ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી વિરેન્દ્ર ખટીકજી, જ્યોતિરાદિત્ય સિંધિયાજી, પ્રહલાદ પટેલજી, મધ્યપ્રદેશ સરકારના મંત્રીઓ, તમામ સાંસદો, અલગ-અલગ સ્થળોએથી પધારેલા પૂજ્ય સંતો અને વિશાળ સંખ્યામાં આવેલા મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો.
સાગરની ધરતી, સંતોનું સાંનિધ્ય, સંત રવિદાસજીના આશીર્વાદ અને સમાજના દરેક વર્ગના, દરેક ખૂણેથી આશીર્વાદ આપવા આટલી મોટી સંખ્યામાં આવેલા આપ સૌ મહાનુભાવ. આજે સાગરમાં સમરસતાનો મહાસાગર ઉમટ્યો છે. દેશની આ સહિયારી સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવવા માટે આજે અહીં સંત રવિદાસ સ્મારક અને કલા સંગ્રહાલયની શિલા મૂકાઇ છે. થોડી વાર પહેલા સંતોની કૃપાથી મને આ પવિત્ર સ્મારકનું ભૂમિપૂજન કરવાનો પૂણ્ય અવસર મળ્યો છે અને હું કાશીનો સંસદસભ્ય છું અને તેથી તે મારા માટે બેવડી ખુશીનો પ્રસંગ છે. અને પૂજ્ય સંત રવિદાસજીના આશીર્વાદથી હું વિશ્વાસ સાથે કહું છું કે આજે મેં શિલાન્યાસ કર્યો છે, એક-દોઢ વર્ષ પછી મંદિર બની જશે, તો હું લોકાર્પણ માટે પણ જરૂર આવીશ. અને સંત રવિદાસજી મને આગામી સમયે અહીં આવવાની તક આપવાના જ છે. મને બનારસમાં સંત રવિદાસજીનાં જન્મસ્થળની મુલાકાત લેવાનું સૌભાગ્ય ઘણી વખત મળ્યું છે. અને આજે હું અહીં આપ સૌનાં સાંનિધ્યમાં છું. આજે આ સાગરની ધરતીથી હું સંત શિરોમણી પૂજ્ય રવિદાસજીનાં ચરણોમાં નમન કરું છું, તેમને પ્રણામ કરું છું.
ભાઇઓ અને બહેનો,
સંત રવિદાસ સ્મારક અને સંગ્રહાલયમાં ભવ્યતા પણ હશે, અને દિવ્યતા પણ હશે. આ દિવ્યતા રવિદાસજીના એ ઉપદેશોમાંથી આવશે જે આજે આ સ્મારકના પાયામાં જોડવામાં આવ્યા છે, ઘડવામાં આવ્યા છે. સમરસતાની ભાવનાથી ઓતપ્રોત 20,000થી વધુ ગામડાંની અને 300થી વધુ નદીઓની માટી, આજે આ સ્મારકનો ભાગ બની ગઈ છે. એક મુઠ્ઠી માટીની સાથે એમપીના લાખો પરિવારોએ સમરસતા ભોજ માટે એક-એક મુઠ્ઠી અનાજ પણ મોકલ્યું છે. આ માટે જે 5 સમરસતા યાત્રાઓ ચાલી રહી હતી, આજે તેનો પણ સાગરની ધરતી પર સમાગમ થયો છે. અને હું માનું છું કે આ સમરસતાની યાત્રા અહીં પૂરી નથી થઈ, બલ્કે અહીંથી સામાજિક સમરસતાનો એક નવો યુગ શરૂ થયો છે. હું આ કાર્ય માટે મધ્ય પ્રદેશ સરકારને અભિનંદન આપું છું, મુખ્યમંત્રી ભાઈ શિવરાજજીને અભિનંદન આપું છું અને આપ સૌને અભિનંદન આપું છું.
સાથીઓ,
પ્રેરણા અને પ્રગતિ, જ્યારે એક સાથે જોડાય છે, ત્યારે નવા યુગનો પાયો નખાય છે. આજે આપણો દેશ, આપણું એમપી આ જ તાકાત સાથે આગળ વધી રહ્યા છે. આ જ ક્રમમાં આજે અહીં કોટા-બીના સેક્શન પર રેલવે ટ્રેકનાં ડબલિંગનું પણ લોકાર્પણ થયું છે. નેશનલ હાઈવે પરના બે મહત્વના માર્ગોનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આ વિકાસ કાર્યોથી સાગર અને આસપાસના વિસ્તારોના લોકોને વધુ સારી સુવિધા મળશે. આ માટે હું અહીંનાં તમામ ભાઈ-બહેનોને અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
સંત રવિદાસ સ્મારક અને મ્યુઝિયમનો આ પાયો એવા સમયે નાખવામાં આવ્યો છે જ્યારે દેશ તેની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. હવે અમૃત કાલનાં આગામી 25 વર્ષ આપણી સામે છે. અમૃતકાલમાં, આપણા વારસાને આગળ ધપાવવાની અને ભૂતકાળમાંથી બોધપાઠ લેવાની જવાબદારી આપણી છે. એક રાષ્ટ્ર તરીકે આપણે હજારો વર્ષની યાત્રા કરી છે. આટલા લાંબા કાળખંડમાં સમાજમાં કેટલીક બુરાઈઓ આવે તે પણ સ્વાભાવિક છે. ભારતીય સમાજની જ શક્તિ છે કે આ દૂષણોને દૂર કરવા માટે સમયાંતરે આ સમાજમાંથી કોઈક મહાપુરુષ, કોઈ સંત, કોઈ ઓલિયા નીકળતા રહ્યા છે. રવિદાસજી આવા જ મહાન સંત હતા. તેમનો જન્મ તે સમયગાળામાં થયો હતો જ્યારે દેશમાં મુઘલોનું શાસન હતું. સમાજ અસ્થિરતા, ઉત્પીડન અને અત્યાચાર સામે ઝઝૂમી રહ્યો હતો. તે સમયે પણ રવિદાસજી સમાજને જાગૃત કરી રહ્યા હતા, તેઓ સમાજને જગાડી રહ્યા હતા, તેઓ તેને તેનાં દૂષણો સામે લડવાનું શીખવી રહ્યા હતા. સંત રવિદાસજીએ કહ્યું હતું-
જાત પાંત કે ફેર મહિ, ઉરઝિ રહૈ સબ લોગ।
માનુષ્તા કું ખાત હઈ, રૈદાસ જાત કર રોગ॥
એટલે કે બધા લોકો જાત-પાતની આંટીમાં ગૂંચવાયેલા છે અને આ બીમારી માનવતાને ખાઈ રહી છે. એક તરફ તેઓ સામાજિક કુરીતિઓ સામે બોલતા હતા તો બીજી તરફ દેશના આત્માને ઝંઝોળી રહ્યા હતા. જ્યારે આપણી આસ્થાઓ પર હુમલાઓ થઈ રહ્યા હતા, આપણી ઓળખને ભૂંસવા માટે આપણા પર નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં હતાં, ત્યારે રવિદાસજીએ કહ્યું હતું, તે સમયે મુઘલોના જમાનામાં , આ હિંમત જુઓ, આ દેશભક્તિ જુઓ, રવિદાસજીએ કહ્યું હતું-
પરાધીનતા પાપ હૈ, જાન લેહુ રે મીત।
રૈદાસ પરાધીન સૌ, કૌન કરેહે પ્રીત ॥
એટલે કે પરાધીનતા સૌથી મોટું પાપ છે. જે પરાધીનતા સ્વીકારે છે, તેની સામે જે લડતો નથી, તેને કોઈ પ્રેમ કરતું નથી. એક રીતે, તેમણે સમાજને અત્યાચાર સામે લડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. છત્રપતિ વીર શિવાજી મહારાજે આ જ ભાવના સાથે હિંદવી સ્વરાજ્યનો પાયો નાખ્યો હતો. સ્વતંત્રતા સંગ્રામના લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓનાં હૃદયમાં આ જ ભાવના હતી. અને આ જ ભાવના સાથે આજે દેશ ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવાના સંકલ્પ પર આગળ વધી રહ્યો છે.
સાથીઓ,
રૈદાસજીએ તેમના એક દોહામાં કહ્યું છે અને હમણાં શિવરાજજીએ પણ તેનો ઉલ્લેખ કર્યો છે –
ઐસા ચાહૂં રાજ મૈં, જહાં મિલૈ સબન કો અન્ન ।
છોટ-બડોં સબ સમ બસૈ, રૈદાસ રહૈ પ્રસન્ન ॥
અર્થાત્ સમાજ એવો હોવો જોઈએ કે કોઈ ભૂખ્યું ના રહે, નાનું કે મોટું, આનાથી ઉપર ઊઠીને બધા લોકો મળીને સાથે રહે. આજે આઝાદીના અમૃત કાળમાં આપણે દેશને ગરીબી અને ભૂખમરામાંથી મુક્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. તમે જોયું છે, કોરોનાની આટલી મોટી મહામારી આવી. આખી દુનિયાની વ્યવસ્થાઓ પડી ભાંગી, ઠપ્પ થઈ ગઈ. દરેક વ્યક્તિ ભારતના ગરીબ વર્ગ માટે, દલિત-આદિવાસીઓ માટે આશંકા વ્યક્ત કરી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સો વર્ષ પછી આટલી મોટી આફત આવી છે, સમાજનો આ વર્ગ કેવી રીતે બચશે. પરંતુ, પછી મેં નક્કી કર્યું કે ગમે તે થાય, હું મારાં ગરીબ ભાઈ અને બહેનને ખાલી પેટ સૂવા નહીં દઉં. મિત્રો, હું સારી રીતે જાણું છું કે ભૂખ્યા રહેવાની તકલીફ શું હોય છે. હું જાણું છું કે ગરીબ નું સ્વાભિમાન શું હોય છે. હું તો તમારા જ પરિવારનો એક સભ્ય છું, તમારાં સુખ-દુઃખને સમજવા માટે મારે પુસ્તકો શોધવા નથી પડતાં. તેથી જ અમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી છે. 80 કરોડથી વધુ લોકોને મફત રાશન સુનિશ્ચિત કરવામાં આવ્યું. અને આજે જુઓ, આખી દુનિયામાં અમારા પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે.
સાથીઓ,
આજે દેશમાં ગરીબ કલ્યાણની જેટલી પણ મોટી યોજનાઓ ચલાવી રહ્યા છે તેનો સૌથી વધુ લાભ દલિત, પછાત આદિવાસી સમાજને જ મળી રહ્યો છે. તમે બધા સારી રીતે જાણો છો કે અગાઉની સરકારો દરમિયાન જે યોજનાઓ આવતી હતી તે ચૂંટણીની મોસમ પ્રમાણે આવતી હતી. પરંતુ, અમારી વિધારધારા છે કે જીવનના દરેક તબક્કે દેશ દલિતો, વંચિતો, પછાત, આદિવાસી, મહિલાઓ એ બધા સાથે ઊભો રહે, આપણે તેમની આશાઓ-આકાંક્ષાઓને સહારો આપીએ. જો તમે યોજનાઓ પર નજર નાખો, તો તમને ખબર પડશે કે જ્યારે બાળકના જન્મનો સમય આવે છે, ત્યારે માતૃવંદના યોજના દ્વારા ગર્ભવતી માતાને 6 હજાર રૂપિયા આપવામાં આવે છે જેથી માતા અને બાળક સ્વસ્થ રહે. તમે પણ જાણો છો કે જન્મ પછી, બાળકોને રોગો, ચેપી રોગોનું જોખમ રહેલું છે. ગરીબીને કારણે દલિત-આદિવાસી વસાહતોમાં તેઓને તેનો સૌથી વધુ ફટકો પડતો હતો. નવજાત બાળકોની સંપૂર્ણ સુરક્ષા માટે આજે મિશન ઇન્દ્રધનુષ ચલાવવામાં આવી રહ્યું છે. બાળકોને તમામ રોગો સામે બચવા માટે રસી આપવામાં આવે, એ ચિંતા સરકાર કરે છે. મને સંતોષ છે કે વીતેલાં વર્ષોમાં 5.5 કરોડથી વધુ માતાઓ અને બાળકોને રસી આપવામાં આવી ચૂકી છે.
સાથીઓ,
આજે અમે દેશનાં 7 કરોડ ભાઈ-બહેનોને સિકલ સેલ એનિમિયાથી મુક્ત કરવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છીએ. 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવા માટે કામ ચાલી રહ્યું છે, કાલા જાર અને મગજના તાવનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. દલિત, વંચિત, ગરીબ પરિવારો જ આ રોગોનો સૌથી વધુ ભોગ બનતા હતા. તેવી જ રીતે જો સારવારની જરૂર હોય તો આયુષ્માન યોજના દ્વારા હૉસ્પિટલોમાં મફત સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો કહે છે કે તેમને મોદી કાર્ડ મળી ગયું છે, બીમારીનાં કારણે 5 લાખ રૂપિયા સુધીનું બિલ ભરવાનું હોય તો એ તમારો આ દીકરો કરી દે છે.
સાથીઓ,
જીવન ચક્રમાં શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આદિવાસી બાળકોનાં શિક્ષણ માટે દેશમાં સારી શાળાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આદિવાસી વિસ્તારોમાં 700 એકલવ્ય નિવાસી શાળાઓ ખોલવામાં આવી રહી છે. સરકાર તેમને અભ્યાસ માટે પુસ્તકો આપે છે, શિષ્યવૃત્તિ આપે છે. બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવી રહ્યો છે. દીકરીઓ પણ સમાન રીતે આગળ વધે તે માટે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી છે. શાળા પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા એસસી, એસટી, ઓબીસી યુવા-યુવતીઓ માટે માટે અલગથી શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણા યુવાનો આત્મનિર્ભર બને અને તેમનાં સપના પૂરાં કરે તે માટે મુદ્રા લોન જેવી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. મુદ્રા યોજનાના અત્યાર સુધીના જેટલા લાભાર્થીઓ છે, તેમાંથી મોટી સંખ્યામાં એસસી-એસટી સમુદાયના જ મારાં ભાઈઓ અને બહેનો છે. અને તમામ પૈસા ગૅરંટી વગર આપવામાં આવે છે.
સાથીઓ,
એસસી-એસટી સમાજને ધ્યાનમાં રાખીને અમે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજના પણ શરૂ કરી હતી. સ્ટેન્ડઅપ ઈન્ડિયા હેઠળ એસસી-એસટી સમુદાયના યુવાનોને 8 હજાર કરોડ રૂપિયાની આર્થિક સહાય મળી છે, 8 હજાર કરોડ રૂપિયા, આ આપણા એસસી-એસટી સમુદાયના યુવાનો પાસે ગયા છે. આપણાં ઘણાં આદિવાસી ભાઈઓ અને બહેનો જંગલની સંપત્તિ દ્વારા પોતાનું ગુજરાન કમાય છે. દેશ તેમના માટે વન ધન યોજના ચલાવી રહ્યો છે. આજે લગભગ 90 વન ઉત્પાદનોને પણ એમએસપીનો લાભ પણ મળી રહ્યો છે. એટલું જ નહીં, કોઈપણ દલિત, વંચિત, પછાત વ્યક્તિ ઘર વિના ન રહે, દરેક ગરીબનાં માથા પર છત હોય, આ માટે પ્રધાનમંત્રી આવાસ પણ આપવામાં આવી રહ્યું છે. ઘરમાં જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે વીજ જોડાણ, પાણીનું કનેક્શન પણ વિનામૂલ્યે આપવામાં આવ્યું છે. તેનું જ પરિણામ છે કે આજે એસસી-એસટી સમાજના લોકો પોતાના પગ પર ઊભા થઈ રહ્યા છે. તેમને બરાબરી સાથે સમાજમાં યોગ્ય સ્થાન મળી રહ્યું છે.
સાથીઓ,
સાગર એક એવો જિલ્લો છે, જેનું નામ તો સાગર છે જ, તેની એક ઓળખ 400 એકર લાખા બંજારા તળાવથી પણ થાય છે. લાખા વણજારા જેવા વીરનું નામ આ ભૂમિ સાથે જોડાયેલું છે. લાખા વણજારાને આટલાં વર્ષો પહેલા પાણીનું મહત્વ સમજાયું હતું. પરંતુ, જે લોકોએ દેશમાં દાયકાઓ સુધી સરકારો ચલાવી, તેમણે ગરીબોને પીવાનું પાણી આપવાની જરૂરિયાત પણ ન સમજી. આ કામ પણ અમારી સરકાર જલ જીવન મિશન દ્વારા પૂરજોશમાં કરી રહી છે. આજે પાઇપ વડે પાણી દલિત વસાહતો, પછાત વિસ્તારો અને આદિવાસી વિસ્તારોમાં પહોંચી રહ્યું છે. તેવી જ રીતે લાખા વણજારાની પરંપરાને આગળ વધારતા દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર પણ બનાવવામાં આવી રહ્યાં છે. આ સરોવરો આઝાદીની ભાવનાનું પ્રતીક બનશે, સામાજિક સમરસતાનું કેન્દ્ર બનશે.
સાથીઓ,
આજે દેશના દલિત હોય, વંચિત હોય, પછાત હોય, આદિવાસી હોય, અમારી સરકાર તેમને યોગ્ય સન્માન આપી રહી છે, નવી તકો આપી રહી છે. ન તો આ સમાજના લોકો નબળાં છે, ન તો તેમનો ઈતિહાસ નબળો છે. સમાજના આ વર્ગોમાંથી જ એક પછી એક મહાન વિભૂતિઓ ઉભરી આવી છે. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં અસાધારણ ભૂમિકા ભજવી છે. તેથી જ આજે દેશ ગર્વથી તેમનો વારસો પણ સાચવી રહ્યો છે. બનારસમાં સંત રવિદાસજીનાં જન્મસ્થળ પર મંદિરને સુશોભિત કરવામાં આવ્યું. મને પોતે એ પ્રસંગમાં હાજરી આપવાનું સૌભાગ્ય મળ્યું. અહીં ભોપાલના ગોવિંદપુરામાં જે ગ્લોબલ સ્કિલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે તેનું નામ પણ સંત રવિદાસનાં નામ પરથી રાખવામાં આવ્યું છે. બાબા સાહેબનાં જીવન સાથે સંકળાયેલાં મુખ્ય સ્થળોને પંચ-તીર્થ તરીકે વિકસાવવાની જવાબદારી પણ અમે ઉપાડી છે. તેવી જ રીતે આજે આદિવાસી સમાજના ગૌરવશાળી ઈતિહાસને અમર કરવા માટે દેશનાં ઘણાં રાજ્યોમાં સંગ્રહાલયો બનાવવામાં આવી રહ્યાં છે. દેશમાં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાઈ છે. મધ્ય પ્રદેશમાં પણ હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ ગોંડ સમાજની રાણી કમલાપતિનાં નામ પરથી રાખવામાં આવ્યું છે. પાટલપાણી સ્ટેશનનું નામ તાંત્યા મામાનાં નામ પરથી રાખવામાં આવ્યું છે. આજે, દેશમાં પ્રથમ વખત દલિત, પછાત અને આદિવાસી પરંપરાઓનું એ સન્માન મળી રહ્યું છે, જેના આ સમાજનાં લોકો હકદાર હતાં. આપણે 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ના આ જ સંકલ્પ સાથે આગળ વધવાનું છે. મને વિશ્વાસ છે કે, દેશની આ યાત્રામાં સંત રવિદાસજીના ઉપદેશો આપણા બધા દેશવાસીઓને એકજૂથ કરતા રહેશે. આપણે સાથે મળીને, અટક્યા વિના ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. આ જ ભાવના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ શુભકામનાઓ.
આભાર