ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ઈ સભકુ, વિચ્ચ્ચે-સિના રઈતુલુ,
સોદરા, સોદરી-મનુલકુ, નમસ્કાર-મુલુ.
તેલંગાણાનાં રાજ્યપાલ ડૉક્ટર તમિલિસાઈ સૌંદરરાજનજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી કિશન રેડ્ડીજી, ભગવંત ખુબાજી, સંસદમાં મારા સાથી શ્રી બંદી સંજયકુમારજી શ્રી વેંકટેશ નેથાજી, અન્ય મહાનુભવો, ભાઈઓ અને બહેનો.
રામગુંડમની ધરતી પરથી સમગ્ર તેલંગાણાને મારાં આદરપૂર્વક નમસ્કાર! અને હમણાં જ મને જણાવવામાં આવ્યું અને હું અત્યારે ટી.વી. સ્ક્રીન પર જોઈ પણ રહ્યો હતો કે અત્યારે તેલંગાણાનાં 70 વિધાનસભા ક્ષેત્રોમાં, 70 વિધાનસભા મતવિસ્તારોમાં, હજારો ખેડૂત ભાઈ-બહેનો પણ આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાયેલાં છે. હું તે તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોનું પણ સ્વાગત કરું છું, તેમને અભિનંદન આપું છું.
સાથીઓ,
આજે તેલંગાણા માટે 10 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ અહીં ખેતી અને ઉદ્યોગ બંનેને બળ આપવા જઈ રહ્યા છે. ફર્ટિલાઇઝર પ્લાન્ટ હોય, નવી રેલવે લાઇન હોય, હાઇવે હોય, તેનાથી ઉદ્યોગોનું વિસ્તરણ પણ થશે. આ પરિયોજનાઓથી તેલંગાણામાં રોજગારીની નવી તકોનું સર્જન થશે, સામાન્ય માનવીની જીવન જીવવાની સરળતા-ઈઝ ઑફ લિવિંગમાં પણ વધારો થશે. હું આ તમામ પરિયોજનાઓ માટે દેશવાસીઓને, તેલંગાણાના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
છેલ્લાં અઢી વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે, તો બીજી તરફ જે સંઘર્ષ ચાલી રહ્યા છે, તણાવ ચાલી રહ્યો છે, સૈન્ય પગલાં થઈ રહ્યાં છે, તેનાં પરિણામ પણ, એનો પ્રભાવ પણ દેશ અને દુનિયા પર પડી રહ્યો છે. પરંતુ આ વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે આજે આપણે સૌ સમગ્ર દુનિયામાં એક બીજી વાત પણ પ્રમુખતાથી સાંભળી રહ્યા છીએ. વિશ્વના તમામ નિષ્ણાતો કહી રહ્યા છે કે ભારત ખૂબ જ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને, તે દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તમામ નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે 90 પછીનાં 30 વર્ષમાં જે વૃદ્ધિ થઈ હતી તેટલી વૃદ્ધિ હવે માત્ર થોડાં વર્ષોમાં જ થવા જઈ રહી છે. આખરે આટલો અભૂતપૂર્વ વિશ્વાસ આજે દુનિયાને, આર્થિક જગતના વિદ્વાનોને ભારત પર આટલો બધો વિશ્વાસ કેમ છે? એનું સૌથી મોટું કારણ છેલ્લાં 8 વર્ષમાં ભારતમાં આવેલું પરિવર્તન છે. છેલ્લાં 8 વર્ષમાં દેશે કામ કરવાની જૂની રીત-રસમો બદલી નાખી છે. આ 8 વર્ષમાં શાસનને લઈને વિચારસરણીમાં પણ પરિવર્તન આવ્યું છે, અભિગમમાં પણ પરિવર્તન આવ્યું છે. પછી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સરકારી પ્રક્રિયાઓ હોય, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ- વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા હોય, ભારતનો મહત્વાકાંક્ષી સમાજ આ પરિવર્તનોને પ્રેરિત કરી રહ્યો છે, આજે, વિકસિત થવાની આકાંક્ષા માટે, આત્મવિશ્વાસથી ભરેલું એક નવું ભારત, વિશ્વની સામે છે.
ભાઇઓ અને બહેનો,
વિકાસ અમારા માટે 24 કલાક, સાતેય દિવસ, 12 મહિના અને સમગ્ર દેશમાં ચાલતું મિશન છે. જ્યારે અમે કોઈ પ્રોજેક્ટનું લોકાર્પણ કરીએ છીએ, ત્યારે ઘણા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું શરૂ કરી દઈએ છીએ. તે જ આપણે આજે અહીં પણ જોઈ રહ્યા છીએ. અને અમારો એ પણ પ્રયાસ રહે છે કે જે પરિયોજનાનો શિલાન્યાસ થાય, તેનું કામ ઝડપથી થાય અને તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે. રામગુંડમની આ ખાતરની ફેક્ટરી તેનું ઉદાહરણ છે. તેનો શિલાન્યાસ વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો અને આજે તેને રાષ્ટ્રને સમર્પિત કરી દેવામાં આવી છે.
ભાઇઓ અને બહેનો,
21મી સદીનું ભારત મોટાં લક્ષ્યો નક્કી કરીને, તેને ઝડપથી હાંસલ કરીને જ આગળ વધી શકે છે. અને આજે જ્યારે લક્ષ્ય મોટાં છે, નવી પદ્ધતિઓ અપનાવવી પડે છે, નવી વ્યવસ્થાઓ બનાવવી પડે છે. આજે કેન્દ્ર સરકાર પૂરી ઈમાનદારી સાથે આ પ્રયાસમાં લાગી ગઈ છે. દેશનું ફર્ટિલાઇઝર સેક્ટર પણ આનું સાક્ષી બની રહ્યું છે.
પાછલા દાયકાઓમાં આપણે જોયું છે કે દેશ ખાતર માટે મોટા ભાગે વિદેશો પર આયાત કરીને એના પર જ આપણે ટકી રહેતા હતા. યુરિયાની માગને પહોંચી વળવા માટે જે કારખાનાઓ સ્થાપવામાં પણ આવ્યાં હતાં તે પણ ટેકનોલોજી જૂની હોવાનાં કારણે બંધ થઈ ચૂક્યાં હતાં. જેમાં રામગુંડમ પાસે ખાતરની ફેક્ટરી પણ હતી. આ ઉપરાંત બીજી એક મોટી સમસ્યા પણ હતી. આટલું મોંઘું યુરિયા વિદેશથી આવતું હતું, પરંતુ ખેડૂત સુધી પહોંચવાને બદલે ચોરી કરીને ગેરકાયદે કારખાનાઓમાં પહોંચાડી દેવામાં આવતું હતું. આ કારણે ખેડૂતોને યુરિયા લેવા માટે આખી રાત લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું અને ઘણી વાર તો લાઠીઓ પણ ખાવી પડતી હતી. 2014 પહેલાં, દર વર્ષે, દરેક સિઝનમાં, આ જ સમસ્યા ખેડૂતોની સામે આવતી હતી.
સાથીઓ,
વર્ષ 2014 બાદ કેન્દ્ર સરકારે પહેલું કામ એ કર્યું કે યુરિયાનું 100 ટકા નીમ કોટિંગ કરી દીધું. આનાથી યુરિયાની કાળાબજારી બંધ થઈ ગઈ. કેમિકલ ફેક્ટરી સુધી જે યુરિયા પહોંચી જતું હતું એ બંધ થઈ ગયું. ખેતરમાં કેટલું યુરિયા નાખવાનું છે તે જાણવા માટે પણ ખેડૂત પાસે ખાસ સુવિધા નહોતી, ઉપાયો નહોતા. તેથી અમે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવા માટે દેશભરમાં અભિયાન ચલાવ્યું. સોઇલ હેલ્થ કાર્ડ મળવાથી ખેડૂતને એ માહિતી મળી કે ભાઇ જો આપણે ઉપજ વધારવી હોય તો બિનજરૂરી રીતે યુરિયાનો ઉપયોગ કરવાની જરૂર નથી, તેને જમીનની પ્રકૃતિ જાણવા મળવા લાગી.
સાથીઓ,
અમે યુરિયામાં આત્મનિર્ભરતાને લઈને એક બહુ મોટું કામ શરૂ કર્યું. આ માટે દેશની જે 5 મોટી ફર્ટિલાઈઝર ફેક્ટરીઓ વર્ષોથી બંધ પડેલી હતી તેને ફરીથી શરૂ કરવી જરૂરી હતી. હવે આજે જુઓ, યુપીના ગોરખપુરમાં ખાતરનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. રામગુંડમ ફર્ટિલાઇઝર ફેક્ટરીનું પણ લોકાર્પણ થઈ ગયું છે. જ્યારે આ પાંચ ફેક્ટરીઓ કાર્યરત થશે ત્યારે દેશને 60 લાખ ટન યુરિયા મળવાનું શરૂ થશે. એટલે કે હજારો કરોડ રૂપિયા વિદેશ જવાથી બચશે અને ખેડૂતોને વધુ સરળતાથી યુરિયા મળશે. રામગુંડમ ફર્ટિલાઇઝર ફેક્ટરીથી તેલંગાણાની સાથે સાથે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના ખેડૂતોને પણ મદદ મળશે. આ પ્લાન્ટનાં કારણે તેની આસપાસ અન્ય બિઝનેસની તકો પણ ઊભી થશે, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટને લગતા કામો ખુલશે. એટલે કે 6 હજાર કરોડ રૂપિયાનું જે રોકાણ કેન્દ્ર સરકારે અહીં કર્યું છે, તેનાથી તેલંગાણાના નવયુવાનોને કેટલાય હજાર કરોડનો ફાયદો થવાનો છે.
ભાઇઓ અને બહેનો,
દેશનાં ખાતર ક્ષેત્રને આધુનિક બનાવવા માટે, અમે નવી તકનીક પર પણ એટલો જ ભાર આપી રહ્યા છીએ. ભારતે યુરિયાની નેનોટેક્નોલૉજી વિકસાવી છે. એક ગુણ યુરિયાથી જે લાભ થાય છે, એ નેનો યુરિયાની એક બોટલમાંથી જ મળવાનો છે.
સાથીઓ,
ખાતરમાં આત્મનિર્ભરતા કેટલી આવશ્યક છે, તે આપણે આજની વૈશ્વિક પરિસ્થિતિને જોઇને તેનો વધુ અનુભવ કરી રહ્યા છીએ. કોરોના આવ્યો, જ્યારે લડાઈ શરૂ થઈ તો દુનિયામાં ખાતરના ભાવ વધી ગયા. પરંતુ અમે આ વધેલા ભાવોનો ભાર આપણાં ખેડૂત ભાઈઓ-બહેનો પર પડવા દીધો નહીં. યુરિયાની દરેક બેગ જે કેન્દ્ર સરકાર વિદેશથી લાવે છે, તે લગભગ એક બોરી, એક બોરી ખાતર બહારથી લાવે છે તો 2 હજાર રૂપિયામાં ખરીદે છે, ભારત સરકાર 2 હજાર રૂપિયા આપીને લાવે છે. પરંતુ ખેડૂતો પાસેથી 2000 રૂપિયા લેતા નથી. તમામ ખર્ચ ભારત સરકાર ઉઠાવે છે, માત્ર 270 રૂપિયામાં આ ખાતરની થેલી ખેડૂતને મળે છે. આ જ રીતે ડીએપીની એક બેગ પણ સરકારને લગભગ 4 હજાર રૂપિયામાં પડે છે. પરંતુ ખેડૂતો પાસેથી 4000 રૂપિયા લેતા નથી. આ એક બેગ પર પણ સરકાર, એક એક બેગ પર અઢી હજાર રૂપિયાથી પણ વધુની સબસિડી સરકાર આપે છે.
સાથીઓ,
છેલ્લાં 8 વર્ષમાં ખેડૂતને સસ્તું ખાતર આપવા માટે જ કેન્દ્ર સરકારે, આ આંકડો પણ યાદ રાખજો ભાઈઓ, લોકોને કહેજો કે 8 વર્ષમાં ખેડૂતને ખાતરનો બોજ ન વધે, તેને સસ્તું ખાતર મળે, એ માટે સાડા નવ લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ લગભગ 10 લાખ કરોડ રૂપિયા ભારત સરકાર ખર્ચ કરી ચૂકી છે. આ વર્ષે જ કેન્દ્ર સરકાર 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ ખેડૂતોને સસ્તું ખાતર આપવા માટે કરશે. આ ઉપરાંત અમારી સરકાર લગભગ 2.25 લાખ કરોડ રૂપિયા પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત પણ ખેડૂતોનાં બૅન્ક ખાતામાં સીધા ટ્રાન્સફર કરી ચૂકી છે. જ્યારે ખેડૂતોના હિતોને સર્વોપરી રાખનારી સરકાર દિલ્હીમાં હોય, ત્યારે ખેડૂતોનાં ભલા માટે આવા અનેક પ્રોજેક્ટને આગળ ધપાવે છે, કામ કરે છે.
સાથીઓ,
દાયકાઓથી આપણા દેશના ખેડૂતો ખાતરને લગતી એક બીજી સમસ્યા સામે પણ ઝઝૂમી રહ્યા હતા. દાયકાઓથી ખાતરનું એક એવું બજાર બની ગયું હતું, જેમાં જાત-જાતનાં ખાતરો, ભાત ભાતનાં ખાતરોની બ્રાન્ડ બજારમાં વેચાતી હતી. આ કારણે ખેડૂત સાથે ઘણી છેતરપિંડી પણ થતી હતી. હવે કેન્દ્ર સરકારે એમાંથી પણ ખેડૂતોને રાહત આપવાનું શરૂ કર્યું છે. હવે દેશમાં યુરિયાની ફક્ત, ફક્ત ને ફક્ત એક જ બ્રાન્ડ હશે, ભારત યુરિયા-ભારત બ્રાન્ડ. તેની કિંમત પણ નક્કી છે અને ક્વોલિટી પણ નક્કી છે. આ તમામ પ્રયાસો એ વાતનો પુરાવો છે કે આપણે દેશના ખેડૂતો, ખાસ કરીને નાના ખેડૂતો માટે કેવી રીતે સિસ્ટમમાં સુધારો કરી રહ્યા છીએ.
સાથીઓ,
આપણા દેશમાં બીજો એક પડકાર કનેક્ટિવિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રહ્યો છે. આજે દેશ આ ઉણપને પણ દૂર કરી રહ્યો છે. દેશનાં તમામ રાજ્યોમાં હાઇવે, આધુનિક રેલવે, એરપોર્ટ્સ, વોટરવેઝ અને ઇન્ટરનેટ હાઇવે પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. હવે તેને પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી નવી ઊર્જા મળી રહી છે. તમે યાદ કરો પહેલાં શું થતું હતું? ઉદ્યોગો માટે સ્પેશિયલ ઝોન ડિક્લેર થતા હતા. પરંતુ ત્યાં સુધી રસ્તા, વીજળી, પાણી જે પ્રાથમિક સુવિધાઓ જોઇએ, એ પણ પહોંચાડવામાં ઘણાં વર્ષો લાગી જતાં હતાં. હવે અમે આ કાર્યશૈલીને બદલી રહ્યા છીએ. હવે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પરના તમામ હિતધારકો અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ એક નિશ્ચિત વ્યૂહરચના પર સાથે મળીને કામ કરે છે. આનાથી પ્રોજેક્ટ્સ અટકી-લટકી જવાની સંભાવના ખતમ થઈ રહી છે.
સાથીઓ,
ભદ્રાદ્રિ કોત્તાગુડેમ આ જિલ્લો અને ખમ્મમ જિલ્લાને જોડતી નવી રેલવે લાઇન આજે તમારી સેવા માટે સમર્પિત છે. આ રેલવે લાઈનથી અહીંના સ્થાનિક લોકોને તો ફાયદો થશે જ, સાથે સાથે આખા તેલંગાણાને પણ લાભ થશે. તેનાથી તેલંગાણાના પાવર સેક્ટરને લાભ થશે, ઉદ્યોગોને ફાયદો થશે અને નવયુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થશે. સતત પ્રયાસોનાં કારણે આ રેલવે લાઈન 4 વર્ષમાં બનીને તૈયાર પણ થઈ ગઈ છે અને વીજળીકરણ પણ થઈ ચૂક્યું છે. આનાથી કોલસો ઓછા ખર્ચે પાવર ફેક્ટરી સુધી પહોંચી શકશે અને પ્રદૂષણ પણ ઓછું થશે.
સાથીઓ,
આજે જે 3 હાઇવેને પહોળા કરવાનું કામ શરૂ થયું છે, એનાથી કોલસા બેલ્ટ, ઔદ્યોગિક પટ્ટા અને શેરડી પકવતા ખેડૂતોને સીધો ફાયદો થશે. અહીં આપણા ખેડૂત ભાઈ-બહેનો હળદરની ઉપજ વધારવામાં પણ લાગેલાં છે. શેરડીના ખેડૂતો હોય, હળદરના ખેડૂતો હોય, જો અહીં સુવિધાઓ વધશે, તો તેમના માટે તેમની ઊપજનું પરિવહન કરવું સરળ બનશે. એ જ રીતે કોલસાની ખાણો અને વીજ કારખાનાઓ વચ્ચેનો રસ્તો પણ પહોળો થવાથી સુવિધા થશે, સમય ઘટશે. હૈદ્રાબાદ-વારંગલ ઔદ્યોગિક કૉરિડોર, કકાટિયા મેગા ટેક્સટાઇલ પાર્કના પહોળા માર્ગો સાથે કનેક્ટિવિટી, એનું પણ સામર્થ્ય વધારશે.
સાથીઓ,
જ્યારે દેશ વિકાસ કરે છે, વિકાસનાં કાર્યોમાં ગતિ આવે છે, ત્યારે ઘણી વખત રાજકીય સ્વાર્થ માટે, કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકો, કેટલીક તાકાતો પોતાનું અફવા તંત્ર રૂમર્સ અફવા તંત્ર ચલાવવા લાગે છે, લોકોને ઉશ્કેરવાનું શરૂ કરે છે. તેલંગાણામાં આવી જ અફવા આજકાલ 'સિંગારેણી કોઈલરીઝ કંપની લિમિટેડ-એસસીસીએલ' અને વિવિધ કોલસાની ખાણોને લઈને ફેલાવવામાં આવી રહી છે. અને મેં સાંભળ્યું છે, હૈદ્રાબાદથી એને હવા અપાઇ રહી છે. તેમાં નવા નવા રંગ ભરવામાં આવી રહ્યા છે. આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું, તો હું તમને થોડી જાણકારી આપવા માગું છું, હું તમારી સામે કેટલીક હકીકતો મૂકવા માગું છું, હું તમને કેટલાક તથ્યો કહેવા માગું છું. આ અફવા ફેલાવનારાઓને એ પણ ખબર નથી કે આ એમનું જૂઠાણું પકડાઇ જશે. સૌથી મોટાં જુઠ્ઠાણાંને સમજો અને પત્રકાર મિત્રો અહીં બેઠા છે, તેને જરા બારીકાઇથી જોઇ લે એને. એસસીસીએલમાં 51 ટકા ભાગીદારી આ તેલંગાણાની રાજ્ય સરકારની છે, જ્યારે ભારત સરકારનો હિસ્સો માત્ર 49 ટકા છે. એસસીસીએલનાં ખાનગીકરણ સાથે જોડાયેલો કોઈ પણ નિર્ણય કેન્દ્ર સરકાર પોતાનાં સ્તર પર કરી જ શક્તિ નથી, 51 ટકા તેમની પાસે છે. હું ફરી એક વાર કહીશ કે એસસીસીએલનાં ખાનગીકરણની કોઇ દરખાસ્ત કેન્દ્ર સરકાર પાસે વિચારાધીન નથી અને ન તો કેન્દ્ર સરકારનો કોઈ ઈરાદો છે. અને એટલા માટે જ હું મારાં ભાઈઓ-બહેનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર જરાય ધ્યાન ન આપે. આ જુઠ્ઠાણાના વેપારીઓને હૈદ્રાબાદમાં જ રહેવા દો.
સાથીઓ,
આપણે બધાએ દેશમાં કોલસાની ખાણોને લઈને હજારો કરોડ રૂપિયાના કૌભાંડ થતાં જોયાં છે. આ કૌભાંડોને કારણે દેશની સાથે શ્રમિકો, ગરીબો અને આ ખાણો જ્યાં આવેલી હતી તે વિસ્તારોને નુકસાન થયું. આજે દેશમાં કોલસાની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પારદર્શિતા સાથે કોલસાની ખાણોની હરાજી કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાંથી ખનીજ નીકળે છે, એનો લાભ ત્યાં રહેતા લોકોને આપવા માટે અમારી સરકારે ડીએમએફ એટલે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ પણ બનાવ્યું છે. આ ફંડ હેઠળ પણ હજારો કરોડ રૂપિયા રાજ્યોને રિલીઝ કરાયા છે.
ભાઇઓ અને બહેનો,
અમે 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્રને અનુસરીને તેલંગાણાને આગળ વધારવા માગીએ છીએ. તેલંગાણાના ઝડપી વિકાસ માટે અમને તમારા બધાનાં આશીર્વાદ મળતાં રહેશે, આ જ વિશ્વાસ સાથે, ફરી એકવાર આપને આ આટલા બધા વિકાસ કાર્યો માટે ખૂબ ખૂબ અભિનંદન.
મારા ખેડૂત ભાઈઓને વિશેષ અભિનંદન અને તમે લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા, હૈદ્રાબાદમાં કેટલાક લોકોને આજે ઊંઘ નહીં આવે. આટલી મોટી સંખ્યામાં આવવા માટે હું તમારો ખૂબ ખૂબ આભારી છું. આભાર.
મારી સાથે બોલો, ભારત માતા કી જય. બેઉ મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલો.
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ધન્યવાદ જી!