હું ટાઈમ્સ નાઉ જૂથના તમામ દર્શકો, કર્મચારીઓ, ફિલ્ડ અને ડેસ્કના તમામ પત્રકારો, કેમરા અને લોજિસ્ટિક સાથે જોડાયેલ પ્રત્યેક સાથીને આ સંમેલન માટે અભિનંદન આપું છું.
આ ટાઈમ્સ નાઉનું પ્રથમ સંમેલન છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.
સાથીઓ,
આ વખતની થીમ તમે ઇન્ડિયા એક્શન પ્લાન 20-20 પર રાખી છે.
પરંતુ આજનું ભારત તો સમગ્ર દાયકાના એક્શન પ્લાન પર કામ કરી રહ્યું છે.
હા, રીત 20-20 વાળી છે અને ઈરાદો ‘સંપૂર્ણ સીરીઝમાં સારો દેખાવ કરવાનો’ નવા રેકોર્ડ્સ બનાવવાનો અને આ સીરીઝને ભારતની સીરીઝ બનાવવાનો છે.
વિશ્વનો સૌથી યુવા દેશ હવે ઝડપથી રમવાના મિજાજમાં છે.
માત્ર 8 મહિનાની સરકારે નિર્ણયોની જે સદી ફટકારી છે, તે અભૂતપૂર્વ છે.
તમને સારું લાગશે,તમને ગર્વ થશે કે ભારતે આટલી ઝડપથી નિર્ણયો લીધા, આટલી ઝડપથી કામ થયું.
- દેશના દરેક ખેડૂતને પીએમ કિસાન યોજનાની હદમાં લાવવાનો નિર્ણય – પૂરો
- ખેડૂત, મજુર, દુકાનદારને પેન્શન આપવાની યોજના – પૂરી.
- પાણી જેવા મહત્વના વિષય પર બીબાઢાળ ખતમ કરવા માટે જળશક્તિ મંત્રાલયની રચના – પૂરી
- મધ્યમ વર્ગના અધૂરા ઘરોને પૂરા કરવા માટે 25 હજાર કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી – પૂરી.
- દિલ્હીના 40 લાખ લોકોને ઘરો માટેના અધિકાર આપનારો કાયદો – પૂરો.
- ત્રણ તલાક સાથે જોડાયેલ કાયદો – પૂરો.
- બાળ શોષણ વિરુદ્ધ કડક સજાનો કાયદો – પૂરો.
- ટ્રાન્સજેન્ડર લોકોને અધિકાર આપવાનો કાયદો – પૂરો.
- ચીટફંડ સ્કીમની છેતરપીંડીથી બચાવનાર કાયદો – પૂરો.
- નેશનલ મેડીકલ કમીશન કાયદો – પૂરો.
- કોર્પોરેટ કરમાં ઐતિહાસિક ઘટાડો – પૂરો.
- માર્ગ અકસ્માતની અટકાયત માટે કડક કાયદો – પૂરો.
- ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફની રચના – પૂરી.
- દેશને નેક્સ્ટ જનરેશન ફાઈટર પ્લેનની ડીલવરી – પૂરી.
- બોડો શાંતિ કરાર – પૂરો.
- બ્રુ રીયાંગ કાયમી સમજૂતી – પૂરી.
- ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનું કામ – પૂરું.
- કલમ 370ને દૂર કરવાનો નિર્ણય – પૂરો.
- જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય – પૂરો.
અને
- નાગરિક સુધારા કાયદો પણ – પૂરો.
હું ક્યારેક ક્યારેક ટાઈમ્સ નાઉ પર જોઉં છું, ન્યુઝ ૩૦, આટલી મિનીટમાં આટલા સમાચારો. આ કંઇક એવું જ થઇ ગયું.
અને આ પણ એક નમૂનો જ છે.
આ નમૂના પરથી જ તમને ખબર પડી ગઈ હશે કે વાસ્તવિક એક્શન હવે શરુ થાય છે!!!
હું નોન-સ્ટોપ આવા અનેક નિર્ણયો અન્ય પણ પણ ગણાવી શકું તેમ છું. માત્ર સદી જ નહી, પરંતુ બમણી સદી ફટકારી શકાય તેમ છે.
પરંતુ આ નિર્ણયો ગણાવીને, હું જે મુદ્દા પર તમને લઇ જવા માંગું છું, તેને સમજવો પણ જરૂરી છે.
સાથીઓ,
આજે દેશ દાયકાઓ જૂની સમસ્યાઓનું સમાધાન કરીને, 21મી સદીમાં ઝડપથી આગળ વધી રહ્યો છે.
વિશ્વના સૌથી યુવા દેશને જેટલી ગતિએ કામ કરવું જોઈએ, આપણે તેવું જ કરી રહ્યા છીએ.
હવે ભારત સમય નહી વેડફે.
હવે ભારત ઝડપથી ચાલશે પણ અને નવા આત્મવિશ્વાસની સાથે આગળ પણ વધશે.
દેશમાં થઇ રહેલા આ પરિવર્તનોએ, સમાજના દરેક સ્તર પર નવી ઉર્જાનો સંચાર કર્યો છે, તેને આત્મવિશ્વાસ વડે ભરી દીધા છે.
- આજે દેશના ગરીબમાં એ આત્મવિશ્વાસ આવી રહ્યો છે કે તે પોતાનું જીવન સ્તર સુધારી શકે તેમ છે, પોતાની ગરીબી દૂર કરી શકે તેમ છે.
- આજે દેશના યુવાનમાં એ આત્મવિશ્વાસ આવી રહ્યો છે કે તે નોકરીદાતા બની શકે છે, પોતાના બાહુબળ વડે નવા પડકારોને પાર કરી શકે છે.
- આજે દેશની મહિલાઓમાં એ આત્મવિશ્વાસ આવી રહ્યો છે કે તેઓ દરેક ક્ષેત્રમાં પોતાનું પ્રદર્શન દેખાડી શકે છે, નવા કીર્તીમાંનો સ્થાપિત કરી શકે તેમ છે.
- આજે દેશના ખેડૂતોમાં એ આત્મવિશ્વાસ આવી રહ્યો છે કે તે ખેતીની સાથે સાથે પોતાની આવકને વધારવા માટે ખેતી સાથે જોડાયેલ અન્ય વિકલ્પો પર પણ કામ કરી શકે તેમ છે.
- આજે દેશના ઉદ્યોગ સાહસિકોમાં, વેપારીઓમાં એ આત્મવિશ્વાસ આવી રહ્યો છે કે તેઓ એક સારા વ્યાપારી વાતાવરણમાં, પોતાનો વ્યવસાય કરી શકે તેમ છે, પોતાનો વ્યવસાય વધારી શકે તેમ છે.
આજના ભારતે આજના ન્યુ ઇન્ડિયાએ પોતાની ઘણી બધી સમસ્યાઓને પાછળ મૂકી દીધી છે.
આઝાદીના 70 વર્ષ પછી પણ આપણા દેશમાં કરોડો લોકો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલા નહોતા, કરોડો લોકોની પાસે ગેસના જોડાણો નહોતા, ઘરોમાં શૌચાલયો નહોતા.
આવી અનેક તકલીફો હતી જેમાં દેશના લોકો અને દેશ ગૂંચવાયેલા હતા. હવે આ પ્રકારની અનેક સમસ્યાઓ દૂર થઇ ચુકી છે.
હવે ભારતનું લક્ષ્ય છે આગામી પાંચ વર્ષમાં પોતાની અર્થવ્યવસ્થાને 5 ટ્રીલીયન ડોલર સુધીનો વિસ્તાર આપવાનું.
આ લક્ષ્ય, સરળ નથી, પરંતુ એવું પણ નથી કે જેને હાંસલ કરી શકાય તેમ જ નથી.
સાથીઓ,
આજે ભારતનું અર્થતંત્ર આશરે ૩ ટ્રીલીયન ડોલરનું છે.
અહિયાં આટલા વિદ્વાન લોકો છે.
હું તમને એક સવાલ પૂછવા માંગું છું.
શું તમે ક્યારેય સાંભળ્યું હતું કે દેશમાં ક્યારેય પણ ૩ ટ્રીલીયન ડોલરના અર્થતંત્ર સુધી પહોંચવા માટેનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.
નહોતું સાંભળ્યું ને?
આપણે 70 વર્ષમાં ૩ ટ્રીલીયન ડોલર સુધી પહોંચ્યા છીએ.
પહેલા ના તો કોઈએ સવાલ પૂછ્યો કે આટલો સમય કેમ લાગી ગયો અને ના તો કોઈએ તેનો જવાબ આપ્યો.
હવે અમે લક્ષ્ય રાખ્યું છે, સવાલોનો પણ સામનો કરી રહ્યા છીએ અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મન દઈને લાગેલા પણ છીએ.
આ પણ પહેલાની સરકારો અને અમારી સરકારની કામ કરવાની રીતનો એક તફાવત છે.
દિશાહીન થઈને આગળ વધવા કરતા સારું છે કે અઘરા લક્ષ્યને નક્કી કરીને તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે.
હમણાં તાજેતરમાં જે બજેટ આવ્યું છે, તે દેશને આ લક્ષ્યની પ્રાપ્તિ કરવામાં, 5 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં વધુ મદદ કરશે.
સાથીઓ,
આ લક્ષ્યની પ્રાપ્તિ માટે એ ખૂબ જ જરૂરી છે કે ભારતમાં ઉત્પાદન વધે, નિકાસ વધે. તેની માટે સરકારે અનેક નિર્ણયો લીધા છે.
દેશભરમાં ઈલેક્ટ્રોનિક મેડીકલ ડીવાઈસ અને ટેકનોલોજી ક્લસ્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ટેકનીકલ ટેકસટાઇલ મિશન વડે પણ તેને સહયોગ મળશે. આપણે જે નિકાસ કરીશું, તેની ગુણવત્તા જળવાઈ રહે, તેની માટે પણ નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે.
સાથીઓ,
મેઇક ઇન ઇન્ડિયા, ભારતની અર્થવ્યવસ્થાને, દેશના નાનામાં નાનાં ઉદ્યમીઓ માટે ખૂબ મોટી મદદ કરી રહ્યું છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ઉત્પાદનમાં તો ભારતે અભૂતપૂર્વ ઝડપ દેખાડી છે.
વર્ષ 2014માં દેશમાં 1 લાખ 90 હજાર કરોડ રૂપિયાના ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું નિર્માણ થયું હતું. ગયા વર્ષે તે વધીને 4 લાખ 60 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
વિચાર કરો,
2014માં ભારતમાં મોબાઇલ બનાવનારી માત્ર 2 કંપનીઓ હતી.
આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ નિર્માતા દેશ છે.
સાથીઓ,
5 ટ્રીલીયન ડોલરના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયાના રોકાણ દ્વારા પણ મોટી મદદ મળશે. દેશભરમાં 6500થી વધુ પ્રોજેક્ટ્સ પર થનારું કામ, પોતાની આસપાસના ક્ષેત્રમાં અર્થવ્યવસ્થાને ગતિ આપશે.
આ પ્રયાસોની વચ્ચે, એ પણ હકીકત છે કે ભારત જેવી ‘ઉભરતી અર્થવ્યવસ્થા’વાળા દેશની સામે પડકારો પણ વધારે હોય છે. ચડાવ ઉતાર પણ આવે છે અને વૈશ્વિક પરિસ્થિતિઓનો પ્રભાવ પણ વધુ સહન કરવો પડે છે.
ભારત હંમેશાથી જ આ પ્રકારની પરિસ્થિતિઓને પાર કરતું આવ્યું છે અને આગળ પણ કરતું રહેશે.
અમે સ્થિતિઓને સુધારી રહ્યા છીએ, સતત નિર્ણયો લઇ રહ્યા છીએ.
બજેટ પછી પણ નાણા મંત્રી નિર્મલાજી, સતત જુદા જુદા શહેરોમાં હિતધારકોને મળી રહ્યા છે.
તે એટલા માટે કરી રહ્યા છે કારણ કે બધાના સૂચનોને માનીને, બધાને સાથે લઈને ચાલી રહ્યા છીએ.
મિત્રો,
અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાના પ્રયાસોની સાથે સાથે જ તેની સાથે જોડાયેલ એક અન્ય મહત્વપૂર્ણ વિષય છે, દેશમાં આર્થિક પ્રવૃત્તિઓના વિકસિત થઇ રહેલા નવા કેન્દ્રો.
આ નવા કેન્દ્રો શું છે?
આ કેન્દ્રો છે આપણા નાના શહેરો, ટીયર-2, ટીયર-૩ શહેરો.
સૌથી વધુ ગરીબી આ જ શહેરોમાં છે, સૌથી મોટો મધ્યમ વર્ગ આ જ શહેરોમાં છે.
આજે દેશના અડધાથી વધુ ડીજીટલ ટ્રાન્ઝેક્શન નાના શહેરોમાં થઇ રહ્યા છે.
આજે દેશમાં જેટલા સ્ટાર્ટ અપ્સ નોંધાઈ રહ્યા છે તેમાંથી અડધા ટીયર-2 અને ટીયર-૩ શહેરોમાં જ છે.
અને એટલા માટે,
પહેલીવાર કોઈ સરકારે નાના શહેરોના પણ આર્થિક વિકાસ પર ધ્યાન આપ્યું છે.
પહેલીવાર કોઈ સરકારે આ નાના શહેરોના મોટા સપનાઓને સન્માન આપ્યું છે.
આજે,
નાના શહેરોના મોટા સપનાઓને, નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે ઉંચાઈઓ આપી રહ્યા છે. ઉડાન અંતર્ગત બની રહેલા નવા એરપોર્ટ, નવા હવાઈ માર્ગો તેમને એર કનેક્ટિવિટી સાથે જોડી રહ્યા છે. સેંકડોની સંખ્યામાં આ શહેરોમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.
સાથીઓ,
5 લાખ સુધીની આવક પર શૂન્ય કરનો લાભ પણ નાના શહેરોને સૌથી વધુ થયો છે.
એમએસએમઈને પ્રોત્સાહન આપવા માટે, જે નિર્ણયો અમે લીધા તેનો લાભ પણ આ જ શહેરોના ઉદ્યમીઓને સૌથી વધુ થયો છે.
હમણાં બજેટમાં સરકારે જે નવા મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલ જાહેરાતો કરી છે તેના વડે પણ સૌથી વધુ ફાયદો નાના શહેરોને જ થશે.
સાથીઓ,
આપણા દેશમાં એક અન્ય ક્ષેત્ર પણ રહ્યું છે જેની પર હાથ મૂકવામાં સરકારો બહુ અચકાતી રહી છે. તે છે કર વ્યવસ્થા. વર્ષો સુધી તેમાં કોઈ પરિવર્તન નહોતું થયું.
અત્યાર સુધી આપણે ત્યાં પ્રક્રિયા કેન્દ્રી કર વ્યવસ્થા જ પ્રમુખ રહી છે. હવે તેને લોકો કેન્દ્રી બનાવવામાં આવી રહી છે.
અમારો પ્રયાસ કર/જીડીપી રેશિયોમાં વધારાની સાથે જ લોકો ઉપર કરનો બોજ ઓછો કરવાનો પણ છે.
જીએસટી, આવકવેરા કર અને કોર્પોરેટ કર, આ દરેક દિશામાં અમારી સરકારે કરમાં કપાત કર્યો છે.
પહેલા વસ્તુ અને સેવાઓ ઉપર સરેરાશ કરનો દર 14.4 ટકા હતો, કે જે આજે ઓછો થઈને 11.8 ટકા થઇ ગયો છે.
આ બજેટમાં જ આવકવેરા કરના સ્લેબ્સને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પહેલા કરમાં રાહત માટે કેટલાક નિર્ધારિત રોકાણો જરૂરી હતા. હવે તમને એક વિકલ્પ આપવામાં આવ્યો છે.
સાથીઓ,
ક્યારેક ક્યારે દેશના નાગરિકોને કર આપવામાં એટલી તકલીફ નથી પડતી હોતી જેટલી આ પ્રક્રિયા વડે અને પ્રક્રિયાનું પાલન કરનારા લોકોથી હોય છે. અમે તેનો પણ રસ્તો શોધી કાઢ્યો છે.
ફેસલેસ એસેસમેન્ટ બાદ આ બજેટમાં ફેસલેસ અપીલની પણ જાહેરાત કરવામાં આવી છે.
એટલે કે કરનું મૂલ્યાંકન કરનારા વ્યક્તિને હવે એ ખબર નહી પડે કે તે કોના કરનું મૂલ્યાંકન કરી રહ્યો છે, તે કયા શહેરનો છે.
એટલું જ નહી, જેના કરનું મૂલ્યાંકન થવાનું છે, તેને પણ ખબર નહી પડે કે અધિકારી કોણ છે?
એટલે કે રમત રમવાની બધી શક્યતાઓ જ પૂરી.
સાથીઓ,
અવારનવાર સરકારના આ પ્રયાસ મુખ્ય સમાચારો નથી બની શકતા પરંતુ આજે આપણે દુનિયાના કેટલાક એવા પસંદ કરાયેલા જ દેશોમાં સામેલ થઇ ગયા છીએ, જ્યાં કરદાતાઓના અધિકારોની સ્પષ્ટતા વ્યાખ્યાયિત કરનાર કરદાતાનું ચાર્ટર પણ લાગુ કરવામાં આવશે.
હવે ભારતમાં કર શોષણ વીતેલા દિવસોની વાત થવા જઈ રહી છે. આધુનિક ટેકનોલોજીની મદદ વડે હવે દેશ કર પ્રોત્સાહનની દિશામાં આગળ વધી રહ્યો છે.
મિત્રો,
સરકાર દ્વારા દેશને કર અનુકૂળ સમાજ (Tax Compliant Society) બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વીતેલા 4-5 વર્ષોમાં દેશે તેમાં ઘણી પ્રગતિ કરી છે પરંતુ હજુ ઘણી લાંબી યાત્રા બાકી છે.
હું તમારી સમક્ષ કેટલાક આંકડાઓ દ્વારા મારી વાત કહેવા માંગું છું.
સાથીઓ,
છેલ્લા પાંચ વર્ષોમાં દેશમાં દોઢ કરોડથી વધુ કારોનું વેચાણ થયું છે.
૩ કરોડ કરતા વધુ ભારતીયો, વેપારના કામથી અથવા તો ફરવા માટે વિદેશ ગયા છે.
પરંતુ સ્થિતિ એવી છે કે 130 કરોડથી વધુના આપણા દેશમાં માત્ર દોઢ કરોડ લોકો જ આવકવેરો ભરે છે.
તેમાંથી પણ દરવર્ષે 50 લાખ રૂપિયાથી વધુ આવક જાહેર કરનારાઓની સંખ્યા આશરે ૩ લાખ છે.
તમને બીજો એક આંકડો આપું છું.
આપણા દેશમાં મોટા મોટા ડોક્ટર્સ છે, વકીલો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અનેક વ્યવસાયિકો છે જેઓ પોત-પોતાના ક્ષેત્રોમાં નિષ્ણાત છે, દેશની સેવા કરી રહ્યા છે.
પરંતુ એ પણ એક વાસ્તવિકતા છે કે દેશમાં આશરે માત્ર 2200 વ્યવસાયિકો જ છે જેઓ પોતાની વાર્ષિક આવકને એક કરોડ રૂપિયાથી વધુની બતાવે છે.
આખા દેશમાં માત્ર 2200 વ્યાવસાયિકો!!!
સાથીઓ,
જ્યારે આપણે જોઈએ છીએ કે લોકો ફરવા જઈ રહ્યા છે, પોતાની પસંદની ગાડીઓ ખરીદી રહ્યા છે તો ખુશી થાય છે. પરંતુ જ્યારે કર આપનારાઓની સંખ્યા જોઈએ છીએ તો ચિંતા પણ થાય છે.
આ વિરોધાભાસ પણ દેશની એક વાસ્તવિકતા છે.
જ્યારે ઘણા બધા લોકો કર નથી ભરતા, કર ન ભરવાના રસ્તાઓ શોધી કાઢે છે, તો તેનો બોજ તે લોકો ઉપર પડે છે જેઓ ઈમાનદારી વડે કર ચુકવે છે.
એટલા માટે, હું આજે પ્રત્યેક ભારતીયને આ વિષય ઉપર આત્મમંથન કરવાનો આગ્રહ કરીશ.
શું તેમને આ સ્થિતિ સ્વિકાર્ય છે?
આજે અંગત આવકવેરા કર હોય કે પછી કોર્પોરેટ આવકવેરા કર, ભારત વિશ્વના તે દેશોમાં સામેલ છે જ્યાં સૌથી ઓછો કર લાગુ પડે છે.
તો પછી જે અસામનતા મેં તમને જણાવી તે શું ખતમ ના થવી જોઈએ?
સાથીઓ,
સરકારને જે કર મળે છે, તે દેશમાં જન કલ્યાણની યોજનાઓમાં કામ આવે છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં કામ આવે છે. કરના આ જ પૈસા વડે દેશમાં નવા એરપોર્ટ બને છે, નવા હાઇવે બને છે, મેટ્રોનું કામ થાય છે.
ગરીબોને મફત ગેસના જોડાણો, મફત વીજળીના જોડાણો, સસ્તું કરિયાણું, ગેસ સબસીડી, પેટ્રોલ ડીઝલ સબસીડી, શિષ્યવૃત્તિ, આ બધું જ સરકાર એટલા માટે કરી શકે છે કારણ કે દેશના કેટલાક જવાબદાર નાગરિકો પૂરી ઈમાનદારી સાથે કર ચૂકવી રહ્યા છે.
અને એટલા માટે જ,
ખૂબ જરૂરી છે કે દેશનો તે પ્રત્યેક વ્યક્તિ, જેને દેશે, સમાજે એટલું બધું આપ્યું છે કે તે પોતાનું કર્તવ્ય નિભાવે. જેમના કારણે તેની આવક એટલી છે કે તે કર આપવા માટે સક્ષમ બની શક્યો છે, તેણે ઈમાનદારી સાથે કર આપવો પણ જોઈએ.
હું આજે ટાઈમ્સ નાઉના મંચ પરથી તમામ દેશવાસીઓને એ આગ્રહ કરીશ કે દેશની માટે પોતાનું જીવન સમર્પિત કરનારાઓને યાદ કરીને એક પ્રતિજ્ઞા લઈએ, સંકલ્પ લઈએ.
તે લોકોને યાદ કરીએ જેમણે દેશને આઝાદ કરાવવામાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી.
દેશના તે મહાન વીર દીકરા દીકરીઓને યાદ કરીને એ સંકલ્પ લઈએ કે તેઓ ઈમાનદારી વડે જે કર બને છે તેને આપશે.
વર્ષ 2022માં આઝાદીના 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આપણા સંકલ્પોને આ મહાન પર્વ સાથે જોડો, તમારા કર્તવ્યોને આ મહાન અવસર સાથે જોડો.
મારો મીડિયા જગતને પણ એક આગ્રહ છે.
સ્વતંત્ર ભારતના નિર્માણમાં મીડિયાની ઘણી મોટી ભૂમિકા રહી છે.
હવે સમૃદ્ધ ભારતના નિર્માણમાં પણ મીડિયાએ પોતાની ભૂમિકાનો વિસ્તાર કરવો જોઈએ.
જે રીતે મીડિયાએ સ્વચ્છ ભારત, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર જાગૃતતા અભિયાન ચલાવ્યું, તે જ રીતે તેણે દેશના પડકારો, જરૂરિયાતોના વિષયમાં પણ સતત અભિયાન ચલાવતા રહેવું જોઈએ.
તમારે સરકારની ટીકા કરવી હોય, અમારી યોજનાઓની ભૂલો કાઢવી હોય તો ખુલીને કરો, તે મારી માટે વ્યક્તિગત રીતે પણ ખૂબ મહત્વપૂર્ણ ફિડબેક હોય છે પરંતુ દેશના લોકોને સતત જાગૃત પણ કરતા રહો.
જાગૃત, માત્ર સમાચારો વડે જ નહી પરંતુ દેશને દિશા આપનારા વિષયો વડે પણ.
સાથીઓ,
21મી સદીને ભારતની સદી બનાવવામાં બહુ મોટી ભૂમિકા છે, પોત-પોતાના કર્તવ્યનું પાલન કરવાની.
એક નાગરિક તરીકે દેશ આપણી પાસે જે કર્તવ્યોને નિભાવવાની અપેક્ષા કરે છે, તે જ્યારે પૂરા થાય છે તો દેશને પણ નવી તાકાત મળે છે, નવી ઉર્જા મળે છે.
આ જ નવી ઉર્જા, નવી તાકાત, ભારતને આ દાયકામાં પણ નવી ઉંચાઈઓ પર લઇ જશે.
આ દાયકો ભારતના સ્ટાર્ટ અપ્સનો થવાનો છે.
આ દાયકો ભારતના વૈશ્વિક નેતાઓનો થવાનો છે.
આ દાયકો ભારતમાં ઇન્ડસ્ટ્રી 4.૦ના મજબૂત નેટવર્કનો થવાનો છે.
આ દાયકો પુનઃપ્રાપ્ય ઉર્જા વડે ચાલનારા ભારતનો થવાનો છે.
આ દાયકો અસરકારક જળ અને પૂરતા જળવાળા ભારતનો થવાનો છે.
આ દાયકો ભારતના નાના શહેરોનો થવાનો છે, આપણા ગામડાઓનો થવાનો છે.
આ દાયકો, 130 કરોડ સપનાઓનો છે, મહત્વકાંક્ષાઓનો છે.
મને વિશ્વાસ છે કે આ દાયકાને ભારતનો દાયકો બનાવવા માટે અનેક સૂચનો ટાઈમ્સ નાઉના પહેલા સંમેલનમાંથી નીકળશે.
અને ટીકાઓની સાથે, સૂચનોની સાથે જ, કેટલીક વાત કર્તવ્યો ઉપર પણ થશે.
આપ સૌને ફરીથી ખૂબ શુભકામનાઓ.
ખૂબ ખૂબ આભાર !!!