કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગીગણ, વિવિધ રાજ્યોના આદરણીય મુખ્યમંત્રી સાથી, પાવર અને એનર્જી ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય તમામ મહાનુભાવો, દેવોઓ તથા સજ્જનો,
આજનો આ કાર્યક્રમ 21મી સદીના નવા ભારતના નવા લક્ષ્યાંકો અન નવી સફળતાઓનું પ્રતીક છે.
આઝાદી બાદ આ અમૃતકાળમાં ભારતે આગામી 25 વર્ષના વિઝન પર કામ શરૂ કરી દીધું છે. આગામી 25 વર્ષમાં ભારતની પ્રગતિને વેગ આપવામાં એનર્જી (ઊર્જા) સેક્ટર, પાવર (વિજળી) સેક્ટરની ઘણી મોટી ભૂમિકા છે. એનર્જી ક્ષેત્રની મજબૂતી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (વ્યાપાર કરવામાં સરળતા) માટે પણ જરૂરી છે અને ઇઝ ઓફ લિવિંગ (સરળ જીવન) માટે પણ એટલી જ મહત્વની છે. આપણે સૌએ જોયું છે કે હમણાં જ જે લાભાર્થીઓ સાથે મારી વાતચીત થઈ તેમના જીવનમાં વિજળી કેટલો મોટો ફેરફાર લાવી છે.
સાથીઓ,
આજે હજારો કરોડ રૂપિયાના જ પ્રોજેક્ટનું લોંચિંગ અને લોકાર્પણ થયું છે તે ભારતની ઊર્જા સુરક્ષા અને ગ્રીન ભાવિની દિશામાં મહત્વનું પગલું છે. આ પ્રોજેક્ટ રિન્યુએબલ એનર્જીના અમારા લક્ષ્યાંકો, ગ્રીન ટેકનોલોજીની અમારી વચનબદ્ધતા અને ગ્રીન મોબિલીટીની અમારી આકાંક્ષાઓને વેગ આપનારા છે. આ પ્રોજેક્ટથી દેશમાં મોટી સંખ્યામાં ગ્રીન રોજગારીનું પણ નિર્માણ થશે. આ પ્રોજેક્ટ ભલે તેલંગાણા, કેરળ, રાજસ્થાન, ગુજરાત અને લદ્દાખ સાથે સંકળાયેલા હોય પરંતુ તેનો લાભ સમગ્ર દેશને મળનારો છે.
સાથીઓ,
હાઇડ્રોજન ગેસ દેશની ગાડીઓથી લઈને દેશના રસોડા સુધી ચાલે તેને લઈને વીતેલા વર્ષોમાં ઘણી ચર્ચા થઈ છે. આજે તેના માટે ભારતે એક ડગલું આગળ ધપાવ્યું છે. લદ્દાખ અને ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન, તેના બે મોટા પ્રોજેક્ટ પર આજથી કાર્ય શરૂ થઈ રહ્યું છે. લદ્દાખમાં લાગી રહેલા પ્લાન્ટ દેશમાં ગાડીઓ માટે ગ્રીન હાઇડ્રોજનનો ઉત્પાદન કરશે. આ દેશનો પ્રથમ પ્રોજેક્ટ હશે જે ગ્રીન હાઇડ્રોજન આધારિત ટ્રાન્સપોર્ટના કમર્શિયલ ઉપયોગને શક્ય બનાવશે. લદ્દાખ દેશનું પ્રથમ સ્થળ હશે જ્યાં ટૂંક સમયમાં જ ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વાહન ચાલવાના શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટ લદ્દાખને કાર્બન ન્યૂટ્ર્લ ક્ષેત્ર બનાવવામાં પણ મદદ કરશે.
સાથીઓ,
દેશમાં પહેલી વાર ગુજરાતમાં પાઇપ નેચરલ ગેસમાં ગ્રીન હાઇડ્રોજનના મિશ્રણનો પ્રોજેક્ટ પણ શરૂ થયો છે. અત્યાર સુધી આપણે પેટ્રોલ અને હવાઈ ઇંધણમાં ઇથોનોલનું મિશ્રણ કરેલું છે, હવે આપણે પાઇપ નેચરલ ગેસમાં ગ્રીન હાઇડ્રોજન મિશ્રિત કરવાની દિશામાં આગળ ધપી રહ્યા છીએ. તેનાથી કુદરતી ગેસમાં વિદેશી નિર્ભરતામાં ઘટાડો થશે અને જે પૈસા વિદેશ જાય છે તે પણ દેશના જ કામમાં આવશે.
સાથીઓ,
આઠ વર્ષ અગાઉ દેશમાં વિજળી ક્ષેત્રની સ્થિતિ શું હતીં તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દિગ્ગજ સાથીઓને ખબર છે. આપણા દેશમાં ગ્રીડને લઈને સમસ્યા હતી, ગ્રીડ અવારનવાર નિષ્ફળ જતા હતા, વિજળીનું ઉત્પાદન ઘટી રહ્યું હતું, વિજ કાપ વધી રહ્યો હતો, વિતરણ વ્યવસ્થા ડામાડોળ હતી. આ સ્થિતિમાં આઠ વર્ષ અગાઉ અમે દેશમાં વિજળી ક્ષેત્રના દરેક ઘટકને ટ્રાન્સફોર્મ કરવાનું બીડું ઝડપ્યું હતું.
વિજળી વ્યવસ્થા સુધારવા માટે ચાર અલગ અલગ દિશાઓમાં એક સાથે કાર્ય કરવામાં આવ્યું. જનરેશન, ટ્રાન્સમિશન, વિતરણ અને સૌથી મહત્વપૂર્ણ જોડાણ. આપ પણ જાણો છો કે આ તમામ પાસા અંદરોઅંદર એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. જો ઉત્પાદન થયું નહીં તો ટ્રાન્સમિશન અને વિતરણ વ્યવસ્થા મજબૂત નહીં બને. તો પછી કનેક્શન (જોડાણ) આપીને પણ કોઈ લાભ નહીં થાય. તેથી જ વધુમાં વધુ વિજળી પેદા કરવા માટે સમગ્ર દેશમાં વિજળીના અસરકારક વિતરણ માટે, ટ્રાન્સમિશન સાથે સંકળાયેલા અગાઉના નેટવર્કના આધુનિકીકરણ માટે, દેશના કરોડો ઘરો સુધી વિજળી જોડાણ પહોંચાડવા માટે અમે સંપૂર્ણ શક્તિ કામે લગાડી દીધી.
આ જ તમામ પ્રયાસોનું પરિણામ એ છે કે આજે દેશના દરેક ઘર સુધી વિજળી જ પહોંચી નથી પરંતુ વધુમાં વધુ કલાકો સુધી વિજળી મળી રહી છે. છેલ્લા આઠ વર્ષમાં દેશમાં લગભગ એક લાખ 70 હજાર મેગાવોટ વિજળી ઉત્પાદનની ક્ષમતા સામેલ કરવામાં આવી છે. વન નેશન વન પાવર ગ્રીડ આજે દેશની તાકાત બની ચૂકી છે. સમગ્ર દેશને સાંકળવા માટે લગભગ એક લાખ 70 હજાર સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન બિછાવવામાં આવી છે. સૌભાગ્ય યોજના અંતર્ગત લગભગ ત્રણ કરોડ વિજળી કનેક્શન આપીને અમે સંતુપ્તિના લક્ષ્યાંક સુધી પહોંચી રહ્યા છીએ.
સાથીઓ,
આપણું વિજળી ક્ષેત્ર સક્ષમ હોય, અસરકારક હોય અને વિજળી સામાન્ય માનવીની પહોંચમાં હોય તેના માટે વીતેલા વર્ષોમાં સતત જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. આજે જે નવી વિજ સુધારા યોજના શરૂ કરવામાં આવી છે તે પણ આ જ દિશામાં ભરવામાં આવેલું વધુ એક ડગલું છે. તેના હેઠળ વિજળીનું નુકસાન ઘટાડવા માટે સ્માર્ટ મિટરીંગ જેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેનાથી કાર્યક્ષમતા વધશે. વિજળીનો જે ઉપભોગ થાય છે તેની ફરિયાદ નાબૂદ થઈ જશે. દેશભરના DISCOMS (ડિસકોમ)ને જરૂરી આર્થિક મદદ પણ આપવામાં આવશે, જેથી તેઓ આધુનક માળખાનું નિર્માણ પણ કરી શકે અને આર્થિક રૂપથી પોતાને સશક્ત કરવા માટે જરૂરી સુધારા પણ કરી શકે. તેનાથી ડિસકોમની તાકાત વધશે અને જનતાને પર્યાપ્ત વિજળી મળી શકશે તથા આપણું વિજળી ક્ષેત્ર વધારે મજબૂત બનશે.
સાથીઓ,
પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે ભારત આજે જે રીતે રિન્યુએબલ એનર્જી પર ભાર મૂકી રહ્યો છે તે અભૂતપૂર્વ છે. અમે આઝાદીના 75 વર્ષ પૂરા થવા સુધીમાં 175 ગિગાવોટ રિન્યુએબલ એનર્જીની ક્ષમતા તૈયાર કરવાનો સંકલ્પ કર્યો હતો. આજે આપમે આ લક્ષ્યાંકની નજીક પહોંચી ગયા છીએ. અત્યાર સુધીમાં અશ્મિભૂત સ્રોતો (નોન ફોસિલ સોર્સ)થી લગભગ 170 ગિગાવોટ ક્ષમતા સ્થાપિત કરવામાં આવી ચૂકી છે. આજે સોલાર ક્ષમતા સ્થાપિત કરવાના મામલે ભારત દુનિયાના મોખરાના ચાર કે પાંચ દેશમાં સ્થાન ધરાવે છે. દુનિયાના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટમાં આજે અનેક પ્લાન્ટ એવા છે જે ભારતમાં છે. આ જ દિશામાં વધ બે સોલાર પ્લાન્ટ દેશને મળ્યા છે. તેલંગાણા અને કેરળમાં બનેલા આ પ્લાન્ટ દેશના પ્રથમ અને બીજા સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ છે. તેનાથી ગ્રીન એનર્જી તો મળશે જ, સૂર્યની ગરમીથી જે પાણી વરાળ બનીને ઉડા જાય છે તે પણ નહીં થાય. રાજસ્થાનમાં એક હજાર મેગાવોટ ક્ષમતા ધરાવતા સિંગલ લોકેશન સોલાર પાવર પ્લાન્ટના નિર્માણનું કામ પણ આજથી શરૂ થઈ ગયું છે. મને વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ ઊર્જાના મામલે ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક બનશે.
સાથીઓ,
પોતાની ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે ભારત મોટા સોલાર પ્લાન્ટ લગાવવાની સાથે જ વધુમાં વધુ ઘરોમાં સોલાર પેનલ લગાવવા પર પણ ભાર મૂકી રહ્યો છે. લોકો આસાનીથી ઘરની છત પર સોલાર પ્રોજેક્ટ લગાવી શકે તેના માટે આજે એક નેશનલ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. તે ઘરમાં જ વિજળી પેદા કરવા તથા વિજળીના ઉત્પાદનથી કમાણી કરવા બંને રીતે મદદ કરશે.
સરકારનો ભાર વિજળીનું ઉત્પાદન વધારવાની સાથે જ વિજળીની બચત કરવા પર પણ છે. વિજળી બચાવવી એટલે કે ભવિષ્યને સજાવવું, યાદ રાખો વિજળી બચાવવાનો અર્થ, વિજળી બચાવવી ભવિષ્ય સજાવવું. પેમ કુસુમ યોજના તેનું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. અમે ખેડૂતોને સોલાર પમ્પની સવલત આપી રહ્યા છીએ, ખેતરના કિનારે સોલાર પેનલ લગાવવામાં મદદ કરી રહ્યા છીએ. અને તેનાથી અન્નદાતા હવે ઊર્જાદાતા પણ બની રહ્યો છે. ખેડૂતોના ખર્ચમાં પણ ઘટાડો થયો છે અને તેને કમાણી કરવાનું એક વધારાનું સાધન પણ મળી ગયું છે. દેશના સામાન્ય માનવીનું વિજળીનું બિલ ઘટાડવામાં ઉજાલા યોજનાએ મોટી ભૂમિકા અદા કરી છે. ઘરોમાં એલઇડી બલ્બને કારણે દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના વિજળી બિલમાં 50 હજાર કરોડથી વધારે રૂપિયા બચી રહ્યા છે. આપણા પરિવારોમાં 50 હજાર કરોડ રૂપિયા બચવા તે પોતાનામાં ઘણી મોટી બચત છે.
સાથીઓ,
આ કાર્યક્રમમાં અનેક રાજ્યોના સન્માનિત માનનીય મુખ્યમંત્રી તથા અન્ય પ્રતિનિધિ જોડાયેલા છે. આ પ્રસંગે એક ખૂબ જ ગંભીર વાત અને મારી મોટી ચિંતા હું આપ સમક્ષ રજૂ કરવા માગું છું. અને આ ચિંતા એટલી મોટી છે કે એક વાર હિન્દુસ્તાનના એક પ્રધાનમંત્રીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના પ્રવચનમાં આ ચિંતા વ્યક્ત કરવી પડી હતી. સમયની સાથે આપણી રાજનીતિમાં એક ગંભીર વિકાર આવતો ગયો છે. રાજકારણમાં પ્રજાને સત્ય કહેવાનું સાહસ હોવું જોઇએ પરંતુ આપણે જોઇએ છીએ કે કેટલાક રાજ્યોમાં તેનાથી દૂર રહેવાનો પ્રયાસ થાય છે. આ રણનીતિ તાકીદરૂપથી સારું રાજકારણ લાગી શકે છે પરંતુ તે આજના સત્યને, આજના પડકારોને, આવતીકાલ માટે, પોતાના બાળકો માટે, પોતાની ભાવિ પેઢીઓ પર ટાળવાની યોજના છે. તેમનું ભવિષ્ય તબાહ કરવાની વાતો છે. સમસ્યાનું સમાધાન આજે શોધવાને બદલે તેને એ વિચારીને ટાળી દેવામાં આવે છે કે અન્ય કોઈ તેને સમજાવશે, અન્ય કોઈ તેનો ઉકેલ લાવશે, આવનારો જે કરશે તે કરસે, મારે શું હું તો પાંચ વર્ષ કે દસ વર્ષ બાદ ચાલ્યો જઇશ, આ વિચાર દેશની ભલાઈ માટે યોગ્ય નથી. આવા જ વિચારને કારણે આજે દેશના ઘણા રાજ્યોમાં વિજ ક્ષેત્ર મોટા સંકટમાં છે. અને જ્યારે કોઈ રાજયનું વિજ ક્ષેત્રમાં સંકટમાં હોય તો તેની અસર સમગ્ર દેશના વિજ ક્ષેત્ર પર પણ પડતી હોય છે અને જે તે રાજ્યના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી દે છે.
આપ પણ જાણો છો કે આપણા વિતરણ ક્ષેત્રની ખોટ બે અંકોમાં છે. જ્ચારે દુનિયાના વિકસીત દેશોમાં તે એક આંકમાં છે, અત્યંત નગણ્ય છે. તેનો અર્થ એ છે કે આપણે ત્યાં વિજળીની બરબાદી ઘણી વધારે છે અને તેથી વિજળીના માંગ પૂરી કરવા માટે આપણે જરૂર કરતાં ઘણી વધારે વિજળી પેદા કરવી પડે છે.
હવે સવાલ એ છે કે વિતરણ અને ટ્રાન્સમિશન દરમિયાન જે નુકસાન થાય છે તેને ઘટાડવા માટે રાજ્યોમાં જરૂરી રોકાણ કેમ થતા નથી ? તેનો જવાબ એ છે કે મોટા ભાગની વિજળી કંપનીઓ પાસે ફંડની મોટી અછત રહે છે. સરકારી કંપનીઓની પણ આ જ હાલત થઈ જાય છે. આ જ સ્થિતિને કારણે ઘણા ઘણા વર્ષો પુરાણી ટ્રાન્સમિશન લાઇનોથી કામ ચલાવવામાં આવે છે, નુકસાન વધી જાય છે અને પ્રજાને મોંઘી વિજળી મળે છે. આંકડા દર્શાવે છે કે વિજ કંપનીઓ વિજળી તો પર્યાપ્ત પેદા કરી રહી છે પરંતુ તેમ છતાં તેમની પાસે જરૂરી ફંડ રહેતું નથી. અને મોટા ભાગે આ કંપની સરકારની છે. આ કડવા સત્યથી આપ સૌ પરિચિત છો. ભાગ્યે જ ક્યાંક એવું બન્યું હશે કે વિતરણ કંપનીને તેના પૈસા સમયસર મળી રહ્યા હોય. રાજ્ય સરકારો પર તે કંપનીના જંગી દેવા રહેલા હોય છે, બાકી રકમ બોલતી હોય છે. દેશને એ જાણીને નવાઈ લાગશે કે અલગ અલગ રાજ્યોના એક લાખ કરોડથી વધુ રૂપિયાથી વધુના બિલો બાકી પડેલા છે. આ પૈસા તેમણે પાવર જનરેશન કંપનીને આપવાના છે, તેમની પાસેથી વિજળી લેવાની છે પરંતુ પૈસા આપી રહ્યા નથી. વિજ વિતરણ કંપનીઓના અનેક સરકારી વિભાગો પર, સ્થાનિક એકમો પર પણ 60 હજાર કરોડ રૂપિયાથી વધારે બાકી બોલે છે અને પડકાર આટલો જ નથી. અલગ અલગ રાજ્યોએ વિજળી પર સબસિડીના જે વચનો આપ્યા છે એ પૈસો પણ આ કંપનીઓને સમયસર અથવા તો પૂરો મળી રહ્યો નથી. આ દેવું પણ જે મોટા મોટા વાયદાઓ કરીને કરવામાં આવ્યું છે ને તે દેવું પણ લગભગ લગભગ 75 હજાર કરોડ રૂપિયાથી વધારેનું છે. એટલે કે વિજળી પેદા કરવાથી લઈને ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી તેમની છે, તેમના લગભગ અઢી લાખ કરોડ રૂપિયા ફસાયેલા છે. આવી સ્થિતિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, ભવિષ્યની જરૂરિયાતો પર રોકાણ થઈ શકશે કે નહીં થઈ શકે ? શું આપણે દેશને, દેશની આવનારી પેઢીને અંધારામાં જીવવા માટે મજબૂર કરી રહ્યા છીએ કે શું ?
સાથીઓ,
આ જે પૈસો છે તે સરકારની જ કંપનીનો છે, કેટલીક ખાનગી કંપનીનો છે, તેની પડતરનો પૈસો છે, જો તે પણ નહીં મળે તો કંપની ના તો વિકાસ કરશે, ના તો વિજળીના નવા ઉત્પાદનો થશે, ના તો જરૂરિયાત પૂરી થશે. તેથી જ આપણે પરિસ્થિતિની ગંભીરતાને સમજવી પડશે અને વિજળીનું કારખાનું શરૂ કરવું છે તો પાંચ છ વર્ષ બાદ વિજળી આવે છે. કારખાનું શરૂ કરવામાં પાંચથી છ વર્ષ વીતી જાય છે. તેથી જ હું તમામ દેશવાસીઓને હાથ જોડીને પ્રાર્થના કરું છું, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું, આપણો દેશ અંધકારમાં જાય નહીં, તેના માટે જાગૃત થવાની જરૂર છે. અને તેથી જ હું કહું છું કે આ રાજકારણ નહીં પરંતુ રાષ્ટ્રનીતિ, રાષ્ટ્ર નિર્માણનો સવાલ છે, વિજળી સાથે સંકળાયેલી આખી સિસ્ટમની સુરક્ષાનો સવાલ છે. જે રાજ્યોમાં દેવું બાકી છે મારો તેમને આગ્રહ છે કે તેઓ જેટલું પણ શક્ય બની શકે તે ચીજોનો નિકાલ કરી દે. સાથે સાથે એ કારણો પર પણ ઇમાનદારીથી વિચાર કરો કે જ્યારે દેશવાસી પ્રામાણિકતાથી તેનું વિજળી બિલ ભરી દે છે તો પણ કેટલાક રાજ્યોની રકમ વારંવાર બાકી કેમ રહી જાય છે ? દેશના તમામ રાજ્યો દ્વારા આ પડકારનો ઉચિત ઉકેલ શોધવો એ આજના સમયની માંગ છે.
સાથીઓ,
દેશના ઝડપી વિકાસ માટે અત્યંત જરૂરી છે કે વિજ અને ઊર્જા ક્ષેત્રનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હંમેશાં મજબૂત રહે, હંમેશાં આધુનિક થતું રહે. આપણે એ સ્થિતિની કલ્પના કરી શકીએ છીએ કે જો વીતેલા આઠ વર્ષમાં સૌના પ્રયાસથી, આ ક્ષેત્રને સુધારવામાં આવ્યું ન હોત તો આજે પણ કેટલી સમસ્યાઓ આવીને ઉભી રહી ગઈ હોત. વારંવાર બ્લેક આઉટ થતા હોત, શહેર હોય કે ગામ થોડા સમય માટે વિજળી ચાલી જતી હોત, ખેતરમાં સિંચાઈ માટે ખેડુતો પરેશાન થઈ જતા હોત, કારખાના અટકી જતા હોત. આજે દેશનો નાગરિક સુવિધા ઇચ્છે છે, મોબાઇલ ફોનના ચાર્જિંગ જેવી બાબતો તેના માટે રોટી, કપડા અને મકાન જેવી જરૂરિયાત બની ગઈ છે. વિજળીની સ્થિતિ અગાઉ જેવી હોત તો આ કાંઈ પણ શક્ય બની શકે તેમ ન હતું. તેથી જ વિજ ક્ષેત્રની મજબૂતી દરેક વ્યક્તિનો સંકલ્પ હોવો જોઇએ. દરેક વ્યકિતની જવાબદારી હોવી જોઇએ, દરેક વ્યક્તિએ આ ફરજને નિભાવવી જોઇએ. આપણે યાદ રાખવાનું છે કે આપણે પોતપોતાની જવાબદારીઓ પર ખરા ઉતરીશું ત્યારે જ અમૃતકાળમાં આપણા સંકલ્પો સિદ્ધ થશે.
આપ લોકો સારી રીતે, ગામડાના લોકો સાથે જો હું વાત કરીશ તો હું કહીશ તે તમામના ઘરમાં ઘી હોય, તેલ હોય, લોટ હોય, અનાજ હોય, મસાલા હોય, શાકભાજી હોય, તમામ ચીજ હોય પરંતુ ચૂલો પેચાવવા માટેની વ્યવસ્થા ન હોય તો આખું ઘર ભૂખ્યું રહેશે કે નહીં રહે. ઊર્જા વિના ગાડી ચાલશે ખરી ? નહીં ચાલે. જેમ ઘરમાં જો ચૂલો પ્રગટતો નથી તો ભૂખ્યા રહીએ છીએ, દેશમાં પણ જો વિજળીની ઊર્જા નહીં આવે તો બધું જ થંભી જશે.
અને તેથી જ આજે દેશવાસીઓ સમક્ષ અત્યંત ગંભીરતાપૂર્વક અને તમામ રાજ્યોને કરબદ્ધ પ્રાર્થના કરતાં હું પ્રાર્થના કરું છું કે આવો આપણે રાજનીતિના માર્ગેથી હટીને રાષ્ટ્રનીતિના માર્ગે ચાલી નીકળીએ. આપણે સાથે મળીને દેશને ક્યારેય અંધારાના માર્ગે જવું ન પડે તેના માટે આજથી જ કામ કરીશું. કેમ કે આ કામ કરવામાં વર્ષો લાગી જતા હોય છે.
સાથીઓ,
હું આવડા મોટા ભવ્ય આયોજન માટે ઊર્જા પરિવારના તમામને અભિનંદન પાઠવું છું. દેશના ખૂણે ખૂણામાં વિજળીને લઈને આટલી મોટી જાગૃતતા બનાવવા માટે. ફરી એક વાર નવા પ્રોજેક્ટની પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વિજ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિસ્સેદારોને પણ શુભેચ્છા પાઠવું છું. મારા તરફથી આપ સૌને ઉજ્જવળ ભવિષ્યની અનેક અનેક શુભકામનાઓ.
ખૂબ ખૂબ ધન્યવાદ.