"કાશીના કાયાકલ્પ માટે સરકાર, સમાજ અને સંત સમાજ બધા સાથે મળીને કામ કરી રહ્યા છે"
"સ્વરવેદ મહામંદિર એ ભારતની સામાજિક અને આધ્યાત્મિક શક્તિનું આધુનિક પ્રતીક છે"
"ભારતના સ્થાપત્ય, વિજ્ઞાન, યોગ આધ્યાત્મિક રચનાઓની આસપાસ અકલ્પનીય ઊંચાઈએ પહોંચ્યા"
"સમયના પૈડા આજે ફરી વળ્યા છે અને ભારત તેના વારસા પર ગર્વ અનુભવી રહ્યું છે અને ગુલામીની માનસિકતામાંથી આઝાદીની ઘોષણા કરી રહ્યું છે"
"હવે બનારસનો અર્થ છે - વિકાસ, આધુનિક સુવિધાઓ સાથે વિશ્વાસ અને સ્વચ્છતા અને પરિવર્તન"
નવ ઠરાવો રજૂ કર્યા

શ્રી સદ્‌ગુરુ ચરણ કમલેભ્યો નમ:।

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, મહેન્દ્ર નાથ પાંડેજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ભાઈ અનિલજી, સદ્‌ગુરુ આચાર્ય પૂજ્ય શ્રી સ્વતંત્રદેવજી મહારાજ, પૂજ્ય શ્રી વિજ્ઞાનદેવજી મહારાજ, અન્ય મહાનુભાવો, દેશભરમાંથી પધારેલા તમામ શ્રદ્ધાળુઓ અને મારા પરિવારજનો!

કાશી પ્રવાસનો આજે મારો આ બીજો દિવસ છે. હંમેશની જેમ, કાશીમાં વિતાવેલી દરેક ક્ષણ પોતાનામાં જ અદ્‌ભૂત હોય છે, અદ્‌ભૂત અનુભૂતિઓથી ભરેલી હોય છે. તમને યાદ હશે કે બે વર્ષ પહેલા આપણે આવી જ રીતે અખિલ ભારતીય વિહંગમ યોગ સંસ્થાનના વાર્ષિકોત્સવમાં ભેગા થયા હતા. ફરી એકવાર મને વિહંગમ યોગ સંત સમાજના શતાબ્દી સમારોહના ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો છે. વિહંગમ યોગ સાધનાની આ યાત્રાએ તેની 100 વર્ષની અવિસ્મરણીય યાત્રા પૂર્ણ કરી છે. મહર્ષિ સદાફલ દેવજીએ ગત સદીમાં જ્ઞાન અને યોગની દિવ્ય જ્યોતિ પ્રજ્વલિત કરી હતી. આ સો વર્ષની યાત્રામાં, આ દિવ્ય જ્યોતિએ દેશ અને વિશ્વનાં કરોડો લોકોનાં જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ પૂણ્ય પ્રસંગે અહીં 25 હજાર કુંડીય સ્વર્વેદ જ્ઞાન મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મને આનંદ છે, મને વિશ્વાસ છે કે આ મહાયજ્ઞની દરેક આહુતિ વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરશે. આ અવસરે હું મહર્ષિ સદાફલ દેવજીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને તેમની પ્રત્યે મારી હૃદયપૂર્વકની લાગણીઓને પૂર્ણ ભક્તિ સાથે સમર્પિત કરું છું. હું એવા તમામ સંતોને પણ શ્રદ્ધાંજલિ આપું છું જેઓ તેમની ગુરુ પરંપરાને સતત આગળ ધપાવી રહ્યા છે.

મારા પરિવારજનો,

આપ સંતોનાં સાનિધ્યમાં કાશીનાં લોકોએ સાથે મળીને વિકાસ અને નવનિર્માણના કેટલાય નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. કાશીના કાયાકલ્પ માટે સરકાર, સમાજ અને સંતો બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. આજે સ્વર્વેદ મંદિર બનીને તૈયાર થયું એ આ જ ઈશ્વરીય પ્રેરણાનું ઉદાહરણ છે. આ મહામંદિર મહર્ષિ સદાફલ દેવજીનાં શિક્ષણનું અને ઉપદેશોનું પ્રતિક છે. આ મંદિરની દિવ્યતા આપણને જેટલી આકર્ષે છે એટલી જ તેની ભવ્યતા આપણને એટલી જ આશ્ચર્યચકિત પણ કરે છે. તેથી જ હું પોતે પણ મંદિરનું ભ્રમણ કરતી વખતે મંત્રમુગ્ધ થઈ ગયો હતો. સ્વરવેદ મંદિર એ ભારતનાં સામાજિક અને આધ્યાત્મિક સામર્થ્યનું આધુનિક પ્રતીક છે. હું જોઈ રહ્યો હતો,  તેની દિવાલો પર સ્વર્વેદને ખૂબ સુંદર રીતે અંકિત પણ કરવામાં આવ્યો છે. વેદ, ઉપનિષદ, રામાયણ, ગીતા અને મહાભારત વગેરે ગ્રંથોના દિવ્ય સંદેશાઓ પણ તેમાં ચિત્રો દ્વારા કોતરવામાં આવ્યા છે. તેથી, આ મંદિર એક રીતે આધ્યાત્મ, ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે. અહીં હજારો સાધકો એકસાથે વિહંગમ યોગની સાધના કરી શકે છે. તેથી, આ મહામંદિર એક યોગતીર્થ પણ છે અને સાથે સાથે તે જ્ઞાનતીર્થ પણ છે. હું સ્વરવેદ મહામંદિર ટ્રસ્ટને અને તેના લાખો અનુયાયીઓને આ અદ્‌ભૂત આધ્યાત્મિક નિર્માણ માટે અભિનંદન આપું છું. હું ખાસ કરીને પૂજ્ય સ્વામી શ્રી સ્વતંત્રદેવજી અને પૂજ્ય શ્રી વિજ્ઞાનદેવજીને અભિનંદન આપું છું, જેમણે આ અનુષ્ઠાનને પૂર્ણ કર્યું.

 

મારા પરિવારજનો,

ભારત એક એવું રાષ્ટ્ર છે જે સદીઓ સુધી વિશ્વ માટે આર્થિક સમૃદ્ધિ અને ભૌતિક વિકાસનું ઉદાહરણ રહ્યું છે. આપણે પ્રગતિના દાખલા બનાવ્યા છે અને સમૃદ્ધિના સોપાન સર કર્યા છે. ભારતે ક્યારેય ભૌતિક પ્રગતિને ભૌગોલિક વિસ્તરણ અને શોષણનું માધ્યમ બનવા દીધું નથી. ભૌતિક પ્રગતિ માટે પણ આપણે આધ્યાત્મિક અને માનવીય પ્રતીકોની રચના કરી. આપણે કાશી જેવાં જીવંત સાંસ્કૃતિક કેન્દ્રોથી આશીર્વાદ પામ્યા, આપણે કોણાર્ક જેવાં મંદિરો બનાવ્યાં! આપણે સારનાથ અને ગયા ખાતે પ્રેરણાદાયી સ્તૂપોનું નિર્માણ કર્યું. આપણે ત્યાં નાલંદા અને તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી! તેથી જ, ભારતની આ આધ્યાત્મિક સંરચનાઓની આસપાસ જ આપણી શિલ્પ અને કલા અકલ્પનીય ઊંચાઈએ સ્પર્શી. અહીંથી જ્ઞાન અને સંશોધનના નવા માર્ગો ખુલ્યા, સાહસો અને ઉદ્યોગોને લગતી અમર્યાદ શક્યતાઓ જન્મી, આસ્થાની સાથે સાથે યોગ જેવા વિજ્ઞાનનો વિકાસ થયો અને અહીંથી સમગ્ર વિશ્વમાં માનવીય મૂલ્યોની અવિરત ધારાઓ પણ વહી!

ભાઈઓ અને બહેનો,

ગુલામીના સમયગાળામાં જે અત્યાચારીઓએ ભારતને નબળું પાડવાનો પ્રયાસ કર્યો, એમણે સૌથી પહેલા આપણાં આ પ્રતીકોને જ નિશાન બનાવ્યાં. આઝાદી પછી આ સાંસ્કૃતિક પ્રતીકોનું પુનઃનિર્માણ જરૂરી હતું. જો આપણે આપણી સાંસ્કૃતિક ઓળખનું સન્માન કર્યું હોત તો દેશની અંદર એકતા અને આત્મસન્માનની ભાવના વધુ પ્રબળ બની હોત. પરંતુ કમનસીબે એવું ન થયું. આઝાદી બાદ સોમનાથ મંદિરનાં પુનઃનિર્માણ સુદ્ધાંનો વિરોધ થયો હતો. અને આ વિચારસરણી દાયકાઓ સુધી દેશ પર હાવી રહી. પરિણામ એ આવ્યું કે દેશ હીનભાવનાની ખાઈમાં ચાલ્યો ગયો અને પોતાના વારસા પર ગર્વ કરવાનું ભૂલી ગયો.

પરંતુ ભાઈઓ અને બહેનો,

આજે આઝાદીના 7 દાયકા બાદ સમયનું ચક્ર ફરી એક વાર ફર્યુ છે. દેશ હવે લાલ કિલ્લા પરથી ‘ગુલામીની માનસિકતામાંથી મુક્તિ’ અને ‘પોતાના વારસા પર ગર્વ’ની ઘોષણા કરી રહ્યો છે. જે કામ સોમનાથથી શરૂ થયેલું તે હવે એક અભિયાન બની ગયું છે. આજે કાશીમાં વિશ્વનાથ ધામની ભવ્યતા ભારતની અવિનાશી વૈભવની ગાથા ગાઇ રહી છે. આજે મહાકાલ મહાલોક આપણા અમરત્વનો પુરાવો આપી રહ્યો છે. આજે કેદારનાથ ધામ પણ વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. બુદ્ધ સર્કિટ વિકસાવીને, ભારત ફરી એકવાર વિશ્વને બુદ્ધની તપોભૂમિ પર આમંત્રણ આપી રહ્યું છે. દેશમાં રામ સર્કિટના વિકાસ માટે પણ ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. અને, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ આગામી થોડાં અઠવાડિયામાં પૂર્ણ થવા જઈ રહ્યું છે.

સાથીઓ,

જ્યારે દેશ તેની સામાજિક વાસ્તવિકતાઓ અને સાંસ્કૃતિક ઓળખને સમાવિષ્ટ કરે ત્યારે જ આપણે સર્વગ્રાહી વિકાસ તરફ આગળ વધી શકીએ છીએ. તેથી જ આજે આપણા તીર્થધામોનો પણ વિકાસ થઈ રહ્યો છે અને ભારત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. આજે દેશમાં વિકાસની ગતિ શું છે, એની ઝલક આપને એકલા બનારસમાં જ જોવા મળી જાય છે. ગયાં કેટલાંક અઠવાડિયે જ આ કાશી વિશ્વનાથ ધામ સંકુલનાં નિર્માણને બે વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારથી બનારસમાં રોજગાર અને ધંધાને એક નવો વેગ મળ્યો છે. પહેલા એરપોર્ટ પર પહોંચતા ચિંતા થતી હતી કે શહેર સુધી કેવી રીતે પહોંચીશું! તૂટેલા રસ્તા, બધે અવ્યવસ્થા, આ બનારસની ઓળખ હતી. પણ, હવે બનારસ એટલે વિકાસ! હવે બનારસ એટલે શ્રદ્ધા સાથે આધુનિક સુવિધાઓ! હવે બનારસ એટલે સ્વચ્છતા અને પરિવર્તન! બનારસ આજે વિકાસના અનોખા માર્ગ પર અગ્રેસર છે. વારાણસીમાં કનેક્ટિવિટી વધારવા માટે છેલ્લાં 9 વર્ષમાં ઐતિહાસિક કામ કરવામાં આવ્યું છે. વારાણસીને તમામ શહેરો સાથે જોડતા રસ્તાઓ કાં તો ચાર લેન થઈ ગયા છે અથવા 6 લેનના બનાવવામાં આવ્યા છે. સંપૂર્ણ નવો રીંગ રોડ પણ બનાવવામાં આવ્યો છે. વારાણસીમાં નવા રસ્તાઓનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે, જૂનાની સાથે નવા વિસ્તારોને પણ વિકસિત કરવામાં આવી રહ્યા છે. બનારસમાં રેલવે સ્ટેશનોનો વિકાસ હોય, બનારસથી નવી ટ્રેનોની શરૂઆત હોય, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ હોય, એરપોર્ટ પર સુવિધાઓનો વિસ્તાર હોય, ગંગાજી પર ઘાટનું પુનઃ નિર્માણ હોય, ગંગામાં ક્રૂઝ ચલાવવાની હોય, બનારસમાં આધુનિક હૉસ્પિટલોનું  નિર્માણ હોય, નવી અને આધુનિક ડેરીની સ્થાપના હોય, ગંગા કિનારે કુદરતી ખેતી માટે ખેડૂતોને મદદ હોય, અમારી સરકાર આ સ્થળના વિકાસમાં કોઈ કસર છોડી રહી નથી. બનારસના યુવાનોના કૌશલ્ય વિકાસ માટે અહીં તાલીમ સંસ્થાઓ પણ ખોલવામાં આવી છે. સાસંદ રોજગાર મેળા થકી પણ હજારો યુવાનોને રોજગારી પણ મળી છે.

 

 

ભાઈઓ અને બહેનો,

હું અહીં આ આધુનિક વિકાસનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કેમ કે આપણી આધ્યાત્મિક યાત્રાઓમાં સૌથી મોટી સમસ્યા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવની પણ હોય છે. ઉદાહરણ તરીકે, બનારસ આવતા યાત્રીઓ ચોક્કસપણે શહેરની બહાર સ્થિત આ સ્વરવેદ મંદિરની મુલાકાત લેવાનું પસંદ કરશે. પરંતુ, જો તેમના માટે આજના જેવા રસ્તા ન હોત, તો તેઓ ઇચ્છતા હોવા છતાં તેમની ઇચ્છા પૂરી કરી શક્યા ન હોત. પરંતુ, હવે સ્વર્વેદ મંદિર બનારસ આવતા શ્રદ્ધાળુઓ માટે મુખ્ય સ્થળ તરીકે ઉભરી આવશે. આનાથી આજુબાજુનાં તમામ ગામડાંઓમાં વેપાર અને રોજગારની તકો ઊભી થશે અને લોકોની પ્રગતિના માર્ગો ખુલશે.

મારા પરિવારજનો,

વિહંગમ યોગ સંસ્થાન આપણા આધ્યાત્મિક કલ્યાણ માટે જેટલું સમર્પિત છે, તેટલું જ સમાજની સેવામાં પણ સક્રિય રહ્યું છે. સદાફળ દેવજી જેવા મહર્ષિની આ જ પરંપરા પણ છે. એક યોગનિષ્ઠ સંત હોવા ઉપરાંત, સદાફલ દેવજી સ્વતંત્રતા સેનાની પણ હતા જેમણે આઝાદી માટે લડત આપી હતી. આજે આઝાદીના અમૃત કાળમાં તેમના સંકલ્પોને આગળ ધપાવવાની જવાબદારી તેમના દરેક અનુયાયીની છે. ગયા વખતે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો ત્યારે મેં તમારી સમક્ષ દેશની કેટલીક અપેક્ષાઓ પણ મૂકી હતી. આજે ફરી એકવાર હું તમારી સમક્ષ નવ સંકલ્પો મૂકી રહ્યો છું, નવ આગ્રહ મૂકી રહ્યો છું. અને હમણાં વિજ્ઞાનદેવજીએ પણ યાદ કરાવ્યું કે મેં ગયા વખતે શું કહ્યું હતું. મારો પ્રથમ આગ્રહ છે –

 

 

પ્રથમ - પાણીનાં દરેક ટીપાને બચાવો અને વધુને વધુ લોકોને જળ સંરક્ષણ વિશે જાગૃત કરો.

બીજું- ગામેગામ જઈને લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશે જાગૃત કરો, તેમને ઓનલાઈન પેમેન્ટ વિશે શીખવો.

ત્રીજું- તમારાં ગામ, તમારા વિસ્તાર, તમારાં શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે કામ કરો.

ચોથું- શક્ય હોય ત્યાં સુધી લોકલને, સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર કરો, ફક્ત મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોનો જ ઉપયોગ કરો.

પાંચમું- બને તેટલું પહેલા તમારો પોતાનો દેશ જુઓ, પોતાના દેશમાં જ ફરો અને જો તમારે બીજા દેશમાં જવું હોય તો જ્યાં સુધી તમે આખો દેશ ન જુઓ ત્યાં સુધી તમારે વિદેશ જવાનું મન ન કરવું જોઈએ. અને આ દિવસોમાં હું મોટા મોટા ધન્નાશેઠોને પણ કહેતો રહું છું કે તેઓ વિદેશમાં જઈને લગ્ન કેમ કરે છે ભાઇ, તો મેં કહ્યું 'વેડ ઇન ઇન્ડિયા', ભારતમાં લગ્ન કરો.

હું છઠ્ઠી વાત કહું છું - ખેડૂતોને કુદરતી ખેતી વિશે વધુને વધુ જાગૃત કરતા રહો. મેં છેલ્લી વખત પણ તમને આ વિનંતી કરી હતી, હવે હું તેનું પુનરાવર્તન કરું છું. આ પૃથ્વી માતાને બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અભિયાન છે.

 

મારી સાતમી વિનંતી છે - તમારા રોજિંદા આહાર જીવનમાં શ્રી-અન્ન તરીકે બાજરીને સામેલ કરો, તેનો વ્યાપકપણે પ્રચાર કરો, તે એક સુપર ફૂડ છે.

મારી આઠમી વિનંતી છે - તે ફિટનેસ હોય, યોગ હોય કે રમતગમત, તેને તમારાં જીવનનો અભિન્ન ભાગ બનાવો.

અને નવમી વિનંતી છે - ઓછામાં ઓછા એક ગરીબ પરિવારના ટેકેદાર બનો, તેમને મદદ કરો. ભારતમાં ગરીબી દૂર કરવા માટે આ જરૂરી છે.

આજકાલ તમે જુઓ છો કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. મેં ગઈકાલે સાંજે આને લગતા કાર્યક્રમમાં ભાગ લીધો. હવે થોડા સમય પછી, હું અહીંથી ફરીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાવા જઈ રહ્યો છું. આ યાત્રા વિશે જાગૃતિ ફેલાવવાની જવાબદારી તમારા સૌની પણ છે અને દરેક ધર્મગુરુની પણ છે. હું ઈચ્છું છું કે આ બધા આપણા વ્યક્તિગત સંકલ્પો પણ બની જવા જોઈએ. ‘ગાવોં વિશ્વસ્ય માતર’નું જે આદર્શ વાક્ય છે, તે આપણા માટે આપણી આસ્થાની સાથે સાથે આપણા વર્તનનો પણ એક ભાગ બની જશે, તો ભારત વધુ ઝડપથી વિકસિત બનશે. આ જ ભાવના સાથે, હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને આપેલાં સન્માન અને આદર માટે હું મારાં હૃદયનાં ઊંડાણથી પૂજ્ય સંતોનો પણ આભાર માનું છું! મારી સાથે બોલો –

 

ભારત માતા કી – જય.

ભારત માતા કી – જય.

ભારત માતા કી – જય.

આભાર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi