નમસ્કાર, દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, આ કાર્યક્રમમાં દેશના ખૂણેખૂણેથી જોડાયેલા કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, અને મારાં પ્રિય ભાઈઓ અને બહેનો!
વિકસિત બનવાનાં લક્ષ્ય તરફ આગળ વધી રહેલું ભારત, તેના અમૃતકાળના પ્રારંભમાં છે. નવી ઊર્જા છે, નવી પ્રેરણા છે, નવા સંકલ્પ છે. આ દ્રષ્ટિએ, આજે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. ભારતનાં લગભગ 1300 મોટાં રેલવે સ્ટેશનોને હવે અમૃત ભારત રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે, તેમનો પુનઃવિકાસ થશે, આધુનિકતા સાથે થશે. તેમાંથી આજે 508 અમૃત ભારત સ્ટેશનોનાં પુનઃનિર્માણનું કામ શરૂ થઈ રહ્યું છે. અને આ 508 અમૃત ભારત સ્ટેશનનાં નવનિર્માણ પર લગભગ 25 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. તમે કલ્પના કરી શકો છો કે, દેશનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે, રેલવે માટે અને સૌથી અગત્યનું મારા દેશના સામાન્ય નાગરિકો માટે આ કેટલું મોટું અભિયાન હશે. દેશનાં લગભગ તમામ રાજ્યોને તેનો લાભ મળશે. જેમ કે, યુપીમાં આ માટે લગભગ 4.5 હજાર કરોડ રૂપિયા ખર્ચીને 55 અમૃત સ્ટેશન વિકસાવવામાં આવશે. રાજસ્થાનમાં પણ 55 રેલવે સ્ટેશન, અમૃત ભારત સ્ટેશન બનશે. એમપીમાં, 1000 કરોડ રૂપિયાના ખર્ચે 34 સ્ટેશનોનો કાયાકલ્પ કરવામાં આવનાર છે. મહારાષ્ટ્રમાં 44 સ્ટેશનોના વિકાસ માટે દોઢ હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. તમિલનાડુ, કર્ણાટક અને કેરળનાં મુખ્ય સ્ટેશનોને પણ અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. અમૃતકાલની શરૂઆતમાં આ ઐતિહાસિક અભિયાન માટે હું રેલવે મંત્રાલયની પ્રશંસા કરું છું અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.
સાથીઓ,
આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. વૈશ્વિક સ્તરે ભારતની શાખ વધી છે, ભારત પ્રત્યે વિશ્વનું વલણ બદલાયું છે અને તેની બે મુખ્ય બાબતો છે બે મુખ્ય કારણો છે. પહેલું, તમે દેશવાસી ભારતના લોકોએ લગભગ ત્રણ દાયકા પછી, ત્રીસ વર્ષ પછી દેશમાં પૂર્ણ બહુમતી સાથેની સરકાર બનાવી, તે પહેલું કારણ છે અને બીજું કારણ એ છે કે પૂર્ણ બહુમતીવાળી સરકારે એ જ સ્પષ્ટતા સાથે જનતા જનાર્દનની તેમની ભાવનાનો આદર કરતા મોટા મોટા નિર્ણયોલીધા, પડકારોના કાયમી ઉકેલ માટે અવિરત કામ કર્યું. આજે ભારતીય રેલવે પણ તેનું પ્રતીક બની ગયું છે. વીતેલાં વર્ષોમાં રેલવેમાં જ જેટલાં કામ થયાં છે તેના આંકડા અને તેની માહિતી દરેકને પ્રસન્ન પણ કરે છે, આશ્ચર્યચકિત પણ કરી દે છે. ઉદાહરણ તરીકે, દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડન જેવા દેશોમાં વિશ્વમાં જેટલાં રેલ નેટવર્ક છે તેના કરતા વધારે રેલવે ટ્રેક આપણા દેશમાં આ 9 વર્ષમાં બિછાવાયા છે. તમે આ સ્કેલની કલ્પના કરો. દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ અને ઑસ્ટ્રિયા જેવા દેશોનાં જેટલાં રેલ નેટવર્ક છે એના કરતાં વધારે ટ્રેક ભારતે એકલા છેલ્લાં વર્ષમાં બનાવ્યા છે, એક જ વર્ષમાં. આજે ભારતમાં આધુનિક ટ્રેનોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આજે દેશનું લક્ષ્ય દરેક મુસાફર અને દરેક નાગરિક માટે રેલવેની મુસાફરી સુલભ તેમજ આનંદપ્રદ બનાવવાનું છે. હવે તમને ટ્રેનથી લઈને સ્ટેશન સુધીનો શ્રેષ્ઠ અનુભવ આપવાનો પ્રયાસ છે. પ્લેટફોર્મ્સ પર બેસવા માટે વધુ સારી સીટો લગાવવામાં આવી રહી છે, સારા વેઈટીંગ રૂમ બનાવવામાં આવી રહ્યા છે. આજે દેશનાં હજારો રેલવે સ્ટેશનો પર ફ્રી વાઈફાઈની સુવિધા છે. આપણે જોયું છે કે ઘણા યુવાનોએ આ ફ્રી ઈન્ટરનેટનો લાભ લીધો છે, અભ્યાસ કરીને તેઓએ તેમનાં જીવનમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.
સાથીઓ,
આ એટલી મોટી સિદ્ધિઓ છે, જે રીતે રેલવેમાં કામ થયું છે. કોઈ પણ પીએમને મન થઇ જાય કે 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી તેનો ઉલ્લેખ કરે. અને જ્યારે 15મી ઑગસ્ટ નજીક છે, ત્યારે તો મન બહુ જ લલચાઇ જાય કે એ દિવસે એની ચર્ચા કરું. પરંતુ આજે આટલું મોટું આયોજન થઈ રહ્યું છે, જેમાં દેશના ખૂણે-ખૂણેથી લોકો જોડાયા છે. તેથી હું પણ અત્યારે આ બાબતે વિગતવાર ચર્ચા કરી રહ્યો છું.
સાથીઓ,
રેલવેને આપણા દેશની જીવન રેખા કહેવામાં આવે છે. પરંતુ સાથે સાથે આપણાં શહેરોની ઓળખ પણ શહેરનાં રેલવે સ્ટેશન સાથે જોડાયેલી હોય છે. સમય જતાં આ રેલવે સ્ટેશનો હવે 'હાર્ટ ઑફ ધ સિટી' બની ગયાં છે. શહેરની તમામ મુખ્ય પ્રવૃત્તિઓ રેલવે સ્ટેશનોની આસપાસ જ થાય છે. એટલા માટે આજે ખૂબ જ જરૂરી છે કે આપણાં રેલવે સ્ટેશનોને નવાં આધુનિક સ્વરૂપમાં ઘડવામાં આવે, રેલવેની જગ્યાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે.
સાથીઓ,
દેશમાં આટલાં બધાં નવાં આધુનિક સ્ટેશનો બનશે ત્યારે તેનાથી વિકાસ માટે નવું વાતાવરણ પણ બનશે. જ્યારે કોઈ પણ પ્રવાસી, દેશી કે વિદેશી, ટ્રેન દ્વારા આ આધુનિક સ્ટેશનો પર પહોંચશે, ત્યારે રાજ્યની, તમારાં શહેરની પ્રથમ તસવીર તેને ચોક્કસપણે પ્રભાવિત કરશે, તે યાદગાર બની જાય છે. આધુનિક સેવાઓને કારણે પ્રવાસનને વેગ મળશે. સ્ટેશનની આસપાસ સારી વ્યવસ્થાને કારણે આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. સરકારે સ્ટેશનોને શહેર અને રાજ્યની ઓળખ સાથે જોડવા માટે 'એક સ્ટેશન, એક ઉત્પાદન' યોજના પણ શરૂ કરી છે. આનાથી સમગ્ર વિસ્તારનાં લોકો, કામદારો અને કારીગરોને ફાયદો થશે, તેમજ જિલ્લાનું બ્રાન્ડિંગ પણ થશે.
સાથીઓ,
આઝાદીના અમૃતકાળમાં દેશે પોતાના વારસા પર ગર્વ કરવાનો સંકલ્પ પણ લીધો છે. આ અમૃત રેલવે સ્ટેશન પણ તેનાં પ્રતિક બનશે, આપણને ગર્વથી ભરી દેશે. આ સ્ટેશનોમાં દેશની સંસ્કૃતિ અને સ્થાનિક વારસાની ઝલક જોવા મળશે. ઉદાહરણ તરીકે, જયપુર રેલવે સ્ટેશન પર હવામહેલ, આમેર ફોર્ટ જેવા રાજસ્થાનના વારસાની ઝલક હશે. જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ તાવી રેલવે સ્ટેશન પ્રસિદ્ધ રઘુનાથ મંદિરથી પ્રેરિત હશે. નાગાલેન્ડનાં દીમાપુર સ્ટેશન પર 16 આદિવાસીઓનું સ્થાનિક સ્થાપત્ય જોવા મળશે. દરેક અમૃત સ્ટેશન શહેરની આધુનિક આકાંક્ષાઓ અને પ્રાચીન વારસાનું પ્રતિક બનશે. આ દિવસોમાં દેશનાં વિવિધ ઐતિહાસિક સ્થળો અને તીર્થસ્થળોને જોડવા માટે ભારત ગૌરવ યાત્રા ટ્રેન, ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન પણ દેશમાં ચાલી રહી છે. તે તમારાં ધ્યાનમાં આવ્યું હશે, તેને પણ મજબૂત કરવામાં આવી રહ્યું છે.
સાથીઓ,
કોઈપણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે જરૂરી છે કે આપણે તેની ક્ષમતાને ઓળખીએ. ભારતીય રેલવેમાં વૃદ્ધિને વેગ આપવાની અપાર ક્ષમતા છે. આ જ વિચાર સાથે છેલ્લાં 9 વર્ષમાં અમે રેલવેમાં રેકોર્ડ રોકાણ કર્યું છે. આ વર્ષે રેલવેને 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ આપવામાં આવ્યું છે. આ બજેટ 2014 કરતા 5 ગણું વધુ છે. આજે, રેલવેના સર્વાંગી વિકાસ માટે સર્વગ્રાહી અભિગમ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. આ 9 વર્ષમાં લોકોમોટિવ્સનું ઉત્પાદન પણ 9 ગણું વધ્યું છે. આજે દેશમાં પહેલા કરતા 13 ગણા વધુ HLB કોચ બની રહ્યા છે.
સાથીઓ,
અમારી સરકારે ઉત્તર પૂર્વમાં રેલવેનાં વિસ્તરણને પણ પ્રાથમિકતા આપી છે. રેલવે લાઈનનું ડબલિંગ હોય, ગેજ કન્વર્ઝન હોય, વિદ્યુતીકરણ હોય, નવા રૂટનું નિર્માણ હોય, તેના પર ઝડપી ગતિએ કામ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ ઉત્તર પૂર્વનાં તમામ રાજ્યોની રાજધાનીઓને રેલવે નેટવર્કથી જોડવામાં આવશે. નાગાલેન્ડમાં 100 વર્ષ બાદ બીજું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. નોર્થ ઈસ્ટમાં નવી રેલ લાઈનનું કમિશનિંગ પણ પહેલા કરતા ત્રણ ગણું વધારે થઈ રહ્યું છે.
સાથીઓ,
છેલ્લાં 9 વર્ષોમાં, 2200 કિમી ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર પણ બનાવવામાં આવ્યા છે. જેના કારણે ગુડ્સ ટ્રેનોના પ્રવાસના સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિલ્હી-એનસીઆરથી પશ્ચિમી બંદરો સુધી, પછી તે ગુજરાતનો દરિયા કિનારો હોય કે મહારાષ્ટ્રનો દરિયા કિનારો, પહેલા ટ્રેન દ્વારા જે માલ પહોંચાડવામાં સરેરાશ 72 કલાકનો સમય લાગતો હતો, આજે તે જ સામાન, તે જ ગુડ્સ 24 કલાકમાં પહોંચી જાય છે. તેવી જ રીતે, અન્ય રૂટ પર પણ સમયમાં 40 ટકા સુધીનો ઘટાડો થયો છે. મુસાફરીના સમયમાં ઘટાડો થવાનો અર્થ એ છે કે માલગાડીઓની ગતિ વધી છે અને સામાન પણ હવે વધારે ઝડપથી પહોંચી રહ્યો છે. આપણા ઉદ્યોગસાહસિકો, કારોબારીઓ અને ખાસ કરીને આપણાં ખેડૂત ભાઈ-બહેનોને આનો મોટો લાભ મળી રહ્યો છે. આપણાં ફળો અને શાકભાજી હવે દેશના એક ખૂણેથી બીજા ખૂણે વધુ ઝડપથી પહોંચી રહ્યાં છે. જ્યારે દેશમાં આ પ્રકારનું પરિવહન ઝડપી બનશે, ત્યારે એટલી જ ઝડપથી ભારતની જે પ્રોડક્ટ છે. આપણા નાના-મોટા કારીગરો અને આપણા નાના ઉદ્યોગો જે કંઈ પણ ઉત્પાદન કરે છે, તે માલ પણ ખૂબ જ ઝડપથી વિશ્વ બજારમાં પહોંચશે.
સાથીઓ,
તમે બધાએ જોયું હશે કે અગાઉ રેલવે ઓવરબ્રિજ ઓછા હોવાનાં કારણે કેટલી મુશ્કેલીઓ પડતી હતી. 2014 પહેલા દેશમાં 6 હજારથી પણ ઓછા રેલવે ઓવર બ્રિજ અને અન્ડર બ્રિજ હતા. આજે ઓવરબ્રિજ અને અન્ડર બ્રિજની આ સંખ્યા વધીને 10 હજારથી વધુ થઈ ગઈ છે. દેશમાં બ્રોડગેજ પર માનવરહિત લેવલ ક્રોસિંગની સંખ્યા પણ શૂન્ય થઈ ગઈ છે. આજે રેલવેમાં અને રેલવે પ્લેટફોર્મ પર પેસેન્જર સુવિધાઓનાં નિર્માણમાં વૃદ્ધોની, દિવ્યાંગજનોની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ,
અમારો ભાર ભારતીય રેલવેને આધુનિક બનાવવાની સાથે સાથે પર્યાવરણને અનુકૂળ બનાવવા પર પણ છે. ખૂબ જ ટૂંક સમયમાં ભારતના 100 ટકા રેલવે ટ્રેકનું વીજળીકરણ થવા જઈ રહ્યું છે. એટલે કે થોડાં વર્ષોમાં ભારતની તમામ ટ્રેનો માત્ર વીજળીથી ચાલશે. તમે અંદાજ લગાવી શકો છો કે આનાથી પર્યાવરણને કેટલી મદદ મળશે. 9 વર્ષમાં સોલર પેનલથી વીજળી ઉત્પન્ન કરતાં રેલવે સ્ટેશનોની સંખ્યા પણ વધીને 1200થી વધુ થઈ ગઈ છે. લક્ષ્ય એ જ છે કે આવનારા સમયમાં તમામ સ્ટેશનો ગ્રીન એનર્જી બનાવે. આપણી ટ્રેનોના લગભગ 70,000 ડબ્બા અને 70,000 કૉચમાં LED લાઇટ્સ લગાવવામાં આવી ચૂકી છે. ટ્રેનોમાં બાયોટોઈલેટની સંખ્યામાં પણ 2014ની સરખામણીમાં 28 ગણો વધારો થયો છે. આ તમામ અમૃત સ્ટેશન જે બનાવવામાં આવશે તે પણ ગ્રીન બિલ્ડીંગના માપદંડોને પૂર્ણ કરશે. 2030 સુધીમાં ભારત એવો દેશ હશે જેનું રેલવે નેટવર્ક ચોખ્ખાં શૂન્ય ઉત્સર્જન પર ચાલશે.
સાથીઓ,
દાયકાઓથી, રેલવેએ આપણને નજીકના અને પ્રિયજનોને મળવાનું એક વિશાળ અભિયાન ચલાવ્યું છે, કામ કર્યું છે, એક રીતે તેણે દેશને જોડવાનું પણ કામ કર્યું છે. હવે એ આપણી જવાબદારી છે કે રેલને વધુ સારી ઓળખ અને આધુનિક ભવિષ્ય સાથે જોડીએ. અને એક નાગરિક તરીકે આપણે એ કર્તવ્ય પણ નિભાવવાનું છે કે રેલવેનું રક્ષણ કરવું, વ્યવસ્થાઓનું રક્ષણ કરવું, સુવિધાઓનું રક્ષણ કરવું, સ્વચ્છતાનું રક્ષણ કરવું. અમૃતકાલ કર્તવ્યકાલ પણ છે. પરંતુ મિત્રો, જ્યારે આપણે કેટલીક વસ્તુઓ જોઈએ છીએ, ત્યારે મનને પીડા પણ થાય છે. કમનસીબે, આપણા દેશમાં વિપક્ષનો એક વર્ગ હજુ પણ જૂની ઢબ પર ચાલી રહ્યો છે. આજે પણ તેઓ પોતે તો કંઈ કરશે નહીં અને કોઈને કરવા દેશે પણ નહીં. ‘ન કામ કરશે, ન કરવા દેશે’ એ વલણ પર અડગ છે. દેશની આજની અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદનું આધુનિક ભવન બનાવવામાં આવ્યું હતું. સંસદ એ દેશની લોકશાહીનું પ્રતીક હોય છે, જેમાં પક્ષ અને વિપક્ષ તમામનું પ્રતિનિધિત્વ હોય છે. પરંતુ, વિપક્ષના આ વર્ગે સંસદનાં નવાં ભવનનો પણ વિરોધ કર્યો. જ્યારે અમે કર્તવ્યપથ વિકસાવ્યો ત્યારે તેનો પણ વિરોધ કરવામાં આવ્યો. આ લોકોએ 70 વર્ષ સુધી દેશના વીર શહીદો માટે યુદ્ધ સ્મારક સુદ્ધાં નથી બનાવ્યું. જ્યારે અમે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવ્યું, તેનું નિર્માણ કર્યું ત્યારે તેની પણ સરેઆમ આલોચના કરતી વખતે તેમને શરમ ન આવી. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યૂ ઑફ યુનિટી આજે વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. દરેક ભારતીયને ગર્વ થાય છે. અને અમુક રાજકીય પક્ષો ચૂંટણી વખતે તો સરદાર સાહેબને યાદ કરી લે છે. પરંતુ, આજ સુધી તેમના એક પણ મોટા નેતાએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં જઈને સરદાર સાહેબની આ ભવ્ય પ્રતિમાનાં ન તો દર્શન કર્યા કે ન તો તેમને નમન કર્યાં.
પરંતુ સાથીઓ,
અમે દેશના વિકાસને આ સકારાત્મક રાજનીતિથી આગળ ધપાવવાનું નક્કી કર્યું છે અને તેથી અમે એક મિશન તરીકે નકારાત્મક રાજકારણથી ઉપર ઊઠીને સકારાત્મક રાજનીતિના માર્ગ પર ચાલી રહ્યા છીએ. કયાં રાજ્યમાં કોની સરકાર છે, કોની વૉટ બૅન્ક ક્યાં છે, આ બધાથી ઉપર ઉઠીને અમે સમગ્ર દેશના વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. સબકા સાથ, સબકા વિકાસ, આ ધરતી પર ચરિતાર્થ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
સાથીઓ,
વીતેલાં વર્ષોમાં રેલવે યુવાનોને નોકરીઓ આપવાનું પણ એક બહુ મોટું માધ્યમ બની ગયું છે. એકલા રેલવેમાં 1.5 લાખથી વધુ યુવાનોને પાક્કી નોકરીઓ મળી છે. એ જ રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લાખો કરોડનું રોકાણ થવાથી લાખો યુવાનોને રોજગારી મળી રહી છે. હાલમાં કેન્દ્ર સરકાર 10 લાખ યુવાનોને નોકરી આપવાનું અભિયાન પણ ચલાવી રહી છે. રોજગાર મેળાઓમાં યુવાનોને સતત નિમણૂક પત્રો મળી રહ્યા છે. આ બદલાતા ભારતની એ તસવીર છે, જેમાં વિકાસ યુવાનોને નવી તકો આપી રહ્યો છે અને યુવાનો વિકાસને નવી પાંખો આપી રહ્યા છે.
સાથીઓ,
આજે આ કાર્યક્રમમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ આપણને આશીર્વાદ આપવા માટે હાજર છે. ઘણા પદ્મ પુરસ્કાર વિજેતા મહાનુભાવો પણ આ કાર્યક્રમની શોભા વધારી રહ્યા છે. ઑગસ્ટ મહિનો દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ મહિનો હોય છે. આ મહિનો ક્રાંતિનો મહિનો છે, કૃતજ્ઞતાનો મહિનો છે, કર્તવ્યની ભાવનાનો મહિનો છે. ઑગસ્ટમાં ઘણા ઐતિહાસિક દિવસો આવે છે, જેણે ભારતના ઈતિહાસને નવી દિશા આપી અને આજે પણ આપણને પ્રેરણા આપે છે. આવતી કાલે, 7 ઑગસ્ટના રોજ, સમગ્ર દેશ સ્વદેશી ચળવળને સમર્પિત રાષ્ટ્રીય હૅન્ડલૂમ દિવસની ઉજવણી કરશે. 7મી ઑગસ્ટની આ તારીખ દરેક ભારતીય માટે વોકલ ફોર લોકલ બનવાના સંકલ્પને પુનરાવર્તિત કરવાનો દિવસ છે. થોડા દિવસો બાદ ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર પણ આવવાનો છે. આપણે અત્યારથી જ ઇકો-ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી તરફ જવાનું છે. આપણે પ્રયત્ન કરવો જોઈએ કે ગણપતિ બાપ્પાની મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી સામગ્રીમાંથી બનેલી હોય. આ તહેવાર આપણા સ્થાનિક કારીગરો, આપણા હસ્તકલાકારો અને આપણા નાના ઉદ્યોગસાહસિકો દ્વારા બનાવેલ ઉત્પાદનો ખરીદવા માટે પ્રેરણા આપે છે.
સાથીઓ,
7મી તારીખના એક દિવસ બાદ 9મી ઑગસ્ટ આવી રહી છે. 9 ઑગસ્ટ એ તારીખ છે જ્યારે ઐતિહાસિક ભારત છોડો આંદોલન શરૂ થયું હતું. મહાત્મા ગાંધીએ મંત્ર આપ્યો અને ભારત છોડો આંદોલને આઝાદી તરફનાં ભારતનાં પગલાંમાં નવી ઊર્જા પેદા કરી દીધી હતી. તેનાથી જ પ્રેરિત થઈને આજે આખો દેશ દરેક બુરાઈ માટે કહી રહ્યો છે - ભારત છોડો. ચારે તરફ એક જ ગુંજ છે. કરપ્શન- ક્વિટ ઇન્ડિયા એટલે કે ભ્રષ્ટાચાર- ભારત છોડો. ડાયનેસ્ટિ ક્વિટ ઇન્ડિયા એટલે કે પરિવારવાદ ભારત છોડો. અપિઝમેન્ટ ક્વિટ ઇન્ડિયા એટલે કે તુષ્ટિકરણ ભારત છોડો!
સાથીઓ,
ત્યારબાદ 15 ઑગસ્ટની પૂર્વ સંધ્યા 14 ઑગસ્ટ, 14 ઑગસ્ટનો ભાગલા વિભિષિકા સ્મૃતિ દિવસ, જ્યારે મા ભારતીના બે ટુકડા થઈ ગયા હતા, એક એવો દિવસ છે જે દરેક ભારતીયની આંખો ભીંજવી દે છે. ભારતના ભાગલાની ભારે કિંમત ચૂકવનાર અસંખ્ય લોકોને યાદ કરવાનો આ દિવસ છે. તે એવા પરિવારો સાથે એકતાનું પ્રદર્શન છે જેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું અને હજુ પણ મા ભારતી પ્રત્યે પોતાની શ્રદ્ધા લઈને જીવનને પાટા પર લાવવા માટે હિંમતપૂર્વક ઝઝૂમતા રહ્યા. આજે તેઓ તેમના પરિવાર, પોતાના દેશનાં હિતમાં, દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. અને મિત્રો, 14 ઑગસ્ટ, વિભાજન વિભિષિકા દિવસ, મા ભારતીના ટુકડાઓનો તે દિવસ પણ આપણને ભવિષ્યમાં મા ભારતીને એક રાખવાની જવાબદારી પણ આપે છે. હવે સંકલ્પ લેવાનો સમય આવી ગયો છે કે આ દેશને કોઈપણ રીતે નુકસાન ન થાય, આ સંકલ્પ કરવાનો સમય પણ આ વિભાજન વિભિષિકા દિવસ 14 ઑગસ્ટ છે.
સાથીઓ,
દેશમાં દરેક બાળક, વૃદ્ધ, દરેક વ્યક્તિ 15મી ઑગસ્ટની રાહ જુએ છે. અને આપણી 15મી ઑગસ્ટ, આપણો સ્વતંત્રતા દિવસ આપણા ત્રિરંગા અને આપણાં રાષ્ટ્રની પ્રગતિ માટે આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાનો સમય છે. ગયાં વર્ષની જેમ આ વખતે પણ આપણે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાનો છે. હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મક્સદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા. હું જોઉં છું કે આજકાલ ઘણા મિત્રો સોશિયલ મીડિયા પર તેમની તિરંગાવાળી ડીપી અપડેટ કરી રહ્યા છે. હર ઘર તિરંગાના ઉદ્ઘોષ સાથે ફ્લેગ માર્ચ પણ કાઢી રહ્યા છે. આજે હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને યુવાનોને આગ્રહ કરું છું કે હર ઘર તિરંગા, આ આંદોલનમાં જોડાઓ અને તેનો પ્રચાર-પ્રસાર પણ કરો.
સાથીઓ,
લાંબા સમયથી આપણા દેશના લોકો એવું જ માનતા હતા કે તેઓ જે ટેક્સ ભરે છે તેનો કોઈ મતલબ નથી. તેઓને લાગતું કે તેમની મહેનતની કમાણીના પૈસા ભ્રષ્ટાચારમાં ઉડાવી દેવાશે. પરંતુ અમારી સરકારે આ ધારણાને બદલી નાખી. આજે લોકોને લાગે છે કે તેમના દરેક પૈસાનો પાઇએ પાઇનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ માટે થઈ રહ્યો છે. સુવિધાઓ વધી રહી છે, ઈઝ ઑફ લિવિંગ વધી રહી છે. તમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એ તમારાં બાળકોને વેઠવી ન પડે તે માટે દિવસ-રાત કામ કરવામાં આવી રહ્યું છે. આનું પરિણામ એ છે કે ટેક્સ ભરનારા લોકોનો વિકાસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને તેનાં કારણે કર આપનારાઓની સંખ્યા પણ વધી રહી છે. એક સમય હતો જ્યારે દેશમાં 2 લાખ રૂપિયાની આવક પર ટેક્સ લાગતો હતો. આજે આ આ મોદીની ગૅરંટી જુઓ, આજે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ લાગતો નથી. આમ છતાં દેશમાં જમા થતી આવક વેરાની રકમ પણ સતત વધી રહી છે. જે વિકાસ માટે કામ આવે છે. તેનો સ્પષ્ટ સંદેશ છે કે દેશમાં મધ્યમ વર્ગનો વ્યાપ સતત વધી રહ્યો છે. હમણાં પાંચ દિવસ પહેલા જ આવક વેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વીતી છે. આ વર્ષે આપણે જોયું છે કે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં 16%નો વધારો થયો છે. આ દર્શાવે છે કે લોકોનો દેશની સરકાર પર, દેશમાં થઈ રહેલાં નવનિર્માણ પર અને વિકાસની કેટલી જરૂરિયાત છે એ વાત પર લોકોનો વિશ્વાસ કેટલો વધી રહ્યો છે. આજે લોકો જોઈ રહ્યા છે કે કેવી રીતે દેશમાં રેલવેનો કાયાકલ્પ થઈ રહ્યો છે, મેટ્રોનું વિસ્તરણ થઈ રહ્યું છે. આજે લોકો જોઈ રહ્યા છે કે કેવી રીતે દેશમાં એક પછી એક નવા એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યા છે. આજે લોકો જોઈ રહ્યા છે કે દેશમાં કેટલી ઝડપથી નવાં નવાં એરપોર્ટ્સ બનાવાઇ રહ્યાં છે, નવી નવી હૉસ્પિટલો બની રહી છે, નવી નવી શાળાઓ બનાવાઇ રહી છે. જ્યારે લોકો આ રીતનું પરિવર્તન જુએ છે, ત્યારે એ લાગણી પ્રબળ બને છે કે તેમના પૈસાથી નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તમારાં બાળકોનાં ઉજ્જવળ ભવિષ્યની ગૅરંટી આ તમામ કામોમાં ગૅરંટી છે. આપણે આ વિશ્વાસને દિવસે દિવસે વધુ મજબૂત કરવાનો છે.
અને ભાઇઓ-બહેનો,
આ 508 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે ને તે પણ એ જ દિશામાં લેવાયેલું પગલું છે. હું તમને વિશ્વાસ આપું છું કે, અમૃત ભારત સ્ટેશનો ભારતીય રેલવેનાં આ કાયાકલ્પને એક નવી ઊંચાઈ આપશે અને ક્રાંતિના આ મહિનામાં, આપણે બધા ભારતીયો નવા સંકલ્પો સાથે, 2047માં જ્યારે દેશ આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે ભારતને વિકસિત બનાવવા માટે એક નાગરિક તરીકે મારી જે પણ જવાબદારી છે તેને અવશ્ય પૂર્ણ કરીશ. આ સંકલ્પ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર! ખૂબ ખૂબ શુભકામનાઓ.