





નમસ્કાર!
વારાણસીમાં આપનું સ્વાગત છે, જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વારાણસીમાં આપને મળવાથી મને ખૂબ જ આનંદ થયો છે, આ મારો સંસદીય મતવિસ્તાર છે. કાશી, એ માત્ર વિશ્વનું સૌથી જૂનું જીવંત શહેર જ નથી. અહીંથી નજીકમાં જ સારનાથ છે, જ્યાં ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. કાશીને "સુજ્ઞાન, ધર્મ અને સત્યરાશિની નગરી" મતલબ કે - જ્ઞાન, કર્તવ્ય અને સત્યનો ભંડાર કહેવામાં આવે છે. તે ખરેખર ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રાજધાની છે. હું આશા રાખું છું કે તમે બધાએ તમારા કાર્યક્રમમાં ગંગા આરતીના દર્શન કરવા, સારનાથની મુલાકાત લેવા અને કાશીના ભોજનનો આનંદ માણવા માટે થોડો સમય રાખ્યો હશે.
મહાનુભાવો,
સંસ્કૃતિમાં બધાને એકજૂથ કરવાનું સહજ સામર્થ્ય હોય છે. આ આપણને વિવિધ પૃષ્ઠભૂમિ અને પરિપ્રેક્ષ્યોને સમજવા માટે સમર્થ બનાવે છે. અને તેથી, તમારું કાર્ય સમગ્ર માનવાજાત માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. અમને ભારતીયોને અમારી શાશ્વત અને વૈવિધ્યસભર સંસ્કૃતિ પર ખૂબ જ ગૌરવ છે. અમે અમારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાને પણ ખૂબ મહત્વ આપીએ છીએ. અમે અમારા વારસાગત સ્થળોને સાચવવા અને તેમનો પુનરોદ્ધાર કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમે અમારી સાંસ્કૃતિક સંપત્તિ અને કલાકારોને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ સમગ્ર ભારતના ગ્રામ્ય સ્તરે પણ તેમનું જતન કર્યું છે. અમે અમારી સંસ્કૃતિની ઉજવણી માટે ઘણાં કેન્દ્રો પણ બનાવી રહ્યા છીએ. તેમાંથી કેટલાક અગ્રણીઓમાં દેશના વિવિધ ભાગોમાં આવેલા આદિજાતિ સંગ્રહાલયો છે. આ સંગ્રહાલયો ભારતના આદિવાસી સમુદાયોની જીવંત સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. નવી દિલ્હીમાં અમારી પાસે પ્રધાનમંત્રી સંગ્રહાલય છે. આ પોતાની રીતે એક અનોખો પ્રયાસ છે, જે ભારતના લોકશાહી વારસાને પ્રદર્શિત કરે છે. અમે 'યુગે-યુગીન ભારત' રાષ્ટ્રીય સંગ્રહાલયનું પણ નિર્માણ કરી રહ્યા છીએ. એકવાર તેનું કામ પૂરું થયા પછી તે વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય હશે. તેમાં ભારતનો 5000 વર્ષથી પણ વધુ જૂનો ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રદર્શિત કરવામાં આવશે.
મહાનુભાવો,
સાંસ્કૃતિક સંપત્તિ પરત લાવવાનો મુદ્દો મહત્વનો છે. અને, હું આ સંદર્ભે તમે કરેલા પ્રયાસોને આવકારું છું. આખરે તો, મૂર્ત વારસો માત્ર ભૌતિક મૂલ્ય નથી ધરાવતો. પરંતુ તે રાષ્ટ્રનો ઇતિહાસ અને ઓળખ પણ છે. દરેક વ્યક્તિને તેમના સાંસ્કૃતિક વારસા સુધી પહોંચવાનો અને તેને માણવાનો અધિકાર છે. 2014થી અત્યાર સુધીમાં, ભારતે સેંકડો કલાકૃતિઓ સ્વદેશમાં પાછી લાવી છે, જે અમારી પ્રાચીન સંસ્કૃતિના ગૌરવને પ્રતિબિંબિત કરે છે. હું 'લિવિંગ હેરિટેજ'ની દિશામાં કરવામાં આવેલા તમારા પ્રયાસોની તેમજ 'કલ્ચર ફોર લાઇફ'ની દિશામાં તમે આપેલા યોગદાનની પ્રશંસા કરું છું. આખરે તો, સાંસ્કૃતિક વારસો એ માત્ર પથ્થરમાં સુયોજિત રીતે તૈયાર કરેલી કોઇ રચના નથી. તે પરંપરાઓ, રિવાજો અને તહેવારો પણ છે, જે પેઢી દર પેઢી આગળ વધે છે. મને વિશ્વાસ છે કે તમારા પ્રયાસો ટકાઉક્ષમ વ્યવહાર અને જીવનશૈલીઓને પ્રોત્સાહન આપશે.
મહાનુભાવો,
અમે માનીએ છીએ કે આર્થિક વૃદ્ધિ અને વૈવિધ્યકરણ માટે વારસો એ એક મહત્વપૂર્ણ સંપત્તિ છે. અમારા મંત્ર 'વિકાસ પણ, વારસો પણ'માં આ બાબત પ્રતિબિંબિત થાય છે. ભારતને તેના 2,000 વર્ષ જૂના હસ્તકળાના વારસા પર ગૌરવ છે, જેમાં લગભગ 3,000 અનન્ય કળા અને હસ્તકળાઓ છે. અમારી 'એક જિલ્લો, એક ઉત્પાદન' પહેલ આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ભારતીય હસ્તકળાની વિશિષ્ટતા દર્શાવે છે. સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેના આપ સૌએ કરેલા પ્રયાસો ખૂબ જ મહત્વના છે. આનાથી સહિયારી આર્થિક વૃદ્ધિ સરળ બનશે અને સર્જનાત્મકતા તેમજ આવિષ્કારને તે સમર્થન આપશે. આવતા મહિનામાં ભારતમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરવાની છે. 1.8 અબજ ડૉલરના પ્રારંભિક ખર્ચ સાથે, તે પરંપરાગત કારીગરોને સહકાર આપવાની ઇકો-સિસ્ટમનું નિર્માણ કરશે. આનાથી તેઓ તેમની હસ્તકળામાં વિકાસ કરી શકશે અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં યોગદાન આપી શકશે.
મિત્રો,
સંસ્કૃતિની ઉજવણીમાં ટેક્નોલોજી એક મહત્વપૂર્ણ સહયોગી છે. ભારતમાં, અમારી પાસે રાષ્ટ્રીય ડિજિટલ જિલ્લા ભંડાર છે. તે અમને અમારા સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાઓને ફરીથી શોધવામાં મદદ કરે છે. અમે અમારા સાંસ્કૃતિક સ્થળોનું વધુ સારું સંરક્ષણ સુનિશ્ચિત કરી શકીએ તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે અમારા સાંસ્કૃતિક સ્થળોને પર્યટકો માટે વધુ મૈત્રીપૂર્ણ બનાવવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ.
મહાનુભાવો,
મને આનંદ છે કે તમારા સમૂહે 'સંસ્કૃતિ બધાને એક કરે છે' અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન વસુધૈવ કુટુંબકમ - 'એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય'ની ભાવનાને મૂર્તિમંત કરે છે. નક્કર પરિણામો સાથે G20 એક્શન પ્લાનને આકાર આપવામાં તમે જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છો તેની પણ હું પ્રશંસા કરું છું. તમારું કાર્ય ચાર ‘C’ – કલ્ચર (સંસ્કૃતિ), ક્રિએટિવિટી (સર્જનાત્મકતા), કોમર્સ (વેપાર) અને કોલૅબ્રેશન (સહયોગ)ના મહત્વને પ્રતિબિંબિત કરે છે. તે આપણને કરુણાપૂર્ણ, સર્વસમાવેશી અને શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ કરવા માટે સંસ્કૃતિની શક્તિનો ઉપયોગ કરવામાં સમર્થ બનાવશે. આપ સૌની બેઠક ખૂબ જ ફળદાયી અને સફળ રહે તેવી હું ઇચ્છા કરું છું.
આભાર!