નમસ્કાર.
આપ સૌને મારા જય સ્વામિનારાયણ. કેમ છો મારાં કચ્છી ભાઈઓ અને બહેનો? મજામાં? આજે કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનું લોકાર્પણ આપણી સેવામાં થઈ રહ્યું છે. આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ગુજરાતના લોકપ્રિય, મૃદુ અને મક્કમ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહંત સ્વામી પૂજ્ય ધર્મનંદન દાસજી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી, ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ, સંસદમાં મારા સાથી શ્રી વિનોદ છાબરા, અન્ય જન પ્રતિનિધિઓ, અહીં ઉપસ્થિત પૂજ્ય સંતો, કચ્છી લેઉવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ગોપાલભાઈ ગોરછિયાજી, અન્ય તમામ ટ્રસ્ટીઓ, સમાજના અગ્રણી સાથીદારો, દેશ અને દુનિયાના તમામ દાનવીર સજ્જનો, તબીબી સ્ટાફ અને તમામ સેવારત કર્મચારીઓ અને કચ્છનાં મારાં વહાલા ભાઈઓ અને બહેનો.
આરોગ્યને લગતા આટલા મોટા કાર્યક્રમ માટે કચ્છવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતને પણ અભિનંદન. ભૂકંપના કારણે થયેલી તબાહીને પાછળ છોડીને ભુજ અને કચ્છના લોકો હવે પોતાના પરિશ્રમથી આ વિસ્તારનું નવું નસીબ લખી રહ્યા છે. આજે આ વિસ્તારમાં ઘણી આધુનિક તબીબી સેવાઓ અસ્તિત્વમાં છે. આ કડીમાં, ભુજને આજે આધુનિક સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ મળી રહી છે. આ કચ્છની પ્રથમ ચેરિટેબલ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ છે. આ આધુનિક આરોગ્ય સુવિધા માટે કચ્છને ખૂબ ખૂબ અભિનંદન. 200 બેડની આ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ કચ્છના લાખો લોકોને સસ્તી અને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા જઈ રહી છે. આ આપણા સૈનિકો અને અર્ધલશ્કરી દળોના પરિવારો અને વેપારી જગતનાં ઘણાં લોકો માટે શ્રેષ્ઠ સારવારની ગૅરંટી તરીકે બહાર આવશે.
સાથીઓ,
સારી આરોગ્ય સુવિધાઓ માત્ર રોગોની સારવાર પૂરતી જ મર્યાદિત નથી હોતી. તે સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપે છે, પ્રતિષ્ઠિત કરે છે. જ્યારે કોઇ ગરીબ વ્યક્તિને સસ્તી અને શ્રેષ્ઠ સારવાર સુલભ થાય છે, ત્યારે તેનો વ્યવસ્થામાં વિશ્વાસ વધુ મજબૂત થાય છે. ગરીબને સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ મળે છે તો તે નચિંત થઈને ગરીબીમાંથી બહાર આવવા માટે સખત મહેનત કરે છે. વીતેલાં વર્ષોમાં આરોગ્ય ક્ષેત્રે અમલમાં મૂકાયેલી તમામ યોજનાઓની પ્રેરણા આ વિચારધારા જ છે. આયુષ્માન ભારત યોજના અને જન ઔષધિ યોજનાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની સારવારમાં દર વર્ષે લાખો કરોડો રૂપિયાની બચત થઈ રહી છે. આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના જેવાં અભિયાનો તમામ માટે સારવાર સુલભ બનાવવામાં મદદ કરી રહ્યાં છે.
આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશનથી દર્દીઓની સુવિધાઓ વધુ વધશે. આયુષ્માન હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન દ્વારા આધુનિક અને નિર્ણાયક હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જિલ્લા અને તાલુકા સ્તરો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આજે, ડઝનબંધ એઇમ્સની સાથે સાથે, દેશમાં ઘણી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ બનાવવામાં આવી રહી છે. દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનો ધ્યેય હોય કે મેડિકલ એજ્યુકેશનને બધા માટે સુલભ બનાવવાનો પ્રયાસ હોય, આનાથી આગામી દસ વર્ષમાં દેશને રેકોર્ડ સંખ્યામાં નવા ડોક્ટરો મળવાના છે.
અને તેનો લાભ આપણાં કચ્છને મળવાનો જ છે. ગોપાલભાઈ અહીં મને કહેતા હતા, મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવમાં દરેકે કંઈકને કંઈક યોગદાન આપવું જોઈએ અને આજે તે સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. તેમના માટે ખરેખર આ ફરજની ભાવના, સમાજ પ્રત્યેની નિષ્ઠાની લાગણી, સમાજ પ્રત્યેની સદભાવના-સંવેદના તે પોતાની સૌથી મોટી સંપત્તિ હોય છે અને કચ્છની એક વિશેષતા છે. આપ ગમે ત્યાં જાવ, કશે પણ મળો, કચ્છી કહો, એ પછી કોઈ પૂછશે નહીં કે તમે કયાં ગામનાં છો, કઈ જ્ઞાતિના છો, કંઈ જ નહીં. તમે તરત જ તેના બની જાવ છો. આ જ કચ્છની વિશેષતા છે, અને કચ્છનાં કર્તવ્ય તરીકે ઓળખ બને એ રીતે આપ પગલાં લઈ રહ્યા છો, અને એ માટે આપ સૌ અને અહીં આટલાં જ નહીં, અને જેમ શ્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું તેમ, પ્રધાનમંત્રીનો સૌથી પ્રિય જિલ્લો, હકીકતમાં કોઈને પણ જ્યારે આપણે મુસીબતના સમયમાં ગમ્યા હોઇએ તો એ સંબંધ એટલો અતૂટ બની જાય છે. અને કચ્છમાં ભૂકંપના કારણે જે દર્દનાક પરિસ્થિતિ હતી, આવી પરિસ્થિતિમાં આપની સાથે મારો જે ગાઢ સંબંધ બંધાઇ ગયો એનું આ પરિણામ છે. ન તો હું કચ્છને છોડી શકું, ન કચ્છ મને છોડી શકે છે. અને જાહેર જીવનમાં આવું સૌભાગ્ય બહુ ઓછા લોકોને મળે છે અને તે મારા માટે ગર્વની વાત છે. આજે ગુજરાત ચારેય દિશામાં પ્રગતિ કરી રહ્યું છે.
ગુજરાતના વિકાસની વાત માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશમાં પણ એની નોંધ લેવામાં આવે છે. આપ વિચાર કરો, બે દાયકા પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કૉલેજો હતી, બે દાયકા, માત્ર 9 મેડિકલ કૉલેજ, અને માત્ર ગુજરાતના યુવાઓએ ડૉકટર બનવું હોય તો અગિયાર સો બેઠકો હતી. આજે એક એઈમ્સ છે અને ત્રણ ડઝનથી વધુ મેડિકલ કૉલેજ છે. અને જ્યારે બે દાયકા પહેલાં હજાર બાળકોને જગા મળતી હતી, આજે છ હજાર બાળકોને ડૉક્ટર બનાવવાની વ્યવસ્થા છે, અને 2021માં 50 સીટ સાથે રાજકોટમાં એઈમ્સની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ, રાજકોટમાં મેડિકલ કોલેજના અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે. ભાવનગર મેડિકલ કોલેજના અપગ્રેડેશનની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલ 1500 પથારીની છે, અને મારી દ્રષ્ટિએ આ એક મોટું કામ છે. માતા અને શિશુ, માતા અને બાળકો, તેમનાં માટે ખરા અર્થમાં ઉમદા વ્યવસ્થા સાથેનું એક સંપૂર્ણ માળખું અહીં બનાવવામાં આવ્યું છે. કાર્ડિયોલોજી હોય, સંશોધન હોય એના પણ માટે 800 બેડની અલગ હૉસ્પિટલ છે, જ્યાં સંશોધન કાર્ય પણ થાય છે. ગુજરાતમાં કેન્સર સંશોધનનું કાર્ય પણ મોટા પાયે ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં કિડનીના દર્દીઓ અને ડાયાલિસિસની જરૂરિયાતનું મોટું સંકટ હતું. જ્યાં અઠવાડિયામાં બે વાર ડાયાલિસિસ કરાવવું પડે, મહિનામાં બે વાર પણ મોકો ન મળે ત્યાં તેનાં શરીરનું શું થાય? આજે અમે જિલ્લા-જિલ્લામાં મફત ડાયાલિસિસ સેવા શરૂ કરી છે. તો એક રીતે જોઈએ તો ઘણા મોટા પાયે કામ થઈ રહ્યું છે.
પણ મારે તમારાં બધા ભાઈઓ અને બહેનો સાથે એક વાત કરવી છે. આ આઝાદીનો અમૃત ઉત્સવ છે, ભલે આપણે ગમે તેટલી હૉસ્પિટલો બનાવીએ, ગમે એટલી, લાખો નવી પથારીઓ બનાવીએ, પરંતુ તેનાથી ક્યારેય સમસ્યા હલ થઈ શકતી નથી. પરંતુ આપણે સમાજમાં એવી જાગૃતિ લાવીએ, આપણે સૌ આપણી ફરજનું પાલન કરીએ, અને એવું વાતાવરણ અને એવી પરિસ્થિતિનું નિર્માણ કરીએ કે આપણે હૉસ્પિટલમાં જવું જ ન પડે. આ બધી પરેશાનીઓનો ઉકેલ એ છે કે કોઈને હૉસ્પિટલ જવું જ ન પડે અને આજે એક ખૂબ જ સુંદર હૉસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. પણ મારે જો શુભકામના આપવી હોય તો હું શું આપું? હું શુભકામના પાઠવું કે આપના કે.કે. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટમાં આપે આટલા કરોડો રૂપિયા લગાવ્યા, સુંદર હૉસ્પિટલ બનાવી અને ભગવાન કરે કોઇએ પણ હૉસ્પિટલ આવવું જ ન પડે અને હૉસ્પિટલ ખાલી જ રહે. આપણે તો એવા જ દિવસો જોવા છે. અને હૉસ્પિટલ ખાલી ક્યારે રહે, જ્યારે આપણે સ્વચ્છતા પર ધ્યાન આપતા હોઇએ. સ્વચ્છતા સામે લોકોમાં જોરદાર આક્રોશ હોય, ઘરની બહાર ક્યાંય ગંદકીનું નામનિશાન ન હોય, ગંદકી પ્રત્યે નફરત, આ વાતાવરણ જો સર્જાય તો બીમારીને ઘૂસવાનો માર્ગ મળી શકે? ન મળી શકે. એ જ રીતે આપણા દેશમાં પાણી, પીવાનું શુદ્ધ પાણી, આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું, શૌચાલય બનાવવાની ઝુંબેશ ચલાવી, ખુલ્લામાં શૌચમુક્તિ માટે અભિયાન ચલાવ્યું અને સમાજે પણ આખા દેશમાં સાથ આપ્યો. અને બધાં જાણે છે કે કોરોનાની લડાઈમાં આપણે જીતવાનું શરૂ કર્યું કારણ કે જો મૂળભૂત શરીર મજબૂત હોય, તો લડાઈ જીતી શકાય છે. આટલું મોટું તોફાન આવ્યું, છતાં આપણે લડી રહ્યા છીએ કારણ કે કોરોના હજી પણ ગયો નથી, આપણે કોઈ ભૂલ કરવાની નથી, પરંતુ આ અન્ય કાળજી અને જલ જીવન મિશન દ્વારા નળમાંથી પાણી આપવાનું કામ આખા દેશમાં ચાલી રહ્યું છે. જો તમને શુદ્ધ પીવાનું પાણી મળે, એવી જ રીતે પોષણ, એમાં પણ જંક ફૂડ ખાતા રહો, પોસ્ટ ઓફિસમાં જેમ નાખ્યા કરો તેમ બધું જ નાખ્યા કરો, તો ન તો શરીરને ફાયદો થશે અને ન સ્વાસ્થ્યને ફાયદો થશે અને આ માટે અહીં જે ડૉક્ટર બેઠા છે, તેઓ હસી રહ્યા છે મારી વાત સાંભળીને, કારણ, આહારમાં, આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે, આહારની અંદર જેટલી નિયમિતતા હોય, જેટલો સંયમ હોય, એ ખૂબ મહત્વનું છે. અને આચાર્ય વિનોબાજીએ, જે લોકોએ વાંચ્યું છે, તેઓએ ખૂબ સરસ વાત કહી છે, આચાર્ય વિનોબાજીએ કહ્યું છે કે વ્રત કરવું સહેલું છે, તમે આસાનાથી વ્રત કરી શકો છો પણ સંયમપૂર્ણ ભોજન કરવું મુશ્કેલ કામ છે. જો તમે ટેબલ પર બેઠા હોવ અને ચાર વસ્તુ આવી જાય તો મન તો થઈ જ જાય છે.
હવે આજે મોટી ચિંતા એ છે કે વજન વધી રહ્યું છે. હવે અહીં બેઠેલા વધુ વજનવાળા લોકો શરમાતા નહીં, વજન વધી રહ્યું છે, ડાયાબિટીસની બીમારી ઘર-ઘરે પહોંચી રહી છે. આ એવી બાબતો છે અને ડાયાબિટીસ પોતે જ એક એવો રોગ છે, જે દુનિયાભરની બીમારીઓને આમંત્રણ આપે છે. હવે આપણે આપણું વજન ઘટાડવા માટે કોઇ કે. કે. હૉસ્પિટલની રાહ જોવાની હોય છે, ના. જો આપણે ડાયાબિટીસથી બચવું હોય તો સવારે થોડું ચાલવા જવું પડે, હરવું-ફરવું પડે કે નહીં, જો આપણે આ બધું કરીએ તો પછી સ્વાસ્થ્ય માટે મૂળભૂત બાબતો છે એ આપણને હૉસ્પિટલ જવા દેશે નહીં. તેવી જ રીતે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા, આપણે સમગ્ર વિશ્વમાં યોગ માટે અભિયાન ચલાવી રહ્યા છીએ. આખી દુનિયાએ યોગનો સ્વીકાર કર્યો છે. આ વખતે તમે જોયું જ હશે, કોરોનામાં આપણા યોગ અને આપણા આયુર્વેદ પર લગભગ દુનિયાભરની નજર ગઈ છે. તમે દુનિયાના દરેક દેશમાં કંઈક ને કંઈક વસ્તુ જુઓ, આપણી હળદર સૌથી વધુ નિકાસ કરવામાં આવી છે. કોરોનામાં જનતાને કેમ ખબર પડી કે ભારતની જડીબુટ્ટીઓ છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પણ જો આપણે જ તેને છોડી દઈએ તો એ માટે આપણે એ તરફ જઈ શકીએ. હું મારાં કચ્છની જનતાને કહેવા માગું છું કે આ વખતે જ્યારે જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે છે ત્યારે શું કચ્છ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકશે? આટલા જબરદસ્ત વિશાળ કચ્છની અંદર યોગના કાર્યક્રમો યોજી શકાય? કચ્છમાં એવું એકેય ગામ ન હોય, હજુ પણ દોઢથી બે માસ બાકી છે. એટલી મહેનત કરો, એટલી મહેનત કરો કે આપણે શ્રેષ્ઠ યોગ કાર્યક્રમ કરી શકીએ. તમે જોશો કે ક્યારેય હૉસ્પિટલ જવાની જરૂર નહીં પડે. અને મારી જે ઇચ્છા છે કે કોઇએ કે. કે. હૉસ્પિટલમાં આવવું જ ન પડે, મારી ઇચ્છા આપ પૂરી કરો સ્વસ્થ રહીને. હા, અકસ્માત થાય અને જવું પડે એ આપણા હાથમાં નથી હોતું પણ મારો મત એ છે કે આ બધી બાબતો આપણે આગ્રહપૂર્વક કરીએ.
હવે જ્યારે કચ્છના ભાઇઓને મળી રહ્યો છું ત્યારે હવે તો મારો હક બને છે, આપની પાસે કંઇક ને કંઈક માગવાનો અને આપે આપવું જ પડશે. હકથી કહું છું, હવે જુઓ, દુનિયાના આટલા બધા દેશોમાં કચ્છી ભાઇ રહે છે. આપણાં કચ્છનો રણોત્સવ જોવા સમગ્ર દેશમાંથી લોકો આપમેળે આવવા લાગ્યા છે. કચ્છની જાહોજલાલી વધારી રહ્યા છે. કચ્છની આર્થિક વ્યવસ્થાને વધારી રહ્યા છે. એનાથી મોટી વાત એ છે કે, કચ્છના અતિથિ સત્કારની સમગ્ર ભારતમાં પ્રશંસા થઈ રહી છે. ભાઈ, કચ્છ એટલે કચ્છ એવું લોકો કહેવા લાગ્યા છે. હવે મને કહો કે કચ્છ રણોત્સવમાં આટલી બધી મહેનત સરકાર કરે, કચ્છનાં લોકો આતિથ્ય સત્કાર કરે, એનો આટલો જયજયકાર થાય છે. પણ વિદેશી મહેમાન કચ્છનાં રણમાં ન જોવા મળે, એ કેમ ચાલે. હેલ્થ ટુરિઝમમાં લોકો આવે એ માટે આપણે હૉસ્પિટલ બનાવીએ છીએ, પરંતુ ટુરિઝમ માટે આવે તો તેની શરૂઆત તો કરો. કચ્છના ભાઈઓને મારી આ વિનંતી છે અને ખાસ કરીને આપણા લેઉઆ પટેલ સમાજના ભાઈઓ અહીં બેઠા છે, તેઓ હિંદુસ્તાનમાં તેમજ વિશ્વમાં ફેલાયેલા છે. દર વર્ષે અને હું ઈચ્છું છું કે તમે હિસાબ રાખશો અને આપણા ગોપાલભાઈ તો હિસાબ-કિતાબવાળા માણસ છે. તેઓ ચોક્કસ કરશે, મારી તમને બધાને વિનંતી છે કે દર વર્ષે વિદેશમાં રહેતા દરેક કચ્છી પરિવાર ઓછામાં ઓછા પાંચ વિદેશી નાગરિકોને આપણાં કચ્છનું રણ જોવા અહીં મોકલે. તમે મને કહો કે આપણું કચ્છનું રણ કેવું ભરેલું ભરેલું દેખાશે અને વિશ્વભરમાં ખરા અર્થમાં કચ્છની બને ને બને જ? આ કોઈ મોટું કામ નથી. તમારા માટે તો તમને ત્યાં છીંક આવી, તો પણ ભૂજ આવી જાવ એવા લોકો છો. વિદેશમાં બીમાર પડો તો કહે છે કે એક અઠવાડિયું ભૂજ જઈને હવા-પાણી બદલી આવી જાવ તો સ્વસ્થ થઈ જશો. આ આપણો કચ્છ પ્રત્યેનો પ્રેમ છે, અને જ્યારે તે પ્રેમ છે, ત્યારે આપણે ઓછામાં ઓછા 5 વિદેશી લોકો, ભારતીય નહીં, એમને કચ્છનાં રણમાં લાવીએ અને આ વર્ષે આ ડિસેમ્બર મહિનામાં એમને મોકલવાના છે. બીજું, સરદાર પટેલ સાહેબને આટલી મોટી શ્રદ્ધાંજલિ આઝાદીનાં આટલાં વર્ષો પછી. સરદાર સાહેબનું આટલું મોટું સ્મારક બન્યું એનો આપને ગર્વ છે કે નહીં. આપ તો મારી પ્રશંસા કરતા રહો, મને શાબાશી આપતા રહો કે મોદી સાહેબ આપે તો બહુ સરસ કામ કર્યું. ગુજરાત સરકારને પણ અભિનંદન આપતા રહો કે બહુ સરસ કર્યું પણ આટલાંથી વાત પૂરી નથી થતી.
ભાઇઓ, મારી ઇચ્છા છે કે દુનિયાભરમાંથી જેમ કચ્છનાં રણમાં 5 લોકો આવે એવી જ રીતે એ 5 લોકો સ્ટેચ્યુ ઑફ યુનિટી પણ જોવા આવે. આપ જોશો, ગુજરાતના ટુરિઝમનો બહુ વિકાસ થશે અને ટુરિઝમ એવો વેપાર છે કે ગરીબ લોકોને રોજગાર આપે છે. ઓછામાં ઓછા મૂડી ખર્ચથી વધુ ને વધુ નફો મળે છે. આપ જોશો કે કચ્છનાં રણમાં આપ જોઇ લીધું કે નાનામાં નાની વસ્તુ બનાવીને વેચવાથી બાર મહિનાનું કામ બે મહિનામાં થઈ જાય છે. ટુરિસ્ટ આવે છે તો રિક્ષાવાળો કમાય છે, ટેક્સીવાળો કમાય છે અને ચા વેચવાવાળો પણ કમાય છે. એટલે મારી આપ સૌને એ વિનંતી છે કે આપણે કચ્છને ટુરિઝમનું મોટું સેન્ટર બનાવવાનું છે. અને એ માટે મારી અપેક્ષા છે કે વિદેશમાં રહેતા મારાં કચ્છી ભાઇઓ અને બહેનો આ વખતે નક્કી કરે કે દરેક ફેમિલી દર વખતે 5 લોકોને યોગ્ય રીતે સમજાવે અને ભારત મોકલવા માટે આગ્રહ કરે અને એમને સમજાવે કે ક્યાં જવાનું છે, કેવી રીતે જવાનું છે, આપનો ત્યાં કેવો આતિથ્ય સત્કાર થાય છે, આવો, ચાલો. અને હું 100 ટકા કહું છું કે હવે પર્યટન માટે ભારત માટે હવે લોકોમાં આકર્ષણ પેદા થયું છે. અહીં કોરોના પહેલાં બહુ વધારે ટુરિસ્ટ આવવા લાગ્યા હતા પણ કોરોનાને કારણે રોક લાગી ગઈ. ફરીથી શરૂ થઈ ગયું છે, અને આપ મારી મદદ કરો તો ચારેય દિશામાં આપણો જયજયકાર થઈ જશે. અને મારી ઇચ્છા છે કે આપ એનું કામ કરો. બીજું એક કામ પણ, કચ્છના ભાઇઓ પ્રત્યે મારી એ તો અપેક્ષા છે જ, હવે જુઓ, આપણા માલધારી ભાઇ કચ્છમાં બે ચાર મહિના રોકાય છે અને પછી છ આઠ મહિના એમનાં પશુધન લઈને રોડ પર આવી જાય છે. માઇલો સુધી ચાલે છે, શું આ આપણાં કચ્છને શોભે છે? જે જમાનામાં કચ્છ તમારે છોડવું પડ્યું, દુનિયાભરમાં કચ્છીએ કેમ જવું પડ્યું, તે જમાનામાં પાણીના અભાવે કચ્છમાં રહેવું મુશ્કેલ બન્યું હતું. બાળકો દુઃખી થાય, એવી સ્થિતિ સર્જાઈ હતી. એટલે જ દુનિયામાં જઈને મહેનત કરીને રોજીરોટી કમાઈને આજીવિકા ચલાવી. તેણે કોઈની સામે હાથ ન ફેલાવ્યો અને તે પોતાના પગ પર પણ ઊભો રહ્યો. તે જ્યાં પણ ગયો ત્યાં પોતાના સમાજનું ભલું કર્યું. કોઈ શાળા ચલાવે છે, કોઈ ગૌશાળા ચલાવે છે, જ્યાં રહ્યો છે ત્યાં કચ્છીમાડુ કોઈને કોઈ પ્રકારનું કામ કરે જ છે. હવે જ્યારે આપણે આટલું બધું કામ કરીએ છીએ તો મારી તમને વિનંતી છે. હું ખાસ કરીને માલધારીઓને વિનંતી કરું છું કે પહેલાના સમયમાં ઠીક છે કે તમે તમારા પશુઓને લઈને નીકળી પડતા હતા, પરંતુ હવે કચ્છમાં પાણી આવી ગયું છે.
હવે કચ્છમાં હરિયાળી પણ આવી ગઈ છે. હવે કચ્છમાં જીરું પણ ઊગે છે, સાંભળીને આનંદ થાય છે કે કચ્છમાં જીરાનો પાક થાય છે. કચ્છની કેરી વિદેશમાં જાય છે, કેટલો આનંદ થાય છે. આપણાં કચ્છે તો કમલમની ઓળખ બનાવી છે. આપણાં ખજૂર શું નથી, આપણાં કચ્છમાં, છતાં પણ મારા માલધારી ભાઇઓએ હિજરત કરવી પડે એ નહીં ચાલશે. હવે ત્યાં પણ ઘાસચારો ત્યાં છે જ. આપણે ત્યાં જ સ્થાયી થવું પડશે. હવે તો અહીં ડેરી પણ થઈ ગઈ છે અને આપ માટે તો પાંચેય આંગળી ઘીમાં હોય એવા દિવસ આવી રહ્યા છે. એટલા માટે આપણા માલધારી ભાઇઓને મળો અને સમજાવો કે હવે પશુઓની હિજરત કરવાની બંધ કરે અને અહીં રહે. આપને અહીં કોઇ તકલીફ નથી. આપ અહીં રહો અને આપનાં બાળકોને ભણાવો, કેમ કે હિજરત કરનારા લોકોનાં બાળકો ભણતાં નથી. અને આ વાતથી મને દુઃખ થાય છે.
આમાં મને તમારી મદદ જોઇએ અને એક મહત્વનું કામ આપ કરો એવી અપેક્ષા છે. આપણે આઝાદીના અમૃત મહોત્સવમાં 75 તળાવ દરેક જિલ્લામાં બનાવવા કહ્યું છે. આપણાં કચ્છમાં બે ત્રણ વર્ષોમાં તળાવ ભરાય એવું પાણી આવે છે. ઘણી વાર તો પાંચ વર્ષોમાં પણ નથી આવતું. ઘણી વાર તો મેં જોયું છે કે બાળક જન્મે અને એ ચાર વર્ષનું થઇ જાય પણ તેણે વરસાદ જોયો ન હોય. આવા દિવસો આપણાં કચ્છના લોકોએ જોયા છે. આ સમયમાં મારી આપ સૌને વિનંતી છે કે 75 ભવ્ય તળાવ ઐતિહાસિક તળાવ કચ્છની અંદર આપણે બનાવી શકીએ છીએ. અને આ માટે હિંદુસ્તાનમાં જે કચ્છીઓ ફેલાયેલા છે. મુંબઈમાં તો આપ બહુ મોટી સંખ્યામાં રહો છો, કેરળમાં રહો છો, આસામમાં મોટી સંખ્યામાં આપ રહો છો. ક્યાંય પણ આપ ઓછા નથી. હિંદુસ્તાનના અડધાથી પણ વધુ જિલ્લામાં કચ્છીભાઇ પહોંચી ગયા છે. 75 તળાવો, આપ માનો કે છત્તીસગઢમાં કચ્છી સમાજ છે તો એક તળાવ એ સંભાળે, મુંબઈમાં કચ્છી સમાજ છે તો 5 તળાવ એ સંભાળે, અને તળાવ નાનાં ન હોવાં જોઇએ. આપણાં નીમાબેનના 50 ટ્રક અંદર હોય તો દેખાય નહીં એટલાં ઊંડાં હોવાં જોઇએ. તમે જોશો કે પાણીનો સંગ્રહ થશે, ભલે બે વર્ષ પછી પાણી આવે, ત્રણ વર્ષ પછી પાણી આવે, બે ઇંચ વરસાદ આવે, છતાં તળાવ જ્યારે ભરાશે, તે કચ્છની મોટી શક્તિ બની જશે. અને મેં કચ્છ માટે જે કર્યું તેના કરતાં વધારે કચ્છે મારી વાત માનીને ઘણું વધારે કર્યું છે. અને જ્યારે તમે વધુ કામ કરો છો, ત્યારે તમને વધુ કામ કરવાનું મન થાય છે. તમે કંઇ કરો જ નહીં તો નમસ્તે કહીને હું નીકળી જતે પણ આપ કરો છો એટલે કહેવાનું મન થાય છે. અને એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણાં કચ્છને, કર્તવ્યભાવવાળું કચ્છ એની ઊંચાઇઓને નવાં આયામ બતાવો અને ટુરિઝમ હોય કે જળ સંગ્રહ, બેઉમાં વિશ્વમાં રહેતો કચ્છી હોય કે હિંદુસ્તાનના ખૂણે ખૂણે રહેતો કચ્છી હોય. આવો આપણે સૌ મળીને શ્રી ભૂપેન્દ્રભાઇનાં નેતૃત્વમાં ગુજરાતને જે ઝડપથી આગળ વધાર્યું છે એમાં આપણે પણ આપણું કર્તવ્ય નિભાવીએ.
આ જ અપેક્ષા, સૌને જય સ્વામી નારાયણ, મારી અનેક શુભકામનાઓ. ધન્યવાદ.