અયોધ્યાજીના તમામ લોકોને મારા પ્રણામ! આજે આખી દુનિયા 22 જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની આતુરતાથી પ્રતીક્ષા કરી રહી છે. આવી સ્થિતિમાં અયોધ્યાના લોકોમાં રહેલો ઉત્સાહ અને ઉમંગ સ્વાભાવિક છે. હું ભારતની માટીના એક એક કણ અને ભારતની જનતાનો પૂજારી છું અને હું પણ તમારી જેમ જ ઉત્સુક છું. અમારા બધાનો આ ઉત્સાહ અને ઉમંગ થોડા સમય પહેલાં અયોધ્યાજીના માર્ગો પર સંપૂર્ણપણે જોવા મળી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે, જાણે આખી અયોધ્યા નગરી રસ્તા પર આવી ગઇ હોય. આ પ્રેમ અને આશીર્વાદ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌ મારી સાથે બોલો - સિયાવર રામ ચંદ્રની... જય. સિયાવર રામ ચંદ્રની... જય. સિયાવર રામ ચંદ્રની... જય.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, મંત્રીમંડળમાં મારા સાથીદારો જ્યોતિરાદિત્યજી, અશ્વિની વૈષ્ણવજી, વી.કે. સિંહજી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, બ્રિજેશ પાઠકજી, ઉત્તર પ્રદેશ સરકારના અન્ય મંત્રીઓ, તમામ સાંસદો અને ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મારા પરિવારજનો!
દેશના ઇતિહાસમાં 30 ડિસેમ્બરની આ તારીખ ખૂબ જ ઐતિહાસિક રહી છે. આજના દિવસે જ 1943માં નેતાજી સુભાષચંદ્ર બોઝે આંદામાનમાં ઝંડો ફરકાવીને ભારતની આઝાદીનો જયઘોષ કર્યો હતો. આઝાદીના આંદોલન સાથે જોડાયેલા આવા પાવન દિવસે આજે આપણે આઝાદીના અમૃતકાળના સંકલ્પને આગળ વધારી રહ્યા છીએ. આજે વિકસિત ભારતના નિર્માણને ગતિ આપવા અભિયાનને અયોધ્યા નગરીમાંથી નવી ઉર્જા મળી રહી છે. આજે અહીં 15 હજાર કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત આ કાર્યો આધુનિક અયોધ્યાને ફરી એકવાર દેશના નકશા પર ગૌરવ સાથે સ્થાપિત કરશે. કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે આ કાર્ય થયું એ અયોધ્યાના લોકોના અથાક પરિશ્રમનું પરિણામ છે. હું આ પરિયોજનાઓ બદલ અયોધ્યાના તમામ લોકોને અભિનંદન આપું છું.
મારા પરિવારજનો,
દુનિયામાં કોઇ પણ દેશ હોય, જો તેને વિકાસની નવી ઊંચાઇઓ પર પહોંચવું હોય તો તેણે પોતાના વારસાની કાળજી લેવી જ પડશે. આપણો વારસો આપણને પ્રેરણા આપે છે, અને આપણને સાચો માર્ગ ચિંધે છે. તેથી આજનો ભારત પ્રાચીન અને અર્વાચીન બંનેને આત્મસાત કરીને આગળ વધી રહ્યું છે. એક એવો સમય હતો જ્યારે આ અયોધ્યામાં જ રામ લલ્લા તંબુમાં બિરાજમાન હતા. આજે પાકું ઘર માત્ર રામ લલ્લાને જ નથી મળ્યું પરંતુ દેશના ચાર કરોડ ગરીબોને પણ પાકું ઘર મળ્યું છે. આજે ભારત તેના તીર્થ સ્થળોનો કાયાકલ્પ કરીને તેની શોભા વધારી રહ્યું છે, સાથે સાથે આપણો દેશ ડિજિટલ ટેક્નોલોજીની દુનિયામાં પણ છવાઇ ગયો છે. ભારત આજે, કાશી વિશ્વનાથ ધામના પુનર્નિર્માણની સાથે જ, દેશમાં 30 હજારથી વધુ પંચાયત ભવનોનું નિર્માણ પણ કરી રહ્યું છે. આજે દેશમાં માત્ર કેદારનાથ ધામનો જ પુનરોદ્ધાર થઇ રહ્યો છે એવું નથી પરંતુ 315થી વધુ નવી મેડિકલ કોલેજોનું પણ નિર્માણ કરવામાં આવી છે. આજે દેશમાં માત્ર મહાકાલ મહાલોકનું જ નિર્માણ નથી થયું પરંતુ દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે 2 લાખ કરતાં વધુ પાણીની ટાંકીઓ પણ બનાવવામાં આવી છે. આપણે જ્યારે ચંદ્ર, સૂર્ય અને સમુદ્રની ઊંડાઇને માપી રહ્યા છીએ, ત્યારે આપણી પૌરાણિક મૂર્તિઓને પણ વિક્રમી સંખ્યામાં આપણે ભારતમાં પરત લાવી રહ્યા છીએ. આજના ભારતનો મિજાજ અહીં અયોધ્યામાં સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. આજે પ્રગતિનો ઉત્સવ છે, અને થોડા દિવસો પછી પરંપરાની ઉજવણી પણ કરવામાં આવશે. આજે અહીં વિકાસની ભવ્યતા જોવા મળી રહી છે અને થોડા દિવસો પછી અહીં વારસાની ભવ્યતા તેમજ દિવ્યતા જોવા મળવાની છે. આ જ તો ભારત છે. વિકાસ અને વારસાની આ સહિયારી તાકાત, ભારતને 21મી સદીમાં સૌથી આગળ લઇ જશે.
મારા પરિવારજનો,
પ્રાચીનકાળમાં અયોધ્યા નગરી કેવી હતી તેનું વર્ણન મહર્ષિ વાલ્મીકિએ પોતે વિગતવાર રીતે કર્યું છે. તેમણે લખ્યું હતું કે - કોસલો નામ મુદિતઃ સ્ફીતો જનપદો મહાન્. નિવેષ્ટા સરયુતીરે પ્રભુત- ધન- ધન્યવાન્. એટલે કે, વાલ્મીકિજી કહે છે કે મહાન અયોધ્યાપુરી ધન-ધાન્યથી પરિપૂર્ણ હતી, સમૃદ્ધિની શિખર પર હતી, તેમજ ખુશીઓથી ભરેલી હતી. એટલે કે, અયોધ્યામાં માત્ર વિજ્ઞાન અને વૈરાગ્ય જ નહોતા, પરંતુ તેનો વૈભવ પણ શિખર પર હતો. આપણે અયોધ્યા નગરીની એ જ પ્રાચીન ઓળખને આધુનિકતા સાથે જોડીને પાછી લાવવાની છે.
સાથીઓ,
આવનારા સમયમાં અયોધ્યા નગરી, અવધ વિસ્તાર જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પ્રદેશના વિકાસને આ અયોધ્યા દિશા આપવા જઇ રહી છે. અયોધ્યામાં શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ બાદ અહીં મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થવાનો છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમારી સરકાર અયોધ્યામાં હજારો કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યો કરી રહી છે અને અયોધ્યાને સ્માર્ટ બનાવી રહી છે. આજે અયોધ્યાના માર્ગો પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે, ચાલવા માટે નવી ફુટપાથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજે અયોધ્યામાં નવા ફ્લાયઓવર અને નવા પુલ બાંધવામાં આવી રહ્યા છે. અયોધ્યાને આસપાસના જિલ્લાઓ સાથે જોડવા માટે પણ પરિવહનના માધ્યમોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.
સાથીઓ,
આજે મને અયોધ્યા ધામ હવાઇમથક અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને એ વાતનો ઘણો આનંદ છે કે, અયોધ્યાના હવાઇમથકનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પરથી રાખવામાં આવ્યું છે. મહર્ષિ વાલ્મીકિએ આપણને રામાયણ દ્વારા પ્રભૂ શ્રી રામના કાર્યોથી પરિચિત કરાવ્યા છે. પ્રભૂ શ્રી રામે મહર્ષિ વાલ્મીકિને કહ્યું હતું કે - "તુમ ત્રિકાલદર્શી મુનિનાથા, બિશ્વ બદર જિમિ તુમરે હાથા." અર્થાત્ હે મુનિનાથ! આપ ત્રિકાળદર્શી છો. સંપૂર્ણ વિશ્વ તમારી હથેળીમાં રાખવામાં આવેલા એક બોર સમાન છે. આવા ત્રિકાળદર્શી મહર્ષિ વાલ્મીકિજીના નામ પર રાખવાથી અયોધ્યા ધામ હવાઇમથકનું નામ રાખવામાં આવ્યું હોવાથી આ હવાઇમથક પર આવનાર દરેક મુસાફરો ધન્ય થઇ જશે. મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચવામાં આવેલી રામાયણ એ જ્ઞાનનો એવો માર્ગ છે જે આપણને પ્રભૂ શ્રી રામ સાથે જોડે છે. આધુનિક ભારતમાં મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય હવાઇમથક આપણને અયોધ્યા ધામ, દિવ્ય- ભવ્ય- નવા રામ મંદિર સાથે જોડશે. આ નવા હવાઇમથક બાંધવામાં આવ્યું છે, ત્યાં દર વર્ષે 10 લાખ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા છે. જ્યારે આ હવાઇમથકના બીજા તબક્કાનું કામ પણ પૂરું થઇ જશે ત્યારે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ હવાઇમથક પરથી દર વર્ષે 60 લાખ મુસાફરો આવાગમન કરી શકશે. હાલમાં અયોધ્યા ધામ રેલવે સ્ટેશનમાં દરરોજ 10થી 15 હજાર લોકોને સેવા આપવાની ક્ષમતા છે. સ્ટેશનનો સંપૂર્ણ વિકાસ કર્યા બાદ અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પર દરરોજ 60 હજાર લોકોનું આવાગમન થઇ શકશે.
સાથીઓ,
હવાઇમથક અને રેલવે સ્ટેશનો ઉપરાંત આજે અહીં અનેક પથ અને માર્ગોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને શ્રી રામ જન્મભૂમિ પથના કારણે હવે આવાગમન સરળ થઇ જશે. અયોધ્યામાં આજે જ કાર પાર્કિંગનાં સ્થળોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવી મેડિકલ કોલેજના નિર્માણથી અહીં સ્વાસ્થ્ય સુવિધાઓનો વધુ વિસ્તરણ કરશે. સરયુજીની નિર્મળતા જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે ડબલ એન્જિનની સરકાર સંપૂર્ણપણે સમર્પિત છે. સરયુજીમાં ઠાલવવામાં આવી રહેલા દૂષિત પાણીને રોકવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. રામ કી પૌડીને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. સરયુના કાંઠે નવા નવા ઘાટોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અહીંના તમામ પ્રાચીન કુંડોનો પણ પુનરોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. લતા મંગેશકર ચોક હોય કે પછી રામ કથા સ્થળ, આ બધા જ અયોધ્યાની ઓળખમાં વધારો કરે છે. અયોધ્યામાં જે નવી ટાઉનશિપનું નિર્માણ થવા જઇ રહ્યું છે તેનાથી અહીંના લોકોનું જીવન વધુ સરળ બનશે. વિકાસના આ કાર્યોથી અયોધ્યામાં રોજગાર અને સ્વ-રોજગારની નવી તકો પણ ઊભી થશે. આનાથી ટેક્સી ચાલકો, રિક્ષાચાલકો, હોટેલ વાળા, ઢાબા વાળા, પ્રસાદ વેચનારાઓ, ફૂલ વેચનારાઓ, પૂજાની સામગ્રી વેચનારાઓ, આપણા નાના નાના દુકાનદાર ભાઇઓ આ બધાની આવકમાં વધારો થશે.
મારા પરિવારજનો,
આજે અહીં આધુનિક રેલવેના નિર્માણની દિશામાં દેશે વધુ એક મોટું પગલું ભર્યું છે. વંદે ભારત અને નમો ભારત પછી આજે દેશને વધુ એક આધુનિક ટ્રેન મળી છે. આ નવી ટ્રેન શ્રેણીનું નામ અમૃત ભારત ટ્રેન રાખવામાં આવ્યું છે. વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત ટ્રેનોની આ ત્રિશક્તિ ભારતીય રેલવેનો કાયાકલ્પ કરવા જઇ રહી છે. આ પ્રથમ અમૃત ભારત ટ્રેન અયોધ્યામાંથી પસાર થઇ રહી છે તેનાથી વધુ આનંદની વાત બીજી કઇ હોઇ શકે છે. દિલ્હી- દરભંગા અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દિલ્હી-ઉત્તર પ્રદેશ- બિહારના લોકોની મુસાફરીને આધુનિક બનાવશે. આનાથી બિહારના લોકો માટે ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવા જઇ રહેલા રામ લલ્લાના દર્શન કરવાનું વધુ સરળ થઇ જશે. આ આધુનિક અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો ખાસ કરીને આપણા ગરીબ પરિવારોને, તેમ જ આપણા શ્રમિક સાથીદારોને ખૂબ મદદરૂપ થશે. શ્રી રામ ચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે – પર હિત સરિસ ધરમ નહીં ભાઇ. પર પીડા સમ નહીં અધમાઇ. એટલે કે, અન્ય લોકોની સેવા કરવા કરતાં મોટો બીજો કોઇ ધર્મ નથી, બીજું કોઇ કર્તવ્ય નથી. આધુનિક અમૃત ભારત ટ્રેનો ગરીબોની સેવા કરવાની આ ભાવનાથી જ શરૂ કરવામાં આવી છે. જે લોકોને મોટાભાગે પોતાના કામને કારણે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હોય છે અને જેઓ ખાસ વધારે આવક નથી ધરાવતા તેઓ પણ આધુનિક સુવિધાઓ અને આરામદાયક મુસાફરી માટે હકદાર છે. ગરીબો લોકોના જીવનની પણ ગરિમા હોય છે, આ ધ્યેયને ધ્યાનમાં રાખીને આ ટ્રેનો તૈયાર કરવામાં આવી છે. આજે જ પશ્ચિમ બંગાળ અને કર્ણાટકના મિત્રોને પણ તેમના રાજ્યની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે. હું આ રાજ્યોને પણ અમૃત ભારત ટ્રેન મળવા બદલ અભિનંદન આપુ છુ.
મારા પરિવારજનો,
વિકાસ અને વારસાને જોડવામાં વંદે ભારત એક્સપ્રેસ મોટી ભૂમિકા ભજવી રહી છે. દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાશી માટે રવાના થઇ હતી. આજે દેશના 34 રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે. કાશી, વૈષ્ણો દેવી માટે કટરા, ઉજ્જૈન, પુષ્કર, તિરુપતિ, શિરડી, અમૃતસર, મદુરાઇ એમ આસ્થાના આવા દરેક મોટા કેન્દ્રને વંદે ભારત ટ્રેનો જોડી રહી છે. આ શ્રેણીમાં આજે અયોધ્યાને પણ વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. આજે અયોધ્યા ધામ જંકશન - આનંદ વિહાર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, આજે કટરાથી દિલ્હી, અમૃતસરથી દિલ્હી, કોઇમ્બતુર- બેંગ્લોર, મેંગલુરુ- મડગાંવ, જાલના- મુંબઇ આ શહેરો વચ્ચે પણ વંદે ભારતની નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. વંદે ભારતમાં ગતિ પણ છે, વંદે ભારતમાં આધુનિકતા પણ છે અને વંદે ભારતમાં આત્મનિર્ભર ભારત માટે ગૌરવ પણ છે. ખૂબ જ ઓછા સમયમાં 1.5 કરોડથી વધુ મુસાફરોએ વંદે ભારતની મુસાફરી કરી છે. ખાસ કરીને યુવા પેઢી આ ટ્રેનને ખૂબ પસંદ કરી રહી છે.
સાથીઓ,
આપણા દેશમાં પ્રાચીન કાળથી તીર્થયાત્રાનું કરવાનું પોતાનું આગવું મહત્વ રહ્યું છે અને તેનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે. બદ્રી વિશાળથી સેતુબંધ રામેશ્વરમ સુધીની યાત્રા, ગંગોત્રીથી ગંગાસાગર સુધીની યાત્રા, દ્વારકાધીશથી જગન્નાથપુરી સુધીની યાત્રા, બાર જ્યોતિર્લિંગની યાત્રા, ચાર ધામની યાત્રા, કૈલાશ માનસરોવરની યાત્રા, કાવડ યાત્રા, શક્તિપીઠોની યાત્રા, પંઢરપુર યાત્રા આજે પણ ભારતના ખૂણે ખૂણે કોઇને કોઇ યાત્રા નીકળી રહે છે અને લોકો તેમની સાથે શ્રદ્ધાથી જોડાતા રહે છે. તમિલનાડુમાં પણ ઘણી યાત્રાઓ પ્રસિદ્ધ છે. શિવસ્થલ પાદ યાત્તિરૈ, મુરુગનુક્કુ કાવડી યાત્તિરૈ, વૈષ્ણવ તિરુપા-પદિ યાત્તિરૈ, અમ્મન તિરુત્તલ યાત્તિરૈ, કેરળમાં સબરીમાલા યાત્રા હોય, આંધ્ર અને તેલંગાણામાં મેદારમમાં સમ્મક્કા અને સરાક્કાની યાત્રા હોય, નાગોબા યાત્રા આ બધામાં લાખો ભક્તો એકઠા થાય છે. અહીં બહુ ઓછા લોકો જાણતા હશે કે કેરળમાં ભગવાન રામ અને તેમના ભાઇઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના ધામની પણ યાત્રા કરવામાં આવે છે. આ યાત્રા નાલંબલમ યાત્રા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત, દેશમાં અનેક પરિક્રમા પણ ચાલતી જ રહે છે. ગોવર્ધન પરિક્રમા, પંચકોસી પરિક્રમા, ચૌરાસીકોસી પરિક્રમા, આવી યાત્રાઓ અને પરિક્રમાઓથી દરેક ભક્તનું ઇશ્વર સાથેનું જોડાણ મજબૂત થાય છે. બૌદ્ધ ધર્મમાં, ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળો ગયા, લુમ્બિની, કપિલવસ્તુ, સારનાથ, કુશીનગરની યાત્રાઓ કરવામાં આવે છે. રાજગીર બિહારમાં બૌદ્ધ અનુયાયીઓની પરિક્રમા હોય છે. જૈન ધર્મમાં પાવાગઢ, સમ્મેદ શિખરજી, પાલિતાણા, કૈલાસની યાત્રા હોય, શીખો માટે પંચ તખ્ત યાત્રા અને ગુરુ ધામ યાત્રા હોય, અરુણાચલ પ્રદેશમાં ઉત્તર પૂર્વમાં પરશુરામ કુંડની વિશાળ યાત્રા હોય, આ બધી જ યાત્રાઓમાં ભાગ લેવા માટે શ્રદ્ધાળુઓ સંપૂર્ણ શ્રદ્ધા સાથે એકઠા થાય છે. સદીઓથી દેશભરમાં ચાલી રહેલી આ યાત્રાઓ માટે એવી જ સંપૂર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. હવે અયોધ્યામાં થઇ રહેલા આ નિર્માણ કાર્યોથી અયોધ્યા ધામની યાત્રા અને અહીં આવનાર દરેક રામ ભક્ત માટે ભગવાનના દર્શન સરળ થઇ જશે.
સાથીઓ,
આ ઐતિહાસિક ક્ષણ, ખૂબ જ સદભાગ્યથી આપણા સૌના જીવનમાં આવી છે. આપણે દેશ માટે નવો સંકલ્પ લેવાનો છે, પોતાની જાતને નવી ઉર્જાથી ભરવાની છે. આના માટે 22 જાન્યુઆરીના રોજ તમે બધા જ તમારા ઘરોમાં, હું આખા દેશના 140 કરો દેશવાસીઓને આ અયોધ્યાની આ પવિત્ર ભૂમિ પરથી પ્રાર્થના કરું છું, હું અયોધ્યાની પ્રભૂ શ્રી રામની નગરીમાંથી પ્રાર્થના કરું છું, હું 140 કરોડ દેશવાસીઓને બે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો છુ કે, 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન થાય, ત્યારે તમે તમારા ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવોસ દિવાળીની ઉજવણી કરો. 22 જાન્યુઆરીની સાંજ સમગ્ર હિન્દુસ્તાનમાં ઝગમગી ઉઠવી જોઇએ. પરંતુ સાથે જ, મારી તમામ દેશવાસીઓને હાથ જોડીને એક વધુ વિનંતી પણ છે. દરેક વ્યક્તિની ઇચ્છા છે કે 22 જાન્યુઆરીના રોજ યોજાનારા કાર્યક્રમના સાક્ષી બનવા માટે તેઓ પોતે અયોધ્યા આવે, પરંતુ તમે એ પણ જાણો છો કે દરેક વ્યક્તિ માટે અહીં આવવું શક્ય નથી. દરેક માટે અયોધ્યા પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે અને તેથી હું તમામ રામ ભક્તો, દેશભરના રામ ભક્તો, ખાસ કરીને ઉત્તર પ્રદેશના રામ ભક્તોને મારા હાથ જોડીને પ્રણામ સાથે પ્રાર્થના કરું છું. મારી વિનંતી છે કે, એકવાર 22 જાન્યુઆરીના રોજ ઔપચારિક કાર્યક્રમ યોજાઇ જાય પછી 23 તારીખ બાદ તેઓ પોતાની અનુકૂળતા મુજબ અયોધ્યા આવે, 22મીએ અયોધ્યા આવવાની બહુ ઇચ્છા ન રાખશો. ભગવાન રામને ક્યારેય મુશ્કેલી પહોંચે એવું આપણે રામભક્તો ક્યારેય ન કરી શકીએ. ભગવાન રામજી પધારી રહ્યા છે, તો ચાલો આપણે પણ થોડા દિવસો રાહ જોઇ લઇએ, આપણે 550 વર્ષ સુધી રાહ જોઇ છે, હજુ થોડા દિવસ વધુ રાહ જોઇએ. અને તેથી સુરક્ષાના દૃષ્ટિકોણથી, વ્યવસ્થાના દૃષ્ટિકોણથી, હું તમને સૌને વારંવાર વિનંતી કરું છું કે કૃપા કરીને, કારણ કે પ્રભૂ શ્રી રામના દર્શન માટે હવે અયોધ્યામાં નવું, ભવ્ય અને દિવસ મંદિર આવનારી સદીઓ સુધી દર્શન માટે ઉપલબ્ધ છે. તમે જાન્યુઆરીમાં આવો, ફેબ્રુઆરીમાં આવો, માર્ચમાં આવો, એક વર્ષ પછી આવો, કે બે વર્ષ પછી આવો, મંદિર અહીંયા જ છે. આથી, 22 જાન્યુઆરીએ અહીં પહોંચવા માટે ભીડ-ભાડમાં આવવાનું તમે ટાળો જેથી અહીંની જે વ્યવસ્થા છે, મંદિરની વ્યવસ્થાના જે લોકો છે, મંદિરનું ટ્રસ્ટ છે, તેમણે આટલું પવિત્ર કાર્ય આપણા માટે કર્યું છે, તેમણે આટલી મહેનતથી કર્યું છે, છેલ્લા 3-4 વર્ષથી રાત-દિવસ કામ કર્યું છે, તેમને આપણા તરફથી કોઇ સમસ્યા ન થવી જોઇએ, અને તેથી હું આપ સૌને વારંવાર વિનંતી કરું છું કે 22મીએ અહીં પહોંચવાનો પ્રયાસ ન કરો. માત્ર અમુક લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે, તેઓ આવશે અને 23મી પછી તમામ દેશવાસીઓ માટે અહીં આવવાનું ખૂબ જ સરળ થઇ જશે.
સાથીઓ,
આજે મારો એક અનુરોધ અયોધ્યાના ભાઇઓ અને બહેનો માટે પણ છે. તમારે દેશ અને દુનિયાના અસંખ્ય અતિથિઓ માટે તૈયારી કરવી પડશે. હવે અયોધ્યામાં દરરોજ દેશ અને દુનિયામાંથી એકધારા લોકો આવતા રહેશે, લાખોની સંખ્યામાં લોકો અહીં આવવાના છે. તેઓ પોતપોતાની અનુકૂળતા મુજબ આવશે, કોઇ એક વર્ષમાં આવશે, કોઇ બે વર્ષમાં આવશે, કોઇ દસ વર્ષમાં આવશે પરંતુ લાખો લોકો આવશે. અને આ ક્રમ અનંતકાળ સુધી, અનંતકાળ સુધી ચાલુ જ રહેશે. આથી અયોધ્યાવાસીઓ, તમારે પણ એક સંકલ્પ લેવો પડશે. અને આ સંકલ્પ છે - અયોધ્યા નગરીને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો છે. આ સ્વચ્છ અયોધ્યાની જવાબદારી અયોધ્યાના રહેવાસીઓની છે. અને આ માટે આપણે સાથે મળીને દરેક પગલા ભરવા પડશે. આજે હું દેશના તમામ તીર્થસ્થાનો અને મંદિરોને મારી વિનંતીનું પુનરાવર્તન કરીશ. સમગ્ર દેશના લોકોને મારી વિનંતી છે. ભવ્ય રામ મંદિરના નિર્માણના નિમિત્ત એક અઠવાડિયા પહેલાં 14 જાન્યુઆરી, એટલે કે મકરસંક્રાંતિના દિવસથી સમગ્ર દેશના નાના-મોટા તમામ તીર્થસ્થળો પર સ્વચ્છતાનું એક વિશાળ અભિયાન શરૂ કરવું જોઇએ. દરેક મંદિર, હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં આપણે આ મંદિરોની સફાઇની અભિયાન મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ચલાવવું જોઇએ. ભગવાન રામ આખા દેશના છે અને હવે જ્યારે ભગવાન શ્રી રામજી આવી રહ્યા છે ત્યારે આપણું એક પણ મંદિર, આપણું એક પણ તીર્થ ક્ષેત્ર અને તેના પરિસરનો કોઇ જ વિસ્તાર અસ્વચ્છ ન હોવો જોઇએ, ક્યાંય પણ ગંદકી ન હોવી જોઇએ.
સાથીઓ,
થોડા સમય પહેલાં જ, મને અયોધ્યા નગરીમાં જ બીજું એક સૌભાગ્ય મળ્યું. આજે મને એ જણાવતા આનંદ થાય છે કે, મને ઉજ્જવલા ગેસ કનેક્શનના 10 કરોડમા લાભાર્થી બહેનના ઘરે જઇને ત્યાં ચા પીવાનો મોકો મળ્યો. જ્યારે અમે 1 મે 2016ના રોજ ઉત્તરપ્રદેશના બલિયાથી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી, ત્યારે કોઇએ કલ્પના પણ કરી ન હતી કે આ યોજના સફળતાની આટલી ઊંચાઇ સુધી પહોંચી જશે. આ યોજનાએ કરોડો પરિવારોનું, કરોડો માતાઓ અને બહેનોનું જીવન કાયમ માટે બદલી નાખ્યું છે, તેમને લાકડાના ધુમાડાથી મુક્તિ આપી છે.
સાથીઓ,
આપણા દેશમાં ગેસનું જોડાણ આપવાનું કામ 60-70 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે 6થી 7 દાયકા પહેલાં કરવામાં આવ્યું હતું. પરંતુ 2014 સુધી સ્થિતિ એવી હતી કે 50-55 વર્ષમાં ગેસના માત્ર 14 કરોડ જોડાણો આપવામાં આવ્યા હતા. એટલે કે પાંચ દાયકામાં માત્ર 14 કરોડ. જ્યારે અમારી સરકારે એક દાયકામાં 18 કરોડ નવા ગેસના જોડાણો આપી દીધા છે. અને આ 18 કરોડમાંથી 10 કરોડ ગેસ જોડાણો ઉજ્જવલા યોજના હેઠળ મફત આપવામાં આવ્યા છે. જ્યારે ગરીબોની સેવા કરવાની ભાવના હોય, જ્યારે નીતિ સારી હોય, ત્યારે આવી રીતે જ કામ થાય છે અને આ રીતે જ પરિણામો પણ મળે છે. આજકાલ કેટલાક લોકો મને પૂછે છે કે મોદીની ગેરંટીમાં આટલી તાકાત કેમ છે.
મોદીની ગેરંટીમાં આટલી તાકત હોય છે તેનું કારણ એ છે કે મોદી જે કહે છે, તે કરવા માટે તેમનું જીવન ખર્ચી નાખે છે. આજે દેશને મોદીની ગેરંટી પર એટલા માટે વિશ્વાસ છે... કારણ કે મોદી જે ગેરંટી આપે છે તેને પૂરી કરવા માટે રાત-દિવસ કામ કરી નાખે છે. આ અયોધ્યા નગરી પણ તેની સાક્ષી છે. અને આજે હું ફરી એકવાર અયોધ્યાની જનતાને ભરોસો આપીશ કે અમે આ પવિત્ર ધામના વિકાસમાં કોઇ જ કસર નહીં છોડીએ. શ્રી રામ આપણને સૌને આશીર્વાદ આપે, આ ઇચ્છા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ભગવાન શ્રી રામના ચરણોમાં હું વંદન કરું છું. અને આપ સૌને વિકાસના કાર્ય બદલ હું અભિનંદન પાઠવું છું. મારી સાથે બાલો -
જય સિયારામ!
જય સિયારામ!
જય સિયારામ!
ભારત માતાની જય!
ભારત માતાની જય!
ભારત માતાની જય!
ખૂબ ખૂબ આભાર!