શ્રી રામકૃષ્ણ પરમહંસ, માતા શ્રી શારદા દેવી અને સ્વામી વિવેકાનંદ, તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિજી, ચેન્નાઇ રામકૃષ્ણ મઠના સંતો અને તમિલનાડુના મારા વ્હાલા લોકોને મારા પ્રણામ, આપ સૌને મારી શુભેચ્છાઓ.
મિત્રો,
મને તમારી સાથે રહીને ઘણી ખુશી છે. રામકૃષ્ણ મઠ એક એવી સંસ્થા છે, જેનો હું અંતઃકરણથી આદર કરું છું. તેણે મારા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સંસ્થા ચેન્નાઇમાં તેની સેવાની 125મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ વાત મારી ખુશીમાં વધુ એક કારણનો ઉમેરો કરે છે. હું તમિલ લોકોની વચ્ચે છું, જેમના પ્રત્યે મને ખૂબ જ સ્નેહ છે. મને તમિલ ભાષા, તમિલ સંસ્કૃતિ અને ચેન્નાઇનો માહોલ ખૂબ જ ગમે છે. આજે મને વિવેકાનંદ ભવનની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો. સ્વામી વિવેકાનંદ પશ્ચિમની તેમની પ્રખ્યાત યાત્રા પરથી પરત ફર્યા ત્યાર પછી અહીં રોકાયા હતા. અહીં ધ્યાન કરવાનો અનુભવ મારા માટે ઘણો વિશેષ હતો. મને અંદરથી પ્રેરિત અને ઉર્જાવાન હોવાની અનુભૂતિ થાય છે. એ જોઇને પણ મને આનંદ થાય છે કે, અહીં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી યુવા પેઢી સુધી પ્રાચીન વિચારો પહોંચી રહ્યા છે.
મિત્રો,
સંત તિરુવલ્લુવરે તેમના એક શ્લોકમાં કહ્યું છે કે: पुत्तेळ् उलगत्तुम् ईण्डुम् पेरळ् अरिदे ओप्पुरविन् नल्ल पिर| તેનો અર્થ છે: આ જગત અને ભગવાનની દુનિયા, બંનેમાં દયા જેવું કંઇ જ નથી. રામકૃષ્ણ મઠ તમિલનાડુમાં શિક્ષણ, પુસ્તકાલયો અને પુસ્તક બેંકો, રક્તપિત્ત અંગે લોકોમાં જાગૃતિ અને પુનર્વસન, આરોગ્ય સંભાળ તેમજ નર્સિંગ અને ગ્રામીણ વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવા આપી રહ્યો છે.
મિત્રો,
મેં હમણાં જ તામિલનાડુ પર રામકૃષ્ણ મઠની અસર વિશે ચર્ચા કરી. પરંતુ આ તો પાછળથી આવ્યું. તમિલનાડુએ સ્વામી વિવેકાનંદ પર જે પ્રભાવ પાડ્યો હતો તે પહેલા આવ્યું. કન્યાકુમારીમાં, પ્રખ્યાત ખડક પર, સ્વામીજીને તેમના જીવનનો ઉદ્દેશ મળી ગયો હતો. આનાથી તેમનું પરિવર્તન થયું અને તેની અસર શિકાગોમાં અનુભવાઇ હતી. પાછળથી, જ્યારે સ્વામીજી પશ્ચિમની યાત્રાએથી પરત ફર્યા, ત્યારે તેમણે સૌથી પહેલા તમિલનાડુની પવિત્ર ધરતી પર પગ મૂક્યો હતો. રામનાદના રાજાએ તેમને ખૂબ આદર સાથે આવકાર્યા હતા. જ્યારે સ્વામીજી ચેન્નાઇ આવ્યા ત્યારે તે ઘટના ખૂબ જ ખાસ હતી. નોબેલ પારિતોષિક વિજેતા મહાન ફ્રેન્ચ લેખક રોમેન રોલેન્ડ તેનું વર્ણન કરે છે. તેઓ લખે છે કે, સત્તર વિજય કમાનો ઊભી કરવામાં આવી હતી. એક અઠવાડિયાથી વધુ સમય સુધી, ચેન્નાઇનું જાહેર જીવન સંપૂર્ણ રીતે ઠપ થઇ ગયું. ત્યારે તહેવાર જેવો માહોલ હતો.
મિત્રો,
સ્વામી વિવેકાનંદ બંગાળના હતા. તમિલનાડુમાં મહાન નાયકની જેમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત આઝાદ થયું તેના ઘણા સમય પહેલા આ બન્યું હતું. દેશભરના લોકો હજારો વર્ષોથી એક રાષ્ટ્ર તરીકે ભારતનો સ્પષ્ટ ખ્યાલ ધરાવતા હતા. આ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની જ ભાવના છે. રામકૃષ્ણ મઠ એ જ ભાવના સાથે કામ કરે છે. સમગ્ર ભારતમાં, તેમની ઘણી સંસ્થાઓ આવેલી છે જે નિઃસ્વાર્થપણે લોકોની સેવા કરે છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરીએ તો, આપણે બધાએ કાશી તમિલ સંગમમની સફળતા જોઇ છે. હવે, મેં સાંભળ્યું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ થઇ રહ્યો છે. હું ભારતની એકતાને આગળ ધપાવવા માટેના આવા તમામ પ્રયાસોને મોટી સફળતા મળે તેવી ઇચ્છા રાખું છું.
મિત્રો,
અમારા સુશાસનની વિચારધારા પણ સ્વામી વિવેકાનંદથી પ્રેરિત છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ વિશેષાધિકાર તૂટી જાય છે અને સમાનતા સુનિશ્ચિત કરવામાં આવે છે, ત્યારે સમાજ પ્રગતિ કરે છે. આજે, તમે અમારા તમામ મુખ્ય કાર્યક્રમોમાં સમાન દૃષ્ટિનો અમલ થતો જોઇ શકો છો. અગાઉ પાયાની સુવિધાઓને પણ વિશેષાધિકાર સમાન ગણવામાં આવતી હતી. ઘણા લોકોને પ્રગતિના ફળનો લાભ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. માત્ર અમુક પસંદગીના લોકો અથવા નાના જૂથોને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે વિકાસના દરવાજા દરેક વ્યક્તિ માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.
અમારી સૌથી સફળ યોજનાઓમાંની એક છે, મુદ્રા યોજના, આજે તેની 8મી વર્ષગાંઠની ઉજવણી થઇ રહી છે. તમિલનાડુના નાના ઉદ્યમીઓએ મુદ્રા યોજનામાં રાજ્યને અગ્રેસર બનાવ્યું છે. નાના ઉદ્યોગ સાહસિકોને લગભગ 38 કરોડ જામીન મુક્ત લોન આપવામાં આવી છે. આ લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સમાજના હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકોનો સમાવેશ થાય છે. એક એવો સમય હતો જ્યારે વ્યવસાય માટે બેંક લોન મેળવવી તે એક વિશેષાધિકાર હતો, પરંતુ હવે, તે સવલત દરેક વ્યક્તિ સુધી પહોંચી છે. એવી જ રીતે ઘર, વીજળી, LPG કનેક્શન, શૌચાલય અને બીજી કેટલીય આવી પ્રાથમિક સુવિધાઓ અને વસ્તુઓ દરેક પરિવાર સુધી પહોંચી રહી છે.
મિત્રો,
સ્વામી વિવેકાનંદ ભારત માટે એક ભવ્ય દૂરંદેશી ધરાવતા હતા. આજે, મને વિશ્વાસ છે કે તેઓ ગૌરવપૂર્વક ભારતને તેમની દૂરંદેશી પરિપૂર્ણ કરવા માટે કામ કરતું જોઇ રહ્યા હશે. તેમનો સૌથી કેન્દ્રિય સંદેશ આપણી પોતાની જાત અને આપણા દેશમાં વિશ્વાસ વિશે હતો. આજે ઘણા નિષ્ણાતો કહી રહ્યાં છે કે, આ ભારતની સદી હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, દરેક ભારતીયને પણ લાગે છે કે હવે આપણો સમય આવી ગયો છે. આપણે દુનિયા સાથે વિશ્વાસ અને પરસ્પર આદરની સ્થિતિથી જોડાયેલા છીએ. સ્વામીજી કહેતા હતા કે, મહિલાઓને મદદ કરી શકીએ એવું આપણામાં કંઇ જ નતી. જ્યારે મહિલાઓ પાસે યોગ્ય પ્લેટફોર્મ હશે, ત્યારે તેઓ સમાજનું નેતૃત્વ કરશે અને સમસ્યાઓનો જાતે જ ઉકેલ લાવશે. આજનું ભારત મહિલાઓના નેતૃત્વમાં વિકાસ કરવામાં માને છે. સ્ટાર્ટઅપ હોય કે રમતગમત, સશસ્ત્ર દળો હોય કે પછી ઉચ્ચ શિક્ષણ, દરેક ક્ષેત્રોમાં મહિલાઓ અવરોધોનું બંધન તોડીને વિક્રમો બનાવી રહી છે!
સ્વામીજી માનતા હતા કે ચારિત્ર્યના વિકાસ માટે રમતગમત અને ફિટનેસ નિર્ણાયક પરિબળો છે. આજે, સમાજ રમતગમતને માત્ર ઇતર પ્રવૃત્તિ તરીકે જોવાને બદલે વ્યાવસાયિક પસંદગી તરીકે જોવા લાગ્યો છે. યોગ અને ફિટ ઇન્ડિયા હવે જન આંદોલન બની ગયા છે. સ્વામીજી માનતા હતા કે, શિક્ષણ શક્તિ આપે છે. તેઓ ટેકનિકલ અને વૈજ્ઞાનિક શિક્ષણ પણ ઇચ્છતા હતા. આજે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એવા સુધારા કરવામાં આવ્યા છે કે જે ભારતમાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ લાવે છે. કૌશલ્ય વિકાસને અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે. આપણી પાસે વિશ્વની સૌથી વાઇબ્રન્ટ ટેક અને વૈજ્ઞાનિક ઇકોસિસ્ટમ પણ છે.
મિત્રો,
સ્વામી વિવેકાનંદે તમિલનાડુમાં જ આજના ભારત માટે કંઇક મહત્વપૂર્ણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાંચ વિચારોને આત્મસાત કરીને તેને સંપૂર્ણ રીતે જીવવું પણ ખૂબ જ શક્તિશાળી હતું. આપણે હમણાં જ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી. દેશે આગામી 25 વર્ષને અમૃતકાળ તરીકે બનાવવાની પોતાની દૃષ્ટિ નક્કી કરી છે. આ અમૃતકાળનો ઉપયોગ પાંચ વિચારો - પંચપ્રણને આત્મસાત કરીને મહાન સિદ્ધિઓ અને વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે કરી શકાય. આ પાંચ વિચાર છે: વિકસિત ભારતનું ધ્યેય, બ્રિટિશવાદી માનસિકતાના કોઇપણ નિશાનને દૂર કરવા, આપણા વારસાની ઉજવણી કરવી, એકતાને મજબૂત કરવી અને આપણી ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરવું. શું આપણે બધા, સાથે મળીને સામૂહિક રીતે અને વ્યક્તિગત રીતે, આ પાંચ સિદ્ધાંતોનું પાલન કરવાનો સંકલ્પ કરી શકીએ? જો 140 કરોડ લોકો આવો સંકલ્પ કરી લે, તો આપણે 2047 સુધીમાં વિકસિત, આત્મનિર્ભર અને સર્વસમાવેશક ભારતનું નિર્માણ કરી શકીશું. મને ચોક્કસ ખાતરી છે કે આ મિશનમાં સ્વામી વિવેકાનંદના આશીર્વાદ આપણી સાથે જ છે.
આભાર - વનક્કમ