એઈમ્સ બીબીનગરનો શિલાન્યાસ કર્યો
સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલારોપણ કર્યું
"સિકંદરાબાદ-તિરૂપતિ વંદે ભારત એક્સપ્રેસ આસ્થા, આધુનિકતા, ટેક્નૉલોજી અને પ્રવાસનને સફળતાપૂર્વક જોડશે"
"તેલંગાણાના વિકાસ સાથે સંબંધિત રાજ્યના નાગરિકોનાં સપનાને સાકાર કરવાની કેન્દ્રની સરકારની ફરજ છે"
"આ વર્ષનાં બજેટમાં ભારતમાં આધુનિક માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ. 10 લાખ કરોડ અંકિત કરવામાં આવ્યા છે"
"તેલંગાણામાં રાષ્ટ્રીય રાજમાર્ગોની લંબાઈ વર્ષ 2014માં રાજ્યની સ્થાપનાના સમયે 2500 કિલોમીટરથી બમણી થઈને અત્યારે 5,000 કિલોમીટરથી વધારે થઈ ગઈ છે"
"કેન્દ્ર સરકાર તેલંગાણામાં ઉદ્યોગ અને કૃષિ બંનેના વિકાસ પર ભાર મૂકી રહી છે"
"જે લોકો ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને પોષે છે, તેમને દેશનાં હિત અને સમાજનાં કલ્યાણ સાથે કોઈ લેવાદેવા નથી"
"આજે મોદીએ ભ્રષ્ટાચારનાં આ વાસ્તવિક મૂળ પર હુમલો કર્યો છે"
"જ્યારે સબકા વિકાસની ભાવના સાથે કામ કરવામાં આવે છે, ત્યારે બંધારણની સાચી ભાવના સાકાર થાય છે"
"જ્યારે દેશ 'તુષ્ટિકરણ'થી 'સંતુષ્ટિકરણ' તરફ આગળ વધે છે ત્યારે સાચા સામાજિક ન્યાયનો જન્મ થાય છે"

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

તેલંગાણાના રાજ્યપાલ તમિલસાઈ સૌંદરરાજનજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથી અશ્વિની વૈષ્ણવજી, આ તેલંગાણાની માટીના પુત્ર અને મંત્રી પરિષદમાં મારા સાથી શ્રી જી. કિશન રેડ્ડીજી, મોટી સંખ્યામાં આવેલાં તેલંગાણાનાં મારાં વહાલા ભાઈઓ અને બહેનો,

પ્રિય-મઈના, સોદરા સોઇદરી-મણુલારા, મી અંદરિકી, ન હ્રદયપૂર્વક નમસ્કાર-મુલુ.

હું મહાન ક્રાંતિકારીઓની ધરતી તેલંગાણાને શત્‌-શત્‌ પ્રણામ કરું છું. આજે મને ફરીથી તેલંગાણાના વિકાસને વધુ વેગ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. થોડા સમય પહેલા જ તેલંગાણા-આંધ્ર પ્રદેશને જોડતી વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. આ આધુનિક ટ્રેન હવે ભાગ્યલક્ષ્મી મંદિરનાં શહેરને ભગવાન શ્રી વેંકટેશ્વર ધામ તિરુપતિ સાથે જોડશે. એટલે કે એક રીતે આ વંદે ભારત એક્સપ્રેસ આસ્થા, આધુનિકતા, ટેક્નૉલોજી અને પર્યટનને જોડવા જઈ રહી છે. આ સાથે આજે અહીં 11,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તેલંગાણાની રેલ અને રોડ કનેક્ટિવિટી સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ છે, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સ છે. હું વિકાસની આ તમામ યોજનાઓ માટે તમને, તેલંગાણાના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું.

 

સાથીઓ,

તેલંગાણા અલગ રાજ્ય બન્યું એને લગભગ-લગભગ એટલો જ સમય થયો છે, જેટલો કેન્દ્રમાં એનડીએ સરકારને થયો છે. તેલંગાણાનાં નિર્માણમાં, તેલંગાણાની રચનામાં જે સામાન્ય નાગરિકોએ, અહીંની જનતા જનાર્દને યોગદાન આપ્યું છે, હું આજે ફરી એક વાર કોટિ-કોટિ લોકોને આદરપૂર્વક નમન કરું છું. તેલંગાણાના વિકાસને લઈને, તેલંગાણાના લોકોએ વિકાસને લઈને જે સપનું આપે જોયું હતું, તેલંગાણાના નાગરિકોએ જોયું હતું, તેને પૂરાં કરવાં એ કેન્દ્રની એનડીએ સરકાર પોતાની ફરજ સમજે છે. અમે સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ-સબકા પ્રયાસના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. અમે પૂરો પ્રયાસ કર્યો છે કે છેલ્લાં 9 વર્ષમાં ભારતના વિકાસનું જે નવું મૉડલ વિકસિત થયું છે, તેલંગાણાને પણ તેનો વધુ ને વધુ લાભ મળે. આનું ઉદાહરણ આપણાં શહેરોનો વિકાસ છે. છેલ્લાં 9 વર્ષમાં હૈદરાબાદમાં જ લગભગ 70 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક બનાવવામાં આવ્યું છે. હૈદરાબાદ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ - MMTS પ્રોજેક્ટ પર પણ કામ આ સમયગાળા દરમિયાન ઝડપથી આગળ વધ્યું છે. આજે પણ અહીં 13 MMTS સેવાઓ શરૂ થઈ છે. એમએમટીએસનું ઝડપી વિસ્તરણ થાય એ માટે આ વર્ષનાં કેન્દ્ર સરકારનાં બજેટમાં તેલંગાણા માટે રૂ. 600 કરોડ રાખવામાં આવ્યા છે. તેનાથી હૈદરાબાદ-સિકંદરાબાદ સહિત આસપાસના જિલ્લાના લાખો સાથીઓની સુવિધામાં વધુ વધારો થશે. આ સાથે નવાં બિઝનેસ હબ બનશે, નવાં ક્ષેત્રોમાં રોકાણ થવાનું શરૂ થશે.

 

સાથીઓ,

100 વર્ષમાં આવેલી સૌથી મોટી ગંભીર મહામારી અને બે દેશો વચ્ચેનાં યુદ્ધ વચ્ચે, આજે વિશ્વની અર્થવ્યવસ્થાઓ ખૂબ જ ઝડપી ગતિએ વધઘટ કરી રહી છે. આ અનિશ્ચિતતા વચ્ચે, ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જે તેનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે રેકોર્ડ રોકાણ કરી રહ્યું છે. આ વર્ષનાં બજેટમાં પણ આધુનિક ઈન્ફ્રા માટે 10 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આજનું નવું ભારત, 21મી સદીનું નવું ભારત દેશના ખૂણે-ખૂણે ઝડપથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. તેલંગાણામાં પણ છેલ્લાં 9 વર્ષમાં રેલવે બજેટમાં લગભગ 17 ગણો વધારો કરવામાં આવ્યો છે. હમણાં જ અશ્વિનીજી આંકડાઓ આપી રહ્યા હતા. આનાથી નવી રેલ્વે લાઈનો નાખવાનું કામ હોય, રેલવે લાઈનોને ડબલ કરવાનું કામ હોય કે પછી ઈલેક્ટ્રિફિકેશનનું કામ હોય, બધું જ વિક્રમી ઝડપે થયું છે. સિકંદરાબાદ અને મહેબુબનગર વચ્ચે રેલ લાઇનનાં ડબલિંગનું કામ જે આજે પૂર્ણ થયું છે તે તેનું જ એક ઉદાહરણ છે. તેનાથી હૈદરાબાદ અને બેંગલુરુની કનેક્ટિવિટી પણ વધુ સુધરશે. દેશભરનાં મોટા રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા જે અભિયાન શરૂ થયું છે એનો લાભ તેલંગાણાને પણ મળી રહ્યો છે. સિકંદરાબાદ રેલવે સ્ટેશનનો વિકાસ પણ આ જ અભિયાનનો એક ભાગ છે.

સાથીઓ,

રેલવેની સાથે જ તેલંગાણામાં હાઈવેનું નેટવર્ક પણ કેન્દ્ર સરકાર દ્વારા ઝડપી ગતિએ વિકસાવવામાં આવી રહ્યું છે. આજે અહીં 4 હાઈવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. 2300 કરોડના ખર્ચે અક્કલકોટ-કુર્નૂલ સેક્શન હોય, 1300 કરોડના ખર્ચે મહબૂબનગર-ચિંચોલી સેક્શનનું કામ હોય, લગભગ 900 કરોડના ખર્ચે કલવાકુર્તિ-કોલ્લાપુર હાઈવેનું કામ હોય, 2700 કરોડના ખર્ચે ખમ્મમ-દેવરાપેલ્લે સેક્શનનું કામ હોય, કેન્દ્ર સરકાર તેલંગાણામાં આધુનિક રાષ્ટ્રીય ધોરીમાર્ગોનાં નિર્માણ માટે તમામ શક્તિથી કામ કરી રહી છે. કેન્દ્ર સરકારના સતત પ્રયાસોને કારણે આજે તેલંગાણામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ બમણી થઈ ચૂકી છે. વર્ષ 2014માં જ્યારે તેલંગાણાની રચના થઈ હતી ત્યારે ત્યાં લગભગ 2500 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા. આજે તેલંગાણામાં નેશનલ હાઈવેની લંબાઈ વધીને 5000 કિલોમીટર થઈ ગઈ છે. આ વર્ષોમાં કેન્દ્ર સરકારે તેલંગાણામાં નેશનલ હાઈવેનાં નિર્માણ માટે લગભગ-લગભગ  35 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ સમયે પણ તેલંગાણામાં 60 હજાર કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આમાં ગેમચેન્જર હૈદરાબાદ રિંગ રોડ પ્રોજેક્ટ પણ સામેલ છે.

 

સાથીઓ,

કેન્દ્ર સરકાર તેલંગાણામાં ઉદ્યોગ અને કૃષિ બંનેના વિકાસ પર ભાર આપી રહી છે. ટેક્સ્ટાઇલ એક એવો ઉદ્યોગ છે, જે ખેડૂત અને મજૂર બંનેને શક્તિ આપે છે. અમારી સરકારે દેશભરમાં 7 મેગા ટેક્સટાઈલ પાર્ક્સ સ્થાપવાનું નક્કી કર્યું છે. આમાંથી એક મેગા ટેક્સટાઈલ પાર્ક તેલંગાણામાં પણ બનાવવામાં આવશે. તેનાથી યુવાનો માટે નવી રોજગારીનું સર્જન થશે. રોજગારની સાથે સાથે કેન્દ્ર સરકાર તેલંગાણામાં શિક્ષણ અને આરોગ્ય પર પણ ઘણું રોકાણ કરી રહી છે. તેલંગાણાને તેની પોતાની એઈમ્સ આપવાનું સૌભાગ્ય અમારી સરકારને મળ્યું છે. એઈમ્સ બીબીનગરને લગતી વિવિધ સુવિધાઓ માટે પણ આજથી કામ શરૂ થઈ ગયું છે. આજના આ પ્રોજેક્ટ્સ તેલંગાણામાં ઈઝ ઑફ ટ્રાવેલ, ઈઝ ઑફ લિવિંગ અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ, ત્રણેયને વધારશે.

તેમ છતાં સાથીઓ,

કેન્દ્ર સરકારના આ પ્રયાસો વચ્ચે મને એક વાત માટે ખૂબ જ પીડા થાય છે, ખૂબ જ દુઃખ થાય છે, દર્દ થાય છે. કેન્દ્રના મોટા ભાગના પ્રોજેક્ટ્સમાં રાજ્ય સરકારના સહકારના અભાવે દરેક પ્રોજેક્ટમાં વાર લાગે છે, વિલંબ થઈ રહ્યો છે. જેનાં કારણે નુકસાન તેલંગાણાના લોકોને, આપ લોકોને થઈ રહ્યું છે. હું રાજ્ય સરકારને આગ્રહ કરું છું કે વિકાસને લગતાં કામોમાં કોઈ અડચણ ન આવવા દે, વિકાસનાં કામોને વેગ મળે.

 

ભાઇઓ અને બહેનો,

આજના નવા ભારતમાં દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓ અને તેમનાં સપનાઓને સાકાર કરવાં એ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ પ્રયાસમાં અમે દિવસ-રાત મહેનત કરી રહ્યા છીએ. પરંતુ કેટલાક મુઠ્ઠીભર લોકો વિકાસનાં આ કામોથી ખૂબ જ નારાજ થયા છે. એવા લોકો જેઓ પરિવારવાદ, ભાઇ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને પોષતા રહ્યા, એમને ઈમાનદારીથી કામ કરનારાઓથી પરેશાની થઈ રહી છે. આવા લોકોને દેશનાં હિત અને સમાજનાં કલ્યાણ સાથે કોઈ લેવાદેવા નથી. આ લોકો માત્ર તેમના વંશને ખીલતો-ફૂલતો જોવાનું પસંદ કરે છે. દરેક પ્રોજેક્ટમાં, દરેક રોકાણમાં આ લોકો પોતાના પરિવારનો સ્વાર્થ જુએ છે. તેલંગાણાએ આવા લોકોથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે.

ભાઇઓ અને બહેનો,

ભ્રષ્ટાચાર અને પરિવારવાદ એકબીજાથી અલગ નથી. જ્યાં પરિવારવાદ અને ભાઇ-ભત્રીજાવાદ હોય છે, ત્યાંથી જ તમામ પ્રકારનો ભ્રષ્ટાચાર ખીલવા લાગે છે. પરિવારવાદ, વંશવાદનો મૂળ મંત્ર જ દરેક વસ્તુને અંકુશમાં કરવાનો છે. પરિવારવાદીઓ દરેક વ્યવસ્થા પર પોતાનો અંકુશ રાખવા માગે છે. જ્યારે કોઈ તેમનાં નિયંત્રણને પડકારે છે ત્યારે તેમને તે બિલકુલ ગમતું નથી. ચાલો હું તમને એક ઉદાહરણ આપું. આજે, કેન્દ્ર સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર- DBT સિસ્ટમ વિકસાવી છે, આજે ખેડૂતો, વિદ્યાર્થીઓ, નાના વેપારીઓ, નાના ધંધાર્થીઓને આર્થિક સહાયનાં નાણાં સીધાં તેમનાં બૅન્ક ખાતામાં મોકલવામાં આવે છે. અમે દેશભરમાં ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ વધારી છે.

આખરે આ પહેલા કેમ ન થઈ શક્તું હતું? એટલા માટે ન થયું કારણ કે પરિવારવાદી તાકાતો વ્યવસ્થા પર, સિસ્ટમ પર પોતાનું નિયંત્રણ છોડવા માગતા ન હતા. કયા લાભાર્થીને કયો લાભ મળે, કેટલો મળે, એનું નિયંત્રણ આ પરિવારવાદીઓ પોતાની પાસે રાખવા માગતા હતા. આનાથી એમના ત્રણ હેતુઓ સધાતા હતા. એક, તેમના જ પરિવારનો જય-જયકાર થતો રહે. બીજું, ભ્રષ્ટાચારના પૈસા તેમના પરિવાર પાસે જ આવતા રહે. અને ત્રીજું, ગરીબોને જે પૈસા મોકલવામાં આવે છે તે પૈસા એમની ભ્રષ્ટ ઇકોસિસ્ટમમાં વહેંચવા માટે કામ આવી જાય.

 

આજે મોદીએ ભ્રષ્ટાચારનાં આ અસલી મૂળ પર પ્રહાર કરી દીધો છે. તેલંગાણાનાં ભાઈઓ અને બહેનો મને કહો, આપ જવાબ આપશો? તમે જવાબ આપશો? ભ્રષ્ટાચાર સામે લડવું જોઈએ કે નહીં લડવું જોઇએ? ભ્રષ્ટાચારીઓ સામે લડવું જોઈએ કે નહીં? દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવો જોઈએ કે નહીં કરવો જોઇએ? ભ્રષ્ટાચારી ગમે તેટલો મોટો હોય, કાયદાકીય પગલાં લેવાં જોઈએ કે નહીં લેવાં જોઇએ? કાયદાને ભ્રષ્ટાચારીઓ સામે કામ કરવાની છૂટ આપવી જોઈએ કે નહીં આપવી જોઇએ? અને તેથી જ આ લોકો હચમચી ગયા છે, રોષમાં કંઈપણ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા તો આવા ઘણા રાજકીય પક્ષો કૉર્ટમાં ગયા હતા, કૉર્ટનો સંપર્ક કર્યો હતો કે અમને સુરક્ષા આપો કે અમારા ભ્રષ્ટાચારનાં ચોપડા કોઈ ખોલે નહીં. કૉર્ટમાં ગયા, ત્યાં પણ કૉર્ટે તેમને ઝટકો આપી દીધો.

ભાઇઓ અને બહેનો,

જ્યારે સબકા સાથ-સબકા વિકાસની ભાવના સાથે કામ થાય છે ત્યારે લોકશાહી ખરા અર્થમાં મજબૂત બને છે, ત્યારે વંચિત-શોષિત-પીડિતોને પ્રાથમિકતા મળે છે. અને આ જ તો બાબાસાહેબ આંબેડકરનું સ્વપ્ન હતું, આ જ તો બંધારણની સાચી ભાવના છે. 2014માં જ્યારે કેન્દ્ર સરકાર પરિવાર તંત્રની બેડીઓમાંથી મુક્ત થઈ ત્યારે શું પરિણામ આવ્યું તે સમગ્ર દેશ જોઇ રહ્યો છે. છેલ્લાં 9 વર્ષમાં દેશની 11 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓને ઈજ્જતઘર- શૌચાલયની સુવિધા મળી છે. આમાં તેલંગાણાના પણ 30 લાખથી વધુ પરિવારોની માતાઓ અને બહેનોને પણ આ વ્યવસ્થા મળી છે. છેલ્લાં 9 વર્ષમાં દેશમાં 9 કરોડથી વધુ બહેનો અને દીકરીઓને મફત ઉજ્જવલા ગેસ કનેક્શન મળ્યાં છે. તેલંગાણાના 11 લાખથી વધુ ગરીબ પરિવારોને પણ તેનો લાભ મળ્યો છે.

સાથીઓ,

પરિવારતંત્ર, તેલંગાણા સહિત દેશના કરોડો ગરીબ સાથીઓ પાસેથી એમનું રાશન પણ લૂંટી લેતું હતું. આજે અમારી સરકારમાં 80 કરોડ ગરીબોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. એમાં તેલંગાણાના પણ લાખો ગરીબોને પણ ઘણી મદદ મળી છે. અમારી સરકારની નીતિઓને કારણે તેલંગાણાના લાખો ગરીબ સાથીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળી છે. પહેલી વાર તેલંગાણાના 1 કરોડ પરિવારોના જન ધન બૅન્ક ખાતા ખોલવામાં આવ્યાં છે. તેલંગાણાના અઢી લાખ નાના સાહસિકોને ગૅરંટી વગર મુદ્રા લોન મળી છે. અહીં 5 લાખ સ્ટ્રીટ-વેન્ડર્સને પ્રથમ વખત બૅન્ક લોન મળી છે. તેલંગાણાના 40 લાખથી વધુ નાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ લગભગ 9 હજાર કરોડ રૂપિયા પણ મળ્યા છે. આ એ વંચિત વર્ગ છે, જેને પ્રથમ વખત અગ્રતા મળી છે, પ્રાથમિકતા મળી છે.

 

સાથીઓ,

જ્યારે દેશ તુષ્ટિકરણથી દૂર નીકળીને સૌના સંતુષ્ટિકરણ તરફ આગળ વધે છે, ત્યારે સાચા સામાજિક ન્યાયનો જન્મ થાય છે. આજે તેલંગાણા સહિત આખો દેશ સંતુષ્ટિકરણના માર્ગ પર ચાલવા માગે છે, સબકા પ્રયાસથી વિકસિત થવા માગે છે. આજે પણ, તેલંગાણાને જે પ્રોજેક્ટ મળ્યા છે તે સંતુષ્ટિકરણની ભાવનાથી પ્રેરિત છે, સબકા વિકાસ માટે સમર્પિત છે. સ્વતંત્રતાના અમૃત કાળમાં વિકસિત ભારતનાં નિર્માણ માટે તેલંગાણાનો ઝડપી વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી 25 વર્ષ તેલંગાણા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેલંગાણાના લોકોને તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારમાં ડૂબેલાં આવાં તમામ બળોથી, એવી દરેક તાકાતથી દૂર રહેવું જ તેલંગાણાનું ભાગ્ય નક્કી કરશે. આપણે એક થઈને તેલંગાણાના વિકાસનાં તમામ સપનાઓને પૂરાં કરવાના છે. ફરી એકવાર હું આ તમામ પ્રોજેક્ટ્સ માટે તેલંગાણાનાં મારાં વહાલાં ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તે મારા માટે ખૂબ જ સંતોષની વાત છે કે તમે આટલી મોટી સંખ્યામાં તેલંગાણાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે, તેલંગાણાના વિકાસ માટે આપ અમને આશીર્વાદ આપવા આવ્યા છો. હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

બોલો ભારત માતા કી-જય,

ભારત માતા કી-જય,

ભારત માતા કી-જય

ખૂબ ખૂબ આભાર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi