"પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ્ય કારીગરો અને નાના વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો માટે પ્રગતિનો માર્ગ તૈયાર કરવાનો છે"
“આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે”
"સ્થાનિક હસ્તકળાના ઉત્પાદનમાં નાના કારીગરો ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પીએમ વિશ્વકર્મા યોજનામાં તેમને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે”
"પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરો અને હસ્તકલાકારોના વિકાસની સાથે સાથે તેમની સમૃદ્ધ પરંપરાઓને જાળવી રાખવાનો પણ છે"
"કૌશલ્યવાન કારીગરો આત્મનિર્ભર ભારતની સાચી ભાવનાના પ્રતિક છે અને અમારી સરકાર આવા લોકોને નવા ભારતના વિશ્વકર્મા માને છે"
"ભારતની વિકાસ યાત્રા માટે ગામડાના દરેક વર્ગને તેમના વિકાસ માટે સશક્ત બનાવવો જરૂરી છે"
"રાષ્ટ્રના વિશ્વકર્માઓની જરૂરિયાતો અનુસાર આપણી કૌશલ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાને આપણે ફરીથી સુવ્યવસ્થિત કરવાની જરૂર છે"
"આજના વિશ્વકર્મા આવતીકાલના ઉદ્યોગસાહસિક બની શકે છે"
"કારીગરો અને હસ્તકલાક

નમસ્કારજી.

છેલ્લા ઘણા દિવસોથી બજેટ પછીના વેબિનારની હારમાળા ચાલી રહી છે. છેલ્લાં ત્રણ વર્ષથી અમે બજેટ પછી બજેટ વિશે હિતધારકો સાથે વાત કરવાની પરંપરા શરૂ કરી છે. અને જે બજેટ આવ્યું છે એને ખૂબ જ કેન્દ્રિત રીતે વહેલામાં વહેલી તકે કેવી રીતે અમલમાં મૂકીએ. તે માટે હિતધારકો શું સૂચનો આપે છે, સરકાર તેમનાં સૂચનો પર કેવી રીતે અમલ કરે, એટલે કે તે અંગે ખૂબ સરસ મંથન ચાલી રહ્યું છે. અને હું ખુશ છું કે તમામ સંગઠનો, વેપાર અને ઉદ્યોગો સાથે સંકળાયેલા જેમની સાથે બજેટનો સીધો સંબંધ છે, પછી તે ખેડૂતો હોય, મહિલાઓ હોય, યુવાનો હોય, આદિવાસીઓ હોય, આપણા દલિત ભાઈઓ અને બહેનો હોય, તમામ હિતધારકો અને હજારોની સંખ્યામાં અને આખો દિવસ બેસીને, બહુ જ સરસ સૂચનો બહાર આવ્યાં છે. એવાં સૂચનો પણ આવ્યાં છે જે સરકાર માટે પણ ઉપયોગી છે. અને મારા માટે ખુશીની વાત છે કે આ વખતે બજેટના વેબિનારમાં બજેટમાં આમ હોતે, પેલું ન હતે, આમ થાત, આવી બાબતોની કોઇ ચર્ચા કરવાને બદલે તમામ હિતધારકોએ આ બજેટને કેવી રીતે સૌથી વધુ ઉપકારક બનવી શકાય, તેના માટેના રસ્તાઓ શું છે તેની ચોક્કસ ચર્ચાઓ કરી છે.

આપણા માટે લોકશાહીનો આ એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય છે. જે ચર્ચાઓ સંસદમાં થાય છે, સંસદસભ્યો દ્વારા કરવામાં આવે છે, એવા જ ગહન વિચાર જનતા-જનાર્દનને પણ મળવું એ પોતાનામાં ખૂબ જ ઉપયોગી કવાયત છે. આજના બજેટનો આ વેબિનાર ભારતના કરોડો લોકોનાં હુન્નર અને તેમનાં કૌશલને સમર્પિત છે. વીતેલાં વર્ષોમાં, સ્કીલ ઈન્ડિયા મિશન દ્વારા, કૌશલ્ય વિકાસ કેન્દ્રો દ્વારા, કરોડો યુવાનોનાં કૌશલ્યોને વધારવા અને તેમને રોજગારની નવી તકો પૂરી પાડવાનું કામ કર્યું છે. કૌશલ્ય જેવાં ક્ષેત્રમાં આપણે જેટલા ચોક્કસ હોઇશું, જેટલો લક્ષ્યાંકિત અભિગમ હશે, એટલાં જ સારાં પરિણામો મળશે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હવે જો સરળ ભાષામાં કહીએ તો પીએમ વિશ્વકર્મા યોજના, આ એ જ વિચારનું પરિણામ છે. આ બજેટમાં પીએમ વિશ્વકર્મા યોજનાની જાહેરાતથી સામાન્ય રીતે વ્યાપક ચર્ચા થઈ છે, અખબારોનું પણ ધ્યાન ગયું છે, જેઓ અર્થશાસ્રીઓ છે એમનું ધ્યાન પણ ગયું છે. અને આથી આ યોજનાની જાહેરાત જ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. હવે આ યોજનાની શું જરૂર હતી, તેનું નામ વિશ્વકર્મા જ કેમ રાખવામાં આવ્યું, આ યોજનાની સફળતા માટે તમે બધા હિતધારકો કેવી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, હું આ બધા વિષયો પર કેટલીક બાબતોની ચર્ચા પણ કરીશ અને તમે લોકો કેટલીક બાબતો પર ચર્ચામાંથી મંથન કરશો.

સાથીઓ,

આપણી માન્યતાઓમાં ભગવાન વિશ્વકર્માને સૃષ્ટિના નિયંત્રક અને સર્જક માનવામાં આવે છે. તેમને મહાન શિલ્પકાર કહેવાય છે અને વિશ્વકર્માની જે મૂર્તિની લોકોએ કલ્પના કરી છે તેના હાથમાં તમામ વિવિધ સાધનો છે. આપણા સમાજમાં એવા લોકોની એક સમૃદ્ધ પરંપરા રહી છે જેઓ પોતાના હાથથી અને તે પણ સાધનોની મદદથી કંઈક ને કંઇક સર્જન કરે છે. ટેક્સટાઈલ ક્ષેત્રે જેઓ કામ કરે છે એમના પર તો ધ્યાન ગયું છે, પરંતુ આપણા લુહાર, સુવર્ણકાર, કુંભાર, સુથાર, મૂર્તિકાર, કારીગરો, ચણતર, એવા અનેક લોકો છે જેઓ તેમની વિશિષ્ટ સેવાઓને કારણે સદીઓથી સમાજનો અભિન્ન અંગ રહ્યા છે.

આ વર્ગોએ બદલાતી આર્થિક જરૂરિયાતો અનુસાર સમયાંતરે પોતાને પણ બદલ્યા છે. આ સાથે તેઓએ સ્થાનિક પરંપરાઓ અનુસાર નવી નવી વસ્તુઓ પણ વિકસાવી છે. હવે જેમ કે મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આપણાં ખેડૂત ભાઈઓ અને બહેનો અનાજને વાંસના બનેલા સંગ્રહસ્થાનમાં રાખે છે. તેને કાંગી કહેવામાં આવે છે, અને તે સ્થાનિક કારીગરો દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. એ જ રીતે જો આપણે દરિયાકાંઠાના વિસ્તારોમાં જઈએ તો સમાજની જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ શિલ્પનો વિકાસ થયો છે. જ્યારે કેરળની વાત કરીએ તો કેરળની ઉરુ બોટ સંપૂર્ણપણે હાથથી બનાવવામાં આવે છે. માછલી પકડનારી આ નૌકાઓને ત્યાંના સુથારો જ તૈયાર કરે છે. તેને તૈયાર કરવા માટે ખાસ પ્રકારની કુશળતા, કાર્યક્ષમતા અને વિશેષજ્ઞતાની જરૂર પડતી  હોય છે.

સાથીઓ,

સ્થાનિક શિલ્પનાં નાના પાયે ઉત્પાદન અને લોકોમાં તેનું આકર્ષણ જાળવી રાખવામાં કારીગરો મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ કમનસીબે, આપણા દેશમાં તેમની ભૂમિકા સમાજના ભરોસે છોડી દેવામાં આવી, અને તેમની ભૂમિકાને મર્યાદિત કરી દેવામાં આવી. સ્થિતિ તો એવી બનાવવામાં આવી હતી કે આ કામો નાનાં કહેવામાં આવ્યાં, તેનું મહત્વ ઓછું બતાવવામાં આવ્યું. જ્યારે એક સમય એવો હતો જ્યારે આપણે આનાં કારણે આખી દુનિયામાં ઓળખાતા હતા. નિકાસનું આ એક એવું પ્રાચીન મૉડલ હતું, જેમાં બહુ મોટી ભૂમિકા આપણા કારીગરોની જ હતી. પરંતુ ગુલામીના લાંબા ગાળા દરમિયાન આ મૉડલ પણ પડી ભાંગ્યું, તેને ઘણું મોટું નુકસાન પણ થયું.

આઝાદી પછી પણ આપણા કારીગરોને સરકાર તરફથી જે હસ્તક્ષેપની જરૂર હતી, જેમાં ખૂબ જ સુઘડ રીતે હસ્તક્ષેપની જરૂર હતી, જ્યાં જરૂર પડે મદદની જરૂર હતી, તે મળી શકી નહીં. પરિણામ એ આવ્યું છે કે આજે મોટા ભાગના લોકો આ અસંગઠિત ક્ષેત્રમાંથી આજીવિકા મેળવવા માટે કોઈને કોઈ જુગાડ કરીને જ ગુજરાન ચલાવે છે. ઘણા લોકો તેમનો પેઢીઓના અને પરંપરાગત વ્યવસાયો છોડી રહ્યા છે. તેમની પાસે આજની જરૂરિયાતોને અનુરૂપ બનવાની ક્ષમતા ઓછી પડી રહી છે.

અમે આ વર્ગને એમ જ તેમના હાક પર ન છોડી શકીએ. આ એ વર્ગ છે, જે સદીઓથી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને પોતાની હસ્તકલાને બચાવતો આવ્યો છે. આ એ વર્ગ છે, જે પોતાનાં અસાધારણ કૌશલ્ય અને અનોખી રચનાઓ વડે પોતાની ઓળખ જાળવી રહ્યો છે. તેઓ આત્મનિર્ભર ભારતની સાચી ભાવનાનાં પ્રતિક છે. અમારી સરકાર આવા લોકોને, આવા વર્ગને ન્યુ ઈન્ડિયાના વિશ્વકર્મા માને છે. અને તેથી જ ખાસ કરીને તેમના માટે પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના નવી છે, પરંતુ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

સામાન્ય રીતે આપણે એક વાત સાંભળતા રહીએ છીએ કે માણસ તો એક સામાજિક પ્રાણી છે. અને સમાજની વિવિધ શક્તિઓ દ્વારા સમાજ વ્યવસ્થાનો વિકાસ થાય છે, સમાજ વ્યવસ્થા ચાલે છે. કેટલીક એવી શૈલીઓ છે, જેના વિના સમાજનું જીવન જીવવું પણ મુશ્કેલ હોય છે, વધવાનો તો પ્રશ્ન જ નથી. તેની કલ્પના પણ કરી શકાતી નથી. બની શકે કે આજે એ કાર્યોને ટેક્નૉલોજીની મદદ મળી હોય, તેમાં વધુ આધુનિકતા આવી હોઇ, પણ એ કાર્યોની પ્રાસંગિકતા પર કોઈ પ્રશ્ન ઉઠાવી શકે તેમ નથી. જે લોકો ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાને જાણે છે, તેઓ એ પણ જાણે છે કે પરિવારમાં ફેમિલી ડૉક્ટર ભલે હોય કે ન હોય, પરંતુ તમે જોયું જ હશે કે, કોઈને કોઇ ફેમિલી સુવર્ણકાર ચોક્કસપણે હશે. એટલે કે દરેક પરિવાર પેઢી દર પેઢી એક ચોક્કસ સુવર્ણકાર પરિવાર પાસે જ દાગીના બનાવે છે, દાગીના ખરીદે છે. એવી જ રીતે ગામડામાં, શહેરોમાં વિવિધ કારીગરો છે જેઓ પોતાના હાથનાં કૌશલ્યથી સાધનોનો ઉપયોગ કરીને આજીવિકા મેળવે છે. પીએમ વિશ્વકર્મા યોજનાનું ધ્યાન આટલા મોટા વિખરાયેલા સમુદાય તરફ છે.

સાથીઓ,

મહાત્મા ગાંધીની ગ્રામ સ્વરાજની વિભાવના પર નજર કરીએ તો ગામડાનાં જીવનમાં ખેતીની સાથે અન્ય વ્યવસ્થાઓ પણ એટલી જ મહત્વની હોય છે. ગામડાના વિકાસ માટે, ગામમાં રહેતા દરેક વર્ગને સક્ષમ બનાવવો, આધુનિક બનાવવો એ આપણી વિકાસ યાત્રા માટે જરૂરી છે.

હું થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં આદિ મહોત્સવમાં ગયો હતો. ત્યાં મેં જોયું કે આપણા આદિવાસી જનજાતિય વિસ્તારના હસ્તકલા અને અન્ય  કામોમાં જેમની કુશળતા છે, એવા ઘણા લોકો આવ્યા હતા, તેઓએ સ્ટૉલ લગાવ્યા હતા. પણ મારું ધ્યાન એક તરફ ગયું, જે લોકો લાખમાંથી બંગડીઓ બનાવે છે, તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું, તેઓ લાખમાંથી બંગડીઓ કેવી રીતે બનાવે છે, કેવી રીતે પ્રિન્ટિંગ કરે છે, અને ગામની મહિલાઓ કેવી રીતે કરે છે. કદના સંદર્ભમાં તેમની પાસે કઈ ટેક્નૉલોજી છે. અને હું જોઈ રહ્યો હતો કે ત્યાં જે લોકો પણ આવતા હતા, ત્યાં દસ મિનિટ તો ઊભા જ રહેતા હતા.

એ જ રીતે લોખંડનું કામ કરતા આપણાં લુહાર ભાઈઓ અને બહેનો, માટીકામ કરનારા આપણાં કુંભાર ભાઈઓ અને બહેનો, લાકડાનું કામ કરતાં આપણા લોકો છે, સોનાનું કામ કરતા આપણા સુવર્ણકારો છે, આ બધાને હવે ટેકો આપવાની જરૂર છે. જેમ આપણે નાના દુકાનદારો, શેરી વિક્રેતાઓ માટે પીએમ સ્વનિધિ યોજના બનાવી, તેમને તેનો લાભ મળ્યો, તેવી જ રીતે પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા કરોડો લોકોને મોટી મદદ મળવાની છે. હું એકવાર યુરોપના એક દેશમાં ગયો હતો, તે ઘણાં વર્ષો પહેલાની વાત છે. તો ત્યાં જ્વેલરીના ધંધામાં રહેલા ગુજરાતીઓને, એવા લોકોને મળવાનું થયું. તો મેં કહ્યું કે આજકાલ શું છે, તેમણે કહ્યું કે જ્વેલરીમાં તો એટલી ટેક્નૉલોજી આવી ગઈ છે, આટલાં મશીનો આવી ગયાં છે, પરંતુ સામાન્ય રીતે હાથથી બનાવેલી જ્વેલરી છે એનું ઘણું આકર્ષણ હોય છે અને વિશાળ માર્કેટ છે, એટલે કે આ શૈલીનું પણ સામર્થ્ય છે.

સાથીઓ,

આવા ઘણા અનુભવો છે અને તેથી આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દરેક વિશ્વકર્મા સાથીને સર્વગ્રાહી સંસ્થાકીય મદદ પૂરી પાડશે. વિશ્વકર્મા મિત્રોને સરળતાથી લોન મળે, તેમનું કૌશલ્ય વધે, તેમને તમામ પ્રકારનો ટેક્નિકલ સપોર્ટ મળે, આ બધું સુનિશ્ચિત કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ સશક્તિકરણ, બ્રાન્ડ પ્રમોશન અને ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. કાચો માલ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરો અને શિલ્પકારોની સમૃદ્ધ પરંપરાને સંરક્ષિત તો કરવાની ને કરવાની જ છે, આ ઉપરાંત તેનો ઘણો વિકાસ કરવાનો છે.

સાથીઓ,

હવે આપણે તેમની જરૂરિયાતો અનુસાર કૌશલ્ય માળખાકીય વ્યવસ્થાને ફરીથી ગોઠવવાની જરૂર છે. આજે મુદ્રા યોજના દ્વારા સરકાર કોઈપણ બૅન્ક ગૅરંટી વગર કરોડો રૂપિયાની લોન આપી રહી છે. આ યોજનાનો પણ આપણા વિશ્વકર્મા સાથીદારોને મહત્તમ લાભ આપવાનો છે. આપણાં ડિજિટલ સાક્ષરતાવાળાં અભિયાન છે, એમાં પણ આપણે હવે વિશ્વકર્મા સાથીઓને પ્રાથમિકતા આપવાની છે.

સાથીઓ,

અમારો ઉદ્દેશ્ય આજના વિશ્વકર્મા સાથીઓને આવતીકાલના મોટા ઉદ્યોગસાહસિક બનાવવાનો છે. આ માટે, તેમના સબ-બિઝનેસ મૉડલમાં ટકાઉપણું આવશ્યક છે. આને ધ્યાનમાં રાખીને, અમે તેઓ બનાવેલાં ઉત્પાદનો વધુ સારાં બનાવવાં, આકર્ષક ડિઝાઇનિંગ, પૅકેજિંગ અને બ્રાન્ડિંગ પર પણ કામ કરી રહ્યા છીએ. આમાં ગ્રાહકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમારી નજર માત્ર સ્થાનિક બજાર પર જ નથી, પરંતુ અમે વૈશ્વિક બજારને પણ ટાર્ગેટ કરી રહ્યા છીએ. હું આજે અહીં એકઠા થયેલા તમામ હિતધારકોને આગ્રહ કરું છું કે તેઓ વિશ્વકર્માના સાથીદારોનો હાથ પકડે, તેમની જાગૃતિ વધારે અને તેમને આગળ વધવામાં મદદ કરે. આ માટે આપ સૌને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી આપણે બધા જમીન સાથે જોડાયેલા લોકો સાથે જોડાઇએ, આ વિશ્વકર્મા સાથીઓ વચ્ચે કેવી રીતે જવું, તેમની કલ્પનાઓને કેવી રીતે પાંખો આપવી.

સાથીઓ,

આપણે કારીગરો અને શિલ્પકારોને મૂલ્ય શૃંખલાનો એક ભાગ બનાવીને જ મજબૂત બનાવી શકીએ છીએ. તેમાંના ઘણા એવા છે જેઓ આપણા MSME સેક્ટર માટે સપ્લાયર અને ઉત્પાદક બની શકે છે. એ લોકોને ટૂલ્સ અને ટેક્નૉલોજીની મદદ પૂરી પાડીને તેમને અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ બનાવી શકાય છે. ઉદ્યોગ જગત આ લોકોને પોતાની જરૂરિયાતો સાથે જોડીને ઉત્પાદન વધારી શકે છે. ઉદ્યોગ જગત તેમને કૌશલ્ય અને ગુણવત્તાયુક્ત તાલીમ પણ આપી શકે છે.

સરકારો પોતાની યોજનાઓમાં વધુ સારી રીતે સંકલન કરી શકે છે અને બૅન્કો આ પ્રોજેક્ટ્સ માટે નાણાં પૂરાં પાડી શકે છે. આ રીતે, તે દરેક હિતધારક માટે લાભદાયક સ્થિતિ બની શકે છે. કોર્પોરેટ કંપનીઓને સ્પર્ધાત્મક ભાવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મળી શકે છે. બૅન્કોનાં નાણા એવી યોજનાઓમાં રોકાશે જેના પર વિશ્વાસ કરી શકાય છે. અને તેનાથી સરકારની યોજનાઓની વ્યાપક અસર જોવા મળશે.

આપણાં સ્ટાર્ટઅપ્સ પણ ઈ-કોમર્સ મૉડલ દ્વારા શિલ્પ ઉત્પાદનો માટે એક વિશાળ બજાર તૈયાર કરી શકે છે. આ ઉત્પાદનોને વધુ સારી ટેક્નૉલોજી, ડિઝાઇન, પૅકેજિંગ અને ફાઇનાન્સિંગમાં પણ સ્ટાર્ટઅપ્સથી મદદ મળી શકે છે. મને આશા છે કે પીએમ-વિશ્વકર્મા દ્વારા ખાનગી ક્ષેત્ર સાથેની ભાગીદારી વધુ મજબૂત થશે. આ સાથે, આપણે ખાનગી ક્ષેત્રની નવીનતાની શક્તિ અને વ્યવસાય કુશળતાનો સંપૂર્ણ લાભ લઈ શકીશું.

સાથીઓ,

હું અહીં હાજર રહેલા તમામ હિતધારકોને કહેવા માગું છું કે તેઓ પરસ્પર ચર્ચા કરે અને એક મજબૂત એક્શન પ્લાન તૈયાર કરે. અમે એવા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેઓ ખૂબ જ દૂરના વિસ્તારોમાં પણ રહે છે. તેમાંથી ઘણાને પહેલીવાર સરકારી યોજનાનો લાભ મળવાની સંભાવના છે. આપણાં મોટાભાગનાં ભાઈઓ અને બહેનો દલિત, આદિવાસી, પછાત, મહિલાઓ અને અન્ય નબળા વર્ગનાં જ છે. તેથી, એક વ્યવહારુ અને અસરકારક વ્યૂહરચના વિકસાવવાની જરૂર છે. જેના દ્વારા આપણે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકીએ અને તેમને પીએમ વિશ્વકર્મા યોજના વિશે જણાવી શકીએ. તેમના સુધી યોજનાનો લાભ પહોંચાડી શકીએ.

આપણે સમયમર્યાદા નક્કી કરીને મિશન મોડમાં કામ કરવાનું જ છે અને મને ખાતરી છે કે આજે જ્યારે તમે ચર્ચા કરશો ત્યારે તમારાં ધ્યાનમાં બજેટ હશે, સાથે આવા લોકો તમારા ધ્યાનમાં હશે, તેમની જરૂરિયાતો તમારા ધ્યાનમાં હશે, એને પૂર્ણ કરવાની પદ્ધતિ શું હોઇ શકે છે, યોજનાની ડિઝાઇન શું હોવી જોઈએ, ઉત્પાદનો શું હોવાં જોઈએ, જેથી આપણે સાચા અર્થમાં લોકોનું ભલું કરી શકીએ.

સાથીઓ,

આજે આ વેબિનારનું છેલ્લું સત્ર છે. અત્યાર સુધીમાં અમે બજેટના જુદા જુદા ભાગો પર 12 વેબિનારો કર્યા છે અને તેમાં ઘણું મંથન થયું છે. હવે પરમ દિવસથી સંસદ શરૂ થશે, તો એક નવા વિશ્વાસ સાથે, નવાં સૂચનો સાથે તમામ સાંસદો સંસદમાં આવશે અને બજેટ પસાર થાય ત્યાં સુધીની પ્રક્રિયામાં નવું જોમ જોવા મળશે. આ મંથન પોતાનામાં એક અનોખી પહેલ છે, તે એક લાભદાયી પહેલ છે અને આખો દેશ તેની સાથે જોડાય છે, ભારતનો દરેક જિલ્લો જોડાય છે. અને જેમણે સમય કાઢ્યો, આ વેબિનારને સમૃદ્ધ બનાવ્યો, તેઓ બધા અભિનંદનના અધિકારી છે.

ફરી એકવાર, આજે જેઓ હાજર છે તે તમામને હું અભિનંદન આપું છું, અને હું એ તમામનો પણ આભાર માનું છું જેમણે અત્યાર સુધી આ તમામ વેબિનારનું સંચાલન કર્યું છે, તેને આગળ વધાર્યા છે અને ઉત્તમ સૂચનો આપ્યાં છે.

ખૂબ ખૂબ શુભકામનાઓ

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Double engine govt becoming symbol of good governance, says PM Modi

Media Coverage

Double engine govt becoming symbol of good governance, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government