Quoteતેમણે પુસ્તક-સશક્ત ઉત્તરાખંડ અને બ્રાન્ડ- હાઉસ ઑફ હિમાલયનું વિમોચન કર્યું
Quote"ઉત્તરાખંડ એક એવું રાજ્ય છે જ્યાં આપણે સાથે મળીને ડિવાઈનિટી (દેવત્વ) અને ડેવલપમેન્ટ (વિકાસ) બંનેનો અનુભવ કરીએ છીએ"
Quote"ભારતનું સ્વોટ વિશ્લેષણ આકાંક્ષાઓ, આશા, આત્મવિશ્વાસ, નવીનતા અને તકોની વિપુલતાને પ્રતિબિંબિત કરશે"
Quote"મહત્વાકાંક્ષી ભારત અસ્થિરતાને બદલે સ્થિર સરકાર ઇચ્છે છે" ;
Quote"ઉત્તરાખંડ સરકાર અને ભારત સરકાર એકબીજાના પ્રયાસોને વેગ આપી રહ્યા છે"
Quote“ 'મેક ઇન ઇન્ડિયા’ની તર્જ પર 'વેડ ઇન ઇન્ડિયા’ ચળવળની શરૂઆત કરો”
Quote"ઉત્તરાખંડમાં મધ્યમ વર્ગના સમાજની શક્તિ એક વિશાળ બજારનું નિર્માણ કરી રહી છે"
Quote"હાઉસ ઑફ હિમાલય" વોકલ ફોર લોકલ એન્ડ લોકલ ફોર ગ્લોબલની આપણી વિભાવનાને વધુ મજબૂત બનાવે છે"
Quote"હું બે કરોડ લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ કરું છું"
Quote"આ સમય છે, યોગ્ય સમય છે. આ ભારતનો સમય છે”

ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રી ગુરમીતસિંહજી, અહીંના લોકપ્રિય અને યુવા મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામી, સરકારના મંત્રીઓ, વિવિધ દેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો!

દેવભૂમિ ઉત્તરાખંડમાં આવીને મારું મન ધન્ય થઇ જાય છે. થોડાં વર્ષો પહેલાં હું બાબા કેદારના દર્શન કરવા માટે નીકળ્યો હતો ત્યારે અચાનક મારા મોંમાંથી શબ્દો નીકળી ગયા હતા કે, 21મી સદીનો આ ત્રીજો દાયકો ઉત્તરાખંડનો દાયકો છે. અને મને એ વાતની ખુશી છે કે, હું મારા નિવેદનને સતત ચરિતાર્થ થતું જોઇ રહ્યો છું. આપ સૌને આ ગૌરવમાં જોડાવા માટે, ઉત્તરાખંડની વિકાસયાત્રા સાથે જોડવા માટે એક ખૂબ જ મોટો અવસર મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ, ઉત્તરકાશીમાં સુરંગમાંથી આપણા શ્રમિક ભાઇઓને સુરક્ષિત રીતે બચાવવા માટે હાથ ધરવામાં આવેલા સફળ અભિયાન માટે હું ખાસ કરીને રાજ્ય સરકાર સહિત દરેકને અભિનંદન પાઠવું છું.

મિત્રો,

ઉત્તરાખંડ એક એવું રાજ્ય છે, જ્યાં તમને દિવ્યતા અને વિકાસ બંનેનો એકસાથે અનુભવ થાય છે, અને મેં તો ઉત્તરાખંડની ભાવનાઓ અને સંભાવનાઓને ખૂબ જ નજીકથી જોઇ છે, હું તેમાં જીવ્યો છું અને તેનો અનુભવ કર્યો છે. મને એક કવિતા યાદ છે, જે મેં ઉત્તરાખંડ માટે લખી હતી -

जहाँ अंजुली में गंगा जल हो,

जहाँ हर एक मन बस निश्छल हो,

जहाँ गाँव-गाँव में देशभक्त हो,

जहाँ नारी में सच्चा बल हो,

उस देवभूमि का आशीर्वाद लिए मैं चलता जाता हूं!

इस देव भूमि के ध्यान से ही, मैं सदा धन्य हो जाता हूँ।

है भाग्य मेरा, सौभाग्य मेरा, मैं तुमको शीश नवाता हूँ"।

જ્યાં અંજલીમાં ગંગા જળ છે,

જ્યાં દરેક મન બસ શુદ્ધ છે,

જ્યાં દરેક ગામમાં દેશભક્તો છે,

જ્યાં નારીઓમાં સાચી તાકાત છે,

એ દેવભૂમિના આશીર્વાદ માટે હું ચાલતો રહું છું!

આ દેવભૂમિનું ધ્યાન કરવાથી જ હું હંમેશા ધન્ય બની જાઉં છું.

મારું ભાગ્ય છે, મારું સૌભાગ્ય છે કે, હું આપની સમક્ષ મારું શિશ નમાવું છું."

 

મિત્રો,

સામર્થ્યથી ભરેલી આ દેવભૂમિ નિશ્ચિત રૂપે તમારા માટે રોકાણના ઘણા દરવાજા ખોલવા જઇ રહી છે. આજે ભારત, વિકાસ પણ અને વારસો પણ મંત્ર સાથે જે રીતે આગળ વધી રહ્યું છે તેના માટે ઉત્તરાખંડ એક પ્રખર ઉદાહરણ છે.

 

|

મિત્રો,

આપ સૌ વ્યવસાયની દુનિયામાં દિગ્ગજો છો. અને જેઓ બિઝનેસની દુનિયાના લોકો છે, તેઓ પોતાના કામનું SWOT વિશ્લેષણ કરે છે. તમારી કંપનીની તાકાત શું છે, તેની નબળાઇઓ શું છે, તકો શું છે અને પડકારો શું છે એ બધુ જુએ છે અને તે પ્રમાણે મૂલ્યાંકન કરીને આગળની વ્યૂહરચના બનાવે છે. જો આપણે એક રાષ્ટ્ર તરીકે આજે ભારત પર આવું જ SWOT વિશ્લેષણ કરીએ, તો આપણને શું મળશે? આપણને ચારે બાજુ આકાંક્ષાઓ, આશા, આત્મવિશ્વાસ, આવિષ્કાર અને તકો જ દેખાશે. તમને આજે દેશમાં નીતિ આધારિત શાસન જોવા મળી રહ્યું છે. તમને આજે રાજકીય સ્થિરતા માટે દેશવાસીઓનો મજબૂત આગ્રહ જોવા મળી રહ્યો હશે. મહત્વાકાંક્ષી ભારતને આજે અસ્થિરતા નથી જોઇતી, તે એક સ્થિર સરકાર ઇચ્છે છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ આપણે સૌએ આ જોયું છે. અને ઉત્તરાખંડના લોકોએ તો પહેલાંથી જ તે કરી બતાવ્યું છે. જનતાએ સ્થિર અને મજબૂત સરકાર માટે જનાદેશ આપ્યો છે. જનતાએ સુશાસન માટે મત આપ્યો છે, શાસનના ટ્રેક રેકોર્ડના આધારે તેમણે મત આપ્યો છે. આજે ભારત અને ભારતવાસીઓને ખૂબ જ આશા અને સન્માનની નજરે દુનિયા જોઇ રહી છે અને તમામ ઉદ્યોગોના લોકોએ પણ આ વાતનો હમણાં ઉલ્લેખ કર્યો છે. દરેક ભારતીય તેને એક જવાબદારી તરીકે લઇ રહ્યો છે. દરેક દેશવાસીને લાગી રહ્યું છે કે, વિકસિત ભારતનું નિર્માણ તેની પોતાની જવાબદારી છે, દરેક દેશવાસીની જવાબદારી છે. આ આત્મવિશ્વાસનું જ એ પરિણામ આવ્યું છે કે, કોરોના મહાસંકટ અને યુદ્ધનું સંકટ આવવા છતાં ભારત આટલી ઝડપથી વિકસિત થઇ રહ્યું છે. તમે જોયું છે કે, કોરોના રસી હોય કે પછી આર્થિક નીતિઓ હોય, ભારતે તેની નીતિઓ અને પોતાના સામર્થ્ય પર ભરોસો મૂક્યો છે. આજ કારણથી આજે ભારત અન્ય મોટી અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં અલગ લીગમાં જોવા મળે છે. રાષ્ટ્રીય સ્તર પર ભારતની આ મજબૂતીનો લાભ ઉત્તરાખંડ સહિત દેશના દરેક રાજ્યને મળી રહ્યો છે.

મિત્રો,

આવી પરિસ્થિતિમાં, ઉત્તરાખંડ એ માટે વિશેષ પણ થઇ જાય છે અને સ્વાભાવિક થઇ જાય છે, કારણ કે અહીં ડબલ એન્જિનની સરકાર છે. ઉત્તરાખંડમાં ડબલ એન્જિન સરકારના બમણા પ્રયાસો ચારે તરફ જોવા મળી રહ્યાં છે. રાજ્ય સરકાર, તેના તરફથી, પાયાની વાસ્તવિકતાને સમજીને અહીં ઝડપભેર કામ કરી રહી છે. આ ઉપરાંત, સરકાર ભારત સરકારની યોજનાઓને, અમારી દૂરદેશીને પણ અહીંની સરકાર એટલી જ ઝડપથી પાયાના સ્તરેથી અમલમાં મૂકી રહી છે. તમે જ જુઓ, આજે ભારત સરકાર 21મી સદીની આધુનિક કનેક્ટિવિટીની માળખાકીય સુવિધાઓ પર ઉત્તરાખંડમાં અભૂતપૂર્વ રોકાણ કરી રહી છે. કેન્દ્ર સરકારના આ પ્રયાસો વચ્ચે રાજ્ય સરકાર પણ નાના શહેરો અને ગામડાંઓ- તાલુકાઓને જોડવા માટે પુરી તાકાત લગાવીને કામ કરી રહી છે. આજે ઉત્તરાખંડમાં ગામડાંઓના માર્ગો હોય કે પછી ચારધામ ધોરીમાર્ગનું કામ હોય તેના પર અભૂતપૂર્વ ગતિએ કામ થઇ રહ્યું છે. હવે એ દિવસો દૂર નથી જ્યારે દિલ્હી - દહેરાદૂન એક્સપ્રેસ-વે દ્વારા દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનું અંતર અઢી કલાકનું થઇ જવાનું છે. દેહરાદૂન અને પંતનગરમાં હવાઇમથકનું વિસ્તરણ કરવાથી એર કનેક્ટિવિટી મજબૂત થશે. અહીંની સરકાર રાજ્યની અંદર હેલી-ટેક્સી સેવાઓનું પણ વિસ્તરણ કરી રહી છે. ઋષિકેશ-કર્ણપ્રયાગ, આ રેલવે લાઇન અહીંની રેલવે કનેક્ટિવિટીને મજબૂત કરવા જઇ રહી છે. આધુનિક કનેક્ટિવિટી માત્ર જીવનને સરળ બનાવે છે એવું નથી, પરંતુ તે વ્યવસાયને પણ સરળ બનાવે છે. આનાથી ખેતી હોય કે પછી પ્રવાસન, દરેક ક્ષેત્ર માટે નવી સંભાવનાઓ ખુલી રહી છે. લોજિસ્ટિક્સ હોય, સ્ટોરેજ હોય, ટૂર-ટ્રાવેલ અને આતિથ્ય ક્ષેત્ર હોય, તેના માટે અહીં નવા માર્ગો બની રહ્યા છે. અને દરેક નવા માર્ગો દરેક રોકાણકાર માટે સોનેરી તક લઇને આવ્યા છે.

મિત્રો,

અગાઉની સરકારોનો અભિગમ એવો હતો કે, જે વિસ્તારો સરહદ પર આવેલા છે તેને એવી રીતે રાખવામાં આવે કે જેથી ત્યાં પહોંચવાની ઓછામાં ઓછી સુલભતા હોય. ડબલ એન્જિનની સરકારે આ વિચારધારામાં પણ પરિવર્તન લાવી દીધું છે. અમે સરહદી ગામોને છેલ્લા ગામો તરીકે નહીં પરંતુ દેશના પ્રથમ ગામો તરીકે તેનો વિકાસ કરવામાં જોડાયેલા છીએ. અમે મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ શરૂ કર્યો, હવે અમે મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. એવા ગામો, એવા વિસ્તારો કે જે વિકાસના દરેક પરિબળમાં પાછળ રહી ગયા હતા, તેમને આગળ લાવવામાં આવી રહ્યા છે. આનો અર્થ એ છે કે, દરેક રોકાણકાર માટે ઉત્તરાખંડમાં ઘણી બધી ઉપયોગમાં ન લેવાયેલી સંભાવનાઓ રહેલી છે, જેનો તમે વધુમાં વધુ લાભ ઉઠાવી શકો છો.

 

|

મિત્રો,

ડબલ એન્જિનની સરકારની પ્રાથમિકતાઓથી ઉત્તરાખંડ કેવી રીતે બમણો લાભ મેળવી રહ્યું છે તેનું એક ઉદાહરણ પર્યટન ક્ષેત્ર પણ છે. આજે, ભારતને જોવા માટે ભારતીયો અને વિદેશીઓ બંનેમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમે આખા દેશમાં થીમ આધારિત પર્યટન સર્કિટ તૈયાર કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ ભારતની પ્રકૃતિ અને વારસો બંનેથી વિશ્વને પરિચિત કરાવવાનો છે. આ અભિયાનમાં ઉત્તરાખંડ પર્યટનની એક મજબૂત બ્રાન્ડ તરીકે ઉદયમાન થવા જઇ રહ્યું છે. અહીં પ્રકૃતિ, સંસ્કૃતિ, વારસો બધું જ છે. અહીં યોગ, આયુર્વેદ, તીર્થ, સાહસિક રમતો જેવી તમામ પ્રકારની સંભાવનાઓ રહેલી છે. આ સંભાવનાઓનું અન્વેષણ કરવું અને તેને તકોમાં રૂપાંતરિત કરવું એ ચોક્કસપણે આપના જેવા સહકર્મીઓની પ્રાથમિકતા હોવી જોઇએ. અને હું બીજી એક વાત કહેવા માંગુ છુ કે, કદાચ જે લોકો અહીં આવ્યા છે તેમને તે ગમશે અથવા ખરાબ પણ લાગી શકે છે, પરંતુ અહીં કેટલાક લોકો એવા છે જેમના દ્વારા મારે તેમના સુધી મારી વાત પહોંચાડવાની છે, પરંતુ તેમના દ્વારા પણ મારે એમના સુધી પણ પહોંચાડવી છે જેઓ અહીં ઉપસ્થિત નથી. હું ખાસ કરીને દેશના શ્રીમંત લોકોને આ કહેવા માંગુ છું, હું અમીર લોકોને આ કહેવા માંગુ છું. હું કરોડપતિ - અબજોપતિઓને કહેવા માંગુ છું. આપણે ત્યાં એવું માનવામાં આવે છે અને કહેવાય છે કે, જેમના લગ્ન થાય છે તે જોડી ભગવાન બનાવે છે. ભગવાન આ જોડી નક્કી કરે છે. મને એ સમજાતું નથી કે જ્યારે ભગવાન જ જોડી બનાવતા હોય છે, તો પછી આવા દંપતીઓ ભગવાનના ચરણોમાં આવવાને બદલે વિદેશમાં જઇને શું કામ લગ્ન કરે છે. અને મારી તો એવી ઇચ્છા છે કે મારા દેશના નવયુવાનોએ મેક ઇન ઇન્ડિયા જેવી જ એક ચળવળ વેડિંગ ઇન ઇન્ડિયા ચલાવવી જોઇએ. ભારતમાં જ લગ્ન કરો. આજકાલ આપણા બધા ધન્ના શેઠોની દુનિયાના વિવિધ દેશોમાં લગ્ન કરવાની ફેશન બની ગઇ છે. ઘણા લોકો હવે નીચે જોઇને અહીં બેઠા હશે. અને મારી તો એવી ઇચ્છા છે કે, તમારામાંથી કેટલાક રોકાણ કરી શકો કે પછી ન કરી શકો એ વાતને છોડી દો, કદાચ બધા ન કરે તેવું પણ બની શકે છે. ઓછામાં ઓછા આવનારા 5 વર્ષમાં ઉત્તરાખંડમાં તમારા પરિવાર માટે એક ડેસ્ટિનેશન લગ્નનું આયોજન જરૂર કરો. જો અહીં એક વર્ષમાં પાંચ હજાર લગ્નો પણ થવા લાગે તો નવી માળખાકીય સુવિધાઓનું નિર્માણ થશે, તે વિશ્વ માટે એક મોટું વેડિંગ ડેસ્ટિનેશન બની જશે. ભારત પાસે એટલી તાકાત છે કે જો આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ કે આ કરવાનું છે, તો તે થઇ જશે. એટલું સામર્થ્ય રહેલું છે.

મિત્રો,

બદલાઇ રહેલા સમયમાં આજે ભારતમાં પણ પરિવર્તનનો જોરદાર પવન ફૂંકાઇ રહ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં એક મહત્વાકાંક્ષી ભારતનું નિર્માણ થયું છે. દેશની બહુ મોટી વસ્તી એવી હતી, જે અભાવમાં જીવતી હતી, વંચિત હતી, તેઓ અગવડતાઓ સાથે સંકળાયેલા હતા, હવે તેઓ તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી બહાર આવીને સુવિધાઓ સાથે જોડાઇ રહ્યા છે, નવી તકો સાથે જોડાઇ રહ્યા છે. સરકારની કલ્યાણકારી યોજનાઓને કારણે પાંચ વર્ષમાં સાડા તેર કરોડ કરતાં વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ કરોડો લોકોએ અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી છે. આજે ભારતમાં વપરાશ આધારિત અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. એક તરફ, આજે નવો મધ્યમ વર્ગ બન્યો છે, જે ગરીબીમાંથી બહાર નીકળી ગયો છે, જેઓ નવા નવા ગરીબીમાંથી બહાર આવ્યા છે તેઓ પોતાની જરૂરિયાતો પર વધુ ખર્ચ કરવા લાગ્યા છે. બીજી બાજુ, મધ્યમ વર્ગ છે, જે હવે પોતાની આકાંક્ષાઓ પૂરી કરવા પર અને પોતાની પસંદગીની વસ્તુઓ પર વધુ ખર્ચ કરી રહ્યો છે. આથી, આપણે ભારતના મધ્યમ વર્ગની ક્ષમતાને સમજવી પડશે. ઉત્તરાખંડમાં સમાજની આ શક્તિ તમારા માટે એક વિશાળ બજાર પણ તૈયાર કરી રહી છે.

મિત્રો,

હું આજે ઉત્તરાખંડ સરકારને હાઉસ ઓફ હિમાલય બ્રાન્ડ લોન્ચ કરવા બદલ અભિનંદન આપું છું. ઉત્તરાખંડના સ્થાનિક ઉત્પાદનોને વિદેશી બજારોમાં સ્થાપિત કરવાનો આ એક ખૂબ જ નવતર પ્રયાસ છે. આનાથી લોકલ માટે વોકલ અને લોકલ ફોર ગ્લોબલની અમારી વિભાવના વધુ મજબૂત બને છે. આ સાથે જ ઉત્તરાખંડના સ્થાનિક ઉત્પાદનોને વિદેશી બજારોમાં ઓળખ મળશે અને તેને નવું સ્થાન પણ મળશે. ભારતના દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં એવા ઉત્પાદનો છે જે સ્થાનિક (લોકલ) છે પરંતુ તે વૈશ્વિક (ગ્લોબલ) બનવાની ક્ષમતા ધરાવે છે. હું ઘણીવાર જોઉં છું કે વિદેશોમાં પણ માટીના વાસણોને ખૂબ જ વિશિષ્ટ રીતે તૈયાર કરીને રજૂ કરવામાં આવે છે. આ માટીના વાસણો ત્યાં ખૂબ જ મોંઘા ભાવે મળતા હોય છે. ભારતમાં તો આપણાં વિશ્વકર્મા સાથીઓ પરંપરાગત રીતે આવા ઘણા ઉત્કૃષ્ટ ઉત્પાદનો તૈયાર કરે છે. આપણે આવા સ્થાનિક ઉત્પાદનોના મહત્વને પણ સમજવું પડશે અને તેના માટે વૈશ્વિક બજારનું અન્વેષણ કરવું પડશે. અને તેથી તમે આ હાઉસ ઓફ હિમાલય બ્રાન્ડ લઇને આવ્યા છો તે મારા માટે વ્યક્તિગત રૂપે આનંદની વાત છે. અહીં બહુ ઓછા લોકો હશે જે કદાચ મારા એક સંકલ્પ વિશે જાણતા હશે. કારણ કે મારા આ કેટલાક સંકલ્પો એવા હોય છે કે તેનાથી તમને કોઇ સીધો ફાયદો કદાચ ન દેખાય, પરંતુ તેમાં મોટી શક્તિ છે. મારો એક સંકલ્પ છે, આવનારા સમયમાં મેં આ દેશની બે કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ બનાવવા માટે લખપતિ દીદી અભિયાન ચલાવ્યું છે. બે કરોડ લખપતિ દીદી બનાવવાનું કામ થોડું મુશ્કેલ હોઇ શકે છે. પરંતુ મેં મનમાં એક સંકલ્પ કરી લીધો છે. હાઉસ ઓફ હિમાલય જે બ્રાન્ડ છે તેનાથી મારું બે કરોડ લખપતિ દીદી બનાવવાનું કામ છે તે ઘણું ઝડપથી આગળ વધશે. અને આ કારણે જ હું આભાર માનું છું.

મિત્રો,

તમારે પણ, એક વ્યવસાય તરીકે, અહીં અલગ અલગ જિલ્લાઓમાં આવા ઉત્પાદનોની ઓળખ કરવી જોઇએ. આપણી બહેનોના સ્વ-સહાય જૂથો હોય, FPO હોય, તેમની સાથે મળીને નવી સંભાવનાઓ શોધવી જોઇએ. લોકલને ગ્લોબલ બનાવવા માટે આ એક અદ્ભુત ભાગીદારી બની શકે છે.

 

|

મિત્રો,

આ વખતે લાલ કિલ્લા પરથી મેં કહ્યું હતું છે કે, વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે નેશનલ કેરેક્ટર એટલે કે રાષ્ટ્રીય ચરિત્રને મજબૂત બનાવવું પડશે. આપણે જે કંઇ પણ કરીએ, તે વિશ્વમાં શ્રેષ્ઠ હોવું જોઇએ. આપણા ધોરણોને દુનિયા અનુસરતી હોવી જોઇએ. આપણું વિનિર્માણ ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ એટલે કે કોઇપણ આડઅસર વગરનું અને કોઇપણ ખામી વગરનું હોય તે સિદ્ધાંત પર હોવું જોઇએ. આપણે હવે નિકાસલક્ષી ઉત્પાદન કેવી રીતે વધારવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કેન્દ્ર સરકારે PLI જેવું એક મહત્વકાંક્ષી અભિયાન શરૂ કર્યું છે. આમાં, નિર્ણાયક ક્ષેત્રો માટે એક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો સંકલ્પ સ્પષ્ટપણે દેખાય છે. તેમાં તમારા જેવા મિત્રોની ભૂમિકા પણ ઘણી મોટી છે. આ સમય સ્થાનિક પુરવઠા સાંકળ અને આપણા MSMEને મજબૂત કરવાનો અને તેમાં રોકાણ કરવાનો છે. આપણે ભારતમાં એવી પુરવઠા સાંકળ વિકસાવવી પડશે કે જેનાથી આપણે અન્ય દેશો પર ઓછામાં ઓછા નિર્ભર રહીએ. આપણે એ જૂની માનસિકતામાંથી પણ બહાર આવવું પડશે કે જો કોઇ ચોક્કસ જગ્યાએ કોઇ વસ્તુ ઓછી કિંમતે મળતી હોય તો ત્યાંથી આયાત કરો. આના કારણે આપણને ઘણું મોટું નુકસાન થયું છે. તમે બધા ઉદ્યોગસાહસિકોએ ભારતમાં જ ક્ષમતા નિર્માણ પર એટલો જ ભાર મૂકવો જોઇએ. આપણે નિકાસ વધારવા પર જેટલું ધ્યાન આપીએ છીએ તેટલું જ ધ્યાન આપણે આયાત ઘટાડવા પર પણ આપવું જ પડશે. આપણે દર વર્ષે 15 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરીએ છીએ. આપણે દેશ કોલસાપ્રધાન હોવા છતાં આપણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયાના કોલસાની આયાત કરીએ છીએ. છેલ્લાં 10 વર્ષમાં દેશમાં કઠોળ અને તેલીબિયાંની આયાત ઘટાડવાના ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ આજે પણ દેશમાં 15 હજાર કરોડ રૂપિયા કરતાં વધુના કઠોળની બહારથી આયાત કરવી પડે છે. જો ભારત કઠોળમાં આત્મનિર્ભર બનશે તો આ પૈસા દેશના ખેડૂતોના હાથમાં જશે.

 

|

મિત્રો,

આજે આપણે પોષણના નામે અને તો હું જોઉં છું કે કોઇ પણ મધ્યમ વર્ગના પરિવારમાં આપણે ભોજન માટે જોઇએ તો ત્યાં તેમના ડાઇનિંગ ટેબલ પર વિવિધ વસ્તુઓના પેકેટ પડેલા જોવા મળે છે, જે વિદેશથી લાવેલા હોય છે અને ત્યાં પેકેજ્ડ ફૂડની વધી રહેલી ફેશન મને જોવા મળે છે. જ્યારે આપણા દેશમાં તેના પર લખી દેવામાં આવે કે પ્રોટીનથી ભરપૂર એટલે ખાવાનું શરૂ થઇ જાય છે. તે આયર્નથી ભરપૂર છે, ખાવા વિશે કોઇ પૂછપરછ કરતું નથી, ફક્ત લખેલું છે એટલે થઇ ગયું છે અને તે મેડ ઇન ફલાણા દેશ છે એટલે બસ સિક્કો મારી દો. અરે, આપણા દેશમાં બરછટ ધાન્યથી માંડી અન્ય ઘણા ખોરાક છે, જે ઘણા વધુ પૌષ્ટિક છે. આપણા ખેડૂતોની મહેનત પાણામાં ન જવી જોઇએ. ઉત્તરાખંડમાં જ આવા આયુષ સાથે જોડાયેલા, ઓર્ગેનિક ફળો અને શાકભાજી સાથે જોડાયેલા આવા ઉત્પાદનોની ઘણી સંભાવનાઓ રહેલી છે. આ ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો બંને માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલી શકે છે. પેકેજ્ડ ફૂડના બજારમાં પણ, મને લાગે છે કે આપ સૌએ આપણી નાની કંપનીઓને, આપણા ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવામાં પોતાની ભૂમિકા નિભાવવી જોઇએ.

 

|

મિત્રો,

ભારત માટે, ભારતની કંપનીઓ માટે, ભારતીય રોકાણકારો માટે મને લાગે છે કે આ અભૂતપૂર્વ સમય છે. આગામી કેટલાક વર્ષોમાં ભારત સમગ્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહ્યું છે. અને હું દેશવાસીઓને ભરોસો આપું છું કે મારા ત્રીજા કાર્યકાળમાં દેશ સમગ્ર વિશ્વના પ્રથમ ત્રણમાં ચોક્કસ સામેલ થશે. સ્થિર સરકાર, સહાયક નીતિ પ્રણાલી, સુધારા અને પરિવર્તનની માનસિકતા તેમજ વિકસિત થવાનો આત્મવિશ્વાસ, આવું સંયોગ પહેલી વખત જ બન્યો છે. આથી, હું કહું છું કે આ જ સમય છે, યોગ્ય સમય છે. આ ભારતનો સમય છે. હું આપ સૌને આહ્વાન કરીશ કે, ઉત્તરાખંડની સાથે ચાલીને પોતાનો પણ વિકાસ કરો અને ઉત્તરાખંડના વિકાસમાં જરૂર સહભાગી બનો. અને હું હંમેશા કહું છું, આપણે ત્યાં વર્ષોથી કલ્પના છે. કહેવાય છે કે પહાડની યુવાની અને પહાડનું પાણી પહાડને કોઇ કામમાં આવતું નથી. યુવાનો રોજીરોટી કમાવવા માટે ક્યાંક જાય છે, પાણી વહે છે અને ક્યાંક પહોંચી જતુ રહે છે. પરંતુ મોદીએ નક્કી કરી લીધું છે કે, હવે પહાડની યુવાની પહાડોને કામમાં આવશે અને પહાડોનું પાણી પણ પહાડોને ઉપયોગી થશે. ઘણી બધી સંભાવનાઓ જોઇને હું સંકલ્પ લઇ શકું છું કે આપણો દેશ દરેક ખૂણામાં સામર્થ્ય સાથે ઉભો રહી શકે છે, નવી ઉર્જા સાથે ઊભો રહી શકે છે. અને તેથી હું ઇચ્છું છું કે તમે બધા મિત્રો આ તકનો વધુમાં વધુ લાભ લો અને નીતિઓનો લાભ ઉઠાવો. સરકાર નીતિઓ ઘડે છે, તે પારદર્શક અને દરેક માટે મુક્ત હોય છે. જેમનામાં દમ હોય તેઓ મેદાનમાં આવીને લાભ ઉઠાવે છે. અને હું તમને ખાતરી આપું છું કે અમે તમને જે કંઇ પણ કહીએ છીએ તેના માટે અમે મક્કમ થઇને તમારી પડખે ઉભા પણ રહીએ છીએ અને તેને પૂર્ણ પણ કરીએ છીએ. તમે બધા આ મહત્વપૂર્ણ અવસર પર આવ્યા છો, ઉત્તરાખંડ પર મારો વિશેષ અધિકાર છે અને ઘણા લોકોએ કહ્યું છે કે મારા જીવનના એક પાસાને ઘડવામાં આ ભૂમિનો ઘણો મોટો ફાળો રહ્યો છે. તેને કંઇક પાછું આપવાની તક મળે તો તેનો આનંદ પણ કંઇક અલગ જ હોય ​​છે. અને તેથી જ હું આપ સૌને આમંત્રણ આપું છું કે, આવો અને આ પવિત્ર ભૂમિનાના ચરણ માથા પર લઇને ચાલવા માંડો. તમારી વિકાસયાત્રામાં ક્યારેય કોઇ પણ અડચણ નહીં આવે, એવા આ ભૂમિના આશીર્વાદ છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 

|

 

  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 21, 2024

    जय श्री राम 🚩 वन्दे मातरम् जय भाजपा विजय भाजपा
  • Devendra Kunwar October 08, 2024

    BJP
  • दिग्विजय सिंह राना September 20, 2024

    हर हर महादेव
  • Reena chaurasia September 02, 2024

    मोदी
  • Reena chaurasia September 02, 2024

    बीजेपी
  • JBL SRIVASTAVA May 27, 2024

    मोदी जी 400 पार
  • rajiv Ghosh February 13, 2024

    fabulous speach
  • rajiv Ghosh February 13, 2024

    fabulous speach
  • rajiv Ghosh February 13, 2024

    fabulous speach
  • Vaishali Tangsale February 12, 2024

    🙏🏻🙏🏻
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How PMJDY has changed banking in India

Media Coverage

How PMJDY has changed banking in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 માર્ચ 2025
March 24, 2025

Viksit Bharat: PM Modi’s Vision in Action