મુખ્યમંત્રીશ્રી પલાનીસામીજી,
મંત્રીશ્રી કે. પંડિયારાજનજી,
શ્રી કે. રવિ, સ્થાપક, વનવિલસાંસ્કૃતિક કેન્દ્ર,
માનવંતા મહાનુભાવો,
મિત્રો,
વનક્કમ !
નમસ્તે,
હું ગ્રેટ ભરતિયારને તેમની જયંતિએ શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરૂ છું. આ વિશેષ દિવસે હું આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવમાં સામેલ થતાં આનંદ અનુભવુ છું. મને આ વર્ષનો ભારતી એવોર્ડ, પોતાનું સમગ્ર જીવન ભારતીની રચનાઓના સંશોધનમાં સમર્પિત કરનાર મહાન સ્કોલર સીની વિશ્વનાથનજીને એનાયત કરતાં પણ અત્યંત આનંદ થાય છે. 86 વર્ષની ઉંમરે પણ સક્રિયપણે સંશોધન પ્રવૃત્તિ ચાલુ રાખવા બદલ તેમની કદર કરૂં છું ! સુબ્રમણ્યન ભારથીનું વર્ણન કેવી રીતે કરવું તે ખૂબ જ કપરો સવાલ છે. ભરતિયારને કોઈ એક જ વ્યવસાય અથવા પાસાં સાથે જોડી શકાય તેમ નથી. તે એક કવિ, લેખક, સંપાદક, પત્રકાર, સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની, માનવતાવાદી અને ઘણું બધું હતા.
દરેક વ્યક્તિ તેમના કાર્યોથી, તેમની કવિતાઓથી, તેમની વિચારધારાથી અને તેમના જીવનથી પ્રભાવિત થતો જ હોય છે. તે વારાણસી સાથે પણ ઘનિષ્ટ નાતો ધરાવતા હતા, સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ કરવાનું મને સન્માન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં મને જાણવા મળ્યું કે તેમનો ગ્રંથ સમૂહ 16 વૉલ્યુમમાં પ્રસિધ્ધ થયો હતો. માત્ર 39 વર્ષના ટૂંકા જીવનમાં તેમણે ઘણું બધુ લખ્યું હતું, ઘણું બધુ કામ કર્યું હતું અને દરેક ક્ષેત્રે ઘણી બધી ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી હતી. તેમના લેખો આપણને ભવ્ય ભવિષ્ય તરફ દોરી જવા માટે પ્રકાશ પૂરો પાડે છે.
મિત્રો,
સુબ્રમણ્ય ભારતી પાસેથી આજના યુવકો ઘણું બધું શીખી શકે તેમ છે. તેમાં સૌથી વધુ મહત્વની બાબત હિંમતવાન બનવાની છે. સુબ્રમણ્ય ભારતી માટે ભય જેવું કશું હતું જ નહીં. તે કહેતા હતા કે-
அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே
இச்சகத்து ளோரெலாம் எதிர்த்து நின்ற போதினும்,
அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே
એનો અર્થ એવો થાય છે કે મને ભય નથી, જો સમગ્ર વિશ્વ મારો વિરોધ કરતું હોય તો પણ મને કોઈ ભય નથી. મને આવો સ્વભાવ ભારતના યુવાનોમાં જોવા મળે છે. યુવાનો જ્યારે ઈનોવેશન અને ઉત્કૃષ્ટતા દાખવતા હોય છે ત્યારે તેમનામાં આવો સ્વભાવ દેખાઈ આવતો હોય છે. ભારતનું સ્ટાર્ટઅપ ક્ષેત્ર આવા નીડર યુવકોથી ભરેલું છે, જે માનવ જાતને કશુંને કશું નવું પ્રદાન કરી રહ્યું છે. આવી ‘હું કરી શકું’ ની પ્રકૃતિ આપણાં રાષ્ટ્ર અને આપણી દુનિયાને અચરજ પૂરૂં પાડશે.
મિત્રો,
પ્રાચીન અને આધુનિકતા વચ્ચેના તંદુરસ્ત મિશ્રણમાં ભરતિયાર માનતા હતા. તેમણે આપણાં મૂળ સાથે જોડાયેલા રહેવામાં અને સાથે સાથે ભવિષ્ય તરફ નજર રાખવામાં ડહાપણ માન્યું હતું. તેમણે તામિલ ભાષા અને માતૃભૂમિ ભારતને તેમના બે નેત્રો સમાન ગણાવ્યા હતા. તેમણે પુરાતન ભારતની મહાનતાના ગીતો ગાયા હતા. તેમણે વેદ અને ઉપનિષદની મહાનતાને બિરદાવી હતી તેમ જ આપણી સંસ્કૃતિ, પરંપરા અને ભવ્ય ભૂતકાળની મહાનતાને પણ બિરદાવી હતી, સાથે સાથે તેમણે ચેતવણી આપી હતી કે માત્ર ભૂતકાળની ભવ્યતામાં જ રાચવું તે પૂરતું નથી. આપણે વૈજ્ઞાનિક માનસિકતા, કુતૂહલ ભાવના અને પ્રગતિ તરફની કૂચ જાળવી રાખવી જોઈએ.
મિત્રો,
મહા કવિ ભરતિયારની પ્રગતિની વ્યાખ્યામાં મહિલાઓની ભૂમિકા કેન્દ્ર સ્થાને હતી. તેમનું અત્યંત મહત્વનું વિઝન સ્વતંત્ર અને શક્તિશાળી મહિલાઓ માટેનું હતું. મહાકવિ ભારથીયારે લખ્યું હતું કે મહિલાઓએ લોકો સામે નજર માંડીને ઉન્નત મસ્તક રાખીને નીડરતાથી ચાલવું જોઈએ. આપણે આ વિઝનમાંથી પ્રેરણા મેળવી છે અને મહિલાઓનું નેતૃત્વ ધરાવતું સશક્તિકરણ થાય તેની ખાત્રી રાખીએ છીએ. તમને જણાવતાં મને આનંદ થાય છે કે સરકારની દરેક કામગીરીમાં મહિલાઓના ગૌરવને મહત્વ આપવામાં આવે છે.
હાલમાં 15 કરોડ કરતાં વધુ મહિલા ઉદ્યોગસાહસિકોને મુદ્રા યોજના જેવી યોજનાઓ દ્વારા ભંડોળ પૂરૂ પાડવામાં આવે છે. તે પોતાનું મસ્તક ઉંચુ રાખીને ચાલે છે અને આપણી સાથે નજર મિલાવીને જણાવે છે કે તે કેવી રીતે આત્મનિર્ભર બની છે.
હાલમાં મહિલાઓ પરમેનન્ટ કમિશનીંગ સાથે સશસ્ત્ર દળોનો હિસ્સો બની છે. તે પોતાનું મસ્તક ઉંચુ રાખીને ચાલે છે અને આપણી સાથે નજર મિલાવીને વાત કરે છે અને આપણામાં વિશ્વાસ પેદા કરે છે કે આ દેશ સલામત હાથમાં છે. હાલમાં ગરીબમાં ગરીબ મહિલા કે જે સલામત સેનિટેશનના અભાવની સમસ્યાનો સામનો કરી રહી હતી તેમને 10 કરોડ સલામત અને સ્વાસ્થ્યપ્રદ ટોયલેટનો લાભ મળ્યો છે.
તેમણે હવે સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તે પોતાનું મસ્તક ઉંચુ રાખીને ચાલી શકે છે અને મહા કવિ ભારથીયારે કલ્પના કરી હતી તે મુજબ તમામ લોકો સાથે નજર મિલાવીને વાત કરી શકે છે. આ નૂતન ભારતીય નારી શક્તિનો યુગ છે અને તે અવરોધોને તોડી રહી છે તથા અસર ઉભી કરી રહી છે. આ નૂતન ભારતની સુબ્રમણ્ય ભારથીને શ્રધ્ધાંજલિ છે.
મિત્રો,
મહાકવિ ભરતિયાર સમજતા હતા કે કોઈપણ સમાજ જો વિભાજીત થાય તો સફળ બની શકતો નથી. સાથે સાથે તેમણે સામાજિક અસમાનતા હલ કરી શકે નહીં અને સામાજિક બદીઓ દૂર કરી શકે નહીં તેવા રાજકીય સ્વાતંત્ર્યના ખોખલાપણા અંગે પણ લખ્યું હતું.
તેમણે કહ્યું હતું અને હું તેમને ટાંકતા જણાવું છું કેઃ
இனியொரு விதி செய்வோம் – அதை
எந்த நாளும் காப்போம்
தனியொரு வனுக்குணவிலை யெனில்
ஜகத்தினை யழித்திடுவோம்
આનો અર્થ એ થાય છે કેઃ આપણે હવે કાયદો બનાવીશું અને હંમેશા તેનું પાલન કરીશું. જો કોઈપણ વ્યક્તિ ભૂખમરાનો સામનો કરી રહ્યો હોય તો દુનિયાએ તેનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. તેમનો બોજ આપણને સંગઠીત રહેવા માટે અને દરેક દરેક વ્યક્તિના અને ખાસ કરીને ગરીબ તેમજ સીમાંત વ્યક્તિના સશક્તિકરણ માટે કટિબધ્ધ રહેવાની યાદ અપાવે છે.
મિત્રો,
ભારથી પાસેથી યુવાનોએ ઘણું શીખવા જેવું છે. હું એવી ઈચ્છા રાખું છું કે આપણાં દેશની દરેકે દરેક વ્યક્તિ તેમની કૃતિઓનું વાંચન કરે અને તેમાંથી પ્રેરણા મેળવે. ભરતિયારનો સંદેશો પ્રસરાવવાની અદ્દભૂત કામગીરી બદલ હું વનવિલસાંસ્કૃતિક સેન્ટરને અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે આ મહોત્સવમાં ફળદાયી ચર્ચા થશે અને તે ભારતને નવા ભાવિ તરફ દોરી જવામાં સહાયરૂપ બનશે.
આપનો આભાર.
આપનો ખૂબ ખૂબ આભાર.