જાહેર પ્રશાસનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 16 પુરસ્કારો વિજેતાઓને પ્રધાનમંત્રીના પુરસ્કારો એનાયત કર્યા
ઇ-પુસ્તકો- ‘વિકસિત ભારત - નાગરિકોનું સશક્તિકરણ અને છેવાડાની વ્યક્તિ સુધીની પહોંચ’ની આવૃત્તિ I અને આવૃત્તિ IIનું વિમોચન કર્યું
“વિકસિત ભારત માટે, સરકારી તંત્રએ સામાન્ય લોકોની આકાંક્ષાઓને સમર્થન આપવું જોઇએ”
“પહેલાંના સમયમાં એવી વિચારસરણી હતી કે સઘળું કામ સરકાર જ કરશે, પરંતુ હવે એવું વિચારવામાં આવે છે કે, સરકાર સૌના માટે કામ કરશે”
“સરકારનું સૂત્ર છે 'રાષ્ટ્ર પ્રથમ - નાગરિક પ્રથમ', વર્તમાન સરકાર વંચિતોને પ્રાથમિકતા આપી રહી છે”
“આજના મહત્વાકાંક્ષી નાગરિકો વ્યવસ્થાતંત્રમાં પરિવર્તન જોવા માટે લાંબા સમય સુધી રાહ જોવા માટે તૈયાર નથી”
“દુનિયા કહી રહી છે કે ભારતનો સમય આવી ગયો છે એટલે અત્યારે દેશના અમલદારવર્ગ પાસે વેડફવા માટેનો કોઇ સમય નથી”
“તમારા તમામ નિર્ણયોનો આધાર હંમેશા રાષ્ટ્રીય હિત જ હોવું જોઇએ”
“અમલદારોની ફરજ છે કે, કોઇપણ રાજકીય પક્ષ કરદાતાઓના નાણાંનો ઉપયોગ પોતાની સંસ્થાના ફાયદા માટે કરી રહ્યો છે કે રાષ્ટ્ર માટે તેનું વિશ્લેષણ કરે”
“સુશાસન એ ચાવી છે. લોકો-કેન્દ્રિત શાસન સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને વધુ સારાં પરિણામો આપે છે”
“આઝાદીની સદી એ દેશની સુવર્ણ સદી હશે જ્યારે આપણે આપણા કર્તવ્યને પ્રથમ પ્રાધાન્ય આપીશું. ફરજ એ આપણા માટે કોઇ વિકલ્પ નથી પરંતુ સંકલ્પ છે”
“મિશન કર્મયોગીનો ઉદ્દેશ્ય સનદી અધિકારીઓની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે”
“તમે તમારા માટે શું કર્યું છે તેના આધારે તમારું મૂલ્યાંકન નહીં કરવામાં આવે, પરંતુ તમે લોકોના જીવનમાં શું પરિવર્તન લાવ્યા છો તેના આધારે મૂલ્યાંકન થશે”
“નવા ભારતમાં દેશના નાગરિકોની તાકાત વધી છે, ભારતની તાકાત વધી છે”

મંત્રીમંડળના મારા સહયોગી ડૉ. જીતેન્દ્ર સિંહ, શ્રી પી.કે. મિશ્રાજી, શ્રી રાજીવ ગૌબાજી, શ્રી શ્રીનિવાસનજી અને આ કાર્યક્રમમાં સામેલ તમામ કર્મયોગી સાથીઓ, દેવીઓ અને સજ્જનો! સિવિલ સર્વિસ ડે પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આ વર્ષનો સિવિલ સર્વિસ ડે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એવો સમય છે જ્યારે દેશે તેની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. તે એક એવો સમય છે જ્યારે દેશે આગામી 25 વર્ષનાં વિરાટ-  વિશાળ લક્ષ્યોને હાંસલ કરવા માટે ઝડપી પગલાં ભરવાનું શરૂ કર્યું છે. દેશને આઝાદીના આ અમૃતકાળ સુધી લાવવામાં એ અધિકારીઓની મોટી ભૂમિકા રહી, જે 15-20-25 વર્ષ પહેલા આ સેવામાં આવ્યા. હવે આઝાદીના આ અમૃતકાલમાં એ યુવા અધિકારીઓની ભૂમિકા સૌથી મોટી છે જે આગામી 15-20-25 વર્ષ સુધી આ સેવામાં રહેવાના છે. તેથી, હું આજે ભારતના દરેક સિવિલ સર્વિસ ઓફિસરને કહીશ કે તમે ખૂબ નસીબદાર છો. મને ખાતરી છે કે તમને મારા શબ્દો પર પૂરો વિશ્વાસ હશે. કદાચ, કેટલાક લોકો એવું ન પણ માનતા હોય કે તે નસીબદાર નથી. પોત-પોતાની વિચારધારા દરેકને મુબારક.

 

આપને આ સમયગાળા દરમિયાન દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે. આઝાદીના અમૃત કાળમાં દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સપનાને સાકાર કરવાની જવાબદારી આપણા સૌની છે. આપણી પાસે સમય ઓછો છે, પરંતુ સામર્થ્ય ભરપૂર છે. આપણાં લક્ષ્યો અઘરાં છે, પણ આપણો  જુસ્સો ઓછો નથી. આપણે ભલે પહાડ જેવી ઊંચાઈ ચઢવાની છે, પણ આપણા ઈરાદા આકાશ કરતા પણ ઊંચા છે. છેલ્લાં 9 વર્ષમાં ભારત આજે જ્યાં પહોંચ્યું છે તેણે આપણા દેશને ખૂબ જ ઊંચી છલાંગ માટે તૈયાર કરી દીધો છે. હું વારંવાર કહું છું કે દેશમાં એ જ બ્યૂરોક્રેસી છે, અધિકારીઓ અને કર્મચારીઓ એ જ છે, પરંતુ પરિણામો બદલાઈ ગયાં છે. છેલ્લાં 9 વર્ષોમાં, જો ભારત વિશ્વ પટલ પર એક વિશિષ્ટ ભૂમિકામાં આવ્યું છે, તો તેમાં તમારા બધાનો સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. છેલ્લાં 9 વર્ષમાં જો દેશના ગરીબમાં ગરીબને પણ સુશાસનનો વિશ્વાસ મળ્યો છે તો તેમાં પણ તમારી મહેનત રંગ લાવી છે. જો છેલ્લાં 9 વર્ષમાં ભારતના વિકાસને નવી ગતિ મળી છે, તો તે પણ તમારી ભાગીદારી વિના શક્ય ન હતું. કોરોનાનાં મહાસંકટ છતાં આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

 

આજે ભારત ફિનટેકની દુનિયામાં છવાયેલું છે, ભારત ડિજિટલ પેમેન્ટ્સની બાબતમાં નંબર વન છે. આજે ભારત દુનિયાના એવા દેશોમાં સામેલ છે જ્યાં મોબાઈલ ડેટા સૌથી સસ્તો છે. આજે ભારત વિશ્વમાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ધરાવે છે. આજે દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા ખૂબ મોટાં પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. 2014ની સરખામણીમાં આજે દેશમાં રેલવે લાઈનોનું વિદ્યુતીકરણ 10 ગણી ઝડપથી થઈ રહ્યું છે. 2014ની સરખામણીમાં આજે દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો બમણી ઝડપે બનાવવામાં આવી રહ્યા છે. 2014ની સરખામણીમાં આજે દેશનાં બંદરોની ક્ષમતામાં વધારો લગભગ બમણો થઈ ગયો છે. 2014ની સરખામણીમાં આજે દેશમાં એરપોર્ટ્સની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. આજે અહીં આપવામાં આવેલા પુરસ્કારો દેશની સફળતામાં તમારી આ જ ભાગીદારી સાબિત કરે છે અને તમારી સેવાની ભાવના દર્શાવે છે. હું ફરી એકવાર પુરસ્કાર વિજેતા તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

ગયાં વર્ષે 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી મેં દેશની સમક્ષ પાંચ પ્રણો માટે હાકલ કરી છે. વિકસિત ભારતનાં નિર્માણનું વિરાટ લક્ષ્ય હોય, ગુલામીના દરેક વિચારોમાંથી મુક્તિ હોય, ભારતના વારસા પર ગર્વની ભાવના હોય, દેશની એકતા સતત મજબૂત કરવાની હોય અને પોતાનાં કર્તવ્યને સર્વોપરી રાખવાનું હોય, આ પાંચ પ્રતિજ્ઞાઓની પ્રેરણાથી જે ઊર્જા નીકળશે, તે આપણા દેશને તે ઊંચાઈ આપશે જેનો તે હંમેશા હકદાર રહ્યો છે. મને એ જોઈને પણ આનંદ થાય છે કે તમે બધાએ આ વર્ષે સિવિલ સર્વિસ ડેની થીમ પણ 'વિકસિત ભારત' રાખી છે. વિકસિત ભારતનાં નિર્માણ પાછળની વિચારસરણી શું છે, તે આ પુસ્તકમાં પણ પ્રતિબિંબિત થાય છે, જેનું હમણાં વિમોચન થયું છે. વિકસિત ભારત માત્ર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે આધુનિક નિર્માણ પૂરતું મર્યાદિત નથી. વિકસિત ભારત માટે જરૂરી છે- ભારતની સરકારી વ્યવસ્થા, દરેક દેશવાસીની આકાંક્ષાઓને સમર્થન આપે. વિકસિત ભારત માટે જરૂરી છે - ભારતના દરેક સરકારી કર્મચારી દેશવાસીઓનાં સપના સાકાર કરવામાં તેમની મદદ કરે. વિકસિત ભારત માટે જરૂરી છે- જે નકારાત્મકતા પાછલા દાયકાઓમાં ભારતમાં સિસ્ટમ સાથે સંકળાયેલી હતી તેને સકારાત્મકતામાં બદલીએ, આપણી સિસ્ટમ દેશવાસીઓ માટે મદદગાર તરીકેની ભૂમિકાને આગળ વધારીએ.

 

સાથીઓ,

આઝાદી પછીના દાયકાઓનો આપણો અનુભવ એવો રહ્યો છે કે યોજનાઓ ગમે તેટલી પણ સારી હોય, રોડમેપ કાગળ પર ગમે તેટલો શાનદાર કેમ ન હોય, પરંતુ જો લાસ્ટ માઈલની ડિલિવરી યોગ્ય ન હોય તો ધાર્યાં પરિણામો નહીં મળે. તમે સારી રીતે જાણો છો કે એ પહેલાની સિસ્ટમની જ દેન હતી કે દેશમાં 4 કરોડથી વધુ નકલી ગેસ કનેક્શન હતા. એ પહેલાની સિસ્ટમની જ દેન હતી કે દેશમાં 4 કરોડથી વધુ નકલી રેશનકાર્ડ હતા. એ પહેલાની સિસ્ટમની જ દેન હતી કે દેશમાં એક કરોડ કાલ્પનિક મહિલાઓ અને બાળકોને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મદદ કરવામાં આવી રહી હતી. એ પહેલાની સિસ્ટમની જ દેન હતી કે લઘુમતી બાબતોનું મંત્રાલય લગભગ 30 લાખ નકલી યુવાનોને શિષ્યવૃત્તિનો લાભ આપી રહ્યું હતું. અને એ પહેલાની સિસ્ટમની જ દેન છે કે મનરેગા હેઠળ, દેશમાં એવાં લાખો નકલી ખાતાં બન્યાં, લાખો એવા કામદારોને નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા જેનું અસ્તિત્વ જ ન હતું. તમે વિચારો, જેઓ ક્યારેય જન્મ્યા જ ન હતા, જેઓ માત્ર કાગળ પર જ જન્મ્યા હતા, એવાં લાખો અને કરોડો નકલી નામોની આડમાં, એક બહુ મોટી ઇકોસિસ્ટમ ભ્રષ્ટાચારમાં સામેલ હતી. આજે દેશના પ્રયાસોથી, તમારા બધાના પ્રયાસોથી આ વ્યવસ્થા બદલાઈ છે, દેશના લગભગ-લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા છે. આ માટે તમે બધા અભિનંદનને પાત્ર છો. આજે આ નાણાંનો ઉપયોગ ગરીબોનાં કલ્યાણ માટે કરવામાં આવી રહ્યો છે, તેમનું જીવન સરળ બનાવી રહ્યા છે.

સાથીઓ,

જ્યારે સમય મર્યાદિત હોય છે, ત્યારે આપણી દિશા શું હશે, આપણી કાર્યશૈલી કેવી હશે તે નક્કી કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. આજે પડકાર એ નથી કે તમે કેટલા efficient (કાર્યક્ષમ) છો, પરંતુ પડકાર એ નક્કી કરવાનો છે કે જ્યાં deficiency (ઉણપ) છે, તેને કેવી રીતે દૂર કરવી? જો આપણી દિશા સાચી હશે તો કાર્યક્ષમતાની તાકાત વધશે અને આપણે આગળ વધીશું. પરંતુ જો ઉણપ હશે તો તે પરિણામ નહીં મળે જેના માટે આપણે પ્રયાસ કરી રહ્યા હતા. તમે યાદ કરો કે અગાઉ, ઉણપની આડમાં, દરેક ક્ષેત્રમાં નાની નાની વસ્તુને પણ નિયંત્રિત કરવાની રીતો બનાવવામાં આવતી હતી. પરંતુ આજે એ જ deficiency (ઉણપ), efficiency (કાર્યક્ષમતા)માં ફેરવાઈ ગઈ છે. આજે, તે જ કાર્યક્ષમતા નીતિ સંબંધિત નાનામાં નાના અવરોધોને ઓળખી રહી છે, જેથી કરીને તેને દૂર કરી શકાય. પહેલા એવું માનવામાં આવતું હતું કે 'સરકાર બધુ કરશે', પરંતુ હવે 'સરકાર બધા માટે કરશે' એવી વિચારસરણી છે.

 

હવે સરકાર 'સબકે લિયે' કામ કરવાની ભાવના સાથે સમય અને સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરી રહી છે. આજની સરકારનું સૂત્ર છે- નેશન ફર્સ્ટ-સિટીઝન ફર્સ્ટ. આજની સરકારની પ્રાથમિકતા છે- વંચિતોને અગ્રતા. આજની સરકાર એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ સુધી જઈ રહી છે, એસ્પિરેશનલ બ્લોક્સ સુધી જઈ રહી છે. આજની સરકાર દેશનાં સરહદી ગામોને છેલ્લું ગામ ગણવાને બદલે તેને પ્રથમ ગામ માનીને કામ કરી રહી છે, વાઈબ્રન્ટ વિલેજ યોજના ચલાવી રહી છે. પાછલાં વર્ષોમાં અમારી સરકારની આ એક બહુ મોટી ઓળખ રહી છે. પરંતુ આપણે હંમેશા એક બીજી વાત ધ્યાનમાં રાખવાની છે. 100% સંતૃપ્તિ માટે, આપણે આનાથી પણ વધુ સખત મહેનતની, નવીન ઉકેલોની પળે પળે જરૂર પડશે. હવે જ્યારે ડિજિટલ ઈન્ડિયાનું આટલું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે ઉપલબ્ધ છે, આપણી પાસે આટલો મોટો ડેટા સેટ છે. પરંતુ હજી પણ આપણે જોઈએ છીએ કે દરેક વિભાગ પોતપોતાના હિસાબે એ જ માહિતી, એ જ દસ્તાવેજો માગે છે, જે પહેલાથી જ કોઈ ને કોઈ ડેટાબેઝમાં હાજર છે.

એનઓસી, પ્રમાણપત્રો, મંજૂરીઓ, આ બધી બાબતોમાં ઘણો વહીવટી સમય ચાલ્યો જાય છે. આપણે તેના ઉકેલો શોધવા જ પડશે. તો જ ઈઝ ઑફ લિવિંગ વધશે, તો જ ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ વધશે. હું તમને પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું ઉદાહરણ પણ આપવા માગું છું. આ અંતર્ગત તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ડેટા લેયર્સ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આપણે તેનો વધુ ને વધુ ઉપયોગ કરવાનો છે. આપણે સામાજીક ક્ષેત્રમાં વધુ સારાં આયોજન અને અમલીકરણ માટે પણ પીએમ ગતિશક્તિનો વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ. આનાથી આપણને લોકોની જરૂરિયાતો ઓળખવામાં અને અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળશે જ મળશે. આનાથી વિભાગો, જિલ્લાઓ અને તાલુકાઓ વચ્ચે સંચાર વધુ સરળ બનશે. આનાથી આપણા માટે આગળની વ્યૂહરચના બનાવવામાં પણ વધારે સરળતા રહેશે.

 

સાથીઓ,

આઝાદીનો આ અમૃતકાલ, આ સમયગાળો, ભારતના તમામ સરકારી કર્મચારીઓ માટે જેટલી મોટી તકો લઈને આવ્યો છે, તેટલો જ પડકારજનક પણ છે. આટલી બધી સિદ્ધિઓ હોવા છતાં, ઝડપથી હાંસલ થયેલી સફળતાઓ છતાં, હું તેને શા માટે પડકાર કહી રહ્યો છું, અને મને લાગે છે કે તમારે પણ આ વાત સમજવી પડશે. આજે ભારતનાં લોકોની આકાંક્ષાઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે. વિકસિત ભારત માટે, વ્યવસ્થાઓમાં ફેરફાર માટે દેશવાસીઓ હવે વધુ રાહ જોવા માગતા નથી. દેશની જનતાની આ આકાંક્ષાને પૂર્ણ કરવા માટે, આપણે બધાએ, તમારે તમારી તમામ શક્તિ સાથે એકત્ર થવું પડશે, નિર્ણયો ઝડપથી લેવા પડશે, તે નિર્ણયોને શક્ય તેટલી ઝડપથી અમલમાં મૂકવા પડશે. અને તમારે એક બીજી વાત અવશ્ય ધ્યાનમાં રાખવાની છે કે આજે, અને હું આ એટલા માટે કહી રહ્યો નથી કે તમે પણ અનુભવ કરતા હશો, ભારત પાસેથી સમગ્ર વિશ્વની અપેક્ષાઓ પણ ઘણી વધી ગઈ છે. વિશ્વભરના નિષ્ણાતો, વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ કહી રહ્યા છે કે ભારતનો સમય આવી ગયો છે- India's time has arrived. આવી સ્થિતિમાં ભારતની અમલદારશાહીએ એક પળ પણ ગુમાવવાની નથી. આજે હું ભારતની નોકરશાહીને, ભારતના દરેક સરકારી કર્મચારીને, પછી તે રાજ્ય સરકારમાં હોય કે કેન્દ્ર સરકારમાં હોય, એક આગ્રહ જરૂર કરવા માગું છું. દેશે તમારા પર ઘણો ભરોસો મૂક્યો છે, તમને તક આપી છે, એ ભરોસો જાળવી રાખીને કામ કરો. હું તમને ઘણીવાર કહું છું કે તમારી સેવામાં તમારા નિર્ણયોનો આધાર માત્ર અને માત્ર દેશનું હિત હોવો જોઈએ. શક્ય છે કે ફિલ્ડમાં તમારે કોઇ એક વ્યક્તિ માટે નિર્ણય લેવાનો હોય, કોઇ એક સમૂહ માટે કોઇ નિર્ણય લેવાનો હોય, પરંતુ ત્યારે પણ આપ એ ચોક્કસ વિચારો કે મારા આ નિર્ણયથી, ભલે નિર્ણય નાનો કેમ ન હોય, મારા આ નિર્ણયથી દેશનું શું ભલું થશે? મતલબ કે તમારા માટે માપદંડ દેશહિત જ છે. અને આજે હું ભારતની બ્યૂરોક્રેસી માટે આ માપદંડમાં વધુ એક વાત ઉમેરવા માગું છું. મને ખાતરી છે કે તમે આ કસોટીમાં પણ પાર ઉતરશો.

સાથીઓ,

કોઈપણ લોકશાહીમાં રાજકીય પક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ હોય જ છે અને તે જરૂરી પણ છે. અને આ લોકશાહીની સુંદરતા છે. દરેક પક્ષની પોતાની વિચારધારા હોય છે, બંધારણે દરેક પક્ષને આ અધિકાર આપ્યો છે. પરંતુ એક નોકરિયાત તરીકે, સરકારી કર્મચારી તરીકે હવે તમારે તમારા દરેક નિર્ણયમાં કેટલાક પ્રશ્નોનું અવશ્ય ધ્યાન રાખવું જ પડશે. જે રાજકીય પક્ષ સત્તા પર આવ્યો છે, તે કરદાતાઓના પૈસાનો ઉપયોગ પોતાના પક્ષનાં હિત માટે કરી રહ્યો છે કે પછી દેશનાં હિતમાં તેનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? મિત્રો, તમારે આ જોવું જ પડશે. શું તે રાજકીય પક્ષ પોતાના પક્ષનાં વિસ્તરણ માટે સરકારી નાણાંનો ઉપયોગ કરે છે કે પછી તે નાણાંનો ઉપયોગ દેશના વિકાસ માટે કરી રહ્યો છે? શું તે રાજકીય પક્ષ પોતાની વોટબૅન્ક બનાવવા માટે સરકારી નાણા લૂંટાવી રહ્યો છે કે પછી તે દરેકનું જીવન સરળ બનાવવાનું કામ કરી રહ્યો છે? શું તે રાજકીય પક્ષ સરકારી પૈસાથી પોતાનો પ્રચાર કરી રહ્યો છે કે પછી ઈમાનદારીથી લોકોને જાગૃત કરી રહ્યો છે? શું તે રાજકીય પક્ષ વિવિધ સંગઠનોમાં પોતાના કાર્યકરોની જ નિમણૂક કરી રહ્યો છે કે પછી તે દરેકને પારદર્શક રીતે નોકરી મેળવવાની તક આપી રહ્યો છે? તે રાજકીય પક્ષ નીતિઓમાં ફેરફાર એટલા માટે તો નથી કરી રહ્યો ને કે જેથી તેના આકાઓ માટે કાળા નાણાની કમાઇના નવા રસ્તાઓ બને? તમે દરેક નિર્ણય લેતા પહેલા તમારે આ પ્રશ્નો વિશે પણ જરૂરથી વિચારો. જે અમલદારશાહીને સરદાર પટેલ ભારતની સ્ટીલ ફ્રેમ કહેતા હતા, એ જ અમલદારશાહીએ તેમની અપેક્ષાઓ પર પણ ખરા ઉતરવાનું છે. કારણ કે હવે જો નોકરશાહીથી ચૂક થઈ તો દેશનું ધન લૂંટાઈ જશે, કરદાતાઓના પૈસાનો નાશ થશે, દેશના યુવાનોનાં સપના ચકનાચૂર થઈ જશે.

 

સાથીઓ,

જે યુવાઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કે છેલ્લા એક દાયકામાં દેશની સિવિલ સર્વિસ સાથે જોડાયેલા છે, એમને હું કેટલીક વાતો ખાસ કહેવા માગું છું. તમે પણ જાણો છો કે જીવન જીવવાની બે રીત હોય છે. પહેલી છે ‘getting things done’ ('કામ કરાવવું'). બીજી છે ‘letting things happen’ ('કામ થવા દેવું)' છે. પ્રથમ સક્રિય અભિગમનું પ્રતિબિંબ છે અને બીજું નિષ્ક્રિય વલણનું પ્રતિબિંબ છે. જે વ્યક્તિ પ્રથમ રીતે જીવે છે તે વિચારે છે કે હા, પરિવર્તન આવી શકે છે. બીજી પદ્ધતિમાં માનનાર વ્યક્તિ કહે છે, 'ઠીક છે, રહેવા દો, બધું આમ જ ચાલે છે, પહેલાથી ચાલતું આવ્યું છે, આગળ પણ ચાલતું રહેશે, તે પોતાની મેળે થશે, સારું થઈ જશે'. જેઓ 'Getting things done'માં માને છે તેઓ આગળ વધે છે અને જવાબદારી લે છે. જ્યારે તેમને ટીમમાં કામ કરવાની તક મળે છે, ત્યારે તેઓ દરેક કાર્યનું ચાલકક બળ બની જાય છે. લોકોનાં જીવનમાં પરિવર્તન લાવવાની આવી સળગતી ઇચ્છાથી જ, તમે એક એવો વારસો છોડી જશો જે લોકો યાદ રાખશે. તમારે એ પણ યાદ રાખવું પડશે કે એક અધિકારી તરીકે તમારી સફળતા તમે તમારા માટે શું મેળવ્યું છે તેનાથી આંકવામાં આવશે નહીં. તમારી સફળતાનું આકલન એ વાતથી થશે કે તમારાં કામથી, તમારી કારકિર્દીથી બીજાનાં જીવનમાં કેટલો બદલાવ આવ્યો છે. જે લોકોનાં જીવનમાં પરિવર્તન લાવવાની જવાબદારી તમારી પાસે હતી, તે લોકો તમારા વિશે શું વિચારે છે? એટલા માટે તમારે હંમેશા આ યાદ રાખવું પડશે - સુશાસન એ ચાવી છે.

જ્યારે પીપલ સેન્ટ્રિક ગવર્નન્સ હોય છે, જ્યારે ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ ગવર્નન્સ હોય છે, ત્યારે તે સમસ્યાઓનું નિરાકરણ પણ કરે છે અને સારાં પરિણામો પણ આપે છે. સુશાસનમાં જનતા પ્રત્યે જવાબદારી હોય છે. જો એક જ રાજ્યમાં એક જિલ્લો સારો દેખાવ કરે અને બીજો ન કરે તો તેની પાછળનું ખરું કારણ સુશાસનમાં તફાવત જ હોય છે. આપણી સામે આકાંક્ષી જિલ્લાઓનું ઉદાહરણ છે. જ્યારે અમે ત્યાં ઉત્સાહથી ભરેલા દેશના યુવા અધિકારીઓની નિમણૂક કરી, તેમને સુશાસન માટે પ્રેરિત કર્યા, તો તેનાં પરિણામો પણ વધુ સારાં રહ્યાં. આજે, દેશના અન્ય જિલ્લાઓની સરખામણીમાં ઘણા આકાંક્ષી જિલ્લાઓ વિકાસના માપદંડોની દ્રષ્ટિએ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે તમે આના પર ફોકસ કરશો, પીપલ્સ પાર્ટિસિપેશન પર ફોકસ કરશો, તો લોકોમાં ઓનરશિપનો ભાવ, તેની ભાવના વધારે મજબૂત થશે. અને જ્યારે જનતા જનાર્દન કોઈ યોજનાની માલિકી લે છે, ત્યારે અભૂતપૂર્વ પરિણામો આવવાં સુનિશ્ચિત થઈ જાય છે. તમે સ્વચ્છ ભારત અભિયાન, અમૃત સરોવર અભિયાન જોઇ લો, જલ જીવન મિશન જુઓ, તેમની સફળતાનો મુખ્ય આધાર જનતા દ્વારા લેવામાં આવેલી માલિકી છે.

સાથીઓ,

મને કહેવામાં આવ્યું છે કે તમે તમારા જિલ્લાની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને એક ડિસ્ટ્રિક્ટ વિઝન@100 તૈયાર કરી રહ્યા છો. આવું જ વિઝન પંચાયત સ્તર સુધી હોવું જોઈએ. પોતાની ગ્રામ પંચાયત, પોતાનો તાલુકો, પોતાનો જીલ્લો, પોતાનાં રાજ્યમાં આપણે કયાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે? રોકાણ આકર્ષવા માટે કયા-કયા ફેરફારો કરવાના છે? આપણા જિલ્લા, બ્લોક કે પંચાયતમાં એવાં કયાં ઉત્પાદનો છે કે જેને આપણે નિકાસ કરી શકીએ અથવા તે સ્તર સુધી લઈ જઈ શકીએ? આ અંગે આપણી પાસે એક સ્પષ્ટ વિઝન હોવું જોઈએ. તમે તમારા વિસ્તારમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે MSME અને સ્વ-સહાય જૂથો વચ્ચે કડીઓ જોડી શકો છો. તમારા બધા માટે, સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહિત કરવા, સ્થાનિક ઉદ્યોગ સાહસિકતાને ટેકો આપવો, સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું, મને લાગે છે કે તે સમયની જરૂરિયાત છે.

 

સાથીઓ,

મને સરકારના વડા તરીકે રહ્યાને 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તમારામાંથી ઘણા વર્ષોથી મારી સાથે કામ કરી રહ્યા છે. અને હું તો કહીશ કે હું ભાગ્યશાળી છું કે મને તમારા જેવા સાથીદારો સાથે કામ કરવાની તક મળી છે. તમે જાણો છો કે મેં હંમેશા ક્ષમતા નિર્માણ પર કેટલો ભાર મૂક્યો છે. મને ખુશી છે કે આજે 'મિશન કર્મયોગી' તમારા તમામ સિવિલ કર્મચારીઓ વચ્ચે એક મોટું અભિયાન બની ગયું છે. મિશન કર્મયોગીનો ઉદ્દેશ્ય છે- નાગરિક કર્મચારીઓની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો. ક્ષમતા નિર્માણ આયોગ આ અભિયાનને પુરી તાકાતથી આગળ વધારી રહ્યું છે. હું એમ પણ માનું છું કે તાલીમ અને શિક્ષણ થોડા મહિનાઓ માટે ઔપચારિકતા બની ન રહેવી જોઈએ. તેથી, iGOT પ્લેટફોર્મ એ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યું છે કે તાલીમ અને શિક્ષણ સંબંધિત ગુણવત્તાયુક્ત સામગ્રી દરેક જગ્યાએ દરેક સમયે ઉપલબ્ધ હોય. હવે તમામ નવી ભરતીઓને iGot પર 'કર્મયોગી પ્રારંભ'ના ઓરિએન્ટેશન મોડ્યુલ સાથે પણ તાલીમ આપવામાં આવી રહી છે.

સાથીઓ,

વીતેલાં વર્ષોમાં, સરકારે બ્યૂરોક્રેસીને વધુ એક બંધનમાંથી મુક્તિ અપાવી છે. આ બંધન છે- પ્રોટોકોલ અને પદાનુક્રમનું બંધન. તમે જાણો છો કે મેં જાતે જ વંશવેલાની બેડીઓ તોડવાનું શરૂ કર્યું છે. હું સતત સચિવોથી લઈને મદદનીશ સચિવો સુધી મળતો રહું છું. હું તાલીમાર્થી અધિકારીઓ સાથે મુલાકાત કરું છું. અમે વિભાગમાં અંદર દરેકની ભાગીદારી વધારવા માટે, નવા વિચારો માટે કેન્દ્ર સરકારમાં પણ ચિંતન શિબિરોને પ્રોત્સાહન આપ્યું છે. અમારા પ્રયાસોથી વધુ એક મોટું પરિવર્તન આવ્યું છે. પહેલાં વર્ષો સુધી રાજ્યોમાં રહ્યા પછી જ અધિકારીઓને ડેપ્યુટેશન પર કેન્દ્ર સરકારમાં કામ કરવાનો અનુભવ મળતો હતો. કોઈએ એ વિચાર્યું નહીં કે આ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં કામ કરવાનો અનુભવ જ ન હોય તો તેઓ કેન્દ્રના કાર્યક્રમોને જમીન પર કેવી રીતે અમલમાં મૂકશે? અમે સહાયક સચિવ કાર્યક્રમ દ્વારા આ અંતર પણ ભરવાનો પ્રયાસ કર્યો. હવે, યુવા IASને તેમની કારકિર્દીની શરૂઆતમાં જ કેન્દ્ર સરકારમાં કામ કરવાની અને તેનો અનુભવ મેળવવાની તક મળે છે. તેને સૌથી વરિષ્ઠ લોકો સાથે કંઈક શીખવાની તક મળે છે. આપણે આવી નવીનતાઓને આગળ ધપાવવાની છે, આ પ્રયાસોને પરિણામોનાં શિખરે લઈ જવા માટે આપણે સતત પ્રયત્નો કરવાના છે.

 

સાથીઓ,

દેશે 25 વર્ષની અમૃત યાત્રાને વિકસિત ભારત માટે કર્તવ્યકાળ ગણ્યો છે. આઝાદીની શતાબ્દી એ દેશની સુવર્ણ શતાબ્દી ત્યારે હશે જ્યારે આપણે આપણી ફરજોને પ્રથમ પ્રાધાન્ય આપીશું. કર્તવ્ય એ આપણા માટે વિકલ્પ નહીં, સંકલ્પ છે. આ ઝડપી પરિવર્તનનો સમય છે. તમારી ભૂમિકા પણ તમારા અધિકારો દ્વારા નહીં, પરંતુ તમારી ફરજો અને તેનાં પાલન દ્વારા નક્કી થશે. નવા ભારતમાં દેશના નાગરિકની તાકાત વધી છે, ભારતની તાકાત પણ વધી છે. તમને આ નવા ઉભરતા ભારતમાં મહત્વની ભૂમિકા ભજવવાની તક મળી છે. આઝાદીનાં 100 વર્ષ પછી જ્યારે ઈતિહાસ આકલન કરશે ત્યારે તમારી પાસે તક છે કે તમારું નામ પણ તેમાં મોખરે રહે. તમે ગર્વ સાથે કહી શકો કે મેં દેશ માટે નવી વ્યવસ્થાઓ બનાવવામાં ભૂમિકા ભજવી છે અને સિસ્ટમ્સને સુધારવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને વિશ્વાસ છે કે તમે બધા રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભૂમિકાને વિસ્તારતા રહેશો. ક્ષમતા નિર્માણ એ દરેક ક્ષણે આપણો પ્રયત્ન હોવો જોઈએ, પોતાના માટે પણ, આપણા સાથીદારો માટે પણ અને વ્યવસ્થા માટે પણ, આપણે નવી ઊંચાઈઓને ઉત્તરોત્તર પાર કરવા માટે સ્થિતિઓને પર્યાપ્ત બનાવતા રહેવું પડશે. મને વિશ્વાસ કે સિવિલ સર્વિસ ડે એ વાર્ષિક વિધિ નથી. આ નાગરિક સેવા દિવસ સંકલ્પો માટેનો સમય છે. આ સિવિલ સર્વિસ ડે નવા નિર્ણયોનો સમય છે. નિર્ધારિત સમયમાં નિર્ણયોને અમલમાં મૂકવા માટે ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર થવાની તક છે. જો આપણે આ અવસરમાંથી એક નવી ઉર્જા, નવી પ્રેરણા, નવી શક્તિ, નવું સામર્થ્ય, નવા સંકલ્પ સાથે ચાલીશું, તો આપણે જે સિદ્ધિઓ હાંસલ કરવા માગીએ છીએ તે સિદ્ધિઓને આપણે જાતે સ્પર્શીશું અને જોઈશું, આ જ વિશ્વાસ સાથે હું તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

આભાર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 ડિસેમ્બર 2024
December 27, 2024

Citizens appreciate PM Modi's Vision: Crafting a Global Powerhouse Through Strategic Governance