મિત્રો,
સંસદીય લોકશાહીમાં આજનો દિવસ ગૌરવપૂર્ણ છે, આ વૈભવનો દિવસ છે. આઝાદી પછી પહેલીવાર આ શપથ સમારંભ આપણી નવી સંસદમાં થઈ રહ્યો છે. અત્યાર સુધી આ પ્રક્રિયા જૂના ગૃહમાં થતી હતી. આ મહત્વપૂર્ણ દિવસે, હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, તેમને અભિનંદન આપું છું અને તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું.
સંસદની આ રચના ભારતના સામાન્ય માણસના સંકલ્પોને પૂર્ણ કરવા માટે છે. નવો ઉત્સાહ, નવા ઉમંગની સાથે નવી ઝડપ, નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ તક છે. શ્રેષ્ઠ ભારત નિર્માણના વિકસિત ભારત 2047 સુધીનું લક્ષ્ય છે, આ તમામ સપનાઓ અને આ તમામ સંકલ્પો સાથે આજે 18મી લોકસભાના સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે વિશ્વની સૌથી મોટી ચૂંટણી ખૂબ જ ભવ્ય રીતે, ઘણાં જ ગૌરવમય રીતે સંપન્ન થઈ છે. 140 કરોડ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. લગભગ 65 કરોડથી વધુ મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. આ ચૂંટણી એટલા માટે પણ ખૂબ મહત્વની બની ગઈ છે કારણ કે આઝાદી પછી બીજી વખત દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારની સેવા કરવાની તક આપી છે. અને આ તક 60 વર્ષ પછી આવી છે, તે પોતાનામાં ખૂબ જ ગૌરવપૂર્ણ ઘટના છે.
મિત્રો,
જ્યારે દેશની જનતા ત્રીજી ટર્મ માટે પણ સરકારને પસંદ કરે છે, તો તેનો અર્થ એ છે કે તેઓએ તેના ઇરાદા અને તેની નીતિઓને મંજૂરી આપી છે. જન કલ્યાણ પ્રત્યેના તેમના સમર્પણ પર મહોર મારી છે અને આ માટે હું દેશવાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ તે પરંપરા છે જેને અમે છેલ્લા 10 વર્ષોમાં સ્થાપિત કરવાનો સતત પ્રયાસ કર્યો છે, કારણ કે અમે માનીએ છીએ કે સરકાર ચલાવવા માટે બહુમતીની જરૂર છે, પરંતુ દેશ ચલાવવા માટે સહમતિ ખૂબ જ જરૂરી છે. અને તેથી જ દરેકની સહમતિ સાથે દરેકને સાથે લઈને 140 કરોડ દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરીને ભારત માતાની સેવા કરવાનો અમારો સતત પ્રયાસ રહેશે.
અમે સૌને સાથે લઈને ચાલવા માગીએ છીએ, તમામને સાથે લઈને બંધારણની મર્યાદાઓનું પાલન કરતા નિર્ણયનો ગતિ આપવા માગીએ છીએ. 18મી લોકસભામાં, અમારા માટે ખુશીની વાત છે કે 18મી લોકસભામાં યુવા સાંસદોની સંખ્યા સારી એવી છે. અને અમે જ્યારે 18ની વાત કરીએ છીએ તો ભારતની પરંપરાઓને જેઓ જાણે છે, જેઓ ભારતના સાંસ્કૃતિક વારસાથી પરિચિત છે, તેઓ જાણે છે કે 18 નંબરનું અહીં ખૂબ જ સદ્ગુણ મૂલ્ય છે. ગીતામાં પણ 18 અધ્યાય છે – કર્મ, કર્તવ્ય અને કરૂણાનો સંદેશ આપણને ત્યાંથી મળે છે. પુરાણો અને ઉપપુરાણોની સંખ્યા પણ 18 છે. 18ની મૂળ સંખ્યા 9 છે અને 9 સંપૂર્ણતાની ખાતરી આપે છે. 9 એ પૂર્ણતાનું પ્રતીક અંક છે. આપણે ત્યાં 18 વર્ષની ઉંમરે મત આપવાનો અધિકાર મળે છે. 18મી લોકસભા ભારતના અમૃતકાલની, આ લોકસભાની રચના પણ એક શુભ સંકેત છે.
મિત્રો,
આપણે આજે 24મી જૂને મળી રહ્યા છીએ. આવતીકાલે 25મી જૂન છે, જેઓ આ દેશના બંધારણની ગરિમાને સમર્પિત છે, જેઓ ભારતની લોકતાંત્રિક પરંપરાઓમાં વિશ્વાસ ધરાવે છે, તેમના માટે 25મી જૂન એક અવિસ્મરણીય દિવસ છે. કાલે, 25મી જૂને, ભારતના લોકતંત્ર પરના કાળા ડાઘને 50 વર્ષ પૂર્ણ થયા છે. ભારતની નવી પેઢી ક્યારેય ભૂલશે નહીં કે ભારતનું બંધારણ સંપૂર્ણપણે નકારવામાં આવ્યું હતું. બંધારણનો એક-એક ઇંચ નાશ પામ્યો, દેશને જેલમાં ફેરવી દેવામાં આવ્યો, લોકશાહીને સંપૂર્ણ રીતે દબાવી દેવામાં આવી. ઇમરજન્સીના આ 50 વર્ષ એ પ્રતિજ્ઞાના છે કે જ્યારે આપણે આપણા બંધારણની ગર્વથી રક્ષા કરીશું, ભારતની લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓની રક્ષા કરીશું, ત્યારે દેશવાસીઓ સંકલ્પ લેશે કે, ભારતમાં ફરી કોઈ ક્યારેય આવું કરવાની હિંમત નહીં કરે, જે 50 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને લોકશાહી પર કાળો ડાઘ લગાવ્યો હતો. અમે સંકલ્પ કરીશું, જીવંત લોકશાહીનો, અમે સંકલ્પ કરીશું, ભારતના બંધારણના નિર્દિષ્ટ નિર્દેશ મુજબ સામાન્ય લોકોના સપનાને સાકાર કરવાનો.
મિત્રો,
દેશની જનતાએ અમને ત્રીજી તક આપી છે, આ ખૂબ જ મોટી જીત છે, ખૂબ જ ભવ્ય જીત છે. અને ત્યારે અમારી જવાબદારી પણ ત્રણ ગણી વધી જાય છે. અને તેથી જ આજે હું દેશવાસીઓને ખાતરી આપું છું કે તમે અમને જે ત્રીજી તક આપી છે, તે બે વખત સરકાર ચલાવવાનો અનુભવ અમારી સાથે છે. આજે હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમારી ત્રીજી ટર્મમાં અમે પહેલા કરતા ત્રણ ગણી વધુ મહેનત કરીશું. અમે પરિણામો પણ ત્રણ ગણા કરીશું. અને આ સંકલ્પ સાથે અમે આ નવા કાર્યભાર સાથે આગળ વધી રહ્યા છીએ.
માનનીય, દેશને તમામ સાંસદો પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હું તમામ સાંસદોને વિનંતી કરીશ કે આ તકનો લોકહિત અને જનસેવા માટે ઉપયોગ કરે અને જનહિતમાં દરેક શક્ય પગલાં ભરે. દેશની જનતા વિપક્ષ પાસેથી સારા પગલાની અપેક્ષા રાખે છે. અત્યાર સુધી જે નિરાશા મળી છે, તે કદાચ આ 18મી લોકસભામાં વિપક્ષ દેશના સામાન્ય નાગરિકોની વિપક્ષ તરીકેની તેમની ભૂમિકાની અપેક્ષા કરે છે, લોકશાહીની ગરિમા જાળવી રાખે તેવી અપેક્ષા કરે છે. હું આશા રાખું છું કે વિપક્ષ તેના પર યોગ્ય પુરવાર થશે.
મિત્રો,
ગૃહમાં સામાન્ય માણસ ચર્ચા અને સતર્કતાની અપેક્ષા રાખે છે. લોકોને એવી અપેક્ષા નથી કે નખરા, નાટક અને ખલેલ થતી રહે. લોકોને પરિણામ જોઈએ છે, સૂત્રો નહીં. દેશને એક સારા વિપક્ષની, જવાબદાર વિપક્ષની જરૂર છે અને મને પૂર્ણ ખાતરી છે કે આ 18મી લોકસભામાં જીતેલા આપણા સાંસદો સામાન્ય માણસની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.
મિત્રો,
વિકસિત ભારતના સંકલ્પને પૂરો કરવો એ આપણા બધાની જવાબદારી છે, આપણે સાથે મળીને તે જવાબદારી પૂરી કરીશું, જનતાનો વિશ્વાસ વધુ મજબૂત કરીશું. 25 કરોડ નાગરિકોને ગરીબીમાંથી બહાર કાઢવાથી એક નવો આત્મવિશ્વાસ પેદા થાય છે કે ભારતને ગરીબીમાંથી મુક્ત કરવામાં આપણે બહુ જલ્દી સફળતા મેળવી શકીશું અને આ માનવજાતની ઘણી જ મોટી સેવા હશે. આપણા દેશના લોકો, 140 કરોડ નાગરિકો, સખત મહેનત કરવામાં કોઈ કસર છોડતા નથી. આપણે તેમને શક્ય તેટલી વધુ તકો પૂરી પાડવી જોઈએ. આ એક કલ્પના છે અને આપણું આ ગૃહ એક સંકલ્પનું ગૃહ બની જશે. આપણી 18મી લોકસભા સંકલ્પોથી ભરેલી રહે, જેથી સામાન્ય માણસના સપના સાકાર થાય.
મિત્રો,
હું ફરી એકવાર ખાસ કરીને નવા સાંસદોને અભિનંદન આપું છું, હું તમામ સાંસદોને અભિનંદન આપું છું અને ઘણી અપેક્ષાઓ સાથે, ચાલો આપણે બધા સાથે મળીને દેશની જનતાએ જે નવી જવાબદારી સોંપી છે તેને યોગ્ય રીતે પૂરી કરીએ, સમર્પણ ભાવથી પૂર્ણ કરીએ, મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર.