મંચ પર ઉપસ્થિત કેન્દ્ર સરકારમાં મારા સાથી, મોબાઈલ અને ટેલિકોમ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવો, સન્માનિત મહેમાનો, દેવીઓ અને સજ્જનો!
ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસની આ સાતમી આવૃત્તિમાં તમારા બધાની વચ્ચે હોવું એ પોતાનામાં એક સુખદ અનુભવ છે. 21મી સદીની ઝડપથી બદલાતી દુનિયામાં, આ આયોજન કરોડો લોકોનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. એક સમય હતો, જ્યારે આપણે ભવિષ્ય વિશે વાત કરતા હતા, તો તેનો અર્થ આગામી દાયકો, અથવા હવેથી 20-30 વર્ષ પછીનો સમય, કે પછી આગામી સદી થતો હતો. પરંતુ આજે ટેક્નૉલોજીમાં થતા ઝડપી ફેરફારોને કારણે આપણે કહીએ છીએ કે 'ભવિષ્ય અહીં છે અને હવે છે', હમણાં થોડી મિનિટો પહેલાં, મેં અહીં પ્રદર્શનમાં લાગેલાં કેટલાક સ્ટૉલ્સ જોયા. આ પ્રદર્શનમાં મને એ જ ભવિષ્યની ઝલક જોવા મળી. ટેલિકોમ હોય, ટેક્નૉલોજી હોય કે કનેક્ટિવિટી હોય, 6જી હોય, એઆઈ હોય, સાયબર સિક્યુરિટી હોય, સેમિકન્ડક્ટર હોય, ડ્રોન હોય કે સ્પેસ સેક્ટર હોય, ડીપ સી હોય, ગ્રીન ટેક હોય કે પછી અન્ય સેક્ટર્સ હોય, આવનારો સમય સાવ અલગ જ રહેવાનો છે. અને આપણા સૌ માટે એ ખુશીની વાત છે કે આપણી યુવા પેઢી દેશનાં ભવિષ્યનું નેતૃત્વ કરી રહી છે, આપણી ટેક ક્રાંતિનું નેતૃત્વ કરી રહી છે.
સાથીઓ,
તમને યાદ હશે, ગયાં વર્ષે આપણે 5G રોલઆઉટ માટે અહીં ભેગા થયા હતા. એ ઐતિહાસિક કાર્યક્રમ પછી આખી દુનિયા આશ્ચર્યની નજરે ભારત તરફ જોઈ રહી હતી. છેવટે, વિશ્વનું સૌથી ઝડપી 5G રોલઆઉટ ભારતમાં થયું. પરંતુ તે સફળતા પછી પણ આપણે અટક્યા નથી. અમે ભારતના દરેક નાગરિક સુધી 5G પહોંચાડવાનું કામ શરૂ કર્યું. એટલે કે અમે 'રોલઆઉટ' સ્ટેજથી 'રીચ આઉટ' સ્ટેજ સુધી પહોંચી ગયા.
સાથીઓ,
5G લૉન્ચ થયાનાં એક વર્ષમાં જ ભારતમાં લગભગ 4 લાખ 5G બેઝ સ્ટેશન બનાવવામાં આવ્યાં છે. આનાથી દેશનાં 97 ટકા શહેરો અને 80 ટકાથી વધુ વસ્તીને આવરી લેવામાં આવી રહી છે. ભારતમાં છેલ્લાં એક વર્ષમાં સરેરાશ મોબાઈલ બ્રોડબેન્ડ સ્પીડ લગભગ 3 ગણી વધી ગઈ છે. મોબાઈલ બ્રોડબેન્ડ સ્પીડના સંદર્ભમાં, ભારત એક સમય હતો જ્યારે એકસો ને અઢાર પર હતું, આપણે ત્યાં જ અટકી ગયા હતા, આજે આપણે 43મા સ્થાને પહોંચી ગયા છીએ. અમે માત્ર ભારતમાં 5Gનું ઝડપથી વિસ્તરણ જ કરી રહ્યા નથી, પરંતુ 6G ક્ષેત્રે પણ અગ્રેસર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. કદાચ નવી પેઢીને ખબર જ નહીં હોય કે 2જીના સમયમાં શું થયું હતું. પરંતુ હું તેનું વર્ણન કરીશ નહીં, નહીં તો કદાચ મીડિયાના લોકો તે જ વાતને પકડશે અને બીજી કોઇ બાબત બતાવશે જ નહીં. પરંતુ મારે કહેવું જ જોઇએ કે અમારા સમયગાળામાં 4Gનું વિસ્તરણ થયું પણ એક પણ દાગ લાગ્યો નથી. હું માનું છું કે હવે ભારત 6Gમાં વિશ્વનું નેતૃત્વ કરશે.
અને સાથીઓ,
ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને સ્પીડમાં સુધારાઓ માત્ર રૅન્કિંગ અને નંબરોથી જ નથી થતા. ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને સ્પીડમાં સુધારો, ઈઝ ઑફ લિવિંગને પણ વધારી દે છે. જ્યારે ઈન્ટરનેટની ઝડપ વધે છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે તેમના શિક્ષકો સાથે ઓનલાઈન કનેક્ટ થવાનું સરળ બને છે. જ્યારે ઈન્ટરનેટની ઝડપ વધે છે, ત્યારે દર્દીઓને ટેલિમેડિસિન માટે તેમના ડૉક્ટર સાથે જોડતી વખતે સીમલેસ અનુભવ થાય છે. જ્યારે ઈન્ટરનેટની સ્પીડ વધે છે ત્યારે પ્રવાસીઓને લોકેશન શોધવા માટે નકશાનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જ્યારે ઈન્ટરનેટની ઝડપ વધે છે, ત્યારે ખેડૂત ખેતીની નવી તકનીકો વધુ સરળતાથી શીખી શકે છે, સમજી શકે છે. કનેક્ટિવિટીની ઝડપ અને ઉપલબ્ધતા સામાજિક અને આર્થિક બંને રીતે મોટું પરિવર્તન લાવે છે.
સાથીઓ,
અમે દરેક ક્ષેત્રમાં 'લોકશાહીકરણની શક્તિ'માં વિશ્વાસ કરીએ છીએ. ભારતમાં વિકાસના ફાયદા દરેક વર્ગ, દરેક ક્ષેત્ર સુધી પહોંચે, સૌને ભારતનાં સંસાધનોનો લાભ મળે, સૌને સન્માનજનક જીવન મળે, અને ટેક્નૉલોજીના ફાયદા સૌ સુધી પહોંચે, અમે આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યા છીએ, અને મારા માટે તો આ જ સૌથી મોટો સામાજિક ન્યાય છે.
નાગરિકો માટે, મૂડીની પહોંચ, સંસાધનોની પહોંચ અને ટેક્નૉલોજીની ઍક્સેસ એ અમારી સરકારની પ્રાથમિકતા છે. મુદ્રા યોજના હેઠળ કોલેટરલ ફ્રી લોનની વાત હોય, કે સ્વચ્છ ભારત શૌચાલયની, અથવા જેએમએમ ત્રિપૂટી દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની, આ બધામાં એક વસ્તુ સમાન છે. તે દેશના સામાન્ય નાગરિકને તે અધિકારો આપી રહ્યા છે જે તેમને પહેલા મેળવવા મુશ્કેલ હતા. અને ચોક્કસપણે ટેલિકોમ ટેક્નૉલોજીએ આમાં મોટી ભૂમિકા ભજવી છે. ભારત નેટ પ્રોજેક્ટે અત્યાર સુધીમાં લગભગ 2 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડ્યાં છે.
આપણી અટલ ટિંકરિંગ લૅબ્સ પાછળ પણ આ જ વિચાર છે. 10 હજાર લૅબ દ્વારા અમે લગભગ 75 લાખ બાળકોને કટિંગ એજ ટેક્નોલોજી સાથે જોડવામાં સફળ થયા છીએ. મને વિશ્વાસ છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં સો 5G યુઝ કેસ લૅબ્સ શરૂ કરવાનાં આજનાં અભિયાનથી પણ એવો જ એક વ્યાપ વધવાનો છે. નવી પેઢીને જોડવાની આ એક બહુ મોટી પહેલ છે. કોઇ પણ ક્ષેત્રથી આપણા યુવાનો જેટલા વધુ જોડાશે, તેટલી તે ક્ષેત્રના વિકાસની સંભાવના, અને એ વ્યક્તિના વિકાસની સંભાવના એટલી જ વધારે હશે. આ લૅબ્સ ભારતના યુવાનોને મોટાં સપના જોવાં અને તેને હાંસલ કરવાનો વિશ્વાસ જગાવે છે. અને મને પૂરો વિશ્વાસ છે કે આપણા યુવાનો, પોતાની ઊર્જા, પોતાના ઉત્સાહ અને પોતાની સાહસની ભાવનાથી, હું ચોક્કસપણે માનું છું કે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. ઘણી વખત તેઓ કોઈ ખાસ ટેક્નૉલોજી વડે એવાં કામ કરશે, જેના વિશે તે ટેક્નૉલોજી બનાવનારાએ પણ કદી વિચાર્યું ન હોય. એટલે, હમણાં થોડા દિવસ પહેલા જ હું એક વીડિયો જોઈ રહ્યો હતો, આપણા દેશના લોકોના વિચાર કેવા છે અને ડ્રોનનો આ પણ ઉપયોગ કરી શકાય છે, હનુમાનજીને, આ રામાયણ જે મંચ પર ભજવાઇ રહી હતી ને, હનુમાનજીએ જડી-બુટ્ટી લેવા માટે જવાનું હતું, તો તેમણે હનુમાનજીને ડ્રોન પર મોકલ્યા. તેથી, આ અભિયાન આપણા નવયુવાનોમાં ઈનોવેશન કલ્ચરને પ્રોત્સાહિત કરવાની દિશામાં એક આવકાર્ય પગલું છે.
મિત્રો,
છેલ્લાં કેટલાક વર્ષોમાં, ભારતની સૌથી મહત્વપૂર્ણ સફળતાની ગાથાઓમાં આપણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન મેળવી લીધું છે. સ્ટાર્ટઅપવાળા લોકો અહીં શું કરી રહ્યા છે? ખૂબ જ ઓછા સમયમાં, આપણે યુનિકોર્નની સદી ફટકારી છે, અને આપણે વિશ્વના ટોપ-3 સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંના એક બની ગયા છીએ. 2014માં આપણી પાસે, હું શા માટે 2014 કહું છું, ખબર છે ને, તે તારીખ નથી, તે એક પરિવર્તન છે. 2014 પહેલાના ભારતમાં થોડાક સો સ્ટાર્ટઅપ્સ હતાં, અમુક સો, પરંતુ હવે આ સંખ્યા 1 લાખની આસપાસ પહોંચી ગઈ છે. તે પણ ખૂબ જ સારી વાત છે કે ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસે સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપવા અને પ્રોત્સાહિત કરવા માટે ASPIRE પ્રોગ્રામ શરૂ કર્યો છે. મને વિશ્વાસ છે કે તમારું આ પગલું ભારતના યુવાનોને ઘણી મદદ કરશે.
પરંતુ સાથીઓ,
આ તબક્કે આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણે કેટલા આગળ વધી ગયા છીએ અને આટલા દૂર કેવી પરિસ્થિતિઓ પછી આવ્યા છીએ. તમે 10-12 વર્ષ પહેલાના મોબાઈલ ફોન્સ યાદ કરો. તે સમયે જૂના ફોનની સ્ક્રીન વારેવારે હૅન્ગ થઈ જતી હતી, એવું જ થતું હતું ને, જરા કહો ને. ભલે તમે સ્ક્રીનને ગમે એટલી સ્વાઇપ કરી લો, ગમે તેટલા બટનો દબાવી લો, તેની કોઈ અસર થતી ન હતી, બરાબર છે ને? અને તે સમયે સરકારની પણ આવી જ સ્થિતિ હતી. તે સમયે, ભારતીય અર્થવ્યવસ્થાનું કહીએ કે ત્યારની સરકાર જ ‘હૅન્ગ હો ગયે’વાળા મોડમાં હતી. અને હાલત તો એટલી બગડી ગઈ હતી કે રિસ્ટાર્ટ કરવાથી કોઈ ફાયદો ન હતો...બૅટરી ચાર્જ કરવાથી પણ કોઈ ફાયદો ન હતો, બૅટરી બદલવાથી પણ કોઈ ફાયદો ન હતો. 2014માં, લોકોએ આવા જૂના આઉટડેટેડ ફોનને છોડી દીધા અને હવે અમને, અમને સેવા કરવાની તક આપી. આ ફેરફારને કારણે શું થયું તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તે સમયે આપણે મોબાઈલ ફોનના આયાતકાર હતા, આજે આપણે મોબાઈલ ફોનના નિકાસકાર છીએ. તે સમયે મોબાઈલ મૅન્યુફેક્ચરિંગમાં આપણી હાજરી ના બરાબર હતી. પરંતુ આજે આપણે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોબાઈલ ઉત્પાદક છીએ. ત્યારે ઈલેક્ટ્રોનિક મૅન્યુફેક્ચરિંગ માટે કોઈ સ્પષ્ટ વિઝન નહોતું. આજે આપણે ઇલેક્ટ્રોનિક મૅન્યુફેક્ચરિંગમાં લગભગ રૂ. 2 લાખ કરોડની નિકાસ કરી રહ્યા છીએ. તમે જોયું છે કે ગૂગલે પણ તાજેતરમાં જાહેરાત કરી છે કે તે તેના પિક્સલ ફોન ભારતમાં બનાવશે. સેમસંગના 'ફોલ્ડ ફાઈવ' અને એપલના આઇફોન 15 પહેલેથી જ ભારતમાં બનવા શરૂ થઈ ગયા છે. આજે આપણે બધાને એના પર ગર્વ છે કે સમગ્ર વિશ્વ મેડ ઇન ઇન્ડિયા ફોનનો ઉપયોગ કરી રહ્યું છે.
સાથીઓ,
આજે મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક મૅન્યુફેક્ચરિંગમાં આપણી આ સફળતાને આગળ લઈ જવાની જરૂર છે. ટેક ઇકોસિસ્ટમમાં હાર્ડવેર અને સોફ્ટવેર બંનેની સફળતા માટે એ મહત્વનું છે કે આપણે ભારતમાં મજબૂત સેમિકન્ડક્ટર મૅન્યુફેક્ચરિંગ સેક્ટરનું નિર્માણ કરીએ. સેમિકન્ડક્ટર્સના વિકાસ માટે, સરકારે લગભગ 80 હજાર કરોડ રૂપિયાની પીએલઆઇ યોજના પહેલેથી જ શરૂ કરી છે. આજે, ભારતીય કંપનીઓ સાથે મળીને વિશ્વભરની સેમિકન્ડક્ટર કંપનીઓએ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ સુવિધાઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. ભારતનું સેમિકન્ડક્ટર મિશન માત્ર તેની સ્થાનિક માગ જ નહીં પરંતુ વિશ્વની જરૂરિયાતોને પણ પૂરી કરવાનાં વિઝન સાથે આગળ વધી રહ્યું છે.
સાથીઓ,
વિકાસશીલ દેશથી વિકસિત દેશ સુધીની સફરને જો કોઈ વસ્તુ ઝડપી બનાવી શકે તો તે છે ટેક્નૉલોજી. જેટલો આપણે દેશના વિકાસ માટે ટેક્નૉલોજીનો ઉપયોગ કરીશું તેટલા જ આપણે વિકસિત થવાની દિશામાં આગળ વધીશું. આપણે ડિજિટલ ટેક્નૉલોજીમાં આવું થતું જોઈ રહ્યા છીએ, જ્યાં ભારત કોઈ પણ વિકસિત દેશથી પાછળ નથી. એ જ રીતે દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે અમે તેને ટેક્નૉલોજી સાથે જોડી રહ્યા છીએ. અમે સેક્ટર પ્રમાણે અલગ-અલગ પ્લેટફોર્મ્સ બનાવી રહ્યા છીએ. લોજિસ્ટિક્સ માટે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન, હેલ્થ કેર માટે નેશનલ હેલ્થ મિશન, કૃષિ ક્ષેત્ર માટે એગ્રી સ્ટેક જેવાં ઘણાં પ્લેટફોર્મ્સ બનાવવામાં આવ્યાં છે. સરકાર સાયન્ટિફિક રિસર્ચ ક્વૉન્ટમ મિશન અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનમાં પણ મોટા પાયે રોકાણ કરી રહી છે. અમે સ્વદેશી ડિઝાઇન અને ટેક્નૉલોજી ડેવલપમેન્ટને પણ સતત પ્રોત્સાહન આપી રહ્યા છીએ. મને એ જાણીને પણ આનંદ થયો કે ઈન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન અને ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસ મળીને એસડીજી માટે ઈનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ વિષય પર એક ઈવેન્ટનું આયોજન કરી રહ્યા છે.
સાથીઓ,
આ બધા પ્રયત્નો વચ્ચે, એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે જેના તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. આ પાસું સાયબર-સુરક્ષા અને નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષાનું પાસું છે. તમે બધા જાણો છો કે સાયબર સિક્યુરિટીની જટિલતા શું છે અને તેનાં દુષ્પરિણામો શું હોઈ શકે છે. G-20 સમિટમાં પણ આ જ ભારત મંડપમ્માં ગ્લોબલ થ્રેટ્સ ઑફ સાયબર સિક્યુરિટી પર ગંભીર ચર્ચા થઈ હતી. સાયબર સુરક્ષા માટે સમગ્ર ઉત્પાદન મૂલ્ય શૃંખલામાં આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે હાર્ડવેર હોય, સોફ્ટવેર હોય કે કનેક્ટિવિટી હોય, જ્યારે આપણી વેલ્યુ ચેનની દરેક વસ્તુ આપણા રાષ્ટ્રીય ડોમેનમાં હશે, ત્યારે તેને સુરક્ષિત રાખવું પણ આપણા માટે સરળ હશે. તેથી, આજે આ મોબાઇલ કૉંગ્રેસમાં, આપણે વિશ્વના લોકશાહી સમાજોને મુશ્કેલી સર્જનારાઓથી કેવી રીતે સુરક્ષિત બનાવી શકીએ તેની ચર્ચા કરવી જરૂરી છે.
સાથીઓ,
ભારત લાંબા સમય સુધી ઘણી ટેક્નૉલોજીની બસો ચૂકી ગયું છે. આ પછી, તે સમય પણ આવ્યો જ્યારે આપણે પહેલેથી જ વિકસિત ટેક્નૉલોજીમાં આપણી પ્રતિભા દર્શાવી. આપણે આપણા આઇટી સેવા ઉદ્યોગને, તેણે પણ, તેને પણ વધારવા માટે જે પ્રયાસો થયા છે. પરંતુ હવે 21મી સદીનો આ સમયગાળો ભારતની થોટ લીડરશીપનો સમય છે. અને હું આ અહીં બેઠેલા દરેકને અને તે યુવાનોને કહી રહ્યો છું જેઓ હન્ડ્રેડ લેબ્સનાં ઉદ્ઘાટનમાં બેઠા છે. અને મારા પર વિશ્વાસ કરો મિત્રો, જ્યારે હું કંઈક કહું છું, તે ગૅરંટીથી ઓછું નથી હોતું. અને તેથી જ હું થોટ લીડર્સવાળી વાત કરી રહ્યો છું. વિચારશીલ નેતાઓ એવાં નવાં પરિમાણો બનાવી શકે છે જેને વિશ્વ પછીથી અનુસરે. આપણે કેટલાક ડોમેન્સમાં વિચારશીલ નેતા બન્યા પણ છીએ. જેમ કે, આપણી યુપીઆઇ એ આપણા થોટ લીડરશીપનું પરિણામ છે, જે આજે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં સમગ્ર દુનિયાનું નેતૃત્વ કરે છે. કોવિડના સમયે પણ, આપણે કોવિનની જે પહેલ કરી હતી, આજે પણ વિશ્વ એની ચર્ચા કરે છે. આ તે સમય છે જ્યારે આપણે ટેક્નૉલોજીને ઉત્કૃષ્ટ રીતે અપનાવનારા અને અમલકર્તાઓની સાથે ટેક્નૉલોજીના વિચારશીલ નેતાઓ પણ બનવું જ પડશે. ભારતમાં યુવા વસ્તીની શક્તિ છે, જીવંત લોકશાહીની તાકાત છે.
હું ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસના લોકોને, ખાસ કરીને તેના યુવા સભ્યોને આમંત્રિત કરું છું કે તેઓ આવે, આ દિશામાં આગળ વધે, હું તમારી સાથે છું. આજે, એવા સમયે જ્યારે આપણે એક વિકસિત ભારત બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ, થૉટ લીડર્સ તરીકે આગળ વધવાનું આ સંક્રમણ સમગ્ર ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે.
અને મને વિશ્વાસ છે, અને આ મારો વિશ્વાસ તમારા લોકોની ક્ષમતાને કારણે છે. મારો વિશ્વાસ આપનાં સામર્થ્ય પર છે, આપની ક્ષમતા પર છે, આપનાં આ સમર્પણ પર છે અને તેથી જ હું કહું છું કે આપણે તે કરી શકીએ છીએ, જરૂર કરી શકીએ છીએ. ફરી એકવાર, તમને ખૂબ શુભેચ્છાઓ, અને હું દેશના, દિલ્હી અને આસપાસના આ વિસ્તારોના નવયુવાનોને આગ્રહ કરીશ કે તેઓ ભારત મંડપમ્ અને આ પ્રદર્શનમાં આવે, અને આ જે પ્રદર્શન લગાવાયું છે, જેમને ટેક્નૉલોજીમાં રુચિ છે, ટેક્નૉલોજી ભવિષ્યમાં, જીવનમાં કેવાં નવાં ક્ષેત્રોને સ્પર્શવાની છે, તેને સમજવા માટે આ બહુ મોટો અવસર છે. હું સૌને આગ્રહ કરીશ, હું સરકારના તમામ વિભાગોને પણ આગ્રહ કરીશ કે તેમની જે ટેક્નૉલોજીની ટીમ છે તે પણ અહીં આવીને આ બધી વસ્તુઓ જુએ. ફરી એક વાર આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ.
આભાર.