હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરજી, પૂર્ણ મુખ્યમંત્રી શ્રી ધુમલજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સહયોગી શ્રી અનુરાગજી, સંસદમાં મારા સાથી શ્રી સુરેશ કશ્યપજી, શ્રી કિશન કપૂરજી, બહેન ઈંદુ ગોસ્વામીજી અને હિમાચલના ખૂણે ખૂણેથી અહીંયા પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
આ મહિને કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી આજે આ છોટી કાશી મંઝ, બાબા ભૂતનાથના, પંચ-વક્ત્રારા, મહામૃત્યુન્જયના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો છે. દેવભૂમિના બધા જ દેવી- દેવતાઓને મારા નમન.
સાથીઓ,
હિમાચાલ સાથે મારો હંમેશા એક ભાવનાત્મક સંબંધ રહ્યો છે. હિમાચલની ધરતીએ, હિમાચલના ઉત્તુંગ શિખરોએ મારા જીવનની દિશા આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. અને આજે હું જ્યારે આપ સૌની વચ્ચે આવ્યો છું અને જ્યારે પણ હું મંડી આવું છું તો મંડીની સેપૂ બડી, કચોરી અને બદાણેની મિઠાઈ યાદ આવી જાય છે.
સાથીઓ,
આજે ડબલ એન્જિનની સરકારને પણ 4 વર્ષ પૂરા થયા છે. સેવા અને સિધ્ધિના આ 4 વર્ષ બદલ હિમાચલની જનતા જનાર્દનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આજે આટલી મોટી સંખ્યામાં અને આવી આકરી ઠંડીમાં અમને સૌને આશીર્વાદ આપવા માટે આવ્યા છો તેનો અર્થ એ થાય છે કે આ 4 વર્ષમાં હિમાચલને ઝડપી ગતિથી આગળ ધપતું તમે જોયું છે. જયરામજી અને તેમની મહેનતુ ટીમે હિમાચલવાસીઓના સપનાં પૂરા કરવા માટે કોઈ કસર છોડી નથી. આ ચાર વર્ષમાંથી આપણે બે વર્ષ મજબૂતીથી કોરોના સામેની લડાઈ પણ લડી છે અને વિકાસ કાર્યોને પણ અટકવા દીધા નથી. વિતેલા 4 વર્ષમાં હિમાચલ પ્રદેશને પ્રથમ એમ્સ મળ્યું છે. હમીપુર, મંડી, ચંબા અને સિરમૌરમાં 4 નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશની કનેક્ટિવીટીને મજબૂત કરવા માટેના અનેક પ્રયાસ પણ ચાલુ જ છે.
ભાઈઓ અને બહેનો,
આજે આ મંચ ઉપર આવતાં પહેલાં હું હિમાચલ પ્રદેશના ઔદ્યોગિક વિકાસ સાથે જોડાયેલા કાર્યક્રમમાં, ઈન્વેસ્ટર મીટમાં સામેલ થયો અને અહીંયા જે પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે તેને જોઈને પણ હું પ્રભાવિત થયો છું. તેમાં હિમાચલ પ્રદેશમાં હજારો કરોડો રૂપિયાના રોકાણની, યુવાનો માટે અનેક નવી રોજગારીનો રસ્તો પણ ખૂલ્યો છે. હમણાં જ થોડીકવાર પહેલાં રૂ.11 હજાર કરોડના ખર્ચે સ્થપાનારા 4 મોટા હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટસનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્ય છે. તેનાથી હિમાચલ પ્રદેશની આવક વધશે અને રોજગારીની હજારો તકો ઉભી થશે. સાવડા કુડ્ડુ, પ્રોજેક્ટ હોય કે લૂહરી પ્રોજેક્ટ હોય, ધૌલાસિધ્ધ પ્રોજેક્ટ હોય કે પછી રેણુકાજી પ્રોજેક્ટ હોય. આ તમામ પ્રોજેક્ટ હિમાચલની આકાંક્ષાઓ અને દેશની જરૂરિયાતો બંને પૂરા કરશે. સાવડા કુડ્ડુ બંધ તો પિઆનોની આકૃતિ ધરાવતો એશિયાનો આ પ્રકારનો પ્રથમ બંધ છે. અહીં વિજળી પેદા થવાથી હિમાચલ પ્રદેશને દર વર્ષે આશરે સવા સો કરોડ રૂપિયાની આવક થશે.
સાથીઓ,
શ્રી રેણુકાજી આપણી આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. ભગવાન પરશુરામ અને તેમના માતા રેણુકાજીના સ્નેહની પ્રતિક એવી આ ભૂમિ આજે દેશના વિકાસ માટે પણ એક ધારા બની રહી છે. ગિરી નદી પર બની રહેલી રેણુકાજી બંધ યોજના જ્યારે પૂરી થશે ત્યારે એક મોટા વિસ્તારને તેનાથી સીધો લાભ થશે. આ પ્રોજેક્ટથી જે આવક થશે તેનો એક મોટો હિસ્સો અહીંયા વિકાસ માટે વપરાશે.
સાથીઓ,
દેશના નાગરિકોનું જીવન આસાન બનાવવા માટે ઈઝ ઓફ લીવીંગ અમારી સરકારની સર્વોચ્ચ અગ્રતા છે અને તેમાં વિજળીની ઘણી મોટી ભૂમિકા છે. અભ્યાસ કરવા માટે વિજળી, ઘરના કામ કરવા માટે અને ઉદ્યોગો માટે તો કામ આવે છે એટલું જ નહીં પણ હવે તો વિજળી મોબાઈલ ચાર્જ કરવા માટે પણ કામ આવે છે અને કોઈ તેના વગર રહી શકતું નથી. તમે જાણો છો કે અમારી સરકારનું ઈઝ ઓફ લીવીંગ મોડલ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ છે અને પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ મદદ કરી રહ્યું છે. આજે અહીંયા જે હાઈડ્રો પાવર પ્રોજેક્ટસનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે તે પણ ક્લાયમેટ ફ્રેન્ડલી નૂતન ભારત તરફનું એક મજબૂત કદમ છે. આજે સમગ્ર વિશ્વ ભારતની એ બાબતે પ્રશંસા કરી રહ્યું છે કે આપણો દેશ પર્યાવરણને બચાવીને કેવી રીતે વિકાસને ગતિ આપી રહ્યો છે. સોલાર પાવરથી માંડીને હાઈડ્રો પાવર સુધી, પવન ઊર્જાથી માંડીને ગ્રીન હાઈડ્રોજન સુધી આપણો દેશ રિન્યુએબલ એનર્જીના દરેક સાધનનો પૂર્ણ રીતે ઉપયોગ કરવાનું કામ સતત કરી રહ્યો છે. આપણો ઈરાદો એવો છે કે દેશના નાગરિકોની ઊર્જાની જરૂરિયાત પૂરી કરવાની સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય. અને ભારત પોતાના લક્ષ્ય જે રીતે હાંસલ કરી રહ્યું છે તેનું એક ઉદાહરણ દેશની વધતી જતી વિજળીની સ્થાપિત ક્ષમતા પણ છે.
સાથીઓ,
ભારતે વર્ષ 2016માં એવું લક્ષ્ય નક્કી કર્યું હતું કે તે વર્ષ 2030 સુધીમાં પોતાની વિજળીની સ્થાપિત ક્ષમતાનો 40 ટકા હિસ્સો જમીનમાંથી નિકળતો ના હોય તેવા ઊર્જા સ્રોતો મારફતે પૂરો કરશે. આજે દરેક ભારતીયને એ બાબતનું ગર્વ છે કે ભારતે પોતાનું આ લક્ષ્ય આ વર્ષે નવેમ્બર માસમાં જ પ્રાપ્ત કરી લીધું છે. આનો અર્થ એ થાય કે લક્ષ્ય વર્ષ 2030નું હતું, પણ ભારતે તે 2021માં જ પ્રાપ્ત કરી લીધુ છે. આજ તો છે ભારતમાં કામ કરવાની ગતિ અને આપણી કામ કરવાની ઝડપ.
સાથીઓ,
પ્લાસ્ટિકના કારણે પર્વતોને જે નુકશાન થઈ રહ્યું છે તે બાબતે પણ અમારી સરકાર સતર્ક છે. સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક વિરૂધ્ધ દેશવ્યાપી અભિયાન શરૂ કરવાની સાથે સાથે અમારી સરકાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટેનું કામ પણ કરી રહી છે. પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને તેનો ઉપયોગ સડક બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
આજે હું તમારી સાથે વાત કરતાં દેશના ખૂણે ખૂણેથી હિમાચલ આવનારા તમામ પર્યટકો પાસે પણ એવો આગ્રહ રાખું છું કે હિમાચલને સ્વચ્છ રાખવામાં અને પ્લાસ્ટિક તથા અન્ય કચરાથી મુક્ત રાખવાની પણ પ્રવાસીઓની મોટી જવાબદારી છે. તેને રોકવાનો પ્રયાસ આપણે સૌએ સાથે મળીને કરવાનું રહેશે.
સાથીઓ,
દેવભૂમિ હિમાચલને પ્રકૃતિનું જે વરદાન મળ્યું છે તેને આપણે સુરક્ષિત રાખવું પડશે. અહીંયા પ્રવાસનની સાથે સાથે ઔદ્યોગિક વિકાસની પણ અપાર સંભાવનાઓ છે. અમારી સરકાર આ દિશામાં પણ સતત કામ કરી રહી છે. અમારો ઝોક ખાસ કરીને ફૂડ ઉદ્યોગ, ખેતી અને ફાર્મા ઉપર છે અને અહીંયા ભંડોળ તો છે જ. ટુરિઝમ માટેનું ભંડોળ હિમાચલ કરતાં વધુ કોને મળી શકે! હિમાચલનો ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ વિતરણની મોટી ક્ષમતા ધરાવે છે. આ માટે અમારી સરકાર મેગા ફૂડ પાર્કથી માંડીને કોલ્ડ સ્ટોરેજની માળખાગત સુવિધાઓ મજબૂત કરી રહી છે. ફાર્મિગમાં, નેચરલ ફાર્મિંગમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ ડબલ એન્જિનની સરકાર નિરંતર કામ કરી રહી છે. આજે પ્રાકૃતિક ખેતીથી લેવાતા પાકની માંગ દુનિયાભરમાં વધી રહી છે અને તે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. મને આનંદ છે કે આ બાબતે હિમાચલ સારૂં કામ કરી રહ્યું છે. રાજ્યમાં અનેક બાયો વિલેજ બનાવવામાં આવ્યા છે. અને આજે ખાસ કરીને હું હિમાચલના ખેડૂતોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે તેમણે કુદરતી ખેતીનો રસ્તો પસંદ કર્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે અંદાજે દોઢ લાખ કરતાં વધુ ખેડૂતો આટલા નાના રાજ્યમાં ખૂબ જ ઓછા સમયમાં કેમિકલ મુક્ત પ્રાકૃતિક ખેતીના માર્ગે આગળ ધપી રહ્યા છે. અને આજે તમે પ્રદર્શમાં જે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો જોઈ રહ્યા છો તેનું કદ પણ કેટલું આકર્ષક છે. તેના રંગરૂપ પણ આકર્ષક છે. મને એ બાબતે ખૂબ જ આનંદ છે કે હિમાચલ પ્રદેશના ખેડૂતોને આ માટે હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અને દેશના ખેડૂતોને પણ આગ્રહ કરૂં છું કે હિમાચલ પ્રદેશે જે રસ્તો પસંદ કર્યો છે તે રસ્તો ઉત્તમ ખેતીનો માર્ગ છે. આજે જ્યારે પેકેજ્ડ ફૂડનું ચલણ વધી રહ્યું છે ત્યારે હિમાચલ તેમાં ઘણી મોટી ભૂમિકા નિભાવી શકે તેમ છે.
સાથીઓ,
હિમાચલ પ્રદેશ દેશના મહત્વપૂર્ણ ફાર્મા હબમાંનું એક છે. ભારતને આજે ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે અને તેની પાછળ હિમાચલ પ્રદેશની ખૂબ મોટી ભૂમિકા છે. કોરોના વૈશ્વિક મહામારી દરમ્યાન હિમાચલ પ્રદેશે અન્ય રાજ્યોને મદદ તો કરી જ, પણ સાથે સાથે અન્ય દેશને પણ મદદ કરી છે. ફાર્મા ઉદ્યોગની સાથે સાથે અમારી સરકારે આયુષ ઈન્ડસ્ટ્રીની કુદરતી દવાઓ સાથે જોડાયેલા એકમોને પણ પ્રોત્સાહન પૂરૂં પાડ્યું છે.
સાથીઓ,
આજે દેશમાં સરકાર ચલાવવાના બે અલગ અલગ મોડલ કામ કરી રહ્યા છે. એક મોડલ છે- સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ. જ્યારે બીજુ મોડલ છે- પોતાનો સ્વાર્થ, પરિવારનો સ્વાર્થ અને વિકાસ પણ પોતાના જ પરિવારનો. આપણે જો હિમાચલ પ્રદેશમાં જોઈએ તો અમે જે પ્રથમ મોડલ લઈને તમારી પાસે આવ્યા છીએ તે મોડલ સંપૂર્ણ શક્તિ સાથે રાજ્યના વિકાસ માટે લાગુ કરવામાં આવ્યું છે. તેનું પરિણામ એ આવ્યું છે કે હિમાચલ પ્રદેશે પુખ્ત વયની તમામ લોકોને રસી આપવાની કામગીરીમાં અન્ય લોકોની તુલનામાં સારી રીતે બજાવી છે. અહીંયા જે સરકાર છે તે રાજકીય સ્વાર્થમાં ડૂબેલી નથી, પણ તેમણે સંપૂર્ણ ધ્યાન હિમાચલ પ્રદેશના એક એક નાગરિકને કેવી રીતે રસી મળે તેના ઉપર લગાવ્યું છે. અને મને એક વખત આ કામગીરીમાં જોડાયેલા લોકો સાથે વર્ચ્યુઅલી વાત કરવાની તક મળી હતી તે ઘટના ખૂબ જ પ્રેરક હતી.
ભાઈઓ અને બહેનો,
હિમાચલના લોકોને આરોગ્યની ચિંતા હતી એટલા માટે દૂર દૂરના વિસ્તારોમાં પણ તકલીફ વેઠીને તમામ લોકો માટે રસી પહોંચાડી છે. આ આપણો સેવા ભાવ છે. લોકો તરફની આપણી જવાબદારી છે. અહીંયા સરકારે લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ લાગુ કરી છે અને કેન્દ્ર સરકારની યોજનાઓનું પણ સારી રીતે વિસ્તરણ કરવામાં આવ્યું છે તે બતાવે છે કે હિમાચલ પ્રદેશની સરકારને લોકો માટે, ગરીબો માટે કેટલી ચિંતા છે.
સાથીઓ,
આજે અમારી સરકાર દીકરીઓને, દીકરાઓ જેવા જ અધિકાર આપવાનું કામ કરી રહી છે. દીકરા- દીકરી એક સમાન અને આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો અહીંયા આવ્યા છે ત્યારે તેમના આશીર્વાદથી અમને આ કામગીરીમાં તાકાત મળી છે. દીકરા- દીકરી એક સમાન. અમે નક્કી કર્યું છે કે દીકરીઓની લગ્નની ઉંમર એ જ હોવી જોઈએ કે જે ઉંમરે દીકરાઓને લગ્ન કરવાની છૂટ આપવામાં આવે છે. જુઓ સૌથી વધુ તાળીઓ અમારી બહેનો પાડી રહી છે. દીકરીઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ નક્કી થવાના કારણે તેમને ભણવા માટે પણ પૂરો સમય મળશે અને તે પોતાની કારકિર્દિ પણ ઘડી શકશે. અમારા આ પ્રયાસો વચ્ચે તમને એક બીજુ મોડલ પણ જોવા મળશે કે જે પોતાનો સ્વાર્થ જ જુએ છે, પોતાની મતબેંક જ જુએ છે. જે રાજ્યોમાં આ લોકો સરકાર ચલાવી રહ્યા છે ત્યાં અગ્રતા ગરીબોના કલ્યાણ માટે નહીં, પરંતુ પોતાના પરિવારના કલ્યાણને આપવામાં આવે છે. હું ઈચ્છીશ કે, દેશના પંડિતોને પણ આગ્રહ કરીશ કે જરા એ રાજ્યોના રસીકરણનો રેકોર્ડ પણ તપાસી જુએ, તેમના રસીકરણનો રેકોર્ડ પણ એ બાબતનો સાક્ષી છે કે તેમને પોતાના રાજ્યના લોકોની ચિંતા નથી.
સાથીઓ,
અમારી સરકાર સંવેદનશીલતા સાથે, સતર્કતા સાથે પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સતત કામ કરી રહી છે. અમારી સરકારે નક્કી કર્યું છે કે 15થી 18 વર્ષની ઉંમરના જે બાળકો છે, દીકરા-દીકરીઓ છે તેમને પણ સોમવાર, તા.3 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવાનું છે. મને વિશ્વાસ છે કે હિમાચલ પ્રદેશ આ કામગીરીમાં પણ શાનદાર કામ કરી બતાવશે અને દેશને દિશા બતાવવાનું કામ પણ હિમાચલ પ્રદેશ કરશે. આપણાં હેલ્થ સેક્ટરના જે લોકો છે, ફ્રન્ટલાઈન વર્કર્સ છે તે વિતેલા બે વર્ષથી કોરોના સામેની લડાઈમાં દેશને ખૂબ મોટી તાકાત પૂરી પાડી રહ્યા છે. તેમને પણ 10 જાન્યુઆરીથી સાવચેતીના ભાગરૂપે ડોઝ આપવાનું કામ શરૂ થશે. 60 વર્ષથી વધુ વય ધરાવતા વડીલો કે જેમને અગાઉ ગંભીર બીમારીઓ આવી છે તેમને પણ ડોક્ટરની સલાહથી સાવચેતી માટે ડોઝ આપવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. આ તમામ પ્રયાસથી હિમાચલના લોકોને સુરક્ષા કવચ તો મળશે જ, પણ સાથે સાથે અહીંયા આવશ્યક એવા પ્રવાસન ક્ષેત્રને બચાવવામાં અને તેને આગળ ધપાવવામાં ઘણી મદદ થશે.
સાથીઓ,
દરેક દેશમાં અલગ અલગ વિચારધારા હોય છે, પણ આજે દેશના લોકો સ્પષ્ટ રીતે બે વિચારધારા જોઈ રહ્યા છે. એક વિચારધારા વિલંબની છે અને બીજી વિકાસની છે. વિલંબની વિચારધારા ધરાવનારા લોકોએ પહાડો પર વસતા લોકોની કયારેય પરવાહ કરી નથી. માળખાકીય સુવિધાઓની વાત હોય કે લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું કામ હોય. વિલંબની વિચારધારા ધરાવતા લોકોએ હિમાચલ પ્રદેશના લોકોને દાયકાઓથી પ્રતિક્ષા કરાવી છે.
આવા કારણથી જ અટલ ટનલના કામમાં વર્ષોનો વિલંબ થયો છે. રેણુકાજી યોજનામાં ત્રણ દાયકથી વધુ વિલંબ થયો. એ લોકોની વિલંબની વિચારધારાથી અલગ અમારી કટિબધ્ધતા માત્રને માત્ર વિકાસ માટેની જ છે. ઝડપથી વિકાસને આગળ ધપાવવાની છે. અમે અટલ ટનલનું કામ પૂરૂ કરાવ્યું. અમે ચંદીગઢથી મનાલી અને સિમલાને જોડતી સડકોને પહોળી કરી. અમે માત્ર ધોરિમાર્ગો અને રેલવેની સુવિધાઓને વિકસીત કરી રહ્યા છીએ એટલું જ નહીં, અમે અનેક સ્થળોએ રોપવે પણ લગાવ્યા છે. દૂર દૂરના ગામોને પ્રધાનમંત્રી સડક યોજના સાથે જોડી રહ્યા છીએ.
સાથીઓ,
વિતેલા 6 થી 7 વર્ષમાં ડબલ એન્જિનની સરકારે જે રીતે કામ કર્યું છે તેનાથી આપણી બહેનોના જીવનમાં ખાસ કરીને મોટું પરિવર્તન આવ્યું છે. અગાઉ રસોઈ બનાવવા માટે લાકડાંની વ્યવસ્થા કરવામાં આપણી બહેનોનો ઘણો સમય વિતી જતો હતો. આજે ઘેર ઘેર ગેસના સિલિન્ડર પહોંચ્યા છે. શૌચાલયની સુવિધા મળવાના કારણે પણ બહેનોને ઘણી રાહત મળી છે. પાણી માટે પણ બહેનો- દીકરીઓએ કેટલી મહેનત કરવી પડતી હતી તે તમારા લોકોથી કોણ વધુ જાણે છે. એક સમય એવો હતો કે જ્યારે પાણીનું જોડાણ મેળવવા માટે ઘણાં દિવસ સુધી રાહ જોવી પડતી હતી. અનેક દિવસો સુધી સરકારી કચેરીના આંટા મારવા પડતા હતા. આજે ખુદ સરકાર પાણીનું જોડાણ આપવા માટે તમારા બારણે ટકોરા મારી રહી છે. આઝાદીની 7 દાયકામાં હિમાચલમાં 7 લાખ પરિવારોને પાઈપથી પાણી મળ્યું હતું. 7 દાયકામાં 7 લાખ પરિવારોને માત્ર બે વર્ષની અંદર જ અને તે પણ કોરોના કાળ હોવા છતાં 7 લાખથી વધુ નવા પરિવારોને પાઈપથી પાણી મળી શક્યું છે. 7 દાયકામાં 7 લાખ? કેટલા? સાત દાયકામાં કેટલા? જરા આ બાજુથી પણ અવાજ કરો કેટલા? 7 દાયકામાં 7 લાખ અને અમે બે વર્ષમાં 7 લાખ નવા જોડાણ આપ્યા. કેટલા આપ્યા? 7 લાખ ઘરને પાણી પહોંચાડવાનું કામ હવે લગભગ 90 ટકા વસતિને નળથી જળની સુવિધા પ્રાપ્ત થઈ છે. ડબલ એન્જિનની સરકારનો આ જ તો લાભ છે.
કેન્દ્ર સરકારનું એક એન્જિન જે યોજના શરૂ કરે છે તેને રાજ્ય સરકારનું બીજું એન્જિન ઝડપથી આગળ વધારે છે. હવે જે રીતે આયુષ્માન ભારતનું ઉદાહરણ છે તે રીતે આ યોજનાને આગળ ધપાવવા માટે રાજ્ય સરકારે હિમકેર યોજના શરૂ કરી અને વધુને વધુ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીના મફત સારવાર હેઠળ આવરી લેવાયા છે. આ યોજનાથી હિમાચલ પ્રદેશમાં આશરે સવા લાખ દર્દીઓને મફત સારવાર મળી ચૂકી છે. આવી જ રીતે અહીંની સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓનું વિસ્તરણ કરીને ગૃહિણી સુવિધા યોજના બનાવી છે, જેનાથી લાખો બહેનોને એક નવી મદદ મળી છે. કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયમાં પણ મફત રેશન પહોંચાડી રહી છે. તે રેશન ઝડપથી લાભાર્થી સુધી પહોંચાવાનું કામ પણ અહીંની સરકાર કરી રહી છે.
સાથીઓ,
હિમાચલ પ્રદેશ વીરોની ધરતી છે. હિમાચલ પ્રદેશ શિસ્તની પણ ધરતી છે. દેશના આન, બાન અને શાનને આગળ ધપાવનારી ધરતી છે. અહીંના ઘર ઘરમાં દેશની રક્ષા કરનારા વીર દીકરા- દીકરીઓ છે. અમારી સરકારે વિતેલા વર્ષોમાં દેશની સુરક્ષા વધારવા માટે જે કામ કર્યા છે તેનો અને ફૌજી અને પૂર્વ ફૌજીઓ માટે જે નિર્ણય કર્યા છે તેનો પણ ખૂબ મોટો લાભ હિમાચલના લોકોને થયો છે. વન રેન્ક, વન પેન્શનનો દાયકાઓથી અટકેલો નિર્ણય અમારી સરકારે કર્યો છે. વિલંબને કારણે અટકેલા નિર્ણયો હોય કે પછી સેનાને આધુનિક હથિયાર અને બુલેટપ્રુફ જેકેટ આપવાનું કામ હોય, ઠંડીમાં તકલીફ ઓછી પડે તે માટે જરૂરી સાધન સુવિધા આપવાનું કામ હોય કે પછી બહેતર કનેક્ટિવીટીનું કામ હોય, સરકારના પ્રયાસનો લાભ હિમાચલના દરેક ઘર સુધી પહોંચી રહ્યો છે.
સાથીઓ,
ભારતમાં પર્યટન અને તિર્થયાત્રા એક બીજા સાથે જોડાયેલા હોય છે. હિમાચલમાં તિર્થ યાત્રાનું જે સામર્થ્ય છે તેનો મુકાબલો કોઈ કરી શકે તેમ નથી. આ શિવ અને શક્તિનું મથક છે. પંચ કૈલાસમાંથી ત્રણ કૈલાસ હિમાચલ પ્રદેશમાં છે. તેવી જ રીતે હિમાચલમાં અનેક શક્તિપીઠ પણ છે. બૌધ્ધ આસ્થા અને સંસ્કૃતિના મહત્વના સ્થળો અહીંયા આવેલા છે. ડબલ એન્જિનની સરકાર હિમાચલ પ્રદેશની આ તાકાતને અનેકગણી વધારવાની છે. મંડીમાં શિવધામનું નિર્માણ પણ આવી જ કટિબધ્ધતાનું પરિણામ છે.
ભાઈઓ અને બહેનો,
આજે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે હિમાચલ પણ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યાની સુવર્ણ જયંતી ઉજવી રહ્યું છે. આનો અર્થ એ થાય છે કે હિમાચલ પ્રદેશની નવી સંભાવનાઓ માટે કામ કરવાનો પણ આ સમય છે. હિમાચલ પ્રદેશે દરેક રાષ્ટ્રીય સંકલ્પની સિધ્ધિ માટે મહત્વની ભૂમિકા બજાવી છે અને હવે પછીના સમયમાં પણ તે ઉત્સાહ જળવાઈ રહેશે.
ફરી એક વખત વિકાસ અને વિશ્વાસના પાંચમા વર્ષની અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. આટલો પ્રેમ આપવા બદલ, આશીર્વાદ આપવા બદલ તમને સૌને અને ફરી એક વાર દેવભૂમિને નમન કરૂં છું. મારી સાથે બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!
ખૂબ ખૂબ ધન્યવાદ!