નમસ્કાર।
દેશના લાખો યુવાનોને ભારત સરકાર દ્વારા નોકરીઓ આપવાનું અભિયાન એકધારું ચાલી રહ્યું છે. આજે 50 હજાર કરતાં વધુ યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આ નિમણૂક પત્ર તમારા પરિશ્રમ અને પ્રતિભાનું પરિણામ છે. હું આપને અને આપના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
હવે તમે રાષ્ટ્ર નિર્માણના એવા પ્રવાહમાં જોડાવા જઇ રહ્યા છો, જેનો સીધો સંબંધ જનતા-જનાર્દન સાથે છે. ભારત સરકારના કર્મચારીઓ તરીકે તમારે બધાએ મોટી મોટી જવાબદારીઓ નિભાવવાની છે. તમે ભલે ગમે તે હોદ્દા પર હોવ, તમે જે પણ ક્ષેત્રમાં કામ કરતા હોવ, તમારી ટોચની પ્રાથમિકતા દેશવાસીઓનું જીવન સરળ બનાવવાની હોવી જોઇએ.
સાથીઓ,
થોડા દિવસો પહેલાં જ 26 નવેમ્બરના રોજ દેશે બંધારણ દિવસની ઉજવણી કરી હતી. આ એ તારીખ છે જ્યારે 1949માં દેશે તમામ નાગરિકોને સમાન અધિકાર આપતું બંધારણ અપનાવ્યું હતું. બંધારણના મુખ્ય ઘડવૈયા બાબા સાહેબે એક એવા ભારતનું સપનું જોયું હતું જ્યાં સૌને સમાન તકો પૂરી પાડીને સામાજિક ન્યાયની સ્થાપના કરવામાં આવે. દુર્ભાગ્યવશ, આઝાદી પછી લાંબા સમય સુધી દેશમાં સમાનતાના સિદ્ધાંતની અવગણના કરવામાં આવી.
2014 પહેલાં સમાજનો એક મોટો વર્ગ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત હતો. 2014માં જ્યારે દેશે અમને સેવા કરવાનો અવસર આપ્યો અને સરકાર ચલાવવાની જવાબદારી અમને સોંપી ત્યારે સૌથી પહેલા અમે વંચિતોને પ્રાથમિકતા આપવાના મંત્ર સાથે આગળ વધવાની શરૂઆત કરી હતી. સરકાર પોતે એવા લોકો સુધી પહોંચી છે જેમને ક્યારેય યોજનાઓનો લાભ મળ્યો જ નથી, જેમને દાયકાઓથી સરકાર તરફથી કોઇ સુવિધા મળી જ નથી, અમે તેમના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
સરકારની વિચારસરણીમાં અને કાર્ય સંસ્કૃતિમાં જે પરિવર્તન આવ્યું તેના કારણે આજે દેશમાં અભૂતપૂર્વ પરિણામો સામે આવી રહ્યા છે. નોકરશાહી તો એ જ છે, જનતા પણ એ જ છે. ફાઇલો એ જ છે, કામ કરનારા લોકો પણ એ જ છે, પદ્ધતિ પણ એ જ છે. પરંતુ જ્યારે સરકારે દેશના ગરીબ અને મધ્યમ વર્ગને પ્રાથમિકતા આપી ત્યારે સમગ્ર પરિસ્થિતિમાં પરિવર્તન આવવા લાગ્યું. ખૂબ જ ઝડપી ગતિએ, એક પછી એક કાર્યશૈલી બદલાવા લાગી, કાર્ય પદ્ધતિ બદલાવા લાગી, જવાબદારીઓ નિર્ધારિત થવા લાગી અને સામાન્ય લોકોના કલ્યાણ માટે સકારાત્મક પરિણામો આવવા લાગ્યા.
એક અભ્યાસ અનુસાર, 5 વર્ષમાં દેશના 13 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ બાબત દર્શાવે છે કે, સરકારની યોજનાઓ ગરીબો સુધી પહોંચવાથી કેટલું મોટું પરિવર્તન આવે છે. આજે સવારે જ તમે પોતે જ જોયું હશે કે, કેવી રીતે વિકાસ ભારત સંકલ્પ યાત્રા ગામડે ગામડે જઇ રહી છે. તમારી જેવા જ સરકારી કર્મચારીઓ સરકારી યોજનાઓને ગરીબોના ઘર સુધી પહોંચાડી રહ્યા છે. સરકારી સેવામાં આવ્યા પછી તમારે પણ એ જ નિયત સાથે, સારા ઇરાદા સાથે, એ જ સમર્પણની ભાવનાથી અને એવી જ નિષ્ઠા સાથે લોકોની સેવામાં તમારી જાતને સમર્પિત કરવાની જ છે.
સાથીઓ,
આજના બદલાઇ રહેલા ભારતમાં, તમે બધા એક માળખાકીય સુવિધાઓની ક્રાંતિના પણ સાક્ષી બન્યા છો. આધુનિક એક્સપ્રેસ વે હોય, આધુનિક રેલવે સ્ટેશન હોય, હવાઇમથક હોય, જળ માર્ગો હોય, આજે દેશ આના પર લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છે. અને જ્યારે સરકાર નાણાં ખર્ચી રહી છે અને આટલા મોટા પાયા પર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા પર રોકાણ કરી રહી છે, તે ખૂબ જ સ્વાભાવિક છે, તેને કોઇ નકારી શકે નહીં કારણ કે તેનાથી લાખો નવી રોજગારીની તકો પણ ઊભી થાય છે.
2014 પછી આવેલું બીજું એક મોટું પરિવર્તન એ છે કે વર્ષોથી અટકેલી, વિલંબમાં પડેલી અને ખોરંભે મૂકાયેલી પરિયોજનાઓને શોધી શોધીને તેના કામ મિશન મોડ પર પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. અધુરી છોડી દીધેલી પરિયોજનાઓ દેશના આપણા જે પ્રામાણિક કરદાતાઓ છે તેમના પૈસા તો વેડફી નાખે જ છે, પરંતુ સાથે સાથે ખર્ચમાં પણ વધારો કરે છે અને તેનો જે લાભ મળવો જોઇએ તે મળતો નથી. આ આપણા કરદાતાઓ સાથે થતો મોટો અન્યાય પણ છે.
વિતેલા વર્ષોમાં, કેન્દ્ર સરકારે લાખો કરોડ રૂપિયાની પરિયોજનાઓને ઝડપથી પૂરી કરવા માટે સતત સમીક્ષા અને નિરીક્ષણ કર્યું છે અને તેમાં સફળતા પ્રાપ્ત થઇ છે. આનાથી દેશના ખૂણે ખૂણામાં રોજગારીની ઘણી નવી તકોનું સર્જન પણ થયું છે. ઉદાહરણ તરીકે, બિદર-કલબુર્ગી રેલવે લાઇન એક એવી પરિયોજના હતી, જે 22-23 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ પરિયોજના પણ વિલંબમાં પડી હતી અને અટવાઇ ગઇ હતી. અમે 2014માં તેને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો અને માત્ર 3 વર્ષમાં આ પરિયોજનાનું કામ પૂરું થયું. સિક્કિમમાં પાક્યોંગ હવાઇમથકની કલ્પના પણ 2008માં કરવામાં આવી હતી. પરંતુ 2014 સુધી તે માત્ર કાગળ પર જ બનતું રહ્યું. 2014 પછી, આ પરિયોજના સંબંધિત તમામ અવરોધો દૂર કરવામાં આવ્યા હતા અને તે 2018 સુધીમાં તેનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. આનાથી પણ રોજગારી આપવામાં આવી. પારાદીપ રિફાઇનરી વિશે પણ 20-22 વર્ષ પહેલાં ચર્ચા શરૂ થઇ હતી, પરંતુ 2013 સુધી કંઇ જ ખાસ થયું નહોતું. જ્યારે અમારી સરકાર આવી ત્યારે તમામ પડતર પરિયોજનાઓની જેમ અમે પારાદીપ રિફાઇનરીનું કામ પણ હાથ ધર્યું અને તેને પૂરું કરવામાં આવ્યું. જ્યારે આવી માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓ પૂર્ણ થાય છે, ત્યારે તે માત્ર પ્રત્યક્ષ રોજગારીની તકો જ નહીં, પણ સંખ્યાબંધ પરોક્ષ રોજગારીની તકો પણ ઊભી થાય છે.
સાથીઓ,
દેશમાં રોજગારીનું સર્જન કરતું એક ખૂબ જ મોટું ક્ષેત્ર રિયલ એસ્ટેટ છે. આ ક્ષેત્ર જે દિશામાં જઇ રહ્યું હતું તેમાં બિલ્ડરોની સાથે સાથે મધ્યમ વર્ગની પણ પાયમાલી નક્કી હતી. રેરા કાયદાના અમલના કારણે આજે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા આવી છે, આ ક્ષેત્રમાં સતત રોકાણ વધી રહ્યું છે. આજે દેશમાં એક લાખથી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ રેરા કાયદા હેઠળ નોંધવામાં આવેલા છે. અગાઉના પ્રોજેક્ટ અટકી જતા હતા અને રોજગારીની નવી તકો ઠપ થઇ જતી હતી. દેશનું આ વૃદ્ધિ પામી રહેલું રિયલ એસ્ટેટ ક્ષેત્ર મોટી સંખ્યામાં રોજગારીની તકો ઊભી કરી રહ્યું છે.
સાથીઓ,
ભારત સરકારની નીતિઓ અને નિર્ણયોએ આજે દેશના અર્થતંત્રને નવી ઊંચાઇઓ પર પહોંચાડી દીધું છે. દુનિયાની મોટી મોટી સંસ્થાઓ ભારતના વિકાસ દર સંબંધે ખૂબ જ સકારાત્મક છે. તાજેતરમાં જ, રોકાણના રેટિંગમાં એક વૈશ્વિક અગ્રણીએ ભારતના ઝડપી વિકાસ પર પોતાની મંજૂરીની મહોર લગાવી છે. તેમનું અનુમાન છે કે રોજગારીની વધી રહેલી તકો, કામકાજની વયની મોટી જનસંખ્યા અને શ્રમ ઉત્પાદકતામાં થયેલી વૃદ્ધિને કારણે ભારતમાં ઝડપી ગતિએ વિકાસ થવાનું ચાલું રહેશે. ભારતના વિનિર્માણ અને બાંધકામ ક્ષેત્રની મજબૂતી પણ તેનું એક મોટું કારણ છે.
આ તમામ તથ્યો એ વાતનો પુરાવો છે કે, આવનારા સમયમાં પણ ભારતમાં રોજગાર અને સ્વરોજગારની અપાર સંભાવનાઓનું નિર્માણ થતું રહેશે. દેશના યુવાનો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. સરકારી કર્મચારી હોવાને કારણે આમાં તમારી ભૂમિકા પણ ઘણી મોટી છે. તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારતમાં થઇ રહેલા વિકાસનો લાભ સમાજની છેવાડાની વ્યક્તિ સુધી પહોંચે. કોઇપણ ક્ષેત્ર ભલે ગમે તેટલું દૂર હોય, તેવા ક્ષેત્રો પણ તમારી પ્રાથમિકતાએ હોવા જોઇએ. કોઇ વ્યક્તિ ભલે ગમે તેવા દુર્ગમ સ્થળે હોય, તમારે તેના સુધી પહોંચવાનું જ છે. ભારત સરકારના કર્મચારી તરીકે, જ્યારે તમે આ અભિગમ સાથે આગળ વધશો ત્યારે જ વિકસિત ભારતનું સપનું સાકાર થશે.
સાથીઓ,
આવનારા 25 વર્ષ તમારા અને દેશ માટે ખૂબ જ મહત્વનાં છે. બહુ ઓછી પેઢીઓને આ પ્રકારની તક મળી છે. આ તકનો ભરપૂર ઉપયોગ કરો. હું આપ સૌને એવો જ આગ્રહ કરું છું કે, તમે બધા નવા અભ્યાસ મોડ્યૂલ “કર્મયોગી પ્રારંભ”માં અચુક જોડાઓ. આપણો એક પણ સાથી એવો ન હોવો જોઇએ જે તેની સાથે જોડાઇને પોતાની ક્ષમતામાં વધારો ન કરે. શીખવાની તમારી જે વૃત્તિ તમને આ મુકામ સુધી લઇને આવી છે, તે જ શીખવાની વૃત્તિને ક્યારેય બંધ ન થવા દેશો, એકધારા શીખતા જ રહો, સતત તમારી જાતનું સંવર્ધન કરતા રહો. આ તમારા જીવનની શરૂઆત છે, દેશ પણ આગળ વધી રહ્યો છે, તમારે પણ આગળ વધવાનું છે. આટલેથી અટકી નથી જવાનું. અને આ માટે ઘણી મોટી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કર્મયોગી પ્રારંભની શરૂઆત એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ત્યારથી લાખો નવા સરકારી કર્મચારીઓ તેના દ્વારા તાલીમ લઇ ચુક્યા છે. જે લોકો મારી સાથે પ્રધાનમંત્રી કાર્યાલયમાં, PMOમાં કામ કરી રહ્યાં છે, તે બધા જ સિનિયર લોકો છે, તેઓ દેશની મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપે છે, પરંતુ તેઓ પણ તેની સાથે જોડાયેલા છે અને સતત ટેસ્ટ આપી રહ્યા છે, પરીક્ષાઓ આપી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે. જેના કારણે તેમની ક્ષમતા, તેમનું સામર્થ્ય મારા PMOને પણ મજબૂત કરે છે અને દેશને પણ મજબૂત બનાવે છે.
આપણા ઑનલાઇન તાલીમ પ્લેટફોર્મ iGoT કર્મયોગી પર પણ 800 થી વધુ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. તમારું કૌશલ્ય વધારવા માટે અચૂક તેનો ઉપયોગ કરો. અને જ્યારે આજે તમારા જીવનની નવી શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે તમારા પરિવારના સપનાઓને નવી ઊંચાઇ મળી રહી છે. મારા વતી, હું તમારા સૌના પરિવારના સભ્યોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જ્યારે તમે સરકારમાં આવ્યા છો, ત્યારે એક વાત આજે જ તમારી ડાયરીમાં લખી લો કે એક સામાન્ય નાગરિક તરીકે તમારી ઉંમર 20, 22, 25 વર્ષ ભલે ગમે તે હોય, સરકારમાં તમારે ક્યાં ક્યાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો? ક્યારેક બસ સ્ટેશન પર સમસ્યા આવી હશે, તો ક્યારેક પોલીસના કારણે ચારરસ્તા પર પણ સમસ્યા આવી હશે. ક્યાંક સરકારી ઓફિસમાં પણ સમસ્યા આવી હશે.
તમે બસ તેને યાદ કરો અને નક્કી કરી લો કે, મારે જીવનમાં સરકાર તરફથી જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, અને ભલે તે કોઇપણ સરકારી કર્મચારીને કારણે થયો હોય, તે હું ક્યારેય, કમસે કમ મારા જીવનમાં, કોઇપણ નાગરિકને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તેવો વ્યવહાર ક્યારેય નહીં કરું. જો તમે એટલો જ નિર્ણય લઇ લેશો કે મારી સાથે જે થયું તે હું કોઇની સાથે નહીં થવા દઉં. તો તમે કલ્પના કરી શકો છો કે, સામાન્ય લોકોના જીવનમાં આપણે કેટલી મોટી સહાયતાનું કામ કરી શકીએ છીએ. રાષ્ટ્ર નિર્માણની દિશામાં તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે.
ખૂબ ખૂબ આભાર.