તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું. જો કે બધા સાથે તો વાત નથી થઈ શકી પરંતુ તમારો જોશ, તમારો ઉત્સાહ સંપૂર્ણ દેશના તમામ લોકો આજે અનુભવ કરી રહ્યા છે. કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત દેશના રમત મંત્રી શ્રીમાન અનુરાગ ઠાકુરજીએ, હમણાં થોડા દિવસો પહેલા સુધી રમત મંત્રીના રૂપમાં તમારા બધાની સાથે બહુ સારું કામ કર્યું છે. એ જ રીતે આપણાં વર્તમાન કાયદા મંત્રી શ્રીમાન કિરણ રિજીજુજી, રમત રાજ્યમંત્રી આપણાં સૌથી યુવાન મંત્રી છે અમારી ટીમના શ્રીમાન નિશીથ પ્રામાણિકજી, રમતગમત સાથે જોડાયેલ સંસ્થાઓના તમામ પ્રમુખ, તેમના સૌ સભ્યો, અને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા મારા સાથીઓ, તમામ રમતવીરોના પરિવારજનો, આજે આપણી વર્ચ્યુઅલ વાતચીત થઈ છે પરંતુ મને હજી વધારે સારું લાગત જો હું તમને બધા રમતવીરોને અહિયાં દિલ્હીના મારા ઘરમાં આમંત્રિત કરતો, તમને લોકોને રૂબરૂ મળતો. આ અગાઉ આવું હું હંમેશા કરતો આવ્યો છું. અને મારી માટે તે અવસર ખૂબ ઉમંગનો અવસર રહેતો હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે તે શક્ય નથી બની રહ્યું. અને આ વખતે અડધા કરતાં વધુ આપણાં રમતવીરોની પહેલાથી જ વિદેશોમાં તાલીમ ચાલી રહી છે. પરંતુ પાછા ફર્યા બાદ હું તમને વચન આપું છું કે આપ સૌની સાથે જરૂરથી સુવિધા મુજબ સમય કાઢીને મળીશ. પરંતુ કોરોનાએ ઘણું બધુ બદલી નાખ્યું છે. ઓલિમ્પિકનું વર્ષ પણ બદલાઈ ગયું, તમારી તૈયારીઓની રીત પણ બદલાઈ ગઈ, ઘણું બધુ બદલાઈ ગયેલું છે. હવે તો ઓલિમ્પિક શરૂ થવામાં માત્ર 10 જ દિવસો બાકી રહ્યા છે. ટોક્યોમાં પણ એક જુદા જ પ્રકારનું વતાવરણ તમને જોવા મળવાનું છે.
સાથીઓ,
આજે તમારી સાથે વાતચીત દરમિયાન દેશને પણ ખબર પડી છે કે આટલા મુશ્કેલ સમયમાં પણ દેશની માટે તમે કેટલી મહેનત કરી છે, કેટલો પરસેવો વહાવ્યો છે. ગઈ વખતે ‘મન કી બાત’માં મેં તમારામાંથી કેટલાક સાથીઓના આ પરિશ્રમની ચર્ચા પણ કરી હતી. મેં દેશવાસીઓને આગ્રહ પણ કર્યો હતો કે તેઓ દેશના રમતવીરો માટે, તમારા બધાની માટે હર્ષોલ્લાસ પ્રગટ કરે, તમારું મનોબળ વધારે. મને આજે એ જોઈને ખુશી થાય છે કે દેશ તમને ચીયર કરી રહ્યો છે. તાજેતરના દિવસોમાં ‘હેશટેગ ચીયર ફોર ઈન્ડિયા’ની સાથે કેટલાય ફોટા મેં જોયા છે. સોશ્યલ મીડિયાથી લઈને દેશના જુદા જુદા ખૂણાઓ સુધી, આખો દેશ તમારી માટે ઊઠીને ઊભો થયેલો છે. 135 કરોડ ભારતીયોની એ શુભકામનાઓ રમતના મેદાનમાં ઉતરતા પહેલા આપ સૌની માટે દેશના આશીર્વાદ છે. હું પણ મારા તરફથી તમને પુષ્કળ માત્રામાં શુભકામનાઓ આપું છું. આપ સૌને દેશવાસીઓ પાસેથી સતત શુભકામનાઓ મળતી રહે તેની માટે નમો એપ ઉપર પણ એક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. નમો એપ પર જઈને પણ લોકો તમારી માટે ચીયર કરી રહ્યા છે, તમારી માટે સંદેશાઓ મોકલી રહ્યા છે.
સાથીઓ,
તમારી સાથે આખા દેશની ભાવનાઓ જોડાયેલી છે. અને જ્યારે હું તમને બધાને એક સાથે જોઈ રહ્યો છું તો કેટલીક વસ્તુઓ સામાન્ય જોવા મળી રહી છે. અને જ્યારે હું તમને જોઉ છું તો સામાન્ય વાતો છે – બહાદુર, આત્મવિશ્વાસથી ભરપૂર અને હકારાત્મક. તમારી અંદર એક સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યું છે – શિસ્ત, સમર્પણ અને દ્રઢ નિશ્ચય. તમારી અંદર પ્રતિબદ્ધતા પણ છે અને સ્પર્ધાત્મકતા પણ છે. આ જ ગુણો, લક્ષણો ન્યુ ઈન્ડિયાના પણ છે. એટલા માટે આપ સૌ ન્યુ ઈન્ડિયાના પ્રતિબિંબો પણ છો, દેશના ભવિષ્યના પ્રતિક છો. તમારામાંથી કોઈ દક્ષિણમાંથી આવે છે, કોઈ ઉત્તરથી આવે છે, કોઈ પૂર્વથી છે તો કોઈ પૂર્વોત્તરથી છે. કોઈએ પોતાની રમતની શરૂઆત ગામડાના ખેતરોમાંથી કરી છે તો કેટલાય સાથી બાળપણથી જ કોઈ સ્પોર્ટ્સ એકેડમી સાથે જોડાયેલા રહ્યા છે. પરંતુ હવે તમે બધા અહિયાં ‘ટીમ ઈન્ડિયા’નો ભાગ બની ગયા છો. આપ સૌ દેશની માટે રમવા જઈ રહ્યા છો. આ જ વૈવિધ્ય, આ જ ‘ટીમની ભાવના’ જ તો ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ઓળખ છે.
સાથીઓ,
આપ સૌ એ બાબતના સાક્ષી છો કે દેશ કઈ રીતે આજે એક નવી વિચારધારા, નવી પહોંચ સાથે પોતાના દરેક રમતવીરની માટે ઊઠીને ઊભો થયો છે. આજે દેશની માટે તમારી પ્રેરણા ખૂબ મહત્વપૂર્ણ છે. તમે ખૂલીને રમો, પોતાના સંપૂર્ણ સામર્થ્ય સાથે રમી શકો, પોતાની રમતને, પોતાની ટેકનિકને હજી વધારે ખિલવી શકો, તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. તમને યાદ હશે, ઓલિમ્પિક માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના ઘણા સમય પહેલા જ કરી દેવામાં આવી હતી. ટાર્ગેટ ઓલિમ્પિક પોંડિયમ યોજના અંતર્ગત તમામ રમતવીરોને પ્રત્યેક શક્ય એવી મદદ કરવામાં આવી છે. તમે પણ આનો અનુભવ કર્યો છે. પહેલાંની સરખામણીએ જે પરિવર્તનો આજે આવ્યા છે, તેમને પણ તમે અનુભવ કરી રહ્યા છો.
મારા સાથીઓ,
તમે દેશની માટે પરસેવો પાડો છો, દેશનો તિરંગો લઈને જાવ છો, એટલા માટે એ દેશની જવાબદારી છે કે તમારી સાથે મજબૂતી સાથે ઊભો રહે. અમે પ્રયાસ કર્યો છે. રમતવીરોને સારા તાલીમ કેમ્પ્સ માટે વધુ સારા સાધનો માટે. આજે ખેલાડીઓને વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પણ આપવામાં આવી રહ્યું છે. રમતગમત સાથે જોડાયેલ સંસ્થાનોએ તમારા સૂચનોને સર્વોપરી રાખ્યા છે, એટલા માટે જ આટલા ઓછા સમયમાં આટલા મોટા પરિવર્તનો આવી શક્યા છે.
સાથીઓ,
જે રીતે રમતના મેદાનમાં મહેનતની સાથે યોગ્ય વ્યૂહરચના જોડાઈ જાય છે તો વિજય નિશ્ચિત થઈ જાય છે, આ જ વાત મેદાનની બહાર પણ લાગુ પડે છે. દેશે ‘ખેલો ઈન્ડિયા’ અને ‘ફિટ ઈન્ડિયા’ જેવા અભિયાનો ચલાવીને મિશન મોડમાં યોગ્ય વ્યૂહરચનાઓ સાથે કામ કર્યું તો પરિણામ પણ તમે જોઈ રહ્યા છો. પહેલી વાર આટલી મોટી સંખ્યામાં રમતવીરોએ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કર્યું છે. પહેલી વાર આટલી બધી રમતોમાં ભારતના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કેટલીય રમતો તો એવી છે જેમાં ભારતે સૌપ્રથમ વખત પાર પડ્યું છે.
સાથીઓ,
આપણે ત્યાં કહેવાય છે – अभ्यासात् जायते नृणाम् द्वितीया प्रकृतिः॥ અર્થાત, આપણે જેવો અભ્યાસ કરીએ છીએ, જેવો પ્રયાસ કરીએ છીએ, ધીમે ધીમે તે પછી આપણાં સ્વભાવનો એક ભાગ બની જાય છે. આટલા સમયથી તમે લોકો જીતવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છો. તમને સૌને જોઈને તમારી આ ઉર્જાને જોઈને કોઈ શંકા બાકી નથી રહી જતી હવે. તમારો અને દેશના યુવાનોનો જોશ જોઈને એટલું કહી શકું છું કે તે દિવસ દૂર નથી કે જ્યારે જીતવું એ જ ન્યુ ઈન્ડિયાની આદત થઈ જશે. અને હજી તો આ શરૂઆત છે, તમે ટોક્યો જઈને જ્યારે દેશનો પરચમ લહેરાવશો તો તેને આખી દુનિયા જોશે. હા, એ વાત જરૂર યાદ રાખવાની છે કે જીતવાનું દબાણ લઈને રમવાનું નથી. પોતાના દિલ દિમાગને બસ એક જ માત્ર વાત કહો કે મારે મારુ શ્રેષ્ઠ પ્રદર્શન બતાવવાનું છે. હું દેશવાસીઓને પણ એક વાર ફરી કહીશ, ‘ચીયર ફોર ઈન્ડિયા’. મને પૂરો વિશ્વાસ છે આપ સૌ દેશની માટે રમીને દેશનું ગૌરવ વધારશો, નવી સિદ્ધિના શિખરો હાંસલ કરશો. એ જ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર! મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમારા પરિવારજનોને મારા વિશેષ પ્રણામ! ખૂબ ખૂબ આભાર!