહોંચી ગયો હતો. કોંગ્રેસનાં શાસનકાળમાં અર્થવ્યવસ્થઆ દુનિયામાં 10, 11, 12 – ક્રમ વચ્ચે જ રહી હતી. પણ 2014 પછી ભારતે દુનિયાનાં ટોચનાં પાંચ અર્થતંત્રોમાં પોતાનું સ્થાન બનાવી લીધું. કોંગ્રેસનાં લોકોને લાગતું હશે કે આ કોઈ જાદુની છડીથી થયું છે. પરંતુ હું આજે ગૃહને જણાવવા ઇચ્છું છું, માનનીય અધ્યક્ષજી, Reform, Perform and Transform (સુધારા, કામગીરી અને પરિવર્તન) આ મંત્ર સાથે એક નિશ્ચિત આયોજન, યોજના અને અતિ પરિશ્રમ, પરિશ્રમની પરાકાષ્ઠા અને આ જ કારણે દેશ હાલ આ સ્થાને પહોંચ્યો છે. આ આયોજન અને પરિશ્રમ સતત જળવાઈ રહેશે. જરૂરિયાત મુજબ તેમાં નવા Reform (સુધારા) થશે અને Performance (કામગીરી) માટે પૂરી તાકાત લગાવવામાં આવશે તથા એને પરિણામે આપણું અર્થતંત્ર દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.

આદરણીય અધ્યક્ષજી,

દેશનો વિશ્વાસ હું શબ્દોમાં પણ વ્યક્ત કરવા ઇચ્છું છું. અને દેશને વિશ્વાસ છે કે, વર્ષ 2028માં તમે જ્યારે અવિશ્વાસનો ઠરાવ રજૂ કરશો, ત્યારે આ દેશ દુનિયાનાં ટોચના ત્રણ અર્થતંત્રોમાં સામેલ હશે, આ દેશને વિશ્વાસ છે.

આદરણીય અધ્યક્ષજી,

અમારાં વિપક્ષનાં મિત્રોનાં સ્વભાવમાં જ અવિશ્વાસ છે. અમે લાલ કિલ્લા પરથી સ્વચ્છ ભારત અભિયાનનું આહવાન કર્યું. પરંતુ તેમણે હંમેશા અવિશ્વાસ વ્યક્ત કર્યો. કેવી રીતે થઈ શકે છે? ગાંધીજી આવીને ગયા, કહીને ગયા, પણ શું થયું? હજુ સ્વચ્છતા કેવી રીતે આવી શકે છે? તેમની વિચારસરણીમાં જ અવિશ્વાસ છે. અમે માતા-દિકરીઓને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવા માટે, એ મજબૂરીમાંથી મુક્ત કરવા માટે શૌચાલય જેવી જરૂરિયાતો પર ભાર મૂક્યો. એ સમયે તેઓ કહી રહ્યાં છે, શું લાલ કિલ્લા પરથી આ પ્રકારનાં વિષય પર વાત કરી શકાય? શું આ દેશની પ્રાથમિકતા છે? જ્યારે અમે જન-ધન ખાતા ખોલવાની વાત કરી, ત્યારે પણ તેમણે નિરાશા વ્યક્ત કરી. જન ધન ખાતું શું હોય છે? તેમના ખિસ્સામાં શું આવ્યું? શું લઈને આવશે, શું કરશે? અમે યોગની વાત કરી, અમે આયુર્વેદની વાત કરી, અમે તેને પ્રોત્સાહન આપવાની વાત કરી, તો તેમણે એની પણ હાંસી ઉડાવી. અમે સ્ટાર્ટ-અપ ઇન્ડિયાની ચર્ચા કરી, તો તેમણે એના માટે પણ નિરાશા ફેલાવી. સ્ટાર્ટઅપ જેવું કશું થઈ જ ન શકે. અમે ડિજિટલ ઇન્ડિયાની વાત કરો, તો મોટાં મોટાં વિદ્વાન લોકોએ શું ભાષણ આપ્યાં. હિંદુસ્તાનનાં લોકો તો અભણ છે, હિંદુસ્તાનનાં લોકોને તો મોબાઇલનો ઉપયોગ કરતાં પણ આવડતું નથી. હિંદુસ્તાનના લોકો ક્યાંથી ડિજિટલ વ્યવહારો કરશે? અત્યારે ડિજિટલ ઇન્ડિયામાં દેશ આગળ છે. અમે મેક ઇન ઇન્ડિયાની વાત કરી. પણ તેઓ જ્યાં ગયા ત્યાં મેક ઇન ઇન્ડિયાની હાંસ ઉડાવી. જ્યાં ગયા ત્યાં મેક ઇન ઇન્ડિયાની મજાક કરી.

આદરણીય અધ્યક્ષજી,

કોંગ્રેસ પક્ષ અને તેમનાં મિત્રોનો ઇતિહાસ રહ્યો છે કે તેમને ભારત પર, ભારતની તાકાત પર ક્યારેય ભરોસો જ રહ્યો નથી.

માનનીય અધ્યક્ષજી,

અને આ લોકો વિશ્વાસ પણ કોના પર કરતાં હતાં. હું આજે આ ગૃહને યાદ કરાવવા ઇચ્છું છું. પાકિસ્તાન સરહદો પર હુમલાઓ કરતું હતું. આપણે ત્યાં અવારનવાર આતંકવાદી મોકલતાં હતાં અને ત્યારબાદ પાકિસ્તાન હાથ ઉપર કરીને ફરી જતું હતું, ભાગી જતું હતું, કોઈ જવાબદારી તેમની નથી એવો જવાબ આપતું હતું. કોઈ જવાબદારી લેવા તૈયાર જ નહોતું. અને આ લોકો પાકિસ્તાનને એટલો પ્રેમ કરતાં હતાં કે તેઓ તરત પાકિસ્તાનની વાતો પર વિશ્વાસ કરતાં હતાં. પાકિસ્તાન કહેતું હતું કે, આતંકવાદી હુમલા થતાં રહેશે અને સાથે સાથે વાતચીત પણ ચાલતી રહેશે. આ લોકો તો એવું પણ કહેતાં હતાં કે પાકિસ્તાન કહી રહ્યું છે એટલે સાચું જ કહેતું હશે. આ તેમની વિચારસરણી રહી છે. કાશ્મીર આતંકવાદની આગમાં રાતદિવસ સળગતું હતું, પરંતુ કોંગ્રેસની સરકારનું કામ કાશ્મીર અને કાશ્મીરનાં સામાન્ય નાગરિક પર વિશ્વાસ કરવાનું નહોતું. તેમને હુર્રિયતનાં નેતાઓ પર વિશ્વાસ હતો, તેમને ભાગલાવાદી પરિબળો પર વિશ્વાસ હતો, તેમને પાકિસ્તાનનાં ઝંડા લઈને ચાલતાં લોકો પર વિશ્વાસ હતો. ભારતે આતંકવાદ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી. ભારતે એર સ્ટ્રાઇક કરી. આ લોકોને ભારતની સેના પર પણ ભરોસો નથી. તેમનાં દુશ્મનોનાં દાવા પર ભરોસો હતો. આ તેમની પ્રવૃત્તિ હતી.

અધ્યક્ષ મહોદય,

અત્યારે દુનિયામાં કોઈ પણ ભારત માટે અપશબ્દ બોલે છે, તો તેમને તેનાં પર તરત વિશ્વાસ થઈ જાય છે, તરત એને પકડી પાડે છે. તેમની પાસે જબરદસ્ત ચુંબકીય ક્ષમતા છે કે ભારત વિરૂદ્ધ દરેક ચીજવસ્તુઓને તેઓ તરત પકડી લે છે. જેમ કે કોઈ વિદેશી એજન્સી કહે છે કે, ભૂખમરીનો સામનો કરતાં અનેક દેશ ભારતથી વધારે સારી સ્થિતિમાં છે. આવી ખોટી વાતને પણ તેઓ પકડી લે છે અને હિંદુસ્તાનમાં પ્રચાર કરવાનું શરૂ કરી દે છે. પત્રકાર પરિષદનું આયોજન કરી દે છે. ભારતને બદનામ કરવામાં તેમને ખબર નહીં શું મજા આવે છે. દુનિયામાં કોઈ પણ આવી વિચિત્ર વાતોને, માટીના ઢેફાં જેવી, કોઈ પણ કિંમત ન હોય, કોઈ તર્ક ન હોય એવી વાતોને મહત્વ આપવું કોંગ્રેસની વર્ષોથી આદત છે. તે તરત ભારતમાં એને વધારીને રજૂ કરશે, પ્રચાર કરશે, લોકો સાચી માને એ માટે ભરપૂર પ્રયાસ કરવામાં લાગી જાય છે. કોરોનાની મહામારી આવી. ભારતનાં વૈજ્ઞાનિકોએ મેડ ઇન ઇન્ડિયા રસી બનાવી, પણ તેમને ભારતની રસી પર ભરોસો નહોતો, વિદેશી રસ પર ભરોસો હતો – આ તેમની વિચારસરણી રહી છે.

આદરણીય અધ્યક્ષજી,

દેશના કોટિ-કોટિ નાગરિકોએ ભારતની રસી પર ભરોસો મૂક્યું. પણ આ લોકોને ભારતની ક્ષમતા પર વિશ્વાસ નથી. તેમને ભારતનાં લોકો પર જ વિશ્વાસ નથી. પરંતુ આ ગૃહને હું જણાવવા ઇચ્છું છું કે આ દેશ પણ, ભારતીયો પણ કોંગ્રેસ પ્રત્યે એટલો જ અવિશ્વાસ ધરાવે છે. કોંગ્રેસ અભિમાનમાં એટલી ચૂર થઈ ગઈ છે, એટલી મદમસ્ત થઈ ગઈ છ કે તેને વાસ્તવિકતા દેખાતી જ નથી.

આદરણીય અધ્યક્ષજી,

દેશનાં અનેક રાજ્યોમાં કોંગ્રેસનો વિજય થયા અનેક દાયકાઓ થઈ ગયા છે. તમિલનાડુમાં કોંગ્રેસનો છેલ્લે 1962માં વિજય થયો હતો. 61 વર્ષોથી તમિલનાડુનાં લોકો કહી રહ્યાં છે – કોંગ્રેસમાં તેમને વિશ્વાસ નથી, તમિલનાડુના લોકો કહી રહ્યાં છે કોંગ્રેસ No Confidence. પશ્ચિમ બંગાળમાં તેમને છેલ્લે 1972માં વિજય મળ્યો હતો. પશ્ચિમ બંગાળનાં લોકો 51 વર્ષથી કહી રહ્યાં છે – કોંગ્રેસ No Confidence. ઉત્તરપ્રદેશ અને બિહાર તથા ગુજરાતમાં કોંગ્રેસને છેલ્લે 1985માં વિજય મળ્યો હતો, ત્યાંના લોકો કોંગ્રેસને કહી રહ્યાં છે - No Confidence. ત્રિપુરામાં તેમને છેલ્લે 1988માં વિજય મળ્યો હતો, 35 વર્ષથી ત્રિપુરાનાં લોકો કહી રહ્યાં છે – કોંગ્રેસ No Confidence, કોંગ્રેસ No Confidence, કોંગ્રેસ No Confidence. ઓડિશામાં કોંગ્રેસને છેલ્લે 1995માં વિજય મળ્યો હતો, એટલે ઓડિશામાં પણ 28 વર્ષોથી કોંગ્રેસને એક જ જવાબ મળી રહ્યો છે, ઓડિશા કહી રહ્યું છે No Confidence. કોંગ્રેસ No Confidence.

આદરણીય અધ્યક્ષજી,

નાગાલેન્ડમાં કોંગ્રેસને છેલ્લે 1988માં વિજય મળ્યો હતો. અહીંના લોકો પણ 25 વર્ષોથી કહી રહ્યાં છે – કોંગ્રેસ No Confidence. કોંગ્રેસ No Confidence. દિલ્હી, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તો એક પણ ધારાસભ્ય નથી. જનતાએ કોંગ્રેસ પ્રત્યે વારંવાર No Confidence જાહેર કરી દીધો છે.

આદરણીય અધ્યક્ષજી,

હું આજે આ પ્રસંગે તમારાં માટે ઉપયોગી વાત કરું છું. તમારી ભલાઈ માટે બોલી રહ્યો છું. તમે થાકી જશો, તમે બહુ થાકી જશો. હું તમારી ભલાઈની વાત જણાવી રહ્યો છું. હું આજે આ પ્રસંગે અમારા વિપક્ષનાં સાથીદારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા ઇચ્છું છું. થોડાં દિવસો અગાઉ બેંગાલુરુમાં તમે હળીમળીને લગભગ દોઢ-બે દાયકા જૂનાં યુપીએનું ક્રિયાક્રમ કર્યું છે. એ ગઠબંધનનો અંતિમ સંસ્કાર કર્યો છે. લોકશાહી વ્યવહાર કે પરંપરા મુજબ મારે એ સમયે જ તમને સહાનુભૂતિ વ્યક્ત કરવાની જરૂર હતી. પરંતુ તેમાં મેં મોડું કર્યું, છતાં તેમાં મારો દોષ નથી, કારણ કે તમે પોતે જ એક વધુ યુપીએના ક્રિયાક્રમ કરી રહ્યાં છો અને બીજી તરફ ઉજવણી પણ કરી રહ્યાં હતાં. ઉજવણી પણ કઈ બાબત પર – ખંડેર પર નવું પ્લાસ્ટર કરવા માટે. તમે ઉજવણી કરી રહ્યાં હતાં – ખંડેર પર પ્લાસ્ટર કરવાની. તમે ઉજવણી કરી રહ્યાં હતાં – વેલ મશીન પર નવું રંગરોગાણ કરવાની. દાયકાઓ જૂની ખટારા ગાડીને ઇલેક્ટ્રિક વ્હિકલ તરીકે રજૂ કરવા તમે મોટો કાર્યક્રમ કર્યો હતો. મજેદાર વાત એ છે કે ઉજવણી પૂરી થાય એ પહેલાં જ એનો શ્રેય લેવા તમારી અંદરોઅંદર જ ફાટફૂટ શરૂ થઈ ગઈ છે. મને દુઃખ હતું કે આ ગઠબંધન લઈને તમે જનતા વચ્ચે જશો, હું વિપક્ષનાં સાથીદારોને કહેવા ઇચ્છું છું, તમે જેની પાછળ ચાલી રહ્યાં છો, તેને તો આ દેશની યુવા પેઢીની, આ દેશનાં સંસ્કારોની સમજણ જ રહી નથી. પેઢી દર પેઢી આ લોકો લાલ મરચાં અને લીલા મરચાં વચ્ચેનો ફરક જ ગુમાવી બેઠા છે. પરંતુ તમારામાંથી ઘણાં સાથીદારોને હું ઓળખું છું, તમે બધા તો ભારતીય માનસિકતા સમજતાં લોકો છો, તમે લોકો ભારતનાં મિજાજને ઓળખતાં લોકો છો. વેષ બદલીને વિશ્વાસઘાતનો પ્રયાસ કરતાં લોકોની હકીકત સામે આવી જ જાય છે. જેમને ફક્ત નામનો જ સહારો છે, તેમના માટે કહેવામાં આવ્યું છે

“દૂર યુદ્ધ સે ભાગતે, દૂર યુદ્ધ સે ભાગતે

નામ રખા રણધીર,

ભાગ્યચંદ કી આજ તક, સોઈ હૈં તકદીર,

આદરણીય અધ્યક્ષજી,

આ લોકોની મુશ્કેલી એવી છે કે પોતાને જીવિત રાખવા માટે તેમને NDAનો જ સહારો લેવો પડે છે. પણ ટેવ મુજબ ઘમંડનો જે I છે ને એ I તેમનો પીછો છોડતો નથી. એટલે એનડીએમાં બે I ઘૂસાડી દીધા. બે ઘમંડના I જોડી દીધા. પહેલો I છવ્વીસ પક્ષોનો ઘમંડ અને બીજો I એક પરિવારનો ઘમંડ. એનડીએ પણ ચોરી લીધું, થોડું ટકી રહેવા માટે અને ઇન્ડિયાનાં પણ ટુકડાં કરી દીધા I.N.D.I.A.

આદરણીય અધ્યક્ષજી,

થોડું અમારા ડીએમકેનાં ભાઈ સાંભળી લે, થોડું કોંગ્રેસનાં લોકો પણ સાંભળી લે. અધઅયક્ષ મહોદય, યુપીએનો લાગે છે કે, દેશનાં નામનો ઉપયોગ કરીને તેમની વિશ્વનિયતા વધારી શકાય છે. પરંતુ કોંગ્રેસના સહયોગી પક્ષ કોંગ્રેસનાં અતૂટ સાથી તમિલનાડુ સરકારમાં એક મંત્રીએ, બે દિવસ અગાઉ જ આ કહ્યું છે, તમિલનાડુ સરકારનાં મંત્રીએ કહ્યું છે કે I.N.D.I.A. તેમના માટે કોઈ અર્થ ધરાવતું નથી. I.N.D.I.A. તેમના માટે કોઈ દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નથી. તેમના કહેવા મુજબ, તમિલનાડુ તો ભારતમાં જ છે ને.

આદરણીય અધ્યક્ષજી,

આજે હું ગર્વ સાથે કહેવા ઇચ્છું છું કે તમિલનાડુ એ રાજ્ય છે, એ પ્રદેશ છે, જ્યાંથી હંમેશા દેશભક્તિનાં પ્રવાહો નીકળ્યાં છે. જે રાજ્યએ આપણને રાજાજીની ભેંટ ધરી, જે રાજ્યએ આપણને કામરાજની ભેટ ધરી, જે રાજ્યએ આપણને એનટીઆર આપ્યાં, જે રાજ્યએ આપણને અબ્દુલ કલામ આપ્યાં, આજે એ જ તમિલનાડુમાંથી આ સૂર સંભળાઈ રહ્યો છે.

આદરણીય અધ્યક્ષજી,

જ્યારે તમારા ગઠબંધનની અંદર જ આ પ્રકારનાં લોકો હોય, જે પોતાનાં દેશનાં અસ્તિત્વને નકારાતાં હોય, ત્યારે તમારી ગાડી ક્યાં જઈને અટકશે. જો આત્મચિંતન કરવાની તક મળે અને તમારી અંદર આત્મા જેવું કશું હોય, તો જરૂર આ મુદ્દે વિચાર કરજો.

આદરણીય અધ્યક્ષજી,

નામને લઈને તેમનું વલણ બહુ જૂનું છું, નામને લઈને આ જે મોહ છે તે નવો નથી. આ દાયકાઓ જૂનું વલણ છે. તેમને લાગે છે કે, નામ બદલીને દેશ પર રાજ કરી લેશે. ગરીબની ચારે તરફ તેમનું નામ તો દેખાય છે, પરંતુ તેમનું કામ ક્યાંય દેખાતું નથી. હોસ્પિટલોમાં તેમનાં નામ છે, પરંતુ સારવાર મળતી નથી. શૈક્ષણિક સંસ્થાઓ પર તેમનાં નામ જોવા મળે છે, માર્ગો હોય, પાર્ક હોય, ગરીબ કલ્યાણની યોજનાઓ પર તેમનું નામ, રમતગમતનાં પુરસ્કારો પર તેમનું નામ, એરપોર્ટ પર તેમનું નામ, મ્યુઝિયમ પર તેમનું નામ, પોતાનાં નામથી યોજનાઓ ચલાવવી અને પછી આ યોજનાઓમાં હજારો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો. સમાજમાં છેવાડે રહેલી વ્યક્તિ કામ થાય એવું ઇચ્છતી હતી, પરંતુ તેને શું મળ્યું – ફક્ત પરિવારનું નામ.

અધ્યક્ષ મહોદય,

કોંગ્રેસની ઓળખ સાથે જોડાયેલી કોઈ ચીજ તેની પોતાની નથી. કોઈ ચીજ તેની માલિકીની નથી. ચૂંટણીનાં ચિહ્નથી લઈને વિચારો સુધી – આ તમામ કોંગ્રેસ પોતાનો હોવાનો દાવો કરે છે, પરંતુ એ હકીકતમાં બીજા લોકો પાસેથી લેવામાં આવેલું છે.

આદરણીય અધ્યક્ષજી,

પોતાની ખામીઓને ઢાંકવા ચૂંટણીનાં ચિહ્ન અને વિચારોને પણ આ લોકોએ ચોરી લીધા છે, તેમ છતાં જે જે પરિવર્તન થયા છે, તેમાં પાર્ટીનું અભિમાન જોવા મળે છે. એવું પણ દેખાય છે કે, વર્ષ 2014થી તેઓ કેવી રીતે Denialનાં Modeમાં છે એટલે પ્રજા તરફથી જાકારો મળવાનાં. પક્ષનાં સ્થાપક કોણ હતાં – એ ઓ હ્યુમ. એક વિદેશી. તેમણે કોંગ્રેસની રચના કરી હતી. તમે જાણો છો કે, 1920માં ભારતનાં સ્વતંત્રતા સંગ્રામને એક નવી ઊર્જા મળી. 1920માં એક નવો ધ્વજ મળ્યો અને દેશવાસીઓએ એ ધ્વજને અપનાવી લીધો. પછી રાતોરાત કોંગ્રેસે એ ધ્વજની તાકાત જોઈને તેને પણ છીનવી લીધો અને આ ગાડી ચલાવવા માટે ઉચિત રહેશે એવું માની લીધું. 1920થી આ ખેલ ચાલી રહ્યો છે. તેમને લાગ્યું કે લોકો તિરંગો ઝંડો જોશે, તો તેમની જ વાત થઈ રહી છે એવું પ્રજાને લાગશે. તેમણે આ ખેલ કર્યો. મતદારોને આકર્ષિત કરવા ગાંધી નામને પણ અપનાવી લીધું. દરેક વખતે ગાંધીનાં નામને ચોરી લીધું. કોંગ્રેસનાં ચૂંટણી ચિહ્નો જુઓ – બે બળદ, ગાય વાછરડું અને પછી હાથનો પંજો. આ તમામ કારનામાં તેમની દરેક પ્રકારની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે, તેને જાહેર કરે છે. આ સ્પષ્ટ દેખાય છે કે, બધું એક પરિવારનાં હાથમાં કેન્દ્રીત થઈ ગયું છે.

આદરણીય અધ્યક્ષજી,

આ I.N.D.I.A. ગઠબંધન નથી, આ I.N.D.I.A. ગઠબંધન નથી, આ ઘમંડીઓનો શંભુમેળો છે. અને તેમની જાનમાં દરેક વરરાજા બનવા ઇચ્છે છે. બધાને પ્રધાનમંત્રી બની જવું છે.

આદરણીય અધ્યક્ષજી,

આ ગઠબંધને એ પણ વિચાર્યુ નહીં કે કયા રાજ્યમાં તમારી સાથે તમે કોની સાથે ક્યાં પહોંચ્યાં છો? પશ્ચિમ બંગાળમાં તમે ટીએમસી અને કમ્યુનિસ્ટ પાર્ટી સામે છો. અને દિલ્હીમાં સાથે છો. અને અધીરબાબુ, 1991માં પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં આ જ કમ્યુનિસ્ટ પાર્ટીએ તમારી સાથે શું વ્યવહાર કર્યો હતો, તે આજે પણ ઇતિહાસમાં અંકિત છે. ઠીક છે, 1991માં તોડફોડ કરી, પણ આ લોકોએ તેમની સાથે જ દોસ્તી કરી લીધી છે. બહારથી તો આ લોકો તેમનું, બહારથી પોતાનું લેબલ બદલી શકે છે, પણ જૂનાં પાપોનું શું થશે? આ જ પાપ તમને ડૂબાડશે તમે જનતા જનાર્દનથી આ પાપ કેવી રીતે છુપાવશો? તમે છુપાવી ન શકો અને આ લોકોની આજે જે હાલત છે, એટલે હું કહેવા ઇચ્છું છું.

અત્યારે હાલત એવી છે, અત્યારે હાલત એવી છે

એટલે હાથમાં હાથ,

જેવી સ્થિતિ બદલાશે, પછી છરીઓ પણ નીકળશે.

આદરણીય અધ્યક્ષજી,

આ ઘમંડીઓનું ગઠબંધન દેશમાં પરિવારવાદની રાજનીતિનું સૌથી મોટું પ્રતિબિંબ છે. દેશનાં સ્વાતંત્રતા સેનાનીઓએ, આપણા બંધારણના ઘડવૈયાઓએ હંમેશા પરિવારવાદની રાજનીતિનો વિરોધ કર્યો હતો. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબાસાહેબ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્રપ્રસાદ, મૌલાના આઝાદ, ગોપીનાથ બારડોલાઈ, લોકનાથ જયપ્રકાશ, ડૉ. લોહિયા – તમે જેટલાં પણ નામ જોશો એ બધાએ પરિવારવાદની સ્પષ્ટ અને જાહેરમાં ટીકા કરી છે, કારણ કે પરિવારવાદનું નુકસાન દેશનાં સામાન્ય નાગરિકને ભોગવવું પડે છે. પરિવારવાદ સામાન્ય નાગરિકનાં, તેનાં અધિકારો, તેનાં હકોથી વંચિત કરે છે. એટલે આ મહાનુભાવોએ હંમેશા એ વાત પર ભાર મૂક્યો હતો કે, દેશને પરિવાર, નામ અને રૂપિયા પર આધારિત વ્યવસ્થાથી દૂર થવું જ પડશે, પરંતુ કોંગ્રેસને હંમેશા આ વાત ગમી નથી.

આદરણીય અધ્યક્ષજી,

આપણે હંમેશા જોયું છે કે, જે લોકોએ પરિવારવાદનો વિરોધ કર્યો હતો, તેમની પ્રત્યે કોંગ્રેસે કેવી નફરત દાખવી હતી. કોંગ્રેસને પરિવારવાદ પસંદ છે. કોંગ્રેસને દરબારીઓ પસંદ છે. જ્યાં મોટાં લોકો, તેમનાં દિકરાં-દિકરીઓ મોટાં પદો પર બેઠાં છે. જે લોકો પરિવારથી બહાર છે, તેમને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, જ્યા સુધી તમે આ મહેફિલમાં જી હજૂરી નહીં કરો, ત્યાં સુધી તમારું કોઈ ભવિષ્ય નથી. આ તેમની કાર્યશૈલી રહી છે. આ દરબારી વ્યવસ્થાએ ઘણી wicket લીધી છે, અનેક નેતાઓનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. આ લોકોએ કેટલાં લોકોનાં અધિકારો પર તરાપ મારી છે. બાબાસાહેબ આંબેડકર – કોંગ્રેસે તમામ પ્રયાસો કરીને તેમને બે વાર ચૂંટણીમાં હરાવી દીધા હતા. કોંગ્રેસનાં લોકો બાબાસાહેબ આંબેડકરનાં વસ્ત્રોની હાંસી ઉડાવતાં હતાં – આ એ લોકો છે. બાબુ જગજીવન રામ – તેમણે કટોકટી પર પ્રશ્ર ઉઠાવ્યો હતો. પછી તેમણે બાબુ જગજીવન રામને પણ છોડ્યાં નહીં, હેરાન કર્યા. મોરારાજીભાઈ દેસાઈ, ચરણસિંહ, ચંદ્રશેખરજી – તમે ગમે એટલાં નામ લો, પરિવારવાદ અને દરબારવાદને કારણે દેશનાં મહાન લોકોના અધિકારોને તેમણે હંમેશા માટે બરબાદ કરી દીધા. એટલે સુધી કે જે લોકો દરબારી નહોતાં, જેઓ પરિવારવાદનાં સમર્થક નહોતાં, તેમના portrait પણ parliamentમાં મૂકવા સામે પણ તેમને વાંધો હતો. જ્યારે 1990માં ભાજપનો ટેકો ધરાવતી બિનકોંગ્રેસી સરકાર બની, ત્યારે તેમનાં સેન્ટ્રલ હોલમાં તેમનાં portrait મૂકવામાં આવ્યાં હતાં. જ્યારે 1991માં બિનકોંગ્રેસી સરકાર બની, ત્યારે સંસદમાં લોહિયાજીનું portrait લાગ્યું. જ્યારે જનતા પક્ષની સરકાર હતી, ત્યારે 1978માં જ નેતાજીનું portrait લગાવવામાં આવ્યું હતું. લાલબહાદુર શાસ્ત્રી અને ચરણસિંહનું portrait પણ 1993માં બિનકોંગ્રેસી સરકારે જ મૂક્યું હતું. સરદાર પટેલના યોગદાનની કોંગ્રેસે હંમેશા ઉપેક્ષા કરી છે. સરદારસાહેબને સમર્પિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવાનું ગૌરવ પણ અમને જ પ્રાપ્ત થયું છે. અમારી સરકારી દિલ્હીમાં પીએમ મ્યુઝિયમ બનાવ્યું. તેમાં અગાઉનાં તમામ પ્રધાનમંત્રીઓ સન્માન આપવામાં આવ્યું છે. પીએમ મ્યુઝિયમ રાજકીય પક્ષાપક્ષી અને અને પક્ષોથી પર થઈને તમામ પ્રધાનમંત્રીઓને સમર્પિત છે. તેમને એ પણ ખબર નથી, કારણ કે તેમનાં પરિવાર સિવાયની કોઈ પણ વ્યક્તિ પ્રધાનમંત્રી બને એ પણ તેમને મંજૂર નથી, તેઓ સ્વીકાર કરવા તૈયાર જ નથી.

આદરણીય અધ્યક્ષજી,

જ્યારે ઘણી વાર કશું ખરાબ બોલવાનાં ઇરાદાથી કહેવામાં આવે છે, ત્યારે કશું સાચું નીકળી જાય છે. ખરેખર આપણને બધાને આવાં અનુભવો થયા છે, ક્યારેક સાચું નીકળી જાય છે. લંકાનું દહન હનુમાને કર્યું નહોતું, રાવણનાં ઘમંડથી દહન થયું – આ બિલકુલ સાચી વાત છે. તમે જુઓ, જનતા-જનાર્દન પણ ભગવાન રામનું જ રૂપ છે. એટલે 400થી 40 થઈ ગયા. હનુમાને લંકાનું દહન કર્યું નહોતું, ઘમંડે દહન કર્યું અને એટલે 400થી 40 થઈ ગયા.

આદરણીય અધ્યક્ષજી,

સચ્ચાઈ એ છે કે, દેશની જનતાએ બે-બે વાર ત્રીસ વર્ષ પછી સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર પસંદ કરી છે. પણ અહીં ગરીબનો દિકરો કેવી રીતે પહોંચી ગયો. તમારો જે હક હતો, તમે તમારા બાપદાદાની જાગીર માનતા હતા, એનાં પર તે કેવી રીતે બેસી ગયો – આ ડંખ આજે પણ તમને પરેશાન કરી રહ્યો છે, તમને સૂવા દેતો નથી. અને દેશની જનતા પણ તમને સૂવા દેતી નથી, 2024માં પણ સૂવા નહીં દે.

આદરણીય અધ્યક્ષજી,

એક સમયે તેમનાં જન્મદિવસ પર વિમાનમાં કેક કાપવામાં આવતી હતી. અત્યારે એ જ વિમાનમાં ગરીબો માટે રસી જાય છે – આ ફરક છે.

 

આદરણીય સ્પીકરજી,

એક સમય હતો જ્યારે ડ્રાયક્લીનિંગ માટેનાં કપડાં એરોપ્લેનમાં આવતાં હતાં, આજે ચપ્પલવાળો ગરીબ માણસ વિમાનમાં ઉડી રહ્યો છે.

આદરણીય સ્પીકર,

એક સમયે, નૌકાદળનાં યુદ્ધ જહાજોને રજાઓ માટે, મોજ-મસ્તી કરવા માટે બોલાવવામાં આવતાં હતાં. આજે એ જ નેવીનાં જહાજોનો ઉપયોગ દૂરના દેશોમાં ફસાયેલા ભારતીયોને તેમના ઘરે લાવવા, ગરીબોને તેમના ઘરે લાવવા માટે કરવામાં આવે છે.

આદરણીય સ્પીકર,

જે લોકો આચાર-વ્યવહાર, ચાલ-ચરિત્રથી રાજા બની ગયા હોય, જેમનું દિમાગ આધુનિક રાજાની જેમ જ કામ કરતું હોય, તેમને ગરીબનો પુત્ર અહીં હોવાથી પરેશાની થશે જ થશે. આખરે, તેઓ નામદાર લોકો છે અને આ કામદાર લોકો છે.

આદરણીય અધ્યક્ષજી,

મને બહુ પ્રસંગોએ અમુક વાતો કહેવાનો સમય મળે છે. ઘણીબધી વાતો એવી હોય છે, સંયોગ જુઓ, ઈવન હું તો નક્કી કરીને બેસતો નથી, પણ સંયોગ જુઓ- ગઈકાલે જ જોઇ લો, ગઈકાલે અહીં દિલથી વાત કરવાની વાત પણ કહેવામાં આવી હતી. તેમનાં દિમાગની હાલત તો દેશ લાંબા સમયથી જાણે છે, પરંતુ હવે તેમનાં દિલની પણ ખબર પડી ગઈ છે.

અને અધ્યક્ષજી,

તેમનો તો મોદી પ્રેમ એટલો જબરદસ્ત છે કે ચોવીસે કલાક સપનામાં પણ તેમને મોદી આવે છે. મોદી જો ભાષણ કરતી વખતે વચ્ચે પાણી પીએ તો કહે છે, જો પાણી પણ પીધું તો છાતી કાઢીને અહી જુઓ- મોદીને પાણી પીવડાવી દીધું.  જો હું તાપમાં, ધોમધખતા તડકામાં પણ જનતા-જનાર્દનના દર્શન માટે નીકળી પડું છું, ક્યારેક પરસેવો લૂછું તો કહે, જુઓ મોદીજીને પરસેવો લાવી દીધો. જુઓ, એમનો જીવવાનો સહારો જુઓ. એક ગીતની પંક્તિઓ છે-

ડૂબને વાલે કો તિનકે કા સહારા હી બહુત,

દિલ બહલ જાયે ફકત, ઇતના ઇશારા હી બહુત.

ઇતને પર ભી આસમાંવાલા ગિરા દે બિજલિયાં,

કોઇ બતલા દે જરા ડૂબતા ફિર ક્યા કરે.

આદરણીય અધ્યક્ષજી,

હું કૉંગ્રેસની મુસીબત સમજું છું. વર્ષોથી, તેઓ એક જ નિષ્ફળ પ્રોડક્ટને વારંવાર લૉન્ચ કરે છે. લૉન્ચિંગ દર વખતે નિષ્ફળ જાય છે. અને હવે તેનું પરિણામ એ આવ્યું છે કે, મતદારો પ્રત્યેની તેમની નફરત પણ સાતમા આસમાને પહોંચી ગઈ છે. તેમનું લૉન્ચિંગ નિષ્ફળ જાય છે, ને નફરત જનતા પર કરે છે. પરંતુ પીઆરવાળા પ્રચાર શું કરે છે? તેઓ મહોબ્બતની દુકાનનો પ્રચાર કરે છે, ઈકોસિસ્ટમ મંડી પડે છે. તેથી જ દેશની જનતા પણ કહી રહી છે કે આ લૂંટની દુકાન છે, જુઠ્ઠાણાનું બજાર છે. લૂંટની દુકાન, જુઠ્ઠાણાનું બજાર. તેમાં નફરત છે, કૌભાંડો છે, તુષ્ટિકરણ છે, મન કાળાં છે. દેશ દાયકાઓથી પરિવારવાદની આગમાં સળગી રહ્યો છે. અને તમારી દુકાન અને તમારી દુકાને ઈમરજન્સી વેચી છે, ભાગલા વેચ્યા છે, શીખો પર અત્યાચારો વેચ્યા છે, આટલાં બધાં જુઠ્ઠાણા વેચ્યા છે, ઈતિહાસ વેચ્યો છે, ઉરીનાં સત્યના પુરાવા વેચ્યા છે, નફરતના દુકાનદારો શરમ કરો, તમે સેનાનું સ્વાભિમાન વેચ્યું છે.

આદરણીય અધ્યક્ષજી,

અહીં બેઠેલા આપણામાંથી ઘણા લોકો ગ્રામીણ ગરીબ પૃષ્ઠભૂમિના છે. અહીં ગૃહમાં ગામડાંઓ અને નાનાં શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે અને ગામડાંમાંથી કોઈ વ્યક્તિ વિદેશ જાય તો વર્ષો સુધી તે તેનાં ગીતો ગાતો રહે છે. ભલે તે વિદેશમાં એકાદ વખત ગયો હોય, જોઈને આવ્યો હોય, તે વર્ષો સુધી કહેતો રહે છે કે હું આ જોઈને આવ્યો છું, હું તે જોઈને આવ્યો છું, મેં આ સાંભળ્યું , આ જોયું છે, તે સ્વાભાવિક છે કે ગામનો માણસ જેણે બિચારાએ દિલ્હી-મુંબઈ ક્યારેય ન જોયું હોય અને અમેરિકા જઈને આવે. યુરોપ જઈને આવે તો તે વર્ણન કરતો રહે છે. જે લોકોએ કદી કૂંડાંમાં મૂળો ઉગાડ્યો નથી, જે લોકોએ કદી કૂંડાંમાં મૂળો નથી ઉગાડ્યો, તેઓ ખેતરોને જોઇને ચકિત થવાના જ થવાના છે.

અધ્યક્ષજી,

જે લોકો ક્યારેય જમીન પર ઉતર્યા જ નથી, જેમણે કારના કાચ નીચે કરીને હંમેશા બીજાની ગરીબી જોઈ છે, તેઓને બધું ચકિત કરનારું લાગે છે. જ્યારે આવા લોકો ભારતની સ્થિતિનું વર્ણન કરે છે ત્યારે તેઓ ભૂલી જાય છે કે તેમના પરિવારે 50 વર્ષ સુધી આ ભારત પર રાજ કર્યું હતું. એક રીતે જ્યારે ભારતનાં આ સ્વરૂપનું વર્ણન કરે છે ત્યારે તેઓ તેમના પૂર્વજોની નિષ્ફળતાનો ઉલ્લેખ કરે છે, આ ઇતિહાસ સાક્ષી છે. અને તેમની દાળ ગલવાની નથી. તેથી જ તેઓ નવી -નવી દુકાનો ખોલીને બેસી જાય છે.

આદરણીય અધ્યક્ષજી,

આ લોકોને ખબર છે કે તેમની નવી દુકાનને પણ થોડા દિવસોમાં તાળાં લાગી જશે. અને આજે આ ચર્ચાની વચ્ચે હું દેશની જનતાને આ ઘમંડિયા ગઠબંધનની આર્થિક નીતિ વિશે ખૂબ જ ગંભીરતા સાથે સાવધાન કરવા માગું છું. દેશમાં આ ઘમંડી ગઠબંધન એવી અર્થવ્યવસ્થા ઈચ્છે છે, જેનાથી દેશ નબળો બને અને તેનું સામર્થ્ય બની ન શકે. આપણે આપણી આસપાસના દેશોમાં જોઈએ છીએ જે આર્થિક નીતિઓના આધારે કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો આગળ વધવા માગે છે, જે રીતે તેઓ તિજોરીમાંથી પૈસા લૂંટીને વૉટ મેળવવાનો ખેલ ખેલી રહ્યા છે, આપણી આસપાસના દેશોની હાલત જોઇ લો. દુનિયાના એ દેશોની હાલત જોઇ લો. અને હું દેશને કહેવા માગું છું, તેમના સુધરવાની મને કોઇ આશા નથી, એ જનતા તેમને સુધારી દેશે.

આદરણીય અધ્યક્ષજી,

આવી બાબતોની ખરાબ અસર આપણા દેશની સાથે સાથે આપણાં રાજ્યો પર પણ થઈ રહી છે. ચૂંટણી જીતવા માટે આપવામાં આવેલાં એલ-ફેલ વચનોને કારણે હવે આ રાજ્યોમાં જનતા પર નવા નવા દંડ લાદવામાં આવી રહ્યા છે. નવા-નવા બોજ નાખવામાં આવી રહ્યા છે અને વિકાસના પ્રોજેક્ટો બંધ કરવાની જાહેરાતો કરવામાં આવી રહી છે, વિધિવત્‌ રીતે જાહેરાત કરવામાં આવી રહી છે.

આદરણીય અધ્યક્ષજી,

આ ઘમંડી ગઠબંધનની જે આર્થિક નીતિ છે, એ આર્થિક નીતિઓનું પરિણામ હું સ્પષ્ટપણે જોઈ રહ્યો છું. અને એટલા માટે હું દેશવાસીઓને ચેતવણી, દેશવાસીઓને આ સત્ય સમજાવવા માગું છું. આ લોકો, આ ઘમંડિયાં ગઠબંધનના લોકો, ભારત નાદાર થવાની ગૅરન્ટી છે, ભારતની નાદારીની ગૅરન્ટી છે. તે અર્થતંત્રને ડૂબાડવાની ગૅરન્ટી છે, તે ઈકોનોમીને ડૂબાડવાની ગૅરન્ટી છે. આ ડબલ ડિજિટ મોંઘવારીની ગૅરન્ટી છે, આ ડબલ ડિજિટ ફુગાવાની ગૅરન્ટી છે, તે પોલિસી પેરાલિસિસની ગૅરન્ટી છે, તે પોલિસી પેરાલિસિસની ગૅરન્ટી છે. તે અસ્થિરતાની ગૅરન્ટી છે, તે અસ્થિરતાની ગૅરન્ટી છે. તે તુષ્ટિકરણની ગૅરન્ટી છે, તે તુષ્ટિકરણની ગૅરન્ટી છે. તે પરિવારવાદની ગૅરન્ટી છે, તે પરિવારવાદની ગૅરન્ટી છે. તે ભારે બેરોજગારીની ગૅરન્ટી છે, તે ભારે બેરોજગારીની ગૅરન્ટી છે. તે આતંક અને હિંસાની ગૅરન્ટી છે, તે આતંક અને હિંસાની ગૅરન્ટી છે. તે ભારતને બે સદી પાછળ ધકેલવાની ગૅરન્ટી છે.

આદરણીય અધ્યક્ષજી,

તેઓ ક્યારેય ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થા બનાવવાની ગૅરન્ટી આપી શકતા નથી. આ મોદી દેશને ગૅરન્ટી આપે છે કે મારી ત્રીજી ટર્મમાં હું ભારતને ટોપ 3માં લાવીને મૂકીશ, આ દેશને મારી ગૅરન્ટી છે. તેઓ ક્યારેય દેશને વિકસિત બનાવવાનું વિચારી પણ શકતા નથી. આ લોકો એ દિશામાં કશું કરી પણ શકતા નથી.

આદરણીય અધ્યક્ષજી,

જેમને આદરણીય લોકશાહીમાં વિશ્વાસ નથી, તેઓ સંભળાવવા માટે તો તૈયાર હોય છે પણ સાંભળવાની ધીરજ નથી હોતી. અપશબ્દ બોલો, ભાગી જાવ, કૂડો-કચરો ફેંકો ભાગી જાવ, જુઠ્ઠાણું ફેલાવો, ભાગી જાઓ, આ જ તેમનો ખેલ છે. આ દેશ તેમની પાસેથી વધુ અપેક્ષા રાખી શકે નહીં. જો તેમણે ગૃહ મંત્રીજીની મણિપુરની ચર્ચા પર સંમતિ દર્શાવી હોત તો એકલા મણિપુર વિષય પર વિગતવાર ચર્ચા થઈ શકી હોત. દરેક પાસાની ચર્ચા થઈ શકી હોત. અને તેમને ઘણું બધું કહેવાની તક પણ શકી હોત. પરંતુ તેમને ચર્ચામાં રસ ન હતો અને ગઈકાલે જ્યારે અમિતભાઈએ આ વિષય પર વસ્તુઓ વિગતવાર મૂકી હતી, ત્યારે દેશને પણ આશ્ચર્ય થયું કે આ લોકો આટલા બધા જુઠ્ઠાણા ફેલાવી શકે છે. આ લોકોએ એવાં-એવાં પાપ કરીને ગયાં છે અને આજે જ્યારે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા અને અવિશ્વાસના સમગ્ર મુદ્દા પર બોલ્યા, ત્યારે ટ્રેઝરી બેન્ચની પણ જવાબદારી બને છે કે તે દેશનો વિશ્વાસ પ્રગટ કરે, દેશના વિશ્વાસને નવી તાકાત આપે, દેશ પ્રત્યે અવિશ્વાસ રાખનારાને જડબાતોડ જવાબ આપે, તે અમારી પણ જવાબદારી બની જાય છે. અમે કહ્યું હતું, એકલા મણિપુર માટે આવો, ચર્ચા કરો, ગૃહ મંત્રીજીએ પત્ર લખીને કહ્યું હતું. તે તેમના વિભાગ સાથે સંબંધિત વિષય હતો. પરંતુ હિંમત ન હતી, ઈરાદો ન હતો અને પેટમાં પાપ હતું, દુ:ખે છે પેટ ને કૂટે છે માથું, એનું આ પરિણામ હતું.

આદરણીય અધ્યક્ષજી,

મણિપુરની સ્થિતિ અંગે દેશના ગૃહ મંત્રી શ્રીમાન અમિત શાહે ગઈકાલે બે કલાક સુધી સમગ્ર વિષયની વિસ્તૃત છણાવટ કરી હતી અને એક અંશ પણ રાજનીતિ વગર ખૂબ જ ધીરજથી આખો વિષય સમજાવ્યો, સરકાર અને દેશની ચિંતા વ્યક્ત કરી અને દેશની જનતાને જાગૃત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમાં આશય આ સમગ્ર ગૃહ વતી મણિપુર સુધી વિશ્વાસનો સંદેશો પહોંચાડવાનો હતો. સામાન્ય માણસને શિક્ષિત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક ઉમદા પ્રામાણિકતા સાથે દેશનાં ભલાં માટે અને મણિપુરની સમસ્યા માટેના માર્ગો શોધવાનો એક પ્રયાસ હતો. પરંતુ રાજકારણ સિવાય કંઇ કરવું નથી, તેથી તેઓએ આ જ ખેલ કર્યા, આ સ્થિરતા કરી.

આદરણીય અધ્યક્ષ મહોદય,

આમ તો ગઈ કાલે અમિતભાઈએ વિસ્તારથી જણાવ્યું છે. મણિપુરમાં કૉર્ટનો એક ચુકાદો આવ્યો. હવે અદાલતોમાં શું થઈ રહ્યું છે એ આપણે જાણીએ છીએ. અને તેના પક્ષ-વિપક્ષમાં જે પરિસ્થિતિઓ સર્જાઇ, હિંસાનો દોર શરૂ થયો અને તેમાં ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. ઘણાએ તેમના પ્રિયજનોને પણ ગુમાવ્યા. મહિલાઓ સામે ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા અને આ અપરાધ અક્ષમ્ય છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભેગા મળીને ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. અને હું દેશના તમામ નાગરિકોને વિશ્વાસ અપાવવા માગું છું કે, જે રીતે પ્રયાસો ચાલી રહ્યા છે, આવનારા સમયમાં શાંતિનો સૂરજ જરૂરથી ઉગશે. મણિપુર ફરી એકવાર નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધશે. હું મણિપુરના લોકોને પણ આગ્રહપૂર્વક કહેવા માગું છું કે, ત્યાંની માતાઓ, બહેનો અને દીકરીઓને કહેવા માગું છું કે દેશ તમારી સાથે છે, આ ગૃહ તમારી સાથે છે. આપણે બધા મળીને અહીં કોઇ હોય કે ન હોય, આપણે બધા મળીને આ પડકારનો ઉકેલ શોધીશું, ત્યાં ફરીથી શાંતિ સ્થાપિત થશે. હું મણિપુરના લોકોને વિશ્વાસ અપાવું છું કે મણિપુર ફરીથી ઝડપથી વિકાસના પથ પર આગળ વધે એમાં કોઇ પ્રયાસોમાં કોઈ કસર રહેશે નહીં.

આદરણીય અધ્યક્ષ મહોદય,

અહીં ગૃહમાં મા ભારતી વિશે જે કહેવામાં આવ્યું છે તેનાથી દરેક ભારતીયની ભાવનાઓને ઉંડી ઠેસ પહોંચી છે. અધ્યક્ષજી, ખબર નહીં મને શું થયું છે. સત્તા વિના આવી હાલત કોઇની થઈ જાય છે શું? સત્તા સુખ વિના જીવી શકતા નથી કે શું? અને કેવી કેવી ભાષા બોલી રહ્યા છે.

આદરણીય અધ્યક્ષજી,

ખબર નહીં કેમ કેટલાક લોકો ભારત માતાનાં મૃત્યુની કામના કરતા જોવા મળે છે. આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે? આ એ લોકો છે જે ક્યારેક લોકશાહીની હત્યાની વાત કરે છે તો ક્યારેક બંધારણની હત્યાની વાત કરે છે. ખરેખર, તેમનાં મનમાં જે છે, તે જ તેમનાં કૃતિત્વમાં સામે આવે છે. મને નવાઈ લાગી અને આ બોલનારા લોકો કોણ છે? શું આ દેશ ભૂલી ગયો આ 14મી ઑગસ્ટ, વિભાજન વિભીષિકા, પીડાદાયક દિવસ, આજે પણ તે એ ચીસો સાથે, એ પીડાઓ સાથે આપણી સામે આવે છે. આ એ લોકો છે જેમણે મા ભારતીના ત્રણ ટુકડા કરી નાખ્યા. જ્યારે મા ભારતીને ગુલામીની સાંકળોમાંથી મુક્તિ અપાવવાની હતી, જ્યારે મા ભારતીની સાંકળો તોડવાની હતી, બેડીઓ કાપવાની હતી ત્યારે આ લોકોએ મા ભારતીના હાથ કાપી નાખ્યા. મા ભારતીના ત્રણ-ત્રણ ટુકડા કરી દીધા અને આ લોકો કયા મોઢે આવું બોલવાની હિંમત કરે છે.

આદરણીય અધ્યક્ષજી,

આ એ લોકો છે જે વંદે માતરમ્‌ ગીતે દેશ માટે મરી ફિટવાની પ્રેરણા આપી. વંદે માતરમ્ ભારતના ખૂણે ખૂણે ચેતનાનો અવાજ બની ગયું હતું. તુષ્ટિકરણની રાજનીતિને કારણે, તેઓએ મા ભારતીના ટુકડા કર્યા એટલું જ નહીં, વંદે માતરમ્‌ ગીતના પણ ટુકડા કરી નાખ્યા. આ એ લોકો છે, માનનીય સ્પીકર, જેઓ 'ભારત તેરે ટુકડે હોંગે' ના નારા લગાવે છે, આ ટોળકી તેમને પ્રોત્સાહિત કરવા, પ્રોત્સાહન આપવા પહોંચી જાય છે. ભારત તેરે ટુકડે હોંગે ​​તેમને જોર આપી રહ્યા છે. તેઓ એવા લોકોની મદદ કરી રહ્યા છે જેઓ કહે છે કે જો ઉત્તર પૂર્વને જોડતો સિલિગુડી નજીકનો નાનો કૉરિડોર કાપી નાખવામાં આવે તો ઉત્તર પૂર્વ અલગ થઈ જશે. આ સપનાં જોનારાઓને જે લોકો ટેકો આપે છે.

આદરણીય અધ્યક્ષજી,

તેઓ જ્યાં પણ હોય, મારી બાજુમાં બેસનારા જો કોઇ મારા પ્રશ્નનો જવાબ આપે. જેઓ બહાર ગયા છે, તેમને જરા પૂછો કે કચ્ચાતિવુ શું છે? કોઈ તેમને પૂછે કે કચ્ચાતિવુ શું છે? તેઓ આટલી મોટી મોટી વાતો કરે છે, આજે હું કહેવા માગું છું કે આ કચ્ચાતિવુ શું છે અને આ કચ્ચાતિવુ ક્યાંથી આવ્યું છે તેમને જરા પૂછો, તેઓ આટલી મોટી મોટી વાતો લખીને દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આ ડીએમકેના લોકો, તેમની સરકાર, તેમના મુખ્યમંત્રી મને પત્રો લખે છે, હજુ પણ લખે છે અને કહે છે કે મોદીજી કચ્ચાતિવુ પાછા લાવો. શું છે આ કચ્ચાતિવુ? આ કોણે કર્યું? તમિલનાડુથી આગળ, શ્રીલંકા પહેલા, એક ટાપુ કોઈએ બીજા દેશને આપી દીધો હતો. તે ક્યારે આપવામાં આવ્યો, ક્યાં ગયાં હતાં, શું ત્યાં આ ભારત માતા ન હતી? શું તે મા ભારતીનો ભાગ ન હતો? અને તેને પણ તમે તોડ્યો. એ વખતે શ્રીમતી ઇન્દિરા ગાંધીનાં નેતૃત્વમાં થયું હતું. કૉંગ્રેસનો ઈતિહાસ ભારત માતાને છિન્ન-ભિન્ન કરવાનો રહ્યો છે.

આદરણીય અધ્યક્ષજી,

અને કૉંગ્રેસનો મા ભારતી પ્રત્યેનો પ્રેમ કેવો રહ્યો છે? ભારતવાસીઓ માટે કેવો પ્રેમ રહ્યો છે? હું આ ગૃહની સામે ખૂબ જ દુઃખ સાથે એક સત્ય રાખવા માગું છું. તેઓ આ પીડાને સમજી શકશે નહીં. હું દાવણગેરેના ખૂણે ખૂણે ફરેલો માણસ છું અને રાજકારણમાં કંઈ નહોતું ત્યારે પણ મારા પગ ત્યાં ઘસતો હતો. મને એ વિસ્તાર પ્રત્યે ભાવનાત્મક લગાવ છે. તેમને કોઈ અંદાજ પણ નથી.

માનનીય અધ્યક્ષજી,

હું ગૃહ સમક્ષ, તમારી સમક્ષ ત્રણ પ્રસંગો મૂકવા માગું છું. અને હું ગર્વ સાથે કહેવા માગું છું કે દેશવાસીઓ પણ સાંભળી રહ્યા છે. પ્રથમ ઘટના 5 માર્ચ, 1966- આ દિવસે કૉંગ્રેસે પોતાની વાયુસેના દ્વારા મિઝોરમમાં અસહાય નાગરિકો પર હુમલો કરાવ્યો હતો. અને ત્યાં ગંભીર વિવાદ સર્જાયો હતો. કૉંગ્રેસના લોકો જવાબ આપે કે શું તે અન્ય કોઈ દેશની વાય્સેના હતી. શું મિઝોરમનાં લોકો મારા દેશના નાગરિક ન હતાં? શું તેમની સુરક્ષા તે ભારત સરકારની જવાબદારી હતી કે નહીં? 5 માર્ચ, 1966- વાયુસેના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો, નિર્દોષ નાગરિકો પર હુમલો કરાવવામાં આવ્યો.

અને માનનીય અધ્યક્ષજી,

આજે પણ મિઝોરમમાં 5 માર્ચે આખું મિઝોરમ શોક મનાવે છે. મિઝોરમ એ દર્દ ભૂલી શકતું નથી. તેમણે ક્યારેય મલમ લગાડવાની કોશિશ કરી નહીં, ઘા રૂઝાવવાનો પ્રયાસ પણ કર્યો નહીં. આ માટે તેમને ક્યારેય દુ:ખ થયું નહીં. અને કૉંગ્રેસે આ સત્ય દેશની સામે છુપાવ્યું છે, મિત્રો. તેઓએ દેશથી આ સત્ય છુપાવ્યું છે. શું આપણા જ દેશમાં વાયુસેનાથી હુમલો કરાવવો, તે સમયે કોણ હતું - ઇન્દિરા ગાંધી. અકાલ તખ્ત પર હુમલો થયો હતો, તે હજુ પણ આપણી સ્મૃતિમાં છે, તેમને મિઝોરમમાં એના કરતા પહેલાં આ આદત પડી ગઈ હતી. અને તેથી જ તેઓ મારા દેશમાં અકાલ તખ્ત પર હુમલો કરવા સુધી પહોંચી ગયા, અને અહીં અમને ઉપદેશ આપી રહ્યા છે.

આદરણીય અધ્યક્ષજી,

તેઓએ ઉત્તર-પૂર્વમાં લોકોના વિશ્વાસની હત્યા કરી છે. એ ઘા એક યા બીજી સમસ્યાનાં રૂપમાં ઉભરી જ આવે છે, તેમનાં જ આ કારનામાં છે.

આદરણીય અધ્યક્ષજી,

હું બીજી એક ઘટના જણાવવા માગું છું અને તે ઘટના છે 1962નું તે ભયાનક રેડિયો પ્રસારણ જે હજુ પણ ઉત્તર પૂર્વના લોકોને શૂળની જેમ ભોંકાય છે. પંડિત નેહરુએ 1962માં કહ્યું હતું કે, જ્યારે ચીન દેશ પર હુમલો કરી રહ્યું હતું, ત્યારે દેશના દરેક ખૂણામાં લોકો પોતાની રક્ષા માટે ભારત પાસે અપેક્ષા રાખી બેઠા હતા, તેમને થોડી મદદ મળે, તેમનાં જાન-માલની રક્ષા થાય, દેશનો બચી જાય. લોકો પોતાના હાથ વડે લડાઇ લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા, આવી વિક્ટ ઘડીમાં દિલ્હીમાં શાસન પર બેસેલા અને એ સમયે એકમાત્ર જેઓ નેતા રહેતા હતા એ પંડિત નેહરુએ રેડિયો પર શું કહ્યું હતું, તેમણે કહ્યું હતું... My heart goes out to the people of Assam. આવી હાલત કરી મૂકી હતી તેમણે. એ પ્રસારણ આજે પણ આસામનાં લોકો માટે એક નસ્તરની જેન ચૂંભતું રહે છે. અને કઈ રીતે એ સમયે નહેરુજીએ તેમને તેમનાં ભાગ્ય પર છોડીને જીવવા માટે મજબૂર કરી દીધા હતા. તેઓ અમારી પાસે હિસાબ માગી રહ્યા છે.

આદરણીય અધ્યક્ષજી,

લોહિયાવાદીઓ અહીંથી ચાલ્યા ગયા. હું તેમને પણ કહેવા માગતો હતો, જેઓ પોતાની જાતને લોહિયાજીના વારસદાર ગણાવે છે અને જેઓ ગઈકાલે સદનમાં ખૂબ જ ઉછળી ઉછળીને બોલી રહ્યા હતા અને પોતાના હાથ લાંબા-પહોળા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. લોહિયાજીએ નહેરુજી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અને લોહિયાજીએ કહ્યું હતું અને એ આરોપ હતો કે નહેરુજી પૂર્વોત્તરનો વિકાસ નથી કરી રહ્યા, જાણી જોઈને નથી કરી રહ્યા. અને લોહિયાજીના શબ્દો હતા - તે કેટલી બેદરકારીભરી અને કેટલી ખતરનાક વાત છે - લોહિયાજીના શબ્દો - તે કેટલી બેદરકારીભરી અને કેટલી ખતરનાક વાત છે છે કે 30 હજાર ચોરસ માઇલથી વધુનો વિસ્તાર કૉલ્ડ સ્ટૉરેજમાં બંધ કરીને તેને દરેક પ્રકારના વિકાસથી વંચિત કરી દેવાયો છે. આ લોહિયાજીએ નેહરુ પર આરોપ લગાવ્યો હતો કે ઉત્તર-પૂર્વ તરફ તમારું વલણ શું છે, એ કહ્યું હતું. તમે ક્યારેય ઉત્તર-પૂર્વનાં લોકોનાં હૃદયને, તેમની લાગણીઓને સમજવાનો પ્રયાસ કર્યો નથી. મારી મંત્રી પરિષદના 400 મંત્રીઓ એકલાં રાજ્યનાં મુખ્યાલયમાં નહીં, પરંતુ જિલ્લા મુખ્યાલયમાં રાત વિતાવે છે. અને હું પોતે 50 વખત ગયો છું. આ માત્ર એક આંકડો નથી, આ એ સાધના છે. આ ઉત્તર-પૂર્વ તરફનું સમર્પણ છે.

આદરણીય,

અને કૉંગ્રેસનું દરેક કામ રાજકારણ અને ચૂંટણી અને સરકારની આસપાસ જ ફરતું રહે છે. જ્યાં વધુ સીટો મળતી હોય  રાજનીતિની ખીચડી રંધાતી હોય, ત્યાં તો  તેઓ મજબૂરીવશ કંઈકને કંઇક કરી લે છે, પરંતુ ઉત્તર-પૂર્વમાં, દેશ સાંભળી રહ્યો છે, ઉત્તર-પૂર્વમાં તેમની કોશીશ એ રહી કે જ્યાં એકલદોકલ  બેઠકો હતી, એ વિસ્તાર તેમને માટે સ્વીકાર્ય ન હતો. એ વિસ્તાર તેમને મંજૂર ન હતા, એની તરફ તેમનું ધ્યાન ન હતું. તેમને દેશના નાગરિકોનાં હિતોની કોઇ સંવેદના ન હતી.

આદરણીય અધ્યક્ષજી,  

અને તેથી જ્યાં થોડી બેઠકો હતી તેમની સાથે ઓરમાયું વર્તન, આ કૉંગ્રેસના ડીએનએમાં રહ્યું છે, છેલ્લાં ઘણા વર્ષોનો ઇતિહાસ જોઇ લો. ઉત્તર-પૂર્વમાં તેમનું આ વલણ હતું, પરંતુ હવે જુઓ, છેલ્લાં 9 વર્ષથી મારા પ્રયત્નોથી હું કહું છું કે અમારા માટે ઉત્તર-પૂર્વ અમારાં જિગરનો ટુકડો છે. આજે મણિપુરની સમસ્યાઓ એવી રીતે રજૂ કરવામાં આવી રહી છે કે જાણે વીતેલા અમુક સમયમાં જ ત્યાં આ પરિસ્થિતિ પેદા થઈ હોય. ગઈકાલે અમિતભાઈએ વિગતે સમજાવ્યું કે સમસ્યા શું છે અને કેવી રીતે થયું છે. પરંતુ આજે હું ખૂબ જ ગંભીરતાથી કહેવા માગું છું કે નોર્થ ઈસ્ટની આ સમસ્યાઓની જો કોઈ જનની છે તો એ જનની એકમાત્ર કૉંગ્રેસ જ છે. આ માટે ઉત્તર પૂર્વનાં લોકો જવાબદાર નથી, તેમની આ રાજનીતિ જવાબદાર છે.

આદરણીય અધ્યક્ષજી,


ભારતીય સંસ્કારોમાં ઓત-પ્રોત મણિપુર, ભાવભક્તિની સમૃદ્ધિની વિરાસતવાળું મણિપુર,  સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદ હિંદ ફોજ, અસંખ્ય બલિદાન આપનારું મણિપુર. કૉંગ્રેસનાં શાસનમાં આપણો આ મહાન ભૂભાગ અલગાવની આગમાં બલિ ચઢી ગયો હતો. આખરે શા માટે?

 

આદરણીય અધ્યક્ષજી,

મિત્રો, હું તમને બધાને એ પણ યાદ અપાવવા માગું છું કે અહીં ઉત્તર-પૂર્વના મારા ભાઈઓ છે તેઓ દરેક બાબતથી વાકેફ છે. જ્યારે મણિપુરમાં એક એવો સમય હતો જ્યારે દરેક વ્યવસ્થા ઉગ્રવાદી સંગઠનોની મરજી મુજબ ચાલતી હતી, તેઓ જે કહે તે જ થતું હતું અને તે સમયે મણિપુરમાં સરકાર કોની હતી? કૉંગ્રેસની, કોની સરકાર હતી – કૉંગ્રેસ. જ્યારે સરકારી કચેરીઓમાં મહાત્મા ગાંધીનો ફોટો નહીં લગાડવા દેવાતો હતો ત્યારે કોની સરકાર હતી? કૉંગ્રેસ. જ્યારે મોરંગમાં આઝાદ હિંદ ફૌજ મ્યુઝિયમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પર બૉમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે મણિપુરમાં કોની સરકાર હતી? કૉંગ્રેસ. ત્યારે મણિપુરમાં કોની સરકાર હતી? કૉંગ્રેસ.

આદરણીય અધ્યક્ષજી,

જ્યારે મણિપુરની શાળાઓમાં રાષ્ટ્રગીત નહીં થવા દેવાય, આ નિર્ણય કરવામાં આવતા હતા, ત્યારે મણિપુરમાં કોની સરકાર હતી? કૉંગ્રેસ. જ્યારે એક અભિયાન ચલાવાયું હતું, અભિયાન ચલાવીને લાયબ્રેરીમાં રખાયેલાં પુસ્તકોને સળગાવીને આ દેશના અમૂલ્ય જ્ઞાન વારસાને બાળતી વખતે કોની સરકાર હતી? કૉંગ્રેસ. મણિપુરમાં જ્યારે સાંજે 4 વાગે મંદિરની ઘંટડી બંધ થઈ જતી, તાળાં લાગી જતાં, પૂજા-અર્ચના કરવી ખૂબ જ મુશ્કેલ બની જતી હતી, સેનાએ પહેરો લગાવવો પડતો હતો, ત્યારે મણિપુરમાં કોની સરકાર હતી? કૉંગ્રેસ.

આદરણીય અધ્યક્ષજી,

જ્યારે ઇમ્ફાલમાં ઇસ્કોન મંદિર પર બૉમ્બ ફેંકીને શ્રદ્ધાળુઓના જીવ લેવામાં આવ્યા હતા ત્યારે મણિપુરમાં કોની સરકાર હતી? કૉંગ્રેસ. જ્યારે અધિકારીઓ, હાલત તો જુઓ, આઇએએસ, આઇપીએસ અધિકારીઓ, જો તેઓ ત્યાં કામ કરવા માગતા હોય, તો તેઓએ આ ઉગ્રવાદી લોકોને તેમના પગારનો એક ભાગ આપવો પડતો હતો. ત્યારે જ તેઓ ત્યાં રહી શકતા હતા, ત્યારે કોની સરકાર હતી? કૉંગ્રેસ.

આદરણીય અધ્યક્ષજી,

તેમની પીડા પસંદગીયુક્ત છે, તેમની સંવેદનશીલતા પસંદગીયુક્ત છે. તેમનું કાર્યક્ષેત્ર રાજકારણથી શરૂ થાય છે અને રાજનીતિથી આગળ વધે છે. તેઓ રાજનીતિનાં ક્ષેત્રની બહાર હતા, ન તો માનવતા માટે વિચારી શકે છે, ન દેશ માટે વિચારી શકે છે અને ન તો દેશની આ મુશ્કેલીઓ માટે વિચારી શકે છે. તેમને માત્ર રાજનીતિ સિવાય કશું સૂઝતું જ નથી.

આદરણીય અધ્યક્ષજી,

મણિપુરમાં જે સરકાર છે અને છેલ્લાં છ વર્ષથી સતત સમર્પિત ભાવના સાથે આ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે. બંધ અને નાકાબંધીનો જમાનો કોઈ ભૂલી શકે તેમ નથી. મણિપુરમાં બંધ અને નાકાબંધી કાયમની થઈ ગઈ હતી. આજે એ ભૂતકાળ બની ગઈ છે. શાંતિની સ્થાપના માટે સૌને સાથે લઈને ચાલવા માટે એક વિશ્વાસ ઊભો કરવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અને આપણે રાજકારણને જેટલું દૂર રાખીશું તેટલી નજીક શાંતિ આવશે. આ હું દેશવાસીઓને વિશ્વાસ આપવા માગું છું.

આદરણીય અધ્યક્ષજી,

આપણા માટે નોર્થ-ઈસ્ટ આજે ભલે આપણને દૂર લાગતું હોય, પરંતુ જે રીતે દક્ષિણ પૂર્વ એશિયાનો વિકાસ થઈ રહ્યો છે, જે રીતે આસિયાન દેશોનું મહત્ત્વ વધી રહ્યું છે, તે દિવસ દૂર નહીં હોય, આપણા પૂર્વની પ્રગતિની સાથે ઉત્તર પૂર્વ વૈશ્વિક દ્રષ્ટિએ સેન્ટર પોઇન્ટ બનવાનું છે. અને હું આ જોઈ રહ્યો છું, અને તેથી જ હું આજે મારી તમામ તાકાતથી ઉત્તર-પૂર્વની પ્રગતિ માટે કરી રહ્યો છું, વૉટ માટે નથી કરી રહ્યો જી. હું જાણું છું કે વિશ્વનું નવું માળખું કેવી રીતે વળાંક લે છે અને તે દક્ષિણ-પૂર્વ એશિયા અને આસિયાનના દેશો માટે કેવો પ્રભાવ કરનાર છે અને ઉત્તર-પૂર્વનું મહત્વ શું વધવાનું છે અને ઉત્તર-પૂર્વનું ગૌરવગાન કેવી રીતે ફરી શરૂ થવાનું છે, તે હું જોઈ શકું છું અને એટલે હું લાગેલો છું.

આદરણીય અધ્યક્ષજી,

અને તેથી જ અમારી સરકારે ઉત્તર-પૂર્વના વિકાસને પ્રથમ પ્રાથમિકતા આપી છે. છેલ્લાં નવ વર્ષમાં અમે નોર્થ-ઈસ્ટનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લાખો કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આજે આધુનિક હાઇવે, આધુનિક રેલવે, આધુનિક નવાં એરપોર્ટ નોર્થ-ઇસ્ટની ઓળખ બની રહ્યાં છે. આજે પહેલીવાર અગરતલા રેલ કનેક્ટિવિટીથી જોડાયેલું છે. ગુડ્સ ટ્રેન પહેલીવાર મણિપુર પહોંચી છે. પ્રથમ વખત વંદે ભારત જેવી આધુનિક ટ્રેન ઉત્તર-પૂર્વમાં દોડી રહી છે. અરુણાચલ પ્રદેશમાં પ્રથમ વખત ગ્રીન ફિલ્ડ એરપોર્ટ આવ્યું છે. પ્રથમ વખત અરુણાચલમાં સિક્કિમ જેવાં રાજ્યો એર કનેક્ટિવિટી સાથે જોડાયાં છે. પ્રથમ વખત ઉત્તર પૂર્વ જળમાર્ગ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રવેશદ્વાર બન્યું છે. નોર્થ-ઈસ્ટમાં પહેલીવાર એઈમ્સ જેવી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ ખુલી છે. મણિપુરમાં પ્રથમ વખત દેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખુલી રહી છે. મિઝોરમમાં પહેલીવાર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન જેવી સંસ્થાઓ ખુલી રહી છે. પહેલીવાર કેન્દ્રીય મંત્રીમંડળમાં ઉત્તર-પૂર્વની ભાગીદારી આટલી વધી છે. પ્રથમ વખત નાગાલેન્ડની એક મહિલા સાંસદ રાજ્યસભામાં પહોંચ્યાં છે. પ્રથમ વખત ઉત્તર-પૂર્વના આટલી મોટી સંખ્યામાં લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત ઉત્તર પૂર્વના લચિત બોરફૂકન જેવા નાયકની ઝાંખીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મણિપુરમાં પહેલીવાર નોર્થ ઈસ્ટની રાની ગાઇદિન્લ્યૂનાં નામે પહેલું ટ્રાઈબલ ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમ બન્યું છે.

આદરણીય અધ્યક્ષજી,

જ્યારે અમે સબકા સાથ, સબકા વિકાસ કહીએ છીએ, ત્યારે તે અમારા માટે નારો નથી, તે અમારા માટે શબ્દો નથી. તે અમારા માટે વિશ્વાસનો લેખ છે. અમારા માટે પ્રતિબદ્ધતા છે અને અમે એવા દેશ માટે નીકળેલા લોકો છીએ. અમે તો કદી જીવનમાં વિચાર્યું જ ન હતું કે કોઈ દિવસ આવી જગ્યાએ આવીને બેસવાનું સૌભાગ્ય મળશે. પરંતુ આ દેશની જનતાની કૃપા છે કે તેઓએ અમને તક આપી છે, તેથી હું દેશની જનતાને વિશ્વાસ અપાવું છું –

શરીરનું કણ-કણ,

સમયની ક્ષણ-ક્ષણ માત્ર અને માત્ર દેશવાસીઓ માટે છે,

આદરણીય અધ્યક્ષજી,

આજે હું એક વાત માટે મારા વિપક્ષી સાથીઓનાં વખાણ કરવા માગું છું. કેમ કે આમ તો તેઓ ગૃહના નેતાને નેતા માનવા માટે તૈયાર નથી. તેઓએ મારું કોઈ ભાષણ થવા દીધું નથી, પરંતુ મારી પાસે ધીરજ પણ છે, સહનશક્તિ પણ છે અને હું સહન કરી પણ લઉં છું અને તેઓ થાકી પણ જાય છે. પરંતુ હું એક વાતની પ્રશંસા કરું છું, ગૃહના નેતા તરીકે મેં તેમને 2018માં કામ સોંપ્યું હતું કે 2023માં તમે અવિશ્વાસ પત્ર લઈને આવજો અને તેમણે મારી વાત માની. પણ મને એ વાતનું દુઃખ છે કે 18 પછી મને 23માં પાંચ વર્ષ મળ્યાં, થોડું સારું કરતે, સારી રીતે કરતે પણ તૈયારી બિલકુલ જ નહોતી. કોઈ નવીનતા નહોતી, કોઈ સર્જનાત્મકતા નહોતી. ન મુદ્દા શોધી શકતા હતા, ખબર નહીં આ દેશને તેમણે બહુ નિરાશ કર્યો છે અધ્યક્ષજી, ચાલો કોઇ વાંધો નહીં, 2028માં અમે ફરીથી તક આપીશું. પરંતુ આ વખતે હું તેમને વિનંતી કરું છું કે જ્યારે તમે 2028માં અમારી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવો ત્યારે થોડી તૈયારી સાથે આવો. કંઇક મુદ્દા શોધીને આવો, આમ શું આવી ઘસાયેલી-પિટાયેલી વાતો લઈને ફર્યા કરો છો અને દેશની જનતાનો થોડો વિશ્વાસ એટલો મળી જાય કે ચાલો આપ વિપક્ષને પણ યોગ્ય છો. એટલું તો કરો. તમે એ યોગ્યતા પણ ગુમાવી દીધી છે. હું આશા રાખું છું કે તેઓ થોડું હોમવર્ક કરશે. તું-તું, મૈં-મૈં, શોરબકોર, બરાડા પાડવા અને નારેબાજી માટે તો દસ લોકો મળી જશે પણ થોડું દિમાગવાળું કામ પણ કરોને.

આદરણીય અધ્યક્ષજી,

રાજનીતિ પોતાની જગ્યાએ છે, સંસદ એ પાર્ટી માટે પ્લેટફોર્મ નથી. સંસદ દેશ માટે સર્વોચ્ચ સન્માનનીય સંસ્થા છે. અને તેથી જ સાંસદોએ પણ આ અંગે ગંભીર બનવાની જરૂર છે. દેશ ઘણા સંસાધનો લગાવી રહ્યું છે. દેશના ગરીબોના હક્કનો અહીં ખર્ચ થાય છે. અહીંની પળેપળનો ઉપયોગ દેશ માટે થવો જોઈએ. પરંતુ આ ગંભીરતા વિપક્ષમાં દેખાતી નથી. તેથી જ અધ્યક્ષજી, આ રાજનીતિ આવી રીતે તો ન થઈ શકે. ચાલો ખાલી છીએ તો જરા સંસદ ફરી આવીએ, આ માટે સંસદ છે શું? આ કોઇ રીત છે કે?

આદરણીય અધ્યક્ષજી,

આ ચાલો સંસદ ફરી આવીએ, એ ભાવનાથી રાજનીતિ તો ચાલી શકે છે, દેશ નહીં ચાલી શકે. અહીં દેશ ચલાવવા માટે આપણને કામ આપવામાં આવ્યું છે અને એટલે એને જો જવાબદારી સાથે પૂરું ન કરીએ તો તે જનતા-જનાર્દન પોતાના મતદારોનો વિશ્વાસઘાત કરે છે અને તેમણે વિશ્વાસઘાત કર્યો છે.

આદરણીય અધ્યક્ષજી,

મને આ દેશની જનતા પર અતૂટ વિશ્વાસ છે, અપાર વિશ્વાસ છે અને અધ્યક્ષજી, હું વિશ્વાસ સાથે કહું છું, આપણા દેશના લોકો એક રીતે અતૂટ વિશ્વાસી લોકો છે. હજાર વર્ષની ગુલામીના કાળખંડમાં પણ તેણે ક્યારેય પોતાના આંતરિક વિશ્વાસને ડગમગવા ન દીધો. તે અખંડ વિશ્વાસી સમાજ છે, અખંડ ચેતનાથી ભરેલો સમાજ છે. આ એક એવો સમાજ છે જે સંકલ્પ માટે સમર્પણની પરંપરાને અનુસરે છે. વયમ્‌ રાષ્ટ્રાંગ ભૂતા કહીને, દેશ માટે એટલી જ સંવેદનશીલતા સાથે કામ કરનારો આ સમાજ છે.

અને એટલા માટે માનનીય અધ્યક્ષજી,

એ વાત સાચી છે કે ગુલામીના સમયગાળામાં આપણા પર ઘણા હુમલા થયા, આપણે ઘણું બધું વેઠવું પડ્યું, પરંતુ આપણા દેશના વીરો, આપણા દેશના મહાપુરુષોએ, આપણા દેશના વિચારકોએ, આપણા દેશના સામાન્ય નાગરિકોએ ક્યારેય વિશ્વાસની એ જ્યોતને બુઝવા દીધી નહીં. એ જ્યોત ક્યારેય ઓલવાઈ ન હતી અને જ્યારે જ્યોત કદી ઓલવાઇ નહીં ત્યારે પ્રકાશ પુંજના પડછાયામાં આપણે એ આનંદને લઈ રહ્યા છીએ.

આદરણીય અધ્યક્ષજી,

છેલ્લાં નવ વર્ષમાં દેશના સામાન્ય માણસનો વિશ્વાસ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે, નવી આકાંક્ષાઓને સ્પર્શી રહ્યો છે. મારા દેશના યુવાનો વિશ્વની બરાબરી કરવાનાં સપના જોવાં લાગ્યા છે. અને આનાથી મોટું સદ્‌ભાગ્ય શું હોઈ શકે. દરેક ભારતીય વિશ્વાસથી ભરેલો છે.

આદરણીય અધ્યક્ષજી,

આજનું ભારત ન તો દબાણમાં આવે છે કે ન તો દબાણ માને છે. આજનું ભારત નથી નમતું, આજનું ભારત નથી થાકતું, આજનું ભારત નથી અટકતું. સમૃદ્ધ વારસા વિશ્વાસ લઈને, સંકલ્પ લઈને ચાલો અને આ જ કારણ છે કે જ્યારે દેશનો સામાન્ય માણસ દેશ પર વિશ્વાસ કરવા લાગે છે, ત્યારે તે દુનિયાને પણ હિંદુસ્તાન પર વિશ્વાસ કરવા માટે પ્રેરિત કરે છે. આજે કેમ કે વિશ્વનો ભારત પર વિશ્વાસ વધ્યો છે, તેનું એક કારણ એ છે કે ભારતના લોકોનો પોતાના પર વિશ્વાસ વધ્યો છે. આ સામર્થ્ય છે, કૃપા કરીને આ વિશ્વાસને તોડવાની કોશીશ ન કરો. તક આવી છે દેશને આગળ લઈ જવાની, ના સમજી શકો તો ચૂપ રહો. રાહ જુઓ, પરંતુ દેશના વિશ્વાસને વિશ્વાસઘાત કરીને તોડવાની કોશીશ ન કરો.

આદરણીય અધ્યક્ષજી,

વીતેલાં વર્ષોમાં, અમે વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવામાં સફળ રહ્યા છીએ અને સપનું લીધું છે  2047 જ્યારે દેશ આઝાદીનાં 100 વર્ષ ઉજવશે, આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થતાં જ અમૃતકાલ શરૂ થયો છે. અને તે અમૃતકાલના શરૂઆતનાં વર્ષોમાં છે, ત્યારે હું આ વિશ્વાસ સાથે કહું છું કે આજે જે પાયો મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યો છે, તે જ પાયાની તાકાત છે કે 2047માં હિંદુસ્તાન વિકસિત હિંદુસ્તાન હશે, ભારત વિકસિત ભારત હશે, સાથીઓ. અને દેશવાસીઓની મહેનતથી થશે, દેશવાસીઓના વિશ્વાસથી થશે, દેશવાસીઓના સંકલ્પથી થશે, દેશવાસીઓની સામૂહિક શક્તિથી થશે, દેશવાસીઓના અખંડ પુરુષાર્થથી આ થવાનું છે એ મારો વિશ્વાસ છે.

આદરણીય અધ્યક્ષજી,

બની શકે કે અહીં જે બોલવામાં આવે છે તે રેકોર્ડ માટે તો શબ્દો ચાલ્યા જશે, પરંતુ ઈતિહાસ આપણાં કર્મોને જોવાનો છે, જે કર્મોથી એક સમૃદ્ધ ભારતનાં સ્વપ્નને સાકાર કરવા માટે એક મજબૂત પાયાનો કાળખંડ રહ્યો છે, એ રૂપમાં જોવામાં આવશે. આ વિશ્વાસ સાથે, આદરણીય અધ્યક્ષજી, આજે હું ગૃહની સમક્ષ કેટલીક બાબતો સ્પષ્ટતાપૂર્વક કરવા માટે આવ્યો હતો અને મેં મન પર ખૂબ જ સંયમ રાખીને, તેમના દરેક અપશબ્દ પર હસીને, પોતાનું મન બગાડ્યા વિના, 140 કરોડ દેશવાસીઓને તેમનાં સપના અને સંકલ્પોને પોતાની નજર સમક્ષ રાખીને હું ચાલી રહ્યો છું, મારાં મનમાં આ જ છે. અને હું ગૃહના સાથીઓને વિનંતી કરીશ, તમે સમયને ઓળખો, સાથે મળીને ચાલો. આ દેશમાં મણિપુરથી ગંભીર સમસ્યા આ પહેલા પણ આવી છે, પરંતુ આપણે સાથે મળીને રસ્તાઓ શોધી કાઢ્યા છે, ચાલો સાથે જઈએ, મણિપુરના લોકોને વિશ્વાસ આપીને આગળ વધીએ, રાજનીતિનો ખેલ કરવા માટે મણિપુરની ભૂમિકાનો કમ સે કમ દુરુપયોગ તો ન કરીએ. ત્યાં જે બન્યું તે દુઃખદ છે. પણ એ દર્દને સમજીને દર્દની દવા બનીને કામ કરીએ, એ જ આપણો માર્ગ હોવો જોઇએ.

આદરણીય અધ્યક્ષજી,

આ ચર્ચામાં ઘણી સમૃદ્ધ ચર્ચા આ તરફ તો થઈ છે. એક-એક, દોઢ-દોઢ કલાક સરકારની કામગીરીનો વિગતવાર હિસાબ આપવાનો અવસર અમને મળ્યો છે. અને જો આ પ્રસ્તાવ ન આવ્યો હોત તો કદાચ અમને પણ આટલું બધું કહેવાનો મોકો ન મળ્યો હોત, તેથી ફરી એકવાર હું આ પ્રસ્તાવ લાવનારાઓનો આભાર વ્યક્ત કરું છું, પરંતુ આ પ્રસ્તાવ દેશના વિશ્વાસઘાતનો પ્રસ્તાવ છે, તેને દેશની જનતા સ્વીકાર કરે એવો પ્રસ્તાવ છે અને આ સાથે હું ફરી એકવાર આદરણીય અધ્યક્ષજી આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા મારી વાણીને વિરામ આપું છું, ખૂબ ખૂબ આભાર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi