ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સ્થાનિક સાંસદ સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સાથીઓ, દેશના હીરા ઉદ્યોગના તમામ જાણીતા ચહેરાઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો, નમસ્કાર.
સુરત એટલે હુરત, સુરત પાસે ઈતિહાસનો અનુભવ, વર્તમાનમાં ગતિ અને ભવિષ્યની દૂરંદેશી, તેનું નામ છે સુરત. અને આ આમારું સુરત છે કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં! (એવાં કામમાં ક્યારેય કોઈ કસર છોડતું નથી. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પરંતુ તે ખાણી-પીણીની દુકાન પર અડધો કલાક લાઈનમાં ઊભા રહેવાની ધીરજ ધરાવે છે. ભારે વરસાદ પડ્યો હોય અને ઢીંચણ સમાણાં પાણી હોય, પણ ભજિયાની લારીએ જવાનું એટલે જવાનું. શરદ પૂર્ણિમા, ચંડી પડવા પર, આખું વિશ્વ ધાબા પર જાય, અને આ મારો સુરતી ફૂટપાથ પર પરિવાર સાથે ઘારી (મીઠાઈ) ખાતો હોય. અને મોજી એવો થાય કે સાહેબ નજીકમાં ક્યાંય જતા નથી, પણ આખી દુનિયા ફરે છે. મને યાદ છે 40-45 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ ગયા ત્યારે હું સૌરાષ્ટ્રના અમારા જૂના મિત્રને પૂછતો હતો કે તમે સૌરાષ્ટ્ર છોડીને સુરત આવ્યા છો તો તમને કેવું લાગે છે? તે કહેતા કે આપણા સુરતમાં અને આપણા કાઠિયાવાડમાં ઘણો ફરક છે. હું 40-45 વર્ષ પહેલાની વાત કરું છું. હું પૂછતો કે શું? તો એ કહેતા કે આપણા કાઠિયાવાડમાં મોટરસાયકલ સામસામે અથડાય તો તલવાર કાઢવાની વાત થાય છે, પણ સુરતમાં મોટરસાયકલ અથડાય તો તરત જ કહે, જુઓ ભાઈ, ભૂલ તારી પણ છે અને મારી પણ છે. પણ, હવે છોડી દો, આટલો ફરક છે.
સાથીઓ,
સુરત શહેરની ભવ્યતામાં આજે વધુ એક હીરાનો ઉમેરો થયો છે. અને હીરો પણ નાનો-મોટો નથી પણ તે તો દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. આ હીરાની ચમકની આગળ વિશ્વની મોટામાં મોટી ઇમારતોની ચમક ફિક્કી પડી રહી છે. અને હમણાં વલ્લભભાઈ, લાલજીભાઈ સંપૂર્ણ નમ્રતાથી પોતપોતાની વાત જણાવી રહ્યા હતા. અને કદાચ આટલા મોટા મિશનની સફળતા પાછળ તેમની આ નમ્રતા, દરેકને સાથે લઈ ચાલવાનો સ્વભાવ, આ માટે હું આ ટીમને જેટલા અભિનંદન આપું તેટલા ઓછા છે. વલ્લભભાઈએ કહ્યું કે મને માત્ર પાંચ જ મિનિટ મળી છે. પણ વલ્લભભાઈ, આપની સાથે તો કિરણ જોડાયેલ છે. અને કિરણમાં સમગ્ર સૂર્યને સમજવાનું સામર્થ્ય હોય છે. અને તેથી પાંચ મિનિટ તમારા માટે એક વિશાળ શક્તિનો પરિચય બની જાય છે.
હવે દુનિયામાં કોઈ ડાયમંડ બુર્સ કહે તો તેની સાથે સુરતનું નામ આવશે, ભારતનું નામ પણ આવશે. સુરત ડાયમંડ બુર્સ ભારતીય ડિઝાઇન, ભારતીય ડિઝાઇનર્સ, ભારતીય સામગ્રી અને ભારતીય ખ્યાલોની શક્તિનું પ્રદર્શન કરે છે. આ ઈમારત નવા ભારતનાં નવાં સામર્થ્ય અને નવા સંકલ્પનું પ્રતિક છે. સુરત ડાયમંડ બુર્સ માટે હું હીરા ઉદ્યોગને, સુરતને, ગુજરાતને અને સમગ્ર દેશને અભિનંદન આપું છું.
મને તેમાંથી કેટલોક ભાગ જોવાનો મોકો મળ્યો કારણ કે હું નથી ઇચ્છતો કે તમારે લોકોએ વધારે રાહ જોવી પડે. પરંતુ મેં તેમને કહ્યું, તેઓ જૂના મિત્રો છે તેથી હું તેમને કંઈક ને કંઈક કહેતો રહું છું. મેં કહ્યું, તમે જેઓ પર્યાવરણની દુનિયાના વકીલ છે, કૃપા કરીને તેમને બોલાવીને બતાવો કે ગ્રીન બિલ્ડિંગ શું હોય છે. બીજું, મેં કહ્યું, દેશભરના આર્કિટેક્ટ્સ અને સ્ટ્રક્ચર એન્જિનિયર્સના જે વિદ્યાર્થીઓ છે, તેમને કહો કે તેઓ આવીને આધુનિક સ્વરૂપમાં ઇમારતો કેવી રીતે બનાવવામાં આવે છે તેનો અભ્યાસ કરે. અને મેં એમ પણ કહ્યું કે જે લોકો લેન્ડસ્કેપની દુનિયામાં કામ કરે છે તેમને પણ લેન્ડસ્કેપિંગ કેવી રીતે કરવું જોઈએ અને પંચતત્વનો ખ્યાલ શું છે તે જોવા માટે બોલાવવા જોઈએ.
સાથીઓ,
આજે સુરતની જનતાને, અને અહીંના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વધુ બે ભેટ મળી રહી છે. સુરત એરપોર્ટનાં નવા ટર્મિનલનું આજે જ લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને બીજું મોટું કામ એ થયું છે કે હવે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે. સુરતીઓની વર્ષો જૂની માગ આજે પૂરી થઈ છે. અને મને યાદ છે કે હું પહેલા જ્યારે અહીં આવતો હતો ત્યારે સુરતનું એરપોર્ટ… ક્યારેક લાગતું કે બસ સ્ટેશન વધારે સારું છે કે એરપોર્ટ સારું છે. બસ સ્ટેશન સારું દેખાતું હતું, આ તો એક ઝૂંપડી જેવું હતું. આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, તે સુરતનું સામર્થ્ય દર્શાવે છે. સુરતથી દુબઈની ફ્લાઈટ આજથી શરૂ થઈ રહી છે અને ટૂંક સમયમાં હોંગકોંગની ફ્લાઈટ પણ શરૂ થશે. ગુજરાતની સાથે સાથે અને આજે જ્યારે સુરતનું આ એરપોર્ટ બન્યું છે ત્યારે હવે ગુજરાતમાં 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થઈ ગયાં છે. હીરા ઉપરાંત અહીંના ટેક્સટાઇલ ઉદ્યોગ, પ્રવાસન ઉદ્યોગ, શિક્ષણ અને કૌશલ્ય સહિતનાં દરેક ક્ષેત્રને આનો લાભ મળશે. આ શાનદાર ટર્મિનલ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે હું સુરતવાસીઓને અને ગુજરાતની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
મારા પરિવારજનો,
સુરત શહેર માટે મને જે આત્મીય લગાવ છે તેને શબ્દોમાં વ્યક્ત કરવાની જરૂર નથી, તમે લોકો તે સારી રીતે જાણો છો. સુરતે મને ઘણું બધું શીખવ્યું છે. અને સુરતે શીખવ્યું છે કે જ્યારે સબકા પ્રયાસ હોય છે, ત્યારે આપણે કેવી રીતે સૌથી મોટા પડકારોનો પણ સામનો કરી શકીએ છીએ. સુરતની માટીમાં જ કંઈક એવું છે જે તેને બીજા બધા કરતા અલગ બનાવે છે. અને સુરતીઓનું સામર્થ્ય, એનો મેળ મળવો મુશ્કેલ હોય છે.
આપણે સૌ જાણીએ છીએ કે સુરત શહેરની યાત્રા કેટલા ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. અંગ્રેજો પણ અહીંનો વૈભવ જોઈને સૌ પ્રથમ સુરત જ આવ્યા હતા. એક જમાનામાં વિશ્વના સૌથી મોટાં સમુદ્રી જહાજો સુરતમાં જ બનતાં હતાં. સુરતના ઈતિહાસમાં અનેક મોટી મોટી કટોકટી આવી, પરંતુ સુરતનાં લોકોએ સાથે મળીને દરેક સંકટનો સામનો કર્યો. એક સમય હતો જ્યારે એવું કહેવામાં આવતું હતું કે અહીં 84 દેશોનાં જહાજના ધ્વજ ફરકતા હતા. અને આજે આ મથુરભાઈ કહેતા હતા કે હવે અહીં 125 દેશોના ધ્વજ ફરકવાના છે. ક્યારેક સુરત ગંભીર બીમારીઓમાં ફસાઈ ગયું, તો ક્યારેક તાપીમાં પૂર આવ્યું. મેં તે સમયગાળો નજીકથી જોયો છે જ્યારે જાત-જાતની નિરાશાઓ ફેલાઈ હતી અને સુરતની સ્પિરિટને પડકારવામાં આવી હતી. પરંતુ મને વિશ્વાસ હતો કે સુરત માત્ર કટોકટીમાંથી બહાર આવશે એટલું જ નહીં પરંતુ નવી તાકાત સાથે વિશ્વમાં પોતાનું સ્થાન પણ બનાવશે. અને આજે જુઓ, આ શહેર વિશ્વનાં ટોચનાં 10 સૌથી ઝડપથી વિકસતાં શહેરોમાં સામેલ છે.
સુરતમાં સ્ટ્રીટ ફૂડ, સુરતમાં સ્વચ્છતા, સુરતમાં સ્કીલ ડેવલપમેન્ટનું કામ, બધું જ શાનદાર થતું રહ્યું છે. સુરત એક સમયે સન સિટી તરીકે જાણીતું હતું. અહીંના લોકોએ પોતાના પરિશ્રમથી, પૂરી તાકાતથી અને મહેનતની પરાકાષ્ઠા કરીને તેને હીરાની નગરી બનાવ્યું, સિલ્ક સિટી બનાવ્યું. તમે બધાએ વધુ મહેનત કરી અને સુરત એક બ્રિજ સિટી બન્યું. આજે સુરત લાખો યુવાનો માટે ડ્રીમ સિટી- સપનાનું શહેર છે. અને હવે સુરત આઈટી ક્ષેત્રે પણ પ્રગતિ કરી રહ્યું છે. આવા આધુનિક બનતાં સુરત માટે ડાયમંડ બુર્સનાં રૂપમાં આટલી મોટી ઈમારત મળવી એ પોતાનામાં ઐતિહાસિક છે.
સાથીઓ,
આજકાલ તમે બધા મોદીની ગૅરંટી વિશે ઘણી બધી ચર્ચા સાંભળતા હશો. તાજેતરમાં જે ચૂંટણી પરિણામો આવ્યાં, ત્યાર બાદ આ ચર્ચા વધુ વધી ગઈ છે. પણ સુરતની જનતા તો મોદીની ગૅરંટીને બહુ પહેલાથી જાણે છે. અહીંના પરિશ્રમી લોકોએ મોદીની ગૅરંટીને વાસ્તવિકતામાં ફેરવાતી જોઈ છે. અને આ ગૅરંટીનું ઉદાહરણ આ સુરત ડાયમંડ બુર્સ પણ છે.
મને યાદ છે કે વર્ષો પહેલા તમે બધા મિત્રો મને તમારી સમસ્યાઓ કેવી રીતે કહેતા હતા. અહીં તો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો, નાના-મોટા વેપારીઓ સાથે સંકળાયેલા લાખો લોકોનો આખો સમુદાય છે. પરંતુ તેમની મોટી સમસ્યા એ હતી કે નાની નાની બાબતો માટે તેમને દૂર દૂર જવું પડતું હતું. કાચા હીરા જોવા અને ખરીદવા માટે વિદેશ જવું પડે તો તેમાં પણ અવરોધો આવતા હતા. પુરવઠા અને મૂલ્ય શૃંખલાના મુદ્દાઓ સમગ્ર વ્યવસાયને અસર કરતા હતા. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સાથીઓએ મને વારંવાર આ સમસ્યાઓ ઉકેલવા માટે કહેતા હતા, માગ કરતા હતા. આ જ વાતાવરણમાં 2014માં દિલ્હીમાં વર્લ્ડ ડાયમંડ કૉન્ફરન્સ યોજાઈ હતી. અને ત્યારે જ મેં હીરા ક્ષેત્ર માટે સ્પેશિયલ નોટિફાઇડ ઝોન સ્થાપવાની જાહેરાત કરી હતી. આનાથી સુરત ડાયમંડ બુર્સનું સ્વપ્ન સાકાર કરવાનો માર્ગ મોકળો થયો. અમે કાયદામાં સુધારા પણ કર્યા છે. હવે આજે સુરત ડાયમંડ બુર્સનાં રૂપમાં આંતરરાષ્ટ્રીય વેપારનું એક બહુ મોટું કેન્દ્ર અહીં બનીને તૈયાર છે. કાચા હીરા હોય, પૉલિશ્ડ હીરા હોય, લૅબ ગ્રોન હીરા હોય કે તૈયાર ઘરેણાં હોય, આજે દરેક પ્રકારનો વ્યવસાય એક જ છત નીચે શક્ય બની ગયો છે. તે કામદાર હોય, કારીગર હોય, વેપારી હોય, સુરત ડાયમંડ બુર્સ દરેક માટે વન સ્ટોપ સેન્ટર છે.
અહીં આંતરરાષ્ટ્રીય બૅન્કિંગ અને સુરક્ષિત તિજોરીઓ માટેની સુવિધાઓ છે. અહીં રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મૉલ છે. સુરતનો હીરા ઉદ્યોગ પહેલેથી જ 8 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. હવે સુરત ડાયમંડ બુર્સમાંથી પણ દોઢ લાખ નવા લોકોને રોજગારી મળવાની છે. હું તમારા બધા હીરા વ્યવસાયિક સહયોગીઓની પ્રશંસા કરવા માગું છું જેમણે આ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે દિવસ-રાત કામ કર્યું છે.
સાથીઓ,
સુરતે ગુજરાત અને દેશને ઘણું આપ્યું છે, પરંતુ સુરતમાં આના કરતાં ઘણી વધુ ક્ષમતા છે. મારા મતે આ શરૂઆત છે, આપણે હજી આગળ વધવાનું છે. તમે બધાં જાણો છો કે છેલ્લાં 10 વર્ષમાં આર્થિક શક્તિમાં ભારત વિશ્વમાં 10મા સ્થાનેથી વધીને 5મા સ્થાને પહોંચી ગયું છે. અને હવે મોદીએ દેશને ગૅરંટી આપી છે કે તેમની ત્રીજી ઇનિંગમાં ભારત ચોક્કસપણે વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે.
સરકારે આગામી 25 વર્ષનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે. 5 ટ્રિલિયન ડૉલરનું લક્ષ્ય હોય, 10 ટ્રિલિયન ડૉલરનું લક્ષ્ય હોય, અમે આ બધા પર કામ કરી રહ્યા છીએ. અમે દેશની નિકાસને રેકોર્ડ ઊંચાઈએ લઈ જવા માટે પણ કામ કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં સુરતની અને ખાસ કરીને સુરતના હીરા ઉદ્યોગની જવાબદારી અનેક ગણી વધી ગઈ છે. સુરતના તમામ દિગ્ગજો અહીં હાજર છે. સુરત શહેરે દેશની વધતી જતી નિકાસમાં તેની ભાગીદારી વધુ કેવી રીતે વધારવી તે અંગે પણ લક્ષ્ય નક્કી કરવું જોઈએ.
તે હીરા ક્ષેત્ર માટે, જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે એક પડકાર પણ છે અને તક પણ છે. હાલમાં ભારત હીરાની જ્વેલરીની નિકાસમાં ઘણું આગળ છે. આપણે સિલ્વર કટ ડાયમંડ અને લેબ ગ્રોન ડાયમંડમાં પણ અગ્રેસર છીએ. પરંતુ જો આપણે સમગ્ર જેમ્સ-જ્વેલરી સેક્ટરની વાત કરીએ તો વિશ્વની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો માત્ર સાડા ત્રણ ટકા છે. જો સુરત નક્કી કરે તો ટૂંક સમયમાં જ આપણે જેમ્સ-જ્વેલરીની નિકાસમાં બે આંકડા સુધી પહોંચી શકીશું. અને હું તમને ગૅરંટી આપું છું કે, સરકાર તમારા તમામ પ્રયાસોમાં તમારી સાથે ઊભી છે.
અમે આ સેક્ટરને નિકાસ પ્રોત્સાહન માટે ફોકસ એરિયા તરીકે પહેલેથી જ પસંદ કર્યું છે. પેટન્ટેડ ડિઝાઇનને પ્રોત્સાહિત કરવી હોય, નિકાસ ઉત્પાદનોમાં વૈવિધ્યીકરણ કરવું હોય, અન્ય દેશો સાથે મળીને બહેતર ટેક્નૉલોજીની શોધખોળ કરવી હોય, લેબમાં ઉગાડવામાં આવતા અથવા લીલા હીરાને પ્રોત્સાહન આપવું હોય, કેન્દ્ર સરકાર આવા અનેક પ્રયાસો કરી રહી છે.
ગ્રીન ડાયમંડને પ્રોત્સાહિત કરવા માટે સરકારે બજેટમાં ખાસ જોગવાઈ પણ કરી છે. તમારે આ તમામ પ્રયાસોનો મહત્તમ લાભ લેવાનો છે. આજે આંતરરાષ્ટ્રીય સ્તરે જે વાતાવરણ, આપ પણ અનુભવ કરતા હશો, તમે વિશ્વભરમાં જાવ છો, વિશ્વના અનેક દેશોના લોકો અહીં બેઠા છે, આજે વિશ્વનું વાતાવરણ ભારતની તરફેણમાં છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતની શાખ ચરમસીમાએ છે. સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે. મેડ ઈન ઈન્ડિયા હવે એક મજબૂત બ્રાન્ડ બની ગઈ છે. તેનો બહુ મોટો લાભ તમારા બિઝનેસને મળવાનો નક્કી છે, જ્વેલરી ઉદ્યોગને તે મળવાનું નક્કી છે. તેથી હું તમને બધાને કહીશ કે, સંકલ્પ લો અને તેને સિદ્ધ કરો.
સાથીઓ,
આપ સૌનું સામર્થ્ય વધારવા માટે સરકાર સુરત શહેરનું સામર્થ્ય પણ વધારી રહી છે. અમારી સરકાર સુરતમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર વિશેષ ભાર આપી રહી છે. આજે સુરત પાસે પોતાનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આજે સુરત પાસે પોતાની મેટ્રો રેલ સેવા છે. આજે સુરત પોર્ટ પર ઘણી મહત્વની પ્રોડક્ટ્સ હેન્ડલ કરવામાં આવે છે. આજે સુરત પાસે હજીરા બંદર છે, ઊંડાં પાણીનું એલએનજી ટર્મિનલ અને મલ્ટિ-કાર્ગો બંદર છે. સુરત સતત આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્રો સાથે જોડાઈ રહ્યું છે. અને વિશ્વનાં બહુ ઓછાં શહેરોમાં આવી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સુરતને પણ જોડવામાં આવ્યું છે. અહીં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આનાથી ઉત્તર અને પૂર્વ ભારત સાથે સુરતની રેલ કનેક્ટિવિટી મજબૂત થશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ સુરતના બિઝનેસને નવી તકો પૂરી પાડવા જઈ રહ્યો છે.
આટલી આધુનિક કનેક્ટિવિટી મેળવનારું સુરત એક રીતે દેશનું એકમાત્ર શહેર છે. આપ સૌએ તેનો મહત્તમ લાભ લેવો જોઈએ. સુરત આગળ વધશે તો ગુજરાત આગળ વધશે અને ગુજરાત આગળ વધશે તો મારો દેશ આગળ વધશે. આની સાથે બીજી ઘણી શક્યતાઓ જોડાયેલી છે. અહીં ઘણા દેશોના લોકોની અવરજવરનો અર્થ એ છે કે એક રીતે તે ગ્લોબલ સિટી-વૈશ્વિક શહેરમાં ફેરવાઈ રહ્યું છે, તે લઘુ ભારત તો બની ચૂક્યું છે.
તાજેતરમાં જ જ્યારે G-20 સમિટ યોજાઈ હતી ત્યારે અમે કોમ્યુનિકેશન માટે ટેક્નૉલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. જો ડ્રાઈવર હિન્દી જાણતો હોય, તેની સાથે બેઠેલા મહેમાનને ફ્રેન્ચ આવડતું હોય તો તેઓ કેવી રીતે વાત કરશે? તેથી અમે મોબાઇલ એપ દ્વારા વ્યવસ્થા કરી, તેઓ ફ્રેન્ચ બોલતા હતા અને ડ્રાઇવરને હિન્દીમાં સંભળાય. ડ્રાઈવર હિન્દી બોલતો હતો, તેમને ફ્રેન્ચમાં સંભળાતું હતું.
હું ઈચ્છું છું કે વિશ્વભરમાંથી લોકો આપણા આ ડાયમંડ બુર્સ પર આવવાના છે, ભાષાના સંદર્ભમાં વાતચીત માટે તમને જે પણ મદદની જરૂર પડશે, ભારત સરકાર તમને ચોક્કસ મદદ કરશે. અને એક મોબાઈલ ફોન, મોબાઈલ એપ દ્વારા ભાષિની એપ દ્વારા આ કાર્યને અમે સરળ બનાવીશું.
હું મુખ્યમંત્રીને પણ એવું સૂચન કરીશ કે અહીંની જે નર્મદ યુનિવર્સિટી છે.. તે વિવિધ ભાષાઓમાં દુભાષિયા તૈયાર કરવાના પ્રયાસો શરૂ કરે અને અહીંનાં બાળકોને જ વિશ્વની અનેક ભાષાઓમાં અર્થઘટન આવડવું જોઈએ જેથી જે વેપારીઓ આવે તો દુભાષિયાનું બહુ મોટું કામ આપણી યુવા પેઢીને મળી શકે છે.
અને વૈશ્વિક હબ બનાવવાની જે જરૂરિયાતો હોય છે, તેમાં સંદેશાવ્યવહાર એ ખૂબ જ મહત્વપૂર્ણ જરૂરિયાત છે. આજે ટેક્નૉલોજી ઘણી મદદ કરી રહી છે, પરંતુ સાથે સાથે તે જરૂરી પણ છે. હું માનું છું કે ખૂબ જ ટૂંક સમયમાં આપણે નર્મદ યુનિવર્સિટી અથવા અન્ય કોઈપણ યુનિવર્સિટી દ્વારા ભાષાના દુભાષિયાના અભ્યાસક્રમો શરૂ કરી શકીશું.
હું ફરી એકવાર સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટનાં નવાં ટર્મિનલ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આગામી મહિને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પણ યોજાવા જઈ રહી છે. હું ગુજરાતને પણ આ માટે આગળથી શુભેચ્છા પાઠવું છું. અને ગુજરાતનો આ પ્રયાસ દેશને પણ મદદરૂપ થઈ રહ્યો છે અને તેથી જ હું ગુજરાતને ખાસ અભિનંદન પાઠવું છું.
વિકાસના આ ઉત્સવની ઉજવણી કરવા આજે તમે બધા આટલી મોટી સંખ્યામાં એકઠા થયા છો, જુઓ કેટલું મોટું પરિવર્તન આવી ગયું છે. દેશનો દરેક વ્યક્તિ વિકાસ માટે પ્રતિબદ્ધ બની રહ્યો છે, આ ભારત માટે આગળ વધવાનો સૌથી મોટો શુભ સંકેત છે. ફરી એકવાર, હું વલ્લભભાઈ અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હું જાણું છું, જો કોવિડની સમસ્યા વચ્ચે ન આવી હોત, તો કદાચ આપણે આ કામ વહેલું પૂરું કરી લીધું હોત. પરંતુ કોવિડના કારણે કેટલાક કામમાં અડચણ આવી હતી. પણ આજે આ સપનું પૂરું થતું જોઈ મને ઘણો આનંદ થઈ રહ્યો છે. મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
આભાર.