નમસ્કાર,
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એકત્ર થયેલા દુનિયાભરના દિગ્ગજોને, હું 130 કરોડ ભારતીયો વતી અભિનંદન પાઠવું છું. આજે જ્યારે હું આપ સૌની સાથે વાત કરી રહ્યો છું, ત્યારે ભારત કોરોનાની વધુ એક લહેરનો તકેદારી અને સાવધાનીપૂર્વક સામનો કરી રહ્યું છે. સાથે જ, ભારત આર્થિક ક્ષેત્રમાં પણ કેટલાય નવા આશાસ્પદ પરિણામો સાથે આગળ વધી રહ્યું છે. ભારતમાં આજે પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણીનો ઉત્સાહ પણ છે અને ભારત માત્ર એક વર્ષમાં જ 160 કરોડ કોરોનાની રસીના ડોઝ આપવાના આત્મવિશ્વાસથી પણ છલકાઇ રહ્યું છે.
સાથીઓ,
ભારત જેવી મજબૂત લોકશાહીએ આખા વિશ્વને એક સુંદર ભેટ આપી છે, એક આશાનું પૂંજ આપ્યું છે. આ પૂંજમાં, અમારો એટલે કે ભારતીયોનો લોકશાહી પર રહેલો અતૂટ વિશ્વાસ છે, આ પૂંજમાં 21મી સદીને સશક્ત બનાવનારી ટેકનોલોજી છે, આ પૂંજમાં અમારા ભારતીયોનો ઉત્સાહ છે, અમારા ભારતીયોનું કૌશલ્ય રહેલું છે. જે બહુ-ભાષીય, બહુ-સાંસ્કૃતિક માહોલમાં અમે ભારતીયો રહીએ છીએ તે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટી તાકાત છે. આ તાકાત, સંકટના સમયમાં માત્ર પોતાના માટે નથી વિચારતી પરંતુ સમગ્ર માનવજાતના હિતમાં કામ કરવાનું શીખવે છે. કોરોનાના આ સમય દરમિયાન આપણે જોયું છે કે, કેવી રીતે ભારત ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’, આ દૂરંદેશી પર આગળ વધીને અનેક દેશોમાં આવશ્યક દવાઓ અને રસીનો પુરવઠો પહોંચાડીને કરોડો લોકોના જીવ બચાવી રહ્યું છે. આજે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ફાર્મા ઉત્પાદક છે અને તેમને ફાર્મસી ઓફ વર્લ્ડ કહેવામાં આવે છે. આજે ભારત દુનિયાના એવા દેશોમાંથી એક છે જ્યાંના હેલ્થ પ્રોફેશનલો, જ્યાંના ડૉક્ટરો પોતાની સંવેદનશીલતા અને તજજ્ઞતાથી સૌનો વિશ્વાસ જીતી રહ્યા છે.
સાથીઓ,
સંવેદનશીલતાની કસોટી સંકટના સમયમાં જ થાય છે, પરંતુ ભારતનું સામર્થ્ય આ સમયે આખી દુનિયા માટે એક દૃષ્ટાંતરૂપ છે. કટોકટીના સમય દરમિયાન, ભારતના IT ક્ષેત્રએ 24 કલાકના ધોરણે કામ કરીને દુનિયાના તમામ દેશોને ખૂબ જ મુશ્કેલીમાંથી ઉગાર્યા છે. આજે ભારત આખી દુનિયામાં વિક્રમી સંખ્યામાં સોફ્ટવેર એન્જિનિયરો મોકલી રહ્યું છે. ભારતમાં 50 લાખ કરતાં વધારે સોફ્ટવેર ડેવલપરો કામ કરી રહ્યા છે. આજે ભારતમાં યુનિકોર્નની સંખ્યા દુનિયામાં ત્રીજા ક્રમે છે. છેલ્લા 6 મહિનામાં જ 10 હજાર કરતાં વધારે સ્ટાર્ટ-અપ્સ નોંધાયા છે. આજે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું, સુરક્ષિત અને સફળ ડિજિટલ ચુકવણી પ્લેટફોર્મ છે. ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસની વાત કરીએ તો, ગયા મહિનામાં જ આ માધ્યમ દ્વારા 4.4 બિલિયન વ્યવહારો થયા છે.
મિત્રો,
ગયા વર્ષમાં જે ડિજિટલ માળખાકીય સુવિધા ભારતે વિકસાવી અને અપનાવી છે તે આજે ભારતની સૌથી મોટી તાકાત બની ગઇ છે. કોરોનાના ચેપના ટ્રેકિંગ માટે આરોગ્ય સેતૂ એપ અને રસીકરણ માટે CoWIN પોર્ટલ જેવા ટેકનોલોજીકલ ઉકેલો, ભારત માટે ગર્વનો વિષય છે. ભારતના CoWIN પોર્ટલમાં સ્લોટ બુકિંગથી માંડીને પ્રમાણપત્ર તૈયાર કરવા સુધીની જે ઑનલાઇન વ્યવસ્થા રાખવામાં આવી છે તેના તરફ મોટા મોટા દેશોના લોકોનું ધ્યાન ખેંચાયું છે.
સાથીઓ,
એક એવો સમય હતો જ્યારે ભારત લાઇસન્સરાજના કારણે ઓળખાતું હતું, મોટાભાગની ચીજો પર સરકારનો અંકુશ હતો. ભારતમાં વ્યવસાય કરવા માટે જે પણ પડકારો રહ્યાં છે તેને હું સમજુ છું. અમે સતત એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે એવા પડકારોને દૂર કરવામાં આવે. આજે ભારત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપી રહ્યું છે, સરકારનો હસ્તક્ષેપ ઓછો કરવામાં આવી રહ્યો છે. ભારતે પોતાના કોર્પોરેટ કરવેરા દરોનું સરળીકરણ કરીને તેને દુનિયામાં સૌથી સ્પર્ધાત્મક બનાવી દીધા છે. ગયા વર્ષમાં અમે 25 હજાર કરતાં વધારે અનુપાલનોની આવશ્યકતાઓને ઓછી કરી દીધી છે. ભારતમાં પશ્ચાદ્દવર્તી કરવેરા જેવા પગલાં લેવાથી વ્યવસાયિક સમુદાયનો વિશ્વાસ ફરી આવી રહ્યો છે. ભારતમાં ડ્રોન, અવકાશ, જીઓ-સ્પેટિઅલ મેપિંગ જેવા અનેક ક્ષેત્રોમાંથી પણ નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. ભારતે IT ક્ષેત્ર અને BPO સાથે સંકળાયેલા જુનવાણી ટેલિકોમ નિયમનોમાં મોટાપાયે સુધારા કર્યા છે.
સાથીઓ,
ભારત વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં દુનિયાનું એક ભરોસાપાત્ર ભાગીદાર બનવા માટે કટિબદ્ધ છે. અમે અનેક દેશો સાથે મુક્ત વ્યાપારના કરારો કરવા માટે માર્ગો મોકળા કરી રહ્યાં છીએ. ભારતીયોમાં આવિષ્કારની, નવી ટેકનોલોજીને અપનાવવાની જે ક્ષમતા છે, ઉદ્યમશીલતાની જે ભાવના છે તે અમારા દરેક વૈશ્વિક ભાગીદારોને નવી ઊર્જા આપી શકે છે. આથી ભારતમાં રોકાણ માટે અત્યારે સૌથી શ્રેષ્ઠ સમય છે. ભારતીય યુવાનોમાં આજે ઉદ્યમશીલતા એક નવી ઊંચાઇ પર છે. 2014માં ભારતમાં માત્ર અમુક સો કહી શકાય એટલા સ્ટાર્ટઅપની નોંધણી થયેલી હતી. તેની સરખામણીએ આજે આ આંકડો વધીને 60 હજાર કરતાં વધારે થઇ ગયો છે. આમાંથી 80 કરતાં વધારે તો યુનિકોર્ન છે. તેમાંથી 40ની નોંધણી તો 2021માં જ થઇ છે. જે પ્રકારે નિષ્ણાત ભારતીયો વૈશ્વિક મંચ પર પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે, એવી જ રીતે ભારતીય યુવાનો આપ સૌ સાથીઓના વ્યવસાયને ભારતમાં નવી ઊંચાઇઓ સુધી પહોંચાડવા માટે સંપૂર્ણપણે તત્પર છે.
મિત્રો,
ડીપ ઇકોનોમિક રિફોર્મ્સ મામલે ભારતની કટિબદ્ધતા વધુ એક કારણ છે જે આજે ભારતને રોકાણ માટે સૌથી આકર્ષક સ્થળ બનાવે છે. કોરોનાના સમય દરમિયાન જ્યારે આખી દુનિયા જથ્થાત્મક સરળતાના કાર્યક્રમ જેવા હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી હતી, ત્યારે ભારતે સુધારાનો માર્ગ સશક્ત કર્યો હતો. ડિજિટલ અને ભૌતિક માળખાકીય સુવિધાઓને આધુનિક બનાવવાના સૌથી મોટા પ્રોજેક્ટ્સ કોરોનાના સમય દરમિયાન જ અભૂતપૂર્વ ગતિએ આગળ વધ્યા છે. દેશના 6 લાખ કરતાં વધારે ગામડાઓને ઓપ્ટિકલ ફાઇબર દ્વારા કનેક્ટ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કનેક્ટિવિટી સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓ પર 1.3 ટ્રિલિયન ડૉલરનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. અસ્કયામતોના મુદ્રીકરણ જેવા નવતર ફાઇનાન્સિંગ સાધનો દ્વારા 80 અબજ ડૉલર ઊભા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વિકાસ માટે દરેક હિતધારકોને એક જ મંચ પર લાવવા માટે ભારતે ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પણ શરૂ કર્યો છે. આ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અંતર્ગત એકીકૃત રીતે માળખાકીય સુવિધાનું આયોજન, વિકાસ અને અમલીકરણ પર કામ કરવામાં આવશે. તેનાથી માલસામાન, લોકો અને સેવાઓની સળંગ કનેક્ટિવિટી અને હેરફેરમાં એક નવી ગતિ આવશે.
મિત્રો,
આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધીને ભારતે માત્ર પ્રક્રિયાઓને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત નથી કર્યું પરંતુ રોકાણ અને ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપ્યું છે. આ અભિગમ સાથે આજે, 14 ક્ષેત્રોમાં 26 બિલિયન ડૉલરની ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ફેબ, ચિપ અને ડિસ્પ્લે ઉદ્યોગના નિર્માણ માટે 10 બિલિયન ડૉલરની પ્રોત્સાહક યોજના એ વાતનો પૂરાવો આપે છે કે, વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાને સરળ બનાવવા માટે અમે કેટલા કટિબદ્ધ છીએ. અમે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડની ભાવના સાથે આગળ વધી રહ્યા છીએ. ટેલિકોમ, ઇન્સ્યોરન્સ, સંરક્ષણ, એરોસ્પેસની સાથે સાથે હવે સેમી-કન્ડક્ટરના ક્ષેત્રમાં પણ ભારતમાં અસિમિત સંભાવનાઓ રહેલી છે.
મિત્રો,
આજે ભારત, વર્તમાનની સાથે સાથે આવનારા 25 વર્ષને લક્ષ્યમાં રાખીને નીતિઓ ઘડી રહ્યું છે, નિર્ણયો લઇ રહ્યું છે. આ કાળખંડમાં ભારતે ઉચ્ચ વિકાસના, કલ્યાણ અને સુખાકારીની સંતૃપ્તતાના લક્ષ્યો રાખ્યા છે. વિકાસનો આ કાળખંડ હરિત પણ હશે, સ્વચ્છ પણ હશે, ટકાઉ પણ હશે, ભરોસાપાત્ર પણ હશે. વૈશ્વિક ભલાઇ માટે, મોટા વચનો આપવાની અને તેના પર ખરા ઉતરવાની પરંપરાને આગળ વધારીને અમે 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય પણ નિર્ધારિત કર્યું છે. દુનિયાની 17 ટકા વસતી ધરાવતો દેશ ભારત ભલે વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં 5 ટકા, ફક્ત 5 ટકા યોગદાન આપતો હોય પરંતુ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે અમારી કટિબદ્ધતા 100 ટકા છે. આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન અને આબોહવા અનુકૂલન માટે આપત્તિ પ્રતિરોધક માળખાકીય સુવિધા ગઠબંધન જેવી પહેલ આ બાબતનું પ્રમાણ આપે છે. વિતેલા વર્ષોમાં કરેલા પ્રયાસોના પરિણામે જ આજે અમારા ઊર્જા મિક્સનો 40 ટકા હિસ્સો બિન-અશ્મિગત સ્રોતોમાંથી આવી રહ્યો છે. ભારતે પેરિસમાં જે જાહેરાત કરી હતી, તેને અમે લક્ષ્ય કરતાં 9 વર્ષ પહેલાં જ પ્રાપ્ત કરી ચુક્યા છીએ.
મિત્રો,
આ પ્રયાસોની વચ્ચે, આપણે એ પણ જાણવું પડશે કે આપણી જીવનશૈલી પણ આબોહવા માટે ઘણો મોટો પડકાર છે. ‘ફેંકી દો’ની સંસ્કૃતિ અને ઉપભોક્તાવાદે આબોહવા પરિવર્તનનું સંકટ વઘારે ઘેરું બનાવ્યું છે. આજે જે ‘ટેક-મેક-યુઝ-ડિસ્પોઝ’ છે, આ જે અર્થતંત્ર છે, તેને ઝડપથી ચક્રિય અર્થતંત્ર તરફ આગળ વધારવાની જરૂર છે. CoP26માં મિશન LIFEના જે આઇડિયાની મેં ચર્ચા કરી હતી, તેના મૂળમાં પણ આ ભાવના જ રહેલી છે. LIFE એટલે કે, પર્યાવરણ માટેની જીવનશૈલી, એવી પ્રતિરોધક અને ટકાઉક્ષમ જીવનશૈલીની દૂરંદેશી છે જે આબોહવાની કટોકટીની સાથે સાથે ભવિષ્યમાં આવનારા અણધાર્યા પડકારોનો સામનો કરવામાં પણ કામ લાગશે. આથી, મિશન LIFEને વૈશ્વિક વિરાટ જન આંદોલન બનાવવાની જરૂર છે. LIFE જેવા જનભાગીદારીના અભિયાનને આપણે P-3, એટલે કે હું જ્યારે P-3 કહું ત્યારે, ‘પ્રો પ્લેનેટ પીપલ’ હોય છે, તેનો મોટો આધાર બનાવી શકીએ છીએ.
મિત્રો,
આજે 2022ના આરંભમાં જ્યારે આપણે દાવોસમાં આ મંથન કરી રહ્યા છીએ ત્યારે કેટલાક અન્ય પડકારો પ્રત્યે સચેત કરવાની પણ ભારત પોતાની જવાબદારી સમજે છે. આજે વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તનની સાથે સાથે એક વૈશ્વિક પરિવારની જેમ આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ, તેમાં પણ વધારો થઇ રહ્યો છે. તેનો મુકાબલો કરવા માટે દરેક દેશ, દરેક વૈશ્વિક એજન્સી દ્વારા સહાકારપૂર્ણ અને તાલમેલબદ્ધ પગલાં લેવાની જરૂર છે. આ પુરવઠા સાંકળના વિક્ષેપો, ફગાવા અને આબોહવા પરિવર્તન તેના જ ઉદાહરણો છે. આવું અન્ય એક ઉદાહરણ છે – ક્રિપ્ટોકરન્સી. જે પ્રકારની ટેકનોલોજી તેની સાથે જોડાયેલી છે, તેમાં કોઇ એક દેશ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, તેના પડકારોનો સામનો કરવા માટે અપૂરતા હશે. આપણે એક સમાન વિચારધારા રાખવી પડશે. પરંતુ આજે વૈશ્વિક પરિદૃષ્યને જોતા એવો પણ સવાલ થાય કે, બહુપક્ષીય સંગઠનો, નવી વૈશ્વિક વ્યવસ્થા અને નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે કે નહીં, શું તેમનામાં એવું સામર્થ્ય રહ્યું છે? જ્યારે આ સંસ્થાઓ બની હતી ત્યારે પરિસ્થિતિઓ કંઇક જુદી હતી. આજે પરિસ્થિતિઓ ઘણી બદલાઇ ગઇ છે. આથી દરેક લોકશાહી દેશની જવાબદારી છે કે, આ સંસ્થાઓમાં સુધારા પર તેઓ વેગ આપે જેથી વર્તમાન અને ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરવા માટે તેમને સક્ષમ બનાવી શકાય. મને પૂરો વિશ્વાસ છે કે, દાવોસમાં થઇ રહેલી ચર્ચામાં આ દિશામાં સકારાત્મક સંવાદ કરવામાં આવશે.
મિત્રો.
નવા પડકારો વચ્ચે આજે દુનિયાને નવા માર્ગોની પણ જરૂર છે, નવા સંકલ્પોની જરૂર છે. આજે દુનિયાના દરેક દેશને એકબીજાના સહયોગની પહેલાં કરતાં ઘણી વધારે જરૂર છે. આજ બહેતર ભવિષ્યનો માર્ગ છે. મને ભરોસો છે કે, દાવોસમાં થઇ રહેલી આ ચર્ચા, આ ભાવનાનું વિસ્તરણ કરશે. ફરી એકવાર, આપ સૌને વર્ચ્યુઅલ માધ્યમથી પણ મળવાની તક મળી, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર!