ભારત માતા કી જય,
સૌથી પહેલા તો સુરેન્દ્રનગરમાં સભા હોય અને આટલી મોટીસંખ્યામાં માતા-બહેનો હોય એ જ મોટી ઘટના છે. અને એમાંય આ બધી માતા-બહેનો ઉભા થઇને ઓવારણાં લીધા, આપે મને આશીર્વાદ આપ્યા. હું સૌ માતા-બહેનોને માથું નમાવીને આભાર માનું છું.
આપણું સુરેન્દ્રનગર મજામાં ને.. હકડેઠઠને બધું...આમ જોરમાં તો લાગો તો બધા. સાથે સાથે કરીને મને તો દિલ્હી મોકલી દીધો. એકવાર જનરલ કરિઅપ્પા... જે દુનિયામાં મોટું નામ હતું, ભારતની સેનાના વડા હતા. ડગલેને પગલે લોકો એમને સલામી કરતા હોય, સન્માન કરતા હોય પણ એકવાર એમના ગામમાં કર્ણાટકમાં એમને બોલાવીને એમનું સન્માન કર્યું. એ વખતે એમને કહ્યું, દુનિયામાં ગમે એટલી વાહવાહી થતી હોય...એ બધું તો હોય પણ જ્યારે ઘરઆંગણે જઇએ ને થાયને ત્યારે જોમ જુદુ હોય છે. આજે હું અનુભવ કરું છું, ગઇકાલથી હું આવ્યો છું, જે રીતે ગુજરાત આખું ઓવારણા લઇ રહ્યું છે. ગુજરાત જે રીતે પ્રેમ વરસાવી રહ્યું છે.
ભાઇઓ-બહેનો,
હું ગુજરાતનું ઋણ ક્યારેય ન ભૂલી શકું, અને મારી શાસકીય કારકીર્દિ જે કંઇ છે એ સૌરાષ્ટ્રથી શરૂ થઇ. મને પહેલીવાર MLA સૌરાષ્ટ્રે બનાવ્યો. આ ગુજરાતે મારું એવું પાક્કુ ઘડતર કર્યું છેને તમે સાહેબ.. ટપલા મારી મારીને.. ક્યાંય કાચો પડું છું બોલો? ક્યાંય કાચો પડ્યો છું? ક્યાંય ઉણો ઉતર્યો છું? તમારું માથું ઉંચુ થાય એવું કર્યું છેકે નથી કર્યું? છાતી તમારી 56ની થાય તેમ કર્યું છું કે નથી કર્યું? પણ એનું કારણ મોદી નથી હો.. એનું કારણ તમારા આશીર્વાદ છે. એનું કારણ તમારો પ્રેમ છે.
ભાઇઓ-બહેનો,
આપણે નાનું વિચારતા નથી, નાનું કરતા નથી. સ્ટેચ્યૂ બનાવ્યું તો દુનિયાનું મોટામાં મોટું, સ્ટેડિયમ બનાવ્યું તો દુનિયાનું મોટામાં મોટું. એટલે કાચું કંઇ કરવાનું જ નહીં. અને હવે 25 વર્ષનો લક્ષ્ય લઇને આપણે નીકળ્યા છે. વિકસિત ભારત, જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે હિન્દુસ્તાન દુનિયામાં વિકસિત દેશ હોય. દુનિયામાં ભારત વિકસિત દેશ હોય એનો અર્થ એટલે આપણાં ગુજરાતે તો પાંચ વર્ષ વહેલા વિકસિત થવું પડે ભાઇ. એટલે ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં આપણે તેજ ગતિથી વિકસિત ગુજરાત.. વિકસિત ભારત માટે બનાવવું છે. અને એના માટે દિલ્હી હોય કે ગાંધીનગર, આપણે સાથે મળીને 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા છે. એના માટે તમારે કાયમ મોદીને મજબૂત કરવો જ પડે... હોં. ખરું કે નહીં..?
પેલી દીકરી ફોટો લઇને આવી છે.
બેસી જા બેટા થાકી જઇશ, મેં જોઇ લીધો.
હા..શાબાશ. શાંતિથી સાંભળ બેટા. આપણાં ઘરની જ વાત છે.
જોઇ લીધો બેટા, ફોટો જોઇ લીધો
થેન્ક્યૂ સરસ બનાવ્યો છે, બેટા.
વિકસિત ભારત બનાવવું હોય, વિકસિત ગુજરાત બનાવવું હોય અને તમારા ઘરનો દીકરો દિલ્હીમાં બેઠો હોય. એને મજબૂત કરવાની જવાબદારી ઘરવાળાઓની ખરી કે નહીં? ભાઇ. તમે મારા બધા પરિવારજનોની ખરી કે નહીં? હવે 26એ 26 આપો એતો બરાબર છે ભાઇ. તમે 2014માં પણ આપી અને 2019માં પણ આપી, પણ આ વખતે તો મારે કંઇક વધારે જોઇએ છે.
આપશો..?
રા હાથ ઉપર કરીને કહો આપશો..?
પણ એના માટે મહેનત કરવી પડે હોં...
7મી તારીખ સુધી પગ વાળીને બેસવાનું જ નથી. મારે તમારી પાસેથી બે ચીજ જોઇએ છે. આપશો..?
હજુ મેં કહ્યું નથી ને તમે તો હા પાડી દીધી.
ભારે વિશ્વાસ છે તમારો મારા ઉપર
એક કામ,
મતદાનના જેટલા પણ રેકોર્ડ હોય તમારા ગામમાં, તમારા બૂથમાં. એ બધા રેકોર્ડ તૂટવા જોઇએ અને એના કરતા વધારે મતદાન થવું જોઇએ. કરશો..?
પણ એનો એક રસ્તો બતાવું. કરવું હોય તો કેવી રીતે કરાય?
10 વાગ્યા પહેલાં દરેક બૂથમાં 25-25 લોકો અથવા 30-30 મતદારો થાળી વગાડતાં વગાડતાં, ગીત ગાતા ગાતા, જેમ પ્રભાતિયાં ગાયને એવી રીતે મતદાન મથકે જાય. આખા બૂથમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાય અને 10 વાગ્યા સુધીમાં આવા 30 સરઘસ નીકળે. ઓછામાં ઓછા 30 સરઘસ, દરેકમાં 30 મતદાર અને જઇને આપણે મત આપીએ તો તમે જોઇ લેજો.. પાકે પાયે તમારા મતદાનના રેકોર્ડ તૂટી જ જાય.
બીજુ કામ,
આપણે આ વખતે બધા પોલિંગ બૂથ જીતવા છે ભાઇ... એક પણ પોલિંગ બૂથ હારવાનું જ નહીં. એક પણ પોલિંગ બૂથમાં ભાજપનો ઝંડો ઝૂકવો ન જોઇએ. મંજૂર...? કરશો બધા..? 100 એ 100 ટકા..?
આમ તો મને ગુજરાત પર એવો ભરોસો.. એવો ભરોસો ભાઇ. એ પાછીપાની કરે જ નહીં.
સાથીયોં...
જ્યારે હું ગુજરાતમાં હતો, તમારી સેવામાં લાગેલો હતો. ત્યારે હંમેશા તમારી પાસે આવીને.. હું ગુજરાતમાં શું કરી રહ્યો છું.. સરકાર શું કામ કરી રહી છે.. કેવી રીતે કરી રહી છે.. તેનો રિપોર્ટકાર્ડ હંમેશા આપતો હતો. આ આદત હજુ પણ ગઇ નથી. આજે તમારો દીકરો... ગુજરાતનો પુત્ર, 10 વર્ષનો રિપોર્ટકાર્ડ આપવા તમારી સમક્ષ આવ્યો છે. સ્કૂલમાં ગમેતેટલા માર્ક્સ કેમ ન આવતા હોય... 100માંથી 99 માર્ક આવ્યા હોય પરંતુ જ્યાં સુધી તે બાળક ઘરે આવીને પોતાના માતા-પિતાને પોતાનું રિપોર્ટકાર્ડ ન દેખાડે ત્યાં સુધી તેને આનંદ આવતો નથી. તો હું પણ જેમને મને જન્મ આપ્યો, જેમને જીવન આપ્યું, તેવા મારા ગુજરાતના લોકોની સામે એક બાળક તરીકે પોતાનું રિપોર્ટકાર્ડ લઇને આશીર્વાદ લેવા આવ્યો છું. તમારી શાબાશી લેવા આવ્યો છું.
તમે યાદ કરો 10 વર્ષ પહેલાં આપણો દેશ લાખો-કરોડોના કૌભાંડમાં શર્મશાર હતો. કોઇ દિવસ એવો નહોતો કે જ્યારે કૌભાંડોની ખબર હેડલાઇનમાં છપાતી ન હોય. ક્યારેક 2જી કૌભાંડ.. હાલ 5જીનો જમાનો છે કોઇ કૌભાંડ સાંભળ્યું છે.. 2જી કૌભાંડ, કોલસા કૌભાંડ ક્યારેક... ડિફેન્સ કૌભાંડ ક્યારેક CAG કૌભાંડ ક્યારેક કોમનવેલ્થ કૌભાંડ, ક્યારેક હેલિકોપ્ટર કૌભાંડ, ક્યારેક સબમરીન કૌભાંડ... જેમ કોંગ્રેસે જળ, નભ અને જમીન એટલે કે દરિયાથી લઇ આકાશ સુધી હજારો-લાખો કરોડ રૂપિયાના કૌભાંડ કરીને રાખ્યા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં આપે મને દિલ્હી મોકલ્યો...
તમે મને જણાવો..
તમને તમારા આ દીકરા માટે ગર્વ થાય છેકે નહીં..?
10 વર્ષમાં એકપણ કૌભાંડની ખબર સાંભળી છે તમે..?
તમે જવાબ આપશો તો મને ખબર પડશે કે... મારા પરિવારજનો
એકપણ કૌભાંડની ખબર સાંભળી છે..?
મોદીના નામ સાથે એકપણ કૌભાંડ જોડાયું છે..?
આ તમારા દીકરાનું રિપોર્ટકાર્ડ સાંભળીને
તમને ગર્વ થાય છેકે નહીં...
પૂરી તાકાત સાથે મને આશીર્વાદ જોઇએ છે..
તમને ગર્વ થાય છેકે નહીં..?
સાથીયો...
10 વર્ષ પહેલા દેશની સરકાર પરથી ગરીબોનો ભરોસો ઉઠી ગયો હતો. કોંગ્રેસ સરકાર પોતાને જનતાની માઇ-બાપ સમજતી હતી. તેના ભરોસે જ જીવવું અને કોંગ્રેસને ગરીબને તરસાવી તરસાવી પ્રાથમિક સુવિધા આપવી.. ક્યારેક વંચિત રાખવા, ક્યારેક સુવિધા લટકાવીને રાખવી, કોઇને સામે કોઇને સુવિધા આપી દેવી તેમાં જ કોંગ્રેસને આનંદ આવતો હતો. ગરીબને લાગતું હતું આ સરકાર અમારા માટે છે જ નહીં.
આજે દેખો.. ગરીબ આજે આગળ આવીને આ દીકરા પર પ્રેમ વરસાવી રહ્યો છે. 80-90 વર્ષની ઉંમર હોય, પહેરવા માટે પૂરા કપડા ના હોય ત્યારે તે મા કહે છે કે, દિલ્હીમાં મારો દીકરો બેઠો છે. મારા જમવા માટે અનાજ મોકલે છે. તો આ દીકરાને સંતોષ થાય કે ન થાય.. જ્યારે ગરીબનું પેટ ભરાય છે ત્યારે તમારા આ દીકરા પર તમને ગર્વ થાય કે ન થાય..?
સાથીયો...
આજે સરકાર તેમની ચિંતા કરે છે.. માતા-બહેનો-દીકરીઓ પોતાના આશીર્વાદ આપતા થાકતી નથી. તમને હંમેશા તમારા દીકરાના કામ પર ગર્વ થશે.
સાથીયો...
10 વર્ષ પહેલા આખી દુનિયા ભારતને બોજ સમજતી હતી અને કહેતી હતી, ભારત પોતે ડૂબશે સાથે અમને પણ લઇને ડૂબશે. કોઇ કહેતું હતું, આ તો કંગાળ દેશ છે, આ નબળો દેશ છે અને પાડોશીઓ આંતરે દિવસે બોંબ ધમાકા કરતા હતા. નિર્દોષોને મોતને ઘાટ ઉતારતા હતા. દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારત આવવાનું નામ લેતી નહોતી. અને આજે શું સ્થિતિ છે..?
આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છેકે નહીં..?
હું આપની સાથે વાત કરવા માંગુ છું ભાઇ, હું જાણું છું...હું હિન્દી બોલું છું, મારે ગુજરાતી બોલવું જોઇએ પરંતુ ટીવીવાળા ઇચ્છે છેકે અમારી રોજીરોટીનું પણ માન રાખો.
આપ મને જણાવો, સાથીયો...
આજે દુનિયામાં હિન્દુસ્તાનનો ડંકો વાગી રહ્યો છેકે નહીં..?
અમેરિકામાં પણ હિન્દુસ્તાનનો ડંકો વાગી રહ્યો છેકે નહીં..?
યુરોપમાં હિન્દુસ્તાનનો ડંકો વાગી રહ્યો છેકે નહીં..?
ઓસ્ટ્રેલિયામાં પણ હિન્દુસ્તાનનો ડંકો વાગી રહ્યો છેકે નહીં..?
જાપાનમાં પણ હિન્દુસ્તાનનો ડંકો વાગી રહ્યો છેકે નહીં..?
કોના કારણે..?
આ મોદીના કારણે નથી..
તમારા એક વોટના કારણે છે. આ તમારા વોટની તાકાત છેકે, આજે મોદી દિલ્હીમાં બેઠો છે અને દુનિયામાં હિન્દુસ્તાનનો ડંકો વાગી રહ્યો છે.
આજે ભારત આવવા માટે મોટી મોટી કંપનીઓ વચ્ચે હરીફાઇ જામી છે. ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે. આતંકવાદીઓને મોકલનારાઓને પણ ખબર છે.. હવે ભારત ઘરમાં ઘૂસીને મારે છે. હું માનું છુંકે, દરેક ગુજરાતીને ગર્વ થતો હશે.
સાથીયો,
10 વર્ષ પહેલા ભારત દુનિયાની 11મા નંબરની અર્થવ્યવસ્થા હતું. દુનિયા પણ વિચારતી હતી કે, જેમ તેમ કરીને ભારતની ગાડી ચાલી રહી છે. આનાથી વધારે સારું આ દેશ કરી શકશે પણ નહીં. બની શકે છેકે ભારતની સ્થિતિ વધારે ખરાબ થઇ શકે. 10 વર્ષ પહેલાં તમે તમારા દીકરાને દિલ્હીમાં બેસાડ્યો અને 10 વર્ષની અંદર ભારત છલાંગ લગાવીને દુનિયાની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા બની ગયું.
આખી દુનિયા આશ્ચર્યચકિત થઇ ગઇ.. કોરોનાકાળમાં મોટા મોટા દેશની અર્થવ્યવસ્થા ડગી ગઇ ત્યારે એકમાત્ર ભારત હતું.. જે મજબૂતી સાથે અડગ હતું. તમને આ વાતો સાંભળીને ગર્વ થતો હશે કે દેશે એક ચાવાળાને.. એક ગુજરાતી દીકરાને બેસાડીને સારું કામ કર્યું છે.
સાથીયો,
હારની હતાશામાં કોંગ્રેસે દેશ અને સમાજને વહેંચવાના કામમાં ગતિ લાવી દીધી છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ, આપણાં પૂર્વજો આત્મા જ્યાં પણ હશે આપણને આશીર્વાદ આપતી હશે.
આપ મને જણાવો દેશ આઝાદ થયાના બીજા દિવસે રામમંદિરનું કામ થવું જોઇતું હતું કે નહીં..
આ કોંગ્રેસે વોટબેંક માટે લટકાવી રાખ્યું, કામમાં અડચણ ઉભુ કર્યું, તેની વિરુદ્ધ ખેલ ખેલ્યા. અયોધ્યામાં 500 વર્ષ બાદ ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું. તમને તમારા દીકરા પર ભરોસો છેને..?
જે કહે છે, તે કરે છેને..?
500 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ થઇ...
સાથીયો,
કમાલ તો જુઓ, રામમંદિરના ટ્રસ્ટીઓએ કોંગ્રેસના લોકોના ઘરે જઇને નિમંત્રણ પાઠવ્યું અને કહ્યું આપ પણ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં સહભાગી થાવ. તમારી બધી જૂની ભૂલો માફ કરી દઇએ.. આપ આવો પરંતુ કોંગ્રેસ અને તેમના ચેલાઓને આ નિમંત્રણ મંજૂર ન હતું. તેમને નિમંત્રણને ઠુકરાવી દીધું
ભાઇઓ-બહેનો
રામમંદિરના નિમંત્રણને અવગણી દેવું કેટલું ઉચિત છે... તે હું સમજી શકતો નથી. હવે કોંગ્રેસે હિન્દુઓની આસ્થામાં પણ ભેદ કરવાનું દુસાહસ શરૂ કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમાન મલ્લિકાર્જુન ખડગેજીએ એક ગંભીર વિષય છંછેડ્યો છે અને ભગવાન રામ અને ભગવાન શિવ અંગે ખતરનાક નિવેદન આપ્યું છે. આ બદઇરાદા સાથે આપવામાં આવેલું નિવેદન છે. હિન્દુ સમાજમાં ભાગલા પાડવા માટેની રમત રમી રહ્યા છે. તેઓ રામભક્તો અને શિવભક્તોમાં ભેદ જુએ છે, ભેદ કરી રહ્યા છે અને ભેદભાવ રાખીને લડાવવા માગે છે. હજારો વર્ષોથી ચાલી આવી રહેલી આપણી મહાન પરંપરા... રામ હોય, ક્રૃષ્ણ હોય, શિવ હોય. અરે, મુગલ પણ આ પરંપરાને તોડી શક્યા નહોતા.. મલ્લિકાર્જુનજી અને કોંગ્રેસ હવે તોડવા માગે છે. તૃષ્ટિકરણ માટે કોંગ્રેસ હજુ કેટલી નીચી ઉતરશે. કોંગ્રેસના લોકો સાંભળી લે, જે રામને ખતમ કરવા નીકળ્યા હતા તેમનું શું થયું હતું. તેમના એક શહેજાદાએ મહિનાભર પહેલા કહી દીધું હતું, હું આ દેશમાંથી શક્તિનો વિનાશ કરીને રહીશ. આ શક્તિસ્વરૂપા મારી માતા-બહેનો બેઠી છે. અમે શક્તિના ઉપાસક છીએ. કોઇ અંબાની ઉપાસના કરે છે તો કોઇ ચામુંડેશ્વરીની કરે છે. ક્યારેક દુર્ગાની, ક્યારેક કાલીની, ક્યારેક લક્ષ્મીની તો ક્યારેક સરસ્વીતીના રૂપમાં શક્તિની ઉપાસના કરે છે. જ્યારે શહેજાદાએ કહી દીધું હતું કે, હું શક્તિનો વિનાશ કરીશ.
શક્તિની ઉપાસના કરનારા લોકો ક્યારેય શક્તિનો વિનાશ કરાનારાનો સ્વીકાર કરી શકે ખરા..? જે શિવ અને રામના ભક્તોને લડાવવાની વાત કરતા હોય તેને સ્વીકાર કરી શકે ખરા..? અમે તો એ લોકો છીએ, જેમને શિવજીની સામે કમળપૂજા કરીને પોતાના મસ્તક કાપીને રાખી દીધા હતા. શું કરી રહ્યા છે..આ લોકો ? હંમેશાથી કોંગ્રેસ રોંગ ડિલિવરી કરનારી પાર્ટી રહી છે. દેશને આઝાદી અપાવવાની હતી ત્યારે તેમને દેશના ભાગલા પાડી દીધા હતા. દેશનો વિકાસ કરવાનો હતો પરંતુ જે હતું તે પણ લૂંટી લીધું. ગરીબોના પૈસા ગરીબોને વહેંચવાના હતા પરંતુ તેની જગ્યાએ કોંગ્રેસની તિજોરીમાં પહોંચ્યા. હવે SC-ST-OBCને મળેલું આરક્ષણ, બાબાસાહેબ આંબેડકરે આપેલું આરક્ષણ, ભારતના સંવિધાને આપેલા આરક્ષણને SC-ST-OBC પાસેથી છીનવી ધર્મના આધાર પર મુસલમાનોને ડિલિવર કરવા માગે છે. કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી સતત આ પ્રકારના પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે કર્ણાટકમાં રાતોરાત એક ફતવો નીકાળ્યો, એક પેપર નીકાળી થપ્પો લગાવી દીધો અને કહી દીધું કે, કર્ણાટકમાં જેટલા પણ મુસલમાનો છે તે બધા OBC છે.
OBC ક્વોટાના આરક્ષણમાં મોટી તરાપ મારી, લૂંટ ચલાવી અને OBCનું આરક્ષણ બીજાને વહેંચી દીધું.
આ વખતે કોંગ્રેસના મેનિફેસ્ટોને તમે બધા દેખશો તો, પહેલી નજરમાં જ ખ્યાલ આવી જાય છેકે તેમના મેનિફેસ્ટો પર મુસ્લિમ લીગની છાપ છે. કોંગ્રેસનો પંજો નથી, તેની પર મુસ્લિમ લીગનો પંજો છે.
સાથીયો,
જ્યારથી મેં SC-ST-OBC વિરુદ્ધની કોંગ્રેસની સચ્ચાઇને દેશની સામે રજૂ કરી છે ત્યારથી કોંગ્રેસ સંતુલન ગુમાવી ચૂકી છે, ઉશ્કેરાઇ ગઇ છે. કોંગ્રેસ જૂઠ પર જૂઠ બોલી રહી છે. એટલા માટે હું પણ કોંગ્રેસને ત્રણ પડકાર આપી રહ્યો છું.
હું ત્રણ પડકાર ફેંકુ છું, કોંગ્રેસ સામે મારા ત્રણ પડકાર છે, અને શહેજાદામાં હિંમત હોય, કોંગ્રેસમાં હિંમત હોય અને એમના ચેલાઓમાં હિંમત હોય તો આવો એક ચાવાળાનો દીકરો લડવા તૈયાર છે.
મારો પહેલો પડકાર.. કોંગ્રેસ લખીને બાંહેધરી આપે કે, તે ભારતના બંધારણમાં કોઇ છેડછાડ નહીં કરે, ભારતના બંધારણને નહીં બદલે.
કોંગ્રેસ લખીને આપે.. બાંહેધરી આપે કે, બાબાસાહેબ આંબેડકરે જે આરક્ષણ આપેલ છે એને ધર્મના આધાર પર દલિતો-આદિવાસીઓ પાસેથી લૂંટીને, બક્ષીપંચ પાસેથી લૂંટીને મુસલમાનોને આરક્ષણ નહીં આપે.
મારો ત્રીજો પડકાર છે... કોંગ્રેસ લેખિતમાં બાંહેધરી આપે કે, એ દલિતોને, આદિવાસીઓને, બક્ષીપંચ સમાજ OBCને જે આરક્ષણ મળ્યું છે તે, સામાન્ય સમાજના ગરીબોને જે આરક્ષણ મળ્યું છે તે, એમાંથી ક્યારેય ઝૂંટવી લેવાનો પ્રયાસ નહીં કરે. અને મારો પડકાર છે કે, લખીને આપે કે એમના ત્યાં.. કે જે એમના રાજ્યો છે, એમના ચેલાઓ રાજ્યોમાં બેઠા છે, જ્યાં એમની સરકારો છે. એ લોકો પણ OBCનો ક્વોટા ઓછો કરીને મુસલમાનોને નહીં ધરી દે, ધર્મના આધાર પર ટૂકડા નહીં કરે અને દલિતો, આદિવાસીઓના આરક્ષણ પર છેડછાડ નહીં કરે.
આ મારા ત્રણ પડકારો કોંગ્રેસના શહેજાદા અને એમના બધા મળતિયાઓને છે. કેટલાય દિવસોથી બોલી રહ્યો છું. મારા પડકારો પછી કોંગ્રેસને જાણે સાપ સૂંધી ગયો છે. મેં 23 એપ્રિલે પહેલીવાર કોંગ્રેસને આ ત્રણ પડકાર ફેંક્યા હતા. આજે 9 દિવસ થઇ રહ્યા છે. કોંગ્રેસના મોંઢા પર જાણે તાળા વાગી ગયા છે. વાતને બદલવા માટે મંચ પર સંવિધાન લઇને નાચી રહ્યા છે. હવે સંવિધાન આપને નહીં બચાવે, આપે સંવિધાનના પીઠ પર ચપ્પુ ભોંક્યુ છે. તેનો મતલબ સ્પષ્ટ છે, કોંગ્રેસની નિયતમાં ખોટ છે.
ભાઇઓ-બહેનો, સંવિધાન માટેની મારી લાગણી, મારું સમર્થન કેવું છે. એ તો તમને સુરેન્દ્રનગરવાળાને બરોબર યાદ હશે. જ્યારે આપણાં સંવિધાનને 60 વર્ષ થયા ત્યારે દેશમાં ગુજરાત એક જ રાજ્ય હતું. જેને ડો. બાબાસાહેબ આંબેડકર અને સંવિધાનના ગૌરવને લઇને અહીંયા સુરેન્દ્રનગરમાં હાથી ઉપર સંવિધાન મૂકીને, અંબાડી ઉપર સંવિધાન મૂકીને સરસ મજાની યાત્રા કાઢી હતી અને એ વખતનો ગુજરાતનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પગે ચાલતો હતો અને સંવિધાન હાથીની અંબાડી પર હતું. આ સંવિધાનનું સન્માન છે અમારા માટે તો.
કોંગ્રેસનું ઘોષણાપત્ર દરેક બિંદુ પર તુષ્ટિકરણ, તુષ્ટિકરણ અને તુષ્ટિકરણ પર ચાલ્યું આવ્યું છે. આ મેનિફેસ્ટો એનો મોટામાં મોટો દસ્તાવેજ છે. તમને આશ્ચર્ય થશે. એક વાત આજે હું સુરેન્દ્રનગરમાં પહેલીવાર કહી રહ્યો છું, ચોંકાવનારું લાગશે. તેઓએ શું કર્યું છે, પોતાના મેનિફેસ્ટોમાં.. તેઓએ લેખિતમાં જે કહ્યું છે, તે સાંભળીને મારા પત્રકારમિત્રો પણ ચોંકી જશે. તેઓએ લેખિતામાં કહ્યું છે, હવે જે સરકારી ટેન્ડર થશે, એ ટેન્ડરમાં પણ માઇનોરિટી માટે, મુસલમાનો માટે એક ક્વોટા ફિક્સ કરી દેવામાં આવશે. હવે શું..?
સરકારી ટેન્ડરોમાં પણ ધર્મના આધાર પર આરક્ષણ લાવવામાં આવશે કે શું..?
દેશ આઝાદ થયો ત્યારથી લઇ અત્યાર સુધી સરકારી ટેન્ડર આપવાની એક પ્રક્રિયા રહી છે, જે સારી બોલી લગાવે છે, જે સારી ક્વોલિટીનો ટ્રેકરેકોર્ડ ધરાવે છે, સારી ક્વોલિટીનો ભરોસો આપે છે. જેની પાસે આ કામ કરવાની એક્સપર્ટાઇઝ હોય, ક્ષમતા હોય, સંસાધન હોય તેવા તમામ પેરામીટરમાંથી પાસ થાય ત્યારબાદ તેને ટેન્ડર મળતું હોય છે. જાતિ અને ધર્મના આધાર પર ટેન્ડર મળતા નથી. પોતાની વોટબેંક માટે પક્ષપાત કરીને હવે કોંગ્રેસ કહી રહી છે, ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે નહીં મળે, હવે ટેન્ડર ધર્મના આધારે વહેંચાશે.
સાથીયો,
ભાજપા કહી રહી છે, અમે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીશું. કોંગ્રેસનું ચાલ્યું તો તેના ટેન્ડર પણ ધર્મના આધારે આપશે. આ હાઇવે અને એક્સપ્રેસ-વે જે બની રહ્યા છે તે પણ શું ધર્મના આધારે બનાવવામાં આવશે..? દેશની સેના માટે અમે મેડ ઇન ઇન્ડિયા અસ્ત્ર-શસ્ત્ર બનાવી રહ્યા છે. શું હવે ધર્મ આધારે કોઇ ધર્મ વિશેષને કહીશું કે, અમારી સેના માટે તમે બોમ્બ બનાવો કે પછી યોગ્ય વ્યક્તિને કહીશું. કોઇપણ ધર્મના આધારે નહીં, જાતિના આધારે નહીં યોગ્યતાના આધારે આપીશું. કોંગ્રેસનું વળગણ તો જુઓ, સત્તા મેળવવા માટે દેશને બરબાદ કરવા તૂલ્યા છે. દરેક સેક્ટરમાં દેશમાં ભાગલા પાડવાનો આ મુસ્લિમ લીગ પ્લાન દેશને મંજૂર નથી. કોંગ્રેસ લખીને રાખે... જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી તમે દેશમાં ભાગલા નહીં પાડી શકો. આપણાં ત્યાં કાઠિયાવાડમાં તો કહેવત છે, ખેલ ખેલાડીના અને ઘોડા અસવારના.
ભાઇઓ-બહેનો,
સંવિધાનની બાબતમાં મારું કમિટમેન્ટ તમને ખબર છે. મેં અહીંયા જેમ વર્ણન કર્યું તેમ, 60 વર્ષ ગુજરાતમાં મનાવ્યા હતા. હવે દિલ્હીમાં જુઓ... હવે 75 થયા છે, સાહેબ હું ધૂમધામથી સંવિધાનની 75મી વર્ષગાંઠ મનાવવાનો છું. સંવિધાનને ચેડાં કરનારી ગેંગને ખુલ્લી પાડવાનો છું. ગામે ગામ, સ્કૂલે સ્કૂલે, મહોલ્લે મહોલ્લે જઇને 4થી જૂને પરિણામ આવ્યું નથી કે હું પાછળ પડ્યો નથી. સંવિધાનની મર્યાદા, સંવિધાનનું સન્માન, સંવિધાન પ્રત્યે રાષ્ટ્રની અંદર જાગૃતિ એનું મોટું અભિયાન ચલાવીશ. આ લોકોના મગજ ઠેકાણે લાવવા જ પડશે.
ભાઇઓ-બહેનો,
આજે દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે. મારા જે ફર્સ્ટ ટાઇમ વોટર છે. હું પ્રધાનમંત્રી બન્યો ત્યારે તો તેઓ માંડ આઠથી દસ વર્ષના બાળકો હતા. તે સમયે દેશની શું દશા હતી, એ વખતની એમને કંઇ ખબર નહીં હોય. મારે મારા ફર્સ્ટ ટાઇમ વોટર્સને કહેવાનું છે, તમે તો ગુગલ ગુરુવાળા વિદ્યાર્થીઓ છો. તમે બધા ગુગલ ગુરુના શિષ્યો છો. જરા ગુગલ પર જઇને 2012, 2013, 2014ના છાપા જોઇ લેજો. એ દિવસોને યાદ કરજો, આપણે હવે દેશને ત્યાં નથી લઇ જવો. મારા પહેલી વખતના જે મતદાતાઓ છે, તમારો પહેલો વોટ દેશના નામે જવો જોઇએ. દેશના ભવિષ્યના માટે હોવો જોઇએ.
ભાઇઓ-બહેનો,
રાજકોટ હોય, ભાવનગર હોય ખૂબ મોટી માત્રામાં ઔદ્યોગિક વિસ્તાર માટે આપણે કામે લાગ્યા છે. ભૂપેન્દ્રભાઇએ કહ્યું એમ સેમિકંડક્ટર દુનિયાના ચાર-પાંચ દેશોમાં જ છે. એ મોટું કામ તમારા પડોશમાં આવી રહ્યું છે. તમારા માટે તો જયજયકાર છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ તમારા તો ઘરઆંગણે બની ગયું... તમારો તો જયજયકાર છે. હવે તો ઇલેકટ્રીક વ્હિકલનો જમાનો છે. તમને ખબર છે મોદીસાહેબે શું વિચાર્યું છે. આપણાં નરેન્દ્રભાઇ. પીએમ સૂર્યઘર મારી યોજના છે. તમારા ઘરનું વીજળીનું બિલ ઝીરો એટલે કે મફત કરવાનું છે. સૂર્યઘર યોજનાથી સોલાર પેનલ લાગશે. તમે વીજળી પેદા કરશો એટલું જ નહીં જે વધારાની વીજળી છે એ સરકાર પોતે ખરીદી લેશે. એટલે તમારા ઘરનું જે વીજળીનું બીલ ભરો છો, તેના સ્થાને વીજળી વેચીને કમાણી કરી શકશો. આ તમારા નરેન્દ્રભાઇ આપવાના છે. એટલું જ નહીં, આજે તમે જે ગાડીઓ ચલાવો છોને, પેટ્રોલ-ડીઝલનો ખર્ચો કરો છો. સાહેબ એ પણ મારે ઝીરો કરી દેવાનો છે. પેટ્રોલ-ડીઝલની ગાડીઓ મફતમાં ચાલે તેવું કરવાનું છે. એનો ઉપાય કેવો..? જે સોલાર પેનલ ઘરની છત પર લાગશે, દિવસભરની જે સોલાર એનર્જી પડી હોય તેનાથી ઘરમાં જ રાતે સ્કૂટર-સ્કૂટી-ગાડી ચાર્જ કરી શકશો. અમદાવાદ જઇને આંટો મારીને આવો, એક રૂપિયો પણ ખર્ચો નહીં. બોલો લહેરમ લહેર જ છેકે નહીં. બે હાથમાં લાડવા છેકે નહીં.
આ તમારો નરેન્દ્રભાઇ પાંચેય આંગળી ઘીમાં કરાવી દે કે નહીં અને એટલા માટે મારે બધા પોલિંગ બૂથ જીતવા છે. અમારા જે ઉમેદવારો છે, આ ચૂંટણીમાં અમારા સુરેન્દ્રનગરના ભાઇ શ્રી ચંદુભાઇ શિહોરા, અમારા નીવડેલા કાર્યકર્તા છે. અમારા ડોક્ટર સાહેબને તો ગયા વખતે મેં પરાણે ચૂંટણી લડાવી હતી, એ તો રાજકારણનો જીવ જ નથી, પરાણે લઇ ગયો હતો. પહેલા તો વિધાનસભામાં મેં ચપ્પલ ઘસી નાખ્યા હતા પણ આ ડોક્ટર સાહેબ તૈયાર જ ન થાય. હવે ચંદુભાઇ અમારા ઉમેદવાર છે. ભાવનગરમાં અમારા નિમુબેન બાંભણિયાને ભારે બહુમતથી આપ એમને જીતાડો. બધા બૂથમાં જીતાડો. અમારા ભારતીબેન શિયાળના કામનો પાકો પાયો પડ્યો છે. હવે ભાવનગરમાં અમારા નિમુબેન તેને આગળ વધારશે. આપણે બધા બૂથ જીતવા છે અને જીતીને બતાવો...
ભારત માતા કી જય