મહામહિમ,
રોયલ હાઇનેસ,
શાહી પરિવારના સમ્માનિત સભ્યો,
મહાનુભાવો
દેવીઓ અને સજ્જનો,
ઉષ્માભર્યું સ્વાગત અને આતિથ્ય માટે હું મહામહિમ અને સમગ્ર રાજવી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારતીય પ્રધાનમંત્રીની બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. પરંતુ મને મળેલી આત્મીયતાના કારણે હું દરેક ક્ષણે અમારા બંને દેશો વચ્ચેના વર્ષો જૂના સંબંધો અનુભવું છું.
મહામહિમ,
આ વર્ષે બ્રુનેઈની આઝાદીની 40મી વર્ષગાંઠ છે. તમારા નેતૃત્વ હેઠળ, બ્રુનેઈએ પરંપરા અને સાતત્યના નોંધપાત્ર સંગમ સાથે પ્રગતિ કરી છે. બ્રુનેઈ માટે તમારું “વાવાસન 2035” વિઝન પ્રશંસનિય છે. 140 કરોડ ભારતીયો વતી, હું તમને અને બ્રુનેઈના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
મિત્રો,
ભારત અને બ્રુનેઈ વચ્ચે ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે. આ વર્ષે અમે અમારા રાજદ્વારી સંબંધોની ચાલીસમી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ, આ પ્રસંગે અમે અમારા સંબંધોને ઉન્નત ભાગીદારીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.
અમારી ભાગીદારીને વ્યૂહાત્મક દિશા આપવા માટે અમે તમામ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. અમે આર્થિક, વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અમારા સહયોગને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે કૃષિ ઉદ્યોગ, ફાર્મા અને આરોગ્ય તેમજ ફિનટેક અને સાયબર સુરક્ષામાં પરસ્પર સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે.
ઉર્જા ક્ષેત્રમાં, અમે એલએનજીમાં લાંબા ગાળાના સહકારની સંભાવનાઓ પર ચર્ચા કરી. સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર વધારવા માટે અમે સંરક્ષણ ઉદ્યોગ, તાલીમ અને ક્ષમતા નિર્માણની સંભાવનાઓ પર સકારાત્મક વિચાર કર્યો.
અંતરિક્ષ ક્ષેત્રે અમારો સહયોગ મજબૂત કરવા માટે અમે સેટેલાઇટ ડેવલપમેન્ટ, રિમોટ સેન્સિંગ અને પ્રશિક્ષણ પર સહમત થયા છીએ, બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી માટે ટૂંક સમયમાં જ ડાયરેક્ટ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે.
મિત્રો,
અમારા લોકોથી લોકોના સંબંધો અમારી ભાગીદારીનો પાયો છે. મને આનંદ છે કે ભારતીય સમુદાય બ્રુનેઈની અર્થવ્યવસ્થા અને સમાજમાં સકારાત્મક યોગદાન આપી રહ્યો છે. ગઈકાલે ભારતીય દૂતાવાસના ઉદ્ઘાટન સાથે ભારતીય સમુદાયને એક કાયમી સરનામું મળી ગયું છે.
ભારતીય સમુદાયના કલ્યાણ અને હિતોનું ધ્યાન રાખવા માટે અમે મહામહિમ અને તેમની સરકારના આભારી છીએ. મિત્રો, બ્રુનેઈ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે.
ભારતે હંમેશા આસિયાન કેન્દ્રીયતાને પ્રાથમિકતા આપી છે અને આગળ પણ આપતું રહેશે. અમે UNCLOS જેવા આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ નેવિગેશન અને ઓવર-ફ્લાઇટ્સની સ્વતંત્રતાને સમર્થન આપીએ છીએ. અમે સંમત છીએ કે આ ક્ષેત્રમાં આચારસંહિતા પર સંમતિ હોવી જોઈએ. અમે વિસ્તરણવાદની નહીં પરંતુ વિકાસની નીતિને સમર્થન આપીએ છીએ.
મહામહિમ,
ભારત સાથેના સંબંધો પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા માટે આભારી છીએ. આજે આપણા ઐતિહાસિક સંબંધોમાં એક નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. ફરી એકવાર, મને આપવામાં આવેલા સન્માન માટે હું તમારો ખૂબ ખૂબ આભારી છું. હું તમને, રાજવી પરિવારના તમામ સભ્યો અને બ્રુનેઈના લોકોને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવું છું.
તમારો ખૂબ ખૂબ આભાર.