જય છત્રપતિ વીર શિવાજી મહારાજ !
જય છત્રપતિ વીર સંભાજી મહારાજ !
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન રમેશજી, મુખ્યમંત્રી એકનાથજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો રાજનાથ સિંહજી, નારાયણ રાણેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજિત પવારજી, સીડીએસ જનરલ અનિલ ચૌહાણજી, નૌકા દળના પ્રમુખ એડમિરલ આર. હરિ કુમાર, નૌકાદળના તમામ સાથીદારો અને મારા પરિવારજનો!
આજે 4થી ડિસેમ્બરનો આ ઐતિહાસિક દિવસ ...સિંધુદુર્ગનો ઐતિહાસિક કિલ્લો આપણને આશીર્વાદ આપે છે...માલવણ-તારકરલીનો આ સુંદર કિનારો, ચોમેર ફેલાયેલો છત્રપતિ વીર શિવાજી મહારાજનો પ્રતાપ...રાજકોટ કિલ્લામાં તેમની વિશાળ પ્રતિમાનું અનાવરણ અને તમારી આ ગર્જના દરેક ભારતીયને ઉત્સાહથી ભરી દે છે. તમારા માટે જ કહેવામાં આવ્યું છે –
ચલો નયી મિસાલ હો, બઢો નયા કમાલ હો,
ઝુકો નહીં, રૂકો નહીં, બઢે ચલો, બઢે ચલો.
હું ખાસ કરીને નેવી ડે પર નૌકાદળ પરિવારના તમામ સભ્યોને અભિનંદન આપું છું. આ દિવસે, આપણે તે વીરોને પણ વંદન કરીએ છીએ જેમણે માતૃભૂમિ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
સાથીઓ,
આજે સિંધુદુર્ગની આ વીરભૂમિમાંથી દેશવાસીઓને નૌકાદળ દિવસની શુભકામનાઓ આપવી એ ખરેખર પોતાનામાં ખૂબ જ ગર્વની વાત છે. સિંધુદુર્ગના ઐતિહાસિક કિલ્લાને જોઈને દરેક ભારતીય ગર્વથી ભરાઈ જાય છે. છત્રપતિ વીર શિવાજી મહારાજ જાણતા હતા કે કોઈપણ દેશ માટે દરિયાઈ શક્તિ કેટલી મહત્વપૂર્ણ હોય છે. તેમનો ઉદ્ઘોષ હતો- જલમેવ યસ્ય, બલમેવ તસ્ય! એટલે કે, "જે સમુદ્ર પર નિયંત્રણ રાખે છે તે સર્વશક્તિમાન છે." તેમણે એક શક્તિશાળી નૌકાદળનું નિર્માણ કર્યું. કાન્હોજી આંગ્રે હોય, માયાજી નાઈક ભાટકર હોય, હીરોજી ઈન્દાલકર હોય, આવા અનેક યોદ્ધાઓ આજે પણ આપણા માટે મહાન પ્રેરણા છે. આજે નેવી ડે પર હું દેશના આવા વીર યોદ્ધાઓને પણ નમન કરું છું.
સાથીઓ,
છત્રપતિ વીર શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઈને આજે ભારત ગુલામીની માનસિકતાને પાછળ છોડીને આગળ વધી રહ્યું છે. મને ખુશી છે કે હવે આપણા નેવલ ઓફિસરો દ્વારા પહેરવામાં આવતા 'એપો-લેટ્સ'માં છત્રપતિ વીર શિવાજી મહારાજના વારસાની ઝલક પણ જોવા મળશે. નવા 'એપો-લેટ્સ' પણ હવે તેમની નૌકાદળનાં પ્રતીક ચિહ્ન સમાન જ હશે.
આ મારું સૌભાગ્ય છે કે ગયાં વર્ષે મને છત્રપતિ વીર શિવાજી મહારાજના વારસા સાથે નૌસેનાના ધ્વજને જોડવાની તક મળી. હવે આપણે બધા 'એપો-લેટ્સ'માં પણ છત્રપતિ વીર શિવાજી મહારાજનું પ્રતિબિંબ જોઈશું. આપણા વારસા પર ગર્વની ભાવના સાથે, મને આજે વધુ એક જાહેરાત કરતા ગૌરવ થાય છે. ભારતીય નૌકાદળ હવે ભારતીય પરંપરાઓ અનુસાર તેની રેન્ક્સને નામ આપવા જઈ રહ્યું છે. અમે સશસ્ત્ર દળોમાં આપણી નારી શક્તિની સંખ્યા વધારવા પર પણ ભાર આપી રહ્યા છીએ. હું નૌસેનાને અભિનંદન આપવા માગું છું કે તમે નૌકાદળનાં જહાજમાં દેશની પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસરની નિમણૂક કરી છે.
સાથીઓ,
આજનું ભારત પોતાના માટે મોટાં લક્ષ્યો નક્કી કરી રહ્યું છે, અને તેને પ્રાપ્ત કરવા માટે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે. ભારત પાસે આ લક્ષ્યો હાંસલ કરવાની એક મોટી તાકાત છે. આ તાકાત 140 કરોડ ભારતીયોના વિશ્વાસની છે. આ તાકાત વિશ્વની સૌથી મોટી લોકશાહીની મજબૂતીની છે. ગઈકાલે તમે દેશનાં 4 રાજ્યોમાં આ જ તાકાતની ઝલક જોઈ. દેશે જોયું કે જ્યારે લોકોના સંકલ્પો એક સાથે જોડાય છે... જ્યારે લોકોની લાગણીઓ એક સાથે જોડાય છે... જ્યારે લોકોની આકાંક્ષાઓ એક સાથે જોડાય છે... ત્યારે કેટલાં હકારાત્મક પરિણામો સામે આવે છે. જુદાં જુદાં રાજ્યોની પ્રાથમિકતાઓ જુદી જુદી હોય છે, તેમની જરૂરિયાતો જુદી છે. પરંતુ તમામ રાજ્યોના લોકો પહેલા રાષ્ટ્રની ભાવનાથી ઓતપ્રોત છે. દેશ છે તો આપણે છીએ, દેશ પ્રગતિ કરશે તો આપણે પ્રગતિ કરીશું, આ જ ભાવના આજે દરેક નાગરિકનાં મનમાં છે. આજે દેશ ઈતિહાસમાંથી પ્રેરણા લઈને ઉજ્જવળ ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરવામાં વ્યસ્ત છે. લોકોએ નકારાત્મકતાની રાજનીતિને હરાવીને દરેક ક્ષેત્રમાં આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. આ જ સંકલ્પ આપણને વિકસિત ભારત તરફ લઈ જશે. આ જ પ્રતિજ્ઞા દેશને એ ગૌરવ પાછું અપાવશે, જેનો આ દેશ હંમેશાથી હકદાર છે.
સાથીઓ,
ભારતનો ઈતિહાસ માત્ર એક હજાર વર્ષની ગુલામીનો ઈતિહાસ નથી, તે માત્ર હાર અને નિરાશાનો ઈતિહાસ નથી. ભારતનો ઈતિહાસ વિજયનો ઈતિહાસ છે. ભારતનો ઈતિહાસ વીરતાનો ઈતિહાસ છે. ભારતનો ઈતિહાસ જ્ઞાન અને વિજ્ઞાનનો ઈતિહાસ છે. ભારતનો ઇતિહાસ કલા અને સર્જનાત્મક કૌશલ્યનો ઇતિહાસ છે. ભારતનો ઈતિહાસ આપણાં સામુદ્રી સામર્થ્યનો ઈતિહાસ છે. સેંકડો વર્ષ પહેલાં જ્યારે આવી કોઈ ટેક્નૉલોજી ન હતી, જ્યારે આવા સંસાધનો નહોતા, ત્યારે એ જમાનામાં આપણે સમુદ્ર ચીરીને સિંધુદુર્ગ જેવા કેટલાય કિલ્લાઓ બનાવ્યા હતા.
ભારતનું સામુદ્રિક સામર્થ્ય હજારો વર્ષ જૂનું છે. ગુજરાતના લોથલમાં મળેલું સિંધુ ખીણ સંસ્કૃતિનું બંદર આજે આપણો મહાન વારસો છે. એક સમયે સુરત બંદરે 80થી વધુ દેશોનાં જહાજો લાંગરવામાં આવતાં હતાં. ભારતની આ જ તાકાતના આધારે ચોલ સામ્રાજ્યએ દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશોમાં તેનો વેપાર વિસ્તાર્યો.
અને તેથી, જ્યારે વિદેશી શક્તિઓએ ભારત પર હુમલો કર્યો, ત્યારે આપણી આ તાકાતને સૌથી પહેલા નિશાન બનાવવામાં આવી હતી. જે ભારત નૌકા અને વહાણ બનાવવા માટે પ્રખ્યાત હતું, તેની આ કળા, આ કૌશલ્ય બધું જ ઠપ્પ કરી દેવાયું. અને હવે જ્યારે આપણે સમુદ્ર પરનું આપણું નિયંત્રણ ગુમાવ્યું, ત્યારે આપણે આપણી વ્યૂહાત્મક-આર્થિક તાકાત પણ ગુમાવી દીધી.
તેથી આજે જ્યારે ભારત વિકસિત બનવાનાં લક્ષ્ય પર ચાલી રહ્યું છે ત્યારે આપણે આપણું આ ખોવાયેલું ગૌરવ પાછું મેળવીને જ રહેવાનું છે. તેથી જ આજે અમારી સરકાર પણ તેનાથી સંબંધિત દરેક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી રહી છે. આજે ભારત બ્લુ ઈકોનોમીને અભૂતપૂર્વ પ્રોત્સાહન આપી રહ્યું છે. આજે ભારત 'સાગરમાલા' હેઠળ બંદર આધારિત વિકાસ-પોર્ટ લેડ ડેવલપમેન્ટમાં વ્યસ્ત છે. આજે, 'મેરીટાઇમ વિઝન' હેઠળ, ભારત તેના મહાસાગરોની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. સરકારે મર્ચન્ટ શિપિંગને પ્રોત્સાહન આપવા માટે નવા નિયમો પણ બનાવ્યા છે. સરકારના પ્રયાસોને કારણે છેલ્લાં 9 વર્ષમાં ભારતમાં નાવિકોની સંખ્યામાં પણ 140 ટકાથી વધુનો વધારો થયો છે.
મારા સાથીઓ,
આ ભારતના ઈતિહાસનો તે સમયગાળો છે, જે માત્ર 5-10 વર્ષનું જ નહીં પરંતુ આવનારી સદીઓનું ભવિષ્ય લખવા જઈ રહ્યો છે. 10 વર્ષથી પણ ઓછા સમયગાળામાં, ભારત વિશ્વની 10મી આર્થિક શક્તિમાંથી 5મા સ્થાને પહોંચી ગયું છે. અને હવે ભારત ઝડપથી ત્રીજા ક્રમની આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આજે દેશ વિશ્વાસ અને આત્મવિશ્વાસથી ભરેલો છે. આજે વિશ્વ ભારતમાં વિશ્વ-મિત્રનો ઉદય થતો જોઈ રહ્યું છે. આજે અંતરિક્ષ હોય કે સમુદ્ર, દુનિયા દરેક જગ્યાએ ભારતની ક્ષમતા જોઈ રહી છે. આજે સમગ્ર વિશ્વ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરની વાત કરી રહ્યું છે. સ્પાઈસ રૂટ, જે આપણે ભૂતકાળમાં ગુમાવી દીધો હતો, તે હવે ફરી ભારતની સમૃદ્ધિ માટે મજબૂત આધાર બનવા જઈ રહ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં મેડ ઈન ઈન્ડિયાની ચર્ચા થઈ રહી છે. તેજસ એરક્રાફ્ટ હોય કે કિસાન ડ્રોન, યુપીઆઈ સિસ્ટમ હોય કે ચંદ્રયાન 3, મેડ ઈન ઈન્ડિયાની દરેક જગ્યાએ અને દરેક ક્ષેત્રમાં ધૂમ છે. આજે આપણી સેનાની મોટાભાગની જરૂરિયાતો મેડ ઈન ઈન્ડિયા અસ્ત્ર-શસ્ત્રથી જ પૂરી થઈ રહી છે. દેશમાં પ્રથમ વખત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે. ગયાં વર્ષે જ મેં સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને કોચી ખાતે નૌકાદળને સોંપ્યું હતું. આઈએનએસ વિક્રાંત એ મેક ઈન ઈન્ડિયા આત્મનિર્ભર ભારતનું એક મજબૂત ઉદાહરણ છે. આજે ભારત વિશ્વના એવા કેટલાક જૂજ દેશોમાંનો એક છે જેની પાસે આવી ક્ષમતા છે.
સાથીઓ,
વીતેલાં વર્ષોમાં, અમે અગાઉની સરકારોની વધુ એક જૂની વિચારસરણી બદલી છે. અગાઉની સરકારો આપણા સરહદી અને દરિયા કિનારાનાં ગામોને છેલ્લું ગામ માનતી હતી. આપણા સંરક્ષણ મંત્રીજીએ પણ હમણાં તેનો ઉલ્લેખ કર્યો છે. આ વિચારસરણીને કારણે આપણા દરિયાકાંઠાના વિસ્તારો પણ વિકાસથી વંચિત રહ્યા, ત્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ રહ્યો. આજે દરિયા કિનારે વસતા દરેક પરિવારનું જીવન સુધારવું એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે. એ અમારી સરકાર છે જેણે 2019માં પ્રથમ વખત મત્સ્ય ઉદ્યોગ માટે અલગ મંત્રાલય બનાવ્યું. અમે મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આને કારણે ભારતમાં 2014 પછી માછલીનું ઉત્પાદન 80 ટકાથી વધુ વધ્યું છે. ભારતમાંથી માછલીની નિકાસમાં પણ 110 ટકાથી વધુનો વધારો થયો છે. સરકાર માછીમારોની મદદ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. અમારી સરકારે માછીમારો માટેનું વીમા કવચ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કર્યું છે.
દેશમાં પ્રથમ વખત માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પણ મળ્યો છે. સરકાર મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે મૂલ્ય સાંકળના વિકાસ પર પણ ખૂબ ભાર મૂકી રહી છે. આજે સાગરમાલા યોજના દ્વારા સમગ્ર દરિયા કિનારે આધુનિક કનેક્ટિવિટી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેના પર લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેથી દરિયા કિનારે નવા ઉદ્યોગો અને નવા વ્યવસાયો આવે.
માછલી હોય કે અન્ય દરિયાઈ ખાદ્યપદાર્થો, સમગ્ર વિશ્વમાં તેની ખૂબ જ માગ છે. તેથી, અમે સીફૂડ પ્રોસેસિંગ સંબંધિત ઉદ્યોગો પર ભાર આપી રહ્યા છીએ, જેથી માછીમારોની આવકમાં વધારો થઈ શકે. માછીમારોને તેમની બોટને આધુનિક બનાવવા માટે પણ મદદ આપવામાં આવી રહી છે જેથી તેઓ ઊંડા દરિયામાં માછલીઓ પકડી શકે.
સાથીઓ,
કોંકણનો આ વિસ્તાર અદ્ભૂત સંભાવનાઓનો વિસ્તાર છે. અમારી સરકાર આ ક્ષેત્રના વિકાસ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. સિંધુદુર્ગ, રત્નાગીરી, અલીબાગ, પરભણી અને ધારાશિવમાં મેડિકલ કૉલેજો ખોલવામાં આવી છે. ચીપી એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર માનગાંવ સુધી જોડવા જઈ રહ્યો છે.
અહીં કાજુના ખેડૂતો માટે વિશેષ યોજનાઓ પણ બનાવવામાં આવી રહી છે. દરિયા કિનારે આવેલા રહેણાંક વિસ્તારોને સુરક્ષિત રાખવાની અમારી પ્રાથમિકતા છે. આ માટે મેન્ગ્રૂવ્ઝનો વ્યાપ વિસ્તારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે આ માટે ખાસ મિષ્ઠી યોજના બનાવી છે. જેમાં માલવણ, આચરા-રત્નાગીરી, દેવગઢ-વિજયદુર્ગ સહિત મહારાષ્ટ્રનાં અનેક સ્થળોને મેન્ગ્રૂવ મેનેજમેન્ટ માટે પસંદ કરવામાં આવ્યાં છે.
સાથીઓ,
વિરાસત પણ અને વિકાસ પણ, આ જ વિકસિત ભારતનો આપણો માર્ગ છે. તેથી આજે આ વિસ્તારમાં પણ આપણા ભવ્ય વારસાને જાળવી રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો છત્રપતિ વીર શિવાજી મહારાજના કાળમાં બનેલા દુર્ગ અને કિલ્લાઓનું જતન કરવા સંકલ્પબદ્ધ છે. કોંકણ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આ ધરોહરોનાં સંરક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અમારો પ્રયાસ છે કે દેશ-વિદેશના લોકો આપણા આ ભવ્ય વારસાને જોવા આવે. તેનાથી આ વિસ્તારમાં પ્રવાસન પણ વધશે અને રોજગાર અને સ્વરોજગારીની નવી તકો પણ ઊભી થશે.
સાથીઓ,
અહીંથી હવે આપણે વિકસિત ભારત તરફની યાત્રાને વધારે વેગીલી કરવાની છે. એવું વિકસિત ભારત જેમાં આપણો દેશ સુરક્ષિત, સમૃદ્ધ અને શક્તિશાળી બની શકે. અને મિત્રો, સામાન્ય રીતે આર્મી ડે, એરફોર્સ ડે, નેવી ડે...આ દિલ્હીમાં ઉજવવામાં આવે છે. અને દિલ્હીના નજીકના વિસ્તારોના લોકો તેનો ભાગ બનતા હતા અને મોટાભાગના કાર્યક્રમો તેના જે ચીફ હોય એમનાં ઘરની લૉનમાં જ યોજાતા હતા. મેં એ પરંપરા બદલી છે. અને મારી કોશિશ છે કે આર્મી ડે હોય, નેવી ડે હોય કે એરફોર્સ ડે, દેશના અલગ-અલગ ભાગોમાં ઉજવવામાં આવે. અને એ જ આયોજન હેઠળ આ વખતે નેવી ડેનું આયોજન આ પવિત્ર ભૂમિ પર કરવામાં આવી રહ્યું છે, જ્યાં નેવીનો જન્મ થયો હતો.
અને કેટલાક લોકો મને થોડા સમય પહેલા કહેતા હતા કે આ હલચલને કારણે છેલ્લાં અઠવાડિયાથી હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હું દ્રઢપણે માનું છું કે હવે આ ભૂમિ પ્રત્યે દેશના લોકોનું આકર્ષણ વધશે. સિંધુ દુર્ગ તરફ તીર્થયાત્રાની અનુભૂતિ થશે. યુદ્ધનાં ક્ષેત્રમાં છત્રપતિ શિવાજી મહારાજનું કેટલું મોટું યોગદાન હતું. નૌકાદળની ઉત્પત્તિ જેના માટે આપણને ગર્વ છે તેની મૂળ ધારા છત્રપતિ શિવાજી મહારાજથી શરૂ થાય છે. આપ દેશવાસીઓ આના પર ગર્વ કરશો.
અને તેથી હું નૌકાદળમાં મારા સાથીદારો, આપણા સંરક્ષણ પ્રધાનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે તેમણે આ કાર્યક્રમ માટે આ પ્રકારનું સ્થળ પસંદ કર્યું છે. હું જાણું છું કે આ બધી વ્યવસ્થા કરવી મુશ્કેલ છે પરંતુ આ વિસ્તારને પણ ફાયદો થાય છે, મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ તેમાં જોડાય છે અને વિદેશથી પણ ઘણા મહેમાનો આજે અહીં હાજર છે. તેમના માટે પણ ઘણી વસ્તુઓ નવી હશે કે નૌકાદળનો ખ્યાલ ઘણી સદીઓ પહેલા છત્રપતિ શિવાજી મહારાજે શરૂ કર્યો હતો.
હું દ્રઢપણે માનું છું કે જેમ આજે જી-20માં વિશ્વનું ધ્યાન એ હકીકત તરફ દોરવામાં આવ્યું હતું કે ભારત માત્ર વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર જ નથી, ભારત લોકશાહીની જનની પણ છે. એ જ રીતે, એ ભારત જ છે જેણે નૌકાદળના આ ખ્યાલને જન્મ આપ્યો, તેને તાકાત આપી અને આજે વિશ્વએ તેનો સ્વીકાર કર્યો છે. અને તેથી આજનો પ્રસંગ વિશ્વ મંચ પર પણ એક નવી વિચારસરણીનું નિર્માણ કરવા જઈ રહ્યો છે.
આજે ફરી એકવાર નેવી ડે પર હું દેશના તમામ જવાનોને, તેમના પરિવારજનોને અને દેશવાસીઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારી સાથે પૂરી તાકાતથી એક વાર બોલો-
ભારત માતા કી -જય!
ભારત માતા કી -જય!
ભારત માતા કી -જય!
ખૂબ ખૂબ આભાર!