કેબિનેટમાં મારા સહયોગી શ્રી રાજનાથ સિંહજી, શ્રીપદ યેસો નાયકજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપીન રાવતજી, ત્રણેય સેનાઓના ઉચ્ચ પદાધિકારીઓ, સંરક્ષણ સચિવ, નેશનલે કેડેટ કોર્પના ડાયરેક્ટર જનરલ, મિત્ર દેશોમાંથી પધારેલા અમારા મહેમાન અને દેશના ખૂણે ખૂણેથી અહીં ઉપસ્થિત રહેલા મારા યુવાન સાથીઓ.
સૌથી પહેલાં તો હું આપ સૌને આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગણતંત્ર દિવસની પરેડમાં અને આજના આ ઉત્તમ દેખાવની સાથે જ તમે દેશ માટે જે કામ કર્યા છે તે પ્રશંસનિય છે. ભલે તે સામાજીક સેવાનું કામ હોય કે પછી રમતગમતનું. તમે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે પણ પ્રશંસાપાત્ર છે.
આજના દિવસે જે સાથીઓને પુરસ્કાર મળ્યા છે તેમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શુભેચ્છાઓ આપું છું. યુથ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ આપણાં પડોશી દેશો, મિત્ર દેશોના જે અનેક કેડેટસ અહિંયા હાજર રહ્યા છે તેમનું પણ હું અભિવાદન કરૂં છું.
સાથીઓ,
દેશની યુવા શક્તિમાં શિસ્ત, દ્રઢ નિશ્ચય અને દેશ માટે ત્યાગની ભાવનાને મજબૂત કરવા માટે એનસીસી એક સશક્ત મંચ છે. આ ભાવનાઓ દેશના વિકાસની સાથે જ સીધી જોડાયેલી રહી છે.
જે દેશના યુવાનોમાં શિસ્ત હોય, દ્રઢ ઈચ્છાશક્તિ હોય, નિષ્ઠા હોય, લગાવ હોય તે દેશને ઝડપી ગતિથી વિકાસ હાંસલ કરતાં કોઈ રોકી શકતું નથી.
સાથીઓ,
આજે વિશ્વમાં આપણાં દેશની ઓળખ યુવાન દેશના રૂપમાં થાય છે. દેશના 65 ટકાથી વધુ લોકો 35 વર્ષથી ઓછી વયના છે. દેશ યુવાન છે તેનો આપણને ગર્વ છે, પરંતુ દેશની વિચારધારા પણ યુવાન છે. તે આપણી જવાબદારી હોવી જોઈએ અને યુવા વિચારધારાનો અર્થ શું થાય છે?
જે થાકેલા- હારેલા લોકો હોય છે તે વિચાર કરવા માટે સમર્થ હોતા નથી કે દેશ માટે કશુંક કરી છૂટવાનો ઈરાદો પણ ધરાવતા હોતા નથી. આવા લોકો કેવી રીતે વાતો કરે છે તે અંગે ક્યારેય તમે ધ્યાન આપ્યું છે? ચલો ભાઈ, જેવા છે તેવા છે, એડજેસ્ટ કરી લો !!!
ચાલો, અત્યારે કોઈપણ રીતે સમય વિતાવી લો !!!
ચાલો, આગળ જે થશે તે જોયું જશે !!!
આટલી જલ્દી શું છે, ટાળી દો ને, કાલે જોઈશું !!!
સાથીઓ,
જે લોકો આવી પ્રવૃત્તિના હોય છે તેમના માટે આવતી કાલ કદાપિ આવતી નથી.
આવા લોકોને માત્ર સ્વાર્થ જ દેખાય છે, પોતાનો સ્વાર્થ.
તમને ઘણી બધી જગાએ આવા વિચારો ધરાવતા લોકો મળી જશે.
આવી સ્થિતિને આજનું મારૂં યુવા ભારત, મારા ભારતના યુવાનો સ્વીકારવા માટે તૈયાર નથી. તે બેચેન બની રહ્યા છે અને વિચારી રહ્યા છે કે આઝાદીને આટલા બધા વર્ષો વીતી ગયા પરંતુ કેટલીક બાબતો એમના એમ ચાલી રહી છે. ક્યાં સુધી આપણે જૂની નિર્બળતાને પકડીને બેસી રહીશું?
જે લોકો બહાર જાય છે, દુનિયા જુએ છે અને પછી તેમને ભારતમાં દાયકાઓ જૂની સમસ્યાઓ નજરે પડે છે. આ લોકો આ સમસ્યાઓનો ભોગ બનવા તૈયાર નથી, તે દેશ બદલવા માંગે છે, પરિસ્થિતિ બદલવા માંગે છે. અને એટલા માટે જ નિશ્ચય કર્યો છે કે બોસ, હવે ટાળી શકાય તેમ નથી, હવે ટકરાવું પડશે, ઉકેલ લાવવો પડશે.
આ જ યુવા વિચારો છે, આ જ યુવા માનસ છે અને આ જ યુવા ભારત છે.
ભારતના આ યુવાનો કહી રહ્યા છે કે દેશને ભૂતકાળની જૂની બિમારીઓથી મુક્ત કરવાની અમારી સૌથી મહત્વની પ્રાથમિકતા હોવી જોઈએ.
આ જ યુવા ભારત કહી રહ્યું છે કે દેશના વર્તમાનને સુધારતા જતા તેનો પાયો મજબૂત કરતા જતા, તેજ ગતિથી વિકાસ થવો જોઈએ અને આ જ યુવા ભારત કહી રહ્યું છે કે દેશનો દરેક નિર્ણય, હવે પછી આવનાર પેઢીઓ માટે ઉજ્જવળ ભાવિની ગેરંટી આપનારો હોવો જોઈએ.
ભૂતકાળના પડકારો, વર્તમાનની જરૂરિયાતો અને ભવિષ્યની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણે આ ત્રણેય સ્તર પર એક સાથે કામ કરતાં રહેવું જોઈએ.
સાથીઓ,
તમે એનસીસી સાથે જોડાયા પછી આટલી બધી મહેનત કરો છો, જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે આવો છો, ભણતરની સાથે સાથે કલાકો સુધી ડ્રીલ અને પ્રેક્ટીસ કરો છો. આ બધું એક સાથે ચાલતું રહે છે. તમારી અંદર એક ઝનૂન છે કે ભણીશું અને દેશ માટે કશુંક કરી પણ છૂટીશું.
અને બહાર એવી સ્થિતિ જોવા મળે છે. ક્યારેક અહિંયા આતંકવાદી હુમલા થાય છે. એટલા બધા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે. ક્યારેક ક્યાંક નક્સલી કે માઓવાદીઓએ વિસ્ફોટથી સુરંગ ઉડાડી દીધી હોય છે. કેટલા જવાનો માર્યા ગયા ત્યારે કોઈ અલગતાવાદીએ ભાષણ આપ્યું છે, ક્યારેક ભારત વિરૂદ્ધ ઝેર ઓકે છે અને ક્યારેક તિરંગાનું અપમાન પણ કરે છે. આવી સ્થિતિને સ્વીકારવા માટે આપણે તૈયાર નથી, યુવા ભારત તૈયાર નથી. ન્યૂ ઈન્ડિયા તૈયાર નથી.
સાથીઓ,
ઘણી વખત કોઈ બિમારી લાંબા સમય સુધી સારી ના થાય તો તે શરીરનો એક હિસ્સો બની જાય છે. આપણાં રાષ્ટ્ર જીવનમાં પણ આવું જ થયું છે. આવી અનેક બિમારીઓએ દેશને એટલો બધો કમજોર બનાવી દીધો છે કે તેની વધુમાં વધુ ઉર્જા તેની સાથે રહેવામાં કે તેને દૂર કરવામાં વપરાતી હોય છે. હવે આવુ ક્યાં સુધી ચાલશે ? અને કેટલા વર્ષો સુધી આપણે આ માંદગીઓનો બોજ વેઠતા રહીશું ? અને કેટલા વર્ષ સુધી તેને ટાળતા રહીશું? તમે વિચાર કરો.
જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કાશ્મીરમાં સમસ્યા ઉભી થઈ હતી. તે સમસ્યાના ઉકેલ માટે શું કરવામાં આવ્યું? ત્રણ- ચાર પરિવાર અને ત્રણ- ચાર પક્ષ, પરંતુ તમામ લોકોનું જોર સમસ્યાઓને ખતમ કરવામાં નહીં, પણ સમસ્યાઓને પાળી પોષીને તેમને જીવંત રાખવામાં લાગેલું રહ્યું હતું. પરિણામ શું આવ્યું ? કાશ્મીરને આતંકી પ્રવૃત્તિઓએ ખતમ કરી નાંખ્યું. આતંકવાદના હાથે હજારો નિર્દોષ લોકો માર્યા ગયા.
તમે વિચારી શકો છો કે ત્યાં રહેતા લોકોને, લાખો લોકોને એક જ રાતમાં ઘર છોડીને હંમેશ હંમેશા માટે નિકળી જવાનું કહેવામાં આવે અને સરકાર કશું કરી શકે નહીં. આ આતંકીઓની હિંમત વધે તેવી સ્થિતિ હતી. સરકારને અને શાસન વ્યવસ્થાને કમજોર કરે તેવી આ સ્થિતિ હતી. શું કાશ્મીરને તે જે રીતે ચાલતું હતું તેવી જ રીતે જ ચાલવા દેવાય?
સાથીઓ,
જમ્મુ- કાશ્મીરમાં કલમ- 370 એવું કહીને અમલમાં લાવવામાં આવી હતી કે તે કામચલાઉ ધોરણે છે. બંધારણમાં પણ એવું જ લખવામાં આવ્યું હતું, પરંતુ દાયકાઓ વિતી ગયા, બંધારણમાં જે બાબત કામચલાઉ હતી તેને હટાવવાની હિંમત કોઈએ પણ દેખાડી નહીં.
કારણ એ જ હતું, વલણ પણ એ જ હતું, પોતાનું હિત અને પોતાના રાજકીય પક્ષનું હિત અને પોતાની વોટ બેંક સાચવવાની હોડ લાગી હતી.
શું આપણે આપણાં દેશના નવયુવાનોને એવું ભારત આપવા માંગીએ છીએ કે જેમાં કાશ્મીરમાં આતંકવાદ વકરતો રહે, તેમાં નિર્દોષ લોકો મરતા રહે, જેમાં તિરંગાનું અપમાન થતું રહે અને સરકાર તમાશો જોતી રહે.
નહીં, કાશમીર ભારતનો મુગટ મણિ છે. કાશ્મીર અને ત્યાંના લોકોને દાયકાઓ જૂની સમસ્યાઓમાંથી બહાર કાઢવા તે આપણી જવાબદારી હતી અને આપણે તે કરી બતાવ્યું છે. સાથીઓ, આપણે જાણીએ છીએ કે આપણાં પડોશી દેશ આપણી સાથેના ત્રણ ત્રણ યુદ્ધ હારી ચૂક્યું છે. આપણી સેનાઓએ તેમને ધૂળ ફાકતા કરી દેવામાં અઠવાડિયું કે 10 દિવસથી વધુ સમય લગાડ્યો નથી. આવી સ્થિતિમાં તે દાયકાઓથી ભારતની સાથે છૂપુ યુદ્ધ-પ્રોક્સી વૉર લડી રહ્યા છે અને આ પ્રોક્સી વૉરમાં ભારતના હજારો નાગરિકો માર્યા ગયા છે, પરંતુ આના માટે અગાઉ કેવી રીતે વિચારવામાં આવતું હતું ? તે લોકો વિચારતા હતા કે આ આતંકવાદ, આ આતંકી હુમલાઓ, બસમાં થતા ધડાકોઓ એ બધુ કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ છે !!!
આવી રીતે વિચારવાના કારણે બોમ્બ ધડાકા થતા હતા. આતંકી હુમલામાં અનેક લોકો મરી રહ્યા હતા. ભારત માતા લોહી લુહાણ થઈ જતી હતી, વાતો ઘણી કરવામાં આવી, ભાષણ પણ ઘણાં થયા, પરંતુ જ્યારે આપણી સેનાઓ પગલાં લેવા માટે કહેતી હતી ત્યારે તેમને ના કહેવામાં આવતી હતી. વાત ટાળવામાં આવતી હતી.
આજે યુવા વિચારધારા ચાલી રહી છે, યુવા માનસની સાથે દેશ આગળ વધી રહ્યો છે અને એટલા માટે જ તે સર્જીકલ સ્ટ્રાઈક કરે છે, એર સ્ટ્રાઈક પણ કરે છે અને આતંકની તરફેણ કરનારા લોકોને તેમના જ ઘરમાં જઈને પાઠ ભણાવે છે. તેનું પરિણામ શું આવ્યું તે તમે બધાં જોઈ રહ્યા છો.
આજે માત્ર જમ્મુ અને કાશ્મીરમાં જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ શાંતિ સ્થપાઈ છે. અલગતાવાદ, આતંકવાદને ખૂબ જ મર્યાદિત કરી દેવામાં આવ્યો છે.
સાથીઓ,
અગાઉ પૂર્વોત્તર સાથે જે પ્રકારની નીતિ અપનાવવામાં આવી હતી, જે રીતે તેમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો તે આપ સૌ સારી રીતે જાણો છો. દાયકાઓ સુધી ત્યાંના લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને ટાળવામાં આવી રહી હતી. માત્ર ત્યાંના લોકોને જ નહીં, ત્યાંની સમસ્યાઓને પણ, ત્યાંના પડકારોને પણ, પોતાની હાલત ઉપર છોડી દેવામાં આવ્યા હતા.
5- 5, 6 -6 દાયકાઓથી ત્યાંના અનેક વિસ્તારો ઉગ્રવાદથી પરેશાન હતા. પોતાની અલગ અલગ માંગણીઓને કારણે પૂર્વોત્તરમાં ઘણાં ઉગ્રવાદી સંગઠનો ઉભા થયા હતા. આ સંગઠનોને લોકશાહીમાં વિશ્વાસ હતો નહીં, તે એવું માનતા હતા કે હિંસાથી જ કોઈ માર્ગ નિકળશે. આ હિંસામાં હજારો નિર્દોષ લોકો અને હજારો સંરક્ષણ દળના લોકોનાં મોત થયા હતા. શું પૂર્વોત્તરને આપણે આવી જ હાલત ઉપર છોડી દઈ શકીઓ ? આ આપણાં સંસ્કાર નથી. આ આપણી કાર્ય સંસ્કૃતિ નથી. પૂર્વોત્તરના સંબંધમાં આજે અખબારોમાં એક મોટા સમાચાર આવ્યા છે. તમે પણ સમાચાર માધ્યમોમાં જોયું હશે. બોડો સમસ્યા બાબતે એક ખૂબ મોટી અને ઐતિહાસિક સમજૂતી થઈ છે.
હું તમને આગ્રહ કરીશ કે વિતેલા 5 થી 6 દાયકાઓમાં દેશના આવા વિસ્તારો અને ખાસ કરીને આસામે કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું? આ બધુ વાંચો, ટીવી પર સંશોધન કરો તો તમને ખ્યાલ આવશે કે ત્યાંના લોકોએ, ખાસ કરીને પૂર્વોત્તરના લોકોએ કેવી સ્થિતિનો સામનો કર્યો હતો? પરંતુ આવી સ્થિતિને બદલવા માટે કોઈ નક્કર પહેલ હાથ ધરવામાં આવી ન હતી. શું આપણે આ સ્થિતિને એમ જ ચાલવા દઈએ ? ના, કદાપિ નહીં.
અમે એક તરફ પૂર્વોત્તરના વિકાસ માટે અભૂતપૂર્વ યોજનાઓ હાથ ધરવાની શરૂઆત કરી અને બીજી તરફ ખૂબ જ ખૂલ્લા મનથી અને ખૂલ્લા દિલ સાથે તમામ સહયોગીઓ સાથે વાતચીત શરૂ કરી. બોડો સમજૂતિ આજે થઈ શકી છે તે તેનું જ પરિણામ છે.
થોડાંક દિવસ પહેલાં મિઝોરમ અને ત્રિપૂરાની વચ્ચે બ્રૂ જનજાતિ બાબતે થયેલી સમજૂતિ પણ તેનું જ પરિણામ છે. આ સમજૂતિ પછી બ્રૂ જનજાતિઓ સાથે સંકળાયેલી 23 વર્ષ જૂની સમસ્યાઓ બાબતે સમજૂતિ થઈ શકી છે.
યુવા ભારતની આ જ વિચારધારા છે. સૌને સાથે લઈને, સૌનો વિકાસ કરતાં કરતાં, સૌનો વિશ્વાસ હાંસલ કરીને અમે દેશને આગળ ધપાવી રહ્યા છીએ.
સાથીઓ,
આ દેશમાં કયો નાગરિક એવો હશે કે જે આપણી સેના, આધુનિક બને તેવું ઈચ્છતો નહીં હોય. સમર્થ બને તેવું ઈચ્છતો નહીં હોય અને એવું પણ ઈચ્છે નહીં કે દેશને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય નહીં. દરેક દેશ પ્રેમી આવું જ ઈચ્છે, દરેક રાષ્ટ્ર ભક્ત આવું જ ઈચ્છે.
પરંતુ, તમે કલ્પના કરી શકો છો કે 30 વર્ષ કરતાં વધુ સમયથી આપણાં દેશની વાયુ સેનામાં એક પણ નવા યુગનું ફાઈટર પ્લેન આવ્યું ન હતું.
જૂના થતા જતા આપણા વિમાનો અકસ્માતોનો ભોગ બનતા હતા, આપણાં ફાયટર પાઈલોટો શહિદ થતા રહ્યા, પરંતુ જે લોકો ઉપર નવા વિમાન ખરીદવાની જવાબદારી હતી તેમને જાણે કે કોઈ જ ચિંતા ન હતી. શું આપણે આવી જ રીતે ચાલવા દેવાય? શું આપણે આવી જ રીત વાયુ સેનાને કમજોર થતી જોઈ શકાય?
નહીં,
ત્રણ દાયદાથી જે કામ લટકેલું પડ્યું હતું તે અમે શરૂ કરાવ્યું. આજે મને એ બાબતનો સંતોષ છે કે દેશને ત્રણ વર્ષ સુધી પ્રતિક્ષા કર્યા પછી નવા યુગના ફાયટર પ્લેન પ્રાપ્ત થયા છે. રફાલ મળી ગયા છે. ખૂબ જલ્દી તે ભારતના આકાશમાં ઉડવા માંડશે.
સાથીઓ,
તમે તો યુનિફોર્મમાં બેઠા છો. તમે એ બાબત વધુ સમજી શકશો કે યુનિફોર્મ પોતાની સાથે કેટલા બધા કર્તવ્યો સાથે આવે છે. આ કર્તવ્યોને નિભાવવા માટે આપણાં જવાનો સીમા ઉપર, દેશની અંદર, ક્યારેક ક્યારેક આતંકવાદીઓ સાથે અને ક્યારેક ક્યારેક નક્સલવાદીઓ સાથે મોરચો સંભાળતા હોય છે. તમે વિચારી તો જુઓ કે તેમની પાસે જો બુલેટપ્રુફ જેકેટ ના હોય તો તેમનું શું થાય? પરંતુ આપણે ત્યાં એવી સરકારો હતી કે જેમને જવાનોને બુલેટપ્રુફ જેકેટ આપવામાં પણ તકલીફ પડતી હતી. 2009થી આપણાં જવાનો બુલેટપ્રુફ જેકેટ માંગતા રહ્યા હતા, પરંતુ તે વખતના શાસકોએ તેમની વાત ધ્યાન પર લીધી જ ન હતી. શું આપણો જવાન, આવી રીતે જ આતંકીઓની, નક્સલવાદીઓની ગોળીઓનો શિકાર થતો રહેશે? તેણે દેશ માટે મરી મિટવાના સોગંદ લીધા છે, પરંતુ તેમનો અમૂલ્ય જીવ આપણાં માટે પણ એટલો જ કિંમતી છે. અને એટલા માટે જ સરકારે જવાનો માટે પૂરતી સંખ્યામાં જેકેટ ખરીદવાનો તો આદેશ તો આપ્યો જ, પણ સાથે સાથે હવે તો ભારત અન્ય દેશોને બુલેટપ્રુફ જેકેટની નિકાસ કરવા તરફ આગળ વધી રહ્યો છે.
સાથીઓ,
તમારામાંથી ઘણાં કેડેટસ એવા હશે કે જેમના પરિવારમાંથી કોઈને કોઈ સેનામાં હશે. તમે જ્યારે કોઈને મળો ત્યારે ગૌરવ સાથે કહો છો કે મારા પપ્પા, અથવા મારા કાકા, અથવા મારા ભાઈ કે મારી બહેન સેનામાં છે.
સેનાના જવાનો તરફ આપણાં મનમાં સ્વાભાવિક રીતે જ ગૌરવની ભાવના પેદા થતી હોય છે. દેશ માટે તે આટલું બધુ કરે છે કે તેમને જોતાં જ આપણી અંદર તેમના માટે સન્માનની ભાવના ઉદ્દભવે છે, પરંતુ તેમની વન રેન્ક, વન પેન્શનની 40 વર્ષ જૂની વાત, ફરીથી કહી રહ્યો છું, ધ્યાનથી સાંભળજો, વન રેન્ક વન પેન્શનની તેમની 40 વર્ષ જૂની માંગણીને અગાઉની સરકારો પૂરી કરી શકી ન હતી. આ અમારી સરકાર છે કે જેણે 40 વર્ષ જૂની માંગણી પૂરી કરી છે અને વન રેન્ક, વન પેન્શન લાગુ કરી દીધું છે.
સાથીઓ,
સરહદો પર આપણાં જે જવાનો ફરજ બજાવે છે તે માત્ર દેશની સરહદની જ નહીં, દેશના લોકોની જ નહીં, દેશના સ્વાભિમાનની પણ રક્ષા કરતા હોય છે. કોઈપણ સ્વતંત્ર દેશની પ્રથમ ઓળખ તેનું સ્વાભિમાન હોય છે. દેશના સ્વાભિમાનનું રક્ષણ કરનારા આપણાં વીર સૈનિકો માટે આઝાદી પછી તરત જ નેશનલ વૉર મેમોરિયલ ઉભુ કરવાની વાત શરૂ થઈ હતી. આ રીતે દેશની આંતરિક સુરક્ષા જાળવી રાખવા માટે પોતાનો જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ મેમોરિયલ બનાવવાની માંગ પણ દાયકાઓથી ચાલી આવતી હતી. શું કોઈ કલ્પના કરી શકે છે કે આ એક કામ માટે 50- 50 વર્ષ સુધી, 60-60 વર્ષ સુધી પ્રતિક્ષા કરવી પડે તે કેવી વિચાર પદ્ધતિ છે. કેવા રસ્તા પર આ લોકો દેશને લઈ જઈ રહ્યા હતા. કેટલાક લોકોએ ભારતના શહિદોને ભૂલી જવાનું પાપ કરવાની કોશિષ પણ કરી છે, દેશના સેના, સુરક્ષાદળોનું સ્વાભિમાન, તેમનું આત્મ ગૌરવ વધારવાના બદલે તેમના સ્વાભિમાન પર પ્રહાર કરવામાં આવ્યો છે. શું એનસીસીના અહિં બેઠેલા કેડેટસ આ વાત સાથે સંમત થશે?
આપણી યુવા વિચારધારા, આપણું યુવા મન જે ઈચ્છતું હતું તેવું જ અમારી સરકારે કર્યું છે. આજે દિલ્હીમાં નેશનલ વૉર મેમોરિયલ પણ છે અને નેશનલ પોલીસ મેમોરિયલ પણ છે.
સાથીઓ,
આજે સમગ્ર વિશ્વમાં અલગ અલગ સ્તરે સૈન્ય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે હવે હાથી- ઘોડા પર બેસીને લડાઈ જીતી શકાતી નથી. આધુનિક યુદ્ધમાં જળ, સ્થળ, આકાશ અને આપણું સૈન્ય, આપણું નૌકા દળ અને આપણું વાયુ દળ સંકલન કરીને જ આગળ વધે છે.
વર્ષોથી દેશમાં એ પ્રકારની ચર્ચા થઈ રહી હતી કે ત્રણેય સેનાઓમાં એકરૂપતા આગળ વધારવા માટે, સંકલન આગળ વધારવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ- સીડીએસની નિમણૂંક કરવામાં આવે, પરંતુ કમનસીબે આ બાબતે ચર્ચાઓ જ થઈ રહી હતી. ફાઈલ એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફરતી રહી હતી. કોઈએ પણ નિર્ણય કર્યો ન હતો. વિચાર પદ્ધતિ પણ એવી જ હતી- શું ફાયદો થયો ? ચાલતું જ રહ્યું છે ને !!!
સાથીઓ,
ડિપાર્ટમેન્ટ ઓફ મિનિસ્ટ્રી એફેર્સની રચના, સીડીએસના પદની રચના, સીડીએસના પદ ઉપર નિમણુંક, આ બધા કામો પણ અમારી સરકારે જ કર્યા છે. તે યુવા વિચાર સાથે કહેતી રહે છે કે હવે ટાળો નહીં, હવે નિર્ણય કરો.
અને તમે પણ ધ્યાન રાખો.એક વત્તા એક વત્તા એકનો સરવાળો જો ત્રણ થતો હોય તોસીડીએસની નિમણુક થયા પછી, હવે એક વત્તા એક વત્તા એક હવે એકસો અગીયાર થઈ જાય છે.
સાથીઓ,
તમે કલ્પના કરી શકો છો કે શું કોઈ દેશ, પોતાના હકકનું પાણી આવી રીતે વહી જતું કઈ રીતે જોઈ શકે, પરંતુ ભારતમાં આવું જ થઈ રહ્યું હતું. ભારતનો ખેડૂત પાણીની અછતથી પરેશાન હતો ત્યારે દેશનું પાણી વહીને પાકિસ્તાન જઈ રહ્યું હતું. કોઈએ પણ આ પાણી રોકીને ભારતના ખેડૂતને આપવાની હિંમત જ બતાવી નથી. અમે પાકિસ્તાન તરફ જતું પાણી રોકવાનો નિર્ણય કર્યો છે અને એ બાબતે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારતના હકકનું પાણી હવે ભારતમાં જ રહેશે.
સાથીઓ,
જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે વિભાજન કોની સલાહથી થયું હતું, કોના સ્વાર્થને કારણે થયું હતું, શું જે લોકો આઝાદ ભારતનું સુકાન સંભાળતા હતા તે વિભાજન માટે તૈયાર હતા. હું આ બાબતે વિસ્તારપૂર્વક વાત કરવા માંગતો નથી.
તમે સારા પુસ્તકો વાંચશો, પૂર્વગ્રહથી મુક્ત ઈતિહાસકારોના લેખો વાંચશો તો તમને સાચી વાતની ખબર પડશે, પણ આજે આ સમયે નાગરિકતા સુધારા વિધેયકની બાબતે એટલો બધો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની સચ્ચાઈ દેશના યુવકોએ જાણવી જરૂરી છે.
સાથીઓ, આઝાદી આવ્યા પછી જ સ્વતંત્ર ભારતે પાકિસ્તાનમાં, બાંગ્લા દેશમાં, અફઘાનિસ્તાનમાં રોકાઈ ગયેલા હિંદુઓ, શીખો અને અન્ય લઘુમતિઓને એવું વચન આપ્યું હતું કે જો જરૂરિયાત ઉભી થશે તો તે ભારત પરત આવી શકે છે, ભારત તેમને પડખે ઉભુ રહેશે.
આવી જ ઈચ્છા ગાંધીજીની પણ હતી. 1950માં આવી જ ભાવના સાથે નહેરૂ અને લિયાકત વચ્ચે સમજૂતિ થઈ હતી. આ દેશોમાં જે લોકો પર તેમના ધર્મના કારણે અત્યાચાર થયા હતા તેવા લોકોને શરણ આપવાની ભારતની જવાબદારી છે અને ભારતની નાગરિકતા પણ આપવી જોઈએ. આ વિષય બાબતે આવા હજારો લોકો સામેથી મોં ફેરવી લેવામાં આવ્યું છે.
આવા લોકો સાથે થયેલા ઐતિહાસિક અન્યાયને રોકવા માટે ભારતે આપેલા જૂના વચનોને પૂરા કરવા માટે આજે જ્યારે અમારી સરકાર નાગરિકતા સુધારા ધારો લઈને આવી છે, આવા લોકોને ભારતની નાગરિકતા આપી રહી છે ત્યારે કેટલા રાજકિય પક્ષો પોતાની વોટ બેંક ઉપર કબજો જમાવવાની સ્પર્ધામાં ઉતરી આવ્યા છે. આખરે કોના હિત માટે આ લોકો કામ કરી રહ્યા છે ? શું આ લોકોને પાકિસ્તાનમાં લઘુમતિઓ પર થઈ રહેલા અત્યાચાર દેખાતા નથી? માત્ર ધર્મને કારણે જ પાકિસ્તાનમાં તેમની દિકરીઓ ઉપર જે અત્યાચાર થાય છે, તેમની ઉપર જુલમ થાય છે, તેમના અપહરણ કરવામાં આવે છે. શું આ બધી બાબતોને ખોટી પાડવા માટે આ લોકો તૈયાર થયા છે?
સાથીઓ,
આમાંથી ઘણાં બધા લોકો દલિતોનો અવાજ બનવાનો ઢોંગ કરી રહ્યા હતા. આ એ જ લોકો છે કે જે લોકોને પાકિસ્તાનમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર દેખાતા નથી. આ લોકો એ બાબત ભૂલી જાય છે કે પાકિસ્તાનમાંથી જે લોકો ધાર્મિક અત્યાચારને કારણે ભાગીને ભારત આવ્યા છે તેમાંના ઘણાં બધા લોકો દલિત જ છે.
સાથીઓ,
થોડાંક સમય પહેલાં પાકિસ્તાનમાં ત્યાંની સેનાએ એક જાહેર ખબર છપાવી હતી. આ જાહેર ખબર સેનામાં સફાઈ કર્મચારીઓની ભરતી માટેની હતી. આ વિજ્ઞાપનમાં શું લખ્યું હતું તે તમને ખબર છે ?
એમાં લખ્યું હતું કે સફાઈ કર્મચારી તરીકે જે લોકો મુસ્લિમ નહીં હોય એ લોકો જ અરજી કરી શકશે. આનો અર્થ એ થયો કે વિજ્ઞાપન કોના માટે હતી ? કોણે લખી હતી ? આપણાં આ દલિત ભાઈ-બહેનો માટે હતી. તેમને કેવી નજરથી જોવામાં આવે છે, પાકિસ્તાનની આ જ સ્થિતિ છે.
સાથીઓ,
વિભાજન થયું તે વખતે લોકો ભારત છોડીને ચાલ્યા ગયા હતા, પરંતુ અહિંથી ગયા પછી આ લોકો તેમની અહિંની સંપત્તિ ઉપર પણ અધિકારો ચાલુ રાખી રહ્યા હતા.
આપણાં શહેરોની વચ્ચે ઉભેલી લાખો કરોડો રૂપિયાની આ સંપત્તિઓ ઉપર ભારતનો હક્ક હોવા છતાં તે સંપત્તિઓ દેશના કામમાં આવતી ન હતી. દાયકાઓ સુધી એનીમી પ્રોપર્ટી વિધેયકને લટકાવેલું રાખવામાં આવ્યું હતું. જ્યારે અમે લોકો તેને અમલી બનાવવા માટે સંસદમાં લઈ આવ્યા ત્યારે કાયદો મંજૂર કરાવવા માટે અમારે લોઢાના ચણા ચાવવા પડ્યા હતા.
હું ફરી વખત પૂછું છું કે કોના હિત માટે આવું કરવામાં આવ્યું હતું? જે લોકો નાગરિકતા સુધારા ધારાનો વિરોધ કરવા નિકળ્યા છે તે જ લોકો એનીમી પ્રોપર્ટી કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
સાથીઓ,
વિભાજન થયું તે પછી ભારત અને તે સમયના પૂર્વ પાકિસ્તાન, આજના બાંગ્લાદેશની વચ્ચે કેટલાક વિસ્તારોમાં સીમા વિવાદ ચાલતો આવતો હતો. આ વિવાદને ઉકેલવા માટે પણ કોઈ નક્કર પગલાં લેવાતા ન હતા. જો સરહદ જ વિવાદ ધરાવતી હોય તો પછી ઘૂસણખોરી કઈ રીતે રોકી શકાય?
પોતાના અંગત હિત માટે વિવાદને લટકાવેલો રાખવો, ઘૂસણખોરો આવી શકે તે માટે રસ્તાને ખૂલ્લો મૂકી દેવો, પોતાની રાજનીતિ ચાલુ રાખવું વગેરે આપણાં દેશમાં ચાલી રહ્યું હતું.
એ અમારી સરકાર છે કે જેણે બાંગ્લા દેશ સાથેનો સીમા વિવાદ ઉકેલ્યો. અમે બે મિત્ર દેશોએ સાથે મળીને સામ સામે બેસીને વાત કરી. એક બીજાને સાંભળ્યા, એક બીજાને સમજ્યા અને વધુ એક ઉકેલ મેળવી શકાયો, જેમાં બંને દેશો સહમત થયા. મને સંતોષ છે કે આજે માત્ર સીમા વિવાદ જ ઉકલ્યો નથી, પણ ભારત અને બાંગ્લા દેશ વચ્ચેના સંબંધો પણ ઐતિહાસિક સ્તર પર છે. અમે બંને સાથે મળીને ગરીબી સામે લડત આપી રહ્યા છીએ.
સાથીઓ,
ભારતનું વિભાજન થયું તે સમયે કાગળ ઉપર એક રેખા દોરવામાં આવી હતી અને તે રીતે દેશના ભાગલા પાડી દેવાયા હતા. કાગળ ઉપર દોરવામાં આવેલી એ રેખાના કારણે ગૂરૂદ્વારા કરતારપુર સાહિબ આપણાંથી દૂર થઈ ગયું હતું અને તેને પાકિસ્તાનનો એક હિસ્સો બનાવી દેવામાં આવ્યું હતું.
કરતારપુર ગુરૂ નાનકની ભૂમિ હતી. કરોડો દેશવાસીઓની આસ્થા આ પવિત્ર સ્થળ સાથે જોડાયેલી હતી. શા માટે તેને છોડી દેવામાં આવ્યું ? જ્યારે પાકિસ્તાનના 90 હજાર સૈનિકોને કેદી બનાવાયા હતા ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછુ કરતારપુર સાહિબ તો અમને પાછું આપો. પરંતુ એ પણ થઈ શક્યું નહીં. દાયકાઓથી શીખ શ્રધ્ધાળુઓ એવી પ્રતિક્ષામાં હતા કે તેમને આસાનીથી કરતારપુર જવાની તક પ્રાપ્ત થાય. તે ગુરૂ ભૂમિના દર્શન કરી શકે. કરતારપુર કોરિડોર બનાવીને આ કામ અમારી સરકારે કર્યું છે.
સાથીઓ,
શ્રી રામ જન્મ ભૂમિનો કેસ અદાલતમાં દાયકાઓ સુધી લટકતો રહ્યો. તેની પાછળ આ લોકોની વિચારણા કામ કરી રહી હતી. પોતાના રાજકીય સ્વાર્થ માટે મહત્વના વિષયોને લટકાવી રાખો, દેશના લોકોને ભટકાવો, આ લોકો અદાલતોના આંટા એટલા માટે મારતા હતા કે કોઈપણ રીતે સુનાવણીને ટાળવામાં આવે. અદાલત નિર્ણય ના સંભળાવે. કેવા કેવા ઉપાયો અપનાવવામાં આવ્યા તે દેશે જોયું છે. તેમની તમામ ચાલ અમારી સરકારે ખૂલ્લી પાડી દીધી છે. આ લોકો જે પત્થર ફેંકતા હતા તે હટાવી દેવાયા છે અને આજે આટલા મહત્વના અને સંવેદનશીલ કેસનો ચૂકાદો પણ આવી ગયો છે.
સાથીઓ,
દાયકાઓ જૂની સમસ્યાઓ ઉકેલી રહેલી અમારી સરકારના નિર્ણયો ઉપર જે લોકો સાંપ્રદાયિકતાનો રંગ ચડાવવા માંગે છે તેમના અસલી ચહેરા પણ દેશ જોઈ ચૂક્યો છે અને જોઈ રહ્યો છે.
હું ફરીથી કહીશ કે દેશ જોઈ રહ્યો છે, સમજી રહ્યો છે, ચૂપ છે, પરંતુ બધી બાબતો સમજે છે. વોટ બેંક માટે કેવી રીતે દાયકાઓ સુધી આ લોકોએ મનઘડત જૂઠાણાં ફેલાવ્યા હતા તે પણ દેશ જાણી ગયો છે.
સમાજના અલગ અલગ સ્તર પર બેઠેલા લોકો હવે સારી રીતે ખૂલ્લા પડી ગયા છે. દરરોજ કરવામાં આવતા તેમના નિવેદનો તેમની વિચાર પદ્ધતિને ખૂલ્લી પાડી રહ્યા છે.
આ એ લોકો છે કે જેમણે પોતાના અંગત હિતને હંમેશા દેશ હિતથી ઉપર ગણ્યું છે. આવા લોકોએ વોટ બેંકનું રાજકારણ રમીને સમસ્યાઓને દાયકાઓ સુધી ઉકેલવા દીધી નથી.
સાથીઓ,
આપ કેડેટસનો જન્મ થયો તેના પણ ઘણાં વર્ષ પહેલાં, આ 1985-86ની વાત છે. જ્યારે દેશની સૌથી મોટી અદાલતે, આપણી સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ મહિલાઓને દેશની અન્ય બહેન- દિકરીઓની જેમ જ અધિકાર આપતો ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો હતો, પરંતુ આ લોકોએ સર્વોચ્ચ અદાલતના નિર્ણયને ઉલટાવી નાંખ્યો. આટલા વર્ષોમાં જે હજારો, લાખો મુસ્લિમ બહેન- દિકરીઓની જીંદગી નર્ક બની ગઈ. શું આ લોકો તે માટે ગૂનેગાર નથી ? હા, બિલકુલ ગૂનેગાર છે.
આ લોકોની તુષ્ટીકરણની આવી રાજનીતિને કારણે જ મુસ્લિમ બહેન- દિકરીઓ દાયકાઓ સુધી ત્રિપલ તલ્લાકના ભયથી મુક્તિ મેળવી શકી ન હતી, પરંતુ દુનિયાના અનેક મુસ્લિમ દેશો પોતાને ત્યાં ત્રિપલ તલ્લાક ઉપર પ્રતિબંધ લગાવી ચૂક્યા હતા, પરંતુ ભારતમાં આ લોકોએ એવું થવા દીધુ નહીં.
વિચારધારા એવી હતી કે બદલાઈશું નહીં અને બદલાવા દઈશું પણ નહીં.
એટલા માટે આ દેશે એ લોકોને જ બદલી નાંખ્યા. આ અમારી સરકાર છે કે જેણે ત્રિપલ તલાક વિરૂદ્ધ કાયદો બનાવ્યો છે. મુસ્લિમ મહિલાઓને નવા અધિકાર આપ્યા છે.
સાથીઓ,
જે દિલ્હીમાં આ આયોજન થઈ રહ્યું છે, તે જ દિલ્હીમાં, દેશની રાજધાનીમાં આઝાદી પછી લાખો વિસ્થાપિતોને વસાવવામાં આવ્યા છે. સમયની સાથે સાથે લાખો લોકો દિલ્હી આવ્યા છે અને વસ્યા છે. તેમને ઘરના માલિકીપણાંનો હક્ક મળ્યો ન હતો. કહેવામાં તો ઘર તેમનું હતું, પરંતુ કાનૂની દ્રષ્ટિએ નહીં. આવા 40 લાખથી વધુ લોકોની માંગ એવી હતી કે તેમને પોતાના ઘરની માલિકીનો હક્ક તો આપવામાં આવે, પરંતુ દાયકાઓ સુધી તેમની માંગણી ઉપર ધ્યાન આપવામાં ના આવ્યું. જ્યારે અમારી સરકારે પ્રયાસ કર્યો તો તેમાં પણ પત્થરો ફેંકવાનું કામ કર્યું.
આ યુવા ભારતની વિચારધારા છે, નૂતન ભારતની વિચારધારા છે, જેણે દિલ્હીના 40 લાખ લોકોના જીવનમાંથી તેમની સૌથી મોટી ચિંતા દૂર કરી છે. અમારા નિર્ણયનો લાભ હિંદુઓને થશે અને મુસ્લિમોને પણ થશે. શીખોને થશે અને ખ્રિસ્તીઓને પણ થશે.
સાથીઓ,
અમારા માટે દરેક દેશવાસીનું મહત્વ છે અને એવી જ વિચારધારા સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આસામમાં જે બ્રૂ-રિયાંગ જનજાતિનો ઉલ્લેખ મેં અગાઉ કર્યો હતો તેને પોતાની હાલત ઉપર છોડી દેવામાં આવ્યા હતા. હવે તેમને પણ પોતાના જીવનની સૌથી મોટી ચિંતાથી અમારી સરકારે મુક્ત કર્યા છે. આ લોકોએ મિઝોરમથી ભાગીને ત્રિપૂરામાં શરણ લેવી પડી હતી. વર્ષોથી આ લોકો વિસ્થાપિત તરીકે જીવન જીવી રહ્યા હતા. રહેવાનું કોઈ ઠેકાણું ન હતું અને તેમના બાળકોનું પણ કોઈ ભાવિ ન હતું. અગાઉની સરકારો તેમની સમસ્યાઓ હલ કરવાનું ટાળી રહી હતી. અમે બધા લોકોને સાથે લીધા અને એક ઉકેલ શોધી કાઢ્યો. આગામી વર્ષોમાં સરકાર બ્રૂ- રિયાંગ જનજાતિનું જીવન આસાન બનાવવા માટે રૂ. 600 કરોડનો ખર્ચ કરવાની છે.
સાથીઓ,
અહિંયા બેઠેલો દરેક નવયુવાન ઈચ્છતો હશે કે દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય. ભ્રષ્ટાચાર આપણાં દેશની સાધન સંપત્તિને ઉધઈની જેમ ચાટતો રહ્યો છે. તેણે અમીરને વધુ અમીર બનાવ્યા છે અને ગરીબને વધુ ગરીબ બનાવ્યા છે. એટલે સુધી કે દેશના પ્રધાનમંત્રીએ પણ એક વખત કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ માટે જો રૂ.1 મોકલે છે તો માત્ર 15 પૈસા જ તે ગરીબ સુધી પહોંચે છે. આવી જ હાલત હતી, પરંતુ તેને બદલવા માટે શું કરવામાં આવ્યું ? માત્ર ખાના પૂરવામાં આવ્યા, ઈમાનદારીનો કેવળ દેખાવ કરવામાં આવ્યો અને ઈમાનદારી સાથે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની કોઈ કોશિષ પણ કરવામાં ના આવી.
અમારી સરકારે જનધન, આધાર અને મોબાઈલની શક્તિ વડે, આધુનિક ટેકનોલોજીની સહાયથી આ પ્રકારના ભ્રષ્ટાચારને ઘણી હદ સુધી નિયંત્રિત કરી દીધો છે. અમારી સરકારે આવું કરીને 1 લાખ 70 હજાર કરોડથી વધુ રકમ ખોટા લોકોના હાથમાં જતી રોકી છે.
સાથીઓ,
1988માં દેશમાં એક કાયદો બન્યો હતો. બેનામી સંપત્તિ વિરૂદ્ધ દેશની સંસદે આ કાયદો મંજૂર કર્યો હતો, પરંતુ 28 વર્ષ સુધી આ કાયદાને લાગુ જ કરવામાં ના આવ્યો. બેનામી સંપત્તિ વિરૂદ્ધના આ કાયદાને આ લોકોએ પસ્તીની ટોપલીમાં નાંખી દીધો હતો.
આ અમારી સરકાર છે કે જેણે બેનામી સંપત્તિ કાયદો લાગુ તો કર્યો અને સાથે સાથે હજારો કરોડની ગેરકાયદે સંપત્તિ આ કાયદા હેઠળ જપ્ત કરવામાં આવી ચૂકી છે. હું તમને વધુ એક સવાલ કરવા માંગુ છું, કારણ કે તેનો જવાબ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. તમારા ઘરમાં જેટલી વધારે રસોઈ થાય છે તેટલી જગામાં 400 થી 500 લોકો આવી શકે ? નહીં ને !!!
સારૂં, શું રસોઈની એટલી જગામાં 2000, 3000 લોકો સમાઈ શકે છે? નહીં ને !!!
મને પણ ખબર છે, પરંતુ દેશમાં કાગળ પર આવા જ કામ થઈ રહ્યા હતા. રસોઈ થઈ શકે તેટલી જગામાં ચાર- ચાર સો, પાંચ- પાંચ સો, કંપનીઓ ચાલી રહી હતી. કાગળ ઉપર આ કંપનીઓના ઘણાં બધા કર્મચારીઓ પણ હતા. આવી કંપનીઓ કોના કામમાં આવતી હતી. અહીંનું કાળુ નાણું ત્યાં અને ત્યાંનું કાળુ નાણું અહિયા. આ જ તેમનું કામ હતું. અમારી સરકારે આવી સાડા ત્રણ લાખથી વધુ સંદિગ્ધ શેલ કંપનીઓ બંધ કરાવી દીધી છે. આ કામ પહેલાં પણ થઈ શકે તેમ હતું, પણ નિયતનો અભાવ હતો. એ યુવા ભારતની વિચારધારા ન હતી. અમે સમસ્યાઓનો ઉકેલ આવે તેવું ઈચ્છીએ છીએ અને તે લોકો સમસ્યાને લટકાવી રાખવા માંગતા હતા.
જીએસટી હોય કે ગરીબોને અનામત આપવાનો નિર્ણય હોય. બળાત્કારના જઘન્ય અપરાધોમાં ફાંસીનો કાયદો હોય, અમારી સરકાર આ યુવા વિચારધારા સાથે લોકોની વર્ષો જૂની માંગ સંતોષવાનું કામ કરી રહી છે.
સાથીઓ,
20મી સદીની 50 વર્ષ અને 21મી સદીના 15 થી 20 વર્ષ સુધી આપણને દાયદાઓ જૂની સમસ્યાઓ સાથે જીવવાની આદત પડી ગઈ હતી.
કોઈ પણ દેશ માટે આવી સ્થિતિને યોગ્ય ગણી શકાય નહીં. આપણે ભારતના લોકો આવું થવા દેવા માંગતા નથી. અમારૂં એ કર્તવ્ય છે કે અમે તમને જીવતા જીવ આ સમસ્યાઓથી દેશને મુક્ત કરીશું.
અમે આપણી આવનારી પેઢીઓને આવી સમસ્યાઓમાં ગૂંચવીને રાખીશું તો દેશના ભવિષ્ય સાથે અન્યાય થશે. અમે એવું થવા દઈશું નહીં. અને એટલા માટે જ આવનારી પેઢીઓ માટે દેશના યુવાનોના ભલા માટે અમે તમામ રાજનીતિક પ્રપંચોનો સામનો કરી રહ્યા છીએ. હું આ લોકોના તમામ કાવત્રાંને નિષ્ફળ બનાવી રહ્યો છું કે જેથી દેશ સફળ થઈ શકે. હું તમામ ટીકા, તમામ ગાળો, સામે આવીને સાંભળી લેવા તૈયાર છું કે જેથી અમારી આવનારી પેઢીઓને આવી સ્થિતિમાંથી પસાર થવું પડે નહીં.
હું દરેક ગાળ માટે, દરેક ટીકા માટે, દરેક જુલ્મ સહન કરવા માટે તૈયાર છું, પરંતુ દેશને આવી પરિસ્થિતિઓમાં અટકાવી રાખવા માટે તૈયાર નથી.
આજકાલ એવો પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવી રહ્યો છે કે, વિદેશી સમાચાર માધ્યમો પોતાના જેવા લોકો દ્વારા તે ફેલાવી રહ્યા છે કે અમારી સરકારે જે નિર્ણયો કર્યા છે કે તેનાથી મોદીની પ્રતિષ્ઠાને નુકશાન થઈ શકે. મોદી આવી વાતો માટે જન્મ્યો નથી. આવા લોકો બદલાતા જતા ભારતને સમજી શક્યા નથી. તેમના દબાણોનો સામનો કરતાં કરતાં મારા વર્ષો વિતી ગયા છે. આ લોકો જેટલી પોતાની જાતને સમજી શક્યા નથી તેનાથી વધુ તેમની નસ નસને અને દરેક તિકડમથી હું પરિચીત છું. આથી આ લોકો કોઈ ભ્રમમાં ના રહે.
સાથીઓ,
અનેક સમસ્યાઓની બેડીમાં જકડાયેલો આ દેશ કેવી રીતે આગળ વધી શકશે ?
અમે સમસ્યાઓનો ઉકેલ તો લાવી જ રહ્યા છે અને સાથે સાથે બેડીઓ પણ તોડી રહ્યા છીએ.
આ દેશને અમે જ મજબૂત બનાવ્યો છે અને અમે જ તેને વિકાસની નવી ઉંચાઈ ઉપર પહોંચાડવાના છીએ.
વર્ષ 2022માં આપણે જ્યારે આપણી આઝાદીના 75 વર્ષની ઉજવણી કરીશું ત્યારે આવી અનેક સમસ્યાઓથી દેશને હંમેશા હંમેશા માટે મુક્ત કરવા માંગીએ છીએ.
આઝાદી પછી પણ ચાલી આવી રહેલી આ સમસ્યાઓથી મુક્તિ આ દાયકામાં નવા ભારતને સશક્ત બનાવશે.
જ્યારે દેશ જૂની સમસ્યાઓને દૂર કરીને આગળ વધશે ત્યારે જ દેશનું સામર્થ્ય પણ ખિલી ઉઠશે. ભારતની ઉર્જા જ્યાં વપરાવી જોઈએ ત્યાં જ વપરાશે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતે, યુવા ભારતે ઘણી મોટી ભૂમિકા ભજવવાની છે. આપણે ભારતની અર્થ વ્યવસ્થાને એક નવી ઉંચાઈ પર લઈ જવાની છે. આપણે સાથે મળીને એક આત્મનિર્ભર, સશક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત ભારતની રચના કરવાની છે.
સાથીઓ, વર્ષ 2022 એટલો મોટો અવસર છે, એ દાયકો એટલો મોટો અવસર છે કે તેની સૌથી મોટી તાકાત આપણી યુવા ઉર્જા છે. એ ઉર્જાએ હંમેશા દેશને જાળવ્યો છે અને આ જ ઉર્જા આ દાયકામાં પણ દેશને સંભાળશે.
આવો, કર્તવ્ય પથ ઉપર આગળ વધો.
સમસ્યાઓના સમાધાનની સાથે સાથે આગળ વધો, હવે રાષ્ટ્ર નિર્માણની ઘણી નવી મંજીલો આપણી પ્રતિક્ષા કરી રહી છે. આ મંજીલો ઉપર આપણે સાથે મળીને પહોંચીશું, જરૂરથી પહોંચીશું. એવા વિશ્વાસની સાથે હું મારી વાત પૂર્ણ કરૂં છું. મેં તમારો ઘણો વધુ સમય લીધો છે. ફરી એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ.
ભારત માતા કી જય !!!
જય હિંદ !!!