મહાનુભાવો,
નમસ્કાર!
હું આ પહેલને યથાવત રાખવા બદલ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલનો આભાર માનું છું. ''લોકશાહી માટે શિખર સંમેલન'' એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં લોકતંત્ર અનુભવ શેર કરે છે અને એકબીજાથી શીખે છે.
મહાનુભાવો,
હવેથી થોડાં જ અઠવાડિયાઓમાં દુનિયા ભારતમાં લોકતંત્રના સૌથી મોટા ઉત્સવનું સાક્ષી બનશે. લગભગ એક અબજ મતદારો મતદાન કરે તેવી અપેક્ષાની સાથે, માનવજાતના ઇતિહાસમાં આ સૌથી મોટી ચૂંટણી કવાયત હશે. ભારતના લોકો ફરી એકવાર લોકશાહીમાં વિશ્વાસ વ્યક્ત કરશે. ભારતમાં લોકશાહીની પ્રાચીન અને અખંડ સંસ્કૃતિ છે. તે ભારતીય સંસ્કૃતિનું પ્રાણ-રક્ત રહ્યું છે. સર્વસંમતિનું નિર્માણ, મુક્ત સંવાદ અને મુક્ત ચર્ચા એ ભારતના સમગ્ર ઇતિહાસમાં ગુંજતી રહી છે. આ જ કારણ છે કે મારા સાથી નાગરિકો ભારતને લોકશાહીની જનની માને છે.
મહાનુભાવો,
છેલ્લા એક દાયકામાં ભારત '' સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ'' એટલે કે સર્વસમાવેશક વિકાસ માટે સામૂહિક પ્રયાસોના મંત્ર સાથે આગળ વધ્યું છે. સમાજના તમામ વર્ગો, ખાસ કરીને ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો સુધી પહોંચવું એ સર્વસમાવેશકતાની સાચી ભાવનામાં અમારી ટોચની પ્રાથમિકતા રહી છે. અમે કામગીરી-આધારિત શાસનમાં પરિવર્તિત થઈ ગયા છીએ, જ્યાં અછત, ભ્રષ્ટાચાર અને ભેદભાવનું સ્થાન પારદર્શકતા, જવાબદારી અને તકએ લીધું છે. આ પ્રયાસોમાં ટેકનોલોજીએ એક મહાન સક્ષમકર્તા તરીકે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની ઝડપી પ્રગતિએ જાહેર સેવા પ્રદાન કરવામાં ક્રાંતિ લાવી છે અને નાણાકીય સર્વસમાવેશકતામાં વધારો કર્યો છે. યુવાનો અને ટેકનોલોજીની તાકાત પર સવાર થઈને ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ તરીકે વિકસિત થઈ છે. તળિયાના સ્તરે 1.4 મિલિયનથી વધુ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ મહિલા સંચાલિત વિકાસ માટે પરિવર્તનના અમારા એજન્ટ છે.
મહાનુભાવો,
આજે ભારત માત્ર પોતાના 1.4 અબજ લોકોની આકાંક્ષાઓને જ પૂર્ણ નથી કરી રહ્યું, પરંતુ દુનિયાને એ આશા પણ પૂરી પાડી રહ્યું છે કે, જે લોકતંત્ર આપે છે, લોકતંત્ર સશક્ત બનાવે છે. જ્યારે ભારતીય સંસદે મહિલા ધારાસભ્યો માટે ઓછામાં ઓછું એક તૃતીયાંશ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે કાયદો પસાર કર્યો, ત્યારે તેણે લોકશાહી વિશ્વભરની મહિલાઓને આશા આપી. જ્યારે ભારતે છેલ્લાં 10 વર્ષમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાં હતાં, ત્યારે તેણે સકારાત્મક પરિવર્તનનાં એજન્ટ તરીકે લોકશાહીમાં વૈશ્વિક વિશ્વાસને મજબૂત કર્યો હતો. જ્યારે ભારતે 150 થી વધુ દેશોને કોવિડ દવાઓ અને રસી પહોંચાડી હતી, ત્યારે તે લોકશાહીની ઉપચાર શક્તિને પ્રતિબિંબિત કરે છે. જ્યારે ભારતે ચંદ્રયાનને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતાર્યું હતું, ત્યારે તે ભારત માટે માત્ર ગર્વની ક્ષણ જ નહોતી, પરંતુ તે લોકશાહીની પણ જીત હતી. જ્યારે ભારતે તેના જી-20 પ્રેસિડેન્સી દરમિયાન વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથને વિસ્તૃત કર્યું હતું, ત્યારે તેણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સલાહકાર નિર્ણય લેવાનું મહત્વ દર્શાવ્યું હતું. હવે જ્યારે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે અગ્રેસર છે, ત્યારે તે વિશ્વના લાખો લોકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશા જન્માવે છે. ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ કરી રહ્યું છે, ત્યારે તે દર્શાવે છે કે લોકશાહી આકાંક્ષા, પ્રેરણા અને સિદ્ધિ મેળવી શકે છે.
મહાનુભાવો,
અશાંતિ અને સંક્રમણના યુગમાં, લોકશાહીને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. આ માટે આપણે સાથે મળીને કામ કરવું જરૂરી છે. લોકશાહી દેશોએ આંતરરાષ્ટ્રીય પ્રણાલીઓ અને સંસ્થાઓને વધુ સર્વસમાવેશક, લોકશાહી, સહભાગી અને ન્યાયી બનાવવાના પ્રયત્નોનું નેતૃત્વ કરવું જોઈએ. આવા સહિયારા પ્રયાસો દ્વારા જ આપણે આપણા લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકીશું. અને, અમે આવનારી પેઢીઓ માટે એક સુરક્ષિત, સ્થિર અને સમૃદ્ધ ભવિષ્યનો પાયો પણ નાખીશું. ભારત આ પ્રયાસમાં તમામ સાથી લોકશાહીઓ સાથે પોતાનો અનુભવ શેર કરવા માટે તૈયાર છે.
આભાર.