મંત્રીમંડળના મારા તમામ સહયોગીઓ, રાજ્ય સરકારોના પ્રતિનિધિ, સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા સાથીઓ અને ખાસ કરીને  ઉત્તર-પૂર્વના દૂર દૂરના વિસ્તારો સાથે જોડાયેલા સાથીદારો, દેવીઓ અને સજ્જનો. 

બજેટ રજૂ થયા પછી બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને લાગુ કરવાની દિશામાં આપ સૌ સહયોગીઓ સાથે સંવાદ કરવો તે  સ્વંય એક મહત્વની બાબત છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ અમારી સરકારની નીતિ અને કામગીરીનું  મૂળભૂત પરિણામ સૂત્ર છે. આજનો વિષય "Leaving no citizen behind" એ પણ આ સૂત્રમાંથી બહાર આવ્યો છે.  આઝાદીના અમૃતકાળ માટે  આપણે જે સંકલ્પો લીધા છે, તે સૌના પ્રયાસથી જ સિધ્ધ થઈ શકે તેમ છે.  સબકા પ્રયાસ ત્યારે જ શકય બની શકે છે જ્યારે સૌનો વિકાસ થાય છે. દરેક વ્યક્તિ, દરેક વર્ગ, દરેક ક્ષેત્રને વિકાસનો પૂરો લાભ મળશે. એટલા માટે જ વિતેલાં 7 વર્ષમાં  આપણે દેશના દરેક નાગરિક  અને દરેક ક્ષેત્રનું સામર્થ્ય વધારવા માટે સતત પ્રયાસ કરી રહયા છીએ. દેશના ગામડાં અને ગરીબને પાકાં ઘર, ટોયલેટસ, ગેસ, વીજળી, પાણી, સડક, જેવી પાયાની સુવિધા સાથે જોડવાની યોજનાઓ પાછળનો ઈરાદો આ જ છે. દેશને એમાં ઘણી સફળતા  પણ મળી છે, પણ હવે સમય છે આ યોજનાઓની સંતૃપ્તિનો અને તેનો 100 ટકા લક્ષ્ય હાંસલ કરવાનો. તેના માટે આપણે નવી વ્યૂહરચના પણ અપનાવવી પડશે. મોનિટરીંગ માટે, ઉત્તરદાયિત્વ માટે, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને  નવી વ્યવસ્થાઓને વિકસિત કરવી પડશે.  આપણે પૂરી તાકાત લગાવી દેવી પડશે.

સાથીઓ,

આ બજેટમાં સરકાર તરફથી સંતૃપ્તિ (saturation)નું એક મોટુ લક્ષ્ય  પ્રાપ્ત કરવા માટે એક સ્પષ્ટ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. બજેટમાં પીએમ આવાસ યોજના, ગ્રામીણ સડક યોજના, જલજીવન મિશન,  ઉત્તર ભારતની કનેક્ટિવિટી, ગામડાઓમાં બ્રોડબેન્ડની કનેક્ટિવિટી, આવી દરેક યોજના માટે જરૂરી જોગવાઈ કરવામાં આવી છે. આ ગ્રામીણ વિસ્તારો, ઉત્તર પૂર્વના સરહદી વિસ્તારો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં  સુવિધાઓની સંતૃપ્તિ તરફ આગળ વધવાનો જ હિસ્સો છે. બજેટમાં જે વાયબ્રન્ટ વિલેજ યોજનાની જાહેરાત કરવામાં આવી છે તે આપણાં  સરહદી જિલ્લાઓ માટે ખાસ મહત્વ ધરાવે છે.  પ્રધાનમંત્રીના ઉત્તર- પૂર્વ વિસ્તાર માટે વિકાસની પહેલ એટલે કે પીએમ ડિવાઈન નોર્થ ઈસ્ટમાં સમય મર્યાદાની અંદર યોજનાઓનો સો ટકા લાભ મળે તેની ખાતરી રાખવાનું ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. 

સાથીઓ,

ગામડાંના વિકાસમાં ત્યાં  ઘર અને જમીનની યોગ્ય સીમાઓ નક્કી કરવાનું ખૂબ જ આવશ્યક બની રહે છે. સ્વામિત્વ યોજનાથી તેમાં ઘણી  મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં આ યોજનામાં 40 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ જારી કરી દેવામાં આવ્યાં છે. જમીનના રેકર્ડની નોંધણી માટે  એક નેશનલ સિસ્ટમ અને  એક યુનિક આઈડેન્ટીફિકેશન પીન એક મોટી સુવિધા બની રહેશે. મહેસૂલ વિભાગ ઉપર ગામડાંના સામાન્ય માનવીએ ખૂબ ઓછામાં ઓછો આધાર રાખવો પડે તેની આપણે ખાતરી રાખવાની છે.

લેંડ રેકોર્ડના ડિજિટાઈઝેશન અને ડિમાર્કેશન સાથે જોડાયેલા ઉપાયોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા તે આજની જરૂરિયાત છે. હું સમજુ છું કે તમામ રાજ્ય સરકારો જો નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરીને કામ કરશે તો ગામડાંના વિકાસને ખૂબ ગતિ મળશે. ગામડામાં માળખાકીય સુવિધાઓની યોજનાઓની ગતિ વધારીશું  અને ગામડામાં બિઝનેસની પ્રવૃત્તિને પણ પ્રોત્સાહિત કરીશું.  અલગ અલગ યોજનાઓમાં 100 ટકા લક્ષ્ય હાંસલ કરવા માટે આપણે નવી ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે કે જેના કારણે ઝડપથી આ યોજનાઓ પૂરી થાય અને ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરવામાં ના આવે.

સાથીઓ,

આ વર્ષના બજેટમાં પીએમ આવાસ યોજના  માટે 48 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ વર્ષે 80 લાખ ઘર બનાવવાનો જે લક્ષ્યાંક છે તેને પણ નિર્ધારિત સમયમાં પૂરો કરવા માટે ઝડપથી કામ કરવાનું રહેશે. આપ સૌ જાણો છો કે આજે દેશનાં 6 હજાર શહેરોમાં પોસાય તેવા આવાસો માટે નવી ટેકનોલોજીનો પ્રયોગ કરીને 6 લાઈટહાઉસ પ્રોજેકટસ ઉપર કામ ચાલી રહ્યુ છે. આ પ્રકારની ટેકનોલોજીનો ગામડાંના ઘરમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના ઉપાયો અંગે એક સાર્થક અને  ગંભીર ચર્ચા કરવી આવશ્યક છે. ગામડાંમાં અને પહાડી વિસ્તારોમાં ઉત્તર પૂર્વમાં સડકોની જાળવણી કરવી તે પણ એક મોટો પડકાર હોય છે. સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અનુસાર લાંબો સમય ટકી શકે તેવી સામગ્રીની ઓળખ અને તેવા ઉપાયોની પણ ખૂબ જરૂરિયાત છે.

સાથીઓ,

જલ જીવન મિશન હેઠળ આપણે આશરે ચાર કરોડ પાણીનાં જોડાણો આપવાનો લક્ષ્યાંક આપણે નક્કી કર્યો છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે તમારે તમારી મહેનતમાં વધુ વધારો કરવો પડશે. મારે દરેક રાજયની સરકારને પણ એવો આગ્રહ છે કે જે પાઈપલાઈન બિછાવવામાં આવી રહી છે, જે પાણી આવી રહ્યું છે તેની ગુણવત્તા ઉપર પણ આપણે ઘણું ધ્યાન આપવાની જરૂર છે. ગામડાંના સ્તરે લોકોમાં એક માલિકી ભાવ ઉભો થાય, પાણીની વ્યવસ્થા જાળવવાની ભાવનાને બળ મળે તે પણ આ યોજનાનું એક લક્ષ્ય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે વર્ષ 2024 સુધી દરેક ઘર સુધી નળનું પાણી પહોંચાડવાનું છે.

સાથીઓ,

ગામડાંની ડિજિટલ કનેક્ટિવીટી એ હવે માત્ર મહેચ્છા જ નથી, પણ વર્તમાન સમયની જરૂરિયાત છે. બ્રોડબેન્ડ કનેક્ટિવીટીથી ગામડાંને સુવિધાઓ તો મળશે જ, પણ સાથે સાથે ગામડામાં કૌશલ્ય ધરાવતા યુવકોનો એક મોટો સમૂહ તૈયાર કરવામાં સહાય થશે. ગામડાંમાં બ્રોડબેન્ડ કનેક્ટિવીટીથી જ્યારે સર્વિસ સેકટરનું વિસ્તરણ થશે ત્યારે દેશના સામર્થ્યમાં વધુ વૃધ્ધિ થશે. ઓપ્ટિકલ ફાયબર કનેક્ટિવીટીમાં જો કોઈ તકલીફ નડી રહી હોય તો તેને ઓળખીને તેના ઉપાયો આપણે શોધવાના રહેશે. જે જે ગામડાંઓમાં કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યાં ગુણવત્તા અને તેના યોગ્ય ઉપયોગ તરફ જાગૃતિ ફેલાવવાનું પણ એટલું જ જરૂરી બની રહેશે. 100 ટકા પોસ્ટ ઓફિસોને કોર બેંકીંગ સિસ્ટમમાં લાવવાનો નિર્ણય પણ એક મોટુ કદમ છે. જનધન યોજનાના કારણે નાણાકીય સમાવેશિતાનું અભિયાન આપણે શરૂ કર્યું છે તેને સંતૃપ્તિ તરફ પહોંચાડવામાં આ કદમથી બળ મળશે.

સાથીઓ,

ગ્રામીણ વ્યવસ્થાનો એક મોટો આધાર આપણી માતૃ શક્તિ છે, આપણી મહિલા શક્તિ છે. નાણાકીય સમાવેશિતાથી આર્થિક નિર્ણયો લેવામાં પરિવારોમાં મહિલાઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરાઈ છે. સ્વસહાય જૂથોના માધ્યમથી મહિલાઓની આ ભાગીદારીનું વધુ વિસ્તરણ કરવાની જરૂર છે. આપણે ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ સ્ટાર્ટઅપ કેવી રીતે લઈને જઈએ તે માટે પણ તમારે પોતાના પ્રયાસો વધારવાના રહેશે.

સાથીઓ,

આ બજેટમાં જાહેર કરવામાં આવેલા તમામ કાર્યક્રમો આપણે સમય મર્યાદામાં કેવી રીતે પૂરા કરી શકીએ તે તમામ મંત્રાલયો, તમામ સહયોગીઓ સાથે સમન્વય કરીને સુનિશ્ચિત કરી શકીએ છીએ. આ વેબીનારમાં આ બાબતે વિસ્તૃત ચર્ચા થાય તે અપેક્ષિત છે. મને વિશ્વાસ છે કે ''Leaving no citizen behind''નું લક્ષ્ય આવા જ પ્રયાસોથી પૂર્ણ થઈ શકશે.

મારો એવો પણ આગ્રહ છે કે આ પ્રકારની સમીટમાં આપણે સરકાર તરફથી જ વધુ બોલાય તેમ ઈચ્છતા નથી પરંતુ અમે તમને સાંભળવા માંગીએ છીએ. અમે તમારા અનુભવો અંગે જાણવા માંગીએ છીએ. આપણે આપણાં ગામડાંની ક્ષમતા કેવી રીતે વધારી શકીએ તે અંગે પહેલાં તો વહિવટી દ્રષ્ટિથી તમે વિચાર કરો કે ગામડાંની અંદર જે સરકારની એજન્સીઓ છે તેની કોઈને કોઈ ભૂમિકા હોય છે. ગામના સ્તરે બે- ચાર કલાક એક સાથે બેસીને જે તે ગામના લોકોએ સાથે મળીને શું થઈ શકે તે અંગે ક્યારેય ચર્ચા કરી છે? હું લાંબો સમય સુધી રાજ્યમાં મુખ્યમંત્રી રહીને આવ્યો છું. મારો અનુભવ છે કે આપણને એવી ટેવ નથી. એક દિવસ ખેતી વિભાગનો માણસ જશે, તો બીજા દિવસે સિંચાઈ વિભાગનો માણસ જશે, ત્રીજા દિવસે આરોગ્ય વિભાગની વ્યક્તિ જશે અને ચોથા દિવસે શિક્ષણ વિભાગામાંથી કોઈ વ્યક્તિ જશે, છતાં તેમને એક બીજા વ્યક્તિ અંગે કોઈ જ ખબર નહીં હોય. શું તે ગામમાં કોઈ એક દિવસ નક્કી કરીને જેટલી સંબંધિત એજન્સીઓ છે તે એક સાથે બેસે અને ગામના લોકો સાથે બેસે, ગામની ચૂંટાયેલી પાંખ સાથે બેસીને નિર્ણય કરે કે આજે આ ગામમાં પૈસાની એટલી સમસ્યા નથી કે જેટલી સમન્વય કરીને લાભ લેવા અંગેની છે.

હવે તમે વિચારો, રાષ્ટ્રિય શિક્ષણ નીતિ અને ગ્રામ વિકાસને શું લેવા- દેવા છે. હવે તમે વિચાર કરો કે રાષ્ટ્રિય શિક્ષણ નીતિનો એક વિષય એવો છે કે તમે સ્થાનિક હુન્નરને તેમના બાળકો સાથે  પરિચિત કરવાના હોય છે. તમે સ્થાનિક વિસ્તારોમાં પ્રવાસ કરવા જાવ ત્યારે આવો વિચાર કરી શકીએ છીએ કે આપણાં જે વાયબ્રન્ટ સરહદી ગામો છે તેમની કલ્પના કરો. તે બ્લોકમાં જે શાળા છે તેની ઓળખ કરો. ક્યાંક ધોરણ-8 સુધીના બાળકો છે તો ક્યાંક ધોરણ-9 સુધી બાળકો છે, તો ક્યાંક ધોરણ-10 સુધી બાળકો છે. બે દિવસ અને એક રાત્રિ માટે ત્યાં રોકાણ કરો. જે છેલ્લું ગામ છે તેનો પ્રવાસ કરો અને ગામડાંને જુઓ. ગામડાંના વૃક્ષોને જુઓ, ત્યાં લોકોનું જીવન જુઓ, વાયબ્રન્સી આવવાની શરૂઆત થઈ જશે. તાલુકા કેન્દ્રથી આવનારૂ બાળક ચાલીસ, પચાસ કે 100 કિ.મી.નું અંતર કાપીને છેલ્લા સરહદી ગામે જશે, પોતાની સરહદ જોશે. હવે તો શિક્ષણનો આ કાર્યક્રમ આપણાં વાયબ્રન્ટ બોર્ડર વિલેજ માટે કામ કરી શકે તેમ છે અને તે માટે આપણે એવી કેટલીક વ્યવસ્થાઓ વિકસિત કરી શકીશું?

હવે આપણે એ નક્કી કરવાનું છે કે તાલુકા સ્તરે જેટલી સ્પર્ધાઓ થશે તે તમામ સ્પર્ધાઓને આપણે સરહદી ગામ સુધી લઈ જઈશું તો વાયબ્રન્સી આવવાનું જાતે જ શરૂ થઈ જશે. આ રીતે આપણે ક્યારેક વિચારીએ કે આપણાં ગામમાં એવા કેટલા લોકો છે કે જે કોઈને કોઈ પ્રકારને સરકારમાં કામ કરે છે. એવા કેટલા લોકો છે કે જે આપણાં ગામના છે અને સરકારમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે અથવા તો ગામમાં રહે છે કે પછી નજીકના જ કોઈ શહેરમાં રહે છે. જો આવી ગોઠવણ હોય તો સરકાર સાથે જોડાયેલા લોકો, સરકારનું પેન્શન મેળવનાર લોકો અથવા તો સરકાર પાસેથી થતી ચૂકવણી સાથે જેમને સંબંધ છે તેવા તમામ લોકોને વર્ષમાં એક બે વખત ગામમાં એકઠા કરી શકાય? ચલો ભાઈ, આ ગામ મારૂં છે. હું ચાલ્યો ગયો અને નોકરી કરી રહ્યો છું, શહેરમાં ગયો છું, પરંતુ આવો અને આપણે સાથે બેસીએ અને આપણાં ગામના માટે આપણે સરકારમાં રહયા છીએ, સરકારને જાણીએ છીએ, વ્યવસ્થા કરો. ચાલો, સાથે મળીને કામ કરીએ. આનો અર્થ એ થયો કે આ નવી રણનીતિ છે. શું ક્યારેય આપણે વિચાર્યું છે કે આપણે ગામનો જન્મ દિવસ નક્કી કરીશું અને જન્મ દિવસની ઉજવણી કરીશું. ગામના લોકો 10 થી 15 દિવસ ઉત્સવ મનાવીને ગામની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આગળ આવે. ગામડાંની સાથેનું આ જોડાણ ગામને સમૃધ્ધ બનાવશે. જેટલું કામ બજેટથી થશે તેનાથી વધુ કામ સૌના પ્રયાસથી થશે.

આપણે રણનીતિની સાથે, જે રીતે આપણાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે, શું આપણે નક્કી કરી શકીએ કે આપણાં ગામમાં 200 ખેડૂતો છે અને આ વખતે 50 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીશું. શું આપણે આવું વિચારી શકીએ તેમ છીએ? આપણે ત્યાં કૃષિ યુનિવર્સિટીઓ છે અને તેમાં મોટાભાગના બાળકો ગામડાંની પશ્ચાદ્દભૂમિકા ધરાવતા હોય તેવા બાળકો ભણવા આવે છે. આ યુનિવર્સિટીઓમાં જઈને આપણે ગ્રામ વિકાસનું પૂરૂ ચિત્ર તે બાળકો સામે ક્યારેય રજૂ કર્યું છે. જે લોકો વેકેશનમાં પોતાના ગામમાં જાય છે અને ગામના લોકો સાથે બેસે છે, થોડું ઘણું ભણેલા છે તે લોકો સરકારની યોજનાઓ જાણી શકશે અને સમજી શકશે તથા પોતાના ગામ માટે તેનો ઉપયોગ કરી શકશે. આનો અર્થ થાય છે કે શું આપણે નવી રણનીતિ અંગે વિચારી શકીએ છીએ? અને આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આજે ભારતના મોટાભાગના રાજ્યોમાં ઉત્પાદન (આઉટપુટ) થી વધારે પરિણામ ઉપર (આઉટકમ) ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આજે ગામડાંમાં મોટા પ્રમાણમાં જે ધન જાય છે તે પૈસાનો યોગ્ય સમયે જો ઉપયોગ થાય તો આપણે ગામડાંની સ્થિતિ બદલી શકીએ તેમ છીએ.

આપણે ગામની અંદર વિલેજ સેક્રેટરીએટ, અને હું જ્યારે વિલેજ સેક્રેટરીએટ કહું છું ત્યારે આપણે વિચારીશું કે એક બિલ્ડીંગ હોવું જોઈએ, સૌને બેસવા માટે ચેમ્બર હોય. હું એવું નથી કહી રહ્યો. ભલે આપણે કોઈપણ જગાએ બેસતા હોઈએ, કોઈ નાની જગ્યાએ બેસીને પણ આપણે સાથે મળીને શિક્ષણ માટે કોઈ આયોજન કરી શકીએ છીએ. તેવી જ રીતે ભારત સરકારે એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટસ (મહત્વાકાંક્ષી જિલ્લા)નો કાર્યક્રમ હાથ ધર્યો છે. તેનો એવો અદ્દભૂત અનુભવ રહ્યો છે કે જિલ્લાઓ વચ્ચે એક સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. દરેક જિલ્લાને લાગી રહ્યું છે કે મારા રાજ્યમાં હું પાછળ નહીં રહું. કેટલાક જિલ્લાઓને તો એવું લાગી રહ્યું છે કે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ આગળ જવું જોઈએ. શું તમે તમારા તાલુકામાં આઠથી દસ માપદંડ નક્કી કરી શકશો? તે આઠથી દસ માપદંડની દર ત્રણ મહિને સ્પર્ધા કરવામાં આવે અને તેનું પરિણામ જાહેર થાય. આવા કામમાં કયું ગામ આગળી નિકળી ગયું છે? કયું ગામ આગળ ધપી રહ્યું છે? આજે આપણે શું કરીએ છીએ. ઉત્તમ ગામ માટેનો, રાજ્ય સ્તરનો એવોર્ડ આપીએ છીએ. ઉત્તમ ગામ માટે રાષ્ટ્રિય સ્તરનો પણ એવોર્ડ આપીએ છીએ. જરૂરિયાત એ છે કે ગામમાં જ, તાલુકા સ્તરે જો 50, 100, 150, 200 ગામમ હોય તો તેમની વચ્ચે સ્પર્ધા કરવામાં આવે. તેના માપદંડ નક્કી કરવામાં આવે કે ભાઈ આ 10 વિષય છે અને ચાલો 2022માં આ વિષયોમાં સ્પર્ધા કરીએ. જોઈએ કે આ 10 વિષયોમાં કોણ આગળ નિકળી જાય છે. તમે જોશો કે પરિવર્તન શરૂ થઈ જશે અને જ્યારે આ પ્રકારે તાલુકા લેવલે માન્યતા મળશે તો પરિવર્તન શરૂ થઈ જશે. અને એટલા માટે જ હું કહું છું કે બજેટ  એ મુદ્દો નથી. આજે આપણે પરિણામ અને ધરતી પર પરિવર્તન માટે પ્રયાસ કરવો જોઈએ.

શું ગામની અંદર એક મિજાજ ઉભો ના કરી શકાય કે આપણાં ગામમાં કોઈપણ બાળક કુપોષિત ના રહે. હું કહીશ કે સરકારના બજેટની પણ પરવાહ નહીં કરીએ. એક વખત મનમાં જે બાબત નક્કી થઈ ગઈ કે ગામના લોકો કોઈપણ બાળકને કુપોષિત નહીં રહેવા દે. આજે પણ આપણાં એવા સંસ્કાર છે કે અને આપણે કહી શકીએ તેમ છીએ કે એક પણ બાળકને શાળા છોડવી પડી નથી. તમે જુઓ, ગામના લોકો તેમાં સામેલ થશે. અમે તો આવું જોયું છે. દરેક ગામમાં આવા નેતા હોય છે, પંચ હોય છે, સરપંચ હોય છે, પણ ક્યારેય ગામની સ્કૂલમાં ગયા હોતા નથી. અને જાય તો ક્યારે જાય છે? ધ્વજ વંદનના દિવસે જાય છે. બાકી કોઈ દિવસ જતા જ નથી. શું આપણે એવો ભાવ ઉભો કરી શકીએ નહીં કે આ મારૂં ગામ છે અને મારા ગામની વ્યવસ્થા છે, મારે તે ગામમાં જવાનું છે. આવું નેતૃત્વ સરકારના તમામ એકમો કરવાનું રહે છે. જો આપણે નેતૃત્વ પૂરૂ પાડી શકીશું નહીં અને માત્ર એટલું જ કહીશું કે અમે ચેક આપી દીધો છે, અમે પૈસા મોકલી દીધા છે, કામ થઈ જશે. આવી રીતે પરિવર્તન નહીં આવે. આપણે આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યા છીએ ત્યારે મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો છે તે બાબતોને આપણે સાકાર ના કરી શકીએ? સ્વચ્છતા, ભારતના આત્મા ગામડાંમાં વસે છે તેવું મહાત્મા ગાંધી કહી ગયા છે. તો શું આપણે આ વાતને સાચી પૂરવાર કરી શકીએ નહીં?

સાથીઓ,

રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરેએ સાથે મળીને તમામ વિભાગોએ જૂની પધ્ધતિ દૂર કરીને કામ કરવાનું નક્કી કરીએ તો મને પૂરો વિશ્વાસ છે કે આપણે ઉત્તમ પરિણામ લાવી શકીએ તેમ છીએ. આઝાદીના 75 વર્ષમાં આપણે પણ કશુંક આપવું જોઈએ તેવા મિજાજ સાથે આપણે કામ કરીએ. આજે તમે સમગ્ર દિવસ ચર્ચા કરવાના છો. બજેટનો મહત્તમ ઉપયોગ કરીને ગામનું જીવન બદલવામાં દરેક પૈસાનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તે આપણે નક્કી કરી શકીશું તો કોઈપણ ગામનો કોઈપણ નાગરિક પાછળ નહી રહે. આપણા સૌનું આ સપનું પૂરૂ થશે તેવી મારી આપ સૌને શુભેચ્છા છે. ખૂબ ખૂબ ધન્યવાદ!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.