


નમસ્કારજી.
ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રી ગુરમીત સિંહ, ઉત્તરાખંડના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉત્તરાખંડ સરકારના મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, મેયર, જિલ્લા પરિષદના સભ્યો, અન્ય મહાનુભાવો, અને ઉત્તરાખંડના મારાં પ્રિય ભાઈઓ અને બહેનો, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે ઉત્તરાખંડના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન.
દિલ્હી અને દેહરાદૂન વચ્ચે ચાલતી આ ટ્રેન દેશની રાજધાનીને દેવભૂમિ સાથે ઝડપી ગતિએ જોડશે. હવે દિલ્હી-દહેરાદૂન વચ્ચે વંદે ભારત ટ્રેનથી મુસાફરીનો સમય પણ ઘણો ઓછો થઈ જશે. આ ટ્રેનની સ્પીડ તો તેની જગ્યાએ છે જ, સુવિધાઓ પણ પ્રવાસને આનંદદાયક બનાવનાર છે.
સાથીઓ,
હું હજી થોડા કલાકો પહેલા જ ત્રણ દેશોના પ્રવાસેથી પાછો ફર્યો છું. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ મોટી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. આપણે ભારતીયોએ જે રીતે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે, જે રીતે આપણે ગરીબી સામે લડી રહ્યા છીએ, તેનાથી સમગ્ર વિશ્વનો વિશ્વાસ જાગ્યો છે. જે કોરોના સામે લડવામાં મોટા મોટા દેશો પરાસ્ત થઈ ગયા, એ જ કોરોનાને આપણે ભારતીયોએ એક થઈને કડકાઇથી ટક્કર આપી. આપણે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવ્યું. આજે સમગ્ર વિશ્વમાં ભારત વિશે ચર્ચા છે, વિશ્વના લોકો ભારતને જોવા અને સમજવા ભારત આવવા માગે છે. આવી સ્થિતિમાં, ઉત્તરાખંડ જેવાં સુંદર રાજ્યો માટે, આ એક મહાન તક છે. આ વંદે ભારત ટ્રેન પણ ઉત્તરાખંડને આ તકનો પૂરો લાભ ઉઠાવવામાં મદદ કરશે.
સાથીઓ,
ઉત્તરાખંડ દેવભૂમિ છે. મને યાદ છે, જ્યારે હું બાબા કેદારનાં દર્શન કરવા ગયો હતો, ત્યારે દર્શન કર્યા પછી મારા મોંમાંથી અનાયાસે કેટલીક પંક્તિઓ નીકળી હતી. આ પંક્તિઓ બાબા કેદારના આશીર્વાદના રૂપમાં હતી અને હું એમ જ બોલી ઉઠ્યો હતો કે આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે. ઉત્તરાખંડ જે રીતે કાયદો અને વ્યવસ્થાને સર્વોપરી રાખીને વિકાસનાં અભિયાનને આગળ ધપાવી રહ્યું છે તે પ્રશંસનીય છે. આ દેવભૂમિની ઓળખ સાચવવી પણ જરૂરી છે. અને હું માનું છું કે દેવોની આ ભૂમિ આવનારા સમયમાં સમગ્ર વિશ્વની આધ્યાત્મિક ચેતના માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આપણે ઉત્તરાખંડનો પણ આ ક્ષમતા અનુસાર વિકાસ કરવો પડશે.
જો આપણે હવે જોઈએ તો દર વર્ષે ચારધામની યાત્રાએ આવતા યાત્રિકોની સંખ્યા તમામ જૂના રેકોર્ડ તોડે છે, નવા રેકોર્ડ બનાવે છે. અત્યારે આપણે બધા જોઈ રહ્યા છીએ કે બાબા કેદારનાં દર્શન કરવા માટે કેટલા ભક્તો ઉમટી રહ્યા છે. હરિદ્વારમાં આયોજિત કુંભ અને અર્ધ કુંભમાં વિશ્વભરમાંથી કરોડો ભક્તો આવે છે. દર વર્ષે યોજાતી કંવર યાત્રામાં લાખો લોકો ઉત્તરાખંડ પહોંચે છે. દેશમાં બહુ ઓછાં રાજ્યો છે જ્યાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભક્તોની આ સંખ્યા પણ એક ભેટ છે અને આટલી મોટી સંખ્યાને સંભાળવી એ પણ એક કપરું કાર્ય છે. આ ભગીરથ કાર્યને સરળ બનાવવા માટે, ડબલ એન્જિન સરકાર ડબલ શક્તિ અને ડબલ ગતિ સાથે કામ કરી રહી છે. ભાજપ સરકારનું સંપૂર્ણ જોર વિકાસનાં નવરત્નો પર છે. પ્રથમ રત્ન - કેદારનાથ-બદ્રીનાથ ધામમાં રૂ. 1300 કરોડ સાથે પુનઃનિર્માણ કાર્ય, બીજું રત્ન – ગૌરીકુંડ-કેદારનાથ અને ગોવિંદઘાટ-હેમકુંટ સાહિબ રોપવેનું કામ રૂ. 2.5 હજાર કરોડના ખર્ચે, ત્રીજું રત્ન – કુમાઉનાં પૌરાણિક મંદિરોને સુંદર બનાવવા માટે માનસખંડ મંદિર માલા મિશનનું કામ, ચોથું રત્ન – સમગ્ર રાજ્યમાં હોમ સ્ટેને પ્રોત્સાહન. મને કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 4000થી વધુ હોમ સ્ટેની નોંધણી કરવામાં આવી છે. પાંચમું રત્ન- 16 પર્યાવરણ-પર્યટન સ્થળોનો વિકાસ, છઠ્ઠું રત્ન- ઉત્તરાખંડમાં આરોગ્ય સેવાઓનું વિસ્તરણ. ઉધમસિંહ નગરમાં AIIMSનું સેટેલાઇટ સેન્ટર પણ બનાવવામાં આવી રહ્યું છે. સાતમું રત્ન- આશરે રૂ. 2000 કરોડના ખર્ચે ટિહરી લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. આઠમું રત્ન – ઋષિકેશ-હરિદ્વારનો સાહસિક પર્યટન અને યોગની રાજધાની તરીકે વિકાસ અને નવમું રત્ન – ટનકપુર-બાગેશ્વર રેલ લાઈન. આ રેલવે લાઇનનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે. અને તમે એક કહેવત સાંભળી હશે – સોને પે સુહાગા. તેથી જ ધામીજીની સરકારે આ નવરત્નોની માળા પરોવવા માટે અહીં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પણ નવી ઉર્જા આપી છે. 12 હજાર કરોડના ખર્ચે ચારધામ મેગા પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વે પૂરો થવાથી દેહરાદૂન-દિલ્હી વચ્ચેની મુસાફરી સરળ બની જશે. ઉત્તરાખંડમાં રોડ કનેક્ટિવિટી સાથે રોપ-વે કનેક્ટિવિટી પર પણ મોટા પાયે કામ થઈ રહ્યું છે. પર્વતમાલા યોજના આગામી દિવસોમાં ઉત્તરાખંડનું ભાગ્ય બદલવા જઈ રહી છે. આ માટે ઉત્તરાખંડના લોકો જે કનેક્ટિવિટી માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, અમારી સરકાર તે રાહને પણ ખતમ કરી રહી છે.
ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ બે-ત્રણ વર્ષમાં પૂર્ણ થશે. આ યોજના પાછળ 16 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ઋષિકેશ કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉત્તરાખંડનો મોટો વિસ્તાર રાજ્યના લોકો અને પ્રવાસીઓ માટે સુલભ બની જશે. જેનાં કારણે અહીં રોકાણ, ઉદ્યોગોના વિકાસ અને રોજગારની નવી તકો ઉભી થશે. અને દેવભૂમિ પર વિકાસનાં આ મહા અભિયાનની વચ્ચે હવે આ વંદે ભારત ટ્રેન પણ ઉત્તરાખંડના લોકો માટે એક ભવ્ય ભેટ સાબિત થશે.
સાથીઓ,
આજે, રાજ્ય સરકારના પ્રયાસોથી, ઉત્તરાખંડ પ્રવાસન હબ, એડવેન્ચર ટૂરિઝમ હબ, ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન, વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. આજે ઉત્તરાખંડનાં નવાં સ્થળો અને નવાં પ્રવાસન કેન્દ્રો ભારત અને વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. આ બધાને વંદે ભારત ટ્રેનથી ઘણી મદદ મળશે. હવે વંદે ભારત ટ્રેન દેશના ખૂણે ખૂણે દોડવા લાગી છે. જ્યારે પરિવાર સાથે લાંબા અંતરની મુસાફરી કરવી હોય ત્યારે ટ્રેન લોકોની પ્રથમ પસંદગી હોય છે. આવી સ્થિતિમાં વંદે ભારત હવે ભારતના સામાન્ય પરિવારોની પહેલી પસંદ બની રહી છે.
ભાઇઓ અને બહેનો,
21મી સદીનું ભારત તેનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ કરીને વધુ ઝડપથી વિકસિત બની શકે છે. અગાઉ જે પક્ષો લાંબા સમય સુધી સત્તામાં હતા તેઓ ક્યારેય દેશની આ જરૂરિયાતને સમજી શક્યા નથી. તે પક્ષોનું ધ્યાન કૌભાંડો પર હતું, ભ્રષ્ટાચાર પર હતું. તેઓ પરિવારવાદમાં જ રત હતા. કુટુંબવાદમાંથી બહાર નીકળવું એ તેમની તાકાતની વાત જ નહોતી. અગાઉની સરકારોએ પણ ભારતમાં હાઈ સ્પીડ ટ્રેનોને લઈને ઊંચા દાવા કર્યા હતા. આ દાવાઓમાં ઘણાં વર્ષો વીતી ગયા. હાઇ સ્પીડ રેલને બાજુ પર રાખો, રેલ નેટવર્કમાંથી માનવરહિત ફાટક પણ દૂર કરી શક્યા ન હતા. રેલવે વિદ્યુતીકરણની સ્થિતિ વધુ ગંભીર હતી. 2014 સુધીમાં, દેશનાં રેલ નેટવર્કના માત્ર એક તૃતીયાંશ ભાગનું જ વીજળીકરણ થયું હતું. જ્યારે આ સ્થિતિ હતી, ત્યારે ઝડપી ટ્રેન ચલાવવાનું વિચારવું પણ અશક્ય હતું. વર્ષ 2014 પછી, અમે રેલવેની કાયાપલટ કરવા માટે સર્વાંગી કાર્ય શરૂ કર્યું. એક તરફ, અમે દેશની પ્રથમ હાઇ સ્પીડ ટ્રેનનાં સપનાને અમલમાં મૂકવાનું શરૂ કર્યું. બીજી તરફ, સેમી-હાઈ સ્પીડ ટ્રેનો માટે સમગ્ર દેશને તૈયાર કરવાનું શરૂ કર્યું. જ્યાં 2014 પહેલા દર વર્ષે સરેરાશ 600 કિમી રેલ લાઈનોનું વીજળીકરણ થતું હતું. ત્યારે આજે, દર વર્ષે 6 હજાર કિલોમીટરની રેલવે લાઇનનું વીજળીકરણ કરવામાં આવે છે. ક્યાં 600 અને ક્યાં 6000, તેથી આજે દેશનાં 90 ટકાથી વધુ રેલવે નેટવર્કનું વીજળીકરણ થઈ ગયું છે. ઉત્તરાખંડમાં તો સમગ્ર રેલ નેટવર્કનું સોએ સો ટકા વિદ્યુતીકરણ હાંસલ કરવામાં આવ્યું છે.
ભાઇઓ અને બહેનો,
આ કામ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આજે ખરા વિકાસ માટે ઈરાદો પણ છે, નીતિ પણ છે અને નિષ્ઠા પણ છે. 2014ની સરખામણીમાં રેલવે બજેટમાં થયેલા વધારાનો સીધો ફાયદો ઉત્તરાખંડને પણ થયો છે. 2014 પહેલાનાં 5 વર્ષમાં ઉત્તરાખંડ માટે સરેરાશ 200 કરોડ રૂપિયાથી પણ ઓછું બજેટ મળતું હતું. અને હમણાં જ અશ્વિનીજીએ તેના વિશે વિગતવાર જણાવ્યું પણ. 200 કરોડ રૂપિયાથી ઓછા, આટલો દૂરનો પહાડી વિસ્તાર, રેલવેનો અભાવ અને બજેટ કેટલું, 200 કરોડથી પણ ઓછું. આ વર્ષે ઉત્તરાખંડનું રેલ બજેટ 5 હજાર કરોડ રૂપિયા છે. એટલે કે 25 ગણો વધારો. આ જ કારણ છે કે આજે રેલવે ઉત્તરાખંડના નવા વિસ્તારોમાં વિસ્તરી રહી છે. ઉત્તરાખંડમાં માત્ર રેલવે જ નહીં, આધુનિક હાઈવે પણ અભૂતપૂર્વ રીતે વિસ્તરી રહ્યા છે. ઉત્તરાખંડ જેવાં પર્વતીય રાજ્ય માટે આ કનેક્ટિવિટી કેટલી મહત્વપૂર્ણ છે એ અમે સમજીએ છીએ. અમે આવનારી પેઢીને તે પીડામાંથી બચાવવા માગીએ છીએ. ઉત્તરાખંડમાં જ પ્રવાસન, કૃષિ અને ઉદ્યોગો દ્વારા રોજગારની તકો ઉભી થાય એ માટે આજે અમે આટલી મહેનત કરી રહ્યા છીએ. આપણી સરહદો સુધી પહોંચવું સરળ બને, રાષ્ટ્રની રક્ષામાં લાગેલા આપણા સૈનિકોને અસુવિધાનો સામનો કરવો ન પડે, આ આધુનિક કનેક્ટિવિટી આમાં પણ ખૂબ ઉપયોગી થશે.
ભાઇઓ અને બહેનો,
અમારી ડબલ એન્જિન સરકાર ઉત્તરાખંડના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ઉત્તરાખંડનો ઝડપી વિકાસ ભારતના ઝડપી વિકાસમાં પણ મદદ કરશે. અને દેશ હવે અટકવાનો નથી, દેશે હવે તેની ગતિ પકડી લીધી છે. આખો દેશ વંદે ભારતની ઝડપે આગળ વધી રહ્યો છે અને આગળ વધતો રહેશે. ઉત્તરાખંડની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ દિવસોમાં તો દેશભરમાંથી લોકો બાબા કેદાર, બદ્રી વિશાલ, યમુનોત્રી, ગંગોત્રીનાં ચરણોમાં ખૂબ જ ઝડપથી આવી રહ્યા છે. તે જ સમયે વંદે ભારત એક્સપ્રેસનું આગમન, તે તેમના માટે પણ ખૂબ જ સુખદ અનુભવ હશે. હું ફરી એકવાર બાબા કેદારનાં ચરણોમાં નમન કરું છું અને દેવભૂમિને નમન કરું છું, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આભાર!