નમસ્કારજી.
યુપીના મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, સંસદમાં મારા સાથી આપણા યુવા મિત્ર ભાઈ હરીશ દ્વિવેદીજી, વિવિધ રમતોના ખેલાડીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, અન્ય તમામ લોકપ્રતિનિધિઓ, અન્ય સૌ વરિષ્ઠ મહાનુભવો અને વિશાળ સંખ્યામાં હું જોઈ રહ્યો છું કે, ચારે બાજુ નવયુવાનો જ નવયુવાનો છે. મારાં વહાલાં ભાઈઓ અને બહેનો.
આ આપણું બસ્તી, મહર્ષિ વશિષ્ઠની પવિત્ર ભૂમિ છે, શ્રમ અને સાધના, તપ અને ત્યાગની ભૂમિ છે. અને, એક રમતવીર માટે, તેની રમત પણ એક સાધના જ છે, એક તપસ્યા છે અને જેમાં તે પોતાની જાતને તપાવતો રહે છે. અને સફળ ખેલાડીનું ફોકસ પણ ખૂબ જ સચોટ હોય છે અને ત્યાર પછી જ તે એક પછી એક નવા પડાવ જીતીને આગળ વધે છે, સિદ્ધિ હાંસલ કરતા. મને ખુશી છે કે બસ્તીમાં આપણા સાંસદના સાથી ભાઈ હરીશ દ્વિવેદીજીની મહેનતનાં કારણે બસ્તીમાં આટલો મોટો ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે. આ ખેલ મહાકુંભ ભારતની રમતોમાં પરંપરાગત-પારંગત સ્થાનિક ખેલાડીઓને નવી ઉડાનની તક આપશે. મને જણાવવામાં આવ્યું છે કે ભારતના લગભગ 200 સાંસદોએ પોતાને ત્યાં આ પ્રકારની સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં હજારો યુવાનોએ ભાગ લીધો છે. હું પણ એક સાંસદ છું, કાશીનો સાંસદ છું. તો મારા કાશી મતવિસ્તારમાં પણ આવી ખેલ સ્પર્ધાઓનો સિલસિલો શરૂ થયો છે. અનેક જગ્યાએ આ પ્રકારનો ખેલ મહાકુંભ યોજીને સાંસદ ખેલ સ્પર્ધાઓ યોજીને તમામ સાંસદો નવી પેઢીનું ભવિષ્ય ઘડતર કરવાનું કામ કરી રહ્યા છે. સાંસદ ખેલ મહાકુંભમાં સારો દેખાવ કરનાર યુવા રમતવીરોને સ્પોર્ટસ ઓથોરીટી ઑફ ઇન્ડિયાનાં તાલીમ કેન્દ્રોમાં વધુ તાલીમ માટે પસંદ પણ કરવામાં આવી રહ્યા છે. તેનાથી દેશની યુવા શક્તિને મોટો લાભ થશે. આ મહાકુંભમાં જ ૪૦ હજારથી વધુ યુવાનો ભાગ લઈ રહ્યા છે. અને મને કહેવામાં આવ્યું કે તે ગયાં વર્ષ કરતા ત્રણ ગણા વધારે છે. હું આપ સૌને, મારા તમામ નવયુવાન સાથીઓને, આ રમતો માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મને હમણાં જ ખો-ખો જોવાની તક મળી. આપણી દીકરીઓ જે ચતુરાઇ સાથે અને ટીમની સાથે સંપૂર્ણ ટીમ ભાવનાથી રમી રહી હતી. મને રમત જોવાની ખરેખર મજા આવી. મને ખબર નથી કે તમને મારી તાળીઓ સંભળાઇ રહી હતી કે નહીં. પરંતુ હું આ બધી દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે એક શાનદાર રમત રમી અને મને પણ ખો-ખોની રમતને માણવાની તક આપી.
સાથીઓ,
સાંસદ ખેલ મહાકુંભની બીજી એક ખાસ વાત છે. મોટી સંખ્યામાં આપણી દીકરીઓ તેમાં ભાગ લઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે બસ્તી, પૂર્વાંચલ, યુપી અને દેશની દીકરીઓ આવી જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાનું બળ-જોમ બતાવતી રહેશે. હજુ થોડા દિવસ પહેલા જ આપણે જોયું છે કે વિમેન્સ અંડર-19, ટી-20 વર્લ્ડ કપમાં આપણા દેશની કેપ્ટન શેફાલી વર્માએ કેટલું સારું પ્રદર્શન કર્યું હતું. દીકરી શેફાલીએ સતત પાંચ બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા અને ત્યાર બાદ ઓવરના આખરી બોલ પર છગ્ગો ફટકારતાં એક જ ઓવરમાં 26 રન બનાવી દીધા. આવી ઘણી બધી પ્રતિભાઓ ભારતના દરેક ખૂણામાં છે. આ રમત પ્રતિભાને શોધવામાં અને તેને પોષવામાં આ પ્રકારના સાંસદ ખેલ મહાકુંભની મોટી ભૂમિકા છે.
સાથીઓ,
એક સમય હતો જ્યારે રમતોને અભ્યાસેતર પ્રવૃત્તિઓ તરીકે ગણવામાં આવતી હતી. એટલે કે અભ્યાસ સિવાય તેને માત્ર ટાઈમ પાસનું સાધન માનવામાં આવતું હતું. બાળકોને પણ આ જ જણાવાયું અને આ જ શીખવાડાયું. તેનાથી પેઢી દર પેઢી સમાજમાં એક માનસિકતા ઘર કરી ગઈ કે સ્પોર્ટ્સ એટલું મહત્વનું નથી, તે જીવન અને ભવિષ્યનો ભાગ નથી. આ જ માનસિકતાને કારણે દેશને મોટું નુકસાન થયું.
કેટલાય સક્ષમ યુવાનો, કેટલી બધી પ્રતિભાઓ મેદાનથી દૂર રહી ગઈ. છેલ્લાં 8-9 વર્ષોમાં દેશે આ જૂની વિચારસરણીને પાછળ છોડી દીધી છે અને રમત-ગમત માટે સારું વાતાવરણ બનાવવાનું કામ કર્યું છે. તેથી હવે વધુ બાળકો અને આપણા યુવાનો રમતગમતને કારકિર્દીના વિકલ્પ તરીકે જોવા લાગ્યા છે. ફિટનેસથી લઈને હેલ્થ સુધી, ટીમ બોન્ડિંગથી લઈને તણાવ મુક્તિનાં સાધન સુધી, પ્રોફેશનલ સફળતાથી લઈને પર્સનલ ઈમ્પ્રૂવમેન્ટ સુધી, લોકોને સ્પોર્ટ્સના અલગ-અલગ ફાયદા દેખાવા લાગ્યા છે. અને ખુશીની વાત એ છે કે માતા-પિતા પણ હવે રમત-ગમતને ગંભીરતાથી લઇ રહ્યા છે. આ પરિવર્તન આપણા સમાજ માટે પણ સારું છે, રમતગમત માટે પણ સારું છે. રમતગમતને હવે એક સામાજિક પ્રતિષ્ઠા મળવા લાગી છે.
અને સાથીઓ,
લોકોની વિચારસરણીમાં આવેલાં આ પરિવર્તનનો સીધો ફાયદો રમતગમતનાં ક્ષેત્રમાં દેશની સિદ્ધિઓ પર દેખાય રહ્યો છે. આજે ભારત સતત નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આપણે ઑલિમ્પિક્સમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. પેરાલિમ્પિક્સમાં પણ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જુદી-જુદી રમતોની ટુર્નામેન્ટ્સમાં ભારતનો દેખાવ હવે ચર્ચાનો વિષય બની રહ્યો છે. અને મિત્રો, મારા નવયુવાન સાથીઓ, આ તો હજી શરૂઆત છે. આપણે હજી લાંબી મજલ કાપવાની છે, આપણે નવાં લક્ષ્યો હાંસલ કરવાનાં છે, આપણે ઘણા નવા રેકોર્ડ બનાવવાના છે.
સાથીઓ,
રમતગમત એક સ્કિલ છે અને તે એક સ્વભાવ પણ છે. રમતગમત એક પ્રતિભા છે, અને તે એક સંકલ્પ પણ છે. રમતગમતના વિકાસમાં તાલીમનું પોતાનું આગવું મહત્વ છે અને સાથે સાથે એ પણ જરૂરી છે કે રમતગમત સ્પર્ધાઓ, રમત-ગમતની ટુર્નામેન્ટ્સ સતત ચાલુ રહે. આનાથી ખેલાડીઓને તેમની ટ્રેનિંગને સતત ચકાસવાની તક મળે છે. જુદા-જુદા પ્રદેશોમાં વિવિધ સ્તરે યોજાતી ખેલ સ્પર્ધાઓમાં ખેલાડીઓને ઘણી મદદ મળે છે. આ કારણે ખેલાડીઓને તેમનાં સામર્થ્ય અંગે તો જાણ થાય જ છે, સાથે સાથે તેઓ પોતાની ટેકનિક પણ વિકસાવી શકે છે. ખેલાડીઓના કોચને એ પણ અહેસાસ થાય છે કે, તેણે જેને શીખવ્યું છે, એ શિષ્યમાં હજી કઈ ખામીઓ રહી ગઈ છે, ક્યાં સુધારની જરૂર છે, સામેવાળો ખેલાડી ક્યાં તેના પર ભારે પડી રહ્યો છે. એટલા માટે સાંસદ મહાકુંભથી લઈને નેશનલ ગેમ્સ સુધી ખેલાડીઓને વધુને વધુ તકો આપવામાં આવી રહી છે. એટલા માટે જ આજે દેશમાં વધુને વધુ યુવા રમતો યોજાઈ રહી છે, યુનિવર્સિટીની રમતો થઈ રહી છે, વિન્ટર ગેમ્સ થઈ રહી છે. દર વર્ષે હજારો ખેલાડીઓ આ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ખેલો ઇન્ડિયા અભિયાન અંતર્ગત અમારી સરકાર ખેલાડીઓને આર્થિક સહાય પણ આપી રહી છે. હાલ દેશમાં 2500થી વધુ રમતવીરો એવા છે જેમને ખેલો ઇન્ડિયા અભિયાન હેઠળ દર મહિને 50 હજારથી વધુ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. ઑલિમ્પિકમાં જનારા ખેલાડીઓને અમારી સરકારની ટાર્ગેટ ઑલિમ્પિક પોડિયમ સ્કીમ - ટોપ્સ તરફથી ઘણી મદદ મળી રહી છે. આ યોજના હેઠળ પણ દર મહિને લગભગ 500 ખેલાડીઓને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના કેટલાક ખેલાડીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે તેમને રૂપિયા 2.5 કરોડથી લઈને રૂપિયા 7 કરોડ સુધીની મદદ કરી છે.
સાથીઓ,
આજનું નવું ભારત રમતગમત ક્ષેત્ર સામેના દરેક પડકારને હલ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. આપણા ખેલાડીઓ પાસે પર્યાપ્ત સંસાધનો હોય, તાલીમ હોય, ટેકનિકલ જ્ઞાન હોય, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર હોય, તેમની પસંદગીમાં પારદર્શિતા હોય, એ તમામ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે બસ્તી અને એવા જ અન્ય જિલ્લાઓમાં રમત-ગમતને લગતી માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે, સ્ટેડિયમોનું નિર્માણ થઈ રહ્યું છે, કોચની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દેશભરમાં એક હજારથી વધુ ખેલો ઇન્ડિયા જિલ્લા કેન્દ્રોનું નિર્માણ પણ થઈ રહ્યું છે. મને ખુશી છે કે આમાંથી 750થી વધારે કેન્દ્રો બનીને તૈયાર પણ થઈ ચૂક્યાં છે. ખેલાડીઓને ટ્રેનિંગ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે દેશભરના તમામ પ્લેફીડ્સનું જીઓ ટેગિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
નોર્થ ઇસ્ટના યુવાનો માટે સરકારે મણિપુરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી છે અને યુપીના મેરઠમાં પણ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને મને કહેવામાં આવ્યું છે કે, યુપીમાં ઘણાં નવાં સ્ટેડિયમ તૈયાર થઈ ચૂક્યાં છે. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે યુપીના ઘણા જિલ્લાઓમાં સ્પોર્ટ્સ હૉસ્ટેલ પણ ચલાવવામાં આવી રહી છે. હવે સ્થાનિક સ્તરે રાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ સુધી પહોંચવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. એટલે કે, તમારી પાસે પુષ્કળ તકો છે, મારા યુવા મિત્રો. હવે તમારે વિજયનો ઝંડો ફરકાવવાનો છે. દેશનું નામ રોશન કરવાનું છે.
સાથીઓ,
દરેક ખેલાડી જાણે છે કે, તેના માટે ફિટ રહેવું કેટલું મહત્વનું છે અને આમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પોતાની ભૂમિકા રહેલી છે. ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, તમારે બધાએ એક વધુ કામ કરવું પડશે. યોગને તમારાં જીવનમાં સામેલ કરો. યોગથી તમારું શરીર પણ સ્વસ્થ રહેશે અને તમારું મન પણ જાગૃત રહેશે. તમને તમારી રમતમાં પણ આનો લાભ મળશે. તેવી જ રીતે દરેક ખેલાડી માટે પૌષ્ટિક આહાર પણ એટલો જ મહત્વનો છે. આમાં આપણા બાજરી, આપણું બરછટ અનાજ, જેને જાડું અનાજ કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે આપણાં ગામોમાં દરેક ઘરમાં ખાવામાં આવે છે, આ બાજરી ભોજનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી શકે છે. તમે જાણો છો કે વર્ષ 2023ને ભારતના કહેવાથી આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે તમારા ડાયેટ ચાર્ટમાં બાજરીનો સમાવેશ કરો છો, તો તે પણ તમને વધુ સારાં સ્વાસ્થ્યમાં મદદ કરશે.
સાથીઓ,
મને વિશ્વાસ છે કે આપણા બધા યુવાનો મેદાન પર પણ રમત-ગમતથી ઘણું બધું શીખશે, જીવનમાં પણ શીખશે અને તમારી આ ઊર્જા ખેલનાં મેદાનથી વિસ્તરતી જઈને દેશની ઊર્જા બની જશે. હું હરીશજીને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. તેઓ ખૂબ જ સમર્પણ સાથે આ કાર્યમાં રોકાયેલા રહે છે. મને આ કાર્યક્રમ માટે અગાઉની સંસદમાં આવીને નિમંત્રણ આપી ગયા હતા. તો બસ્તીના જવાનો માટે, નવયુવાનો માટે દિવસ-રાત કામ કરવાનો તેમનો સ્વભાવ જે છે એ રમતનાં મેદાનમાં પણ દેખાય રહ્યો છે.
હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમારો ખૂબ ખૂબ આભાર.