આસામના રાજ્યપાલ ગુલાબ ચંદ જી કટારિયા, મુખ્યમંત્રી શ્રી હેમંત બિસ્વા સરમાજી, મારા સાથી કેન્દ્રીય કાયદા મંત્રી શ્રીમાન કિરન રિજિજુજી, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુજી, સુપ્રીમ કૉર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ઋષિકેશ રોયજી, ગુવાહાટી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સંદીપ મહેતાજી, અન્ય આદરણીય ન્યાયાધીશો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!
આજે ગુવાહાટી હાઈકૉર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં સામેલ થવાનો અને તમારી વચ્ચે રહીને આ યાદગાર ક્ષણનો ભાગ બનવાનો મને આનંદ છે. ગુવાહાટી હાઈકૉર્ટની 75 વર્ષની આ યાત્રા એવા સમયે પૂર્ણ થઈ છે જ્યારે દેશે પણ પોતાની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. આપણા માટે આ અત્યાર સુધીના અનુભવોને સંગ્રહિત કરવાનો પણ સમય છે અને તે નવાં લક્ષ્યો અને જરૂરી ફેરફારો માટે જવાબદારીનો એક મહત્વપૂર્ણ તબક્કો પણ છે. ખાસ કરીને, ગુવાહાટી હાઈકૉર્ટનો પોતાનો એક અલગ વારસો રહ્યો છે, તેની પોતાની એક ઓળખ રહી છે. એક એવી હાઈકૉર્ટ છે, જેનું કાર્યક્ષેત્ર સૌથી મોટું છે. આસામની સાથે સાથે તમે અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ એટલે કે વધુ 3 રાજ્યોની સેવાની જવાબદારી પણ નિભાવો છો. 2013 સુધી તો ઉત્તર પૂર્વનાં 7 રાજ્યો ગુવાહાટી હાઈકૉર્ટનાં અધિકારક્ષેત્રમાં આવતાં હતાં. તેથી, ગુવાહાટી હાઈકૉર્ટની 75 વર્ષની આ યાત્રામાં સમગ્ર પૂર્વોત્તરનો ભૂતકાળ જોડાયેલો છે, લોકતાંત્રિક વારસો જોડાયેલો છે. આ અવસર પર, હું આસામ અને પૂર્વોત્તરના તમામ લોકોને અને ખાસ કરીને અહીંના અનુભવી કાયદાકીય સમુદાયને મારી શુભકામનાઓ પાઠવું છું.
સાથીઓ,
આજે એક સુખદ સંયોગ એ પણ છે કે આજે જ અને જેમ બધાએ તેનો ઉલ્લેખ પણ કર્યો છે તેમ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પણ છે. આપણાં બંધારણનાં ઘડતરમાં બાબા સાહેબની મુખ્ય ભૂમિકા રહી છે. બંધારણમાં સમાવિષ્ટ સમાનતા અને સમરસતાનાં મૂલ્યો જ આધુનિક ભારતનો પાયો છે. હું આ શુભ અવસર પર બાબાસાહેબનાં ચરણોમાં પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
સાથીઓ,
આ વખતે, સ્વતંત્રતા દિવસ પર, મેં લાલ કિલ્લા પરથી ભારતની એસ્પિરેશનલ સોસાયટી અને સબકા પ્રયાસ વિશે વિગતવાર વાત કરી હતી. આજે 21મી સદીમાં દરેક ભારતીયનાં સપના અને આકાંક્ષાઓ અમર્યાદિત છે. આને પરિપૂર્ણ કરવામાં, લોકશાહીના એક સ્તંભ તરીકે આપણાં મજબૂત અને સંવેદનશીલ ન્યાયતંત્રની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. દેશનું બંધારણ પણ આપણા બધા પાસેથી સતત અપેક્ષા રાખે છે કે આપણે સમાજ માટે જીવંત, મજબૂત અને આધુનિક કાયદાકીય વ્યવસ્થાનું નિર્માણ કરીએ! ધારામંડળ, કારોબારી અને ન્યાયતંત્ર, ત્રણેય અંગો આકાંક્ષી ભારતનાં સપનાને સાકાર કરવાની જવાબદારી ધરાવે છે. આપણે કેવી રીતે સાથે મળીને કામ કરી રહ્યા છીએ તેનું એક ઉદાહરણ જૂના અને બિનજરૂરી કાયદાઓને રદ કરવાનું પણ છે. આજે અહીં ઘણા કાનૂની દિગ્ગજો હાજર છે! તમે જાણો છો કે આપણી ઘણી કાયદાકીય જોગવાઈઓ બ્રિટિશ કાળથી ચાલતી આવી છે. આવા ઘણા કાયદા છે જે હવે સંપૂર્ણપણે અપ્રસ્તુત બની ગયા છે. અમે સરકારી સ્તરે તેમની સતત સમીક્ષા કરી રહ્યા છીએ. અમે આવા બે હજાર કેન્દ્રીય કાયદાઓને ઓળખી કાઢ્યા છે અને તેને રદ કર્યા છે જે અપ્રચલિત અને નિરર્થક બની ગયા હતા, તે કાલબાહ્ય થઈ ગયા હતા. અમે 40 હજારથી વધુ અનુપાલન પણ દૂર કર્યા છે. અમે વેપાર દરમિયાન કરવામાં આવેલી ઘણી નાની ભૂલોને પણ બિનઅપરાધિક બનાવી દીધી છે. આ વિચાર અને અભિગમે દેશની અદાલતોમાં કેસોની સંખ્યા ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
સાથીઓ,
સરકાર હોય કે ન્યાયતંત્ર, પોતપોતાની ભૂમિકામાં દરેક સંસ્થાની બંધારણીય જવાબદારી સામાન્ય માણસની ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતા સાથે સંકળાયેલી છે. આજે, ઈઝ ઑફ લિવિંગના આ ધ્યેય માટે ટેક્નૉલોજી એક શક્તિશાળી સાધન તરીકે ઉભરી આવી છે. સરકારમાં, અમે દરેક સંભવિત ક્ષેત્રમાં ટેક્નૉલોજીની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ડીબીટી હોય, આધાર હોય, ડિજિટલ ઈન્ડિયા મિશન હોય, આ તમામ અભિયાન ગરીબોને તેમના અધિકારો અપાવવાનું બહુ મોટું માધ્યમ બની ગયાં છે. તમે બધા કદાચ પીએમ સ્વામિત્વ યોજનાથી પણ પરિચિત હશો. વિશ્વના મોટા મોટા દેશો, વિકસિત દેશો પણ જે પડકારોનો સામનો કરી રહ્યા છે તે પૈકી એક છે મિલકત અધિકારોની સમસ્યા. મિલકતના અધિકારોની સ્પષ્ટતાના અભાવે દેશનો વિકાસ અટકી જાય છે, અદાલતો પર કેસોનું ભારણ વધે છે. તમને જાણીને આનંદ થશે કે ભારતે પીએમ સ્વામિત્વ યોજના દ્વારા આમાં મોટી આગેવાની લીધી છે. આજે દેશનાં એક લાખથી વધુ ગામડાંઓમાં ડ્રોન દ્વારા મૅપિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને લાખો લોકોને પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવ્યા છે. આ અભિયાનથી જમીનને લગતા વિવાદો પણ ઓછા થશે, જનતાની મુશ્કેલીઓ પણ ઓછી થશે.
સાથીઓ,
અમને લાગે છે કે આપણી ન્યાય વિતરણ પ્રણાલીને અદ્યતન બનાવવા માટે ટેક્નૉલોજી માટે અમર્યાદિત અવકાશ છે. સુપ્રીમ કૉર્ટની ઈ-કમિટી આ દિશામાં પ્રશંસનીય કામગીરી પણ કરી રહી છે. આ કામને આગળ વધારવા માટે આ વર્ષનાં બજેટમાં ઈ-કોર્ટ્સ મિશન ફેઝ-3ની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પૂર્વ જેવા પર્વતીય અને દૂરના વિસ્તારો માટે તો ન્યાય વિતરણ પ્રણાલીમાં ટેક્નૉલોજીનો ઉપયોગ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. આજે, કાર્યક્ષમતા વધારવા અને ન્યાયને સુલભ બનાવવા માટે, વિશ્વભરની કાનૂની પ્રણાલીઓમાં AIનો પણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આપણે પણ AI દ્વારા સામાન્ય માણસ માટે કૉર્ટની કાર્યવાહીને સરળ બનાવવા માટે 'ઈઝ ઑફ જસ્ટિસ-ન્યાયની સરળતા'ના પ્રયાસો વધારવા જોઈએ.
સાથીઓ,
વૈકલ્પિક વિવાદ નિરાકરણ પ્રણાલીની ન્યાયિક વ્યવસ્થામાં બહુ મોટી ભૂમિકા હોય છે. પૂર્વોત્તરમાં તો સ્થાનિક ન્યાયિક પ્રણાલીની એક સમૃદ્ધ પરંપરા રહી છે અને હવે કિરનજીએ તેનું ખૂબ જ વિગતવાર વર્ણન પણ કર્યું છે અને મને કહેવામાં આવ્યું છે કે ગુવાહાટી હાઈકૉર્ટની કાયદા સંશોધન સંસ્થાએ પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના અવસર પર 6 પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. આ પુસ્તકો રૂઢિગત કાયદાઓ પર લખાયેલાં છે. મને લાગે છે કે આ ખૂબ જ પ્રશંસનીય પગલું છે. કાયદાની શાળામાં પણ આવી પ્રથાઓ વિશે શીખવવું જોઈએ.
સાથીઓ,
ઈઝ ઑફ જસ્ટિસનો એક મુખ્ય ભાગ, દેશના નાગરિકોને કાયદાનાં દરેક પાસાઓની સાચી જાણકારી હોવી પણ છે. તેનાથી દેશ અને બંધારણીય વ્યવસ્થામાં તેમનો વિશ્વાસ વધે છે. એટલા માટે અમે સરકારમાં વધુ એક પ્રક્રિયા શરૂ કરી છે. જ્યારે નવો કાનૂની મુસદ્દો તૈયાર કરવામાં આવે છે, ત્યારે તેની એક સરળ આવૃત્તિ પણ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રયાસ એ જ છે કે કાયદો એવી ભાષામાં લખવામાં આવે કે લોકો સરળતાથી સમજી શકે. આવો જ અભિગમ આપણા દેશની અદાલતો માટે પણ ઘણો મદદરૂપ સાબિત થશે. તમે જોયું જ હશે, અમે 'ભાષિણી' પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જેથી દરેક ભારતીય પોતાની ભાષામાં ઇન્ટરનેટ અને તેને સંબંધિત સેવાઓનો ઉપયોગ કરી શકે. હું તમને પણ આ 'ભાષિણી' વેબની મુલાકાત લેવા વિનંતી કરું છું, તે ખૂબ જ શક્તિશાળી છે. વિવિધ અદાલતોમાં પણ આ પ્લેટફોર્મનો લાભ લઈ શકાય છે.
સાથીઓ,
એક મહત્વનો મુદ્દો, જેનો ઋષિકેશજી દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે છે આપણી જેલોમાં મોટી સંખ્યામાં બિનજરૂરી રીતે બંધ કેદીઓનો પણ છે. આપણા મહેતાજીએ પણ તેનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક પાસે જામીનના પૈસા નથી, તો કેટલાક પાસે દંડ ભરવાના પૈસા નથી અને કેટલાક લોકો એવા છે જે બધું થઈ ગયું છે પણ પરિવારના લોકો લઈ જવા માટે તૈયાર નથી. આ તમામ લોકો ગરીબ અને નબળા વર્ગમાંથી આવે છે. તેમાંથી મોટાભાગના નાના નાના ગુનાઓમાં વર્ષોથી જેલમાં જ છે. સરકાર અને ન્યાયતંત્ર બંનેની ફરજ છે કે તેઓ તેમના પ્રત્યે સંવેદનશીલ બને. તેથી આ વર્ષનાં બજેટમાં અમે આવા કેદીઓને આર્થિક મદદ કરવા માટે અલગ જોગવાઈ કરી દીધી છે. કેન્દ્ર સરકાર આ બજેટ રાજ્ય સરકારોને આપશે, જેથી આ કેદીઓને આર્થિક સહાય આપીને તેમને જેલમાંથી બહાર કાઢી શકાય.
સાથીઓ,
આપણે ત્યાં કહેવામાં આવે છે-ધર્મો-રક્ષતિ-રક્ષિત:। એટલે કે જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેનું રક્ષણ કરે છે. તેથી એક સંસ્થાન તરીકે આપણો ધર્મ, આપણું કર્તવ્ય, દેશનાં હિતમાં આપણું કાર્ય સર્વોપરી હોવું જોઈએ. મને વિશ્વાસ છે કે, આપણી આ જ ભાવના આપણને વિકસિત ભારતનાં લક્ષ્ય સુધી લઈ જશે. હું ફરી એકવાર પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારી અનેક-અનેક શુભકામનાઓ આપું છું.
ખૂબ ખૂબ આભાર!