જૈ માતા નૈણા દેવિયા રી, જૈ બજિએ બાબે રી.
બિલાસપુર આલ્યો...અઉં ધન્ય ઓડ ગયા, આજ્જ....મિંજો...દશૈરે રે, આ પાવન પર્વ પર માતા નૈણા દેવિયા રે, આશીર્વાદા ને, તુહાં સારયાં રે દર્શના રા સૌભાગ્ય મિલ્યા! તુહાં સારયાં જો, મેરી રામ-રામ. કને એમ્સ રી બડી-બડી બદાઈ.
હિમાચલના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, હિમાચલના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન જયરામ ઠાકુર જી, ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ, આપણા તમામના માર્ગદર્શક અને આ જ ધરતીની સંતાન, શ્રીમાન જે પી નડ્ડાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અને આપણા સાંસદ શ્રી અનુરાગ ઠાકુરજી, હિમાચલ ભાજપના અધ્યક્ષ અને સંસદમાં મારી સાથી સુરેશ કશ્યપજી, સંસદમાં મારાં સાથીદાર કિશન કપૂરજી, બહેન ઇંદુ ગોસ્વામીજી, ડૉ. સિકંદર કુમારજી, અન્ય મંત્રીમંડળના સાથીદારો, સાંસદો અને ધારાસભ્યો, મોટી સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા પધારેલા મારાં પ્યારાં ભાઈઓ અને બહેનો ! તમને બધાને, સંપૂર્ણ દેશવાસીઓને વિજયાદશમીના પ્રસંગે અનંત-અનંત શુભકામનાઓ.
આ પાવન પર્વ, દરેક બુરાઈમાંથી પસાર થઈને, અમૃતકાળ માટે જે પંચ પ્રાણોનો સંકલ્પ દેશે લીધો છે, તેના પર ચાલવાનો માટે નવી ઊર્જા આપશે. મારું સૌભાગ્ય છે કે, વિજયાદશમી પર હિમાચલપ્રદેશના લોકોને સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી અને માળખાગત સુવિધાના હજારો કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ, એની ભેટ આપવાની તક મળી છે. આ પણ જુઓ સંયોગ છે – વિજયાદશમી હોય અને વિજયનું રણશિંગુ ફૂંકવાની તક મળે – આ ભવિષ્યના દરેક વિજયનો જયઘોષ કરવા આવ્યો છું. બિલાસપુરને તો શિક્ષણ અને સ્વાસ્થ્યની ડબલ ભેટ મળી છે. કહલૂરા રી...બંદલે ધારા ઉપ્પર, હાઇડ્રો કૉલેજ.....કને થલ્લે એમ્સ....હુણ એથી રી પહચાન હૂણી !
ભાઈઓ અને બહેનો,
અહીં વિકાસલક્ષી યોજનાઓ તમને સુપરત કર્યા પછી, જયરામજીએ જણાવ્યું તેમ, એક વધુ સાંસ્કૃતિક વારસાનો સાક્ષી બનવા જઈ રહ્યો છું. બહુ વર્ષો પછી એક વાર ફરી કુલ્લુ દશેરામાં સામેલ થવાનું સૌભાગ્ય મને મળશે. સેંકડો દેવી-દેવતાઓની સાથે ભગવાન રઘુનાથજીની યાત્રામાં સામેલ થઈને હું દેશ માટે આશીર્વાદ પણ માંગીશ. અને આજે જ્યારે અહીં બિલાસપુર આવ્યો છું, ત્યારે જૂની યાદો તાજી થવી બહુ સ્વાભાવિક છે. એક સમયે હું અહીં પગપાળા પ્રવાસ કરતો હતો, ટહેલતો હતો. ક્યારેક હું, ધુમલજી, નડ્ડાજી, પગપાળાં અહીં બજારમાંથી નીકળી પડતાં હતાં. અમે એક બહુ મોટા રથયાત્રાના કાર્યક્રમને લઈને પણ અહીં બિલાસપુરની શેરીઓમાંથી પસાર થતો હતો. અને ત્યારે સુવર્ણજયંતિ રથયાત્રા અહીંથી પસાર થઈને અને તે પણ મેઇન માર્કેટમાંથી નીકળી હતી અને ત્યાં એક જનસભાનું આયોજન થયું હતું. હું અહીં અનેક વાર આવ્યો છું, તમારા લોકો વચ્ચે રહ્યો છું.
હિમાચલની આ જ ભૂમિ પર કામ કરીને મને સતત હિમાચલની વિકાસયાત્રાનો સહભાગી બનવાની તક મળી છે. મેં હમણાં સાંભળ્યું હતું, અનુરાગજી બહુ જોર-જોરથી બોલી રહ્યાં હતાં – આ મોદીજીએ કર્યું, આ મોદીજીએ કર્યું, આ મોદીજીએ કર્યું. આપણા નડ્ડાજી પણ કહી રહ્યાં હતાં – આ મોદીજીએ કર્યું, આ મોદીજીએ કર્યું અને આપણા મુખ્યમંત્રી જયરામજી પણ કહી રહ્યાં હતાં, મોદીજીએ કર્યું, મોદીજીએ કર્યું. પણ હું એક સાચી વાત જણાવું, જણાવું કોણે કર્યું છે? આ બધી કામગીરી તમે કરી છે, આ તમારી મહેનતનું, તમારા આશીર્વાદનું પરિણામ છે. તમારા કારણે થયું છે. જો તમે દિલ્હીમાં ફક્ત મોદીજીને આશીર્વાદ આપ્યાં હોત અને હિમાચલમાં મોદીજીના સાથીદારોને આશીર્વાદ ન આપ્યાં હોત, તો આ તમામ કામમાં એ લોકો અવરોધ પેદા કરત. આ તો જયરામજી અને તેમની ટીમ છે, જેમણે હું દિલ્હીથી જે કોઈ કામ લઈને આવું છું, તેને ઝડપથી આ લોગો વેગ આપે છે. આ કારણે થઈ રહ્યું છે. જો આ એમ્સ બની ગઈ છે, તો એ તમારા એક મતની તાકાત છે, એક વોટની તાકાત છે. જો આ ટનલ બની છે, તો એ તમારા એક વોટની તાકાત છે. આ હાઇડ્રો એન્જિનીયરિંગ કૉલેજ બની છે, તો એ તમારા વોટની તાકાત છે. જો મેડિકલ ડિવાઇઝ પાર્ક બની રહ્યો છે, તો એ પણ તમારા વોટને કારણે જ શક્ય બન્યો છે. એટલે આજે હું હિમાચલની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને એક પછી એક વિકાસલક્ષી કાર્યો કરી રહ્યો છું.
વિકાસને લઈને આપણે દેશમાં લાંબા સમય સુધી એક વિકૃત વિચારસરણીને હાવી થતાં જોઈ છે. આ વિચારસરણી શું હતી? સારાં માર્ગો હશે તો કેટલાંક રાજ્યો અને કેટલાંક મોટાં શહેરોમાં હશે, દિલ્હીની આસપાસ હશે. સારી શૈક્ષણિક સંસ્થાઓ હશે, તો બહુ મોટાં શહેરોમાં હશે. સારી હોસ્પિટલો હશે, તો એ દિલ્હીમાં જ હોઈ શકે છે, બહાર ન બની શકે. ઉદ્યોગ-ધંધા સ્થાપિત થશે, તો એ મોટી-મોટી જગ્યાઓ લઈ લેશે. ખાસ કરીને દેશના પહાડી રાજ્યોમાં મૂળભૂત સુવિધાઓ પણ સૌથી છેલ્લે. અનેક વર્ષો સુધી રાહ જોયા પછી આ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ પહોંચતી હતી. આ જ જૂની બિનઅસરકારક અને નિષ્ક્રિય વિચારસરણીને પરિણામે દેશમાં બહુ અસંતુલિત વિકાસ થયો હતો. આ કારણે દેશનો એક બહુ મોટો વિસ્તાર, ત્યાં લોકો અસુવિધામાં રહ્યાં, અભાવમાં રહ્યાં.
છેલ્લાં 8 વર્ષ દરમિયાન દેશમાં હવે જૂની કાર્યશૈલીને પાછળ રાખીને નવી કાર્યશૈલી, આધુનિક વિચાર સાથે આગેકૂચ થઈ રહી છે. હવે જુઓ, લાંબા સમય સુધી અને હું જ્યારે અહીં આવતો હતો, ત્યારે હું સતત જોઈ રહ્યો હતો – અહીં એક યુનિવર્સિટીમાંથી પસાર થતો હતો. સારવાર હોય કે મેડિકલનો અભ્યાસ હોય - IGMC શિમલા અને ટાટા મેડિકલ કૉલેજ પર જ નિર્ભરતા હતી. ગંભીર બિમારીઓની સારવાર હોય કે પછી શિક્ષણ કે રોજગારી, ચંદીગઢ અને દિલ્હી જવું એ સમયે હિમાચલના લોકોની મજબૂરી હતી. છેલ્લાં આઠ વર્ષ દરમિયાન અમારી ડબલ એન્જિનની સરકારે હિમાચલની વિકાસગાથાને નવી ઊંચાઈએ પહોંચાડી દીધી છે. અત્યારે હિમાચલમાં સેન્ટ્રલ યુનિવર્સિટી પણ છે, આઈઆઈટી પણ છે, ટ્રિપલ આઈટી પણ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ છે. દેશમાં મેડિકલ શિક્ષણ અને સ્વાસ્થ્યની સૌથી મોટી સંસ્થા એમ્સ પણ હવે બિલાસપુર અને હિમાચલની જનતાની આન-બાન-શાન વધારી રહી છે.
બિલાસપુર એમ્સ અન્ય એક પરિવર્તનનું પ્રતીક પણ છે. એમ્સની અંદર પણ આ ગ્રીન એમ્સના નામથી ઓળખાશે, સંપૂર્ણ રીતે પર્યાવરણીપ્રેમી એમ્સ, પ્રકૃતિપ્રેમી એમ્સ. અત્યારે અમારા તમામ સાથીદારોએ જણાવ્યું છે કે, અગાઉની સરકાર શિલાન્યાસનો પત્થર મૂકતી હતી અને ચૂંટણી પતી ગયા પછી ભૂલી જતી હતી. આજે પણ હિમાચલમાં આવશો, અમારા ધૂમલજીએ એક વાર કાર્યક્રમ કર્યો હતો, ક્યાં આ પ્રકારના પત્થરો પડ્યાં એ શોધવાનો અને તેમાં આ પ્રકારના અનેક પત્થરો મળ્યાં હતાં, જ્યાં શિલાન્યાસના કાર્યક્રમો થયા હતાં, પણ કામ નહોતું થયું.
મને યાદ છે કે, હું એક વાર રેલવેની કામગીરીની સમીક્ષા કરી રહ્યો છે. તેમાં તમારા ઊનાની પાસે એક રેલવે લાઇન પાથરવાની હતી. આ માટે 35 વર્ષ અગાઉ નિર્ણય લેવાયો હતો – 35 વર્ષ અગાઉ! સંસદમાં જાહેરાત થઈ હતી, પણ ફાઇલ બંધ થઈ ગઈ હતી. હિમાચલમાં કામગીરીને કોણ પૂછે. પણ હું તમારો પુત્ર છું અને હિમાચલને ક્યારેય ભૂલી શકતો નથી. અમારી સરકારની ઓળખ છે કે અમે જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીએ છીએ, તેનું લોકાર્પણ પણ કરીએ છીએ. કામગીરી અટકાવવી, લટકાવવી, ભૂલાવી દેવી – એ જમાનો ગયો મિત્રો!
સાથીદારો,
દેશની સુરક્ષામાં હિમાચલનું પ્રદાન હંમેશા બહુ મોટું રહ્યું છે. જે હિમાચલ આખા દેશમાં દેશની રક્ષા માટે વીરો માટે જાણીતું છે, એ હિમાચલ હવે આ એમ્સ પછી જીવનનું રક્ષણ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાનું છે. વર્ષ 2014 સુધી હિમાચલમાં ફક્ત 3 મેડિકલ કૉલેજ હતી, જેમાં 2 સરકારી હતી. છેલ્લાં 8 વર્ષમાં 5 નવી સરકારી મેડિકલ કૉલેજ હિમાચલમાં બની છે. વર્ષ 2014 સુધી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટ મળીને ફક્ત 500 વિદ્યાર્થી અભ્યાસ કરી શકતાં હતાં. હવે આ સંખ્યા વધીને 1200થ વધારે થઈ ગઈ છે એટલે બમણાથી પણ વધારે થઈ ગઈ છે. એમ્સમાં દર વર્ષે અનેક નવા ડૉક્ટર બનશે, નર્સિંગ સાથે જોડાયેલા યુવાનો અહીં તાલીમ મેળવશે. અને હું જયરામજીની ટીમને, જયરામજીને, ભારત સરકારના આરોગ્ય મંત્રી અને આરોગ્ય મંત્રાલયને વિશેષ અભિનંદન આપું છું. જ્યારે નડ્ડાજી આરોગ્ય મંત્રી હતાં, ત્યારે અમે નિર્ણય લીધો હતો કે, નડ્ડાજીના માથે મોટી જવાબદારી આવી ગઈ, હું શિલાન્યાસ કરવા પણ ગયો. આ જ સમયગાળામાં કોરોનાની ભયંકર મહામારી આવી. આપણે જાણીએ છીએ કે, હિમાચલના લોકો તો હિમાચલમાં કોઈ પણ નિર્માણ કામ કરે છે તો કેટલી મુશ્કેલી પડે છે, એક-એક ચીજ પહાડ પર લાવવી, કેટલું જટિલ કામ હોય છે. જે કામ નીચે એક કલાકમાં થાય છે, તેને અહીં પહાડો પર કરવા માટે એક દિવસ લાગી જાય છે. તેમ છતાં કોરોનાની મહામારી વચ્ચે પણ ભારત સરકારના આરોગ્ય મંત્રાલય અને જયરામજીની રાજ્ય સરકારની ટીમે મળીને જે કામ કર્યું, એ આજે એમ્સમાં દેખાય છે, એમ્સ કાર્યરત થઈ ગઈ છે.
મેડિકલ કૉલેજ જ નહીં, અમે અન્ય એક દિશામાં પણ આગળ વધ્યાં છીએ, દવાઓ અને જીવનરક્ષક રસીનિર્માતા સ્વરૂપે પણ હિમાચલની ભૂમિકા વધારવામાં આવી રહી છે. બલ્ક ડ્રગ્સ પાર્ક માટે દેશના ફક્ત ત્રણ રાજ્યોને પસંદ કરવામાં આવ્યાં છે અને આ ત્રણ રાજ્યોમાંથી એક રાજ્ય ક્યું છે ભાઈ, બોલો, કયું રાજ્ય છે? હિમાચલ છે, તમને ગર્વ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? આ તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો શિલાન્યાસ છે કે નહીં? આ તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ગેરન્ટી છે કે નહીં? અમે કામ નક્કરતાપૂર્વક કરીએ છીએ અને વર્તમાન પેઢી માટે કરીએ છીએ, આગામી પેઢીઓ માટે પણ કરીએ છીએ.
એ જ રીતે મેડિકલ ડિવાઇઝ પાર્ક માટે 4 રાજ્યોની પસંદગી કરવામાં આવી છે, જ્યાં અત્યારે મેડિકલમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. વિશિષ્ટ પ્રકારના ઉપકરણોની જરૂર પડે છે, તેને બનાવવા માટે દેશમાં ચાર રાજ્યની પસંદગી થઈ છે. આટલું મોટું હિંદુસ્તાન, આટલી મોટી વસતી, હિમાચલ તો મારું નાનું રાજ્ય છે, પણ આ વીરોની ભૂમિ છે અને મેં અહીંની રોટલીઓ ખાધી છે, મને એનું ઋણ અદા કરવાનું છે. એટલે ચોથો મેડિકલ ડિવાઇઝ પાર્ક ક્યાં બની રહ્યું છે, આ ચોથો મેડિકલ ડિવાઇઝ પાર્ક ક્યાં બની રહ્યો છે – તમારા હિમાચલમાં બની રહ્યો છે, મિત્રો. દુનિયાભરના મોટા-મોટા લોકો અહીં આવશે. નાલાગઢમાં આ મેડિકલ ડિવાઇઝ પાર્કનો શિલાન્યાસ એનો જ ભાગ છે. આ ડિવાઇઝ પાર્કના નિર્માણ માટે હજારો કરોડ રૂપિયાનું રોકાણ અહીં થશે. તેની સાથે સંબંધિત અનેક નાનાં અને મધ્યમ ઉદ્યોગ આસપાસ વિકસિત થશે. તેનાથી અહીં હજારો યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે.
સાથીદારો,
હિમાચલનું અન્ય એક ઉજળું પાસું છે, જેમાં અહીં વિકાસની પ્રચૂર સંભાવનાઓ રહેલી છે. આ પાસું છે – મેડિકલ ટૂરિઝમનું. અહીંની આબોહવા, અહીંનું વાતાવરણ, અહીંની ઋતુઓ, અહીની જડીબુટ્ટીઓ, અહીં સારું સ્વાસ્થ્ય મેળવવા અતિ યોગ્ય વાતાવરણ. અત્યારે ભારત મેડિકલ ટૂરિઝમને લઈને દુનિયાનું એક બહુ મોટું આકર્ષણ કેન્દ્ર બની રહ્યો છે. જ્યારે દેશ અને દુનિયાના લોકો હિંદુસ્તાનમાં તબીબી સારવાર માટે આવવા ઇચ્છશે, તો અહીંના કુદરતી સૌંદર્ય એટલું સુંદર છે કે તેઓ અહીં આવશે, એક રીતે તેમના માટે આરોગ્યનો લાભ પણ મળશે અને પર્યટનનો પણ લાભ થવાનો છે. હિમાચલના બંને હાથમાં લાડુ છે.
સાથીદારો,
કેન્દ્ર સરકારનો પ્રયાસ છે કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેમની સારવાર, તેના પર ખર્ચ ઓછામાં ઓછો થાય. વળી આ સારવાર પણ શ્રેષ્ઠ મળે અને આ માટે તેને દૂર સુધી જવું ન પડે. એટલે આજે એમ્સ મેડિકલ કૉલેજ, જિલ્લા હોસ્પિટલોમાં ક્રિટિકલ કેર સુવિધાઓ અને ગામોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવા પર એક સાતત્યપૂર્ણ જોડાણ (seamless connectivity) પર અમે કામ કરી રહ્યાં છીએ. તેના પર ભાર મૂકી રહ્યાં છીએ. આયુષ્માન ભારત યોજના અંતર્ગત હિમાચલના મોટા ભાગના પરિવારોને 5 લાખ રૂપિયા સુધીના મફત સારવારની સુવિધા મળી રહી છે.
આ યોજના અંતર્ગત અત્યાર સુધી દેશભરમાં 3 કરોડ 60 લાખ ગરીબ દર્દીઓની મફત સારવાર થઈ ગઈ છે અને તેમાં દોઢ લાખ લાભાર્થીઓ આ હિમાચલના મારા પરિવારજનો છે. દેશમાં આ તમામ સાથીદારોની સારવાર પર સરકારે અત્યાર સુધી 45 હજાર કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ થઈ ગયો છે. જો આયુષ્માન ભારત યોજના ન હોત, તો આનાથી લગભગ બેગણા એટલે લગભગ 90 હજાર કરોડ રૂપિયાના આ દર્દીઓ હતાં, એ પરિવારોને પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડ્યો હોત. એટલે આટલી મોટી બચત પણ ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારને શ્રેષ્ઠ સારવાર સાથે મળી છે.
સાથીદારો,
મારા માટે વધુ એક સંતોષની વાત છે. સરકારની આ પ્રકારની યોજનાઓનો સૌથી વધુ લાભ આપણી માતાઓને, બહેનોને, દિકરીઓને મળ્યો છે. આપણે તો જાણીએ છીએ કે – આપણા માતા-બહેનોનો સ્વભાવ હોય છે – ગમે એટલી તકલીફ હોય, શરીરમાં ગમે એટલી પીડા થતી હોય, પણ તેઓ પરિવારમાં કોઈને જણાવતી નથી. તે સહન પણ કરે છે, કામ પણ કરે છે, આખા પરિવારને સંભાળે છે, કારણ કે તેને મનમાં થાય છે કે, જો બિમારીની ખબર કુટુંબીજનોને પડશે, બાળકોને પડશે, તો તેઓ દેવું કરીને પણ મારી સારવાર કરાવશે. મા વિચારે છે કે, અરે, બિમારીમાં થોડો સમય પસાર કરીશ, પણ બાળકોને દેવું નહીં કરવા દઉં. હું હોસ્પિટલ જઈને ખર્ચ નહીં કરું. આ માતાઓની ચિંતા કોણ કરશે? શું મારી માતાઓ આ પ્રકારની પીડાઓ ચૂપચાપ સહન કરતી રહે? આ દિકરો શું કામનો છે અને એ જ ભાવના સાથે આયુષ્માન ભારત યોજનાનો જન્મ થયો છે, જેથી મારી માતાઓ-બહેનોને બિમારીમાંથી પસાર ન થવું પડે. જીવનમાં આ પ્રકારની મજબૂરીમાં જીવવું ન પડે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત લાભ લેનારી માતાઓ-બહેનો 50 ટકાથી વધારે છે. અમારી માતાઓ-બહેનો અને દિકરીઓ છે.
સાથીદારો,
શૌચાલય બનાવવા માટે સ્વચ્છ ભારત અભિયાન હોય, ગેસનું મફત જોડાણ આપવા માટે ઉજ્જવલા યોજના હોય, મફત સેનિટરી નેપ્કિન આપવાનું અભિયાન હોય, માતૃવંદના યોજના અંતર્ગત દરેક ગર્ભવતી મહિલાઓને પોષક આહાર આપવા માટે હજારો રૂપિયાની મદદ હોય, કે પછી હવે દરેક ઘર સુધી જળ પહોંચાડવાનું અભિયાન હોય – આ તમામ મારી માતાઓ-બહેનોના સશક્તિકરણ કરનાર કામ અમે એક પછી એક કરતાં રહ્યાં છીએ. માતાઓ-બહેનો-દિકરીઓનું સુખ, સુવિધા, સન્માન, સુરક્ષા અને સ્વાસ્થ્ય – ડબલ એન્જિનની સરકારની બહુ મોટી પ્રાથમિકતાઓ છે.
કેન્દ્ર સરકારે જે પણ યોજનાઓ બનાવી છે, તેમને જયરામજી અને તેમની સંપૂર્ણ ટીમે, તેમની સરકારે બહુ ઝડપથી વેગ આપ્યો છે અને મોટા ઉત્સાહ સાથે વાસ્તવિક સ્વરૂપ આપ્યું છે તેમજ તેમનો વિસ્તાર કર્યો છે. દરેક ઘર સુધી નળ વાટે જળ પહોંચાડવાનું કામ અહીં કેટલી ઝડપથી થયું છે, એ તમારા બધાની સામે છે. છેલ્લાં 7 દાયકાઓમાં જેટલા નળ જોડાણ હિમાચલમાં આપવામાં આવ્યાં છે, તેનાથી બમણાથી પણ વધારે છેલ્લાં 3 વર્ષમાં અમે લોકોને આપ્યાં છે. આ ત્રણ વર્ષમાં સાડા 8 લાખથી વધારે નવા પરિવારોને પાઇપ મારફતે પાણીની સુવિધા મળી છે.
ભાઈઓ અને બહેનો,
જયરામજી અને તેમની ટીમની વધુ એક બાબતમાં આખા દેશમાં બહુ પ્રશંસા થઈ રહી છે. આ પ્રશંસા સામાજિક સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારના પ્રયાસોને વેગ આપવા માટે થઈ રહી છે. અત્યારે હિમાચલમાં કદાચ કોઈ પરિવાર જ એવો હશે, જ્યાં એક યા બીજા સભ્યને પેન્શનની સુવિધા ન મળતી હોય. ખાસ કરીને જે સાથી ભાઈ-બહેનો અસહાય છે, જેમને ગંભીર બિમારીએ જકડી લીધા છે, આ પ્રકારના પરિવારોને પેન્શન અ સારવારના ખર્ચ સાથે જોડાયેલી સહાયતાનો પ્રયાસ પ્રશંસનીય છે. હિમાચલપ્રદેશના હજારો પરિવારોને વન રેન્ક, વન પેન્શન લાગુ થવાથી પણ બહુ મોટો લાભ થયો છે.
સાથીદારો,
હિમાચલ તકોની ભૂમિ છે. હું અહીં જયરામજીને વધુ એક અભિનંદન આપવા ઇચ્છું છું. રસીકરણનું કામ તો સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે, પણ તમારા જીવનની સુરક્ષા માટે હિમાચલ દેશનું પ્રથમ રાજ્ય છે, જેણે 100 ટકા રસીકરણનું કામ પૂર્ણ કરી લીધું છે. થાય છે, ચાલે છે વાળી બાબત નથી, નક્કી કર્યું છે, નિર્ધાર કર્યો છે, સંકલ્પ કર્યો છે, તો પૂરો કરવાનો જ છે.
અહીં જળમાંથી વીજળી પેદા થાય છે, ફળફળાદિ અને શાકભાજી માટે ફળદ્રુપ જમીન છે અને રોજગારના અનંત અવસર આપનાર પર્યટન પણ અહીં છે. આ તકોની સામે શ્રેષ્ઠ કનેક્ટિવિટીનો અભાવ સૌથી મોટો અવરોધરૂપ હતો. વર્ષ 2014 પછી હિમાચલપ્રદેશમાં શ્રેષ્ઠ માળખાગત સુવિધા ગામેગામ પહોંચાડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અત્યારે હિમાચલના માર્ગોને પહોળા કરવાનું કામ પણ ચોતરફ ચાલી રહ્યું છે. હિમાચલમાં અત્યારે કનેક્ટિવિટીના કામો પર લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. પિંજૌરથી નાલાગઢ હાઈવેને ફોર લેન બનાવવાનું કામ પૂરી થશે પછી ઔદ્યોગિક ક્ષેત્ર નાલાગઢ અને બદ્દીને લાભ મળવાની સાથે ચંદીગઢ, અમ્બાલાથી બિલાસપુર, મંડી અને મનાલી તરફ જતાં પ્રવાસીઓની સુવિધામાં પણ વધારો થશે. એટલું જ નહીં, હિમાચલના લોકોને સર્પાકાર માર્ગોમાંથી મુક્તિ આપતી સુરંગોની જાળ પણ પાથરવામાં આવે છે.
સાથીદારો,
ડિજિટલ કનેક્ટિવિટીને લઈને પણ હિમાચલમાં અભૂતપૂર્વ કામ થયું છે. છેલ્લાં 8 વર્ષ દરમિયાન મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ ફોન સસ્તાં પણ થયા છે અને ગામેગામ નેટવર્ક પણ પહોંચ્યું છે. શ્રેષ્ઠ 4G કનેક્ટિવિટીને કારણે હિમાચલપ્રદેશ ડિજિટલ લેવડદેવડમાં પણ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયાનો સૌથી વધુ લાભ સૌથી વધુ કોઈને થઈ રહ્યો છે તો મારા હિમાચલનાં ભાઇઓ-બહેનોને થઈ રહ્યો છે, મારા હિમાચલના નાગરિકોને થઈ રહ્યો છે. નહીં તો બિલ ભરવાથી લઈને બેંક સાથે સંબંધિત કામ હોય, એડમિશન હોય, એપ્લિકેશન હોય – આ પ્રકારના દરેક નાનાં-નાનાં કામ માટે પહાડથી નીચે ઉતરીને ઓફિસમાં જવું, આ બધામાં એક-એક દિવસ લાગતો હતો, ક્યારેક તો રાત પડી જતી હતી. હવે દેશમાં પહેલી વાર મેડ ઇન ઇન્ડિયા 5G સેવાઓ પણ શરૂ થઈ ગઈ છે, જેનો લાભ હિમાચલને બહુ ઝડપથી મળવાનો છે.
ભારતે ડ્રોનને લઈને જે નિયમો બનાવ્યાં છે, બદલ્યાં છે, ત્યારબાદ અને હું હિમાચલને આ માટે અભિનંદન આપું છું. દેશનું સૌપ્રથમ રાજ્ય હિમાચલ છે, જેણે રાજ્યની ડ્રોન નીતિ બનાવી છે. હવે ડ્રૉનથી પરિવહન માટે ડ્રૉનનો ઉપયોગ બહુ વધારે વધવાનો છે. અને તેમાં કિન્નૌર સુધી આપણા બટાટાં પણ હોય તો અમે ત્યાંથી ડ્રૉનથી ઉઠાવીને મોટી મંડી કે બજારમાં તરત લાવી શકાય છે. અગાઉ આપણાં ફળફળાદિ ખરાબ થઈ જાય છે, હવે ડ્રૉનથી ઉઠાવીને લાવી શકાય છે. અનેક પ્રકારના લાભ આગામી દિવસોમાં થવાનાં છે. એ પ્રકારનો વિકાસ, જેથી દરેક નાગરિકની સુવિધા વધે, દરેક નાગરિક સમૃદ્ધિ સાથે જોડાય, આ માટે અમે પ્રયાસરત છીએ. આ જ વિકસિત ભારત, વિકસિત હિમાચલપ્રદેશના સંકલ્પને સાકાર કરશે.
મને ખુશી છે કે, વિજયાદશમીના પાવન પર્વ પર વિજયનાદ કરવાની તક મળી અને મને રણશિંગુ ફૂકીને વિજયઘોષ કરવાનો અવસર મળ્યો. એટલું જ નહીં આ બધું તમારા આટલા બધાના આશીર્વાદ સાથે કરવાની તક મળી. હું એક વાર ફરી એમ્સ સહિત તમામ વિકાસલક્ષી યોજનાઓ માટે તમને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. બંને મુઠ્ઠી બંધ કરીને મારી સાથે બોલો -
ભારત માતા કી જય. પૂરી તાકાત સાથે અવાજ જોઈએ –
ભારત માતા કી જય
ભારત માતા કી જય
ભારત માતા કી જય
ખૂબ આભાર!