યુપીએસઆઈડીએ એગ્રો પાર્ક કરખિયાંવમાં બનાસ કાશી સંકુલ દૂધ પ્રોસેસિંગ યુનિટનું ઉદઘાટન કર્યું
એચપીસીએલ દ્વારા એલપીજી બોટલિંગ પ્લાન્ટ, યુપીએસઆઈડીએ એગ્રો પાર્ક ખાતે વિવિધ માળખાગત કાર્ય અને સિલ્ક ફેબ્રિક પ્રિન્ટિંગ કોમન ફેસિલિટીનું ઉદઘાટન કર્યું
વિવિધ માર્ગ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું
વારાણસીમાં અનેક શહેરી વિકાસ, પ્રવાસન અને આધ્યાત્મિક પ્રવાસન પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
વારાણસીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલોજી (એનઆઇએફટી)નો શિલાન્યાસ કર્યો
બીએચયુમાં નવી મેડિકલ કોલેજ અને નેશનલ સેન્ટર ઓફ એજિંગનો શિલાન્યાસ કર્યો
સિગરા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ફેઝ-1 અને ડિસ્ટ્રિક્ટ રાઇફલ શૂટિંગ રેન્જનું ઉદઘાટન કર્યું
"દસ વર્ષમાં બનારસે મને બનારસી બનાવી દીધો છે"
"કિસાન અને પશુપાલક સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે"
"બનાસ કાશી સંકુલ 3 લાખથી વધુ ખેડૂતોની આવકને વેગ આપશે"
"પશુપાલન એ સ્ત્રીઓની આત્મનિર્ભરતાનું એક મહાન સાધન છે"
"અમારી સરકાર, ખાદ્ય પ્રદાતાને ઊર્જા પ્રદાતા બનાવવાની સાથે, તેને ખાતર પ્રદાતા બનાવવા પર પણ કામ કરી રહી છે"
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત વિકાસશીલ ભારતનો પાયો બનશે"

હર હર મહાદેવ!

મંચ પર બિરાજમાન ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી મહેન્દ્ર નાથ પાંડેજી, નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશ પાઠકજી, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્ર ચૌધરીજી, રાજ્યના અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને કાશીના મારા પરિવારથી આવેલાં ભાઈઓ અને બહેનો.

કાશી કે ધરતી પર આજ એક બાર ફિર આપ લોગન કે બીચ આવે કા મૌકા મિલલ હૈ. જબ તક બનારસ નાહીં આઇત, તબ તક હમાર મન નાહીં માનેલા. દસ સાલ પહલે આપ લોગ હમકે બનારસ કા સાંસાદ બનઈલા. અબ દસ સાલ મેં બનારસ હમકે બનારસી બના દેલેસ.

ભાઈઓ અને બહેનો,

તમે બધા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, અમને આશીર્વાદ આપી રહ્યા છો. આ દ્રશ્ય અમને ગદ્‌ગદ્‌ કરી દે છે. તમારા લોકોની મહેનતથી આજે કાશીને નિત્ય નૂતન બનાવવાનું અભિયાન સતત ચાલુ છે. આજે પણ અહીં 13 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ કાશીની સાથે સાથે પૂર્વાંચલના, પૂર્વી ભારતના વિકાસને વેગ આપશે. તેમાં રેલ, રોડ, એરપોર્ટ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સ છે, તેમાં પશુપાલન, ઉદ્યોગ, રમતગમત, કૌશલ્ય વિકાસને લગતા ઘણા પ્રોજેક્ટ્સ છે, તેમાં સ્વાસ્થ્ય, સ્વચ્છતા, આધ્યાત્મ, પ્રવાસન, એલપીજી ગેસ અને અન્ય ઘણાં ક્ષેત્રો સાથે સંબંધિત બહુવિધ કામો છે. આનાથી બનારસ સહિત સમગ્ર પૂર્વાંચલ માટે નોકરીની ઘણી નવી તકો ઊભી થશે. આજે અહીંથી સંત રવિદાસજીનાં જન્મસ્થળ સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ તમામ પરિયોજનાઓ માટે હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

કાશી અને પૂર્વાંચલમાં જો કંઈ પણ સારું થાય તો મને આનંદ થાય તે સ્વાભાવિક છે. આજે મારા નવયુવા મિત્રો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે હું બાબતપુરથી રોડ માર્ગે BLW ગેસ્ટ હાઉસ આવ્યો છું. થોડા મહિના પહેલા જ્યારે હું બનારસ આવ્યો હતો ત્યારે હું ફુલવરિયા ફ્લાયઓવરનું લોકાર્પણ કરીને ગયો હતો. બનારસમાં આ ફ્લાયઓવર કેટલું મોટું વરદાન બની ગયો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અગાઉ કોઈને BLWથી બાબતપુર જવાનું થતું હોય તો લોકો લગભગ 2-3 કલાક પહેલા ઘરેથી નીકળી જતા હતા. પહેલા મંડુવાડીહમાં જામ, પછી મહમૂરગંજમાં જામ, કેન્ટમાં જામ, ચૌકાઘાટ પર જામ, નદેસર ખાતે જામ, એટલે કે જેટલો સમય ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા માટે નહોતો લાગતો તેના કરતાં વધુ સમય ફ્લાઈટ પકડવામાં લાગી જતો હતો. પરંતુ એક ફ્લાયઓવરે આ સમય અડધો કરી દીધો છે. અને ગઈકાલે રાત્રે તો હું ખાસ ત્યાં જઈને દરેક ચીજ જોઇ આવ્યો છું, તેની વ્યવસ્થા સમજીને આવ્યો છું. મોડી રાત્રે ચાલીને ગયો હતો. એ જ રીતે બનારસના વિકાસની ઝડપ પણ છેલ્લાં 10 વર્ષમાં અનેક ગણી વધી છે. હમણાં થોડા સમય પહેલા અહીં સિગરા સ્ટેડિયમના પ્રથમ તબક્કાનાં કામનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. બનારસના યુવા ખેલાડીઓ માટે આધુનિક શૂટિંગ રેન્જનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બનારસ અને આ વિસ્તારના યુવા ખેલાડીઓને ખૂબ મદદરૂપ થશે.

 

સાથીઓ,

અહીં આવતા પહેલા હું બનાસ ડેરીના પ્લાન્ટમાં ગયો હતો. ત્યાં મને ઘણી પશુપાલન બહેનો સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો. અમે 2-3 વર્ષ પહેલા આ ખેડૂત પરિવારોની બહેનોને દેશી જાતની ગીરની ગાયો આપી હતી. હેતુ એ હતો કે પૂર્વાંચલમાં દેશી ગાયોની બહેતર જાતિ વિશેની જાણકારી વધુ વધે, ખેડૂતો અને પશુપાલકોએ એનાથી ફાયદો થાય. મને કહેવામાં આવ્યું કે આજે અહીં ગીર ગાયોની સંખ્યા લગભગ 350ની આસપાસ પહોંચી ગઈ છે. વાતચીત દરમિયાન આપણી બહેનોએ મને એમ પણ કહ્યું કે પહેલા સામાન્ય ગાય 5 લિટર દૂધ આપતી હતી, હવે ગીર ગાય 15 લિટર સુધી દૂધ આપે છે. મને એવું પણ કહેવામાં આવ્યું કે એક પરિવારમાં તો એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે એક ગાય તો 20 લિટર સુધી  દૂધ આપવા માંડી છે. જેનાં કારણે આ બહેનો દર મહિને હજારો રૂપિયાની વધારાની આવક મેળવી રહી છે. જેનાં કારણે આપણી આ બહેનો એ પણ લખપતિ દીદી પણ બની રહી છે. અને સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી દેશની 10 કરોડ બહેનો માટે આ એક બહુ મોટી પ્રેરણા છે.

સાથીઓ,

બનાસ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ મેં 2 વર્ષ પહેલા કર્યો હતો. તે સમયે મેં વારાણસી સહિત પૂર્વાંચલના તમામ પશુપાલકો અને ગૌપાલકોને ગૅરંટી આપી હતી કે આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થશે. આજે મોદીની ગૅરંટી તમારી સામે છે. અને તેથી જ તો લોકો કહે છે- મોદીની ગૅરંટી એટલે ગૅરંટી પૂરી થવાની ગૅરંટી. યોગ્ય રોકાણથી કેવી રીતે રોજગારીની તકો ઉભી થાય છે તેનું બનાસ ડેરી એક ઉત્તમ ઉદાહરણ છે. હાલમાં બનાસ ડેરી વારાણસી, મિર્ઝાપુર, ગાઝીપુર, રાયબરેલીના આ જિલ્લાઓના પશુપાલકો પાસેથી લગભગ 2 લાખ લિટર દૂધ એકત્ર કરી રહી છે. આ પ્લાન્ટ ચાલુ થવાથી બલિયા, ચંદૌલી, પ્રયાગરાજ, જૌનપુર અને અન્ય જિલ્લાના લાખો પશુપાલકોને પણ લાભ થશે. આ પરિયોજનાથી વારાણસી, જૌનપુર, ચંદૌલી, ગાઝીપુર, આઝમગઢ જિલ્લાના 1000થી વધુ ગામડાંઓમાં દૂધ મંડળીઓ બનશે. જો પશુપાલકોનું વધુ દૂધ વધારે ભાવે વેચાશે તો દરેક ખેડૂત-પશુપાલક પરિવારને વધુ કમાણી થવી નક્કી છે. આ પ્લાન્ટ ખેડૂતો અને પશુપાલકોને પશુઓની વધુ સારી જાતિઓ અને વધુ સારા ચારા વિશે પણ જાગૃત કરશે, પ્રશિક્ષિત કરશે.

સાથીઓ,

એટલું જ નહીં, આ બનાસ કાશી સંકુલ હજારો નવી રોજગારીની તકો પણ ઉભી કરશે. અલગ-અલગ કામોમાં રોજગારીનું સર્જન થશે. એક અનુમાન છે કે આ સંકુલથી સમગ્ર વિસ્તારમાં 3 લાખથી વધુ ખેડૂતોની આવકમાં વધારો થશે. દૂધ ઉપરાંત છાશ, દહીં, લસ્સી, આઈસ્ક્રીમ, પનીર અને અનેક પ્રકારની સ્થાનિક મીઠાઈઓ અહીં બનશે. આટલું બધું બનશે તો તેને વેચનારાઓને પણ તો રોજગારી મળવાની છે. આ પ્લાન્ટ બનારસની પ્રખ્યાત મીઠાઈઓને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવામાં બહુ મોટી ભૂમિકા ભજવશે. દૂધનાં પરિવહનને લગતા વ્યવસાયમાં પણ ઘણા લોકોને રોજગારી મળશે. આનાથી પશુ આહાર સંબંધિત દુકાનદારો અને સ્થાનિક વિતરકોનો વ્યાપ પણ વધશે. આમાં પણ અનેક રોજગારનું સર્જન થશે.

 

સાથીઓ,

આ પ્રયાસો વચ્ચે, મારો બનાસ ડેરીની કામગીરી સાથે સંકળાયેલા વરિષ્ઠ સાથીદારોને પણ એક આગ્રહ છે. હું ઈચ્છું છું કે તમે દૂધના પૈસા સીધા બહેનોનાં ખાતામાં ડિજિટલ રીતે મોકલો, પૈસા કોઈ પણ પુરુષના હાથમાં આપશો નહીં. મારો અનુભવ છે, તેનાં ઘણાં શાનદાર પરિણામો આવે છે. પશુપાલન એ એક એવું ક્ષેત્ર છે જેમાં આપણી બહેનો સૌથી વધુ સંકળાયેલી છે. બહેનોને આત્મનિર્ભર બનાવવાનું આ એક બહુ મોટું માધ્યમ છે. નાના ખેડૂતો અને જમીન વિહોણા પરિવારો માટે પણ પશુપાલન એક મોટો આધાર છે. તેથી જ ડબલ એન્જિન સરકાર પશુપાલન અને ડેરી ક્ષેત્રને આટલું પ્રોત્સાહન આપી રહી છે.

સાથીઓ,

અન્નદાતાને ઊર્જા પ્રદાતા બનાવવાની સાથે અમારી સરકાર હવે અન્નદાતાને ખાતર પ્રદાતા બનાવવા પર પણ કામ કરી રહી છે. ખાતર દાતા બને, અમે પશુપાલકોને દૂધ ઉપરાંત ગોબરમાંથી પણ કમાણી કરવાની તક આપી રહ્યા છીએ. આપણો આ જે ડેરી પ્લાન્ટ છે તેમાં ગોબરમાંથી બાયો-સીએનજી બને અને આ પ્રક્રિયામાં જે જૈવિક ખાતર છે તે ખેડૂતોને ઓછા ભાવે મળે, એના પર કામ ચાલી રહ્યું છે. આનાથી કુદરતી ખેતીને વધુ બળ મળશે. આમ પણ, ગંગાજીના કિનારે કુદરતી ખેતી કરવાનું ચલણ હવે વધી રહ્યું છે. આજે ગોબરધન યોજના હેઠળ ગોબર હોય, અન્ય કચરો હોય, તેમાંથી બાયોગેસ અને બાયો-સીએનજી બનાવવામાં આવે છે. આનાથી સ્વચ્છતા પણ જળવાઈ રહે છે અને કચરાના પૈસા પણ મળે છે.

સાથીઓ,

આ આપણે ત્યાં કાશી તો કચરામાંથી કંચન બનાવવાની બાબતમાં પણ તે દેશમાં એક મૉડલ બનીને ઉભરી આવી છે. આજે અહીં આવા વધુ એક પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ શહેરમાંથી દરરોજ પેદા થતા 600 ટન કચરાને 200 ટન ચારકોલમાં રૂપાંતરિત કરશે. વિચારો, જો આ જ કચરો ક્યાંક મેદાનમાં ફેંકતા રહેતે તો કેટલો મોટો કચરાનો પહાડ સર્જાયો હોત. કાશીમાં ગટર વ્યવસ્થાને સુધારવા માટે ઘણાં કામો કરવામાં આવ્યાં છે.

સાથીઓ,

ખેડૂતો અને પશુપાલકો હંમેશા ભાજપ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા રહ્યા છે. બે દિવસ પહેલા જ સરકારે શેરડીનો લઘુત્તમ ભાવ વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધો છે. પશુપાલકોનાં હિતને ધ્યાનમાં રાખીને પશુધન વીમા કાર્યક્રમને પણ વધારે સરળ બનાવવામાં આવ્યો છે. આપ પૂર્વાંચલ ક ઉ સમય યાદ કરા, ગન્ના કે ભુગતાન કે લિયે પહિલે વાલા સરકાર કિતના મિન્નત કરાવત રહે. પરંતુ હવે આ ભાજપની સરકાર છે. ખેડૂતોનાં લેણાં તો ચૂકવવામાં આવી જ રહ્યાં છે એટલું જ નહીં, પાકના ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.

 

ભાઈઓ અને બહેનો,

આત્મનિર્ભર ભારતનાં બળ પર વિકસિત ભારતનું નિર્માણ થશે. આપણી જરૂરિયાતની દરેક વસ્તુ બહારથી આયાત કરીને ભારત વિકસિત ન થઈ શકે. અગાઉની સરકારો અને અમારી સરકારની વિચારસરણીમાં આ જ સૌથી મોટો ફરક છે. ભારત ત્યારે જ આત્મનિર્ભર બનશે જ્યારે દેશની દરેક નાની-નાની શક્તિને જાગૃત કરવામાં આવશે. જ્યારે નાના ખેડૂતો, પશુપાલકો, કારીગરો, શિલ્પકારો, નાના ઉદ્યોગકારોને મદદ આપવામાં આવે. તેથી, હું લોકલ માટે વોકલ રહું જ છું. અને જ્યારે હું વોકલ ફોર લોકલ કહું છું, ત્યારે તે એવા વણકરોનો, તે નાના સાહસિકોનો પ્રચાર છે, જેઓ લાખો રૂપિયા ખર્ચીને અખબારો અને ટીવીમાં જાહેરાતો આપી શકતા નથી. સ્થાનિક ઉત્પાદ બનાવનારા આવા દરેક સાથીનો પ્રચાર મોદી પોતે કરે છે.

દેશના દરેક નાના ખેડૂત અને દરેક નાના ઉદ્યોગસાહસિકના એમ્બેસેડર આજે મોદી છે. જ્યારે હું ખાદી ખરીદવા, ખાદી પહેરવાનો આગ્રહ કરું છું, ત્યારે હું દરેક ગામમાં ખાદી સાથે સંકળાયેલી બહેનો, દલિતો, પછાત લોકોને, તેમના શ્રમને બજાર સાથે જોડું છું. જ્યારે હું દેશમાં બનેલા રમકડાં ખરીદવાની વાત કરું છું, ત્યારે તે પેઢીઓથી રમકડાં બનાવતા પરિવારોનું જીવન સુધરે છે. જ્યારે હું મેક ઈન ઈન્ડિયા કહું છું, ત્યારે હું આ નાના અને કુટીર ઉદ્યોગો, આપણા MSMEની ક્ષમતાને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસ કરું છું. જ્યારે હું, જુઓ આપણો દેશ કહું છું ત્યારે હું મારા જ દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપું છું. તેનાથી કેવી રીતે સ્થાનિક લોકોની રોજગાર અને સ્વ-રોજગારમાં વધારો થાય છે તે આપણે કાશીમાં અનુભવી રહ્યા છીએ. જ્યારથી વિશ્વનાથ ધામનું પુનઃનિર્માણ થયું છે ત્યારથી લગભગ-લગભગ 12 કરોડથી વધુ લોકો કાશી આવી ચૂક્યા છે. જેનાં કારણે અહીંના દુકાનદારો, ઢાબાવાળાઓ, શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, ફૂલ વેચનારાઓ, હોડીવાળા તમામની રોજગારી વધી છે.

આજે તો વધુ એક નવી શરૂઆત થઈ છે. આજે કાશી અને અયોધ્યા માટે નાના-નાના ઇલેક્ટ્રિક જહાજોની યોજન શરૂ થઈ છે. આનાથી કાશી અને અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓનો અનુભવ વધુ સારો થવાનો છે.

ભાઈઓ અને બહેનો,

દાયકાઓથી પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણે યુપીને વિકાસમાં પાછળ રાખ્યું છે. અગાઉની સરકારોએ યુપીને બિમાર રાજ્ય બનાવીને યુવાનો પાસેથી તેમનું ભવિષ્ય છીનવી લીધું હતું. પરંતુ આજે જ્યારે યુપી બદલાઈ રહ્યું છે, જ્યારે યુપીના યુવાનો પોતાનું નવું ભવિષ્ય લખી રહ્યા છે ત્યારે આ પરિવારવાદી શું કરી રહ્યા છે? મને તો તેમની વાતો સાંભળીને આશ્ચર્ય થાય છે. કૉંગ્રેસના શાહી પરિવારના યુવરાજનું કહેવું છે અને તમે પણ ચોંકી જશો, કૉંગ્રેસના યુવરાજ પરિવારે શું કહ્યું- તેઓ કહી રહ્યા છે અને કાશીની ધરતી પર આવીને કહી રહ્યા છે- કાશીના યુવાનો, યુવાનો યુપીના લોકો નશેડી છે. આ કેવી ભાષા છે ભાઈ? તેમણે મોદીને ગાળો આપતા-આપતા તો બે દાયકા વીતાવી દીધા. પરંતુ હવે આ લોકો ઈશ્વરરૂપી જનતા જનાર્દન પર, યુપીના નવયુવાનો પર જ આ લોકો તેમની હતાશા ઠાલવી રહ્યા છે. જેમના પોતાના હોશના ઠેકાણા નથી તેઓ યુપીના, મારા કાશીનાં બાળકોને નશાખોર-નશેડી કહી રહ્યા છે. હે ઘોર પરિવારવાદીઓ, કાશીના, યુપીના નવયુવાનો તો વિકસિત યુપી બનાવવામાં લાગેલા છે, તેઓ તેમનાં સમૃદ્ધ ભવિષ્યને લખવા માટે તેમના પરિશ્રમની પરાકાષ્ઠા કરી રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધન દ્વારા યુપીના નવયુવાનોનું અપમાન કોઈ ભૂલશે નહીં.

 

સાથીઓ,

આત્યંતિક પરિવારવાદીઓની આ જ અસલિયત હોય છે. પરિવારવાદીઓ હંમેશા યુવા શક્તિથી ડરતા હોય છે, યુવા પ્રતિભાથી ડરતા હોય છે. તેમને લાગે છે કે જો સામાન્ય યુવકને તક મળશે તો તે દરેક જગ્યાએ પડકાર ફેંકશે. તેમને એવા જ લોકો ગમે છે જેઓ દિવસ-રાત તેમની જય-જયકાર કરતા રહે છે. આજકાલ તો તેમના ગુસ્સા અને તેમની હતાશાનું બીજું પણ એક કારણ છે. તેમને કાશી અને અયોધ્યાનું નવું સ્વરૂપ બિલકુલ પસંદ આવતું નથી. તમે જુઓ, તેઓ તેમનાં ભાષણોમાં રામ મંદિર વિશે કેવી કેવી વાતો કરે છે. તેઓ કેવી કેવી વાતોથી હુમલો કરે છે. મને ખબર નહોતી કે કૉંગ્રેસને પ્રભુ શ્રી રામથી આટલી બધી નફરત છે.

ભાઈઓ અને બહેનો,

તેઓ તેમના પરિવાર અને તેમની વોટ બેંકની બહાર જોઈ જ શકતા નથી, વિચારી જ શકતા નથી. તેથી જ તેઓ દરેક ચૂંટણી વખતે સાથે આવે છે અને જ્યારે પરિણામ 'નિલ બટા સન્નાટા' આવે છે ત્યારે તેઓ એકબીજાને ગાળો આપતા અલગ થઈ જાય છે. પણ આ લોકોને ખબર નથી – ઈ બનારસ હૌ, ઈહાં સબ ગુરુ હૌ. ઈહાં ઈંડી ગઠબંધન કે પૈંતરા ના ચલી. બનારસ નાહીં….પૂરે યુપી કે પતા હૌ. માલ એ જ છે, પેકિંગ નવું છે. આ વખતે તો તેમને ડિપોઝીટ બચાવવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડશે.

સાથીઓ,

આજે સમગ્ર દેશનો એક જ મિજાજ છે – અબ કી બાર એનડીએ 400 પાર. મોદીની ગૅરંટી છે- દરેક લાભાર્થીને સોએ સો ટકા લાભ. મોદી લાભાર્થીઓના સંતૃપ્તિની ગૅરંટી આપી રહ્યા છે, તેથી યુપીએ પણ તમામ બેઠકો મોદીને આપવાનો નિર્ણય કર્યો છે. મતલબ કે આ વખતે યુપીમાં સોએ સો ટકા સીટો એનડીએનાં નામે કરવાનું છે.

ભાઈઓ અને બહેનો,

મોદીનો ત્રીજો કાર્યકાળ સમગ્ર વિશ્વમાં ભારતનાં સામર્થ્યનો સૌથી પ્રખર સમયગાળો બનવા જઈ રહ્યો છે. આમાં ભારતના આર્થિક, સામાજિક, વ્યૂહાત્મક, સાંસ્કૃતિક દરેક ક્ષેત્ર નવી ઊંચાઈઓ પર હશે. છેલ્લાં 10 વર્ષમાં ભારત 11મા સ્થાનેથી વધીને 5મી આર્થિક શક્તિ બની ગયું. આવનારા 5 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની જશે. છેલ્લાં 10 વર્ષમાં તમે દેશમાં જોયું છે કે બધું  ડિજિટલ થઈ ગયું છે. આજે તમે ચારે બાજુ ચાર લેન, સિક્સ લેન, આઠ લેનના પહોળા રસ્તા જોઈ રહ્યા છો, રેલવે સ્ટેશનો આધુનિક થતાં જોઈ રહ્યા છે. વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત, આવી ઝડપી અને આધુનિક ટ્રેનો દોડતી જોઈ રહ્યા છો, અને આ જ તો છે નવું ભારત. આવનારા 5 વર્ષમાં આવાં વિકાસનાં કામોને વધુ વેગ મળશે, દેશનો કાયાકલ્પ થવાનો છે. મોદીએ તો ગૅરંટી આપી છે કે તેઓ જે પૂર્વ ભારતને વિકાસથી વંચિત રાખવામાં આવ્યું તેને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનાવીશ. વારાણસીથી ઔરંગાબાદ સુધીના સિક્સ લેન હાઈવેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આગામી 5 વર્ષમાં આ પૂર્ણ થશે તો યુપી અને બિહારને ઘણો ફાયદો થશે. વારાણસી-રાંચી-કોલકાતા એક્સપ્રેસવે એનાથી બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ વચ્ચેનું અંતર વધુ ઘટી જશે છે. ભવિષ્યમાં, બનારસથી કોલકાતાની મુસાફરીનો સમય લગભગ અડધો થઈ જશે.

સાથીઓ,

આગામી 5 વર્ષમાં યુપીના અને કાશીના પણ વિકાસમાં નવાં આયામો ઉમેરાશે. ત્યારે કાશી રોપ-વે જેવા આધુનિક પરિવહનમાં મુસાફરી કરશે. એરપોર્ટની ક્ષમતા અનેક ગણી વધારે હશે. કાશી યુપીનું જ નહીં પરંતુ દેશનું એક મહત્વનું ખેલ નગરી બનશે. આવનારા 5 વર્ષમાં મારી કાશી મેડ ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારતનાં અભિયાનને વધુ વેગ આપશે. આવનારા 5 વર્ષમાં રોકાણ, અને નોકરી, કૌશલ્ય અને રોજગારના હબ તરીકે કાશીની ભૂમિકા વધુ મજબૂત થશે. કાશીનું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી કૅમ્પસ આગામી 5 વર્ષમાં તૈયાર થઈ જશે. આનાથી યુપીના યુવાનોને કૌશલ્ય અને રોજગારીની ઘણી તકો મળશે. આનાથી, આપણા વણકર અને આપણ કારીગરોને પણ નવી ટેકનોલોજી અને નવા કૌશલ્યો આપવાનું સરળ બનશે.

 

સાથીઓ,

છેલ્લા એક દાયકામાં અમે કાશીને આરોગ્ય અને શિક્ષણના હબ તરીકે એક નવી ઓળખ આપી છે. હવે તેમાં નવી મેડિકલ કૉલેજનો પણ ઉમેરો થવા જઈ રહ્યો છે. બીએચયુમાં નેશનલ સેન્ટર ઑફ એજિંગની સાથે સાથે આજે 35 કરોડ રૂપિયાના ઘણા ડાયગ્નોસ્ટિક મશીનો અને સાધનોનું પણ લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આનાથી, સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં આવતા દર્દીઓનું અહીં પરિસરમાં જ નિદાન કરવું સરળ બનશે. કાશીમાં, હૉસ્પિટલોમાંથી ઉત્પન્ન થતા બાયો-વેસ્ટના નિકાલની નવી સુવિધા પણ જલદી તૈયાર થવા જઈ રહી છે.

 

સાથીઓ,

કાશીના, યુપીના અને દેશના ઝડપી વિકાસને હવે અટકવા દેવો નજોઈએ. દરેક કાશીવાસીએ હવે મંડી પડવાનું છે. જો દેશ અને દુનિયાને મોદીની ગૅરંટી પર આટલો ભરોસો છે તો તેની પાછળ તમારું પોતીકાપણું અને બાબાના આશીર્વાદ છે. ફરી એકવાર તમને બધાને નવા પ્રોજેક્ટ્સ માટે અભિનંદન. મારી સાથે બોલો –

ભારત માતા કી જય!

ભારત માતા કી જય!

ભારત માતા કી જય!

હર-હર મહાદેવ!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi