આજે, જમ્મુ અને કાશ્મીરના તેજસ્વી યુવાનો માટે, આપણા દીકરાઓ અને દીકરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આજે જમ્મુ-કાશ્મીરમાં 20 અલગ-અલગ જગ્યાએ સરકારમાં કામ કરવા માટે 3,000 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવી રહ્યા છે. આ નવયુવાનોને PWD, આરોગ્ય વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, પશુપાલન, જલ શક્તિ, શિક્ષણ- સંસ્કૃતિ જેવા વિવિધ વિભાગોમાં સેવા કરવાનો અવસર પ્રાપ્ત થવા જઇ રહ્યો છે. આજે નિમણૂત પત્ર મેળવી રહેલા તમામ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ રોજગાર મેળાનું આયોજન કરવા બદલ હું શ્રી મનોજ સિંહાજી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. મને જાણ કરવામાં આવી છે કે, આવનારા દિવસોમાં અન્ય વિભાગોમાં પણ 700થી વધુ નિમણૂક પત્રો આપવાની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. જે લોકોને આનો લાભ મળવાનો છે અને તે પણ થોડા દિવસોમાં થઇ જશે માટે તેમને પણ હું અગાઉથી મારી શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ,
21મી સદીનો આ દાયકો, જમ્મુ-કાશ્મીરના ઇતિહાસનો સૌથી મહત્વપૂર્ણ દાયકો છે. હવે જૂના પડકારોને પાછળ છોડી દઇને નવી સંભાવનાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો સમય આવ્યો છે. મને ખુશી છે કે જમ્મુ-કાશ્મીરના નવયુવાનો પોતાના પ્રદેશના વિકાસ માટે, જમ્મુ-કાશ્મીરના લોકોના વિકાસ માટે મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે. આ આપણા જ યુવાનો જમ્મુ-કાશ્મીરમાં વિકાસની નવી ગાથા લખશે. આથી, આજે આ પ્રદેશમાં રોજગાર મેળાનું આયોજન ખૂબ જ વિશેષ બની ગયું છે.
સાથીઓ,
વિકાસની ઝડપી ગતિ માટે આપણે નવા અભિગમ સાથે, નવી વિચારસરણી સાથે કામ કરવું પડશે. જમ્મુ અને કાશ્મીર હવે નવી વ્યવસ્થાઓમાં, પારદર્શક અને સંવેદનશીલ પ્રણાલીઓમાં સતત વિકાસને આગળ વધારી રહ્યું છે. મને જણાવવામાં આવ્યું છે કે 2019થી અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ 30 હજાર સરકારી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. તેમાંથી લગભગ 20 હજાર નોકરીઓ પર તો છેલ્લા દોઢ વર્ષમાં જ ભરતી કરવામાં આવી છે. આ આવકાર્ય કામગીરી છે, અભિનંદનને પાત્ર કામગીરી છે. હું વિશેષરૂપે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર ભાઇશ્રી મનોજ સિન્હાજી અને તેમની સમગ્ર ટીમનો તેમજ પ્રદેશના પ્રશાસનની સંપૂર્ણ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 'યોગ્યતાથી રોજગાર'નો મંત્ર, જે તેમણે અનુસર્યો છે, તે રાજ્યના યુવાનોમાં નવો આત્મવિશ્વાસ જગાડી રહ્યો છે.
સાથીઓ,
છેલ્લા 8 વર્ષ દરમિયાન રોજગાર અને સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે. 22 ઓક્ટોબરથી દેશના અલગ અલગ ભાગોમાં યોજવામાં આવી રહેલા 'રોજગાર મેળા'ની આ એક કડી છે. આ અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ચરણમાં આગામી કેટલાક મહિનામાં 10 લાખ કરતાં વધુ નિમણૂક પત્રો સોંપવામાં આવશે. જમ્મુ અને કાશ્મીર જેવા વિવિધ રાજ્યો પણ આ અભિયાન સાથે જોડાયેલા હોવાથી આ સંખ્યામાં હજુ પણ વધારો થવા જઇ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં રોજગારીમાં વૃદ્ધિ કરવા માટે અમે અહીં વ્યવસાયના માહોલનું પણ વિસ્તરણ કર્યું છે. અમારી નવી ઔદ્યોગિક નીતિ અને વ્યવસાય સુધારણા એક્શન પ્લાનના કારણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો માર્ગ મોકળો થયો છે. આના કારણે અહીં રોકાણને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં રોકાણમાં વધારો થવાથી યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થઇ રહી છે. અહીં વિકાસ સાથે સંકળાયેલી વિવિધ પરિયોજનાઓ પર જે ગતિએ કામ થઇ રહ્યું છે, તેનાથી અહીંની સમગ્ર અર્થવ્યવસ્થા બદલાઇ જશે. આમ, અમે કાશ્મીર સાથે ટ્રેન દ્વારા કનેક્ટિવિટી માટે ઝડપથી કામ કરી રહ્યા છીએ. શ્રીનગરથી શારજાહ સુધીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે. જમ્મુ-કાશ્મીરથી રાત્રે પણ વિમાનોએ ઉડવા ભરવાનું શરૂ કરી દીધું છે. કનેક્ટિવિટીમાં વધારો થવાથી અહીંના ખેડૂતોને પણ ઘણો ફાયદો થયો છે. જમ્મુ-કાશ્મીરના સફરજનના ખેડૂતો માટે હવે તેમની ઉપજ બહાર મોકલવાનું ઘણું સરળ થઇ ગયું છે. સરકાર જે રીતે ડ્રોન દ્વારા પરિવહનને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે, તેવામાં અહીં ફળનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ વિશેષ મદદ મળવાની છે.
સાથીઓ,
જમ્મુ-કાશ્મીરમાં જે રીતે માળખાકીય સુવિધાઓનો વિકાસ થઇ રહ્યો છે, જે રીતે કનેક્ટિવિટી વધી રહી છે, તેનાથી પર્યટન ક્ષેત્ર પણ મજબૂત બન્યું છે. આપણે જોયું છે કે, કેવી રીતે આ વખતે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવતા પર્યટકોની સંખ્યામાં વિક્રમી પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં આજે જે રીતે રોજગાર અને સ્વ-રોજગારની નવી તકો ખુલી છે, તેની થોડા વર્ષો પહેલાં તો કોઇએ કલ્પના પણ કરી ન હતી. અમારો પ્રયાસ એવો છે, કે સરકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી કોઇપણ ભેદભાવ વિના પહોંચે. અમે તમામ વર્ગો, તમામ લોકો સુધી વિકાસનો સમાન લાભ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ. સર્વગ્રાહી વિકાસના આ મોડલથી સરકારી નોકરીઓની સાથે સાથે રોજગારના અન્ય વિકલ્પો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં આરોગ્ય અને શિક્ષણ સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓને મજબૂત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. 2 નવી એઇમ્સ, 7 નવી મેડિકલ કોલેજ, 2 રાજ્ય કેન્સર સંસ્થાઓ અને 15 નર્સિંગ કોલેજો શરૂ થવાથી અહીં પ્રતિભાવાન લોકો માટે વધુ નવી તકો ઊભી થશે.
સાથીઓ,
જમ્મુ-કાશ્મીરના લોકોએ હંમેશા પારદર્શિતા પર ભાર મૂક્યો છે, પારદર્શિતાની પ્રશંસા કરી છે. આજે આપણા જે દીકરાઓ અને દીકરીઓ, જે નવયુવાનો સરકારી સેવાઓમાં આવી રહ્યા છે, તેમણે પારદર્શિતાને પોતાની પ્રાથમિકતા બનાવવી પડશે. હું, પહેલાં જ્યારે પણ જમ્મુ અને કાશ્મીરના લોકોને મળતો હતો, ત્યારે મેં હંમેશા તેમની એક પીડા અનુભવી હતી. આ પીડા એ હતી કે - સિસ્ટમમાં ભ્રષ્ટાચાર છે. જમ્મુ અને કાશ્મીરના લોકોને ભ્રષ્ટાચારથી નફરત છે. આનાથી તેઓ કંટાળી ગયા છે. હું મનોજ સિંહાજી અને તેમની ટીમની પણ પ્રશંસા કરવા માંગું છુ કે તેઓ ભ્રષ્ટાચારના રોગને નાબૂદ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. જે નવયુવાનો હવે પ્રદેશની સરકારનો હિસ્સો બની રહ્યા છે તેમની જવાબદારી છે કે તેઓ પારદર્શિતાના પ્રયાસોને, ઇમાનદારીપૂર્વકના શાસના પ્રયાસોને મનોજસિંહાજીના સાચા સાથી બનીને નવી ઉર્જા આપે. મને પૂરો વિશ્વાસ છે કે આજે જે યુવાનોને આજે નિમણૂક પત્ર મળી રહ્યો છે, તેઓ નવી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવશે. જમ્મુ-કાશ્મીર દરેક ભારતીયનું ગૌરવ છે. આપણે સાથે મળીને જમ્મુ અને કાશ્મીરને નવી ઊંચાઇએ લઇ જવાનું છે. આપણી સમક્ષ 2047ના વિકસિત ભારતનું વિરાટ લક્ષ્ય પણ છે, જેને પરિપૂર્ણ કરવા માટે આપણે દૃઢ સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં જોડાવું પડશે. ફરી એકવાર, હું જમ્મુ અને કાશ્મીરના દીકરાઓ અને દીકરીઓને તેમના જીવનના આ નવા શુભારંભ બદલ, નવી શરૂઆત બદલ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર.