(ઑડિયન્સમાંથી મોદી... મોદી... અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
મારા જીવનનું એ સૌભાગ્ય રહ્યું કે જીવનના પ્રારંભિક વર્ષો હતા. 22 – 25 વર્ષની ઉંમર હતી. અને સામાજિક જીવનની હજુ હું પા પા પગલી ભરતો હતો. અને મને શરૂઆતમાં જ આદિવાસી ક્ષેત્રમાં કામ કરવાનું સૌભાગ્ય મળ્યું. અને એમાંથી હું જે શીખ્યો, જે સંસ્કાર મળ્યા, અને જ્યારે એ વિસ્તારમાં આવું, એ લોકો વચ્ચે આવું, ત્યારે મારો આનંદ અનેકગણો વધી જતો હોય છે. અને તમે જ્યારે આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા આવ્યા છો. આ આશીર્વાદ માત્ર ચુંટણી માટેના આશીર્વાદ છે, એવું નથી. આ આશીર્વાદ વિકસિત ગુજરાત બનાવવાનો સંકલ્પ બતાવે છે, સંકલ્પ.
અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એ ભાગ્યવાન છીએ કે આજે આટલી મોટી સંખ્યામાં અમારા બધા ઉમેદવારોને વિજયી બનાવવા માટે આપ મેદાનમાં ઉતર્યા છો. આ ચુંટણી તમે લડી રહ્યા છો, ભાઈઓ. ચુંટણી આ મારા ગુજરાતના ભાઈઓ, બહેનો લડી રહ્યા છે. અને આજે જ્યારે, સૌથી પહેલા ગુજરાત ભાજપના અમારા સાથીઓ અને જે રીતે અમારા ભુપેન્દ્રભાઈ અને સી. આર. પાટીલની ટીમે ગુજરાત ભાજપની ટીમે જે રીતે ગઈ કાલે સંકલ્પપત્ર જાહેર કર્યો છે. એના માટે હું ગુજરાત ભાજપ એકમને હૃદયથી ખુબ ખુબ અભિનંદન આપું છું.
એમણે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને ઓર અધિક જોમવંતી બનાવવાની, ઓર અધિક તેજ બનાવવાની. અહીંયા વેપાર, કારોબાર દૂરસુદૂર પહોંચે, નાના નાના નગરોમાં પણ આર્થિક પ્રવૃત્તિ વધે, એમણે અમારા આદિવાસી ભાઈ, બહેનો, આત્મનિર્ભર બને, આદિવાસી વિસ્તારો સમૃદ્ધ બને, ગરીબોનું કલ્યાણ થાય, મધ્યમ વર્ગના સપનાં સાકાર થાય, એમના મેનિફેસ્ટોમાં, સંકલ્પપત્રમાં બાળકથી માંડીને બુઝુર્ગ સુધી, સૌની ચિંતા કરી છે.
એમણે શહેરની પણ ચિંતા કરી છે. ગામડાની પણ કરી છે. એમણે વડીલોની પણ કરી છે, માતાઓ, બહેનોની પણ કરી છે. અને સૌથી વધારે વાત, અમારા નવજવાનીયાઓ માટે, દેશની જવાન દીકરી, દીકરા, દીકરીઓ, આ મારા ગુજરાતની યુવા પેઢી, એનું ભાગ્ય ઉજ્જવળ કરવાની વાત. આ સંકલ્પપત્ર એટલો બધો વ્યાપક છે, એટલું બધું સર્વસ્પર્શી છે કે જેના કારણે સીધી લીટીમાં ખબર પડે કે ગુજરાત વિકસિત થવાની દિશામાં નક્કર, મક્કમ, સાચા અને સારા પગલાં લઈને આગળ વધી રહ્યું છે.
ભાઈઓ, બહેનો,
સંકલ્પપત્રને, મને પુરો વિશ્વાસ છે કે ભુપેન્દ્રભાઈની સરકાર તો એને ચરિતાર્થ કરવા માટે પાંચ વર્ષ ખપાવવાની છે, પણ દિલ્હીમાં બેઠેલો આ મોદી પણ એના માટે પુરી તાકાત લગાવશે. અને ગુજરાત ભાજપના સંકલ્પપત્ર પછી ખાસ કરીને શહેરના કેટલાક ભાઈઓ જોડે વાત થઈ. ખેડૂત આગેવાનો જોડે વાત થઈ. આદિવાસી આગેવાનો જોડે વાત થઈ. તો મને થયું કે જરા પુછું તો ખરા, ભઈ કે સંકલ્પપત્રમાં કેમ... એક અવાજે બધા પાસે એક જ વાત સાંભળી કે સાહેબ, આ સંકલ્પપત્ર એટલો બધો સ્પષ્ટ છે, એટલો બધો સર્વસ્પર્શી છે કે હવે ભાજપની સીટો પહેલા કરતાય વધી જશે. અને અમે જીતવાના હતા એના કરતા વધારે જીતીશું, અને જીતવાના છીએ એ વધારે વોટોથી જીતીશું.
ભાઈઓ, બહેનો,
હું જ્યારે 2001માં નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો, અને ત્યારે ગુજરાતામાં દીકરીઓના ભણતરની સ્થિતિ બહુ ચિંતાજનક હતી. એ વખતે અમારા ચંદુભાઈ દેશમુખ એમ.પી. થયા કરતા હતા. એ દિવસોમાં હું નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો. અને દીકરીઓ ભણવા લઈ જવી એના માટે ઘેર ઘેર જઈને ભિક્ષા માગવાનું મેં નક્કી કર્યું. અને સૌથી પહેલા આપણા આ વિસ્તારમાં હું આવ્યો હતો. ધોમધખતા તાપમાં ત્રણ દિવસ અહીંયા રોકાણો હતો. અને ઘેર ઘેર જઈને દીકરીને મને ભિક્ષા આપો. હું કહેતો હતો કે હું તમારા ઘેર ભિક્ષા લેવા આવ્યો છું. મને દીકરીને ભણાવવામાં માટેનું વચન મને ભિક્ષામાં આપો અને હું દીકરીઓને નિશાળે લઈ જતો હતો.
અને એનું પરિણાણ આવ્યું કે આજે ગુજરાતમાં દીકરીઓ ભણવા માંડી, એમના માટે એક સારું વાતાવરણ, આધુનિક સુવિધાઓ, ભણી-ગણીને આગળ વધવા માટે ચિંતા. 20 વર્ષ પહેલા ગુજરાતમાં શાળાએ દાખલ તો થાય, પણ ચોથા ધોરણમાં આવતા આવતા લગભગ દીકરીઓ નિશાળ છોડીને ઘેર પાછી આવતી હતી. મા-બાપના પણ મગજમાં ઘુસી ગયું હતું. આ દીકરીને તો સાસરે વળાવવાની છે, એને ભણાવીને શું કરવું છે. આવું માનતા હતા. આજે ગુજરાતની દીકરીઓ, મારી આદિવાસી દીકરીઓ હિન્દુસ્તાનની અંદર નામ કમાઈ રહી છે, નામ કમાઈ રહી છે. અને આદિવાસી વિસ્તારનો મને ખુબ લાભ મળ્યો.
આજે ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટામાં 10,000 જેટલી સ્કૂલ-કોલેજો. એ એટલા માટે શક્ય બન્યું, કારણ કે દીકરા, દીકરીઓમાં ભણવાનો ઉમંગ આવ્યો. મા-બાપમાં જાગૃતિ આવી અને જેમ જેમ તમારી અપેક્ષા વધતી ગઈ, અમે શાળાઓ બનાવતા ગયા, કોલેજો બનાવતા ગયા, યુનિવર્સિટી બનાવતા ગયા. અને તમારા સપના સાકાર કરવા માટેનો પાયો મજબુત કરતા ગયા, ભાઈ. અને આના કારણે આદિવાસી બાળકો, એમને ભણવાની સુવિધા મળી. સ્કિલ ડેવલપમેન્ટની સુવિધા મળી. અને રોજગાર માટેના એમના અવસર ઉભા થયા, ભાઈઓ.
પરંતુ એક મહત્વનું કામ આપણે કર્યું. તમે વિચાર કરો, આઝાદીના આટલા બધા વર્ષો થયા. ગુલામી ગઈ, પણ ગુલામી ગઈ એનો લાભ મારા ગામડાના માનવીને, મારા ગરીબ માનવીને કેમ ન મળે, ભાઈ? તમે વિચાર કરો કે આઝાદીના 75 વર્ષ થાય ત્યાં સુધી તમારે ડોક્ટર થવું હોય તો અંગ્રેજીમાં ભણવું પડે. તમારે એન્જિનિયર થવું હોય તો તમારે અંગ્રેજીમાં ભણવું પડે, અને અંગ્રેજીમાં ભણવું હોય તો મોટા શહેરમાં જવું પડે. હવે અમારા આદિવાસી દીકરા, દીકરીઓ, શહેરમાં ભણવા માટે પૈસા લાવે ક્યાંથી? અમારો ગામડાનો માનવી લાવે ક્યાંથી? અમારો ગરીબ માનવી લાવે ક્યાંથી? આને કારણે એનું ડોક્ટર બનવાનું, એનું એન્જિનિયર બનવાનું સપનું કયારેય પુરું ન થાય.
ભાઈઓ, બહેનો,
75 વર્ષ સુધી આ કોંગ્રેસવાળાને સુઝ્યું નહિ. આ તમારી વચ્ચે મોટો થયેલો મોદી. એ દિલ્હી ગયો. એણે નક્કી કર્યું કે હવે ડોક્ટર થવું હોય તો માતૃભાષામાં ભણી શકાય. એન્જિનિયર થવું હોય તોય માતૃભાષામાં ભણી શકાય. પોતાની ભાષામાં ભણીને ડોક્ટર બનાય, એન્જિનિયર બનાય, અને આપણે શરૂ કરી દીધું ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
આ ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર, જનતા જનાર્દનની સેવા, એ સંસ્કાર લઈને કામ કરી રહી છે, અને મારું તો સદભાગ્ય છે કે ગુજરાતે, તમે બધાએ મને જે શિક્ષણ આપ્યું. મારા જે સંસ્કાર કર્યા, એ સંસ્કાર આજે પણ મને લેખે લાગે છે. અને દિલ્હીમાં ગયો તો પણ હૈયે તો તમે જ બધા હો. અને એના કારણે, એના કારણે, કાર્યક્રમોની રચના, વિચાર આવે ને, એ પણ તમારી રોજબરોજની જિંદગી... કારણ કે આખા દેશમાં, આ ચિત્ર સમાન હોય છે.
હવે આપ વિચાર કરો. શૌચાલય બનાવવાની વાત હોય, ગેસ કનેક્શન આપવાની વાત હોય, નળનું કનેક્શન આપીને નળથી જળ આપવાનું હોય. ગયા 8 વર્ષમાં આવા તો અનેક કામો. આપ વિચાર કરો, હિન્દુસ્તાનમાં અનેક, હજારો, લાખો ઘર એવા હતા કે આઝાદીના 75 વર્ષ પછી વીજળીનું કનેક્શન નહોતું, ભાઈ. આજે પણ પાણીના કનેક્શન ના હોય એવા આપણા દેશમાં ઘરો હોય. તમારો દીકરો દિલ્હીમાં બેઠો હોય, એને દુઃખ થાય કે ના થાય? ભાઈ... અને એટલે આખી સરકારની તાકાત લગાડી કે મારે ઘેર ઘેર નક્કી કરેલી સુવિધાઓ પહોંચાડવી છે.
સરકારોને દોડાવું છું, બરાબર દોડાવું છું, દોસ્તો. જલદીમાં જલદી મારે આ બધું પહોંચાડવું છે. અને એટલે આ વખતે મેં તો લાલ કિલ્લાથી કહી દીધું કે હવે મારે, આટલું થયું, આટલું થયું, નહિ... સો એ સો ટકા પુરું થયું, એની વાત કરો, ભાઈ. કામ સો એ સો ટકા પુરું થવું જોઈએ, ભાઈ. હવે સાહેબ, 95 પહોંચી ગયા ને 96 પહોંચી ગયા ને, સાહેબ, પહેલા તો કંઈ હતું જ નહિ ને... બધું બરાબર. પણ હવે? હવે સો ટકા. અને બધાને સો ટકા હોય ને, ભાઈ, એટલે વહાલા-દવલા થાય જ નહિ. કરપ્શન કરવું ના પડે. ગરીબને ઘર મળ્યું હોય તો બાજુવાળાને ખબર હોય. ભલે અત્યારે નથી મળ્યું, છ મહિનામાં મારો વારો આવશે. કેમ? તો મોદી સાહેબે સો ટકા કહ્યું છે. એટલે કોઈ કોઈને કટકી મળે જ નહિ. કરપ્શન બંધ. આ કામ આપણે કરીએ છીએ.
હવે આપ જુઓ. પ્રધાનમંત્રી આવાસ યોજના. અને જુદી જુદી આવાસ યોજનાઓ લઈને આપણે કામે ચાલ્યા. હવે પહેલા કેવું હતું કે સરકાર નક્કી કરે કે આવી દીવાલ, આવું બારણું, આવી બારી, આવું ઘર. હવે પેલો જ્યાં રહેતો હોય એને કેવું ઘર જોઈએ, એના ઘરમાં ઢોરઢાંખર હોય, બકરી હોય, મરઘાં હોય, તો એને ઘર કેવું જોઈએ, ભાઈ, એ સરકાર નક્કી કરે? ગાંધીનગરથી? દિલ્હીથી? મેં કહ્યું કે એ નહિ થાય, ભાઈ... એ જ નક્કી કરે. જેને ઘરમાં રહેવાનું છે, એ જ નક્કી કરે, એને ઘર કેવું બનાવવું છે. એ જ નક્કી કરે, એને કેવો માલસામાન વાપરવો છે. અને કોઈ પોતાનું ઘર ખરાબ બનાવે જ નહિ. એ બનાવે, ભાઈ? કોઈ પોતાનું ઘર ખરાબ બનાવે? આપણે એના પર ભરોસો કરવાનો હોય કે ના હોય?
અમે તમારા પર ભરોસો કરીએ ને તમે ભાજપ પર ભરોસો કરો. આ જ તો આપણું કામ છે. એટલે આપણે નિયમો બદલી નાખ્યા. નિયમો બદલી નાખ્યા કે ભાઈ, જેને ઘર આપવાનું છે, એક તો સાચા માણસને મળવું જોઈએ. બીજું, પૈસા સીધા એના બેન્ક ખાતામાં નાખો. વચ્ચે કોઈ વચેટીયો નહિ. કાકા-મામાવાળી વાત જ નહિ. અને આપણે સીધા એના ખાતામાં પૈસા નાખીએ. ડિઝાઈન એ બનાવે. પછી કહ્યું કે તમારે ફોટો પાડીને આટલું કામ થાય એટલે ફોટો પાડીને અમને બતાવી દેવાનું. પછી આટલું કામ થાય એટલે ફોટો પાડીને બતાવી દેવાનું. એટલે બીજા પૈસા આવી જાય. માલ ક્યાંથી લાવ્યો છે, એનું બિલ બતાવી દેવાનું.
સાહેબ, આ દેશના ગરીબ માણસે ઈમાનદારીથી કર્યું. 3 કરોડ કરતા વધારે ઘર લોકોના બની ગયા. જે ફૂટપાથ પર રહેતા હતા, ઝુંપડીમાં રહેતા હતા, એ પાકા ઘરમાં રહેતા થઈ ગયા, ભાઈઓ. અને ઘર બનાવવાનું કામ કેન્દ્ર સરકારની યોજના. ગુજરાતના ગરીબો. 10 લાખથી વધારે પાકા ઘર, 10 લાખ એકલા ગુજરાતમાં, ભાઈઓ, અને એમાંથી 7 લાખ ઘર તો બનીને લોકો રહેવા ગયા. આ વખતે એમણે દિવાળી નવા ઘરમાં કરી, ભાઈઓ. અમારા આદિવાસી વિસ્તારમાં, આપણા વિસ્તારમાં પણ આ પી.એમ. આવાસ યોજના અંતર્ગત લગભગ 20,000 ઘર બન્યા છે. આપણા આ પટ્ટામાં જ ખાલી. 20,000 પરિવારોને પાકા, મજબુત ઘર મળી ગયા.
ભાઈઓ, બહેનો,
હમણા હું હેલિકોપ્ટરમાં આવીને ઉતર્યો, તો બધા જુના જુના જોગીઓ મળ્યા. તો, મન થાય ને, ગપ્પા મારું, જરા મન તો થાય. કારણ કે વર્ષોથી તમારા બધા વચ્ચે કામ કર્યું છે. એટલે મારા માટે તો આ ચુંટણી પ્રચાર માટે કહેવાય જ નહિ. મારા માટે તો જુના સાથીઓને મળવાનું અને તમને બધાને, દર્શન કરવાના, એ જ કામ છે મારે તો. કારણ કે ચુંટણી તો તમે જીતાડવાના જ છો. ચુંટણી તો તમે જીતાડવાના જ છો. તમે નક્કી જ કર્યું છે. આપ વિચાર કરો, તમારી વચ્ચે મોટો થયો, એટલે મને ખબર પડે કે તકલીફ કઈ હોય?
આટલી મોટી ભયંકર મહામારી આવી. આખી દુનિયામાં આવી. આપણા ઘરમાં આવી મોટી માંદગી આવે ને તો પાંચ – દસ વર્ષ સુધી ઉભા ના થઈ શકીએ, ભઈ, ઘરમાં. આવડા મોટા દેશ પર આવડી મોટી મહામારી આવી. આ દેશ કેવી રીતે ઉભો થયો? આખી દુનિયા હલી ગઈ છે, આજે પણ. આખી દુનિયાને હજુ ટપ્પો પડતો નથી, ભાઈ. પણ આપણે પહેલું કામ કર્યું. ભલે મુસીબત આવી હોય. કારખાના પણ બંધ થયા હશે, શહેરમાંથી લોકો ડરીને ગામડે ગયા હશે. ગમે તેમ થાય, ગરીબના ઘરનો ચુલો ના ઓલવાવો જોઈએ. ગરીબના ઘરમાં છોકરું સાંજે ભુખ્યું ના સૂવે, એ ચિંતા દિલ્હીમાં બેઠેલો તમારો આ દીકરો કરતો હતો ભાઈ.
3 વર્ષ થયા, 80 કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડ્યું. મને આ બધા કાર્યકર્તાઓ મળ્યા, હેલિપેડ પર મળ્યા. કહે, સાહેબ, આ લોકો, તમને... અમે જ્યાં જઈએ ત્યાં આશીર્વાદ આપે છે. એ મત તો પછી, કહે આશીર્વાદ આપો મોદી સાહેબને, કે અમારા ઘરમાં ચુલો એક પણ દિવસ ઓલવાણો નથી. એક જણાએ તો એવું કહ્યું કે પહેલા સાહેબ, ચોખા શોધવા જતા હતા. સાંજ પડે પૈસા ભેગા કરતા હતા, ચોખા લેવા. આજે ચોખા શેનું, ચોખાનું શું બનાવું, એ નક્કી કરવામાં ટાઈમ જાય છે. એટલા બધા ચોખા ઘરમાં પડ્યા છે.
આપણા ભરુચ જિલ્લામાં સાડા આઠ લાખ, સાડા આઠ લાખ લોકો, એમને ઘરમાં ચુલો આપણે ઓલવાવા નથી દીધો, ભાઈઓ. આ સાડા આઠ લાખ લોકો. આ આંકડો બહુ મોટો છે, ભાઈ. આપણા એક પડોશીને ઘેર ખાલી મદદ કરીએ ને, વાટકી ઘઉં આપ્યા હોય ને, તો એમ થાય કે મદદ કરી. આજે તો આખા દેશને મદદ થઈ રહી છે, ભાઈઓ. અમારા મનમાં એક જ વિચાર કે અમારા ગરીબ પરિવારને અનાજની, ખાવાની, છોકરાને રાત્રે ભુખ્યા ન રહે એની ચિંતા આપણે કરીએ. બીજું કામ આવ્યું. ભઈ, આ માંદગીમાં ભુખ્યો તો ના રહે પણ વેક્સિનની તો, દવાની તો વ્યવસ્થા કરવી જ પડે. અને મારે હિન્દુસ્તાનના બધા નાગરિકોનો આભાર માનવો છે, હજુ દુનિયાના દેશના લોકો, એમના દેશમાં વેક્સિનેશનમાં પા પા પગલી ચાલે છે, આપણે 200 કરોડ કરતા વધારે ડોઝ આપી દીધા. અને મફતમાં.
બોલો, તમારા બધાનું ટીકાકરણ થયું છે કે નથી થયું?
વેક્સિનેશન થઈ ગયું, બધાનું?
એક રૂપિયો આપવો પડ્યો?
જિંદગી બચાવી કે ના બચાવી? દુનિયામાં હજીય વલખા મારે છે, ભાઈઓ. અને બે ડોઝ તો આપ્યાસ પછી લાગ્યું કે ના, કોઈને બુસ્ટરની જરૂર છે, બુસ્ટર પણ મફતમાં. જાઓ, ભાઈ, લઈ જાઓ. તમારું જ છે. અને તમે છો, તો દેશ છે, ભાઈઓ. એટલા માટે આ કામ કરીએ છીએ. કોંગ્રેસ સરકારોએ એમના જમાનામાં કોઈ વેક્સિનની વાત આવી હોય ને, સાહેબ, 20 – 20, 25 વર્ષ સુધી આદિવાસી વિસ્તારમાં પહોંચે જ નહિ. નંબર જ ના લાગે. પહેલા તો એમનું થાય. પછી એમના સગા-વહાલાનું થાય. પછી એમના મળતીયાઓનું થાય. પછી શહેરોમાં થાય. આદિવાસી પટ્ટામાં જતા જતા તો બબ્બે દસકા જતા રહે, ભાઈ. આ મોદીએ નક્કી કર્યું, પહેલા મારા ગરીબ આદિવાસીઓને વેક્સિનેશન થાય. આખા દેશમાં એક સાથે ઉપાડ્યું, ભાઈઓ. ટીકાકરણનું કામ દુનિયાના કેટલાય દેશો, એમના કરતા અનેકગણું ટીકાકરણ આપણે કર્યું. ભાજપ સરકાર, ગરીબ, મધ્યમ વર્ગ, આ બધાને મફતમાં ટીકા આપવાની ચિંતા કરી.
ભાઈઓ, બહેનો,
જેમ ઘરોમાં શૌચાલય જોઈએ, પાણી જોઈએ, વીજળી જોઈએ, ગેસ જોઈએ. પરંતુ હવે દુનિયા બદલાણી છે, ભાઈ. એટલેથી ન ચાલે. હવે તો એને મોબાઈલેય જોઈએ. અહીં બધાના હાથમાં મોબાઈલ હશે. આમ ફિલ્મ ઉતારતા હોય. ડિજિટલ ઈન્ડિયાનું મિશન લઈને આપણે ચાલ્યા. કારણ કે મારે આપણું હિન્દુસ્તાન આધુનિક બનાવવું છે. મારા હિન્દુસ્તાનના પ્રત્યેક વ્યક્તિના એમ્પાવરમેન્ટ માટે ડિજિટસ મુવમેન્ટનો ઉપયોગ કરવો છે. મારા ગુજરાતના યુવાઓને પણ મોબાઈલની તાકાત, ડિજિટલ તાકાત અને તમે વિચાર કરો, સાહેબ...
હમણા દિલ્હીમાં એક કાર્યક્રમ હતો. 22 દેશના વિદ્યાર્થીઓ આવ્યા હતા, 22 દેશના. હેકેથોન હતું. ભારતના ને આ 22 દેશના. આ 22 દેશના વિદ્યાર્થીઓને આશ્ચર્ય હતું કે ભારતમાં ડેટા, આ મોબાઈલ ફોન આટલો સસ્તો છે, એ એમના માટે આશ્ચર્ય હતું. આજે તમારે સગા-વહાલાને ફોન કરવો હોય, કોઈ ઘરની બહાર ગયું હોય તો, કલાકો સુધી ફોન પર વાત કરો, રૂપિયાનું બિલ આવે છે, ભાઈ? કોઈ બિલ આવે છે? હવે તો વીડિયો કોન્ફરન્સ કરો તોય, હા, પછી મન થાય, ભણવું હોય તો મોબાઈલ ફોનથી ભણે, વીડિયો જુએ, વોટસેપ કરવું હોય. આજે આ બધું સસ્તુ કરી નાખ્યું ભાઈ. એના કારણે એને દુનિયામાં કોઈ માહિતી જોઈતી હોય.
કોમન સર્વિસ સેન્ટર ઉભા કર્યા. એના કારણે ગરીબ માણસને બધી સુવિધા ડિજિટલ મળવા માંડી. આજે લોકોને રોજગાર મળ્યા. 4 લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટર. અને આ ડિજિટલ ઈન્ડિયા છે ને, બીજો એનો લાભ થવાનો છે. આવનારા દિવસોમાં કંઈ માંદગી આવી, તો તમે મોબાઈલ ફોનથી એની વિગતો લઈને શહેરમાં બેઠેલા મોટામાં મોટા ડોક્ટરની તાત્કાલીક સારવાર લઈ શકો. પછી હોસ્પિટલ લઈ જવાનો ટાઈમ મળે, એટલે લઈ જઈએ. પણ તાત્કાલીક આ તમારા મોબાઈલ ફોનથી આ થવાનું છે, ભાઈ. આ કામ. અને આના કારણે તમારા ખિસ્સામાં...
જો કોંગ્રેસ હોત, તો આ મોબાઈલ ફોનનું તમારું બિલ 4 થી 5 હજાર રૂપિયા મહિને આવતું હોત. એ જે ભાવ હતા, એમના જમાનામાં. આપણે આવીને એના ભાવ ઘટાડી નાખ્યા. આજે સો, દોઢ સો રૂપિયાના બિલમાં તમારા મોબાઈલ એય ચકાચક ચાલે છે, આપણે તો... અને હવે તો 5-જી. 5-જી લોન્ચ થઈ ગયું, ભૈયા. 2-જી, 4-જીમાંથી બહાર નીકળ્યા અને 5-જીમાં આપણે પહોંચી ગયા. અને આ 5-જીના કારણે સુવિધાઓ એટલી, અને 5-જી એટલે શું છે? ખબર છે? 4-જી અને 5-જીમાં ફરક શું? 4-જી એટલે સાયકલ અને 5-જી એટલે વિમાન. આટલો બધો ફરક છે. તમારા હાથમાં તમે જેવું ચાલુ કરશો ને, ખબર પડશે કે કેટલી બધી તમારી તાકાત વધી ગઈ છે. અને એનો બહુ જ મોટો લાભ આપણને મળવાનો છે.
અહીંયા આવવામાં હું જરા બે મિનિટ મોડો પડ્યો. મોડો એટલા માટે પડ્યો કે બે આદિવાસી બાળકોને મળવું હતું. એકનું નામ અવિ અને બીજાનું નામ જય. અહીંયા બેઠા હશે કદાચ. અવિ નવમામાં ભણે છે અને જય છઠ્ઠામાં ભણે છે. આદિવાસી સંતાનો છે બંને. આપણે અહીંયા પડોશમાં જ છે. એ બે ભાઈ-બહેનના, બંને ભાઈઓના માતા-પિતા આજથી છ વર્ષ પહેલા ગુજરી ગયેલા, બીમારીના કારણે.
આપ વિચાર કરો, છ વર્ષથી આ બે ભાઈ, એ વખતે એની ઉંમર હશે આઠ વર્ષ અને બીજાની ઉંમર હશે બે વર્ષ. આ ભાઈ એકબીજાને મદદ કરે, મોટા કરે, જાતે રાંધે, જાતે ખાય, ઘર નહિ, કંઈ નહિ. એ કોઈ વીડિયો મેં જોયો. મારા ધ્યાને આવ્યો, અને મને થયું કે અરે, આ દશા... એટલે મેં અમારા સી. આર. પાટીલને ફોન કર્યો, મેં કહ્યું, ભાઈ, આ બે દીકરાઓની ચિંતા આપણે કરવાની છે. તમને જાણીને આનંદ થશે, મારા આદિવાસી બે દીકરાઓ જેમને મા-બાપ નથી. દિલ્હીમાં હું બેઠો હતો. એમને ખોટ ના સાલવા દીધી. ઘર બનાવી દીધું. ઘરમાં પંખો, કોમ્પ્યુટર, ટી.વી. બધી વ્યવસ્થા થઈ ગઈ. એટલે આજે એ બાળકો મળવા આવ્યા હતા.
મેં એમને કહ્યું કે તમારે જ્યાં ભણવું હશે ત્યાં લઈ જઈશ. શું કરવું છે? એક કહે કે, મારે કલેક્ટર બનવું છે, બીજો કહે કે મારે એન્જિનિયર બનવું છે. સાહેબ, જેના મા-બાપ નથી, જેણે જાતે મહેનત કરીને રોટલા શેકીને છ વર્ષની ઉંમરે જિંદગી શરૂ કરી છે, એ છોકરા જ્યારે આજે દેશના પ્રધાનમંત્રીની બાજુમાં ઉભા રહીને આ સંકલ્પ અને સપનાં જોતા હોય ને, તો મને પણ મારી જાત ઘસવાનો આનંદ આવતો હોય છે. મને આનંદ થયો, આજે આ બે દીકરાઓને મળીને. બહુ નાની ઉંમરના છે. બિચારાઓને બીજી કંઈ ખબર નથી. મુસીબતમાં જિંદગી કેવી રીતે કાઢી હશે. હું કલ્પના કરી શકું છું, પણ આજે સરસ મજાનું ઘર એમને આપી દીધું છે. બધી વ્યવસ્થાઓ ઉભી કરી દીધી છે અને એ બાળકો ભણી-ગણીને આગળ જાય, એની પણ ચિંતા હું કરતો રહીશ, એવો મારો પાકો વિશ્વાસ છે, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
અમારા ખેતીનું કામ. આપણા વિસ્તારમાં નાની નાની ખેતી. સિંચાઈની વ્યવસ્થાઓ. પાણીની મુશ્કેલીઓ. વરસાદના પાણીથી ગુજારો થાય. એમાંથી આપણે કરતા હતા. અને માંડ એક પાક પાકે. એક પાક. એમાંય કંઈ ઠેકાણા નહિ. એમાંય અમારી આદિવાસી માતાઓ, બહેનો મહેનત બહુ કરે બિચારી. બહુ મહેનત કરે. આજે મારો આદિવાસી ભાઈ બે બે પાક લેતો થઈ ગયો છે. 20 વર્ષ પહેલા ખેડૂતને વીજળીના તો ફાંફા પડતા હતા. આજે અમે વીજળી પહોંચાડી છે, ઘરોમાં 24 કલાક. અને ખેતરમાં પર્યાપ્ત વીજળી. જેના કારણે એનો પાક પીળો ન પડી જાય એની અમે ચિંતા કરી.
પણ એટલેથી ચાલે નહિ. અમારા ખેડૂત ભાઈઓને બીજ લાવવાનું હોય, દવાઓ લાવવાની હોય, ખાતર લાવવાનું હોય. એ સમય ઉપર એને પૈસા જોઈએ. દર વર્ષે ત્રણ વખત બબ્બે હજાર રૂપિયા સીધા આ પી.એમ. સન્માન નિધિના આ મારા આદિવાસી ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય છે. આપણા આ જ વિસ્તારમાં બે લાખ ખેડૂતોને એના ખાતામાં પૈસા જાય છે. અને ખાતામાં જાય છે, એટલે બીજો ખાતો નથી. સીધા પૈસા ખાતામાં જાય એટલે બીજો કોઈ ખાતો નથી. કોઈ વચેટીયા કંપની નહિ, કોઈ ચોરી નહિ, કોઈ લૂંટ નહિ, સીધા એના ખાતામાં પૈસા જાય અને લગભગ 400 કરોડ રૂપિયા, ભાઈઓ, નાના નહિ, 400 કરોડ રૂપિયા આજે આ વિસ્તારના ખેડૂતોના ખિસ્સામાં ગયા છે.
ભાઈઓ, બહેનો,
માછલી, મીઠા પાણીની માછલી, સાફ પાણીની માછલી. ભરુચમાં નર્મદાનાં પાણી જે છે, એમાં માછલીનો કારોબાર હવે વધી રહ્યો છે. એની દિશામાં આપણે કામ કરીએ છીએ. કેન્દ્ર સરકારે પહેલીવાર આ દેશમાં માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યું, ભાઈઓ. અલગ મંત્રી બનાવ્યા, અલગ બજેટ બનાવ્યું. હિન્દુસ્તાનનો આટલો સમુદ્રકિનારો હોય, તળાવ, નદીઓની અંદર માછલા પકવવાનું લોકો કામ કરતા હોય, એમાં આધુનિકતા કેવી રીતે આવે, એમની કમાણી કેવી રીતે વધે, એમને મોટું બજાર કેવી રીતે મળે, એના માટેની આખી... અને એમાં મત્સ્યસંપદા યોજના આપણે શરૂ કરી છે.
ઝિંગા, આજે ઝિંગાનું આપણા ગુજરાતમાં ખુબ... હમણા દક્ષિણ ગુજરાતમાં તો બધાય ગામોગામ ઝિંગાનું ઉપાડ્યું છે. એમાં મોટા પાયા પર આજે કમાણી થઈ રહી છે. વિદેશોમાં ઝિંગા જઈ રહ્યા છે. અને હું એટલા માટે, પ્રગતિના માર્ગે અમારા નરેન્દ્ર – ભુપેન્દ્રની આ સરકાર ખડે પગે તમારી સેવામાં છે, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
આદિવાસીઓના મનમાં ભારતીય જનતા પાર્ટી માટે આટલો બધો પ્રેમ છે, એનું કારણ શું? ઉમરગામથી અંબાજી, આખો પટ્ટો ભાજપની પડખે ઉભો રહે છે, એનું કારણ શું? કારણ, એમણે કોંગ્રેસ પણ જોઈ છે, ભાજપ પણ જોયું છે. કોંગ્રેસના નેતાઓ જોયા છે, ભાજપના નેતાઓ જોયા છે. કોંગ્રેસના લોકો ઠેકેદારી કરતા હતા, ભાજપના લોકો સેવા કરે છે, બરાબર જોયું છે.
આપ વિચાર કરો, આ દેશમાં આઝાદીના 75 વર્ષ પછી પહેલીવાર અમે નક્કી કર્યું કે ભાઈ, કોઈ આદિવાસી રાષ્ટ્રપતિ હોય. પહેલીવાર આદિવાસી બહેન રાષ્ટ્રપતિ બને, એના માટે અમે આગળ આવ્યા. તમે મને કહો કે આ સારું કામ કર્યું કે ના કર્યું? સારું કામ કર્યું કે ના કર્યું. આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવીને સારું કામ કર્યું કે ના કર્યું? અમે કોંગ્રેસવાળાને હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ, પહેલીવાર એક આદિવાસી બહેન, ભણેલી-ગણેલી આદિવાસી બહેન, એ રાષ્ટ્રપતિ બને છે, તો જરા સર્વસંમતિથી આપણે કહીએ. આમાં નકામું વિરોધ કરવાની શું જરૂર છે? ખુબ સમજાવ્યા, ખુબ સમજાવ્યા. ન માન્યા. એમને શું પેટમાં દુઃખે છે, આદિવાસીઓની વિરુદ્ધમાં, મને ખબર નથી પડતી.
ભાઈઓ, બહેનો,
મેં નક્કી કર્યું કે ગમે તેમ થાય, આ ચુંટણી મારે જીતવી છે. આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવવા છે. કોંગ્રેસને ભૂંડે હાલ હરાવી દીધા, અને આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવી દીધા, ભાઈઓ. પહેલીવાર દેશમાં ગૌરવનું કામ અમે કર્યું છે. કારણ? દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર આદિવાસી દીકરી બેઠી હોય ને, એટલે મારા આદિવાસીઓના કલ્યાણ માટેના બધા રસ્તા ખુલી જતા હોય છે. કારણ કે એ બહેન સહજ રીતે, આ દેશના રાષ્ટ્રપતિ માર્ગદર્શન કરતા હોય છે. એના આધારે અમે નીતિઓ બનાવતા હોય છે.
ભાઈઓ, બહેનો,
આદિવાસીઓનું સન્માન ક્યારેય કોંગ્રેસે કર્યું નથી. આપ વિચાર કરો, ભગવાન બિરસા મુંડા. અહીંયા આપણા ગોવિંદ ગુરુ. અમારો જનજાતિ દિવસ. અમે ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ 15મી નવેમ્બરને હવે સંપૂર્ણ દેશમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. આજે પુરો દેશ આદિવાસીઓના જે પંરપરાઓ છે, પરાક્રમ છે, દેશની આઝાદી માટે એમણે જે લડાઈ લડી છે, એના માટેનું સન્માન થાય, દેશ એમના તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલાય, એના માટે આપણે કામ કર્યું છે. આદિવાસી કલ્યાણ માટે, આદિવાસી વિસ્તારમાં બેન્ક જ નહિ. આજે આદિવાસી વિસ્તારમાં બેન્કના ખાતા ખોલવાનું કામ કર્યું.
જનધન એકાઉન્ટ ખોલ્યા. એની સાથે આગળ એક કામ કર્યું, વન-ધનનું. જંગલોમાં જે પેદાશ થાય છે, એ પેલું બુધવાર કે મંગળવારે બજાર ભરાતું હોય, થોડા લોકો બહારથી આવે, મરઘાના બદલામાં બધું લઈ જાય તમારું. એક મરઘું આપે અને એક બોરી ભરેલું ચીજ લઈ જાય. મોંઘી મોંઘી ચીજો. સરકારે નક્કી કર્યું, આ બધું અમે એમ. એસ. પી.માં આપીશું. પુરતા પૈસા આપીશું. વન-ધન ખરીદવાની વ્યવસ્થા સરકાર કરશે. આજે જંગલોમાં પેદા થતી 90 જેટલી ચીજો આજે આપણે ખરીદીએ છીએ. અને એ 90 જેટલી ચીજો ખરીદીને મારા આદિવાસી ભાઈઓને પૈસા પહોંચે એની ચિંતા આપણે કરીએ છીએ, ભાઈઓ.
જંગલોમાંથી વાંસની ખેતી. તમે વિચાર કરો. આ અંગ્રેજોના જમાનાની કોંગ્રેસે 75 વર્ષ થયા. તમે વાંસ ઉગાડી ના શકો. ઉગાડો તો કાપી ના શકો. કાપો તો વેચી ના શકો. અલ્યા ભઈ, જંગલમાં મારો આદિવાસી ક્યાં જાય? એને વાંસની ખેતીનો હક્ક મળવો જોઈએ. એને ખેતરમાં ઉગાડેલું જેમ વેચવાની છુટ છે, જેમ શાકભાજી વેચે છે ને, એમ વાંસ પણ વેચી શકે, એની વ્યવસ્થા થવી જોઈએ. આપણે કાયદો બદલી નાખ્યો. કાયદો બદલી નાખ્યો, અને આજે દેશના આદિવાસી વિસ્તારોમાં વાંસની મોટા પાયા પર ખેતી થઈ રહી છે, અને વાંસ વેચાઈ રહ્યા છે, આજે.
નહિ તો પહેલા અગરબત્તી બનાવવા માટે વાંસ વિદેશથી લાવતા હતા, બોલો. અગરબત્તી માટે જે વાંસ જોઈએ, પતંગ માટે જે વાંસ જોઈએ, એ વિદેશથી લાવે. અરે મારો આદિવાસી ભાઈ કમાય એમાં તારા પેટમાં શું દુઃખે છે, ભાઈ? કાયદો બદલી નાખ્યો અને મારા આદિવાસી ભાઈના ખેતરમાં વાંસની ખેતી કરતા થયા. અને બામ્બુની ખેતી આજે મોટી તાકાત બનતી જાય છે, ભાઈઓ. એને પણ એમ. એસ. પી. દ્વારા જે કંઈ લાભ મળ્યા છે, વન ઉપજોને, એનો લાભ મળી રહ્યો છે.
કહેવાનું તાત્પર્ય એ છે, ભાઈઓ કે સર્વાંગીણ વિકાસ અને એની સાથે સાથે ઔદ્યોગિક વિકાસ પણ જરૂરી છે. આપણો ભરુચ જિલ્લો તો આખા દેશમાં ઔદ્યોગિક વિકાસ માટે ધમધમાટવાળો જિલ્લો છે. આપણું ઝગડીયા હોય, પાનોલી હોય, અંકલેશ્વર હોય, વાગરા હોય, દહેજ હોય, સાયખા હોય, આ બધા, આ બધા વિસ્તારો આજે ઔદ્યોગિક પ્રવૃતિથી ધમધમી રહ્યા છે, ભાઈઓ. અને આદિવાસી છોકરાઓની સ્કિલ ડેવલપમેન્ટ થાય, એમનું શિક્ષણ થાય, એમને રોજી-રોટી મળે, એના માટે આપણે...
અને ભરુચ-અંકલેશ્વરને અમદાવાદ – ગાંધીનગરની જેમ ટ્વિન સિટી, ભરુચ અને અંકલેશ્વર, અમદાવાદ અને ગાંધીનગર છે ને, એમ ટ્વિન સિટીની રીતે આપણે ડેવલપ કરી રહ્યા છીએ. નર્મદાજી ઉપર જે બ્રિજ બનાવી રહ્યા છીએ, એનો પણ એને લાભ મળવાનો છે, ભાઈઓ. અંકલેશ્વરમાં એરપોર્ટ બની રહ્યું છે. એનો ફાયદો મળવાનો છે. અને એના કારણે આપણો કાર્ગો, અહીંયા પકવેલી ખેડૂતના ફળ, શાકભાજી તાકીદે બજારમાં પહોંચે એની વ્યવસ્થા થવાની છે. લઘુઉદ્યોગોનું કામ હોય, એની સેવા થવાની છે. અનેક ક્ષેત્રો છે, ભાઈઓ.
અને આ પ્રગતિ માટે, ગુજરાત વિકસિત માટે હું આજે આપના આશીર્વાદ લેવા આવ્યો છું. આપની મદદ લેવા માટે આવ્યો છું. અને મને વિશ્વાસ છે કે તમારી વચ્ચે રહ્યો છું ત્યારે તમારા આશીર્વાદ અમને એક નવી તાકાત આપશે. પરંતુ આ ચુંટણીમાં મારી તમારી પાસે અપેક્ષા છે,
પુરી કરશો? (ઑડિયન્સમાંથી હા...)
બે હાથ ઉપર કરીને બધા બોલો તો ખબર પડે.
પાછળથી અવાજ આવવો જોઈએ, પુરી કરશો? (ઑડિયન્સમાંથી હા...)
બધા પુરી કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આ ચુંટણીમાં પોલિંગ બુથમાં પહેલા કરતા વધારે મતદાન થવું જોઈએ. બધા રેકોર્ડ તોડવા જોઈએ.
તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
બધા રેકોર્ડ તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેરથી લોકોને બહાર લઈ જશો, મતદાન કરાવવા માટે? (ઑડિયન્સમાંથી હા...)
હવે બીજું કામ. બધા કમળ પર બટન દબાવે, વધુમાં વધુ કમળ પરના વોટ નીકળે,
આની ચિંતા કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જશો? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે? (ઑડિયન્સમાંથી હા...)
હવે મારું એક અંગત કામ.
કરશો બધા? (ઑડિયન્સમાંથી હા...)
મારું અંગત છે, હોં? (ઑડિયન્સમાંથી હા...)
એમાં ભાજપ-બાજપ કંઈ નહિ, કમળ-બમળ નહિ, ચુંટણી નહિ. કશું નહિ.
(ઑડિયન્સમાંથી મોદી... મોદી... ના અવાજોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠે છે.)
તમારો પ્રેમ, તમારો પ્રેમ મારા સર, આંખો પર,
પરંતુ આ કામ કરશો? કહો. (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઉપર કરીને કહો, મને... કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
હજુ તમારી પાસે બે-ચાર, પાંચ દહાડા પ્રવાસ, લોકોને મળવા જવા માટે ચુંટણીમાં સમય છે. તમે ઘેર ઘેર જવાના છો. મારા વતી એક કામ કરજો. બધા વડીલોને મળજો. અને હાથ જોડીને એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ નેત્રંગ આવ્યા હતા. આપણા નરેન્દ્રભાઈ નેત્રંગ આવ્યા હતા અને તમને ખાસ પ્રણામ પાઠવ્યા છે.
આટલું મારું કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આ મારા આદિવાસી માતાઓ, બહેનોના આશીર્વાદ મને જોઈએ. એનાથી મને એક એવી તાકાત મળે છે ને કે દિલ્હીમાં પછી હું દોડ્યા જ કરું, કામ કર્યા જ કરું, થાકું જ નહિ. અને ગરીબોનું ભલું કર્યા કરું. તો આ બધા ઘરે જઈને મારા વતી કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને હાથ જોડીને બધાને પ્રણામ પાઠવ્યા છે. આટલી મારી વાત ઘેર ઘેર પહોંચાડજો. મારી સાથે બોલો,
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ખુબ ખુબ ધન્યવાદ, ભાઈઓ.