નમસ્કારજી! કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેશ બઘેલજી, મંત્રીમંડળના મારા અન્ય સહયોગી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાશ ચૌધરીજી, બહેન શોભાજી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી શ્રી રમણ સિંહજી, નેતા વિપક્ષ શ્રી ધર્મલાલ કૌશિકજી, કૃષિ શિક્ષણ સાથે જોડાયેલ તમામ ઉપકુલપતિ, અધ્યક્ષ, વૈજ્ઞાનિક સાથીઓ અને મારા વ્હાલા ખેડૂત બહેનો અને ભાઈઓ!
આપણે ત્યાં ઉત્તર ભારતમાં ઘાઘ અને ભડ્ડરીની કૃષિને લગતી કહેવતો બહુ લોકપ્રિય રહી છે. ઘાઘે આજથી અનેક સદીઓ પહેલા કહ્યું હતું-
જેતે ગહીરા જોતે ખેત,
પરે બીજ, ફલ તેતે દેત.
એટલે કે ખેતરની ખેડ જેટલી ઊંડી કરવામાં આવે છે, બીજ વાવવાથી પાક પણ એટલો જ વધારે મળે છે. આ કહેવતો ભારતની કૃષિના સેંકડો વર્ષ જૂના અનુભવો પછી બની છે. તે જણાવે છે કે ભારતીય કૃષિ હંમેશાથી કેટલી વૈજ્ઞાનિક રહી છે. કૃષિ અને વિજ્ઞાનના આ તાલમેલમાં સતત વૃદ્ધિ થવી એ 21 મી સદીના ભારત માટે ખૂબ જરૂરી છે. આજે તેની સાથે જોડાયેલ જ એક અન્ય મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. આપણાં દેશની આધુનિક વિચારધારાવાળા ખેડૂતોને તે સમર્પિત કરવામાં આવી રહ્યું છે અને નાના નાના ખેડૂતોની જિંદગીમાં પરિવર્તનની આશા સાથે આ ખૂબ મોટી ભેટ આજે હું મારા દેશના કોટિ કોટિ ખેડૂતોના ચરણોમાં સમર્પિત કરી રહ્યો છું. જુદા જુદા પાકોની 35 નવી જાતો આજે જાહેર કરવામાં આવી છે. આજે રાયપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. ચાર કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. હું આપ સૌને દેશના ખેડૂતોને, કૃષિ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
વિતેલા 6-7 વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને ખેતી સાથે જોડાયેલ પડકારોના સમાધાન માટે પ્રાથમિકતાના આધાર પર ઉપયોગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં નવી પરિસ્થિતિઓને અનુકૂળ, વધુ પોષણયુક્ત બિયારણો, તેની ઉપર અમારું ધ્યાન વધારે છે. હમણાં તાજેતરના વર્ષોમાં જુદા જુદા પાકોની આવી 1300 થી વધુ નવી બીજની જાતો, બીજની વિવિધતાઓ તૈયાર કરવામાં આવી છે. આ જ શૃંખલામાં આજે 35 બીજી પાકની જાતો દેશના ખેડૂતોના ચરણોમાં સમર્પિત કરવામાં આવી રહી છે. આ પાકની જાતો, આ બીજ, જળવાયુ પરિવર્તનની અસર હેઠળ ખેતીની સુરક્ષા કરવા અને કુપોષણમુક્ત ભારતના અભિયાનમાં ખૂબ સહાયભૂત બનવાની છે કે જે આપણાં વૈજ્ઞાનિકોના સંશોધનનું પરિણામ છે. આ નવી જાતો, ઋતુના અનેક પ્રકારના પડકારો સામે લડવા માટે તો સક્ષમ છે જ, તેમાં પૌષ્ટિક તત્વ પણ વધારે છે. તેમાંથી કેટલીક જાતો ઓછા પાણીવાળા ક્ષેત્રો માટે છે, કેટલાક પાક ગંભીર રોગોથી સુરક્ષિત છે, કેટલાક જલ્દી તૈયાર થઈ જનારા છે, કેટલાક ખારા પાણીમાં તૈયાર થઈ શકે તેવા છે. એટલે કે દેશની જુદી જુદી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમને તૈયાર કરવામાં આવ્યા છે. છત્તીસગઢના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટના રૂપમાં દેશને એક નવું રાષ્ટ્રીય સંસ્થાન મળ્યું છે. આ સંસ્થાન હવામાન અને અન્ય પરિસ્થિતિઓના પરિવર્તન વડે ઉત્પન્ન થયેલ પડકારો – બાયોટિક સ્ટ્રેસ તેની સામે લડવામાં દેશના પ્રયાસોને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળશે, વૈજ્ઞાનિક સહાયતાઓ મળશે અને તે ખૂબ મહત્વપૂર્ણ બનશે. અહીથી જે માનવબળ તાલીમ પામશે, જે આપણું યુવાધન તૈયાર થશે, વૈજ્ઞાનિક મન મસ્તિષ્ક સાથે જે આપણાં વૈજ્ઞાનિક તૈયાર થશે, જે અહિયાં આગળ સમાધાન તૈયાર થશે, જે ઉકેલો નીકળશે, તે દેશની કૃષિ અને ખેડૂતોની આવક વધારવામાં અસરકારક સાબિત થશે.
સાથીઓ,
આપણે સૌ જાણીએ છીએ કે આપણાં દેશમાં પાકોનો કેટલો મોટો ભાગ, જીવાતોના લીધે બરબાદ થઈ જાય છે. તેનાથી ખેડૂતોને પણ ખૂબ નુકસાન થાય છે. ગયા વર્ષે જ કોરોના સામેની લડાઈ દરમિયાન આપણે જોયું છે કે કઈ રીતે તીડના ટોળાએ પણ અનેક રાજ્યોમાં મોટો હુમલો કરી દીધો હતો. ભારતે ખૂબ પ્રયાસ કર્યો ત્યારે જઈને આ હુમલો અટક્યો હતો, ખેડૂતોને વધારે નુકસાન થવાથી બચાવવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હતો. હું સમજું છું કે આ નવા સંસ્થાન પર બહુ મોટી જવાબદારી છે અને મણે વિશ્વાસ છે કે અહિયાં કામ કરનારા વૈજ્ઞાનિકો દેશની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.
સાથીઓ,
કૃષિ-ખેતીને જ્યારે સંરક્ષણ મળે છે, સુરક્ષા કવચ મળે છે તો તેનો વધારે ઝડપથી વિકાસ થાય છે. ખેડૂતોની જમીનને સુરક્ષા આપવા માટે તેમને જુદા જુદા તબક્કાઓમાં 11 કરોડ જમીન આરોગ્ય કાર્ડ આપવામાં આવ્યા છે. તેના કારણે ખેડૂતોની પોતાની જે જમીન છે તેમની શું મર્યાદાઓ છે, તે જમીનની શું શક્તિ છે, આ પ્રકારના બીજ વાવવાથી કયા પ્રકારના પાક વાવવાથી વધુ લાભ થાય છે. કઈ દવાઓની જરૂર પડશે, ખાતર કયું જરૂરી હશે, આ બધી વસ્તુઓ તે જમીન આરોગ્ય કાર્ડના કારણે જમીનનું આરોગ્ય ખબર પડવાના લીધે તેના કારણે ખેડૂતોને બહુ લાભ થયો છે, તેમનો ખર્ચો પણ ઓછો થયો છે અને પાક ઉત્પાદન પણ વધ્યું છે. તે જ રીતે યુરિયાનું 100 ટકા નીમ કોટિંગ કરીને,આપણે ખાતરને લઈને થનારી ચિંતાને પણ દૂર કરી છે. ખેડૂતોને પાણીની સુરક્ષા આપવા માટે, અમે સિંચાઇ પરિયોજનાઓ શરૂ કરી, દાયકાઓથી લટકેલી લગભગ લગભગ 100 સિંચાઇ પરિયોજનાઓને પૂરા કરવાનું અભિયાન ચલાવ્યું, બહુ મોટી માત્રામાં બજેટ લગાવી દીધું તેની માટે, તેના કારણે ખેડૂતોને પાણી મળી જાય તો તેઓ પાણીમાંથી પરાક્રમ કરીને દેખાડે છે. તે જ રીતે પાણી બચાવવા માટે અમે સૂક્ષ્મ સિંચાઇ, ટપક પદ્ધતિ આ વસ્તુઓ માટે પણ બહુ મોટી આર્થિક મદદ કરીને ખેડૂતો સુધી આ વ્યવસ્થાઓ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પાકોને રોગોથી બચાવવા માટે, વધુ પાક ઉત્પાદન માટે ખેડૂતોને નવી નવી વિવિધતાવાળા બીજો આપવામાં આવ્યા. ખેડૂત, ખેતીની સાથે સાથે વીજળી ઉત્પન્ન કરે, અન્નદાતા ઉર્જાદાતા પણ બને, પોતાની જાતની જરૂરિયાતો પણ પુરી કરી શકે, તેની માટે પીએમ કુસુમ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. લાખો ખેડૂતોને સોલાર પંપ પણ આપવામાં આવ્યા છે. તે જ રીતે, આજે તો હવામાનના વિષયમાં તો હંમેશા આખી દુનિયામાં ચિંતાનો વિષય જોવા મળી જ રહ્યો છે. હમણાં આપણાં છત્તીસગઢના મુખ્યમંત્રીજીએ કેટલા પ્રકારની કુદરતી આપત્તિઓ આવતી રહે છે, જળવાયુ પરિવર્તનના કારણે શું શું તકલીફો આવે છે. ખૂબ સરસ રીતે તેમણે તેનું વર્ણન કર્યું. હવે તમે જાણો જ છો કે કરા વર્ષા અને ઋતુની મારના કારણે ખેડૂતોને સુરક્ષા આપવા માટે આપણે કેટલીય વસ્તુઓમાં પરિવર્તનો કર્યા, પહેલાના બધા નિયમોમાં પરિવર્તન લાવ્યા કે જેથી ખેડૂતને સર્વાધિક લાભ મળે, આ નુકસાનના સમયે તેમને તકલીફ ના પડે, એ બધા પરિવર્તનો કર્યા. પીએમ પાક વીમા યોજના, તેનાથી પણ ખેડૂતોને ખૂબ લાભ મળે અને સુરક્ષા મળે તેની ચિંતા કરી. આ પરિવર્તન પછી ખેડૂતોને લગભગ લગભગ આ જે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જે પરિવર્તનો લાવ્યા તેના કારણે ખેડૂતોને લગભગ લગભગ એક લાખ કરોડ રૂપિયાની ક્લેઇમ રકમની ચુકવણી કરવામાં આવી છે. એક લાખ કરોડ રૂપિયા આ સંકટની ઘડીમાં ખેડૂતોના ખિસ્સામાં ગયા છે.
સાથીઓ,
લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાની સાથે સાથે અમે ખરીદી પ્રક્રિયામાં પણ સુધારો કર્યો છે કે જેથી વધુમાં વધુ ખેડૂતોને તેનો લાભ મળી શકે. રવિ ઋતુમાં 430 લાખ મેટ્રિક ટન કરતાં વધુ ઘઉં ખરીદવામાં આવ્યા છે. તેની માટે ખેડૂતોને 85 હજાર કરોડથી વધુની ચુકવણી કરવામાં આવી છે. કોવિડ દરમિયાન ઘઉં ખરીદ કેન્દ્રોની સંખ્યા 3 ગણી સુધી વધારવામાં આવી છે. સાથે જ દાળ તેલીબિયાં તેના ખરીદ કેન્દ્રોની સંખ્યા પણ ત્રણ ગણી વધારવામાં આવી છે. ખેડૂતોની નાની નાની જરૂરિયાતોને પુરી કરવા માટે કિસાન સમ્માન નિધિ અંતર્ગત 11 કરોડથી વધુ આપણાં દરેક ખેડૂત અને તેમાં મોટાભાગે નાના ખેડૂતો છે. 10 માંથી 8 ખેડૂત આપણાં દેશમાં નાના ખેડૂતો છે, ખૂબ નાના નાના જમીનના ટુકડાઓ પર જીવી રહ્યા છે. આવા ખેડૂતોને લગભગ લગભગ 1 લાખ 60 હજાર કરોડથી પણ વધુ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મોકલી દેવામાં આવ્યા છે. તેમાંથી એક લાખ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ તો આ કોરોના કાળમાં જ મોકલી દેવામાં આવી છે. ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવા માટે અમે તેમને બેંકો વડે મદદ કરી અને ટે મદદની સંપૂર્ણ પ્રક્રિયાને ખૂબ સરળ બનાવવામાં આવી છે. આજે ખેડૂતોને વધુ સારી રીતે હવામાન વિષેની માહિતી મળી રહી છે. હમણાં તાજેતરમાં જ અભિયાન ચલાવીને 2 કરોડ કરતાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. મત્સ્ય પાલન કરનારા અને ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલ ખેડૂતોને પણ કેસીસી સાથે જોડવામાં આવ્યા છે. 10 હજાર કરતાં વધુ ખેડૂત ઉત્પાદક સંઘો હોય, ઇ-નામ યોજના અંતર્ગત વધુમાં વધુ કૃષિ બજારોને જોડવાની વાત હોય, વર્તમાન કૃષિ બજારોનું આધુનિકરણ હોય, આ બધા કાર્યો ખૂબ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યા છે. દેશના ખેડૂતો અને દેશની કૃષિ સાથે જોડાયેલ જે કામ વિતેલા 6-7 વર્ષોમાં થયા છે, તેમણે આવનાર 25 વર્ષોના મોટા રાષ્ટ્રીય સંકલ્પોની સિદ્ધિ માટે કારણ કે 25 વર્ષ પછી આપણો દેશ આઝાદીની શતાબ્દી ઉજવશે, આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, 25 વર્ષ પછી આઝાદીની શતાબ્દી ઉજવીશું, અને તેની માટે આ 25 વર્ષોના મોટા રાષ્ટ્ર સંકલ્પોની સિદ્ધિ માટે એક બહુ મોટો મજબૂત આધાર બનાવી દેવામાં આવ્યો છે. બિયારણથી લઈને બજાર સુધી આ કાર્ય એક મોટી આર્થિક તાકાતના રૂપમાં ભારતની પ્રગતિની ગતિને સુનિશ્ચિત કરવા જઈ રહ્યું છે.
સાથીઓ,
આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ એક રીતે રાજ્યનો વિષય છે અને તેના વિષયમાં અનેક વાર લખવામાં પણ આવે છે કે આ તો રાજ્યનો વિષય છે, ભારત સરકારે આમાં કઈં ના કરવું જોઈએ, એવું પણ કહેવામાં આવે છે કારણ કે રાજ્યનો વિષય છે અને હું જાણું છું કારણ કે મને પણ કેટલાય વર્ષો સુધી ગુજરાતમાં મુખ્યમંત્રીના રૂપમાં કામ કરવાનો અવસર મળ્યો હતો, ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં કારણ કે રાજ્યની પણ વિશેષ જવાબદારી હોય છે, એ હું જાણતો હતો અને આ જવાબદારીને મારે નિભાવવાની જોઈએ, એ મુખ્યમંત્રી તરીકે હું સંપૂર્ણ પ્રયાસ કરતો હતો. ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં મેં કૃષિ વ્યવસ્થાને, કૃષિ નીતિઓ અને તેમના ખેતી ઉપરની અસરોને ખૂબ નજીકથી અનુભવ કર્યો અને હમણાં આપણાં નરેન્દ્ર સિંહ તોમરજી, મારા ગુજરાતના કાર્યકાળમાં હું શું કામ કરી રહ્યો હતો તેનું પણ તેમણે ઘણું વર્ણન કરી રહ્યા હતા. એક સમય હતો કે જ્યારે ગુજરાતમાં ખેતી અમુક પાકો સુધી જ મર્યાદિત હતી. ગુજરાતના એક મોટા ભાગમાં પાણીના અભાવમાં ખેડૂતો ખેતી છોડી ચૂક્યા હતા. તે વખતે એક જ મંત્રને લઈને અમે ચાલ્યા, ખેડૂતોને સાથે લઈને અમે ચાલ્યા અને મંત્ર હતો – સ્થિતિ બદલવી જોઈએ, આપણે સાથે મળીને સ્થિતિઓ જરૂરથી બદલીશું. તેની માટે તે સમયમાં જ અમે વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો હતો. આજે દેશના કૃષિ અને બાગાયતી ખેતીમાં ગુજરાતનો એક બહુ મોટો ભાગ છે. હવે આજે ગુજરાતમાં 12 મહિના ખેતી ચાલુ રહે છે. કચ્છ જેવા ક્ષેત્રોમાં પણ આજે એવા ફળ અને શાકભાજીઓ ઊગે છે કે જેમના વિષે ક્યારેય વિચાર પણ નહોતો કર્યો. આજે કચ્છના રણમાંથી ત્યાંની કૃષિ પેદાશો વિદેશોમાં નિકાસ કરવાનું શરૂ થઈ ગયું છે.
ભાઈઓ અને બહેનો,
માત્ર ઉપજ ઉપર જ ભાર નથી મૂક્યો પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં શીત ગૃહોનું એક બહુ મોટું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. એવા અનેક પ્રયાસો વડે ખેતીનો વિસ્તાર તો વધ્યો જ છે સાથે જ ખેતી સાથે જોડાયેલ ઉદ્યોગ અને રોજગાર પણ મોટી માત્રામાં તૈયાર થયા અને કારણ કે એક મુખ્યમંત્રી હોવાના નાતે રાજ્ય સરકારની બધી જવાબદારી હોય છે તો મને તે સમયે આ બધા જ કામો કરવાનો એક સારો એવો અવસર પણ મળ્યો અને મેં પૂરેપૂરી મહેનત પણ કરી.
ભાઈઓ અને બહેનો,
ખેતીમાં થયેલા આવા જ આધુનિક પરિવર્તનોને આઝાદીના આ અમૃતકાળમાં વધારે વિસ્તૃત કરવાની જરૂર છે. જળવાયુ પરિવર્તન એ માત્ર ખેતી માટે જ નહિ પરંતુ આપણાં સંપૂર્ણ ઇકો સિસ્ટમ માટે બહુ મોટો પડકાર છે. હવામાનમાં પરિવર્તન સાથે આપણું મત્સ્ય ઉત્પાદન, પશુઓનું સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા ખૂબ અસર પામે છે. તેનું નુકસાન ખેડૂતોને, માછીમાર સાથીઓને ઉપાડવું પડે છે. જળવાયુ પરિવર્તનના કારણે જે નવા પ્રકારના જીવડા, નવી બીમારીઓ, મહામારીઓ આવી રહી છે, તેનાથી માણસ અને પશુધનના સ્વાસ્થ્ય ઉપર પણ બહુ મોટું સંકટ આવી રહ્યું છે અને પાકોને પણ તેની અસર પહોંચી રહી છે. આ પાસાઓ પર ઊંડાણપૂર્વકનું સતત સંશોધન કરવું ખૂબ જરૂરી છે. જ્યારે વિજ્ઞાન, સરકાર અને સમાજ સાથે મળીને કામ કરશે તો તેના પરિણામો વધુ સારા જ આવશે. ખેડૂતો અને વૈજ્ઞાનિકોનું આવું ગઠબંધન, નવા પડકારો સામે લડવામાં દેશની તાકાત વધારશે. જિલ્લા સ્તર પર વિજ્ઞાન આધારિત આવા કૃષિ મોડલ્સ ખેતીને હજી વધારે વ્યાવસાયિક, વધુ લાભકારી બનાવશે. આજે જળવાયુ પરિવર્તનથી બચવા માટેની ટેકનોલોજી અને પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરવા માટે જે અભિયાન આજે શરૂ કરવામાં આવ્યું છે તેના મૂળમાં પણ આ જ ભાવના છે.
ભાઈઓ અને બહેનો,
આ તે સમય છે કે જ્યારે આપણે બેક ટુ બેઝિક અને માર્ચ ફોર ફ્યુચર, બંનેમાં સંતુલન સાધવાનું છે. જ્યારે હું બેક ટુ બેઝિકની વાત કરું છું ત્યારે, મારો આશય આપણી પરંપરાગત કૃષિની તે તાકાત સાથે છે કે જેમાં આજના મોટાભાગના પડકારો સાથે જોડાયેલ સુરક્ષા કવચ હતું. પરંપરાગત રૂપે આપણે ખેતી, પશુપાલન અને મત્સ્યપાલન એક સાથે કરતાં આવ્યા છે. તે સિવાય, એક સાથે, એક જ ખેતરમાં, એક જ સમય પર અનેક પાકોને પણ ઉગાડવામાં આવતા હતા. એટલે કે પહેલા આપણાં દેશની કૃષિ, મલ્ટી કલ્ચર બહુ સાંસ્કૃતિક હતી પરંતુ ધીમે ધીમે મોનોકલ્ચરમાં પરિવર્તિત થતી ગઈ. જુદી જુદી પરિસ્થિતિઓના કારણે ખેડૂત એક જ પાક ઉગાડતો થઈ ગયો. આ સ્થિતિને પણ આપણે સાથે મળીને બદલવી પડશે. વિતેલા વર્ષોમાં આ જ ભાવનાને અમે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે પણ પ્રોત્સાહિત કરી છે. ખેડૂતે માત્ર પાક આધારિત આવક વ્યવસ્થામાંથી બહાર નીકળીને તેને મૂલ્ય ઉમેરણ અને ખેતીના અન્ય વિકલ્પો માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યો છે અને નાના ખેડૂતોને તેની ખૂબ જરૂર છે અને આપણે પૂરેપૂરું ધ્યાન 100માંથી 80 જે નાના ખેડૂતો છે તેમની ઉપર લગાવવાનું જ છે અને આપણાં ખેડૂતો માટે તેમાં પશુપાલન અને મત્સ્ય પાલનની સાથે સાથે મધમાખી ઉછેર, ખેતરોમાં સૌર ઉર્જા ઉત્પાદન, કચરામાંથી કંચન એટલે કે ઇથેનોલ, બાયો ફ્યુઅલ જેવા વિકલ્પ પણ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. મને ખુશી છે કે છત્તીસગઢ સહિત દેશના ખેડૂત તેને ઝડપથી આ બધી નવી નવી વસ્તુઓને અપનાવી રહ્યા છે. ખેતીની સાથે સાથે બે ચાર અન્ય વસ્તુઓનો વિસ્તાર કરી રહ્યા છીએ.
સાથીઓ,
હવામાનની સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર પાકોનું ઉત્પાદન, આપણી પરંપરાગત કૃષિની એક બીજી તાકાત પણ છે. જ્યાં દુષ્કાળ રહે છે, ત્યાં તે પ્રકારના પાકોનું ઉત્પાદન થાય છે. જ્યાં પૂરની સ્થિતિ રહે છે, પાણી વધારે રહે છે, જ્યાં બરફ રહે છે, ત્યાં તે પ્રકારના પાકો ઉગાડવામાં આવે છે. ઋતુ અનુસાર ઉગાડવામાં આવતા આ પાકોમાં પોષક તત્વો પણ વધારે રહે છે. ખાસ કરીને જે આપણાં જાડા ધાન મિલેટ્સ છે, તેમનું વધારે મહત્વ છે. નિષ્ણાતો કહે છે કે તે આપણાં સ્વાસ્થ્યને મજબૂતી આપે છે. એટલા માટે આજની જીવન શૈલી દ્વારા જે રીતની બીમારીઓ વધી રહી છે, તેમને ધ્યાનમાં રાખતા આપણાં આ અનાજની માંગ ખૂબ વધારે વધી રહી છે.
મારા ખેડૂત ભાઈઓ અને બહેનો,
તમને જાણીને ખુશી થશે કે ભારતના પ્રયાસો વડે જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે આગામી વર્ષ એટલે કે 2023ને આંતરરાષ્ટ્રીય અનાજ વર્ષ જાહેર કર્યું છે. આ અનાજની ખેતીની આપણી પરંપરા, આપણાં અનાજને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શિત કરવાનો અને નવા બજારો શોધવાનો એક બહુ મોટો અવસર છે. પરંતુ તેની માટે અત્યારથી જ કામ કરવું પડશે. આજે આ અવસર પર હું દેશના તમામ સામાજિક અને શૈક્ષણિક સંગઠનોને કહેવા માંગીશ કે અનાજ સાથે જોડાયેલ ફૂડ ફેસ્ટિવલ્સ ઉજવો, અનાજમાં નવા નવા ખાદ્યાન્નની વિવિધતાઓ કઈ રીતે બને, તેની સ્પર્ધાઓ આયોજિત કરો કારણ કે 2023માં જો દુનિયામાં આપણે આપણી વાત લઈને જવી છે તો આપણે આ વસ્તુઓમાં નવીનતા લાવવી પડશે અને લોકોમાં પણ જાગૃતિ વધારો. અનાજ સાથે જોડાયેલ નવી વેબસાઇટ્સ પણ બનાવવામાં આવી શકે છે, લોકો આવે અનાજ વડે શું શું બની શકે છે, શું કઈ રીતે બની શકે છે, શું ફાયદો થઈ શકે છે, એક જાગૃતિ અભિયાન ચાલી શકે છે. હું માનું છું કે તેના ફાયદા શું થઈ શકે છે, તેની સાથે જોડાયેલ રોચક માહિતી આપણે આ વેબસાઇટ્સ પર મૂકી શકીએ છીએ કે જેથી લોકો તેની સાથે જોડાઈ શકે છે. હું તો તમામ રાજ્યોને પણ આગ્રહ કરીશ કે તમારા રાજ્યનો કૃષિ વિભાગ, તમારી કૃષિ યુનિવર્સિટી, તમારા વૈજ્ઞાનિક અને પ્રગતિવાદી ખેડૂતો તેમાંથી કોઈ ટાસ્ક ફોર્સ બનાવો અને 2023 માં જ્યારે વિશ્વ મિલેટ્સ વર્ષ ઉજવતું હશે ત્યારે ભારત તેમાં કઈ રીતે યોગદાન આપે, ભારત કઈ રીતે નેતૃત્વ કરે, ભારતના ખેડૂત તેનાથી કઈ રીતે ફાયદો ઉઠાવે, અત્યારથી જ તેની તૈયારી કરવી જોઈએ.
સાથીઓ,
વિજ્ઞાન અને સંશોધનના સમાધાનો વડે હવે અનાજ અને અન્ય અનાજોને હજી વધારે વિકસિત કરવા જરૂરી છે. ઉદ્દેશ્ય એ છે કે દેશના જુદા જુદા ભાગોમાં, જુદી જુદી જરૂરિયાતો અનુસાર તેમને ઉગાડી શકાય તેમ છે. આજે જે પાકોની વિવિધતા જાહેર કરવામાં આવી છે, તેમાં આ પ્રયાસોની ઝલક પણ આપણે જોઈ રહ્યા છીએ. મને એ પણ જણાવવામાં આવ્યું છે કે આ સમયે દેશમાં દોઢસો કરતાં વધુ ક્લસ્ટર્સમાં ત્યાંની પરિસ્થિતિ અનુસાર કૃષિ ટેકનોલોજી પર પ્રયોગ ચાલી રહ્યા છે.
સાથીઓ,
ખેતીની જે આપણી પુરાતન પરંપરા છે તેની સાથે સાથે માર્ચ ટુ ફ્યુચર પણ તેટલું જ જરૂરી છે. ભવિષ્યની જ્યારે આપણે વાત કરીએ છીએ તો તેના મૂળમાં આધુનિક ટેકનોલોજી છે, ખેતીના નવા સાધનો છે. આધુનિક કૃષિ મશીનો અને સાધનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. આવનાર સમય સ્માર્ટ મશીનોનો છે, સ્માર્ટ સાધનોનો છે. દેશમાં સૌપ્રથમ વખત ગામડાની સંપત્તિના દસ્તાવેજ તૈયાર કરવા માટે ડ્રોનની ભૂમિકા આપણે જોઈ રહ્યા છીએ. હવે ખેતીમાં પણ આધુનિક ડ્રોન્સ અને સેન્સર્સના ઉપયોગને વધારવાનો છે. તેનાથી ખેતી સાથે જોડાયેલ ઉચ્ચ ગુણવત્તાવાળી માહિતી આપણને મળી શકે છે. આ ખેતીના પડકારો સાથે જોડાયેલ રિયલ ટાઈમ સમાધાન તૈયાર કરવામાં પણ મદદ કરશે. હમણાં તાજેતરમાં જ લાગુ કરવામાં આવેલ નવી ડ્રોન નીતિ તેમાં વધારે સહાયક સાબિત થવાની છે.
સાથીઓ,
બિયારણથી લઈને બજાર સુધીનું આ જે આખું ઇકો સિસ્ટમ છે, દેશ તેને એ તૈયાર કરી રહ્યો છે, તેને આપણે સતત આધુનિક બનાવતા રહેવાનું છે. તેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા એનાલિટીક્સ અને બ્લોક ચેઇન ટેકનોલોજી, માંગ અને પુરવઠા સાથે જોડાયેલ પડકારોને દૂર કરવામાં ખૂબ મદદ કરી શકે છે. આપણે એવા ઇનોવેશન, એવા સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહિત કરવાના છે કે જે આ ટેકનોલોજીને ગામડે ગામડે સુધી પહોંચાડી શકે. દેશનો પ્રત્યેક ખેડૂત, ખાસ કરીને નાનો ખેડૂત, આ નવા સાધનો, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે, તો કૃષિ ક્ષેત્રમાં મોટા પરિવર્તનો આવશે. ખેડૂતોને ઓછી કિંમતમાં આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવનારા સ્ટાર્ટ અપ્સ માટે પણ આ વધુ સારો અવસર છે. હું દેશના યુવાનોને આ અવસરનો લાભ ઉઠાવવાનો આગ્રહ કરું છું.
સાથીઓ,
આઝાદીના આ અમૃતકાળમાં આપણે કૃષિ સાથે જોડાયેલ આધુનિક વિજ્ઞાનને ગામડે ગામડે, ઘર ઘર સુધી પહોંચાડવાનું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તેની માટે કેટલાક મોટા પગલાં ભરવામાં આવ્યા છે. આપણે હવે પ્રયાસ કરવાનો છે કે માધ્યમિક શાળા સ્તર સુધી કૃષિ સાથે જોડાયેલ સંશોધન અને ટેકનોલોજી આપણાં શાળાકીય અભ્યાસક્રમનો પણ હિસ્સો બને. શાળાના સ્તર પર જ આપણા વિદ્યાર્થીઓની પાસે વિકલ્પ હોય કે તેઓ કૃષિને કરિયર તરીકે પસંદ કરવા માટે પોતાની જાતને તૈયાર કરી શકે.
સાથીઓ,
આજે જે અભિયાન આપણે શરૂ કર્યું છે તેને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે આપણે સૌને આપણી ભાગીદારી સુનિશ્ચિત કરવાની છે. દેશને કુપોષણથી મુક્તિ અપાવવા માટે જે અભિયાન ચાલી રહ્યું છે, રાષ્ટ્રીય પોષણ મિશનને પણ આ અભિયાન સશક્ત કરશે. હવે તો સરકારે એ પણ નિર્ણય લીધો છે કે સરકારી યોજના અંતર્ગત ગરીબોને, શાળાઓમાં બાળકોને, ફોર્ટિફાઇડ ભાત જ આપવામાં આવશે. હમણાં તાજેતરમાં જ મેં આપણાં ઓલિમ્પિક ચેમ્પિયન્સને કુપોષણને લઈને જાગૃતિ વધારવા માટે દરેક ખેલાડીને મેં આગ્રહ કર્યો હતો કે તમે ઓછામાં ઓછા એક બે વર્ષમાં ઓછામાં ઓછી 75 શાળાઓમાં જવાનો આગ્રહ કર્યો હતો, ત્યાં વિદ્યાર્થીઓને પોષણને લગતી વાતો કરો, રમતગમતના વિષયમાં વાતો કરો, શારીરિક કસરતના વિષયમાં વાત કરો. આજે હું તમામ શિક્ષણવિદ, તમામ કૃષિ વૈજ્ઞાનિક, તમામ સંસ્થાનોને કહીશ કે તમે પણ આઝાદીના અમૃત મહોત્સવ માટે તમારા લક્ષ્ય નક્કી કરો. 75 દિવસનું અભિયાન ઉપાડી લો કોઈ, 75 ગામડાઓને દત્તક લઈને પરિવર્તનનું અભિયાન ચલાવી દો, 75 શાળાઓને જાગૃત કરીને દરેક શાળાને કોઈ ને કોઈ કામમાં લગાવી દો. એવું એક અભિયાન જો દેશના દરેક જિલ્લામાં પોતાના સ્તર પર પણ અને સંસ્થાનોના સ્તર પર પણ ચલાવવામાં આવી શકે તેમ છે. તેમાં નવા પાકો, ફોર્ટિફાઇડ બિયારણો, જળવાયુ પરિવર્તનથી બચાવ ને લઈને ખેડૂતોને જાણકારી આપવામાં આવી શકે છે. મને વિશ્વાસ છે કે આપણાં સૌનો પ્રયાસ આ સૌનો પ્રયાસ ખૂબ જરૂરી છે, આપણે સૌના પ્રયાસ હવામાનના પરિવર્તનથી દેશની ખેતીને બચાવશે, ખેડૂતની સમૃદ્ધિ અને દેશના સ્વાસ્થ્યની સુરક્ષાની પણ ખાતરી કરશે. એક વાર ફરી તમામ ખેડૂત સાથીઓને, નવી પાક વિવિધતા અને નવા રાષ્ટ્રીય રિસર્ચ સંસ્થાન માટે મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન! ફરી એક વાર જે જે યુનિવર્સિટીઓને આજે પુરસ્કાર મળ્યા કે જેથી વૈજ્ઞાનિક વ્યવસ્થાઓ પણ, વૈજ્ઞાનિક મન જ, વૈજ્ઞાનિક રીત જ પડકારોથી મુક્તિ મેળવવા મતનેઓ ઉત્તમ્ રસ્તો આપી શકે તેમ છે, તે સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ!
ખૂબ ખૂબ આભાર!