આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધનનો પ્રારંભ કર્યો
વાઘની સંખ્યા 3167 હોવાનું જાહેર કર્યું
વાઘના સંરક્ષણ સંદર્ભે સ્મૃતિ સિક્કો અને કેટલાંક પ્રકાશનો બહાર પાડ્યાં
"પ્રોજેક્ટ ટાઇગરને મળેલી સફળતા એ માત્ર ભારત માટે જ નહીં પરંતુ આખી દુનિયા માટે ગૌરવની ક્ષણ છે"
"ભારત ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચેના ઘર્ષણમાં નથી માનતું, તે બંનેના સહઅસ્તિત્વને સમાન મહત્વ આપે છે"
"ભારત એક એવો દેશ છે જ્યાં પ્રકૃતિનું રક્ષણ કરવું એ તેની સંસ્કૃતિનો જ એક ભાગ છે"
"બિગ કેટ વર્ગના પ્રાણીઓની હાજરીથી દરેક જગ્યાએ સ્થાનિક લોકોના જીવન અને ઇકોલોજી પર સકારાત્મક અસર પડી છે"
"વન્યજીવ સંરક્ષણ એ માત્ર કોઇ એક દેશનો મુદ્દો નથી પરંતુ સાર્વત્રિક મુદ્દો છે"
"આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન દ્વારા દુનિયાના 7 મુખ્ય બિગ કેટ વર્ગના પ્રાણીઓના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે"
"માનવજાત માટે સારું ભવિષ્ય ત્યારે જ શક્ય છે જ્યારે પર્યાવરણ સુરક્ષિત રહે અને જૈવવિવિધતાનું સતત વિસ્તરણ થતું રહે"

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો શ્રી ભૂપેન્દ્ર યાદવજી, શ્રી અશ્વિની કુમાર ચૌબેજી, અન્ય દેશોથી આવેલા મંત્રીઓ, રાજ્યોના મંત્રીઓ, અન્ય પ્રતિનિધિઓ, દેવીઓ અને સજ્જનો!

સૌ પ્રથમ, હું તમારા બધાની માફી માગવા માગું છું કે હું સવારે 6 વાગ્યે નીકળ્યો હતો, મેં વિચાર્યું હતું કે હું સમયસર જંગલોનું ભ્રમણ કરીને પાછો આવી જઈશ, પરંતુ હું 1 કલાક મોડો હતો. આપ સૌએ રાહ જોવી પડી એ માટે હું આપ સૌની ક્ષમા માગું છું. મારી વાત, પહેલા તો આપણે જે વાઘની સંખ્યાના આંકડાને સ્પર્શ કર્યો છે, આપણે જે જોયું છે, આપણા આ પરિવારનો વિસ્તાર થઈ રહ્યો છે, તે એક ગર્વની ક્ષણ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાઘનાં સન્માનમાં તમારા સ્થાને ઊભા થઈને આપણે વાઘને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. આભાર!

આજે આપણે બધા એક ખૂબ જ મહત્વપૂર્ણ પડાવના સાક્ષી બની રહ્યા છીએ. પ્રોજેક્ટ ટાઇગરને 50 વર્ષ પૂરાં થયાં છે. પ્રોજેક્ટ ટાઈગરની સફળતા માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ગર્વની વાત છે. ભારતે માત્ર વાઘને બચાવ્યો જ નથી, પરંતુ તેને ખીલવા-વિસ્તરવા માટે એક ઉત્તમ ઇકો સિસ્ટમ પણ આપી છે. આપણા માટે એ વધુ સુખદ છે કે જ્યારે આપણે આપણી આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે, તે જ સમયે વિશ્વની લગભગ 75 ટકા વાઘની વસતી ભારતમાં જ છે. એ પણ યોગાનુયોગ છે કે ભારતમાં ટાઇગર રિઝર્વ પણ 75 હજાર ચોરસ કિલોમીટરનું છે અને છેલ્લાં 10-12 વર્ષમાં વાઘની વસ્તીમાં પણ 75 ટકાનો વધારો થયો છે. સૌના પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે અને આ માટે હું સમગ્ર દેશને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

 

સાથીઓ,

આજે વિશ્વભરના વન્યજીવ પ્રેમીઓનાં મનમાં એક પ્રશ્ન છે કે જ્યારે વાઘની વસ્તીવાળા અનેક દેશોમાં તેમની વસ્તી સ્થિર છે અથવા વસતી ઘટી રહી છે તો ભારતમાં તે ઝડપથી કેમ વધી રહી છે? તેનો જવાબ છે, ભારતની પરંપરા, ભારતની સંસ્કૃતિ અને ભારતના સમાજમાં જૈવ-વિવિધતાને લઈને, પર્યાવરણ વિશે, જે આપણો સ્વાભાવિક આગ્રહ છે અને તે જ આ સફળતાની અંદર છુપાયેલ છે. આપણે ઇકોલોજી અને ઈકોનોમી વચ્ચે સંઘર્ષ માનતા નથી, પરંતુ બંને વચ્ચે સહઅસ્તિત્વને મહત્વ આપીએ છીએ. આપણી પાસે વાઘને લગતો હજારો વર્ષ જૂનો ઈતિહાસ છે. મધ્ય પ્રદેશમાં મળેલી 10 હજાર વર્ષ જૂની રોક આર્ટ્સમાં વાઘની તસવીરો મળી આવી છે. દેશના ઘણા સમુદાયો, જેમ કે મધ્ય ભારતમાં રહેતા ભારિયા અને મહારાષ્ટ્રમાં રહેતા વર્લીઓ, વાઘની પૂજા કરે છે. આપણે ત્યાં અનેક જનજાતિઓમાં વાઘને આપણો બંધુ માનવામાં આવે છે, ભાઇ માનવામાં આવે છે. અને, વાઘ એ મા દુર્ગા અને ભગવાન અયપ્પાનું વાહન તો છે જ.

સાથીઓ,

ભારત એક એવો દેશ છે જ્યાં પ્રકૃતિનું રક્ષણ કરવું એ સંસ્કૃતિનો એક ભાગ છે. આ જ કારણ છે કે વન્યપ્રાણી સંરક્ષણમાં તેની ઘણી અનન્ય સિદ્ધિઓ છે. વિશ્વની માત્ર 2.4 ટકા જમીન ધરાવતું ભારત વૈશ્વિક જૈવવિવિધતામાં આશરે 8 ટકા યોગદાન આપે છે. ભારત વિશ્વનો સૌથી મોટો વાઘની રેન્જ ધરાવતો દેશ છે. લગભગ ત્રીસ હજાર હાથીઓ સાથે આપણો દેશ દુનિયાનો સૌથી મોટો એશિયાઇ હાથીની રેન્જ ધરાવતો દેશ છે! આપણા ગેંડાની લગભગ ત્રણ હજારની વસ્તી આપણને વિશ્વનો સૌથી મોટો એકલ-શિંગડાવાળા ગેંડાનો દેશ બનાવે છે. આપણે વિશ્વનો એકમાત્ર એવો દેશ છીએ કે જ્યાં એશિયાઇ સિંહો વસે છે. સિંહની વસ્તી 2015માં આશરે 525થી વધીને 2020માં 675ની આસપાસ થઈ ગઈ છે. ફક્ત 4 વર્ષમાં આપણી દીપડાની વસ્તીમાં 60 ટકાથી વધુનો વધારો થયો છે. ગંગા જેવી નદીઓને સ્વચ્છ કરવા માટે થઈ રહેલાં કાર્યોથી જૈવ વિવિધતામાં મદદ મળી છે. કેટલીક જળચર પ્રજાતિઓ કે જેને જોખમમાં માનવામાં આવતી હતી તેમાં સુધારો જોવા મળ્યો છે. આ બધી જ સિદ્ધિઓ જનભાગીદારી અને સંરક્ષણની સંસ્કૃતિને આભારી છે, સબકા પ્રયાસ.

 

 

વન્યજીવનને ખીલવા માટે, ઇકોસિસ્ટમ્સ માટે ખીલવું મહત્વપૂર્ણ છે. ભારતમાં આવું થતું રહ્યું છે. આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરતી વખતે, ભારતે તેનાં રામસર સ્થળોની સૂચિમાં અગિયાર વેટલેન્ડ્સ ઉમેર્યાં. આનાથી રામસર સાઇટ્સની કુલ સંખ્યા 75 થઈ ગઈ. જંગલ અને વૃક્ષોનું આવરણ પણ વધી રહ્યું છે. ભારતે વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2021 સુધીમાં 2200 ચોરસ કિલોમીટરથી વધુનાં જંગલો અને વૃક્ષોનાં આવરણનો ઉમેરો કર્યો હતો. છેલ્લા દાયકામાં સામુદાયિક રિઝર્વ્સની સંખ્યા 43થી વધીને 100થી વધુ થઈ ગઈ છે. એક દાયકામાં, જેની આસપાસ ઇકો-સેન્સિટિવ ઝોનને સૂચિત કરવામાં આવ્યા હતા એવાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સંખ્યા નવથી વધીને ચારસો અડસઠ થઈ ગઈ છે.

સાથીઓ,

વન્યજીવ સંરક્ષણના આ તમામ પ્રયાસોમાં મને મારા ગુજરાતના લાંબા અનુભવનો પણ લાભ મળ્યો છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે અમે સિંહો પર કામ કર્યું હતું. ત્યાં જ મેં શીખ્યું હતું કે કોઇ વન્ય જીવને બચાવવા માટે આપણે માત્ર એક ભૌગોલિક વિસ્તાર પૂરતા મર્યાદિત ન રહી શકીએ. આ માટે આપણે સ્થાનિક લોકો અને પ્રાણી વચ્ચે સંબંધ બનાવવો પડશે. આ સંબંધ ઈમોશન (લાગણી)નો પણ હોવો જોઈએ અને ઈકોનોમી (અર્થવ્યવસ્થા)નો પણ હોવો જોઈએ. તેથી જ અમે ગુજરાતમાં વન્ય પ્રાણી મિત્ર કાર્યક્રમ શરૂ કર્યો. આ સિસ્ટમ શિકાર જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે શરૂ કરવામાં આવી હતી, આ માટે રોકડ પુરસ્કાર પણ રાખવામાં આવ્યો હતો. અમે ગીરનાં સિંહો માટે પુનર્વસન કેન્દ્ર પણ ખોલ્યું. અમે ગીર વિસ્તારમાં વન વિભાગમાં મહિલા બીટ ગાર્ડ્સ અને ફોરેસ્ટરની પણ ભરતી કરી. આનાથી સિંહ છે તો આપણે છીએ, આપણે છીએ તો સિંહ છેની ભાવના સતત પ્રબળ બની. આજે તમે પણ જોતા હશો કે હવે ગીરમાં પર્યટનની, ઈકો-ટુરિઝમની એક બહુ મોટી ઈકો-સિસ્ટમ સ્થપાઈ ચૂકી છે.

 

સાથીઓ,

ગીરમાં જે વિવિધ પહેલ કરવામાં આવી એવી જ રીતે પ્રોજેક્ટ ટાઇગરની સફળતાના પણ અનેક આયામો છે. આનાથી પ્રવાસીઓની પ્રવૃત્તિમાં વધારો થયો અને આપણે જે જાગૃતિ કાર્યક્રમ ચલાવ્યા એનાથી વાઘ રિઝર્વમાં માનવ-પ્રાણી સંઘર્ષમાં પણ ઘણો ઘટાડો થયો. બિગ કેટ્સને કારણે ટાઈગર રિઝર્વમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે અને તેનાથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બન્યું છે. મોટી બિલાડીઓની હાજરીએ દરેક જગ્યાએ સ્થાનિક લોકોનાં જીવન અને ત્યાંની ઇકોલોજી પર સકારાત્મક અસર કરી છે.

સાથીઓ,

થોડા મહિનાઓ પહેલા, અમે ભારતની જૈવ-વિવિધતાને સમૃદ્ધ બનાવવા માટે વધુ એક મહત્વનું કામ કર્યું છે. ભારતમાં દાયકાઓ પહેલા ચિત્તા લુપ્ત થઈ ગયાં હતાં. અમે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી આ શાનદાર બિગ કેટને ભારતમાં લાવ્યા છીએ. આ એક બિગ કેટનું પ્રથમ સફળ ટ્રાન્સ-કોન્ટિનેન્ટલ ટ્રાન્સલોકેશન છે. થોડા દિવસો પહેલા જ કુનો નેશનલ પાર્કમાં 4 સુંદર બચ્ચાનો જન્મ થયો છે. લગભગ 75 વર્ષ પહેલા ભારતની ધરતી પરથી ચિત્તા લુપ્ત થઈ ગયાં હતાં. એટલે કે લગભગ 75 વર્ષ પછી ભારતની ધરતી પર ચિત્તાએ જન્મ લીધો છે. આ એક ખૂબ જ શુભ શરૂઆત છે. જૈવ-વિવિધતાનાં સંરક્ષણ અને સમૃદ્ધિ માટે આંતરરાષ્ટ્રીય સહકાર કેટલો મહત્વપૂર્ણ છે તેનો પણ આ પુરાવો છે.

સાથીઓ,

વન્ય જીવોનું રક્ષણ એ કોઈ એક દેશનો નહીં પરંતુ સાર્વત્રિક મુદ્દો છે. આ માટે આંતરરાષ્ટ્રીય જોડાણ એ સમયની જરૂરિયાત છે. વર્ષ 2019માં, વૈશ્વિક વાઘ દિવસ પર, મેં એશિયામાં શિકાર અને ગેરકાયદેસર વન્યપ્રાણી વેપાર સામે જોડાણ માટે આહ્વાન કર્યું હતું. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ આ જ ભાવનાનું વિસ્તરણ છે. આનાથી, બિગ કેટ સાથે સંકળાયેલ સમગ્ર ઇકો સિસ્ટમ માટે નાણાકીય અને તકનીકી સંસાધનોને એકત્ર કરવાનું સરળ બનશે. આ સાથે, ભારત સહિત તમામ દેશોના અનુભવોમાંથી ઉદ્‌ભવેલા જાળવણી અને સંરક્ષણ એજન્ડાને અમલમાં મૂકવાનું સરળ બનશે. આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ- તેનું ધ્યાન વિશ્વની 7 મુખ્ય મોટી બિલાડીઓનાં સંરક્ષણ પર રહેશે. એટલે કે જે દેશોમાં વાઘ, સિંહ, દીપડા, સ્નો લેપર્ડ, પુમા, જગુઆર અને ચિત્તા છે, એવા દેશો આ જોડાણનો ભાગ હશે. આ જોડાણ હેઠળ, સભ્ય દેશો તેમના અનુભવો શેર કરી શકશે, તેઓ તેમના સાથી દેશને વધુ ઝડપથી મદદ કરી શકશે. આ જોડાણ સંશોધન, તાલીમ અને ક્ષમતા નિર્માણ પર પણ ભાર મૂકશે. સાથે મળીને આપણે આ પ્રજાતિઓને લુપ્ત થવાથી બચાવીશું, એક સલામત અને વધુ સરસ ઇકો-સિસ્ટમ બનાવીશું.

 

સાથીઓ,

માનવતા માટે વધુ સારું ભવિષ્ય ત્યારે જ શક્ય છે જ્યારે આપણું પર્યાવરણ સુરક્ષિત રહે અને આપણી જૈવ-વિવિધતા સતત વિસ્તરતી રહે. આ જવાબદારી આપણા સૌની છે, આખી દુનિયાની છે. આપણે આપણાં G-20 પ્રમુખપદ દરમિયાન આ ભાવનાને સતત પ્રોત્સાહિત પણ કરીએ છીએ. G20નું સૂત્ર, એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય, આ જ સંદેશ આપે છે. COP26માં પણ આપણે આપણા માટે મોટા અને મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે પરસ્પર સહયોગથી આપણે પર્યાવરણ સંરક્ષણનાં દરેક લક્ષ્યને હાંસલ કરીશું.

 

સાથીઓ,

હું આ કાર્યક્રમ માટે આવેલા વિદેશી મહેમાનોને, અન્ય રાજ્યોમાંથી આવેલા આપણા મહેમાનોને એક વધુ વાત કહેવા માગું છું. તમારે બધાએ અહીં વધુ એક વસ્તુનો લાભ લેવો જોઈએ. આ જે સહ્યાદ્રીનો વિસ્તાર છે, પશ્ચિમ ઘાટનો પ્રદેશ છે, અહીં અનેક આદિજાતિઓ વસે છે. તેઓ સદીઓથી, વાઘ સહિત દરેક જૈવ-વિવિધતાને સમૃદ્ધ બનાવવામાં રોકાયેલા છે. તેમનું જીવન, તેમની સંસ્કૃતિ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. આપણે કુદરત પાસેથી જેટલું લીધું, એટલું જ આપણે પ્રકૃતિને પરત કર્યું, આ સંતુલન કેવી રીતે કામ કરે છે, તે આપણને અહીં શીખવા મળે છે, આ આદિવાસી પરંપરામાં જોવા મળે છે. અહીં આવતાં પહેલાં મેં આવા ઘણા સાથીઓ સાથે વાતચીત કરી હતી અને તેથી જ મને આવવામાં મોડું પણ થઈ ગયું. જે એલિફન્ટ વ્હીસ્પર્સ ડોક્યુમેન્ટરીને ઓસ્કાર મળ્યો છે, તે પણ કુદરત અને પ્રાણી વચ્ચેના અદ્‌ભૂત સંબંધના આપણા વારસાને દર્શાવે છે. આદિવાસી સમાજની જીવનશૈલી પણ મિશન લાઇફ એટલે કે પર્યાવરણ માટેની જીવનશૈલીનાં વિઝનને સમજવામાં ઘણી મદદ કરે છે. હું તમને આગ્રહ કરું છું કે આપ અમારા આદિવાસી સમાજનાં જીવન અને પરંપરામાંથી કંઇક ને કંઇક, ચોક્કસ તમારા દેશ, તમારા સમાજ માટે લઈને જાવ. ફરી એકવાર, હું આ કાર્યક્રમમાં આવવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે વાઘનો જે નવો આંકડો આપણી સામે આવ્યો છે, આવનારા દિવસોમાં આપણે વધુ નવા આંકડાઓ પાર કરીશું અને નવી સિદ્ધિઓ કરીશું એ હું સમગ્ર વિશ્વને વિશ્વાસ અપાવું છું.

ખૂબ ખૂબ આભાર!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi