આસામના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા, મુખ્યમંત્રી શ્રી હેમંત વિશ્વ શર્મા, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, ડૉ. ભારતી પવારજી, આસામ સરકારના મંત્રી કેશવ મહંતાજી, અહીં ઉપસ્થિત તબીબી જગતના તમામ મહાનુભાવો, અન્ય મહાનુભાવો, વિવિધ સ્થળોએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંકળાયેલા તમામ મહાનુભાવો અને આસામના મારા વ્હાલા ભાઇઓ તથા બહેનો.
મા કામાખ્યાર, એ પોબીત્રો ભૂમીર પોરા ઑહોમોર હોમૂહ, ભાટ્રિ ભૉગ્નિલોઇ, મોર પ્રોનમ, આપ સૌને રોંગાલી બિહુની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ પાવન અવસર પર, આસામના પૂર્વોત્તરના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આજે એક નવી તાકાત મળી છે. આજે પૂર્વોત્તરને તેની સૌથી પહેલી એઇમ્સ મળી છે. અને આસામને 3 નવી મેડિકલ કોલેજ મળી છે. IIT ગુવાહાટી સાથે મળીને આધુનિક સંશોધન માટે 500 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. અને આસામના લાખો મિત્રો સુધી આયુષ્માન કાર્ડ પહોંચાડવાનું કામ મિશન મોડ પર શરૂ થઇ ગયું છે. એઇમ્સથી આસામ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને મણિપુરના સાથીઓને પણ ઘણો લાભ મળવાનો છે. આરોગ્ય ક્ષેત્રને લગતા આ તમામ પ્રોજેક્ટ્સ બદલ તમને સૌને, પૂર્વોત્તરના મારા તમામ ભાઇઓ અને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
ભાઇઓ અને બહેનો,
છેલ્લા 9 વર્ષોમાં, પૂર્વત્તરમાં કનેક્ટિવિટી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે ઘણી ચર્ચાઓ થઇ છે. આજે જે પણ લોકો નોર્થ ઇસ્ટની મુલાકાતે આવે છે, તે અહીંના માર્ગો, રેલ અને એરપોર્ટને લગતા કાર્યો જોઇને પ્રશંસા કર્યા વગર રહી શકતા નથી. પરંતુ નોર્થ ઇસ્ટમાં અન્ય એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ખૂબ જ ઝડપથી કામ કરવામાં આવ્યું છે અને તે છે - સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મિત્રો, અહીં શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓનું વિસ્તરણ ખરેખર અભૂતપૂર્વ છે. ગયા વર્ષે જ્યારે હું દિબ્રુગઢ આવ્યો હતો, ત્યારે મને આસામના કેટલાક જિલ્લાઓમાં એક સાથે અનેક હોસ્પિટલોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાની તક મળી હતી. આજે મને એઇમ્સ અને 3 મેડિકલ કોલેજો આપ સૌને સોંપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વિતેલા વર્ષોમાં, આસામમાં ડેન્ટલ કોલેજોની સુવિધાનું પણ વિસ્તરણ થયું છે. આ બધાને નોર્થ ઇસ્ટમાં સતત સુધરી રહેલી રેલવે અને રોડ કનેક્ટિવિટી દ્વારા પણ મદદ મળી રહી છે. ખાસ કરીને, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તે હવે દૂર થઇ ગઇ છે. જેના કારણે માતાઓ અને બાળકના જીવ પરનું જોખમ પણ ઘણું ઓછું થઇ ગયું છે.
આજકાલ એક નવી બીમારી જોવા મળી રહી છે, આખા દેશમાં હું ગમે ત્યાં જાઉં છું, ભલે ઉત્તરમાં જઉં, દક્ષિણમાં, નોર્થ ઇસ્ટમાં જઉં, ત્યારે છેલ્લા 9 વર્ષમાં થયેલા વિકાસની હું ચર્ચા કરું છુ, તો કેટલાક લોકો ખૂબ નારાજ થઇ જાય છે. આ એક નવી બીમારી છે, તેઓ ફરિયાદ કરે છે કે તેમણે પણ દાયકાઓ સુધી દેશ પર રાજ કર્યું છે, તેમને શા માટે શ્રેય નથી મળતો? શ્રેયના ભૂખ્યા લોકો અને જનતા પર રાજ કરવાની તેમની ભાવનાએ દેશને ઘણું નુકસાન કર્યું છે. અરે, જનતા તો જનાર્દનનું સ્વરૂપ છે, તે ભગવાનનું સ્વરૂપ છે. પહેલાંના લોકો શ્રેયના ભૂખ્યા હતા, તેથી નોર્થ ઇસ્ટ તેમને ખૂબ જ દૂર લાગતું હતું, તેમણે આ પ્રદેશ જાણે ઓરમાન હોય તેવી ભાવના ઉભી કરી દીધી હતી. અમે સેવાની ભાવના સાથે, તમારા સેવક બનવાની ભાવના સાથે, સમર્પણની ભાવના સાથે તમારી સેવા કરતા રહીએ છીએ, તેથી જ પૂર્વોત્તર અમને બહુ દૂર નથી લાગતું અને પોતિકાપણાની ભાવનમાં ક્યારેય ઓટ નથી આવતી.
મને ખુશી છે કે આજે નોર્થ ઇસ્ટના લોકોએ પોતે આગળ વધીને વિકાસની લગામ તેમના હાથમાં લીધી છે. તેઓ નોર્થ ઇસ્ટના વિકાસ દ્વારા ભારતના વિકાસના મંત્રને સાથે રાખીને આગળ વધી રહ્યા છે. વિકાસની આ નવી ઝુંબેશમાં કેન્દ્ર સરકાર તમામ રાજ્યો સાથે એક મિત્ર બનીને, એક સેવક બનીને, એક ભાગીદાર બનીને કામ કરી રહી છે. આજનું આ આયોજન પણ તેનું જીવંત ઉદાહરણ છે.
મિત્રો,
દાયકાઓ સુધી, આપણું પૂર્વોત્તર બીજા અનેક પડકારો સામે ઝઝૂમતું રહ્યું છે. જ્યારે કોઇ ક્ષેત્રમાં પરિવારવાદ, પ્રદેશવાદ, ભ્રષ્ટાચાર અને અસ્થિરતાની રાજનીતિનું વર્ચસ્વ થઇ જાય છે ત્યારે વિકાસ થવો અશક્ય બની જાય છે. અને આપણી આરોગ્ય સંભાળ વ્યવસ્થામાં પણ આવું જ થયું છે. દિલ્હીમાં જે એઇમ્સ છે તેનું નિર્માણ 50ના દાયકામાં કરવામાં આવ્યું હતું. દેશના ખૂણે ખૂણેથી લોકો સારવાર કરાવવા માટે દિલ્હીની એઇમ્સમાં આવતા હતા. પરંતુ દાયકાઓ સુધી કોઇએ એવું વિચાર્યું જ ન હતું કે દેશના અન્ય ભાગોમાં પણ એઇમ્સ ખોલવી જોઇએ. અટલજી જ્યારે સરકારમાં હતા ત્યારે તેમણે પહેલીવાર આ દિશામાં પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ તેમની સરકાર ગયા પછી ફરીથી બધું ઠપ થઇ ગયું. જે એઇમ્સ ખોલવામાં આવી હતી તેમાં પણ વ્યવસ્થાઓ જર્જરિત હાલતમાં થઇ રહી હતી. 2014 પછી અમે આ બધી ખામીઓ દૂર કરી. અમે વિતેલા વર્ષોમાં 15 નવી એઇમ્સ પર કામ શરૂ કર્યું, પંદર એઇમ્સ. આમાંથી મોટાભાગની સંસ્થાઓમાં સારવાર અને શિક્ષણ બંનેની સુવિધા શરૂ થઇ ગઇ છે. એઇમ્સ ગુવાહાટી પણ એ વાતનું ઉદાહરણ છે કે, અમારી સરકાર જે પણ સંકલ્પ કરે છે, તે સંકલ્પને સિદ્ધ કરી બતાવે છે. આસામના લોકોનો પ્રેમ જ મને વારંવાર અહીં ખેંચી લાવે છે, શિલાન્યાસ સમયે પણ તમારા સૌનો પ્રેમ મને અહીં ખેંચી લાવ્યો હતો અને આજે ઉદ્ઘાટન સમયે તમારો પ્રેમ પહેલાં કરતાં પણ વધી ગયો છે અને તેમાં પણ બિહુના પવિત્ર સમયે મને અહીં આવવાની તક મળી તે તમારા સૌના પ્રેમનું જ પરિણામ છે.
મિત્રો,
અગાઉની સરકારોની નીતિઓને કારણે, આપણી પાસે ડૉક્ટરો અને અન્ય તબીબી પ્રોફેશનલોની ભારે અછત રહી છે. આ અછત, ભારતમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પૂરી પાડવા સામે એક મોટી દિવાલ સમાન હતી. એટલા માટે, છેલ્લા 9 વર્ષમાં અમારી સરકારે મેડિકલ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડિકલ પ્રોફેશનલની સંખ્યા વધારવા માટે ખૂબ જ મોટા પાયે કામ કર્યું છે. 2014 પહેલાંના 10 વર્ષમાં માત્ર દોઢસો મેડિકલ કોલેજો બની હતી. વિતેલા 9 વર્ષમાં અમારી સરકારના શાસનકાળમાં લગભગ 300 નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવી છે. છેલ્લા 9 વર્ષમાં દેશમાં MBBSની બેઠકોની સંખ્યા પણ બમણી થઇને 1 લાખ કરતાં વધુ થઇ ગઇ છે. છેલ્લા 9 વર્ષમાં દેશમાં મેડિકલમાં પીજીની બેઠકોની સંખ્યામાં પણ 110 ટકાનો વધારો થયો છે. અમે તબીબી શિક્ષણના વિસ્તરણ માટે રાષ્ટ્રીય મેડિકલ કમિશનની સ્થાપના કરી છે. અમે પછાત પરિવારોને, પછાત પરિવારના બાળકો ડૉક્ટર બની શકે તે માટે, તેમને અનામતની સુવિધાનું પણ વિસ્તરણ કર્યું છે. દૂર અને અંતરિયાળ વિસ્તારના બાળકો પણ ડૉક્ટર બની શકે, તે માટે અમે પહેલીવાર ભારતીય ભાષાઓમાં તબીબી અભ્યાસનો વિકલ્પ આપ્યો છે. આ વર્ષના બજેટમાં 150થી વધુ નર્સિંગ કોલેજો શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જો હું નોર્થ ઇસ્ટની વાત કરું, તો અહીં પણ છેલ્લા 9 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઇ ગઇ છે. હજી અનેક મેડિકલ કોલેજો પર કામ ચાલી રહ્યું છે, અહીં ઘણી નવી મેડિકલ કોલેજો બનવા જઇ રહી છે. છેલ્લા 9 વર્ષમાં નોર્થ ઇસ્ટમાં મેડિકલની બેઠકોની સંખ્યા પણ અગાઉની સરખામણીએ બમણી થઇ ગઇ છે.
ભાઇઓ અને બહેનો,
આજે ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણું કામ થઇ રહ્યું છે કારણ કે આપ સૌ દેશવાસીઓએ 2014માં દેશમાં એક સ્થિર અને મજબૂત સરકારની રચના કરી હતી. ભાજપની સરકારોની નીતિ, નિયત અને નિષ્ઠા કોઇ સ્વાર્થ આધારિત નથી, પરંતુ રાષ્ટ્ર સર્વોપરી, દેશવાસીઓ સર્વોપરીની ભાવનાથી અમારી નીતિઓ નક્કી કરવામાં આવે છે. એટલા માટે અમે મત બેંકને બદલે દેશના લોકોની મુશ્કેલીઓ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે એવું લક્ષ્ય નક્કી કર્યું છે કે, આપણી બહેનોને સારવાર માટે દૂર સુધી જવું ન પડે. અમે નક્કી કર્યું કે પૈસાના અભાવે કોઇ ગરીબ વ્યક્તિએ પોતાની સારવાર મુલતવી ન રાખવી પડે. અમે પ્રયાસ કર્યો છે કે, આપણા ગરીબ પરિવારોને પણ તેમના ઘરની નજીકમાં સારી સારવાર મળી રહે.
મિત્રો,
હું જાણું છું કે, ગરીબોને સારવાર માટે પૈસા ન હોવાના કારણે કેટલી મોટી ચિંતા રહે છે. તેથી જ અમારી સરકારે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડનારી આયુષ્માન યોજના શરૂ કરી છે. મને ખબર છે કે મોંઘી દવાઓના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ કેટલો પરેશાન થાય છે. તેથી જ અમારી સરકારે 9 હજાર કરતાં વધુ જન ઔષધી કેન્દ્રો ખોલ્યા, આ કેન્દ્રો પર સેંકડો દવાઓ સસ્તામાં ઉપલબ્ધ કરાવવામાં આવી. હું જાણું છું કે, હાર્ટના ઓપરેશન અને ઘૂંટણના ઓપરેશન પાછળ ગરીબ અને મધ્યમ વર્ગને કેટલો વધારે ખર્ચ થતો હતો. તેથી જ અમારી સરકારે સ્ટેન્ટની કિંમતોને અંકુશમાં લાવી દીધી, ઘૂંટણના ઇમ્પ્લાન્ટની કિંમતોને અંકુશમાં લાવી દીધી. હું જાણું છું કે જ્યારે ગરીબોને ડાયાલિસિસની જરૂર હોય ત્યારે તેઓ કેટલા ચિંતામાં મૂકાઇ જતા હોય છે. તેથી જ અમારી સરકારે દરેક જિલ્લામાં મફત ડાયાલિસિસની યોજના શરૂ કરી, લાખો લોકોને તેનો લાભ મળ્યો. હું જાણું છું કે ગંભીર બીમારીનું સમયસર નિદાન થઇ જાય તે કેટલું જરૂરી છે. આથી જ અમારી સરકારે દેશભરમાં દોઢ લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખોલ્યા છે, જ્યાં જરૂરી પરીક્ષણોની સુવિધા પૂરી પાડવામાં આવે છે. હું જાણું છું કે ટીબીની બીમારી કેટલાય દાયકાઓથી ગરીબો માટે એક મોટા પડકાર સમાન હતી. તેથી જ અમારી સરકારે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું છે. અમે બાકીના દુનિયા કરતાં 5 વર્ષ પહેલાં જ દેશને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. હું જાણું છું કે બીમારી કેવી રીતે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નષ્ટ કરી નાંખે છે. તેથી જ અમારી સરકારે નિવારાત્મક આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, બીમારી થાય જ નહીં, બીમારી આવે જ નહીં તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યોગ-આયુર્વેદ, ફિટ ઇન્ડિયા અભિયાન ચલાવીને અમે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સતત જાગૃત કર્યા છે.
મિત્રો,
આજે જ્યારે હું સરકારની આ યોજનાઓ સફળ થતી જોઇ રહ્યો છું ત્યારે હું મારી જાતને ધન્ય માનું છું કે ગરીબોની આટલી સેવા કરવા માટે ભગવાન અને જનતા જનાર્દને મને આશીર્વાદ આપ્યા છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે દેશના કરોડો ગરીબ લોકો માટે મોટો આધાર બની ગઇ છે. વિતેલા વર્ષોમાં, આયુષ્માન ભારત યોજનાએ ગરીબોને રૂપિયા 80 હજાર કરોડના ખર્ચમાંથી બચાવ્યા છે. જન ઔષધી કેન્દ્રોના કારણે ગરીબ અને મધ્યમ વર્ગને 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થતો બચી ગયો છે. સ્ટેન્ટ અને ઘૂંટણના ઇમ્પ્લાન્ટની કિંમતમાં ઘટાડો થઇ ગયો હોવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ દર વર્ષે 13 હજાર કરોડ રૂપિયાની બચત કરી રહ્યા છે. મફત ડાયાલિસિસની સુવિધા આવવાથી કિડનીની બીમારીથી પીડાતા ગરીબ દર્દીઓને રૂપિયા 500 કરોડ કરતાં વધુનો ખર્ચ થતો બચી ગયો છે. આજે, અહીં આસામના લગભગ 1 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન ભારત કાર્ડ આપવાનું અભિયાન પણ અહીં શરૂ થયું છે. આ અભિયાનથી આસામના લોકોને ઘણી મદદ મળવાની છે, તેમના પૈસાની બચત થવાની છે.
મિત્રો,
હું ઘણી વખત દેશના ખૂણે ખૂણે અમારી સરકારની યોજનાઓના લાભાર્થીઓને મળું છું. આમાં મોટી સંખ્યામાં આપણી માતાઓ અને બહેનો, આપણા દેશના દીકરાઓ અને દીકરીઓ, આપણા દેશની મહિલાઓ સામેલ હોય છે. તેઓ મને કહે છે કે, અગાઉની સરકારો અને હવે ભાજપની સરકારના સમયમાં મળતી આરોગ્ય સુવિધાઓમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. તમે અને હું જાણીએ છીએ કે જ્યારે સ્વાસ્થ્ય અને સારવારની વાત આવે છે, ત્યારે આપણે ત્યાં મહિલાઓ ઘણીવાર પાછળ રહી જાય છે. આપણી માતાઓ અને બહેનોને પોતાને જ એવું લાગે છે કે, તેમણે પરિવારના પૈસા તેમની સારવાર પાછળ શા માટે ખર્ચવા જોઇએ, શા માટે પોતાના કારણે બીજાને આટલી બધી તકલીફ આપવી જોઇએ. સંસાધનોની અછતને કારણે, આર્થિક સંકડામણને કારણે, દેશની કરોડો મહિલાઓ જે સ્થિતિમાં જીવી રહી હતી, તેનાથી સ્વાસ્થ્યને જ સૌથી વધુ અસર થતી હતી.
ભાજપના નેતૃત્વ હેઠળની અમારી સરકારે જે યોજનાઓ શરૂ કરી છે, તેનાથી સૌથી મોટો લાભ આપણી માતાઓ અને બહેનોને અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે થયો છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બનાવવામાં આવેલા કરોડો શૌચાલયોના કારણે મહિલાઓ અનેક બીમારીઓથી બચી શકી છે. ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવેલ ગેસ, તે ગેસ કનેક્શનના કારણે મહિલાઓને જીવલેણ ધુમાડામાંથી મુક્તિ મળી છે. જળ જીવન મિશન હેઠળ દરેક ઘરમાં પાણી પહોંચાડવામાં આવ્યું હોવાથી કરોડો મહિલાઓ પાણીજન્ય બીમારીઓથી બચી ગઇ છે. મિશન ઇન્દ્રધનુષે કરોડો મહિલાઓનું મફત રસીકરણ કર્યું હોવાથી તેમને ગંભીર બીમારીઓથી બચાવી શકાઇ છે. આયુષ્માન ભારત યોજનાએ મહિલાઓને હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની ખાતરી આપી છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાએ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન આર્થિક મદદ કરી છે. રાષ્ટ્રીય પોષણ અભિયાને મહિલાઓને પૌષ્ટિક આહાર મેળવવામાં મદદ કરી છે. જ્યારે સરકાર સંવેદનશીલ હોય છે, ગરીબોની સેવા કરવાની તેમનામાં ભાવના હોય ત્યારે આવા કામ થાય છે.
મિત્રો,
અમારી સરકાર, ભારતના આરોગ્ય ક્ષેત્રનું 21મી સદીની જરૂરિયાતો અનુસાર આધુનિકીકરણ પણ કરી રહી છે. આજે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન દ્વારા દેશવાસીઓને ડિજિટલ હેલ્થ આઇડી આપવામાં આવી રહ્યા છે. દેશભરની હોસ્પિટલો, હેલ્થ પ્રોફેશનલ્સને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહ્યા છે. આમ કરવાથી દેશના નાગરિકનો સંપૂર્ણ સ્વાસ્થ્ય રેકોર્ડ માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ થઇ જશે. તેનાથી હોસ્પિટલોમાં સારવારની સુવિધા વધશે, યોગ્ય ડૉક્ટર સુધી પહોંચવામાં સરળતા રહેશે. મને ખુશી છે કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 38 કરોડ ડિજિટલ આઇડી બનાવવામાં આવ્યા છે. આમાં, 2 લાખથી વધુ આરોગ્ય સુવિધાઓ અને 1.5 લાખથી વધુ આરોગ્ય વ્યવસાયિકોની ચકાસણી કરવામાં આવી છે. આજે, ઇ-સંજીવની સેવા પણ ઘરે બેસીને સારવાર મેળવવાનું પસંદગીનું માધ્યમ બની રહી છે. દેશભરના 10 કરોડ સાથીઓ આ સુવિધાનો લાભ લઇ ચુક્યા છે. તેનાથી સમય અને નાણાં બંનેની બચતને સુનિશ્ચિત થઇ રહી છે.
ભાઇઓ અને બહેનો,
ભારતની આરોગ્ય સંભાળ વ્યવસ્થામાં પરિવર્તનનો સૌથી મોટો આધાર છે – સબકા પ્રયાસ. કોરોનાના આ સંકટસમયમાં પણ આપણે સબકા પ્રયાસની શક્તિ જોઇ લીધી છે. વિશ્વના સૌથી મોટા, સૌથી ઝડપી, સૌથી અસરકારક કોવિડ રસીકરણ અભિયાનની આજે આખી દુનિયામાં પ્રશંસા થઇ રહી છે. અમે મેડ ઇન ઇન્ડિયા વેક્સિન બનાવી, તેને ખૂબ જ ટૂંકા ગાળામાં દૂર દૂર સુધી પહોંચાડી છે. આમાં આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો, પ્રાથમિક આરોગ્ય સંભાળ કાર્યકરોથી માંડીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સુધીના દરેક લોકોએ અદ્ભુત કામ કર્યું છે. આટલો મોટો મહાયજ્ઞ ફક્ત ત્યારે જ સફળ થઇ શકે છે, જ્યારે સબકા પ્રયાસની ભાવના હોય અને સબકા વિશ્વાસની ભાવના પણ હોય. આવો, સબકા પ્રયાસની ભાવના સાથે સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારતના મિશનને સંપૂર્ણ નિષ્ઠા સાથે આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ. ફરી એકવાર, હું એઇમ્સ અને મેડિકલ કોલેજો શરૂ થવા બદલ આસામના લોકોને ખૂબ જ અભિનંદન પાઠવું છું અને આપ સૌએ જે પ્રેમ આપ્યો, આટલી મોટી સંખ્યામાં આપ સૌ આશીર્વાદ આપવા આવ્યા, તે બદલ આપને વંદન કરીને, આપનો આભાર માનીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું.