“તમે 'અમૃત પેઢી'નું પ્રતિનિધિત્વ કરો છો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારતનું સર્જન કરશે”
"જ્યારે સ્વપ્નો સંકલ્પમાં પરિવર્તિત થાય છે અને જીવન તેને સમર્પિત થાય છે, ત્યારે સફળતા નિશ્ચિત છે. આ સમય ભારતના યુવાનો માટે નવી તકોનો સમય છે"
"ભારતનો સમય આવી ગયો છે"
"યુવા શક્તિ ભારતની વિકાસલક્ષી સફરનું પ્રેરક બળ છે"
"જ્યારે દેશ યુવાનોની ઊર્જા અને ઉત્સાહથી ભરેલો છે, ત્યારે તે દેશની પ્રાથમિકતાઓ હંમેશા તેના યુવાનો રહેશે"
"આ ખાસ કરીને દેશની દિકરીઓ માટે સંરક્ષણ દળો અને એજન્સીઓમાં મોટી સંભાવનાઓનો સમય છે"

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન રાજનાથ સિંહ જી, શ્રી અજય ભટ્ટ જી, સીડીએસ અનીલ ચૌહાણ જી, ત્રણેય લશ્કરોના પ્રમુખ, સુરક્ષા સચિવ, ડીજી એનસીસી તથા આજે વિશાળ સંખ્યામાં પધારેલા તમામ અતિથિગણ અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો.
આઝાદીના 75 વર્ષના આ પડાવમાં એનસીસી પણ પોતાની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ વર્ષોમાં જે લોકએ એનસીસીનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેઓ તેનો હિસ્સો રહ્યા છે, હું રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરું છું. આજે આ સમયે મારી સમક્ષ જે કેડેટ્સ છે, જેઓ હાલમાં એનસીસીમાં છે, તેઓ તો વધારે વિશેષ છે, ખાસ છે. આજે જે રીતે કાર્યક્રમની રચના થઈ છે, માત્ર સમય જ બદલાયો નથી પરંતુ સ્વરૂપ પણ બદલાયું છે. અગાઉની સરખામણીએ પ્રેક્ષકો પણ ઘણી મોટી સંખ્યામાં છે. અને કાર્યક્રમની રચના પણ વિવિધતાથી ભરેલી છે પરંતુ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના મૂળ મંત્રને ગુંજતા ગુંજતા હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં લઈ જનારો આ સમારંભ  હંમેશાં હંમેશાં યાદ રખાશે. અને તેથી જ હું એનસીસીની સમગ્ર ટીમને, તેના તમામ અધિકારીને તથા વ્યવસ્થાપક તમામને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આપ એનસીસી કેડેટ્સના રૂપમાં પણ અને દેશની યુવાન પેઢીના રૂપમાં પણ એખ અમૃત પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. આ અમૃત પેઢી આવનારા 25 વર્ષમાં દેશને એક નવી ઉંચાઈ પર લઈ જશે, ભારતને આત્મનિર્ભર બનાવશે અને વિકસિત બનાવશે.

સાથીઓ,
દેશના વિકાસમાં એનસીસીની શું ભૂમિકા છે, આપ સૌ કેટલી પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યા છો, તે અમે થોડી વાર અગાઉ અહીં નિહાળ્યું છે. આપમાંથી એક સાથીએ મને યુનિટી ફ્લેમ સોંપી. આપે દરરોજ 50 કિલોમીટર દોડ લગાવતા લગાવતા 60 દિવસમાં કન્યાકુમારીથી દિલ્હીનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. એકતાની આ જ્યોતમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારતની’ ભાવના સશક્ત બને તેના માટે ઘણા સાથીઓએ આ દોડમાં ભાગ લીધો. આપે ખરેખર પ્રશંસનીય કાર્ય કર્યું છે. પ્રેરક કામ કર્યું છે. અહીં આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભારતના સાંસ્કૃતિક વારસા, આપના કૌશલ્ય અને કર્મઠતાના આ પ્રદર્શનમાં તથા તેના માટે પણ હું આપને જેટલા અભિનંદન પાઠવું તેટલા ઓછા છે.

સાથીઓ,
આપે ગણતંત્ર દિવસની પરેડમાં પણ ભાગ લીધો હતો. આ વખતે આ પરેડ એટલા માટે પણ વિશેષ હતી કેમ કે પહેલી વાર તેનું આયોજન કર્તવ્ય પથ પર થયું હતું. અને દિલ્હીનું હવામાન તો આજ કાલ થોડું વધારે જ ઠંડુ રહે છે. આપમાંથી અનેક સાથીઓને તો કદાચ આ હવામાનની આદત પણ નહીં હોય. તેમ છતાં હું આપને દિલ્હીમાં કેટલીક જગ્યાએ ફરવા જવાનો ચોક્કસ આગ્રહ કરીશ. સમય કાઢશો ને...જૂઓ નેશનલ વોર મેમોરિયલ, પોલીસ મેમોરિયલ જો આપ ગયા ના હોય તો આપે જરૂર જવું જોઇએ. આ જ તે લાલ કિલ્લામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મ્યુઝિયમમાં પણ આપ ચોક્કસ જજો. આઝાદ ભારતના તમામ પ્રધાનમંત્રીઓથી પરિચય કરાવતો એક આધુનિક  પીએમ મ્યુઝિયમ પણ બન્યું છે. ત્યાં આપ વીતેલા 75 વર્ષમાં દેશની વિકાસ યાત્રા અંગે પણ જાણી સમજી શકશો. આપે અહીં સરદાર પટેલનું શાનદાર મ્યુઝિયમ જોવા મળશે, બાબા સાહેબ આંબેડકરનું ભવ્ય મ્યુઝિયમ જોવા મળશે, ઘણું બધું છે. બની શકે છે કે આ સ્થાનોમાંથી આપને કોઈને કોઇ પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે, જેનાથી આપનું જીવન એક નિર્ધારિત લક્ષ્યાંકને લઇને કાંઇક કરી છૂટવા માટે નીકળી પડે, આગળને આગળ જ વધતું ચાલ્યું જાય.

મારા યુવાન સાથીઓ,
કોઇ પણ રાષ્ટ્રને ચલાવવા માટે જે ઉર્જા સૌથી અગત્યની હોય છે તે ઉર્જા છે યુવાન. અત્યારે આપ ઉંમરના જે પડાવ પર છો, ત્યાં એક જોશ હોય છે, ઝનૂન હોય છે. આપના ઘણા બધા સ્વપ્નો હોય છે. અને જ્યારે સ્વપ્ન સંકલ્પ બની જાય તથા સંકલ્પ માટે જીવન જોડાઈ જાય તો જીવન પણ સફળ થઈ જાય છે. અને ભારતના યુવાનો માટે આ સમય નવી તકોનો છે. દરેક સ્થાને એક જ ચર્ચા છે કે ભારતનો સમય આવી ગયો છે, ભારતનો સમય આવી ગયો છે, આજે સમગ્ર દુનિયા ભારત તરફ નજર માંડીને બેઠી છે. અને તેની પાછળ સૌથી મોટું કારણ આપ છો, ભારતના યુવાનો છે. ભારતનો યુવાન આજે કેટલો જાગૃત છે તેનું એક ઉદાહરણ હું આપને ચોક્કસ આપવા માગું છું.  એ આપને ખબર છે કે આ વર્ષે ભારત વિશ્વની 20 સૌથી સશક્ત અર્થવ્યવસ્થાઓના સમૂહ જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. હું ત્યારે આશ્ચર્યમાં પડી ગયો જ્યારે દેશભરના યુવાનોએ મને આ માટે પત્રો લખ્યા. દેશની સિદ્ધિઓ તથા પ્રાથમિકતાઓને લઈને આપ જેવા યુવાનો જે રીતે રસ લઈ રહ્યા છે તે જોઇને ખરેખર ખૂબ જ ગર્વ થાય છે.

સાથીઓ,
જે દેશના યુવાનો આટલા ઉત્સાહ અને જોશથી ભરેલા હોય, તે દેશની પ્રાથમિકતા હંમેશાં યુવાનો જ રહેશે. આજનું ભારત પણ તમામ યુવાન સાથીઓ માટે એ મંચ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે આપના સ્વપ્નોને સાકાર કરવામાં મદદ કરી શકે. આજે ભારતમાં યુવાનો માટે નવા નવા સેક્ટર ખોલવામાં આવી રહ્યા છે. ભારતની ડિજિટલ ક્રાંતિ હોય, ભારતની સ્ટાર્ટ અપ ક્રાંતિ હોય, ઇવોનેશન ક્રાંતિ હોય આ તમામનો સૌથી મોટો લાભ યુવાનોને તો થઈ રહ્યો છે.આજે ભારત જે રીતે પોતાના ડિફેન્સ સેક્ટરમાં સતત સુધારા કરી રહ્યું છે તેનો લાભ પણ યુવાનોને થઈ રહ્યો છે. એક સમય  હતો જ્યારે આપણે એસોલ્ટ રાઇફલ અને બુલેટ પ્રુફ જેકેટ પણ વિદેશથી મંગાવતા હતા. આજે  લશ્કરની જરૂરિયાતના એવી સેંકડો ચીજવસ્તુઓ છે જે આપણે ભારતમાં જ બનાવીએ છીએ. આજે આપણે આપણા સરહદી માળખા પર પણ ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છીએ. આ તમામ અભિયાન ભારતના યુવાનો માટે નવી સંભાવનાઓ લઈને આવ્યા છે, નવી તકો લઈને આવ્યા છે.

સાથીઓ,
જ્યારે આપણે યુવાનો પર ભરોસો કરીએ છીએ, ત્યારે શું પરિણામ આવે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ આપણું સ્પેસ સેક્ટર છે. દેશે સ્પેસ સેક્ટરના દ્વાર યુવા પ્રતિભાઓ માટે ખોલી નાખ્યા છે. અને જોત જોતામાં પ્રથમ ખાનગી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું. આ  જ રીતે એનિમેશન અને ગેમિંગ સેક્ટર, પ્રતિભાશાળી યુવાનો માટે અવસરોનો વિસ્તાર લઈને આવ્યું છે. આપે ડ્રોનનો ઉપયોગ કાં તો જાતે કર્યો હશે અથવા તો અન્ય કોઇને તેનો ઉપયોગ કરતા જોયા હશે. હવે તો ડ્રોનનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. એન્ટરટેનમેન્ટ હોય, લોજિસ્ટિક્સ હોય, ખેતી વાડી હોય, દરેક જગ્યાએ ડ્રોન ટેકનોલોજી આવી રહી છે. આજે દેશનો યુવાન દરેક પ્રકારના ડ્રોન ભારતમાં તૈયાર કરવા માટે આગળ ધપી રહ્યો છે.

સાથીઓ, 
મને લાગે છે કે આપમાંથી મોટા ભાગના યુવાનો આપણા લશ્કરમાં, આપણા સુરક્ષા દળોમાં, એજન્સીઓમાં જોડાવાની આકાંક્ષા રાખે છે. આ બાબત ચોક્કસપણે આપના માટે ખાસ કરીને આપણી દિકરીઓ માટે પણ ઘણી મોટી તકનો સમય છે. વીતેલા આઠ વર્ષમાં પોલીસ અને અર્ધસૈનિક દળોમાં દિકરીઓની સંખ્યામાં લગભગ બમણો વધારો થયો છે. આજે આપ જૂઓ, લશ્કરની ત્રણેય પાંખોમાં મોખરાના મોરચા પર મહિલાઓની તૈનાતીનો માર્ગ ખૂલી ગયો છે. આજે મહિલાઓ ભારતીય નૌકા સેનામાં  પહેલી વાર અગ્નિવીરના રૂપમાં, નાવિકના રૂપમાં સામેલ થઈ છે. મહિલાઓએ સશક્ત દળોમાં લડાયક ભૂમિકાઓમાં પ્રવેશ કરવો શરૂ કરી દીધો છે. એનડીએ પૂણેમાં મહિલા કેડેટ્સની પ્રથમ બેચ શરૂ થઈ ગઈ છે. અમારી  સરકાર દ્વારા સૈનિક સ્કૂલમાં દિકરીઓના એડમિશનની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.  આજે મને આનંદ છે કે લગભગ 1500 વિદ્યાર્થિનીઓ સૈનિક સ્કૂલમાં અભ્યાસ શરૂ કરી ચૂકી છે. એટલે સુધી કે એનસીસીમાં પણ આપણે પરિવર્તન જોઈ રહ્યા છીએ. વીતેલા એક દાયકા દરમિયાન એનસીસીમાં દિકરીઓની ભાગીદારી પણ સતત વધી રહી છે. હું જોઈ રહ્યો હતો કે અહીં જે પરેડ થઈ તેનું નેતૃત્વ પણ એક દિકરીએ કર્યું હતું. સરહદી તથા તટિય ક્ષેત્રોમાં એનસીસીના વ્યાપના અભિયાનમાં પણ મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ રહ્યા છે. અત્યાર સુધી સરહદી તથા તટિય ક્ષેત્રોમાં લગભગ એક લાખ કેડેટ્સની નોંધણી થઈ ગઈ છે. આવડી મોટી યુવા શક્તિ જ્યારે રાષ્ટ્ર નિર્માણમાં જોડાશે, દેશના વિકાસમાં જોડાશે, તો સાથીઓ અત્યંત વિશ્વાસપૂર્વક કહું છું કે કોઇ પણ લક્ષ્યાંક અશક્ય નહીં હોય. મને ખાતરી છે કે એક સંગઠનના રૂપમાં પણ અને વ્યક્તિગત રૂપમાં પણ આપ તમામ દેશના સંકલ્પોની સિદ્ધિમાં પોતાની ભૂમિકાનો વિસ્તાર કરશો. માતા ભારતી માટે આઝાદીના જંગમાં અનેક લોકોએ દેશ માટે મરવાનો માર્ગ પસંદ કર્યો હતો. પરંતુ આઝાદ ભારતમાં પળે પળે દેશ માટે જીવવાનો માર્ગ જ દેશને દુનિયામાં નવી ઉંચાઈ પર પહોંચાડે છે. અને આ સંકલ્પની પૂર્તિ માટે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના આદર્શોને લઈને દેશને તોડવાના ઘણા બહાના શોધવામાં આવતા હોય છે. વિવિધ વાતો બહા લાવીને માતા ભારતીના સંતાનો વચ્ચે દૂધમાં તીરાડ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લાખ પ્રયાસ કરવામાં આવે પરંતુ માતાના દૂધમાં ક્યારેય તીરાડ હોઈ શકે નહીં. અને તેના માટે એકતાના મંત્રમાં ઘણી મોટી ઔષધિ છે, ઘણું બધું સામર્થ્ય પણ છે અને ભારતને ભવ્યતા પ્રાપ્ત કરવા માટે આ જ તો એક માર્ગ છે. આ માર્ગને આપણે જીવવાનો છે, આ માર્ગ પર આવનારી અડચણોની સામે આપણે ઝઝૂમવાનું છે. અને દેશ માટે જીવીને સમૃદ્ધ ભારતને પોતાની આંખો સામે નિહાળવાનું છે. આ જ આંખથી ભવ્ય ભારતને નિહાળવું તેનાથી કોઈ નાનો સંકલ્પ હોઈ જ શકે નહીં. આ સંકલ્પની પૂર્તિ માટે આપ સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. 75 વર્ષની આ યાત્રા, આવનારા 25 વર્ષ જે ભારતનો અમૃતકાળ છે, જે આપનો પણ અમૃતકાળ છે જ્યારે દેશ 2047માં આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, એક વિકસિત દેશ હશે તો એ સમયે આપ એ ઉંચાઈ પર બેઠા હશો. 25 વર્ષ બાદ આપ કઈ ઉંચાઈ પર હશો, કલ્પના કરો દોસ્તો. અને તેથી જ એક પળ પણ ગુમાવવાની નથી, એક પણ તક છોડવાની નથી,.બસ, માતા ભારતીને નવી ઉંચાઈઓ પર લઈ જવાનો સંકલ્પ લઈને ચાલતા જ રહેવાનું છે, આગળ ધપતા જ રહેવાનું છે, નવી નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા જવાની છે, વિજયશ્રીનો સંકલ્પ લઈને ચાલવાનું છે. આ જ મારી આપ સૌને શુભકામના છે. સમગ્ર તાકાત સાથે મારી સાથે બોલો – ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.
વંદે માતરમ, વંદે માતરમ
વંદે માતરમ, વંદે માતરમ
વંદે માતરમ, વંદે માતરમ
ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Private equity investments in Indian real estate sector increase by 10%

Media Coverage

Private equity investments in Indian real estate sector increase by 10%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India